પ્રકરણ – 53 | આઈનામાં જનમટીપ

આ એવી ક્ષણ હતી જેની લાલસિંગ અને મંગલે કલ્પના પણ નહોતી કરી. એમના મનમાં જે પ્લાનિંગ હતું
એમાં હોટેલના રૂમનો દરવાજો ખૂલે કે તરત જ અંદર ધસી જઈને શિવને કાબૂમાં લઈ લેવાનો પ્લાન હતો, પરંતુ હવે
શિવ એમની સામે ઊભો હતો. રિવોલ્વર કાઢવાનો પણ સમય નહોતો. બંને જણાંનું મગજ એક સાથે એકસરખું
વિચારવા લાગ્યું. શિવ એમને ઓળખતો નહોતો. અત્યારે આ 21મા ફ્લોર પર કારણ વગરનું યુધ્ધ કરીને કોઈ ફાયદો
નહોતો, બંને જણાંએ શિવને પસાર થઈ જવા દીધો. બંને લિફ્ટમાં પ્રવેશી ગયા.
મંગલના મગજમાં એ સ્ત્રીનો અવાજ ઘૂમરાઈ રહ્યો હતો. એણે ચોક્કસ આ અવાજ ક્યાંક સાંભળ્યો હતો,
પણ ક્યાં! એને યાદ આવતું નહોતું. લિફ્ટમાં દાખલ થતાં જ બંનેએ એકબીજાની સામે જોયું, ‘આ અવાજ ક્યાંક
સાંભળ્યો છે મેં.’ મંગલે કહ્યું.
‘હટ રે!’ લાલસિંગ હસી પડ્યો, ‘બધી રૂપાળી છોકરીઓનો અવાજ એકસરખો જ હોય.’
‘રૂપાળી? તેં ક્યાં જોઈ છે?’ મંગલે પૂછ્યું.
‘શિવ અસ્થાના નાનીસૂની ચીજમાં હાથ ન નાખે. સાંઈની આઈટમ છે ને તો ય શિવ…’ લાલસિંગે જરા ગંદું
સ્મિત કર્યું, ‘નસીબદાર તો છે.’
‘નસીબ લઈને જન્મ્યો છે સાલો.’ મંગલથી બોલાઈ ગયું, ‘એક મિનિટનો ફેર પડ્યો. એ રૂમમાં દાખલ થઈ
ગયો હોત તો…’
‘જો યાર!’ લાલસિંગે એનો ખભો થાબડ્યો, ‘સમયથી પહેલાં અને કિસ્મતથી વધુ કોઈને મળતું નથી. આજની
ઘડીમાં એનું મોત નહીં લખાયું હોય, પણ બહુ લાંબુ બચી નહીં શકે.’
‘મને એક જ વાતની ફિકર છે.’ મંગલે કહ્યું, ‘એને જો ઓમના મોતના ખબર મળી જશે તો એ સાવધ થઈ
જશે. એના સુધી પહોંચવું અઘરું થશે.’
‘અરે!’ લાલસિંગ હસવા લાગ્યો, ‘ઓમ અસ્થાનાના મોતની ખબર એને ત્યાં સુધી નહીં પડે જ્યાં સુધી આપણે
એ ખોખું ફેંકીશું નહીં.’
‘આપણે ક્યા સુધી નહીં ફેંકીએ?’ મંગલે પૂછ્યું. ત્યાં જ લિફ્ટનો દરવાજો ખૂલ્યો. એમને બહાર આવેલા
જોઈને નીચે પ્રતીક્ષા કરી રહેલો મન્નુ ચોંકી ગયો. હજી તો હમણા જ ઉપર ગયા હતા બંને જણાં અને તરત જ પાછા
ફરેલા જોઈને મન્નુને ખ્યાલ આવી ગયો કે, શિવનું કામ તમામ થઈ શક્યું નથી. લાલસિંગ અને મંગલ હોટેલના મુખ્ય
પ્રવેશદ્વારની બહાર નીકળી ગયા. મન્નુ નીચે જતી લિફ્ટ લઈને બેઝમેન્ટમાં ગયો. બંને જણાં આવીને ચૂપચાપ
ગાડીમાં બેઠા. મન્નુએ ગાડી બહાર કાઢી, પણ કોઈ કશું બોલ્યું નહીં. મંગલ અને લાલસિંગના ઉતરેલા ચહેરા જોઈને
મન્નુએ પણ કશું પૂછવાની હિંમત ન કરી.
ક્વાલાલમ્પુરના રસ્તા વટાવતાં એ લોકો ફરી એકવાર ‘લી યુંગ’ની સામે આવીને ઊભા રહ્યા. લાલસિંગ અને
મંગલ ગાડીમાંથી ઉતર્યાં.
ત્રણેય જણાં ઉપર ગયા ત્યારે પંચમ અને માઈકલ રાહ જોઈને બેઠા હતા. અંજુમ ખાવાનું લેવા ગયો હતો. એ
લોકો જાણી જોઈને અહીં ઓર્ડર કરીને ખાવાનું નહોતા મંગાવતા. આ એડ્રેસ કોઈની પણ નજરમાં આવે તો બહુ મોટું
રિસ્ક ઊભું થઈ શકે. જરૂરિયાતની બધી વસ્તુઓ જાતે જ જઈને લાવવાની એમણે સિસ્ટમ રાખી હતી.
મંગલ અને લાલસિંગ દાખલ થયા ત્યારે માઈકલ દોડીને એમની પાસે આવ્યો, ‘હો ગયા?’ એણે પૂછ્યું.
લાલસિંગે નિરાશામાં ડોકું ધૂણાવીને ના પાડી. શૌકતે પૂછ્યું, ‘ક્યૂં?’

‘બચ ગયા, સાલા.’ મંગલના અવાજમાં ઘોર નિરાશા હતી, ‘સામને દેખ કર મુઝે લગા કી…’ એના હાથની
મુઠ્ઠીઓ વળી ગઈ. આંખોમાં લાલ દોરા ઉપસી આવ્યા. શૌકતે નજીક આવીને એના ખભે હાથ મૂક્યો. મંગલે એની
સામે જોયું, ‘હું વધારે દિવસ આ બરદાસ્ત નહીં કરી શકું. શ્યામા મારી રાહ જુએ છે. મારે આ પતાવીને…’
‘પતી જશે.’ શૌકતે સ્નેહથી કહ્યું, ‘ભાઈ અમે બધા તમારી સાથે છીએ.’ એ જ વખતે અંજુમ હાથમાં ફૂડના
પાર્સલ લઈને દાખલ થયો. વાતાવરણ જોઈને એ સમજી ગયો કે જે કામ પતાવવા ગયા હતા એ પૂરું થયું નથી. કશું
બોલ્યા વગર એણે ભોજનના પાર્સલ નાનકડા ડાઈનિંગ ટેબલ પર મૂક્યા. સૌની તરફ એક નજર નાખી. ચૂપચાપ
કિચનમાં જઈને પ્લેટ લઈ આવ્યો અને ભોજનના પાર્સલ ખોલવા લાગ્યો. રાત થઈ ગઈ હતી. બધાને ભૂખ લાગી
હતી. પ્લેટ ગોઠવાતી જોઈને સૌ ટેબલ પર ગોઠવાઈ ગયા.
સૌ ચૂપચાપ જમી રહ્યા હતા ત્યારે શૌકતે ધીમેથી કહ્યું, ‘ઘરમેં લાશ પડી હૈ ઔર હમ ખાના ખા રહે હૈ.’
‘તો?’ લાલસિંગની આંખોમાં એક વિચિત્ર નિર્લેપ ભાવ હતો, ‘શૈતાન કી લાશ હૈ. રાત મેં હી ઠિકાને લગા
પાએંગે.’ એમણે સૌએ જમી લીધું. નક્કી થયું હતું કે, રોજ એક જણે વાસણ ધોવા. આજે મન્નુનો વારો હતો. એ
વાસણ ધોવા ગયો અને અંજુમે ડાઈનિંગ ટેબલ ઉપર જ એક મિટિંગ કરી નાખી.
‘અબ ઈસ બોક્સ કો કૈસે લે જાના હૈ?’ લાલસિંગે પોતાનો વિચાર કહ્યો, ‘બહોત દૂર નહીં ડાલેંગે ઈસે.’ બધા
એની સામે જોઈ રહ્યા, ‘એક સામાન્ય થિયરી એવી છે કે, ખૂની પોતાના શિકારને પોતાના ઠેકાણાથી દૂર જ ફેંકે.
પોલીસ પણ એ જ થિયરી ફોલો કરશે. નજીકમાં તપાસ કરવાનો વિચાર ઘણો મોડો આવશે એમને.’
‘અને સીસીટીવી?’ માઈકલે પૂછ્યું, ‘અહીં તો ગલીએ ગલીએ અને દરેક મકાને સીસીટીવી છે.’
‘તો તું ક્યારે કામ આવીશ.’ શૌકત હસી પડ્યો.
‘આખા વિસ્તારના સીસીટીવી હેક કરીને ઉડાડવા સરળ નથી.’ માઈકલે કહ્યું પછી એ વિચારવા લાગ્યો. થોડું
વિચારીને એણે કહ્યું, ‘તમે બધા હુડી અને માસ્ક પહેરી લો. કોઈના ચહેરા ઓળખાય નહીં એટલા માટે આંખોની
આજુબાજુ બ્લેક કલર કરી દો. એકસરખા દેખાવા જોઈએ બધા…’
‘બ્રિલિયન્ટ.’ અત્યાર સુધી ચૂપ બેઠેલો મંગલ બોલ્યો, ‘રાતના અંધારામાં હુડી, માસ્ક અને આંખોની
આજુબાજુ કલર કરેલા માણસોને ઓળખવામાં મુશ્કેલી તો પડશે જ. આપણા બધાની ઊંચાઈ લગભગ સરખી છે એ
વાત પણ આપણા ફાયદામાં છે. ચલો ઠીક હૈ!’ એણે નિર્ણય લઈ લીધો, ‘એકસરખા છ હુડી લઈ આવો.’
‘છ જુદી જગ્યાએથી.’ મન્નુએ અંદરથી બૂમ પાડી. બહાર બધા હસી પડ્યા.
પ્લાન એક્ઝિક્યૂટ કરવામાં આવ્યો. ત્રણ જણાં, મન્નુ, શૌકત અને અંજુમ બહાર ગયા. કપડાંની દુકાનો પરથી
જુદા જુદા વિસ્તારમાંથી એક એક બ્લેક હુડી ખરીદવામાં આવી. છ હુડી અને માસ્કનું પેકેટ, બુટ પોલીશની ડબ્બી
લઈને એ જ્યારે પાછા આવ્યા ત્યારે બધા જ ઓમ અસ્થાનાની લાશને ઠેકાણે લગાડવાની ઉત્સુકતાથી તૈયાર બેઠા
હતા.
સૌએ હુડી પહેર્યા, કાળા માસ્ક પહેરી લીધા. બુટ પોલીશની ડબ્બીમાંથી કપાળ અને આંખોની આજુબાજુ
કાળો રંગ લગાવી દેવામાં આવ્યો. સૌએ વારાફરથી અરીસામાં જોયું અને સૌ એક સાથે હસી પડ્યા. માઈકલની વાત
સાવ સાચી હતી. હવે એમને ઓળખવા સહેલા નહોતા. સૌએ હાથમાં રબરના મોજાં પહેર્યાં. સૌએ જુદા જુદા સ્ટ્રોંગ
પરફ્યૂમ લગાડ્યા જેથી સ્નીફર ડોગ પણ ગૂંચવાય.
બોક્સને લિફ્ટમાં મૂકીને નીચે ઉતારતા સૌ હાંફી ગયા. અત્યાર સુધી પડી રહેલી લાશ રિગર મોર્ટિસને કારણે
વજનદાર થઈ ગઈ હતી.
બોક્સ નીચે ઉતારીને ચોરેલી ગાડીની પાછલી સીટ પર મૂકવામાં આવ્યું. મન્નુની ટેક્સીને આ કામમાં ન લઈ
જવાનો નિર્ણય સૌએ મળીને કર્યો હતો એટલે મન્નુ જ એક પ્રાઈવેટ ગાડી ઉઠાવી લાવ્યો હતો. નંબર પ્લેટ બદલીને એ
ગાડીનો નંબર પણ બદલી નાખ્યો હતો. ગાડીમાં બોક્સની આજુબાજુ બે જણાં, લાલસિંગ અને અંજુમ સાંકડે માકડે
ગોઠવાયા. મંગલ આગળ બેઠો. મન્નુએ ગાડી ડમ્પિંગ યાર્ડ તરફ મારી મૂકી. ક્વાલાલમ્પુરથી એક કલાકના અંતરે
આવેલા પુલાઉ ઈન્ડાહ નામના ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટના વિસ્તારમાં બ્રિટન, યુનાઈટેડ સ્ટેટ, સાઉથ કોરિયા અને સ્પેઈનનો
સારો એવો પ્લાસ્ટિક વેસ્ટ ડમ્પ થાય છે. આ પ્લાસ્ટિક વેસ્ટ એટલો બધો છે કે, યુનાઈટેડ નેશન્સે એની સામે
એન્વાયર્મેન્ટને નુકસાન થાય છે એવી ચેતવણી પણ આપી છે. આ ડમ્પિંગ વેસ્ટ એટલો મોટો છે કે, એમાં ફેંકાયેલા
કચરામાંથી કંઈ પણ શોધવું અસંભવ છે.

લગભગ પાંચ મિનિટ પછી બાકી રહેલા બે જણાં, માઈકલ અને શૌકત ક્વાલાલમ્પુરના નાઈટ માર્કેટ તરફ
નીકળી ગયા. બોક્સ ફેંકીને સૌ અહીં જ મળવાના હતા.
લગભગ એક કલાક પછી મન્નુની ગાડી પુલાઉ ઈન્ડાહ પહોંચી. રાત અંધારી હતી. થોડા થોડા અંતરે સ્ટ્રીટ
લાઈટના લેમ્પ હતા, પરંતુ એ લેમ્પનું અજવાળું થાંભલાની આસપાસ ચકરડા પૂરતું જ સીમિત હતું. કચરાના ઢગલે
ઢગલાં હતા. પ્લાસ્ટિકનો વેસ્ટ, મેડિકલ વેસ્ટ અને ઈન્ડસ્ટ્રિયલ વેસ્ટ એટલો બધો હતો કે, વાસ અસહ્ય હતી. માસ્ક
પહેર્યા હતા એટલે રાહત હતી અને બીજી રાહત એ હતી કે, આટલી બધી ભયાનક વાસમાં ઓમ અસ્થાનાના
ડેડબોડીની વાસ પણ એવી રીતે ભળી જવાની હતી કે તરત કોઈને ખ્યાલ આવે એવી સંભાવના નહિવત્ થઈ ગઈ.
આજુ બાજુ બરાબર તપાસ કરીને અંતે એમણે બોક્સ બહાર કાઢ્યું. ચાર જણાંએ ઉપાડીને એ બોક્સને ડમ્પિંગ યાર્ડની
અંદર, કચરો ખૂંદીને છેક 30 ફૂટ જેટલા અંદરના ભાગમાં ફેંક્યું. સાથે લાવેલા પ્લાસ્ટિકના પાવડાના મદદથી ડમ્પિંગ
યાર્ડનો કચરો બોક્સ ઉપર એવી રીતે ઢાંક્યો કે આવનારા એક-દોઢ દિવસ સુધી આમાંથી બોક્સ દેખાવાની સંભાવના ન
રહે.
બોક્સ ફેંકી, કચરો ઢાંકીને સૌ પાછા મન્નુની ગાડીમાં ગોઠવાયા. સાથે લાવેલા કપડાં બદલી લીધા અને એ
વખતે પહેરેલાં હુડી, માસ્ક અને પેન્ટ ભેગાં કરીને ડમ્પિંગ યાર્ડથી થોડે દૂર પેટ્રોલ છાંટીને સળગાવી દીધાં. હવે સહુ
સાવ નિરાંતમાં હતા. કોઈ પ્રકારની સમસ્યા ઊભી થવાની કોઈ સંભાવના જ નહોતી. તમામ શક્યતાઓને એમણે
એવી રીતે સીલ કરી દીધી હતી કે, ઓમ અસ્થાનાના ગૂમ થયાના સમાચાર પછી એના મોતના સમાચાર કે એનું શબ
પણ એના ભાઈઓને જડે ત્યાં સુધી દિવસો નીકળી જવાના હતા!
*

2114નો દરવાજો ખૂલ્યો. કાચની પૂતળી જેવી પાતળી કમર અને ભરાવદાર સ્તન ધરાવતી અત્યંત નમણી,
ખભાથી નીચે સુધીના કાળા ભમ્મર વાળ અને ચમકતી ત્વચા ધરાવતી એક છોકરીએ દરવાજો ખોલ્યો. એના ચહેરા
પર આછો મેક-અપ હતો. વાળ કર્લ કરેલા હતા. એણે સ્કાય બ્લ્યૂ કલરનું વન પીસ ફ્રોક પહેર્યું હતું. કાનમાં બ્લ્યૂ કલરના
સ્ટોનની સાથે મોતીના ઈયરિંગ હતાં. દરવાજો ખોલતાં જ શિવને જોઈને એ એને ભેટી પડી. શિવે એને સહેજ અંદર
ધકેલીને દરવાજો બંધ કર્યો, પણ એને પોતાના બાહુપાશમાંથી છોડી નહીં, એ ડરેલી હતી. એની આંખોમાં પાણી ધસી
આવ્યાં હતાં.
ખૂબ વહાલથી શિવે એનો ચહેરો હડપચી પકડીને ઊંચો કર્યો, ‘શફક! કોનાથી ડરે છે?’ એણે પૂછ્યું. શફકે
પોતાના બંને હાથ શિવની છાતીની આસપાસ લપેટેલા રાખ્યા. માથું શિવની છાતી પર મૂક્યું. એની આંખમાંથી વહેતાં
આંસુથી શિવને શર્ટમાં ભીનાશનો અનુભવ થયો. એણે ખૂબ વહાલથી એના વાળમાં હાથ ફેરવ્યો, ‘છેક મુંબઈથી
બચાવીને અહીંયા લઈ આવ્યો, તો અહીં તને સેફ નહીં રાખું, હું? મારા પર ભરોસો નથી?’
‘તારા પર તો ભરોસો છે. હું તો મરી ગઈ હોત. વિક્રમજિતની ગોળી આરપાર નીકળી ગઈ હતી. હોસ્પિટલમાં
તારા માણસોએ ડૉક્ટર સાથે મળીને ગોઠવેલી આખી બાજી પાર પડી એટલે તો આજે અહીં સુધી પહોંચી છું.’
‘તો પછી?’ શિવે એને પોતાનાથી થોડી દૂર કરી. એની આંખમાં જોયું. મોટી માછલી જેવી આંખો પાણીથી
છલકાતી હોવાને કારણે વધુ સુંદર લાગતી હતી, ‘હવે કોનો ડર છે તને?’ એણે સ્મિત કર્યું, ‘મુંબઈ પોલીસ તો તને મરેલી
માને છે. દિલબાગ મરી ગયો. મંગલ જેલમાં છે… હવે કોનાથી ખતરો છે તને?’
‘તું નથી જાણતો?’ શફકના અવાજમાં ફરિયાદ હતી.
‘સાંઈ?’ શિવ જોર જોરથી હસવા લાગ્યો. એણે શફકને ફરી એકવાર પોતાના લાંબા મજબૂત હાથથી ખેંચીને
લપેટી લીધી, ‘હું નથી ડરતો સાંઈથી. કાગળનો વાઘ છે એ. ડ્રગ્સ અને છોકરીઓમાંથી ફૂરસત મળે તો…’ પછી
અચાનક શિવ ગંભીર થઈ ગયો, ‘હું ભાઈને વાત કરવાનો છું. સાંઈની કેદમાંથી છોડાવીશ તને. મારી બનાવીને રાખીશ,
રાણીની જેમ.’

‘સાંઈ નહીં માને.’ શફક રીતસર ધ્રૂજી ગઈ, ‘એ મને મારી નાખશે પણ બીજું કોઈ મારી સામે જુએ તો પણ…’
‘તારે શું કરવું છે?’ શિવે વધુ ગંભીરતાથી પૂછ્યું.
‘છૂટવું છે એનાથી… રાક્ષસ સાલો, વિકૃત હરામખોર…’ શફક અચાનક હિસ્ટેરિક થઈ ગઈ. ગુસ્સામાં એનો
અવાજ એટલો મોટો થઈ ગયો જે એને પોતાને પણ ખબર ન રહી, ‘મારા નસીબમાં બધા આવા જ છે. એક સાલો
મંગલ હતો ને બીજો આ…’ એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. શિવની પાસે જઈને એણે એના બંને બાવડા પકડીને એને
હચમચાવી નાખ્યો, ‘કેમ? કેમ મોકલી તેં મને એની પાસે?’
‘ત્યાં સુધી તને ઓળખતો નહોતો…’ શિવના અવાજમાં અઢળક વહાલ હતું, ‘સિનેમાની એક્ટ્રેસ,
મંગલસિંઘની ગર્લફ્રેન્ડ, અલતાફ પાસે મદદ માટે જઈ શકે એવી ખુર્રાંટ છોકરી… આવું જ બધું સાંભળ્યું હતું તારા
વિશે. તને મળ્યા પછી સમજાયું કે, તું તો જન્નતની હુર છે, પાક ફરિશ્તા જેવું દિલ છે તારું. તને કોઠાની રોનક નહીં,
ઘરની ઈજ્જત બનાવાય એ સમજાયું ત્યાં સુધીમાં તને એ બેવકૂફ સુધી પહોંચાડી દીધી હતી.’ એણે પોતાના એક
હાથની હથેળી પર મુઠ્ઠી પછાડી. નિરાશા અને ફ્રસ્ટ્રેશનમાં કહ્યું, ‘મેં! મેં જ પહોંચાડી તને એના સુધી.’ એણે આગળ
વધીને શફકનો ચહેરો બંને હાથની હથેળીમાં પકડ્યો. એની આંખોમાં જોયું અને કહ્યું, ‘હું જ છોડાવીશ તને ત્યાંથી.
આઈ પ્રોમિસ.’
શફકને અચાનક યાદ આવ્યું, ‘તેં રૂમ સર્વિસમાં કશું ઓર્ડર કર્યું હતું?’
‘ના.’ શિવે જવાબ આપ્યો. એ અચાનક સાવધ થઈ ગયો, ‘કેમ?’ એણે પૂછ્યું.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *