શ્યામા આખી રાત સૂઈ શકી નહોતી. એણે પોતાના લિસ્ટમાં આવી શકે એવા બધા લોકોને તપાસી જોયા.
એવું કોણ હોઈ શકે જેને દિલબાગને મારી નાખવામાં જ રસ હોય. કોર્ટના આંગણામાં આટલા પોલીસની હાજરીમાં
દિલબાગને ઉડાવી શકે એ માણસ ચોક્કસ પાવરફૂલ અને વગદાર હોવો જોઈએ, એટલું તો શ્યામાને સમજાતું હતું, પણ
એની નજર સામે જેટલા ચહેરા કે મગજમાં જેટલા નામ આવતા હતા એમાંથી કોઈ ઉપર એ આંગળી મૂકીને
નિશ્ચિતપણે કહી શકતી નહોતી. વિચારતાં વિચારતાં મોડી રાત્રે એની આંખો મીંચાઈ. એ સવારે ઊઠી ત્યારે એના
સેલફોનની રિંગ લગાતાર વાગી રહી હતી. એણે ફોન ઉપાડીને જોયું તો એક અજાણ્યો નંબર હતો. એણે ફોન રિસિવ
કર્યો ત્યારે એને સંભળાયું, ‘આ આર્થર રોડ જેલનો નંબર છે. અહીંથી એક કેદી આપની સાથે વાત કરવા માગે છે. આપ
વાત કરવા માગતા હો તો નંબર 1 દબાવો અને આ કોલ રિસિવ ન કરવા માગતા હો તો ફોન ડિસકનેક્ટ કરી નાખો.’
શ્યામાના રૂંવાડાં ઊભાં થઈ ગયાં. આર્થર રોડ જેલમાંથી એટલે… એણે એક નંબર પર પોતાની આંગળી મૂકી.
‘હલો.’ એને મંગલનો અવાજ સંભળાયો.
શ્યામાને ડૂમો ભરાઈ ગયો, ‘પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. કદાચ, આજે બોડી મળી જશે. અગ્નિસંસ્કારની તારી
અરજી મંજૂર થઈ ગઈ છે.’ એણે કહ્યું.
‘હંમમ…’ મંગલને આ વાતમાં કંઈ બહુ રસ હોય એવું લાગ્યું નહીં. એણે ધીમેથી કહ્યું, ‘મારે તને મળવું છે.
આવી શકીશ?’
‘હા.’ શ્યામાને પોતાને પણ નહોતું સમજાતું કે, એનું હૃદય શા માટે આટલું ઉતાવળું અને બેચન થતું હતું,
‘આજે પરમિશન માટે અપ્લાય કરીશ તો કાલે…’
‘હું તને એક નંબર આપું છું, એના પર ફોન કર. પરમિશન આજે જ થઈ જશે. સાંજના ચાર વાગ્યે અમે
બેરેકમાં જઈએ એ પહેલાં…’ મંગલે કહ્યું, ‘ઈમ્પોર્ટન્ટ છે.’ એણે સહેજ અટકીને ઉમેર્યું, ‘અરજન્ટ પણ.’
‘આવતીકાલે તને અગ્નિસંસ્કાર માટે બહાર લઈ આવશે.’ શ્યામાએ ધીમેથી કહ્યું, ‘ત્યારે મળીએ?’
‘તને ટાઈમ નથી?’ મંગલે સીધું જ પૂછ્યું, ‘કે મળવું નથી?’
‘એવું નથી, પણ…’ શ્યામાને સમજાયું નહીં, ‘હું પહોંચું છું.’ કોઈ વશીકરણ કરેલા પૂતળાની જેમ શ્યામાએ
જવાબ આપ્યો. મંગલે એને એક નંબર લખાવ્યો, શ્યામાએ લખી લીધો. ફોન મૂક્યા પછી શ્યામાને પોતાની જાત પર
ચીડ ચડી. એક તરફથી એને સજા કરાવવા માટે હું ધમપછાડા કરું છું ને બીજી તરફથી એની સજા ઓછી કરાવું છું. એક
તરફથી મારે ન્યાય જોઈએ છે ને બીજી તરફથી એના એક ફોન પર એને મળવા ઉતાવળી થઈ જાઉં છું હું… શું થઈ ગયું
છે મને! ભણેલી-ગણેલી ડૉક્ટર છું હું… શ્યામા ડાઈનિંગ ટેબલ પર બેસીને પોતાની જાત પર જ ગુસ્સો કરતી રહી!
પરંતુ, 15-20 મિનિટ પછી એણે મંગલે આપેલા નંબર પર ફોન કરી જ નાખ્યો.
‘આજે બપોરે 3 વાગ્યે.’ સામેથી ફોન ઉપાડીને કોઈ ઘેરા ઘૂંટાયેલા અવાજે બીજું કંઈ પૂછ્યા કે કહ્યા વગર
સીધા જ આ ચાર શબ્દો કહ્યા, ‘તમારી પરમિશન બહાર, ગાર્ડ પાસે પડી હશે. જઈને પરમિશનનો પેપર લઈ લેજો
એટલે અંદર જઈ શકશો.’ ફોન ડિસકનેક્ટ થઈ ગયો.
શ્યામા થોડી અકળાતી, થોડી ગૂંચવાતી અને થોડી ચિંતામાં બાથરૂમ તરફ આગળ વધી ગઈ. પરમિશન હાથમાં
આવે એ પછી પણ 20-25 મિનિટનો પ્રોસિઝર હતો. શ્યામા મોડી પડવા નહોતી માગતી. એટલે એણે ઘરેથી વહેલા
જ નીકળવાનું નક્કી કર્યું.
શ્યામા જ્યારે આર્થર રોડ જેલ પહોંચી ત્યારે બહાર ઉભેલા સંત્રીએ માથું નમાવી અભિવાદન કર્યું. આટલા
બધા સંત્રીમાંથી કોની પાસે ચિઠ્ઠી હશે એ વિચારવાની પણ જરૂર ના રહી. શ્યામાએ જઈને પરમિશનનો પેપર લીધો.
ભલામણની ચિઠ્ઠી લીધી અને મુખ્ય દરવાજા પર ઊભેલા સંત્રીને આપી. એણે ડોકાબારી ખોલી, શ્યામા એમાં દાખલ
થઈ. એક પછી એક પ્રોસિઝર પૂરો કરીને એક પછી એક ચોકી વટાવતી એ જ્યારે અંદર પહોંચી ત્યારે એને મુલાકાતી
રૂમમાં લઈ જવા માટે એક વોર્ડર એની રાહ જોઈને ઊભો હતો. શ્યામા મુલાકાતી રૂમમાં પહોંચી ત્યારે મંગલ ઓલરેડી
એની રાહ જોઈને બેઠો હતો.
‘એવી શું ઉતાવળ હતી?’ શ્યામાથી પૂછ્યા વગર ન રહેવાયું, ‘હું ગઈકાલે આવી ત્યારે મારી સાથે વાત કરવા
તૈયાર નહોતો અને આજે અરજન્ટ ઈમ્પોર્ટન્ટ કામ નીકળી આવ્યું?’ એ થોડી ચીડાયેલી હતી.
‘કાલે અગ્નિસંસ્કાર માટે મને બહાર કાઢે ત્યારે હું ભાગી જવાનો વિચાર કરું છું.’ એણે કહ્યું. શ્યામાને પોતાના
કાન પર ભરોસો ન પડ્યો. એ પહોળી આંખે મંગલ સામે જોતી રહી, ‘બાઉજીનો પત્ર છે. એમને ઓમ અસ્થાનાએ
માર્યા છે. મારે હિસાબ બરાબર કરવો છે.’ શ્યામાને સાચે જ સમજાયું નહીં કે એણે શું કહેવું જોઈએ, શું કરવું જોઈએ…
‘તને કેવી રીતે ખબર પડી?’ શ્યામાએ પૂછ્યું તો ખરું, પણ એ જાણતી હતી કે જેલનું નેટવર્ક ખૂબ સ્ટ્રોંગ અને
મોટું છે. જેલમાંથી જ કોઈએ આ સમાચાર આપ્યા હશે એવું એણે માની લીધું.
‘બાઉજીએ લેટર લખ્યો છે. નાર્વેકર સાહેબ આવીને આપી ગયા. એ લેટરમાં ઝીણી ઝીણી વિગતો બાઉજીએ
લખી છે.’ તે દિવસે નહીં રડેલા મંગલસિંઘની આંખો છલકાઈ પડી, ‘મારી મા ઉપર બળાત્કાર પણ અસ્થાનાના
માણસોએ…’ શ્યામા જાળીની બીજી તરફ હતી, પણ એને અદમ્ય ઈચ્છા થઈ કે, એ દોડીને મંગલને પોતાના
બાહુપાશમાં લઈ લે. એને રડી લેવા દે. એના આંસુથી પોતાનો ખભો અને છાતી ભીંજાઈ જાય એવી કોઈ ઘેલી
ઈચ્છામાં શ્યામા જાળીની નજીક આવી ગઈ. એણે પોતાના બંને હાથે જાળી પકડી લીધી. એ મંગલને રડતો જોઈ રહી,
‘મારી મા ભાગી નહોતી. મને ખબર હતી કે, મારી મા ક્યારેય કશું ખોટું ન કરે. બાઉજીએ જતાં જતાં મારું તર્પણ કરી
નાખ્યું. તમે બધું જાણતા હો, સમજતા હો તેમ છતાં કોઈ એક માણસના મોઢેથી સાંભળવાની તમને તરસ હોય, સાચી
વાત પણ જ્યારે સાચા માણસના મોઢેથી સાંભળીએ ને ત્યારે એક પ્રકારનો સંતોષ થાય. બાઉજીએ જતાં જતાં એ
સંતોષ આપ્યો છે મને.’
‘પણ…’ શ્યામા હજી સમજી શકી નહોતી, ‘તું અહીંથી બહાર નીકળીને ઓમ અસ્થાના સાથે એકલો કેવી રીતે
લડીશ? બહુ મોટો માણસ છે. એની આસપાસ સિક્યોરિટી હોય, એને મળવું, એના સુધી પહોંચવું સહેલું નથી.’
‘મને ખબર છે.’ મંગલે કહ્યું, ‘એકલો ક્યાં છું? તું છે ને મારી સાથે!’ એની ભીની આંખો, આછું હસતાં હોઠ,
કપાળ પર ફેલાઈ ગયેલા વાળ અને આખી રાત જાગ્યા પછી લાલ થઈ ગયેલી આંખોનું એક વિચિત્ર કોમ્બો શ્યામાને
મોહિત કરી ગયું. આંખો લૂંછીને મંગલે કહ્યું, ‘મારી મદદ કરીશને?’ શ્યામા ના ન પાડી શકી, ‘મારી સાથે શૌકત છે, ને
શૌકત છે એટલે અલતાફ છે જ એવું આપણે માની લઈએ. અલતાફ હશે તો એની આખી ગેંગ, એના માણસો, બધું જ
હશે આપણી સાથે. અસ્થાનાને ખૂલ્લો પાડીને મારે બીજા લોકોને દિલબાગ બનતા અટકાવવા છે.’
‘જો! હું તને ના પાડીશ તો તને કદાચ લાગશે કે હું સ્વાર્થી છું, પણ આ બધું છોડ. દરેક માણસને એના કર્મનો
હિસાબ મળી રહે છે.’ ગઈકાલે પિતા સામે ઉશ્કેરાઈને દિલબાગના ખૂનીનો બદલો લેવા માટે તત્પર એવી શ્યામા આજે
ડરી ગઈ. મંગલ આવું કોઈ કામ કરવા જાય અને એને કંઈ થઈ જાય તો… એ વિચારમાત્ર શ્યામાને ડરાવી ગયો.
‘એના કર્મનો હિસાબ તો જ્યારે થશે ત્યારે, મારી માનું અપમાન, મારા બાઉજીનું ખૂન અને મારી જિંદગી
બરબાદ કરવાનું પાપ જેણે કર્યું છે એને હું નહીં છોડું.’ મંગલની આંખો વધુ લાલ થઈ ગઈ હતી. એણે જાળી પાસે
આવીને શ્યામાના હાથ પર પોતાના હાથ મૂક્યા. શ્યામાના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું, ‘તું મારી સાથે છે
કે નથી?’ એ શ્યામાની આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યો. થોડીક ક્ષણો બધું એમ જ સ્થિર થઈ ગયું, પછી મંગલે
કહ્યું, ‘તને વચન આપું છું કે, મારું કામ પૂરું થશે પછી પાછો આવીશ. જાતે પોલીસને સરેન્ડર કરીશ અને તને તારો
ન્યાય અપાવીશ. બસ, થોડો સમય માટે મને બહાર નીકળવાની રજા આપ.’
‘હું રજા ન આપું તો?’ શ્યામાએ પૂછ્યું.
‘તો નહીં નીકળું. હું સૌથી પહેલાં તારો ગુનેગાર છું એટલે જ્યાં સુધી તું મને છૂટ નહીં આપે ત્યાં સુધી હું મારી
અંગત લડાઈ લડવા માટે હથિયાર નહીં ઉપાડું.’ મંગલે કહ્યું. શ્યામા એની પ્રામાણિકતા અને સચ્ચાઈ પર વારી ગઈ,
‘વચન નહીં તોડું મારું. તું ના પાડીશ તો અહીં જ મરીશ, પણ મુક્તિ નહીં મળે મને.’ શ્યામા કંઈ જવાબ આપે એ
પહેલાં એક વોર્ડર હાંફળો ફાંફળો અંદર આવ્યો.
‘તમારી મુલાકાતનો સમય પૂરો થયો છે. આઉટ ઓફ ટર્ન મુલાકાત આપી હતી. જેલર સાહેબ ઈન્સ્પેક્શનમાં
આવે છે, પ્લીઝ.’ એણે કહ્યું.
કશું બોલ્યા વગર શ્યામાના હાથ પર મૂકેલા પોતાના હાથને સહેજ ભીંસ આપીને મંગલે શ્યામાનો હાથ
દબાવ્યો. એક પણ અક્ષર બોલ્યા વગર એ મુલાકાતના રૂમની બહાર નીકળી ગયો. એણે જતાં જતાં પાછળ વળીને
જોયું. એની આંખોમાં જે કંઈ હતું એ શ્યામાને પૂરેપૂરું સમજાયું નહીં, પણ એ નજર કોઈ તીરની જેમ શ્યામાના
હૃદયમાં ઉતરી ગઈ. શ્યામા પણ મુલાકાતીના રૂમમાંથી બહાર નીકળી ગઈ.
*
બેરેકમાં પહોંચેલા મંગલને શોધતો એક કોન્સ્ટેબલ ક્યારનો ફરી રહ્યો હતો. એણે મંગલને જોઈને કહ્યું, ‘ક્યાં
હતો તું? તને ક્યારના શોધે છે.’
‘શું છે?’ મંગલે બેફિકરાઈથી પૂછીને કપાળ પર ધસી આવેલા એના લીસા વાળ ઊંચા કર્યા.
‘તારી રજા ચિઠ્ઠી મંજૂર થઈ છે. આવતીકાલે સવારે દસ વાગ્યે તારે અગ્નિસંસ્કાર માટે જવાનું છે. બે
કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ આવશે તારી સાથે.’ એણે કહ્યું.
‘ઠીક છે.’ કહીને મંગલ ફરી પાછો પોતાના ખૂણામાં ગોઠવાઈ ગયો. એણે કામળો લપેટેલો તકિયો ખોલ્યો.
તકિયા નીચે હાથ નાખ્યો ત્યારે એને સમજાયું કે, એણે જે કાગળ ત્યાં મૂક્યો હતો એ ત્યાં નહોતો. મંગલના હોશ ઉડી
ગયા. એ કાગળમાં ઝીણી ઝીણી વિગતો હતી. એ પ્રમાણે મંગલે શાહપુરના ફાર્મહાઉસમાં જઈને બધું શોધવાનું હતું.
પૂરાવા એકઠા કરીને અસ્થાનાને પકડાવવાનો હતો… જે પત્ર પર મદાર રાખીને એણે ભાગવાનું પ્લાનિંગ કર્યું એ પત્ર
જ ત્યાંથી કોઈ લઈ ગયું હતું.
‘શૌકત…’ બેરેકની બહાર નીકળીને મંગલે બૂમ પાડી.
‘હા ભાઈ.’ શૌકત દોડતો આવ્યો.
‘વો લેટર?’ મંગલે પૂછ્યું, ‘તુને લિયા ક્યા?’ શ્યામાનો પત્ર સમજીને પ્રેમ પત્ર વાંચવાના કુતૂહલમાં કદાચ આ
નાનકડા મૂરખ છોકરાએ પત્ર ઉઠાવ્યો હોય એમ માનીને મંગલે પૂછ્યું.
‘નહીં.’ શૌકતના ચહેરો નિર્દોષ હતો, ‘તમને પૂછ્યા વગર તમારી વસ્તુ ના લઉં.’
‘તો કોણ લઈ ગયું?’ મંગલનું લોહી ઊડી ગયું. એ પત્ર વગર એની પાસે બીજી કોઈ વિગતો નહોતી. શું કરવું
એના વિચારમાં મંગલ બેચેનીથી આંટા મારવા લાગ્યો. એણે કામળો એકવાર ખંખેરીને જોયો, તકિયાના કવરમાં હાથ
નાખ્યો, આજુબાજુની જગ્યા અને બીજું બધું ફેંદી નાખ્યું, પણ પત્ર દેખાયો નહીં.
‘આ શોધે છે?’ પંચમ સામે પત્ર લઈને ઊભો હતો. મંગલના ચહેરા પર હાશ! થઈ. સાથે જ એનું મગજ
બમણી ઝડપે કામ કરવા લાગ્યું, ‘જતાં જતાં આગ લગાડી ગયો દિલબાગ, કમ્બખ્ત.’ પંચમે કહ્યું.
‘તમે વાંચ્યો?’ પૂછ્યા પછી મંગલને લાગ્યું કે, એ પ્રશ્નનો કોઈ અર્થ જ નહોતો, ‘લાવ.’ એણે પત્ર માંગ્યો અને
પંચમે સહજતાથી એ પત્ર એના હાથમાં મૂકી દીધો.
‘ભાગવાનો વિચાર છે?’ પંચમના સવાલમાં છરીની ઠંડી અને તેજ ધાર હતી, ‘એકલો ભાગીશ?’ એ જવાબ
માટે મંગલના ચહેરા તરફ જોઈ રહ્યો. મંગલે કોઈ જવાબ આપ્યા વગર પત્ર ફરી પાછો તકિયાના કવરમાં મૂકીને કામળો
લપેટી દીધો, ‘મારા વગર તું કંઈ નહીં કરી શકે.’ પંચમે કહ્યું. મંગલે એની સામે જોઈને હળવું સ્મિત કર્યું, ‘મને ખબર છે
આ મૂરખ પણ તારી સાથે ભાગવાનો છે.’ ત્યાં ઊભો રહીને બધો તમાશો જોઈ રહેલા શૌકત તરફ આંગળી ચીંધીને
પંચમે કહ્યું, ‘આ તારા પર બોજ બનશે. મદદ નહીં કરે કંઈ. શહેજાદો છે.’ મંગલે હજી જવાબ ના આપ્યો. એટલે પંચમે
નજીક આવીને એને બાવડેથી પકડી લીધો, ‘જવાબ આપ.’ એણે મંગલને હચમચાવી નાખ્યો.
‘અહીંથી ભાગીશ પછી પાછો આવીશ કે નહીં એ નક્કી નથી. હું જે કરવાનો છું એમાં જીવ જતો રહે તો
નવાઈ નહીં.’ મંગલે કહ્યું.
‘અહીં કોને જીવવું છે?’ મંગલના ખભે ધબ્બો મારતા પંચમે કહ્યું, ‘મરતાં પહેલાં કંઈ સારું કરી જાઉં તો અહીં
કરેલા પાપ ધોવાઈ જાય, કદાચ!’ મંગલના જવાબની રાહ જોયા વગર પંચમે કહી નાખ્યું, ‘તું અગ્નિસંસ્કાર કરવા જાય
ત્યારે છટકજે. હું અહીંથી આ ચક્રમને લઈને મારી રીતે આવી જઈશ.’ મંગલ એની સામે જોઈ રહ્યો, ‘દેખતા ક્યા હૈ
બે!’ પંચમે કહ્યું, ‘ભાઈએ કામ સોંપ્યું છે, તારું ધ્યાન રાખવાનું. ખાલી જેલમાં નહીં, તું જ્યાં જાય ત્યાં ધ્યાન રાખવાનું
કામ મારું છે. તને કંઈ થઈ જાય તો ભાઈ મારી ચટની બનાવી નાખે ને, કબાબ જોડે ખાઈ જાય ખબર છે તને?’ પંચમ
એકલો જ હસવા લાગ્યો. એની સામે આશ્ચર્યથી જોઈ રહેલા શૌકત અને મંગલને જોઈને એને વધારે હસવું આવ્યું.
એણે હસતાં હસતાં કહ્યું, ‘યે ઈશ્ક નહીં આસાન, ઈતના હી સમજ લિજિયે. એક આગ કા દરિયા હૈ, ઔર ડૂબ કે જાના
હૈ… દોસ્તીનું પણ એવું જ છે. હવે તો જે થશે એ આપણા ત્રણેયનું થશે.’
મંગલ એક ક્ષણ માટે પંચમ સામે જોઈ રહ્યો અને પછી આગળ વધીને એને ભેટી પડ્યો. થોડે દૂર ઊભેલો
શૌકત પણ આવીને એ બંનેને ચોંટી પડ્યો. મંગલની આંખોમાં ફરી એકવાર પાણી ઊભરાયાં.
(ક્રમશઃ)