પ્રકરણ – 39 | આઈનામાં જનમટીપ

‘હું વિનંતી કરું છું કે એને ઓછામાં ઓછી સજા કરવામાં આવે.’ શ્યામાના આ એક જ વાક્યથી કોર્ટરૂમમાં
ગણગણાટ શરૂ થઈ ગયો. મીડિયાકર્મીઓ સતેજ થઈ ગયા અને ન્યાયમૂર્તિના ચહેરા પર આશ્ચર્યમિશ્રિત આઘાતના
ભાવ સ્પષ્ટ વાંચી શકાય એ હદે એમને નવાઈ લાગી.
‘આ તમે કહો છો?’ ન્યાયમૂર્તિથી પૂછ્યા વગર ન રહેવાયું. સરકારી વકીલ પણ નવાઈથી જોઈ રહ્યા.
‘જી, મિ. લોર્ડ.’ શ્યામાએ શરમાયા કે અચકાયા વગર કહ્યું, ‘આપણું બંધારણ કહે છે કે, સો ગુનેગાર છૂટી જાય,
પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ અને આપણું શાસ્ત્ર કહે છે, સંસ્કૃતિ કહે છે કે, ગુનેગારને જો પશ્ચાત્તાપ થાય
તો એને પ્રાયશ્ચિતની તક મળવી જોઈએ.’ શ્યામા બોલી રહી હતી, ‘આપણા સંસ્કૃત શ્લોકો પણ કહે છે કે, શત્રુ બુધ્ધિ
વિનાશાય. અર્થ એ થયો કે, શત્રુનો નહીં એની બુધ્ધિનો વિનાશ થાય.’ મંગલસિંઘને એના કર્યાનો અફસોસ છે. જો
એકાદ ગુનેગારને પ્રાયશ્ચિતની તક મળશે તો કદાચ બીજા ઘણા…’
‘બિલકુલ નહીં સર.’ સ્ટેટ તરફથી કેસ લડી રહેલા ખામ્બેએ જોરદાર દલીલ કરી, ‘પશ્ચાત્તાપના નામે
પ્રાયશ્ચિતનું નાટક કરીને કેટલા છટકી જશે એનો અંદાજ મેડમને નથી.’
‘આપણે અત્યારે કેટલી સજા કરવી એની ચર્ચા નથી કરી રહ્યા.’ ન્યાયમૂર્તિએ કહેવું પડ્યું, ‘મંગલસિંઘે ગુનો
સ્વીકારી લીધો છે. પોલીસે ચાર્જશીટ રજૂ કરી દીધી છે જેમાં પૂરતા પુરાવા છે. નવાઈની વાત એ છે કે, આ જ કેસમાં
પહેલાં આ જ પુરાવા કેમ ન મળ્યા એ વાતનો પોલીસે જવાબ આપવો પડશે.’
‘સર, પુરાવા સાથે છેડછાડ થઈ છે એ વાત હું સ્વીકારું છું.’ કરજત પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરે ધીમેથી કહ્યું,
‘પણ ત્યારે હું અહીં પોસ્ટેડ નહોતો. મારાથી જે થઈ શક્યું એ બધું મેં કર્યું છે, સર.’
‘કોર્ટ એની નોંધ લે છે.’ ન્યાયમૂર્તિએ કહ્યું. 10 દિવસ પછી ફાઈનલ સુનાવણીની તારીખ આપીને એમણે કોર્ટ
એડજર્ન કરી.
એક પછી એક લોકો બહાર નીકળવા લાગ્યા. બહાર નીકળેલી શ્યામાને મીડિયાવાળાએ ઘેરી લીધી. એક પછી
એક સવાલ પૂછાવા લાગ્યા. શ્યામા મીડિયાકર્મીઓ વચ્ચે ઘેરાઈ ગઈ હતી. ફ્લેશ લાઈટો ઝબકી રહી હતી. એના
જવાબના બાઈટ્સ માટે માઈક એના ચહેરાની એટલી નજીક આવી ગયા હતા કે, એને શ્વાસ લેવામાં તકલીફ પડવા
લાગી. અહીંથી બહાર કેવી રીતે નીકળવું એવું વિચારી રહેલી શ્યામાના ખભા પર અચાનક એક જાણીતો સ્પર્શ
અનુભવાયો. એણે ચોંકીને બાજુમાં જોયું તો પાવન ઊભો હતો. એના ચહેરા પર એક સ્નેહભરી બનાવટી મુસ્કાન
સાથે. શ્યામાના ખભાની આજુબાજુ હાથ લપેટીને એણે એને મીડિયાના ટોળાંની બહાર કાઢવા માટે ધીમે ધીમે
ખસેડવા માંડી. પોતાના એક હાથથી રસ્તો કરતો અને બીજા હાથથી શ્યામાને સાચવીને બહાર કાઢી રહેલો પાવન
આસપાસ ચાલાકીપૂર્વક નજર ફેરવતો જતો હતો. આ દ્રશ્ય મીડિયામાં બરાબર કેપ્ચર થાય છે કે નહીં, એ વિશે પાવન
પૂરેપૂરો સજાગ હતો એ વાતને મીડિયાકર્મીઓએ નોંધ લીધી હોય કે નહીં, શ્યામાએ ચોક્કસ નોંધ લીધી.

*

જીપમાંથી કૂદી પડેલો સૂરિ કેટલા કલાક બેહોશ રહ્યો એની એને ખબર નહોતી. એની આંખ ખૂલી ત્યારે એ
લોહીના ખાબોચિયાંમાં બેહોશ હતો. મહામહેનતે ઊભા થઈને એણે જતી-આવતી ગાડીઓને મદદ માટે રોકવાનો
પ્રયત્ન કર્યો. લોહીલુહાણ માણસને જોઈને ‘પોલીસના લફરામાં’ નહીં પડવા માંગનાર ઘણી ગાડીઓ એમ જ પસાર
થઈ ગઈ અંતે, એક મારૂતિ ફન્ટી ઊભી રહી. એક છોકરી એ ગાડી ચલાવતી હતી. દયા ખાઈને એણે સૂરિને નજીકની
હોસ્પિટલના ગેટ પાસે ઉતારી દીધો. સીસીટીવી કેમેરાના ચક્કરમાં નહીં પડવાનો પૂરો પ્રયાસ કરીને એ છોકરી ત્યાંથી
નીકળી ગઈ. લથડતો, અથડાતો, કુટાતો સૂરિ હોસ્પિટલના દરવાજે પહોંચીને ફરી બેહોશ થઈ ગયો, પણ એનો જીવ
બચી ગયો.

લગભગ ત્રણ દિવસે ભાનમાં આવેલા સૂરિને સૌથી પહેલાં વીતેલા દિવસોના સમાચાર જોઈતા હતા. આજ
સુધી એકવાર લીધેલી સોપારી પછી સૂરિ પોતાનું કામ ન કરી શક્યો હોય એવું બન્યું નહોતું. પહેલી વખત એક શિકાર,
દિલબાગ એના હાથમાંથી છટકી ગયો હતો. ઘાયલ થયેલા હિંસક પ્રાણીની જેમ સૂરિ તરફડી રહ્યો હતો. ઈજ્જતની
સાથે સાથે એના અંગત ઈગો પર મોટો ઘા પડ્યો હતો. દિલબાગનું શું થયું, નાર્વેકર બચ્યો કે નહીં આ બધું કોને પૂછવું
અને કઈ રીતે ફરી એકવાર આ પરિસ્થિતિનો તાગ લેવો એની ઉધેડ-બૂનમાં એનું મગજ ગૂંચવાયા કરતું હતું. ત્યાં ફરતા
વોર્ડબોયને એણે પૂછ્યું, ‘છેલ્લા બે-ત્રણ દિવસના છાપાં મળે?’ વોર્ડબોય એની સામે નવાઈથી જોઈ રહ્યો. ગઈકાલ
સુધી આ માણસ બચશે કે નહીં એ વિશે સૌને શંકા હતી અને આંખ ખોલ્યા પછી આ માણસ સૌથી પહેલાં ‘છાપાં’
માગી રહ્યો હતો!
‘પૂછું છું. ઓફિસમાં કદાચ પડ્યા હશે.’
‘ફોન છે, ફોન?’ સૂરિએ પૂછ્યું. વોર્ડબોયે અચકાતા પોતાનો નાનકડો સાદો ફોન એના હાથમાં આપ્યો. સૂરિએ
નંબર યાદ કરવાનો બહુ પ્રયાસ કર્યો, પણ એને આખો નંબર મોઢે યાદ નહોતો. એણે બે-ચાર મિનિટ હાથમાં પકડીને
ફોન પાછો આપી દીધો. વોર્ડબોય નવાઈથી એની સામે જોતો જોતો બહાર નીકળી ગયો. સૂરિ કોઈપણ રીતે દિલબાગ
સુધી પહોંચવા માગતો હતો. 15-20 મિનિટ રહીને વોર્ડબોય બે-ત્રણ દિવસના છાપાં લઈને આવ્યો. ભૂખ્યો માણસ
ભોજન પર ઝપટે એવી રીતે સૂરિએ છાપાં ખૂંચવી લીધા. એ ફટાફટ પાનાં પલટવા લાગ્યો. એને ક્યાંય દિલબાગના
સમાચાર દેખાયા નહીં, કે ન કોઈ પોલીસની હત્યાના સમાચાર પણ એની નજરે પડ્યા, પરંતુ એક સમાચારે એનું ધ્યાન
ખેંચ્યું. એ હતા ગઈકાલના અખબારમાં પ્રકાશિત થયેલા અવિનાશકુમારના મૃત્યુના સમાચાર. સૂરિની આંખો ચાર થઈ
ગઈ. સાથે સાથે હતા, મંગલસિંઘની કોર્ટમાં પેશીના સમાચાર! એણે ધ્યાનથી એક એક લીટી વાંચી લીધી. એમાં છેલ્લે
દિલબાગ સામેનું ચાર્જશીટ તૈયાર થઈ રહ્યું હતું. એવી એક લાઈન વાંચીને એને સમજાયું કે દિલબાગ હજી કસ્ટડીમાં
છે. એને જ્યુડિશિયલ કસ્ટડીમાં ટ્રાન્સફર કરવામાં નથી આવ્યો એટલે હોવો જોઈએ જુહુ પોલીસ સ્ટેશનમાં. ‘ઠીક છે!’
એણે મનોમન કહ્યું, ‘ત્યાં પહોંચવું બહુ અઘરું નથી. દિલબાગ કોર્ટમાં પહોંચે એ પહેલાં એને પતાવવો પડે.’ સૂરિનું
મગજ વળી વિચારે ચડ્યું, ‘જે માણસે સોપારી આપી હતી એ જ હવે હયાત નથી. આ લફરામાં પડવું છે?’ એના
મનમાં સવાલ ઉઠ્યો, ‘કોઈ જાણતું નથી આ સોપારી વિશે. દિલબાગ સાથે મારે અંગત રીતે કોઈ વેર નથી. અલતાફના
માણસો એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પોલીસના માણસો એને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવી
પરિસ્થિતિમાં કારણ વગર એને મારીને મને શું મળશે?’ સૂરિએ થોડો બુધ્ધિશાળી નિર્ણય કર્યો, ‘અહીંથી નીકળીને રાહુલ
તાવડેને મળવું જોઈએ. એને સમજાવવું જોઈએ કે, જે કંઈ થયું એમાં અવિનાશકુમાર જવાબદાર હતો. અલતાફ સાથે
પણ આ વિશે વાત થઈ જાય તો કારણ વગરના વેરઝેરમાંથી બહાર નીકળી શકાય.’ એણે આંખો મીંચી દીધી. સૂરિની
મીંચાયેલી આંખો સાથે દિલબાગના માથા પર તોળાતી ઘાત પર જાણે આંખો મીંચીને સૂઈ ગઈ.

*

‘સાક્ષી બની જા. તું બચી જઈશ.’ વિક્રમજીતને જેલર સમજાવી રહ્યા હતા, ‘દિલબાગના કારનામા ખોલી નાખ
તો તને ઓછામાં ઓછી સજા થાય એવો પ્રયત્ન કરીશ.’ વિક્રમજીત એવી રીતે જોઈ રહ્યો હતો જાણે જેલર ચાઈનીઝમાં
બોલતો હોય. એના ચહેરા પર કોઈ ભાવ નહોતા. આ ભાષણ છેલ્લી 25 મિનિટથી ચાલી રહ્યું હતું. જેલર મુસ્તાક
હતા કે, વિક્રમજીત જો સાક્ષી આપવા તૈયાર થઈ જાય અને તાજનો સાક્ષી બનીને દિલબાગના બધા કચ્ચા ચીઠ્ઠા
ખોલી આપે તો પોતે હીરો બની જાય. જેલરને કલ્પના પણ નહોતી કે, વિક્રમજીત જો મોઢું ખોલે તો દિલબાગનો જીવ
જોખમમાં આવી જાય. એ ચૂપચાપ જેલરનું ભાષણ સાંભળી રહ્યો હતો. એને મનોમન હસવું આવતું હતું. જેલર
જાણતો પણ નહોતો કે, આ રમતમાં ખુદ હોમ મિનિસ્ટર અને એથી પણ ઉપરના લોકો કઈ રીતે ગોઠવાયેલા હતા.
અંતે, એણે હસીને કહ્યું, ‘સાહેબ! હું મોઢું ખોલીશને તો દિલબાગનો જીવ નહીં બચે.’
‘એ જવાબદારી હું લઉ છું.’ જેલર કાં તો ભોળો હતો અને કાં તો બેવકૂફ. પાંચ-સાત વર્ષની પોલીસની નોકરી
દરમિયાન કદાચ એ આ બધી આંટીઘૂંટી સમજી નહોતો શક્યો.

‘આમાં કોઈની જવાબદારી કામ નહીં લાગે સાહેબ. વાત તમારી સમજણ અને પહોંચની બહાર છે.’
વિક્રમજીતે કહ્યું, ‘હું કોઈ વિગતો નહીં આપી શકું. મને માફ કરો. દિલબાગસિંઘ મારા ગુરૂ છે, મા-બાપ જે ગણો એ
દિલ્લુ બાદશાહ જ છે મારે માટે. મને સજા થશે. ભોગવી લઈશ.’ જેલર નિરાશ થઈને ઊભા થયા. એમણે વિક્રમજીતની
સામે એવી રીતે જોયું જાણે કસાય વાડે જતા બકરાની સામે એનો માલિક જોતો હોય. વિક્રમજીતે બે હાથ જોડ્યા અને
એ જેલરની ઓફિસમાંથી બહાર નીકળી ગયો.
નાર્વેકરને ગોળી વાગ્યાના, સૂરિ ગૂમ થઈ ગયાના અને દિલબાગ બચી ગયાના સમાચાર વિક્રમજીત સુધી
પહોંચી ગયા હતા. દુનિયાનું કોઈપણ માણસ માને કે જાણે એના કરતાં જેલનું ન્યૂઝ નેટવર્ક ઘણું ઝડપી અને ઘણું વધુ
ફેલાયેલું છે. વિક્રમજીત જ્યારે જેલરની ઓફિસમાંથી નીકળીને તડકો ખાઈ રહેલા, નાહી રહેલા, કપડા ધોઈ રહેલા
કેદીઓને પસાર કરતો એક બાકડા પર બેઠો ત્યારે દૂર ઊભેલો શૌકત જાણે એની પ્રતીક્ષા કરી રહ્યો હોય એમ એની
નજીક દોડી આવ્યો. નજીક આવતાં જ શૌકતે ઉત્સાહમાં વિક્રમજીતને કહ્યું, ‘અરે, ભાભીને ભાઈ કી સજા કમ કરવાને
કો બોલ દિયા.’ એની આંખોમાં બાળસુલભ આશ્ચર્યની સાથે સાથે એક વિચિત્ર અહોભાવ હતો, ‘કોર્ટ કે બીચ મેં બોલ
ડાલા.’
‘હંમમ…’ વિક્રમજીતે માથું ધૂણાવ્યું. એના સુધી આ સમાચાર પહોંચી ગયા હતા.
‘તુમ કો ક્યા લગતા હૈ, સજા કમ હો જાયેગા?’ શૌકત બોલકણો હતો. એમ વાત નહીં અટકે એની વિક્રમને
ખબર હતી. એણે ખાલી આંખે શૌકત સામે જોયું. શૌકત આગળ કહેવા લાગ્યો, ‘અબ ભી ભાઈ આયેંગે…’
એ આગળ કશું બોલે તે પહેલાં વિક્રમજીતે એને રોક્યો, ‘મંગલ સે ઉસકે બારે મેં બાત મત કરના.’
‘ક્યોં?’ શૌકતને હજી આ ગૂંચવણ, આ ઈમોશન અને એની સાથે જોડાયેલો હાઈવોલ્ટેજ ડ્રામા સમજાતો
નહોતો.
‘ક્યોંકિ મંગલ કા મૂડ ખરાબ હોગા.’ સામે બેઠેલો પંચમ લાકડાના ટૂકડા ભેગાં કરીને એની જોડે રમી રહ્યો
હતો, ‘ક્યૂં ભાઈ?’ એણે વિક્રમજીતને પૂછ્યું.
‘મૂડ તો ખરાબ નહીં હોગા.’ વિક્રમજીતે કહ્યું, ‘પણ છેલ્લા થોડા દિવસથી મંગલસિંઘ આ છોકરી વિશે બહુ
ઈમોશનલ થઈ ગયો છે. એની સજા ઓછી થાય કે નહીં એમાં મને બહુ રસ નથી. મને ડર એ વાતનો છે કે આ છોકરી
જો એને નકારી દેશે તો મંગલસિંઘ જીવી શકશે કે નહીં.’
‘ઐસા?!?’ શૌકતની ભોળી આંખો પહોળી થઈ ગઈ, ‘એકદમ પિચ્ચર કા સ્ટોરી હૈ.’ એણે કહ્યું. એ થોડીવાર
વિચારતો રહ્યો, પછી એણે વિક્રમજીતને અચાનક જ પૂછ્યું, ‘એ બેને ભેગાં કરવા માટે આપણે કંઈ ન કરી શકીએ?’
વિક્રમજીતે એક ક્ષણ માટે એની સામે જોયું અને પછી જોરથી હસી પડ્યો. એણે હસીને પોતાનો હાથ શૌકતના માથા પર મૂકી લાડમાં
એનું માથું ધૂણાવ્યું, ‘મારી પાસે આઈડિયા છે.’ શૌકતે કહ્યું.
‘તારા આઈડિયા તારી પાસે રાખ.’ દૂર બેઠેલો પંચમ પણ શૌકત પર હસી રહ્યો હતો.
‘અરે!’ શૌકતે કહ્યું, ‘ભાઈએ સોરી કીધું, કોર્ટમાં ગુનો માન્યો, સજા ભોગવવા તૈયાર છે.’ શૌકત એકદમ
ભાવવિભોર થઈ ગયો હતો, ‘તો ભાભી માફ કેમ ન કરે? ગલતી તો ઈન્સાનથી જ થાય ને? થઈ ગઈ… હવે ગલતી
સુધારવા તો પણ તૈયાર છે.’
‘શું છે તારો વાહિયાત આઈડિયા?’ પંચમથી પૂછ્યા વગર ન રહેવાયું.
‘જુઓ. આપણે ભાઈ તરફથી ભાભીને રોજ ફૂલ મોકલીએ. ક્યારેક ગિફ્ટ મોકલીએ, ક્યારેક કાર્ડ મોકલીએ.’
શૌકતે કહ્યું, ‘ભાભીને રોજ સવારે ભાઈ તરફથી એક યાદગીરી મળવી જોઈએ. જેમાં માફ કરી દેવાની વિનંતી હોય.’
વિક્રમજીતે ચોંકીને શૌકત સામે જોયું. બેવકૂફ દેખાતા આ છોકરાનો વિચાર સાવ કાઢી નાખવા જેવો નહોતો.
સોવાર બોલાયેલું જુઠ્ઠું જો સત્ય બની જતું હોય તો રોજ પ્રેમની કબૂલાત કરવામાં આવે એ પ્રેમ ક્યારેક તો સામેની
વ્યક્તિના હૃદયને સ્પર્શ્યા વગર ન જ રહે! એણે શૌકતના ખભે હાથ મૂક્યો, ‘તું જેટલો દેખાય છે એટલો બેવકૂફ છે
નહીં.’ વિક્રમજીત હસી પડ્યો.
‘તમને ખરેખર લાગે છે કે, આવી બાલિશ હરકત કરવાથી શ્યામાને મંગલસિંઘની લાગણી સમજાશે?’ પંચમે
જરા રૂક્ષ સ્વરમાં પૂછ્યું.

‘પ્રયત્ન કરવામાં શું પ્રોબ્લેમ છે?’ વિક્રમજીતે ખભા ઉલાળ્યાં, ‘એક સૂકાઈ ગયેલા છોડ ઉપર રોજ પાણી રેડો
તો કુંપળ ફૂટી શકે છે.’ એણે કહ્યું. પંચમ એની સામે જોઈ રહ્યો. વિક્રમજીતની વાત ખોટી નહોતી, પરંતુ આ બધા
મળીને જે વિચારી રહ્યા હતા એ જો ખરેખર સાચું પડે તો ગુનાહખોરીના અને પ્રેમીઓના ઈતિહાસમાં આ એક
અનોખી ઘટના પૂરવાર થશે, પંચમ વિચારતો રહ્યો, પોતાના પર બળાત્કાર કરનાર માણસને એક સ્ત્રી ક્ષમા કરે એટલું
જ નહીં, એની સાથે પ્રેમ થાય… પંચમ મનોમન હસી પડ્યો, મૂરખ છે બધા! કરી લેવા દો એમનું ગાંડપણ… કશું
વળવાનું નથી. એણે વિચાર્યું અને પછી માથું ખંખેરતો ત્યાંથી ઊભો થઈ ગયો.
વિક્રમજીતે પોતાના નેટવર્કને ફંફોસવા માંડ્યું, કોણ કરી શકે આ! એણે એના નજીકના લોકોનું લિસ્ટ ખોલીને
એમાંથી આ કામ કરી શકે એવી ઉત્તમ વ્યક્તિ શોધવા માંડી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *