પ્રકરણ – 54 | આઈનામાં જનમટીપ

જેવો શફકે સવાલ કર્યો કે ‘તેં રૂમ સર્વિસમાં કશું ઓર્ડર કર્યું હતું?’
શિવ અચાનક સાવધ થઈ ગયો, ‘કેમ?’ એણે પૂછ્યું.
‘કોઈ આવ્યું હતું. મેં દરવાજો ન ખોલ્યો. મને પણ લાગ્યું કે, તું એવી રીતે કંઈ ઓર્ડર ન જ કરે.’
‘સ્માર્ટ ગર્લ.’ કહીને શિવે એને ચૂમી લીધી, ‘આપણે અહીંથી નીકળવું જોઈએ. કોઈને આપણા અહીંયા
હોવાની ખબર પડી ગઈ છે.’ આ વાક્ય બોલતાં જ શિવને લિફ્ટની બહાર જોયેલા બે માણસો યાદ આવ્યા. એમના
ચહેરા પરના ભાવ એને અત્યારે સમજાયા, કદાચ! એણે શફકને કહ્યું, ‘હું નીકળું છું. તું દસ મિનિટ રહીને નીકળજે.’
‘પણ…’ શફક એની નજીક આવી. પોતાના પંજા પર ઊભા થઈને એણે શિવના હોથ પર પોતાના હોથ મૂકી
દીધા. એની આંગળીઓ શિવના શર્ટના બટન સાથે રમવા લાગી. શિવની છાતી પર સરકતી એની આંગળીઓના
ટેરવાંએ શિવ અસ્થાનાને મીણની જેમ પીગળાવી દીધો. એણે શફકને કમરમાંથી ઊંચકી લીધી. શફકે પોતાના બંને પગ
શિવની કમરની આજુબાજુ ભીડી દીધાં. ચૂંબન તૂટ્યું નહીં, બંને પલંગ સુધી પહોંચી ગયાં…
શફકના શરીરની ગરમી એટલી તેજ હતી કે, શિવ થોડી મિનિટો માટે ઓમના અપહરણને અને એની
આજુબાજુ ચાલી રહેલી બધી સમસ્યાઓને વિસરીને શફકમાં ઓગળી ગયો.
શફક અને શિવની વચ્ચે કોઈ અજબ જેવો સંબંધ બંધાયો હતો. અત્યાર સુધી સ્ત્રીને ખરીદ-વેચાણની વસ્તુ કે
માલ સમજતો શિવ આ છોકરીના પ્રેમમાં હતો કે પછી એના સૌંદર્યનું એને અપાર આકર્ષણ હતું, એને આ છોકરીનું
ભોળપણ અને સરળતા એટલા સ્પર્શી ગયાં હતાં કે, એ પોતે જ સમજી નહોતો શકતો કે, એને આ છોકરી માટે કયા
પ્રકારની લાગણી હતી!
શિવ ક્રૂર હતો, ગણતરીબાજ અને પૈસાની લેવડદેવડમાં પાક્કો વેપારી હતો. માણસને મારી નાખતા એને એક
ક્ષણ પણ વિચાર નહોતો આવતો. લુચ્ચો કહી શકાય એ હદે સ્વાર્થી હતો, પણ જિંદગીના છેલ્લા થોડા દિવસમાં આ
છોકરી એને ધીમે ધીમે પીગળાવી રહી હતી.
એ બંને કઈ રીતે મળ્યાં, શફક અહીં કઈ રીતે પહોંચી એ કથા પણ કોઈ ફિલ્મની સ્ટોરી કરતાં ઓછી દિલધડક
નહોતી!


‘ભાઈ, એક કામ છે.’ આજથી થોડા દિવસ પહેલાં અલતાફે મુંબઈથી ઓમ અસ્થાનાને ફોન કર્યો હતો.
અલતાફ એક નંબરનો દુશ્મન હતો. ઓમ અસ્થાનાના ફ્લેશ ટ્રેઈડના ધંધા સામે એને ભયાનક વિરોધ હતો. જ્યારે તક
મળે ત્યારે એ દિલબાગના અડ્ડા પર છાપા મરાવવાનું કે એણે પૂરી રાખેલી છોકરીઓની ખબર પોલીસ સામે
પહોંચાડવાનું કામ કર્યા વગર રહેતો નહીં.
ઓમ અસ્થાના આ વાત બરાબર જાણતો હતો એટલે એને થોડી નવાઈ લાગી કે, અલતાફને એનું શું કામ હોઈ
શકે? તેમ છતાં, એણે પૂછ્યું, ‘બોલ!’
‘એક લડકી હૈ એને આજે ગોળી વાગી છે. અહીં હોસ્પિટલમાં ડૉક્ટરે મરેલી જાહેર કરી દીધી છે. ગોળી
ખાસ્સી ઊંડી છે, પણ બહાર કાઢી લીધી છે. ચોવીસ કલાકમાં સ્ટેબલ થઈ જશે.’
‘આ બધી સ્ટોરી મને શું કામ કહે છે?’ ઓમ અસ્થાનાને કંઈ રસ પડ્યો નહીં.
‘એને મુંબઈની બહાર કાઢવાની છે.’ અલતાફે કહ્યું, ‘મરેલી જાહેર કરી દઈશું. પોસ્ટમોર્ટમ હું મેનેજ કરી લઈશ.
એની જગ્યાએ બીજી લાશ પણ લપેટી દઈશું.’
‘પણ, હું કેમ કરું?’ ઓમે પૂછ્યું.

‘કારણ કે બીજું કોઈ નહીં કરી શકે. મેં એની હિફાઝતનું વચન આપ્યું છે.’ અલતાફે થૂંક ગળે ઉતારીને ઊંડો
શ્વાસ લઈને કહ્યું, ‘મારો ઈગો અને આપણી દુશ્મની બાજુએ મૂકીને તમને વિનંતી કરું છું. આજે મારું એક કામ કરી
દો. હું સામે તમારું એક કામ કરી આપીશ.’
‘ઠીક છે.’ ઓમ અસ્થાનાએ થોડું વિચારીને કહ્યું, ‘પણ કામ જે હોય તે કરવું પડશે. એ વખતે ચૂં-ચાં કરીશ
તો…’
‘નહીં કરું ભાઈ.’ અલતાફે કહ્યું, ‘મારા ઉસૂલ અને નેકીમાં આવતું હશે એવું કોઈપણ કામ સોંપજો મને. જરૂર
પડશે તો જાન પણ આપી દઈશ.’
‘જરૂર પડશે તો લઈ જ લઈશ.’ ઓમે ખંધું હસીને કહ્યું, ‘ફોટો અને વિગત મોકલ. મારા માણસો બાકીનું
ગોઠવી દેશે.’ ખરેખર! ઓમના માણસોએ શફકને હોસ્પિટલમાંથી બહાર કાઢીને જખમી હાલતમાં પ્રાઈવેટ એરક્રાફ્ટમાં
ડૉક્ટર અને નર્સની સાથે મુંબઈથી ક્વાલાલમ્પુર શિફ્ટ કરી હતી. એ સારી થઈ ગઈ ત્યાં સુધી એને ક્વાલાલમ્પુરની
હોસ્પિટલમાં ઉત્તમ ટ્રીટમેન્ટ મળે એવો બંદોબસ્ત પણ કરી દીધો હતો. એકવાર સાજી થઈ જાય પછી શફક ક્યાં જાય,
એ સાથે ઓમ અસ્થાનાને કોઈ સંબંધ નહોતો, પણ શફકનું દુર્ભાગ્ય કે એક દિવસ સાંઈ અસ્થાના એને ભટકાયો.
એ શફકના એવા તો પ્રેમમાં પડ્યો કે, એણે ઓમ અસ્થાના પાસે શફકને માંગી લીધી. ઓમ માટે સ્ત્રી
‘વસ્તુ’થી વધારે કંઈ હતી જ નહીં. એણે શફકને એટલી સરળતાથી સાંઈને સોંપી દીધી જાણે કે, કોઈ ગાડીની ચાવી કે
પર્સમાંથી થોડા રિંગિટ (મલેશિયાની કરન્સી) કાઢીને આપતો હોય. શફક અજાણ્યા દેશમાં હતી, અજાણ્યા લોકોની વચ્ચે
હતી. એની પાસે ફોન કે બીજી કોઈ સવલત નહોતી જેનાથી એ આ પરિસ્થિતિની ફરિયાદ અલતાફને કરી શકે. એ તો
ઉલમાંથી નીકળીને ચૂલમાં પડી હતી. મલેશિયાના એક પોશ વિસ્તારમાં આવેલા 36 માળના ટાવરમાં સાંઈ
અસ્થાનાએ એને એક ફ્લેટ આપ્યો હતો. શફક એ વૈભવી એપાર્ટમેન્ટમાં પૂરી સગવડો સાથે રહેતી હતી, પરંતુ એ
આખો ફ્લેટ સાંઈ અસ્થાનાના સીસીટીવીની જાળમાં લપેટાયેલો હતો. એ કોઈપણ ક્ષણે શફકના ફ્લેટનો કોઈપણ
ખૂણો જોઈ શકતો. હવે, શફક પાસે સાંઈને સ્વીકારી લેવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. પોતાના ભાગ્યના આ
નિર્ણય સામે બંડ પોકારવાને બદલે શફક પોતાની પરિસ્થિતિ પર આંસુ સારતી જીવી રહી હતી ત્યાં એને શિવ અસ્થાના
એના જીવનમાં આવ્યો.
ઓમની એક પાર્ટીમાં સાંઈ શફકને પોતાની સાથે લઈ ગયો હતો. શફક પહેલીવાર શિવને એ પાર્ટીમાં મળી.
સાંઈ એની સાથે જે રીતે વર્તતો હતો એ અને શફક જે રીતે ત્રાસ ભોગવતી હતી એ જોઈને શિવ એની પાસે આવ્યો
હતો.
‘કોણ છે તું? ક્યાંક જોઈ હોય એવું લાગે છે.’
‘આ લાઈન મેં બહુ વાર સાંભળી છે. છોકરાઓ સામાન્ય રીતે છોકરી સાથે ઓળખાણ વધારવા આ જ
લાઈનનો ઉપયોગ કરતા હોય છે, પણ તમે મને સાચે જ જોઈ હશે… કારણ કે, હું ફિલ્મ એક્ટ્રેસ છું.’ કહીને એણે
સુધાર્યું, ‘હતી.’
‘અહીંયા શું કરે છે?’ શિવને રસ પડ્યો.
‘ગુલામી.’ શફકે કહ્યું, ‘જીવ બચાવવાના બદલામાં જીસ્મ નોચાવી રહી છું.’ એણે દૂર નાચી રહેલા લાલ અને
કાળા રંગની સાંકળો છાપેલું શર્ટ પહેરેલા સાંઈ તરફ આંગળી ચીંધીને કહ્યું, ‘પેલા રાક્ષસની કેદમાં છું અને જો ઝડપથી
કંઈ રસ્તો નહીં નીકળે તો 34મા માળથી કૂદી પડીશ.’ કહેતા કહેતા શફકને ડૂમો ભરાઈ ગયો. એની આંખો છલકાઈ
પડી, ‘પણ આ જોકર, રાક્ષસ અને વિકૃત માણસથી છૂટવું છે મારે.’ એ વખતે શિવે એને કહ્યું નહોતું કે, સાંઈ અસ્થાના
એનો ભાઈ છે. કોણ જાણે કેમ પણ આ શિવને આ છોકરીની વાતમાં સચ્ચાઈ લાગી હતી. એણે થોડો વખત પોતાના
માણસો પાસે એના પર નજર રખાવી. ઓમ સાથે વાત વાતમાં શફક વિશે માહિતી કઢાવી અને અંતે શિવને સમજાયું
કે, ખરેખર આ છોકરીનો જીવ બચાવવાના બદલામાં ઓમ અસ્થાનાએ એની સાથે અન્યાય કર્યો છે.
શિવ અને શફકની દોસ્તી ક્યારે અને કેવી રીતે થઈ, એ પછી બંનેને કઈ રીતે પ્રેમ થયો અને આજે શિવ આ
છોકરી માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હતો એ સ્થિતિ સુધી બંને જે ઝડપથી પહોંચ્યા એના કારણમાં શફકનું
ભોળપણ અને સુંદરતા બંને હતા. શિવ એને સાચે જ ચાહવા લાગ્યો હતો. એણે મનોમન નક્કી કરી લીધું હતું કે, એ
ઓમ અસ્થાના સાથે સીધી વાત કરીને શફકને સાંઈ પાસેથી છોડાવશે. એને એક સુરક્ષિત અને સારી જિંદગી
આપવાનો પ્રયત્ન કરશે. શિવ માટે વાત લગ્ન સુધી નહોતી પહોંચી, પરંતુ શફક મનોમન શિવ સાથે લગ્ન કરવાના
સપનાં જોવા લાગી હતી.

બંને જણાં સાંઈથી છુપાઈને હોટેલના રૂમમાં મળતાં. આજે પણ એવી જ એક સાંજ હતી, પરંતુ પેલો પીછો
કરતી લાલ મસ્ટાંગ ગાડી શિવને યાદ આવી ગઈ. એ પછી શફકે જ્યારે પૂછ્યું કે, રૂમ સર્વિસમાં કંઈ ઓર્ડર કર્યું હતું કે
નહીં… ત્યારે શિવ સાવધ થઈ ગયો. ઓમ અસ્થાના ગૂમ હતો, અને કોઈ એના આ ગુપ્ત મિલન સ્થળ સુધી પહોંચી
ગયું હતું એનો મતલબ એ હતો કે, ત્રણેય ભાઈઓની જિંદગી પર જોખમ તોળાઈ રહ્યું હતું.

ઓમ અસ્થાનાની લાશનું બોક્સ ફેંકીને મંગલ, મન્નુ, લાલસિંગ અને અંજુમ પેન્ટાલિન જાયા-જ્યાં એમનું લી
યુંગ મકાન હતું. એની નજીકમાં જ આવેલા ક્વાલાલમ્પુરના એસજીવે નાઈટ માર્કેટમાં પહોંચ્યા. શૌકત અને માઈકલ
ત્યાં આંટા મારીને કંટાળી ગયા હતા કારણ કે, બોક્સ ફેંકીને આવતા આ ચાર જણાંને ખાસ્સા સાડા ત્રણ કલાક કરતાં
વધુ સમય થયો હતો.
ચાર જણાંને સામેથી આવતા જોઈને શૌકત અને મન્નુ પણ એમના તરફ આગળ વધ્યા. છ જણાં એવી રીતે મળ્યા જાણે
નાઈટ માર્કેટમાં ફરવા આવેલા મિત્રો એકબીજાને મળતા હોય. હાઈફાઈ, ભેટવા અને એકબીજા સાથે હસી-મજાકનો
ડોળ કરતાં શૌકતે પૂછ્યું, ‘હો ગયા?’
‘એકદમ ઠીકઠાક.’ લાલસિંગે કહ્યું. સૌ ખુશમિજાજમાં હતા. એમણે ધાર્યું નહોતું એટલી સરળતાથી એમનું કામ
પાર પડ્યું હતું, પણ સાથે જ એમની પાસે બહુ સમય નહોતો એ વાતની સૌને ખબર હતી. ડમ્પિંગ યાર્ડમાંથી કચરો
ઉપાડવા આવેલી ટ્રક વહેલી મોડી બોક્સ શોધી જ કાઢવાની હતી. જે ક્ષણે ઓમ અસ્થાનાનું શબ મળે એ જ ક્ષણથી
મંગલ, લાલસિંગ, અંજુમ અને શૌકતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જવાનું હતું.
નજીકમાં આવેલા કબાબના સ્ટોલ પરથી અંજુમ કબાબ ખરીદી લાવ્યો. સહુએ ખાતાં ખાતાં ચર્ચા શરૂ કરી,
‘હવે શિવ હાથમાં ના આવે તો સાંઈનું…’ શૌકતે કહ્યું.
‘સાંઈ એકલો કશું કરી શકે એમ નથી. શિવ ખતમ થશે તો બાકીનું બધું આપોઆપ ખતમ થઈ જશે.’ અંજુમે
કહ્યું, ‘ચરસી, ડ્રગ એડિક્ટ છે. ઓમ અને શિવના દુશ્મનો એને ખતમ કરી નાખશે. આપણે કંઈ કરવાની જરૂર નહીં
પડે.’
‘પણ, સાંઈને જીવતો ન જ રખાય.’ શૌકતે કહ્યું, ‘અહીંથી જતાં પહેલાં કામ તો પૂરું જ કરીશું.’
‘શિવનું શું કરીશું એનો વિચાર કરો. માંડ હાથમાં આવેલી તક ગૂમાવી આપણે. ત્યાં લિફ્ટમાં જ ખતમ કરી
દીધો હોત તો!’ લાલસિંગે કહ્યું, ‘જે થાત એ જોયું જાત.’
‘હંમમ…’ માઈકલ કબાબ ખાતાં ખાતાં આસપાસની છોકરીઓને જોઈ રહ્યો હતો. મન્નુ પણ ખાવામાં વ્યસ્ત
હતો. એક મંગલ એમ જ ઊભો હતો. એ ઊંડા વિચારમાં ગરકાવ હતો. નાઈટ માર્કેટમાં, વાતોમાં કે ખાવામાં એનું
ધ્યાન નહોતું.
‘ક્યાં ધ્યાન છે તારું?’ મંગલસિંઘે એને હળવો ધક્કો મારતાં પૂછ્યું.
‘હેં!!!’ મંગલ ચોંક્યો, ‘એ અવાજ કોનો હતો? કોણ હતી એ છોકરી?’ એણે લગભગ સ્વગત પૂછતો હોય એમ
કહ્યું.
‘આપણને શું ફેર પડે?’ શૌકતે ખભાં ઊલાળ્યાં, ‘હશે કોઈ શિવની આઈટમ…’
‘ખાલી શિવની નહીં, સાંઈની પણ.’ માઈકલે કહ્યું. એણે ફોન સાંભળ્યો. ટિપિકલ પુરૂષો કરે એવી ગંદી સસ્તી
મજાક કરતાં એણે હસતાં હસતાં ઉમેર્યું, ‘બેઉ ભાઈઓને નચાવે છે. બેઉ પાસેથી રોકડી કરતી હશે રાં…’
‘શફક!’ અચાનક મંગલ બોલ્યો. એણે ફરી કહ્યું, ‘કરેક્ટ! એ અવાજ શફકનો હતો. શફક રિઝવી. આઈ એમ
શ્યોર.’

‘ચક્રમ.’ લાલસિંગે ફરી એને હળવો ધબ્બો માર્યો, ‘શફક મરી ગઈ. એને દફન પણ કરી દીધી અને વિક્રમજિત
એના ખૂન કેસમાં જેલમાં છે. શફક અહીંયા ક્યાંથી હોય?’ એણે જરાક સમજાવટના સૂરમાં કહ્યું, ‘બે લોકોના અવાજ
સરખા હોઈ શકે.’
‘હંમમ…’ મંગલે પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું, ‘હોઈ શકે, પરંતુ આ તો શફકનો જ અવાજ હતો. શફક જીવે
છે અત્યારે ક્વાલાલમ્પુરમાં છે હોટેલમાં શફક જ હતી. એને શોધો.’
‘એને ક્યાં શોધીએ?’ શૌકતે જરાક બાલિશતાથી કહ્યું, ‘આવડા મોટા શહેરમાં આટલી બધી રૂપાળી છોકરીઓ
વચ્ચે…’
‘શટ અપ.’ મંગલ ઉશ્કેરાઈ ગયો, ‘શફક છે, આ જ શહેરમાં છે.’ એણે સૌની સામે સરસરી નજર નાખી અને
દ્રઢતાથી કહ્યું, ‘શફક મળી જશે તો શિવને એક સેકન્ડમાં ગોળી મારી શકાશે. શેરનો શિકાર કરવો હોય તો બકરો બાંધવો
પડે. શફક આપણો બકરો છે. શેર આપોઆપ આવી જશે. એના માંસની ગંધ સુંઘતો…’ મંગલ દૂર ક્યાંક ક્ષિતિજમાં
જોઈને બોલી રહ્યો હતો.
બાકીના બધા ડઘાયેલા, ગૂંચવાયેલા એની સામે જોઈ રહ્યા, ‘પણ શોધવી ક્યા?’ લાલસિંગે કહ્યું.
‘અરે! શિવના ફોનથી એનું લોકેશન તરત મળશે.’ માઈકલે કહ્યું. છેલ્લું કબાબ મોઢામાં મૂકીને એણે શૌકતના
હાથમાંથી ટિશ્યૂ લઈને હાથ લૂછ્યા, ‘ચલો ઘર ચલતે હૈ. એ લોકો કદાચ હમણાં જ ફોન ઉપર વાત કરશે. એ છોકરીનું
લોકેશન શોધવું મારે માટે ડાબા હાથનો ખેલ છે.’ મંગલે એની પીઠ થાબડી. બધા એક નવી આશા અને નવા જુસ્સાથી
પેન્ટાલિન જાયાના એ ‘લી યુંગ’ નામના મકાન તરફ જવા માટે નાઈટ માર્કેટના ગેટ તરફ ચાલવા લાગ્યા.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *