પ્રકરણ – 37 | આઈનામાં જનમટીપ

નાર્વેકરના ખભામાં પેસી ગયેલી બૂલેટ કાઢતાં, ટાંકા લઈને લોહી અટકાવતાં સારો એવો સમય થયો. એ બધા
સમય દરમિયાન દિલબાગ અને ચંદુ બેચેનીથી ઓપરેશન થિયેટરની બહાર ચક્કર લગાવતા રહ્યા.
‘કેમ છે નાર્વેકરને?’ લગભગ સવારે ચાર વાગ્યે રાહુલ તાવડેનો ફોન આવ્યો. એના અવાજ પરથી સમજાતું હતું
કે, એ આખી રાત સૂતો નથી.
‘ઓપરેશન થિયેટરમાં છે. બચી જશે.’ દિલબાગે કહ્યું, ‘સખ્ત જાન છે. એમ સહેલાથી મરે એવો નથી.’ કહીને
દિલબાગે ઉમેર્યું, ‘પેલા અવિનાશકુમારના બચ્ચાને…’
‘એને બિચારાને પણ ગોળી વાગી.’ રાહુલે જે રીતે કહ્યું એ રીતે દિલબાગને હળવી ફાળ પડી. એ કશું બોલ્યો
નહીં, રાહુલે આગળ કહ્યું, ‘કદાચ, નહીં બચે.’ ઊંડો નિઃશ્વાસ નાખીને એણે ઉમેર્યું, ‘બિગ લૉસ. સારો માણસ હતો.’
રાહુલે જે રીતે કહ્યું એમાં દિલબાગને વ્યંગ અને કડવાશ બંને સંભળાયાં, ‘પ્રામાણિક અને વફાદાર માણસો જલદી
મળતા નથી.’
‘જી, સાહેબ.’ કહીને દિલબાગ સહેજવાર મૌન રહ્યો, પછી ઉમેર્યું, ‘તમે મને ક્યારેય પણ યાદ કરી શકો. હું
તમારી સેવામાં હાજર જ છું.’
‘જાણું છું.’ રાહુલે કહ્યું, ‘થોડી ગેરસમજણ થઈ…’ એણે ફોન ડિસકનેક્ટ કરતા પહેલાં કહ્યું, ‘તમને જે તકલીફ
પડી એ માટે…’
રાહુલનું વાક્ય પૂરું થાય એ પહેલાં દિલબાગે કહી નાખ્યું, ‘વાંધો નહીં સાહેબ.’ રાહુલનો ફોન ડિસકનેક્ટ થઈ
ગયો. દિલબાગે ચંદુ સામે જોયું. બંને જણાંએ એકબીજાની આંખમાં અવિનાશકુમારના ગુડબાય અને રાહુલના
બદલાયેલા વર્તાવ વિશેના સમાચારની આપ-લે કરી લીધી.
લગભગ બે-સવા બે કલાક પછી ડૉક્ટરે ઓપરેશન થિયેટરનો દરવાજો ખોલીને કહ્યું, ‘હી ઈઝ ઓકે. ખાસ
નુકસાન નથી થયું. બસ, લોહી બહુ વહી ગયું છે એટલે નબળાઈ લાગશે થોડા દિવસ.’ એમણે નજીક આવીને ઉમેર્યું,
‘અઠવાડિયું-દસ દિવસ…’
‘ચલો, એને લઈ જવાની તૈયારી કરો.’ દિલબાગે કહ્યું.
‘હું એને લઈ જવાની રજા નથી આપતો.’ ડૉક્ટરે કહ્યું.
‘મેં રજા માગી પણ નથી.’ દિલબાગે તોછડાઈથી કહ્યું, ‘હું એને લઈ જ જઈશ.’ કહીને ડૉક્ટરના જવાબની રાહ
જોયા વગર દિલબાગ ઓપરેશન થિયેટરમાં ઘૂસી ગયો. એણે બેહોશ નાર્વેકર તરફ એક ક્ષણ માટે જોયું. પાછળ પાછળ
આવી પહોંચેલા ડૉક્ટરે કહ્યું, ‘એને જે કંઈ થશે એની જવાબદારી તમારી રહેશે.’
‘ને અહીંયા જો એને કંઈ થશે તો એની જવાબદારી તમારી રહેશે.’ દિલબાગે કહ્યું અને ડૉક્ટર ચૂપ થઈ ગયા.
પોતે જ જાણે આ હોસ્પિટલનો માલિક હોય એમ દિલબાગે સૂચનાઓ આપવા માંડી, ‘ચાલો, ફટાફટ આને અહીંથી
લઈ જવાની તૈયારી કરો.’ સ્ટાફ પણ જાણે દિલબાગનું જ કહ્યું માનતો હોય એમ એમણે નાર્વેકરને લઈ જવાની તૈયારી
કરવા માંડી. દિલબાગ હોસ્પિટલમાંથી નાર્વેકરને લઈને નીકળ્યો ત્યારે પૂર્વ દિશાનું આકાશ લાલ થઈ ગયું હતું.

*

મુંબઈની સવાર શ્યામા માટે બેચેન અને અકળાવનારી પડી હતી. આજે મંગલસિંઘના કેસનું પહેલું હિઅરિંગ
હતું. કેસ રિ-ઓપન થયા પછી મંગલસિંઘને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. એ આર્થર રોડ જેલમાં હતો,
શ્યામા એને એ પછી મળી શકી નહોતી. નાહીને તૈયાર થયા પછી મંદિરમાં દીવો કરતી વખતે શ્યામાએ બે હાથ જોડીને
મનોમન પ્રાર્થના કરી, ‘તું જ કહે છે કે, પસ્તાવો કરે એને ક્ષમા મળવી જોઈએ. મંગલને જે થયું એનો અફસોસ છે… તું
પણ જાણે છે…’ એની આંખમાંથી અજાણતાં જ આંસુના બે બુંદ ગાલ સુધી સરકી આવ્યાં. એણે આંસુ લૂછી નાખ્યા.

પોતાના ખભા પર શ્યામાએ પિતાના હાથનો હુંફાળો સ્પર્શ અનુભવ્યો, ‘હું જાણું છું તારા મનમાં જે
અસમંજસ અને ગૂંચવણ ચાલી રહી છે તે.’ ભાસ્કરભાઈ કહી રહ્યા હતા. શ્યામાની નજર સામે ભગવાનની મૂર્તિ તરફ
હતી, ‘પણ એક વાત યાદ રાખજે બેટા, ઈશ્વર બીજો મોકો ભાગ્યે જ કોઈને આપે છે અને જે માણસ આવો ભાગ્યે
જ મળેલો મોકો ખોઈ નાખે છે એનાથી ઈશ્વર પણ નારાજ થઈ જાય છે.’ શ્યામા કશું બોલી નહીં. ભાસ્કરભાઈએ
આગળ કહ્યું, ‘તેં જે માગ્યું હતું એ તને મળ્યું છે. જ્યારે પહેલીવાર આપણે કેસ હાર્યા ત્યારે ઘેર આવીને આ જ મંદિરમાં
ધ્રૂસકે ધ્રૂસકે રડતાં તે આ જ મૂર્તિ સમક્ષ કહ્યું હતું, ‘તમે મારી સાથે અન્યાય કર્યો છે. તમે જ મને ન્યાય અપાવજો નહીં
તો, મારી શ્રધ્ધા ઊઠી જશે તમારામાંથી.’ શ્યામાની આંખમાંથી ફરી આંસુ વહી નીકળ્યાં. એ ભાસ્કરભાઈ તરફ ફરીને
એમને ભેટી પડી. ભાસ્કરભાઈએ એના માથામાં હાથ ફેરવતા ધીમેથી કહ્યું, ‘ઈશ્વરે ન્યાય કર્યો છે તારી સાથે. તારી
શ્રધ્ધા ફરી દૃઢ થાય એ માટે એ દુરાચારી અને પાપી માણસને ફરી તારી સામે ઊભો રાખ્યો છે. હવે ઢીલી નહીં પડતી.’
ભાસ્કરભાઈ ઈમોશનલ થઈ ગયા, ‘તું સાથે આવવાની ના પાડે છે, પણ તને એકલી જવા દેવા માટે મારું મન નથી
માનતું.’
‘આ મારી લડાઈ છે.’ શ્યામાએ કહ્યું, ‘ભીતર અને બહાર બંને… મારે જ લડવી પડશે.’ એ પલક પણ ઝપકાવ્યા
વગર ઈશ્વરની મૂર્તિ તરફ જોઈ રહી.
‘બહારની લડાઈ તો જીતી જ ગઈ છે તું, પણ ભીતરની લડાઈ જીતીશ કે નહીં એ વિશે મને…’ ભાસ્કરભાઈ
આગળના શબ્દો ગળી ગયા. એ ચૂપચાપ શ્યામાના ખભે હાથ પસવારતા રહ્યા, ‘ભીતરની લડાઈનો સૌથી મોટો
પ્રોબ્લેમ એ છે કે, એમાં બંને પક્ષે આપણે જ લડવાનું હોય છે. જીતીએ તો પણ હારીએ ને હારીએ તો પણ, હારીએ
જ… સમજે છે તું?’
‘ડેડ!’ શ્યામા આગળ કશું બોલી ન શકી. એ બરાબર સમજતી હતી કે પિતા જે કહી રહ્યા હતા એ જ સત્ય
હતું. એના મન અને મગજ વચ્ચે ચાલી રહેલા તુમૂલ યુધ્ધને કેમ અટકાવવું એ શ્યામાને સમજાતું નહોતું, ‘તમારી વાત
સાચી છે, હું બધું સમજું જ છું તેમ છતાં…’
‘શામુ! બેટા! એણે પોતાનો નિર્દોષ ચહેરો અને ભોળી આંખોથી તને છેતરી છે. પોતાના બાળપણની વ્યથા-
કથા સંભળાવીને તને પીગળાવવાનો પ્રયત્ન કર્યો છે. એ જાણે છે કે, તારું હૃદય કોમળ છે, તું ક્ષમા કરી શકે છે એ વાત
તો એને ત્યારે જ સમજાઈ ગઈ હોય જ્યારે તેં એને મોતના મોઢામાંથી બચાવ્યો. એ હોંશિયાર છે, કોને ક્યાં, કેવી રીતે
વાપરવા એ આવડે છે એને.’ કહીને ભાસ્કરભાઈએ લગભગ આખરી હુકમની જેમ કહ્યું, ‘કોર્ટમાં પહોંચ અને તારું
કર્તવ્ય, તારી જવાબદારીની સાથે સાથે તારા સ્વમાન માટેની લડાઈ પૂરી કર.’ શ્યામા થોડીક ક્ષણો પિતા સામે જોઈ
રહી પછી ભાસ્કરભાઈને પગે લાગીને એણે પર્સ ઊઠાવી અને ગાડીમાં બેઠી.
ઘરથી કોર્ટ સુધી એના મનમાં જાતભાતના વિચારો અને જુદા જુદા કેટલાય સવાલો એકમેકમાં ગૂંચવાતા રહ્યા.
કોર્ટના આંગણામાં ગાડી પ્રવેશી ત્યારે ડ્રાઈવરે એને કહ્યું, ‘મેડમ! આવી ગયા.’ શ્યામા ઊંઘમાંથી જાગી હોય એમ ચોંકી.
કોણ જાણે કેમ એને ડર લાગતો હતો! નવાઈની વાત તો એ હતી કે, જ્યારે પહેલીવાર એણે કેસ કર્યો, ત્યારે
એને કોર્ટમાં આવતા કે વકીલોના સવાલોના જવાબ આપતા કોઈ ભય કે અચકાટ નહોતો થયો, પરંતુ આજે… જ્યારે
એને ખબર હતી કે, મંગલસિંઘ એનો ગુનો કબૂલી લેવાનો છે અને કેસનો ચૂકાદો શ્યામાની જ તરફેણમાં આવવાનો છે
ત્યારે એના હૃદયમાં એક વિચિત્ર પ્રકારનો ફફડાટ હતો. એ પગથિયાં ચડીને અંદરની તરફ પ્રવેશી ત્યારે એના વકીલ
અનિલ બક્ષી એની પ્રતીક્ષા કરી રહ્યા હતા. બંને જણાં ઝડપથી કોર્ટરૂમ તરફ આગળ વધ્યાં.
કોર્ટરૂમમાં પ્રવેશતી વખતે શ્યામાએ સામેથી પોલીસની સાથે આવી રહેલા મંગલસિંઘને જોયો. એના પગ
અટકી ગયા. અનિલ બક્ષી અંદર પ્રવેશી ગયા, પણ શ્યામા ત્યાં જ ઊભી રહી. જાણે કોઈ ચાવી દીધેલા રમકડાંની જેમ
એ મંગલસિંઘ તરફ આગળ વધી ગઈ. મંગલસિંઘના નિર્દોષ ચહેરા પર એ જ સોહામણું સ્મિત હતું. એના લીસા વાળ
કપાળ પર વીખરાયેલા હતા અને તામ્રવર્ણી ત્વચા આટલા દિવસ જેલમાં રહેવાને કારણે થોડી મેલી લાગતી હતી. એ
હજી કાચા કામનો કેદી હતો એટલે જીન્સ અને ટી-શર્ટ પહેર્યાં હતા. એના હાથ એક દોરડાથી બંધાયેલા હતા.

કોન્સ્ટેબલના હાથમાં દોરડાનો બીજો છેડો હતો અને બીજી તરફ કોન્સ્ટેબલ હાથમાં દંડો લઈને ચાલી રહ્યો હતો.
એની પાછળ એક ઓફિસર હતો. જેના હાથમાં ચાર્જશીટની ફાઈલ હતી.
શ્યામા આવીને સીધી મંગલસિંઘની સામે ઊભી રહી. જાણે કશું બન્યું જ ન હોય એમ મંગલે સ્નેહભર્યું સ્મિત
કર્યું, ‘ઊંઘી નથી આખી રાત!’ મંગલે કહ્યુ, ‘શું કામ ચિંતા કરે છે? બધું તો તને જોઈએ છે એ પ્રમાણે થઈ રહ્યું છે.’
‘મને?’ શ્યામાથી પૂછાઈ ગયું. એણે લગભગ સ્વગત જ કહ્યું, ‘મને ખરેખર આ જોઈએ છે?’
ખડખડાટ હસી પડ્યો મંગલસિંઘ, ‘તુમ્હેં પા કર ભી કિસીને ઈતની મોહબ્બત કી નહીં હોગી, જીતની
મોહબ્બત હમને તુમ્હેં ખો કર કી હૈ.’ એના સ્વચ્છ એકસરખા ગોઠવાયેલા દાંત અને આંખોમાં દેખાતી પ્રેમની ચમક
શ્યામાથી જીરવાઈ નહીં. એ નીચું જોઈ ગઈ. ‘તેં મને બચાવ્યો ત્યારે તને ક્યાં ખબર હતી કે હું સાજો થયા પછી તારા
સ્વમાન માટે મારી જિંદગી દાવ પર મૂકી દઈશ… તેં તારી ફરજ પૂરી કરી, હવે હું મારી…’ એણે કહ્યું.
‘તને કદાચ દસ વર્ષની સજા થાય.’ કહેતાં કહેતાં શ્યામાનું ગળું ભરાઈ આવ્યું, ‘કદાચ, વધારે પણ…’
‘મળવા આવીશ ને જેલમાં? મંગલસિંઘે પોતાના દોરડા બાંધેલા હાથથી કપાળ પર ધસી આવેલા લીસા વાળ
હટાવીને શ્યામા સામે જોયું, સ્મિત કર્યું, એના એકસરખા ગોઠવાયેલા ચમકતા દાંત અને આંખોમાં બાળક જેવું નિર્દોષ
તોફાની સ્મિત જોઈને કોઈ કહી શકે નહીં કે આ માણસે એક નહીં, અનેક છોકરીઓ સાથે બળાત્કાર કર્યો હશે! ‘આ
જિંદગી જ તેં આપી છે મને. એટલે આ જિંદગી ઉપર તારી માલિકી છે. હવે તો જે થશે તે…’ કહીને મંગલસિંઘ
કોર્ટરૂમના દરવાજા તરફ આગળ વધી ગયો. મંગલસિંઘે જાણી જોઈને પોતાનો ખભો શ્યામાના ખભા સાથે ઘસ્યો.
શ્યામાના શરીરમાંથી એક ઝણઝણાટી પસાર થઈ ગઈ. થોડીક ક્ષણ ત્યાં જ ઊભી રહીને શ્યામા એને જતો જોઈ રહી.
કોર્ટરૂમના દરવાજા તરફ દોડી.
કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. કેસ સાંભળવા આવેલા, કૌતુક જોવા આવેલા લોકોથી શરૂ કરીને મીડિયા,
પ્રેસ, સરકારી ઓફિસર્સ અને હોમ મિનિસ્ટ્રીના કેટલાક માણસો પણ ત્યાં બેઠાં હતા. દિલબાગના એક-બે માણસો પણ
અહીં હાજર હતા. કોર્ટમાં કંઈ અનહોની ન થાય એ માટે અલતાફના બે માણસો બેઠેલા લોકોની બંને તરફ આરોપી
અને સાક્ષીના પાંજરાની નજીક, પોલીસની પાસે ઊભા હતા. જજ પ્રવેશ્યા. સૌ ઊભા થયા, ગોઠવાયા. કેસની વિગતો
જણાવવામાં આવી. ન્યાયમૂર્તિએ મંગલસિંઘ તરફ જોઈને પૂછ્યું, ‘તમે તમારા ઉપર લગાવવામાં આવેલા ચાર્જ
સાંભળ્યા?’
‘યસ, યોર લોર્ડશિપ.’
‘તમને આ આરોપ કબૂલ છે?’ ન્યાયમૂર્તિએ પ્રશ્ન કર્યો.
‘યસ, યોર લોર્ડશિપ.’ મંગલસિંઘે તદ્દન સ્વસ્થ અને સ્થિર અવાજે જવાબ આપ્યો.
‘બળાત્કારની સજા સાતથી દસ વર્ષની છે, જાણો છો ને?’ ન્યાયમૂર્તિને નવાઈ લાગી, ‘તમે આ કબૂલાત કોઈના
દબાણમાં આવીને, કોઈ પારિવારિક સમસ્યા કે પ્રશ્નને કારણે નથી કરતા ને? તમે જે કહેશો એની નોંધ લેવાશે.’
દિલબાગસિંઘનો દીકરો હતો આ. ન્યાયમૂર્તિ પણ કોઈ ચાન્સ લેવા નહોતા માગતા. દોઢ વર્ષ પહેલાંના કેસની વિગતો
જાણતા હતા એ. ત્યારે રજૂ કરવામાં આવેલા સાક્ષીઓ અને બાકીની વિગતો પણ કઈ રીતે ઉપજાવી કાઢવામાં આવી
હતી એ વિશે થોડો ખ્યાલ હતો એમને, ‘તમે જે કંઈ કહી રહ્યા છો એ સંપૂર્ણ હોશોહવાસમાં, પૂરી જવાબદારી અને
સાનભાન સાથે કહી રહ્યા છો? બરોબર?
‘યસ, યોર લોર્ડશિપ.’ મંગલસિંઘે જવાબ આપીને માથું ઝૂકાવી દીધું. થોડીક ક્ષણો માટે કોર્ટમાં ખામોશી
છવાયેલી રહી. અંદર ઊભેલા મીડિયાકર્મીઓ મંગલસિંઘ બહાર નીકળે તે તરત એના ફોટા પાડવા માટે બેબાકળા થઈ
રહ્યા હતા. કોર્ટમાં બેઠેલા કેટલાક કુતૂહલ પ્રિય લોકો આ જવાબ સાંભળીને ડઘાઈ ગયા હતા. એક રીતે તો કેસ જ પૂરો
થઈ ગયો હતો. સરકારી વકીલે પોતાના તરફથી થોડા પૂરાવા રજૂ કર્યા અને આરોપીને કડક સજા કરવાની અપીલ કરીને
પોતાની દલીલ પૂરી કરી.
‘તમારે કંઈ કહેવું છે?’ ન્યાયમૂર્તિએ શ્યામાને પૂછ્યું. શ્યામા ઊભી થઈ. એને કઠેડામાં આવવાનો ઈશારો કર્યો.
સાક્ષીના પીંજરામાં ઊભી રહેલી શ્યામા થોડીવાર અપલક નજરે આરોપીના પીંજરામાં ઊભેલા મંગલસિંઘ
તરફ જોતી રહી. બંનેની દ્રષ્ટિમાં વિચિત્ર તારામૈત્રક હતું. મંગલસિંઘ જે રીતે શ્યામા તરફ જોઈ રહ્યો હતો, એના ફોટા
મળી શક્યા હોત તો બહું સારું થાત એવો અફસોસ ત્યાં ઊભેલા લગભગ દરેક ફોટોગ્રાફર અને મીડિયાકર્મીને થયો.
કોર્ટરૂમના પ્રોસિજરમાં ફોટો કે વીડિયો શૂટ કરવાની પરવાનગી નથી હોતી… એટલે, મંગલસિંઘની એ આંખો, શ્યામા
માટેનો સ્નેહ અને આસક્તિ કચકડામાં કેદ ન થઈ શક્યાં!

‘તમારે જે કહેવું હોય તે તમે કહી શકો છો.’ ન્યાયમૂર્તિએ ફરી કહ્યું.
‘હું વિનંતી કરું છું કે એને ઓછામાં ઓછી સજા કરવામાં આવે.’ શ્યામાના આ એક જ વાક્યથી કોર્ટરૂમમાં
ગણગણાટ શરૂ થઈ ગયો. મીડિયાકર્મીઓ સતેજ થઈ ગયા અને ન્યાયમૂર્તિના ચહેરા પર આશ્ચર્યમિશ્રિત આઘાતના
ભાવ સ્પષ્ટ વાંચી શકાય એ હદે એમને નવાઈ લાગી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *