પ્રકરણ – 51 | આઈનામાં જનમટીપ

બીજા દિવસે સવારે શિવ દરવાજો ખોલીને બહાર નીકળ્યો ત્યારે એણે જોયું કે, એના બેડરૂમની બહાર
ઓમના બે વિશ્વાસુ માણસો સુધાકર અને જ્હોન ભરેલી બંદૂકે ઊભાં હતા. શિવ અકળાઈ ગયો. એ સ્વતંત્ર
મિજાજનો બેપરવાહ અને પ્રમાણમાં ડેરિંગ છોકરો હતો. આવી રીતે રૂમની બહાર બે માણસોને ઊભેલા જોઈને એને
ગુસ્સો ચડી ગયો.
એક તો આખી રાતનો ઉજાગરો હતો, ઓમનો પત્તો મળતો નહોતો અને એમાં સાંઈએ કારણ વગર કરેલા આ
તમાશાથી એ વધુ ઉશ્કેરાયો.
એણે સાંઈને ફોન લગાડીને કહ્યું, ‘ભાઈ! આ બધું બંધ કરી દો. ગઈકાલે રાત્રે તમે નશામાં હતા ને હું થાકેલો,
એટલે હું કંઈ બોલ્યો નહીં, પણ મારે આ બધી સિક્યોરિટીની જરૂર નથી. હું એકલો જ ઈનફ છું.’
‘શિવ!’ આજે સાંઈના અવાજમાં કોઈ વિચિત્ર પ્રકારનો ભય હતો, ‘સુધાકર અને જ્હોન તારી સાથે રહેશે, તું
જ્યાં જઈશ ત્યાં.’ સાંઈએ કહ્યું, ‘આઈ રિપીટ, તું જ્યાં જઈશ ત્યાં.’
‘એ શક્ય નથી.’ શિવે કહ્યું, ‘હું કોઈના બંધનમાં રહી શકું એમ નથી.’ એના અવાજમાં વિચિત્ર પ્રકારનો
અનાદર, અવહેલના હતા, ‘તમે પણ મને બાંધી નહીં શકો.’ એણે કહ્યું. થોડીક ક્ષણો બંને પક્ષે ચૂપકીદી છવાયેલી રહી.
પછી શિવે કહ્યું, ‘હું સમજું છું કે તમને ધીરે ધીરે મારી કાબેલિયત પર અને પ્રામાણિકતા પર અવિશ્વાસ થવા લાગ્યો
છે.’
‘વ્હોટ?’ સાંઈને આઘાત લાગ્યો, ‘શું બોલે છે તું?’
‘ભાઈ! હું સમજું છું.’ છેલ્લા કેટલાય સમયથી શિવના દિલમાં ગુંગળાતો ધૂમાડો આજે શબ્દ બનીને એના
મોઢામાંથી નીકળી ગયો, ‘તમને લાગે છે કે હું તમને બાયપાસ કરી જઈશ. જે રીતે હું ધંધો સંભાળું છું એ જોઈને તમને
ઈનસિક્યોરિટી થાય છે. બટ, ડોન્ટવરી હું તમને ક્યારેય નુકસાન નહીં કરું. ભલે સાવકો છું, પણ છું તો ભાઈ…’
સાંઈએ આગળ કશું કહ્યા વિના ફોન મૂકી દીધો, પરંતુ એના હૃદયમાં એક ખળભળાટ મચી ગયો કારણ કે,
શિવની વાત ખોટી નહોતી. શિવની વધતી જતી સત્તા અને પહોંચ સાંઈ માટે સમસ્યા બનવા લાગી હતી. એ જોઈ
શકતો હતો કે, ઓમ કોઈને કોઈ કારણસર શિવને વધુ મહત્વ આપતો હતો. શિવ પર વધુ વિશ્વાસ કરતો હતો. શિવ
દરેક વખતે ઓમના વિશ્વાસને, એને સોંપેલા કામને જે સફળતાથી પાર પાડતો હતો એનાથી સાંઈના પેટમાં ફાળ
પડતી હતી. ગમે તેમ તો શિવ સાવકો હતો અને સાંઈ સગો ભાગ. ઓમ જે રીતે સાંઈને નિગ્લેક્ટ કરતો હતો અને
શિવને વધુને વધુ જવાબદારી સોંપી રહ્યો હતો એ જોતાં હવે સાંઈને લાગતું હતું કે, ઓમ કદાચ એનો બધો ધંધો અને
સામ્રાજ્ય શિવને સોંપી દે તો પોતાના હાથમાં કશું નહીં રહે.
આ ભય અને ઈર્ષાએ સાંઈ અને શિવને સામસામે ઊભા કરી દીધા હતા.
એમનો આ ધંધો અને સામ્રાજ્યના પાયામાં ત્રણ ભાઈઓની એકતા હતી. જાણેઅજાણે લાલસિંગે ઓમ
અસ્થાનાના આ સામ્રાજ્યના પાયામાં તિરાડ પાડી હતી.

લી યુંગના એ ચોથા માળના ઘરમાં ઓમ અસ્થાનાએ આંખો ઉઘાડી ત્યારે એણે જોયું કે એણે બંને હાથ
બાંધેલા હતા. એ પલંગ ઉપર સૂતો હતો અને જગ્યા તદ્દન અજાણી હતી. એણે માથું હલાવીને, આંખો પટપટાવીને
ગઈકાલની ઘટના યાદ કરવાનો પ્રયાસ કર્યો. છેલ્લે પોતે મંદિરમાં હતો એ વાત એને યાદ આવી. ઓમને તરત સમજાઈ
ગયું કે, પોતે કિડનેપ થયો હતો.

ઓમ અસ્થાના ઠંડા મગજનો માણસ હતો. દુનિયાની તડકી છાંયડી જોઈ ચૂક્યો હતો. સારા ખરાબ
અનુભવોમાંથી પસાર થયો હતો એટલે મગજ ગૂમાવીને રાડારાડ કરવાને બદલે એણે શાંતિથી વિચારવા માંડ્યું. પાંચ
મિનિટ પણ નહીં થઈ હોય, એને વિચારતાં… બધા તાળા મેળવીને ગણતરીઓ કરતાં, ઓમને તરત જ સમજાઈ ગયું કે,
આ લાલસિંગ સિવાય બીજા કોઈનું કામ ન હોઈ શકે, પરંતુ લાલસિંગ જેલમાંથી ક્યારે છૂટ્યો, મલેશિયા કઈ રીતે
પહોંચ્યો એ બધા વિશે એના મનમાં સવાલો થયા ખરા. એણે જોરથી બૂમ પાડી, ‘એ લાલસિંગ, છોડ મને. બાથરૂમ
જવું છે, બ્રશ કરવું છે મારે.’ બંધ દરવાજો ખૂલ્યો. લાલસિંગ હસતો હસતો દાખલ થયો. એની પાછળ શૌકત અને
પંચમ દાખલ થયા. ઓમે ત્રણેયને જોયા. જાણે કશું બન્યું જ ન હોય એમ એ પણ લાલસિંગ સામે જોઈને હસ્યો, ‘દાદ
દેવી પડે તને. હિંમત છે તારી. તારા મોતને તારે ઘેર લઈ આવ્યો એ પણ કિડનેપ કરીને!’
‘તને હું નથી લાવ્યો.’ લાલસિંગે કહ્યું, ‘તને અહીંયા જે લાવ્યો છે એને જોઈને તને તરત સમજાઈ જશે કે હવે
કોનું મોત થશે.’ ઓમ નવાઈથી જોતો રહ્યો. મંગલસિંઘ દાખલ થયો. એ દ્રશ્ય કોઈ ફિલ્મના સીનથી ઓછું નહોતું.
ઓમની આંખો પહોળી થઈ ગઈ. એણે કલ્પના પણ નહોતી કરી કે અહીં મંગલસિંઘ એની સામે હશે. મંગલસિંઘને
જોઈને ઓમના કપાળ પર પરસેવાના બુંદ ચમકવા લાગ્યા. લાલસિંગથી એ વાત છાની ન રહી શકી. એણે હસીને
કહ્યું, ‘કેમ? ઓમ અસ્થાના, ડરી ગયો?’
‘ડર્યો નથી, પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કરું છું. આ હીરો અહીંયા કેવી રીતે પહોંચ્યો, તને કેવી રીતે મળ્યો
એ તો હું સમજી ગયો… પણ, મને ઉઠાવવાથી એનો શું ફાયદો થશે એ મને ન સમજાયું.’
ઓમ થોડી ચાલબાજી કરવા ગયો, પણ ફાવ્યો નહીં કારણ કે, લાલસિંગે તરત જ કહ્યું, ‘રહેવા દે. મંગલસિંઘ
બધું જાણે છે. એના બાપને તેં જ મરાવડાવ્યો.’
‘અરે યાર! હું શું કામ મરાવું, મારો બેસ્ટ માણસ જ હોય. મુંબઈનો બધો ધંધો એના ભરોસે ચાલતો હતો. મેં
તો ઉલ્ટાનો એક વિશ્વાસુ માણસ ગૂમાવ્યો…’ ઓમ અસ્થાનાએ કહ્યું, ‘હાથ છોડ તો ગળે ખરખરો કરું.’
‘હાથ તો છોડીશ. એમ બાંધેલા હાથે નહીં મારું તને.’ કહીને મંગલસિંઘે એને છોડી દીધો. ઓમ અસ્થાના
પલંગમાંથી ઉતરીને સીધો ટોઈલેટ તરફ ભાગ્યો. એ બારણું બંધ કરવા જતો હતો, પણ મંગલસિંઘે લાત મારીને
દરવાજો ખોલી નાખ્યો, ‘દરવાજો લોક નહીં કરતો અંદરથી.’ ઓમને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ હતી. એના
ચાલાક મગજે જગ્યા અને શક્યતાઓનો હિસાબ કરી લીધો. એનો ફોન એની પાસે નહોતો. ચોથા માળેથી નીચે ઉતરી
શકવાની કોઈ શક્યતા નહોતી જ. બહાર નીકળવાનો એક જ દરવાજો હતો, જેના પર ચોકીદાર બનીને લાલસિંગ
અને બીજા બે માણસો ઊભા હતા. ઝાઝી માથાકૂટ કર્યા વગર એણે ટોઈલેટનો દરવાજો આડો કર્યો. વોશબેસિન પર
એક ફ્રેશ બ્રશ અને ટૂથપેસ્ટ હતા. આ લોકોએ પૂરી તૈયારી સાથે એને કિડનેપ કર્યો હતો એ વાતને ઓમને સમજાઈ ગઈ.
કોઈપણ પ્રકારની માથાકૂટ કર્યા વગર બ્રશ અને રોજિંદી ક્રિયાઓ પતાવીને 15-20 મિનિટમાં એ બહાર નીકળ્યો ત્યારે
મંગલસિંઘ આરામથી ખુરશી પર બેઠો હતો.
ઓમ બહાર નીકળીને પલંગ પર બેઠો, દરવાજે ઊભેલા બે જણાં સામે જોઈને કહ્યું, ‘ચાય તો પિલાઓ, યાર.’
એણે સીધી મુદ્દાની વાત કરી, ‘શું જોઈએ છે તારે?’
‘તારું મોત જોઈએ છે.’ મંગલે કહ્યું, ‘મારા બાપના મોતનો બદલો લેવા આવ્યો છું.’ કહીને એણે ઉમેર્યું, ‘મારી
માની બેઈજ્જતી, એનું દુઃખ અને એની સાથે તેં જે કંઈ કર્યું એનો હિસાબ કરવા આવ્યો છું.’ મંગલે ઝૂકીને ઓમની
આંખોમાં જોયું, ‘સમય નહીં વેડફું. આજ સાંજ પહેલાં તારી લાશ તારા ભાઈઓને મળી જશે. રાત્રે પોસ્ટમોર્ટમ થશે
અને કાલે સવારે અંતિમ સંસ્કાર કરી શકશે એ લોકો.’
‘શું વાત કરે છે યાર?’ ઓમ બને એટલો સહજ અને નિર્ભય દેખાવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ ભીતરથી
ગભરાયેલો હતો. મંગલસિંઘની આંખો જોઈને એને માથે ચકરાવો લઈ રહેલા મોતનો અંદાજો આવી ગયો હતો, ‘જે
થઈ ગયું એ નહીં બદલાય, તું મારી સાથે જોડાઈ જા. મારે સારા અને વિશ્વાસુ માણસોની જરૂર છે. રાજા બનાવી દઉં
તને મુંબઈ માર્કેટમાં.’

‘રાજા નહીં, દલાલ.’ મંગલે કહ્યું, ‘મારે બને એટલા વહેલા પાછા જવાનું છે. તને મારીને.’ ઓમ અસ્થાના
એની સામે જોઈ રહ્યો. મંગલ જે સ્વસ્થતાથી વાત કરતો હતો એનાથી હવે ઓમ ડરી ગયો હતો, ‘મલેશિયાની નહીં,
મુંબઈની જેલમાં મરવાનું છે મારે.’ મંગલે સ્વગત કહ્યું, ‘મેં વચન આપ્યું છે કોઈને.’
‘જો યાર…’ ઓમ કંઈ કહેવા ગયો, પણ મંગલે ઉભા થઈને એને અટકાવ્યો, ‘પણ સાંભળ તો ખરો…’ મંગલ
ઓરડાની બહાર નીકળી ગયો અને ઓમ કંઈ કહેવાનો પ્રયત્ન કરતો રહ્યો.
મંગલે દરવાજો બહારથી બંધ કરી દીધો. એણે બહાર ઉભેલા અંજુમ અને એની સાથે ઓરડામાંથી બહાર
નીકળેલા લાલસિંગ, શૌકત અને પંચમને પૂછ્યું, ‘શું પ્લાન છે? આને કેવી રીતે મારશું અને ક્યાં ફેંકશું?’ એણે અંજુમ
સામે જોઈને ફરી પૂછ્યું, ‘તું લોકલ છે, તને વધારે ખબર હશે.’
‘જો!’ અંજુમે ધીમેથી કહ્યું, ‘ક્યાં ફેંકવો, શું કરવું એ બધું ફટાફટ નક્કી કરવું પડશે. અત્યાર સુધીમાં શિવ
અસ્થાના પૂરેપૂરો એક્ટિવેટ થઈ ગયો હશે. અંડરવર્લ્ડ અને મલેશિયા પોલીસ બંને પોતપોતાના કામે લાગ્યા હશે. એમને
આપણા સુધી પહોંચતા વાર નહીં લાગે.’
‘રાઈટ.’ મંગલે ડોકું ધૂણાવ્યું. ઝાઝું વિચાર્યા વગર એ રિવોલ્વર લઈને અંદરના ઓરડા તરફ ગયો. બારણું
ખોલીને એણે પલંગ પર બેઠેલા ઓમ અસ્થાનાના લમણે રિવોલ્વર તાંકી, ‘ચલ મરવા તૈયાર થઈ જા. મહાપાપી અને
રાક્ષસ છે તું, પણ ભગવાનનું નામ લઈ લે. છેલ્લી મિનિટે એટલું તો કર.’
‘તારા બાપના કરોડો રૂપિયા મારી પાસે છે. મને મારી નાખીશ તો…’ ઓમ કહેવા ગયો, પણ મંગલે રિવોલ્વર
વધુ જોરથી એના લમણામાં દબાવી, ‘જરા સમજ…’ એ આગળ બોલવા જાય એ પહેલા ધડાકો થયો. ગોળી ઓમના
માથાના પાછળના ભાગેથી બહાર નીકળી. એની ખોપરી ફાટી ગઈ. માંસના લોચા અને મગજના ટૂકડા બહાર ફેંકાયા.
જે પલંગ પર બેઠો હતો એના પર જ ઓમ ઢળી પડ્યો. ધડાકો સાંભળીને લાલસિંગ, અંજુમ, શૌકત બધા અંદર દોડી
આવ્યા. એમણે જોયું કે, ઓમ મરી ગયો છે. કોઈ થોડીક ક્ષણો કશું બોલ્યું નહીં, પછી અંજુમે પલંગની ચાદરના
કપડામાં ઓમને લપેટી લીધો. લોહી ધડધડાટ વહી રહ્યું હતું. રંગીન ચાદર લાલ થઈ ગઈ. અંજુમે પહેલેથી લાવી
રાખેલા પ્લાસ્ટિકના થેલામાં ઓમનું શરીર નાખ્યું. થેલાને મોટા સોયાથી સીવી લીધો. થેલાની અંદર ખૂબ બધું મીઠું
નાખ્યું અને પરફ્યૂમની બોટલ્સ ઉંધી કરી, જેથી વાસ ન આવે અને શરીર ધીમે ધીમે પીગળે. બોડી ડિફોર્મ થઈ જાય તો
ઓળખ મુશ્કેલ થાય. એ પછી પ્લાસ્ટિકના થેલાને મોટા બોક્સમાં મૂકવામાં આવ્યો. પ્લાસ્ટિકનું કોરુગેટેડ બોક્સ કોઈ
હાર્ડવેર કે બીજી વસ્તુના બોક્સ જેવું દેખાતું હતું. બોડીને એની અંદર મૂકીને એના પર ટેપ મારીને બોક્સને સીલ
કરવામાં આવ્યું.
આ બધું પત્યા પછી અપાર્ટમેન્ટને સાફ કરવામાં આવ્યો. ફિંગર પ્રિન્ટ્સ કે બીજી કોઈપણ નિશાની રહી ન જાય
એ રીતે અપાર્ટમેન્ટને ડિપક્લિન કરી નાખ્યો. દરેકે દરેક ઓરડામાં ડિસઈન્ફ્કેટન્ટની તીવ્ર સુગંધ ધરાવતા લિક્વિડનું પોતું
મારવામાં આવ્યું અને દિવાલો પણ લૂછી નાખવામાં આવી. આ બધું કરતા ત્રણ કલાક થયા.

*

બપોરના બાર વાગવા આવ્યા હતા, પરંતુ ઓમ અસ્થાનાનો ક્યાંય પત્તો નહોતો. છેલ્લે એને મંદિરમાં જતો
જોયો, પણ બહાર નીકળતો જોયો નહીં એ પછીની કોઈ માહિતી ક્યાંયથી મળતી નહોતી. શિવ અકળાઈ ગયો હતો.
અંડરવર્લ્ડના માણસો અને મલેશિયા પોલીસ ઓમના ફોનકોલ રેકોર્ડ્સ અને એના માણસોને તપાસી રહી હતી, પરંતુ
મંદિરમાં બંધ થયેલો ફોન મંદિરમાંથી મળી આવ્યો, એટલે એ પછી ઓમનું શું થયું એના કોઈ સગડ મળતા નહોતા.
શિવ એટલું ચોક્કસ સમજી શક્યો કે, આ કોઈ ભયાનક ચાલાક માણસનું વેલપ્લાન્ટ કામ હતું.
પોલીસ અને અંડરવર્લ્ડના ઓમ અસ્થાનાના માણસો તો પોતાનું કામ કરી જ રહ્યા હતા, પરંતુ શિવે પોતાનું
હોમવર્ક કામે લગાડ્યું. એણે પોતાના મગજના ડેટામાં પ્રોસેસિંગ શરૂ કરી, કોણ હોઈ શકે જેને ઓમ અસ્થાનાને
કિડનેપ કરવાથી ફાયદો થાય! પૈસા, અંગત અદાવત અને ફ્લેશટ્રેડના દુશ્મનોના અનેક ચહેરા એની સામે આવ્યા, પરંતુ
દૂર દૂર સુધી એને મંગલસિંઘનો વિચાર આવ્યો જ નહીં. આના બે કારણો હતા. એક, શિવ અસ્થાનાને હજી સુધી
દિલબાગસિંઘના ખૂન વિશે જાણ નહોતી અને બીજું મંગલસિંઘ એના રડારમાં આવે એટલું મોટું નામ જ નહોતું!
(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *