પ્રકરણ – 52 | આઈનામાં જનમટીપ

શિવ અસ્થાના ધૂંધવાયેલો અને ગૂંચવાયેલો હતો. 12 વાગ્યા સુધી ઓમના કોઈ ખબર જ ના આવ્યા એટલે
સાંઈએ શિવને ફોન કર્યો, ‘ભાઈ ક્યાં છે? એમનો ફોન નથી લાગતો.’ કહીને સાંઈએ જરા ચિંતિત અવાજે ઉમેર્યું, ‘હજી
સુધી ઓફિસ પણ નથી પહોંચ્યા.’
શિવે થોડું વિચાર્યા પછી સાંઈને કહ્યું, ‘ભાઈ… કિડનેપ થઈ ગયા છે.’
‘વ્હોટ?’ સાંઈએ રાડ નાખી, ‘કોની હિંમત થઈ? ફોન આવ્યો કંઈ? રેન્સમ જોઈએ છે કે કંઈ બીજો મામલો
છે?’
‘કશી જ ખબર નથી.’ શિવે જરા હારેલા, નિરાશ અવાજે કહ્યું.
‘ક્યારે થયું?’ સાંઈએ પૂછ્યું.
‘ગઈકાલે. મંદિરથી.’ શિવ ડરી ગયો હતો એવું સાંઈને લાગ્યું.
‘તું મને આજે કહે છે?’ સાંઈ ઉશ્કેરાઈ ગયો, ’24 કલાક કરતા વધારે સમય થઈ ગયો.’
‘મને જ ખબર નહોતી.’ શિવે કહ્યું, પણ એ જાણતો હતો કે પોતે જુઠ્ઠું બોલી રહ્યો હતો.
‘ક્યાંક તેં જ તો આ બધું નથી કર્યું ને?’ સાંઈએ પૂછ્યું, ‘આ બધો પાવર, પૈસા અને ભાઈનો ધંધો કદાચ એ મને
આપી દેશે એવી બીક લાગી હોય તને…’
‘સટઅપ…’ શિવે જોરથી બૂમ પાડી. એનાથી ગાળ બોલાઈ ગઈ.
સાંઈ હસ્યો, ‘આ જ દેખાડે છે કે તું સાવકો છે. તારી મા અને મારી મા જુદી છે… તું મારી માને ગાળ દે,
એનો અર્થ જ એ કે…’
‘તું ચૂપ મર.’ કહીને શિવે ફોન ડિસકનેક્ટ કર્યો, પણ સાંઈના મગજમાં એ વાત ફિટ બેસી ગઈ કે, ઓમ
અસ્થાનાના ગૂમ થવા પાછળ બીજું કોઈ નહીં, પણ શિવનો જ હાથ હોઈ શકે. એણે પોતાના વિશ્વાસુ માણસોને ફોન
કરીને સૂચના આપી કે, શિવ ઉપર કડક નજર રાખે.
સાંઈ અને શિવની વચ્ચે તિરાડ પહોળી થઈ હતી. શક હવે બંનેની વચ્ચે સાપની જેમ ઉભો હતો અને એમને
ભેગા કરી શકે એવો એક માત્ર માણસ ઓમ અસ્થાના બોક્સમાં પેક થઈ ચૂક્યો હતો.

લાલસિંગ, પંચમ, મંગલ અને મન્નુ ચાર જણાં સર્વિસ અપાર્ટમેન્ટના ડ્રોઈંગ રૂમમાં બેસીને ચા પી રહ્યા હતા.
માઈકલ એના જાતભાતના યાંત્રિક રમકડાં ઉપર શિવનો ફોન સાંભળી રહ્યો હતો. એણે હેડફોન ઉતારીને કહ્યું,
‘કોન્ગ્રેચ્યુલેશન ગાઈઝ!’ એના ચહેરા પર ક્રૂર, રમતિયાળ સ્મિત હતું, ‘રામાયણની જગ્યાએ મહાભારત શરૂ થઈ ચૂકી છે.’
લાલસિંગ ઊઠીને નજીક આવ્યો, ‘મતલબ?’
‘મતલબ કે શિવ અને સાંઈની વચ્ચે ફટાકડા ફૂટ્યા.’ માઈકલ હસી રહ્યો હતો, ‘હવે આપણે આ દિવાળીનો
ફાયદો ઉઠાવવો જોઈએ.’
‘શું કહેવા માગે છે?’ મંગલ અકળાયો.

‘અરે યાર.’ માઈકલે કહ્યું, ‘શિવને લાગે છે કે સાંઈને અવિશ્વાસ છે. બે જણાં વચ્ચે આ નાનકડી તિરાડનો
આપણે ફાયદો ઉઠાવવો જોઈએ. શિવની પાછળ જાસૂસ લગાઓ.’ માઈકલ ફરી હસ્યો, ‘એને ખબર પડવી જોઈએ કે,
એની જાસૂસી થઈ રહી છે.’
‘હેં?!?’ મન્નુએ વિચિત્ર રીતે પૂછ્યું.
‘અરે! એને લાગશે કે આ જાસૂસી એનો ભાઈ કરાવે છે. આટલું સાંભળીને સહુની આંખો ચમકી, ‘યુ આર
રાઈટ.’ મંગલે કહ્યું.
‘ઓલવેઈઝ.’ એ 20 વર્ષના છોકરાએ જરા ઓવરકોન્ફિડન્સમાં ખભા ઊલાળ્યા. એની વાત વિચારતાં કરી મૂકે
એવી હતી. મંગલસિંઘે એ જ સમયે શિવ પાછળ ફરવા માટે મન્નુને બે-ત્રણ માણસોને શોધી કાઢવાનું કહ્યું. મન્નુએ બે
ભરોસાના માણસો શોધ્યા જે શિવને ખબર પડે એવી રીતે એની પાછળ ફરવાના હતા. શિવ અને સાંઈની એકતા તૂટે
તો આપોઆપ શિવને ટાર્ગેટ કરવો સહેલો પડે. પોતાની જાસૂસી થઈ રહી છે એ વાતની ખબર પડે એટલે શિવ પણ
જાસૂસને છેતરવા એકલો પડવાનો પ્રયાસ કરે જ… એ જેવો ટોળાંથી કે સિક્યોરિટીથી છુટ્ટો પડે એવો એને ઉડાવી
દેવો સરળ પડે. યોજના રસપ્રદ હતી. ત્રણ કલાકમાં તો એનો અમલ શરૂ થઈ ગયો.
શિવ ઘરેથી નીકળ્યો ત્યારે એણે જોયું કે, એના ઘરની બહાર ઊભેલી એક લાલ મસ્ટાંગ ગાડી એની પાછળ
નીકળી. શિવ ખૂબ ચાલાક અને લોમડી જેવો ધૂર્ત હતો. એને એક છઠ્ઠી ઈન્દ્રિય હતી જેનાથી આસપાસ બનતી
તમામ ઘટનાઓ એના રડારમાં ઝીલાતી રહેતી. એણે લાલ ગાડીને પોતાની પાછળ આવતી જોઈ એટલે જુદા જુદા
રસ્તે ગાડી ચલાવવા માંડી. ખરેખર એ ઓફિસ જવા નીકળ્યો હતો, પરંતુ રસ્તામાં મેકડોનાલ્ડ્સમાં કોફી લેવા ઊભો
રહ્યો, એ પછી એક બીજી શોપ પાસે ગાડી ઊભી રાખીને બીનજરૂરી ખરીદી કરી, અને છેલ્લે જ્યારે એણે એક સેલોં
પાસે ગાડી ઊભી રાખી, ને પાછળ એ લાલ મસ્ટાંગ પણ ઊભી રહી ગઈ ત્યારે એને સમજાઈ ગયું કે, એની જાસૂસી
થઈ રહી છે!
તીર નિશાના પર લાગ્યું હતું. માઈકલે કહ્યું હતું એમ જ, શિવે ધારી લીધું કે, ગાર્ડ્સ મૂકવાની ના પાડી એટલે
પોતાના સાવકા ભાઈએ પોતાની જાસૂસી કરાવવાની શરૂ કરી છે. શિવ પ્રમાણમાં ઠંડા કલેજાનો અને ગણતરીબાજ
હતો. એની જગ્યાએ જો સાંઈ પોતે હોત તો એણે તરત જ ફોન કરીને તડાફડી કરી હોત, પણ શિવે એવું ન કર્યું. એણે
શાંતિથી ગાડી ઓફિસની પાસે પાર્ક કરી અને ઉપર ગયો. ઓફિસની બારીઓમાંથી એ ચેક કરતો રહ્યો કે, સાંજ સુધી
એ ગાડી ત્યાં જ ઊભી રહી.
દિવસ દરમિયાન એના ફોન કોલ્સ અને વાતચીત માઈકલ સાંભળતો રહ્યો, પણ એમાં ક્યાંય કશું શંકાસ્પદ
લાગ્યું કે મળ્યું નહીં. સાંજે સાડા પાંચ વાગ્યે એણે એક ફોન કર્યો. જે સાંભળીને માઈકલના કાન સરવા થયા. એણે
બીજા લોકોને પણ ઈશારાથી હેડફોન પહેરવાનું કહ્યું. ચારેય જણાં ત્યાં પડેલા હેડફોન પહેરીને વાતચીત સાંભળવા
લાગ્યા.
‘મને લાગે છે આજે નહીં અવાય.’
‘કેમ?’ સામેથી એક સ્ત્રી અવાજે પૂછ્યું.
‘કોઈ મારો પીછો કરી રહ્યું છે.’ કહીને એણે સહેજ અચકાઈને ઉમેર્યું, ‘કદાચ, ભાઈ.’
‘શીટ! એને ખબર પડી ગઈ કે, શું?’
‘એવું હોય તો પણ હું એનાથી ડરતો નથી.’ શિવના અવાજમાં એક બેપરવાહી હતી.
‘હું ડરું છું.’ સ્ત્રીનાં અવાજમાં સાચે જ ભય હતો, ‘સાંઈ મને જીવતી નહીં છોડે.’ આ સાંભળીને સૌની
આંખો ચમકી. પેલી સ્ત્રી કહેતી રહી, ‘તું સાંઈને ઓળખે છે. એને શંકા પણ આવી હશે તો… ‘તો શું?’ શિવના
અવાજમાં જવાની અને જોશની લાપરવાહી પડઘાઈ.
‘ના…’ પેલી સ્ત્રીએ કહ્યું, ‘મને મારી નાખે તો મને વાંધો નથી, પણ તને કંઈ થશે તો?’
‘ડોન્ટ વરી, જાન!’ શિવે ફરી એ જ બેફિકરાઈથી કહ્યું, ‘હું જ એને કહી દેવાનો છું.’
‘એ ભૂલ નહીં કરતો…’ એ સ્ત્રીથી લગભગ ચીસ પડાઈ ગઈ.
‘એ તારો માલિક નથી.’ શિવે કહ્યું, ‘ને મારો પણ માલિક નથી.’

એ બંને જણની વાતચીત લાંબો સમય ચાલી. જેમાં શિવે એકવાર પણ એ છોકરીનું નામ ન લીધું. એણે એ
છોકરીને ઓમના કિડનેપ થવાના સમાચાર પણ ન આપ્યા. બંને જણાંને સાંઈ નહોતો ગમતો, એટલું એમની
વાતચીતમાંથી સમજાયું. સાથે એ પણ એટલું ચોક્કસ સમજાયું કે, શિવ અને આ છોકરી વચ્ચે પ્રેમનો કે શારીરિક સંબંધ
હતો. જેની સાંઈને ખબર પડે તો ભયાનક ધરતીકંપ આવે એવી સ્થિતિ ઊભી થાય તેમ છે. અર્થ એ થયો કે, આ છોકરી
કાં તો સાંઈની પત્ની હતી અને કાં તો એની ગર્લફ્રેન્ડ. છોકરીને સાંઈ ગમતો નહોતો, પરંતુ એના ડર કે દબાણને કારણે
એ સાંઈને સહન કરતી હતી. શિવને એ સાચે જ ચાહતી હતી એવું એની વાતચીત પરથી લાગ્યું. લાંબી વાતચીત પછી
અંતે એવું નક્કી થયું કે, શિવ એ છોકરીને મળવા એને ઘેર નહીં જાય, પરંતુ છોકરી શિવને મળવા હિલ્ટન હોટેલના રૂમ
નં. 2114માં આવશે.
ફોન પત્યા પછી મંગલસિંઘે રિવોલ્વર હાથમાં લીધી. એણે લાલસિંગ સામે જોયું. હવે મંગલ પ્રતીક્ષા કરી શકે
એમ નથી એ વાત લાલસિંગને પણ સમજાઈ ગઈ. એણે ડોકું ધૂણાવીને ‘હા’ પાડી. મંગલના ચહેરા પર સ્મિત આવી
ગયું.
મંગલ, લાલસિંગ અને મન્નુ તૈયાર થયા. પંચમ અને માઈકલે સર્વિસ એપાર્ટમેન્ટ ઉપર બેકઅપ તરીકે રહેવાનું
નક્કી કર્યું. શિવ અને પેલી છોકરી સાડા નવ વાગ્યે મળવાના હતા, અહીંથી હિલ્ટન હોટેલ 30 મિનિટ બતાવતી હતી.
સાડા આઠ વાગ્યા હતા. ત્રણેય જણાંએ વહેલા જ નીકળવાનું નક્કી કર્યું. મન્નુએ ટેક્સી ચલાવી અને ત્રણેય જણાં
હિલ્ટનની કોફી શોપમાં જઈને ગોઠવાઈ ગયા.
બરાબર 9 ને 10એ શિવ પોતાની ઓફિસની બિલ્ડિંગની બહાર નીકળ્યો. લાલ મસ્ટાંગમાં બેઠેલા મન્નુના
માણસે એને માહિતી આપી, ‘ટાર્ગેટ મૂવિંગ.’ હિલ્ટનના કોફી શોપમાં બેઠેલા ત્રણેય જણાં સાવધ થઈ ગયા. વિદેશની
અને મોટી ફાઈવસ્ટાર હોટેલ્સમાં જે માળ પર જવું હોય એ માળ પર લિફ્ટમાં જવા માટે મેગ્નેટિક કાર્ડ હોવું અનિવાર્ય
છે, એ સિવાય હોટેલના રૂમ્સ તરફ જતી લિફ્ટનો ઉપયોગ કરી શકાય નહીં. ત્રણેય આ વાત જાણતા હતા, એટલે એ
લોકો સતર્કતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. કોફી શોપમાં બિલ ચૂકવીને ત્રણ જણાં લોબીમાં આવીને બેઠા. કોઈ આવવાનું
હોય એની પ્રતીક્ષા કરતા હોય એ રીતે ત્રણ જણાં હિલ્ટનની લોબીમાં શિવની પ્રતીક્ષા કરતા રહ્યા.
શિવ પોતાની પાછળ આવી રહેલી લાલ મસ્ટાંગને ઊંધે રવાડે ચડાવવા માટે હિલ્ટનની બિલકુલ સામેની તરફ
આવેલા એક સુપર સ્ટોરના બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરીને સ્ટોરમાં ચાલી ગયો. મસ્ટાંગમાં બેઠેલા માણસે મન્નુને ફોન
કરીને માહિતી આપી. મન્નુના ચહેરા પર સ્મિત આવ્યું, ‘એ આપણને મૂરખ બનાવવાનો પ્રયત્ન કરે છે! ગધેડો.’
સુપર સ્ટોરના પાછળના દરવાજેથી નીકળીને શિવ ચાલતો ચાલતો એક અંડરપાસમાં થઈને હિલ્ટનની બહાર
ફૂટપાથ પર આવ્યો. ત્યાંથી ફરી હિલ્ટનના બેઝમેન્ટમાં જઈને એણે લિફ્ટ લીધી. મન્નુ, પંચમ અને લાલસિંગ ત્રણેય
સમજતા હતા કે શિવ ખુલ્લેઆમ લોબીમાંથી તો દાખલ નહીં જ થાય! મન્નુએ ફરી એકવાર પોતાના કોન્ટેક્ટ્સ કામે
લગાડ્યા. હિલ્ટનના રૂમ સર્વિસમાં કામ કરતા રણબીરને ફોન કર્યો, ‘અરે! તેરે જીજા કો ઈક્કીસવેં માલે પે જાના હૈ.’
‘ક્યા કામ હૈ?’ રણબીરે જરા તોછડાઈથી પૂછ્યું.
‘ઉડી મારને કા હૈ મેરે કો. ખુદકુશી કરને કા હૈ.’ મન્નુએ કહ્યું.
‘ફિર બત્તીસવેં માલે પે જા. ઈજી પડેગા.’ કહીને રણબીર હસ્યો, ‘આતા હૂં.’ એણે કહ્યું. હોટેલના રૂમ સર્વિસ
સ્ટાફને ઓલ ફ્લોર એક્સેસ હતું. રણબીરે બહાર આવીને આમતેમ જોયું. મન્નુ એની પાસે આવ્યો. એણે એના
પુષ્ઠભાગ પર એક જોરદાર ચમાટ લગાવી. રણબીર ચોંક્યો. પછી બંને ભેટ્યા અને હસવા લાગ્યા. રણબીરે ફરી પૂછ્યું,
‘કામ ક્યા હૈ ઈક્કીસવેં માલે પે?’
‘ખૂન કરના હૈ.’ મન્નુએ ગંભીરતાથી કહ્યું. રણબીર એની સામે જોઈ રહ્યો. એને ઘડીભર વિશ્વાસ ન આવ્યો.
એને લાગ્યું કે મન્નુ હજી મજાક કરી રહ્યો છે, પણ મન્નુએ ખૂબ ગંભીરતાથી ફરી એકવાર ભેટવાનું નાટક કરી એની
નજીક આવીને કહ્યું, ‘શિવ અસ્થાના.’ રણબીર છુટ્ટો પડ્યો ત્યારે એની આંખો પહોળી થઈ ગઈ હતી. ચહેરો
પરસેવાથી તર હતો. એણે પ્રશ્નાર્થભરી આંખોથી મન્નુ સામે જોયું. મન્નુએ ડોકું ધૂણાવીને પૂરા આત્મવિશ્વાસથી ‘હા’
પાડી, પછી એણે થોડે દૂર બેઠેલા મંગલસિંઘ અને લાલસિંગ તરફ નજર ઘૂમાવીને ઈશારો કર્યો. રણબીર કશું જ બોલ્યા
વિના આગળ ચાલવા લાગ્યો. લાલસિંગ અને મંગલ એની પાછળ નીકળ્યા. મન્નુ ત્યાં જ બેસી રહ્યો. એણે
થોડીવારમાં બહાર જઈને ટેક્સી તૈયાર કરવાની હતી. લાલસિંગ અને મંગલ સર્વિસ લિફ્ટથી ઉતરીને સીધા બેઝમેન્ટમાં
ઊભેલી ટેક્સીમાં બેસવાના હતા.

રણબીરે બંનેને નજરથી જ ઈશારો કરીને આગળ જવાનું કહ્યું. એ લોકો થોડે આગળ ગયા ત્યારે એક એવો
ખૂણો આવ્યો જ્યાં સીસીટીવી કેમેરાની નજર નહોતી, આ એવી જગ્યા હતી જ્યાં ડ્રગ્સની લેવડદેવડ થતી. રણબીર
આ ખૂણો જાણતો હતો. એણે પોતાનું ઓલ ફ્લોર એક્સેસ કાર્ડ ત્યાં જ પાડી નાખ્યું અને જાણે ખ્યાલ જ ન હોય એ
રીતે બેફીકરાઈથી ફરી પાછો કિચન તરફ ચાલી ગયો.
મંગલે એ કાર્ડ પર પહેલાં બૂટ મૂક્યો, અને પછી બૂટની દોરી બાંધવાના બહાને એણે કાર્ડ ઉપાડી લીધું. બંને
જણાં લિફ્ટમાં દાખલ થયા. લિફ્ટ એક્વીસમાં માળે રોકાઈ ત્યારે બંનેએ એકમેક તરફ જોઈને ‘જીવ્યા-મર્યાના ઝાઝા
જુહાર’ જેવા સંદેશાની શબ્દો વગર જ આપ-લે કરી લીધી. હોટેલના ફ્લોર પર સીસીટીવી કેમેરા હશે જ, પોતે દેખાયા
વિના નહીં રહે એ વાતની પૂરેપૂરી સભાનતા સાથે મંગલ અને લાલસિંગ પૂરી હિંમત સાથે ખુલ્લેઆમ રૂમ નં. 2114
તરફ આગળ વધ્યા.
રૂમની બહાર જઈને મંગલે બેલ વગાડ્યો, ‘હુઝ ઈટ?’ એક સ્ત્રી અવાજે પૂછ્યું.
‘રૂમ સર્વિસ.’ મંગલે જવાબ આપ્યો.
‘નો ઓર્ડર.’ અંદરથી જે જવાબ આવ્યો એ અવાજમાં ભય અને ધ્રૂજારી હતાં. મંગલને અવાજ જાણીતો
લાગ્યો, પણ ઓળખાયો નહીં.
‘વી હેવ કન્ફર્મેશન મે’મ.’ મંગલે ફરી કહ્યું.
‘કમ આફ્ટર ટેન મિનિટ્સ.’ અંદરથી સ્ત્રી અવાજે જવાબ આપ્યો. લાલસિંગ અને મંગલે એકબીજાની સામે
જોયું. મંગલનું ડેટા પ્રોસેસિંગ ચાલુ થઈ ગયું હતું. એણે અવાજ ઓળખવાનો પ્રયત્ન કર્યો, પણ તરત કંઈ યાદ ન
આવ્યું.
‘મેડમ ફૂડ ઠંડું થઈ જશે.’ મંગલે કહ્યું.
‘ઈટ્સ ઓ.કે. અમે બીજું ઓર્ડર કરીશું.’ અંદરથી સ્ત્રી અવાજે કહ્યું, ‘આઈ એમ ઈન ધ બાથરૂમ. યુ કેન ગો.’
હવે અંદર દાખલ થવાનો કોઈ રસ્તો નહોતો. શિવ અંદર છે કે બહાર, એ વિશે કોઈ ચોક્કસ માહિતી પણ
નહોતી. બંને જણાંએ થોડું વિચારીને દસ મિનિટ પછી પાછા આવવાનું નક્કી કર્યું. બંને જણાં લિફ્ટ તરફ જવા માટે
પાછા વળ્યા. લિફ્ટના દરવાજાની સામે ઊભાં હતા, કે લિફ્ટનો દરવાજો ખૂલ્યો. શિવ અસ્થાના લિફ્ટની અંદર અને
મંગલ, લાલસિંગ લિફ્ટની બહાર સામસામે ઊભાં હતા.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *