આજે જે નિઃસહાય, બેહોશ અને સંપૂર્ણપણે નિર્દોષ દેખાઈ રહ્યો હતો એ મંગલસિંઘ યાદવે ડૉ. શ્યામા પર
બળાત્કાર કર્યો હતો. એના પિતાની પહોંચ અને ધાકને કારણે મંગલસિંઘ નિર્દોષ પૂરવાર થયો. દેશભરના મીડિયામાં એ
ઘટના એટલી ચૂંથાઈ કે થોડાં અઠવાડિયાં તો શ્યામા માટે કોઈ રેસ્ટોરાં, સિનેમા થિયેટર કે મૉલમાં જવું અસંભવ બની
ગયું હતું. સોશિયલ મીડિયા, ન્યૂઝ મેગેઝિન્સના કવર અને રોજના અખબારની સુરખીઓ બની ગયેલી શ્યામાએ
થાકીને, કંટાળીને થોડા દિવસ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. હોસ્પિટલમાં પણ લોકો શ્યામા તરફ
એવી રીતે જોતા જાણે એ ઝૂમાંથી છૂટીને આવેલું કોઈ પ્રાણી હોય…
આ બધી પરિસ્થિતિમાં શ્યામા કરતાં વધારે તકલીફ પોતાને પડી હોય એવી રીતે પાવને શ્યામાને એની
કારકિર્દી, મિત્રો અને પરિવાર સાથેના સંબંધો બગડવા માટે જવાબદાર ઠેરવીને એને વધુ તકલીફ આપવાનું કામ જ કર્યું
હતું.
‘મેં કહ્યું હતું તને!’ પાવન એનો પતિ હોવા છતાં શ્યામાને હિંમત આપવાને બદલે આ પરિસ્થિતિમાં કાયરની
જેમ વર્ત્યો હતો, ‘શું મળ્યું તને કેસ કરીને? આપણી શાંત-સુખી જિંદગી ડહોળી નાખી તેં.’ જેટલી વાર અખબારમાં
સમાચાર છપાતા, પરિવારમાંથી કોઈ પંચાત કરવા ફોન કરતું કે બહાર ક્યાંક લોકો શ્યામાને ઘેરી વળતા ત્યારે પાવન
એવી રીતે ખસી જતો જાણે એને કોઈ નિસ્બત જ ન હોય…
*
મંગલસિંઘની પલ્સ ચેક કરી રહેલી શ્યામા સામે મોનિટર પર દેખાતા આંકડા વાંચી રહી હતી. મંગલસિંઘ
ચોવીસ કલાકમાં જીવન-મરણના આ સંઘર્ષમાંથી બહાર નીકળી જશે એવો એક ડૉક્ટર તરીકે શ્યામાને વિશ્વાસ હતો.
પોતે એનો જીવ બચાવ્યો, એ પછી શ્યામાની મનઃસ્થિતિ ફરી એકવાર ત્યાં જ પહોંચી ગઈ હતી જે પીડા અને
અપમાનમાંથી છૂટવા માટે એ હજી ઝઝૂમી રહી હતી.
*
શ્યામાને કોર્ટમાં થયેલી દલીલો, ભયાનક સવાલો અને મીડિયાએ જે રીતે આખી વાતને ઉછાળી હતી એ બધું
જ ફરી ફરીને યાદ આવી રહ્યું હતું. કોર્ટમાં મંગલસિંઘના વકીલે એને પૂછ્યું હતું, ‘તમારો ડ્રેસ કેટલો ઊંચો કર્યો હતો?
આટલો ટાઈટ ડ્રેસ આસાનીથી ઊંચો થઈ શકે ખરો?’ ડૉ. શ્યામાએ પોતાનું માનસિક સંતુલન જાણવવાનો પૂરો પ્રયાસ
કર્યો હતો તેમ છતાં, ક્યારેક એ કોર્ટમાં ભાંગી પડી હતી. શ્યામાના વકીલે પૂરો પ્રયાસ કરવા છતાં મંગલસિંઘ વિરુધ્ધ
કશું જ પૂરવાર થઈ શક્યું નહોતું. મંગલસિંઘના પિતાએ મુંબઈના બેસ્ટ ક્રીમિનલ લોયર્સને ઊભા કરી દીધા હતા.
પાણીની જેમ પૈસા વહાવ્યા હતા. સાક્ષીઓ તો હતા જ નહીં, પણ પુરાવાને રફેદફે કરવામાં પોલીસથી શરૂ કરીને
ફોરેન્સિક સુધી બધાને ખરીદી લીધા હતા.
રિપોર્ટમાં મંગલસિંઘના સીમેનને બદલે એના પતિ પાવન મહેશ્વરીના સીમેન છે એવું સાબિત થયું હતું.
મંગલસિંઘના વકીલે પતિ-પત્નીએ ગાડીમાં સંભોગ કર્યો એવું સાબિત કરીને શ્યામાની ફરિયાદને પાયાવિહોણી અને
ખોટી ઠરાવી, મંગલસિંઘને નિર્દોષ છોડવામાં આવ્યો એટલું જ નહીં, શ્યામાએ કોઈકના ભડકાવવાથી મંગલસિંઘને
બદનામ કરવાનો પ્રયાસ કર્યો એ બદલ કોર્ટે એની વિરુધ્ધ ટિપ્પણી કરીને એને અપમાનિત કરવામાં કશું બાકી ન રાખ્યું.
એ દિવસે કોર્ટમાંથી બહાર નીકળતી વખતે મંગલસિંઘે ખૂણામાં ઊભેલી નિરાશ, અપમાનિત અને મીડિયાથી
બચવાનો પ્રયાસ કરી રહેલી શ્યામાની સામે જઈને કહ્યું હતું, ‘હમારે સાથ સોને કે લિયે તડપતી હૈ લડકિયાં, ઔર તુમ
હો કી…’ એના ચહેરા પર એ ક્રૂર, તિરસ્કારભર્યું સ્મિત શ્યામા ક્યારેય ભૂલી શકી નહોતી. મંગલસિંઘે પોતાની આંગળી
શ્યામાના હોઠની ખૂબ નજીક લઈ જઈને એને પૂછ્યું હતું, ‘મજા આયા?’ પછી એ જ આંગળી એના હોઠને અડાડીને
મંગલસિંઘે ઉમેર્યું હતું, ‘ફિર કભી મન કરે તો આ જાના. હમ મના નહીં કરેંગે.’ કહીને એ હસતો હસતો મુંબઈ
હાઈકોર્ટના પગથિયાં ઉતરી ગયો હતો.
દૂર ઊભેલા ભાસ્કરભાઈ આ જોઈને વિચલિત થઈ ગયા હતા. એ દીકરીની નજીક દોડી આવ્યા હતા. અત્યાર
સુધી શ્યામાએ રોકી રાખેલું રૂદન પિતાના શર્ટને પલાળતું વહી નીકળ્યું હતું.
આ બધું યાદ કરતી વખતે શ્યામાનું મન કડવાશથી ભરાઈ ગયું, મંગલસિંઘ તો ગુંડો હતો, ગુનેગાર… પરંતુ,
પાવને પણ શ્યામાની હિંમત અને એના સ્વમાન પર ઘા કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. એ એક પણ વખત એની
સાથે કોર્ટમાં નહોતો આવ્યો બલ્કે, મીડિયાથી બચવા માટે દોઢ મહિનો લંડન ચાલી ગયો હતો…
મંગલસિંઘ સામેના સંઘર્ષમાં શ્યામા એકલી ઊભી હતી, એના પિતા ભાસ્કરભાઈએ પોતાનાથી થઈ શકે તે બધું
જ કર્યું હતું. પૈસાની કમી એમને પણ નહોતી, પરંતુ શ્યામાને આજે પણ એવી શંકા હતી કે, શ્યામાના વકીલને પણ
મંગલસિંઘે કાં તો ખરીદી લીધો હતો અને કાં તો ડરાવી-ધમકાવીને એની દલીલો પાંગળી કરી નાખવા મજબૂર કર્યો
હતો.
કોર્ટમાં કેસ હારી ગયા પછી શ્યામાના મનમાં પાવન માટેનો પ્રેમ, સન્માન કે દોસ્તી પણ નહીં ટકે એવું
શ્યામાને સમજાઈ ગયું. કદાચ, એટલે જ એણે લાંબું વિચાર્યા વગર પાવનનું ઘર છોડ્યું. પિતાના ઘરે શિફ્ટ થઈ જવાનું
નક્કી કરી દીધું હતું. એ પછી શ્યામા ફરીથી એ ઘરમાં ક્યારેય નહોતી ગઈ. માણસોને મોકલીને ધીરે ધીરે એણે પોતાનો
બધો સામાન પણ ડૉ. ભાસ્કરભાઈના બંગલા પર શિફ્ટ કરાવી દીધો હતો. શરૂઆતમાં પાવન એને ફોન કરતો, પાછી
ફરવા સમજાવતો… ધીરે ધીરે શ્યામાએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.
આજે, મંગલસિંઘને દાખલ કર્યો ત્યારે શ્યામા અને પાવન વચ્ચે લગભગ દોઢ મહિના પછી વાત થઈ હતી!
પાવને તો મંગલસિંઘના અકસ્માતના સમાચાર જાણ્યા પછી એક ક્ષણ પણ ગૂમાવ્યા વગર કહ્યું હતું, ‘મારી નાખ એને.
કિલ હીમ!’
શ્યામાની ભીતર રહેલી સ્ત્રીનાં અપમાન અને વેર ઉપર એની ભીતર રહેલી ડૉક્ટર વધુ બળવાન પૂરવાર થઈ
હતી. મંગલસિંઘ બચી ગયો હતો. હવે એ આઈસીયુમાં હતો.
એની સાથે આવેલા એના પંટર છોકરાઓમાંથી કોઈએ મંગલસિંઘના પિતાને ફોન કરી દીધો હતો. બહાર
વરસાદ હજી અટક્યો નહોતો. સવાર પડવાની તૈયારી હતી, પરંતુ ગોરંભાયેલા આકાશને કારણે અંધારું અકબંધ હતું.
ગાઢા ભૂરા આકાશમાંથી એકધારા વરસી રહેલા પાણીને કારણે મુંબઈ શહેર જળબંબાકાર હતું. ઓફિસ જવું કે નહીં
એની અસમંજસમાં મોટાભાગના લોકો હજી ઘરમાંથી નીકળ્યા નહોતા, રસ્તા ખાલી હતા…
‘લાઈફ કેર’ હોસ્પિટલના આંગણામાં એક પછી એક ચાર કાળી પજેરો ગાડી આવીને ઊભી રહી. આગળની બે
અને પાછળની છેલ્લી ગાડીઓમાંથી બબ્બે હથિયારબંધ માણસો ઉતર્યા. એ પછી ત્રીજા નંબરની ગાડીનો દરવાજો
ખૂલ્યો. દાઢી-મૂછ વગરનો ક્લિન શેવ સહેજ શ્યામ પણ દેખાવડો કહી શકાય એવો જીન્સ અને ટીશર્ટ પહેરેલો એક
પરફેક્ટ ફિટ માણસ એ ગાડીમાંથી નીચે ઉતર્યો. એના રિમલેશ ચશ્મા, હાથમાં પકડેલો મોંઘો મોબાઈલ, પગમાં
પહેરેલા મોંઘા સ્નિકર અને બ્રાન્ડેડ જીન્સ અને ટીશર્ટ ઉપરથી એ કોઈ શ્રીમંત ઘરનો સજ્જન માણસ દેખાતો હતો,
પરંતુ એ મુંબઈનો ડોન હતો.
એના નામે 11 ખૂન, 27 ફિરૌતી, 13 હાફ મર્ડર અને અસંખ્ય અટેમ્પ્ટ ઓફ મર્ડરના કેસ ચાલતા હતા. એ
ભાગ્યે જ મુંબઈ શહેરની હદમાં પ્રવેશતો. એકના એક દીકરાના અકસ્માતના સમાચાર સાંભળીને એનાથી રહેવાયું
નહીં, એટલે આજે એણે મુંબઈ શહેરમાં ઘૂસવાનો ખતરો ઉઠાવ્યો હતો. એના અનેક દુશ્મનો હતા. માફિયાથી શરૂ
કરીને રાજકારણી, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટથી શરૂ કરીને મુંબઈ પોલીસ સુધી બધાની બુલેટ પર દિલબાગસિંઘનું નામ કોતરાઈ
ચૂક્યું હતું. હવે, આ બધામાંથી કોની બુલેટ નસીબદાર હશે એટલો જ સવાલ સૌના મનમાં હતો.
આ દિલબાગસિંઘ મુંબઈનો ડોન, મંગલસિંઘનો પિતા હતો. લોકો એને દિલ્લુ બાદશાહના નામે ઓળખતા.
એની પત્ની દિલબાગને છોડીને નાસી ગઈ એ પછી દિલ્લુએ પોતાના દીકરાને મા બનીને ઉછેર્યો હતો. જૌનપુરના
બાબુપુર ગામથી નોકરીની શોધમાં મુંબઈ આવેલા દિલબાગસિંઘમાંથી ડૉન બનવાની કથા બીજા માફિયાઓ કરતાં
જરાય જુદી નહોતી, પરંતુ એનો એક જ ગુણ એને બીજા બધા ગુંડા અને માફિયાઓથી જુદો પાડતો. દિલબાગ સાચા
અર્થમાં દિલેર માણસ હતો. એને ત્યાં મદદ માગવા આવેલો કોઈ ગરીબ, લાચાર માણસ નિરાશ થઈને પાછો નહોતો
ફર્યો, પરંતુ દિલબાગ સ્ત્રીઓ સાથે ભયાનક ક્રૂર અને બેરહેમ હતો. આખા દેશમાં એના એજન્ટ્સ ‘માલ’ ઉઠાવવા માટે
ફરતા રહેતા. આસામથી શરૂ કરીને તમિલનાડ, રામેશ્વરમ સુધી… કાશ્મીર, ગુજરાત અને બિહાર, ઓરિસ્સાથી
દિલબાગ છોકરીઓ મંગાવતો. ખાડીના દેશોમાં, યુરોપમાં આ છોકરીઓ વેચાઈ જતી. એનો ધંધો ફૉકલેન્ડ રોડની
ગલીઓમાં નહીં, બલ્કે મુંબઈની ફાઈવસ્ટાર હોટેલ્સમાં ચાલતો. જેટલા એના દુશ્મનો હતા એટલા જ એના આશિક
પણ હતા. બજારુ સ્ત્રીઓનાં શોખીન લંપટ પુરુષો માટે દિલબાગસિંઘની ‘દુકાન’ એક એવું સ્થાન હતું જ્યાંથી એમને
ભારતીય જ નહીં, પણ રશિયન, ઉઝબેકિસ્તાની, વિયેટનામી, કોરિયન અને ફિલોપિની છોકરીઓ પણ મળી રહેતી.
આશિકો મોં માગ્યા દામ ચૂકવતા અને દિલબાગ એમનું દિલ બાગ બાગ કરી નાખતો!
અનેક દુશ્મન હોવા છતાં દિલબાગસિંઘ અત્યાર સુધી જીવતો અને સલામત હતો એનું એક કારણ એની આ
‘દુકાન’ પણ હતું! એ પોતાને ત્યાં એવો ‘માલ’ રાખતો, જેના વગર રાજકારણી, ફિલ્મસ્ટાર, મીડિયા, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ,
ક્રિકેટસ્ટાર અને મુંબઈના માલેતુજાર લોકોની પાર્ટીઓ અધૂરી રહી જતી! દિલબાગને ત્યાંથી એસ્કોર્ટ, કોલગર્લ,
કેબ્રેડાન્સર અને ઓરિજીનલ કથક જાણતી મુજરાની કલાકાર છોકરીઓ મળી રહેતી… કદાચ, એટલે જ દિલબાગ
શોખીનોનો મસિહા હતો.
એના આ ફ્લેશટ્રેડને કારણે પોલીસ, ઓછા ભ્રષ્ટ હોય એવા રાજનેતાઓ, સિધ્ધાંતવાદી માફિયા અને
સમાજના ચોખલિયા લોકો એને ધિક્કારતા. દિલબાગસિંઘનું એન્કાઉન્ટર થઈ જાય, ગેંગવોરમાં ખતમ થઈ જાય એની
રાહ જોતા લોકોની સંખ્યા બહુ મોટી હતી. દિલબાગ આ જાણતો, એને એના વધતા દુશ્મનોથી ડર લાગવાને બદલે
ગૌરવ થતું. ક્યારેક તોરમાં આવીને દિલબાગ કહેતો, ‘દેખો જી, જિસકે જિતને જ્યાદા દુશ્મન હો, વો ઉતના હી
પાપુલર હોતા હૈ. ફોલોઅર તો પૈસે દેકર ભી બઢાને લગે હે સોશલ મીડિયા પે… દુશ્મન તો પૈદા કરને પડતે હૈ!’
એણે આ જ અહંકાર અને બેફિકરાઈ, હિંમત અને સ્ત્રીઓ પ્રત્યેના તિરસ્કારનો વારસો એના દીકરા મંગલને
આપ્યો હતો. મંગલસિંઘની મા જ્યોતિ એના દીકરાના ટ્યૂશન ટીચર સાથે ભાગી ગઈ ત્યારે મંગલ ચાર વર્ષનો હતો, ને
દિલબાગ 28નો. ત્યારે એનો આવો દબદબો નહોતો. નાના મોટા ચોરીચકારી અને દાણચોરીના ધંધામાં એણે હજી
હાથ નાખ્યો જ હતો. એકાદ ખૂન કર્યું હતું, પરંતુ જ્યોતિને આ જિંદગી પસંદ નહોતી. એ વારંવાર દિલબાગને કહેતી,
‘દાલરોટી ખાયેંગે’ ચાર વર્ષના મંગલના મગજમાં એણે પોતાની આ નફરતનો વારસો એટલા ઊંડે સુધી રોપ્યો હતો કે,
24-25 વર્ષનો મંગલ સ્ત્રીને ફક્ત ઉપભોગ કે અપમાનનું સાધન સમજતો. ખાસ કરીને, સારા ઘરની, પૈસાવાળા કે
સંપન્ન પરિવારની દેખાવડી, ફેશનેબલ છોકરીઓને અપમાનિત કરી, એની સાથે બળાત્કાર કરવામાં મંગલને એક
વિચિત્ર જાતની મજા આવતી.
બી અને સી ગ્રેડની જ નહીં, પણ ટોપની સફળ હીરોઈનને પણ મંગલસિંઘને ત્યાંથી ‘બુલાવો’ આવે તો ના
પાડવાની હિંમત કરે એવી કોઈ સ્ત્રી મંગલસિંઘને હજી સુધી મળી નહોતી. બોલિવુડના સિંગર્સ, ફિલ્મસ્ટાર્સ અને
ઈન્ડસ્ટ્રિયાલિસ્ટના બગડેલા દીકરાઓ સાથે મંગલસિંઘને ઘરોબો હતો. એ પોતે તો હીરોઈન, મોડેલ્સને બોલાવીને
મોજમજા કરતો જ, પરંતુ એકવાર ‘ફ્રેન્ડ’ બની જાય પછી એનો ‘દોસ્ત’ જે છોકરીને બોલાવવા માગે એને બોલાવી
આપવાની ચેલેન્જ ઉપાડવામાં મંગલસિંઘને જંગ જીત્યાનો આનંદ આવતો.
આસાનીથી મળી જાય, સરેન્ડર થઈ જાય, પૈસા લઈને હાજર થઈ જાય એવી છોકરીઓ મંગલસિંઘને ‘નમકીન’
ન લાગતી. એને બળાત્કાર કરવામાં, ચીસો પડાવવામાં, અત્યાચાર કરવામાં એ પાશ્વી આનંદ આવતો. અઠવાડિયામાં
એકાદ રેપ ન કરે તો મંગલસિંઘનું અઠવાડિયું ‘સુખા હી બિત ગયા’ કહેવાતું.
આવો ખુંખાર બાપ અને માનસિક રીતે વિકૃત મંગલસિંઘની સામે જ્યારે શ્યામાને એફઆઈઆર લખાવી ત્યારે
24-25 વર્ષના મંગલસિંઘ સામે એ પહેલી પોલીસ કમ્પલેઈન હતી. આજ સુધી એની સામે આંગળી ચીંધવાની
કોઈની હિંમત નહોતી થઈ. પોલીસ સ્ટેશનમાં હાજર મહિલા કોન્સ્ટેબલે શ્યામાને ધીમા અવાજે સમજાવવાનો પ્રયત્ન
કર્યો હતો, ‘કશાલા ઝંઝટ કરતે? કાહી હોણાર નાહી. તે ફાર પાવરફૂલ આહેત.’
એ વિકૃત દીકરો અત્યારે બેહોશ હતો અને એનો પાવરફૂલ બાપ ‘લાઈફ કેર’ હોસ્પિટલની લિફ્ટ સામે ઊભો
રહીને નીચે ઉતરી રહેલી લિફ્ટના બદલાતા આંકડા જોતો બેચેન ઊભો હતો. દિલબાગસિંઘને હજી ખબર નહોતી કે
એના દીકરાનો જીવ બચાવનાર ડૉક્ટર એ છોકરી હતી, જેના ઉપર એના દીકરાએ બળાત્કાર કર્યો હતો, જેને એના
માણસોએ ડરાવી-ધમકાવી હતી…
લિફ્ટ આવી.
દિલબાગસિંઘ એના ચાર માણસો સાથે લિફ્ટમાં દાખલ થયો. લિફ્ટ આઈસીયુના ફ્લોર પર આવીને ઊભી
રહી. દિલબાગસિંઘ એમાંથી બહાર નીકળ્યો ને પાછળ પાછળ એના માણસો. આઈસીયુના કાચના દરવાજા પાસે
જઈને અંદર દાખલ થતા પહેલાં દિલબાગે બહાર ઊભેલા એના દીકરાના બોડીગાર્ડ કમ કમ્પેનિયન જેવા પંટરમાંથી
એકને આંગળી હલાવીને નજીક બોલાવ્યો. સુનીલ નામનો એ છોકરી દિલબાગની સામે આવીને ઊભો રહ્યો. એ
રીતસર ધ્રૂજી રહ્યો હતો. દિલબાગે એના ખભે હાથ મૂકીને પૂછ્યું, ‘કૈસે હુઆ?’
‘બાઉજી…’ સુનીલે બે હાથ જોડ્યા, ‘હમ કહત રહે, ભૈયાજી સૂને નાહી. બહોત સ્પીડ મેં ગાડી ચલાએ રહે…
સામને મોડ આઈ ગવા, ભૈયા દેખે નાહી ઔર ગાડી પૂરા હી પલ્ટી માર ગયે.’ આટલું કહેતાં કહેતાં તો એનું ગળું સૂકાઈ
ગયું. આંખોમાં પાણી આવી ગયાં, ‘હમ નાહી થે ઉસ ગાડી મેં.’
‘સાથ મેં કૌન બેઠા થા?’ સુનીલને આ સવાલની પ્રતીક્ષા હતી અને એ મનોમન પ્રાર્થના કરતો હતો કે, આ
સવાલનો જવાબ ના આપવો પડે તો સારું. સવાલ પૂછાઈ ચૂક્યો હતો. સુનીલે બે હાથ જોડેલા રાખીને માથું નીચે
નમાવી દીધું. એણે બહુ હળવેથી પણ ‘ના’માં ડોકું ધૂણાવ્યું, ‘જવાબ દો… સાથ મેં કૌન બેઠા થા?’ દિલબાગે ફરી પૂછ્યું.
‘ઓ એક્ટરિયા…’ સુનીલના ગળામાંથી મહામુશ્કેલીએ અવાજ નીકળ્યો.
‘કૌન?’ દિલબાગની આંખો લાલચોળ થઈ ગઈ. સુનીલના ખભા પર મૂકેલો એના હાથની પકડ એટલી જોરથી
દબાઈ કે સુનીલના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, ‘ઉ શફક?’ સુનીલે નીચી નજરે ‘હા’માં ડોકું ધૂણાવ્યું, ‘ઉસકા ક્યા
હુઆ?’
‘મર ગઈ શાયદ’ કહેતાં કહેતાં સુનીલનું અસ્તિત્વ હચમચી ગયું, ‘ઉસે વહીં છોડ દિયા…’ સુનીલે ધીમા અવાજે
કહ્યું, ‘ગાડી મેં’.
દિલબાગની રાડ ફાટી ગઈ, ‘રસ્તે પર?’ એણે પૂછ્યું. સુનીલ પાસે જવાબ નહોતો. મુંબઈ શહેરમાં લગભગ
દરેક સિગ્નલ પર જેના હોર્ડિંગ હતા એવી શફક રિઝવીની લાશ મુંબઈના કોઈ એક રસ્તા પર પોતાના દીકરાની
ગાડીમાં પડી હતી એ વિચારમાત્રથી દિલબાગ જેવો ખુંખાર માણસ પણ હચમચી ગયો…
પહેલાં આઈસીયુમાં પડેલા દીકરાને જોવા જવું કે રસ્તા પર ઊંધી પડેલી ગાડીમાં દબાઈ ગયેલી શફકની લાશ
બહાર કાઢવી, એનો નિર્ણય દિલબાગ માટે અઘરો બની ગયો.