એક હાથમાં સેલફોન અને એક હાથમાં ચાનો કપ પકડીને મોટી સ્લાઈડિંગ વિન્ડોની પેલે પાર દૂર આકાશમાં
પસાર થતું પ્લેન જોઈ રહેલી શ્યામાના મનમાં કોણ જાણે કેટલાય વિચારોનું ધમાસાણ ચાલી રહ્યું હતું. મંગલને ગયે
ચાર દિવસ થવા આવ્યા હતા, પણ શ્યામાનો સેલફોન હજી સુધી રણક્યો નહોતો. એ મલેશિયા સહી સલામત પહોંચ્યો
હશે કે નહીં ત્યાંથી શરૂ કરીને, મંગલ ક્યાં હતો, શું કરતો હતો, જીવતો હતો કે નહીં… એ વિશે શ્યામા પાસે કોઈ
સમાચાર હજી સુધી પહોંચ્યા નહોતા.
મુંબઈથી નીકળતાં પહેલાં મંગલે છેલ્લો ફોન કર્યો હતો. વ્હોટ્સએપ કોલ ઉપર ટ્રેસ ન થાય એવી રીતે
સાવધાનીપૂર્વક વાત કરતાં એણે શ્યામાને કહ્યું હતું, ‘હવે હું તને ફોન નહીં કરું. તારો અવાજ સાંભળ્યા વગર જીવવું
એટલે ઓક્સિજન વગર જીવવા જેવી સ્થિતિ હશે મારા માટે, પણ મને કંઈક થઈ જાય ને તું પણ સપડાય તો હું મારી
જાતને માફ નહીં કરી શકું.’ એક પણ અક્ષર બોલ્યા વગર શ્યામા ચૂપચાપ સાંભળતી રહી હતી. એણે મંગલને ખૂબ
સમજાવ્યો હતો. આ બધી માથાકૂટ મૂકીને ચૂપચાપ જેલની સજા સ્વીકારી લેવાનો આગ્રહ પણ કર્યો હતો.
એ પછી જ્યારે મંગલ ના માન્યો ત્યારે શ્યામાએ જ એને મદદ કરીને એના ભાગવાનો રસ્તો ખોલી આપ્યો
હતો. મલેશિયા જવાની થોડી મિનિટો પહેલાં મંગલે શ્યામા સાથે વાત કરી એ એમની વચ્ચે થયેલો છેલ્લો સંવાદ હતો.
આજે આટલા દિવસો થઈ ગયા હતા.
એક રીતે તો શ્યામાને ખબર જ હતી કે, મંગલ એને મલેશિયાથી ફોન નહીં કરે. કદાચ, પોલીસ શ્યામાનો ફોન
ટ્રેક કરતી હોય તો મંગલ માટે જોખમ ઊભું થાય એટલું જ નહીં, પોતે મંગલના સંપર્કમાં છે એ વાત પ્રસ્થાપિત થાય
તો જેલમાંથી ભાગેલા કેદીને મદદ કરવાના ગુના હેઠળ પોતે પણ મુશ્કેલીમાં આવે, ને એવું તો મંગલ થવા દે જ નહીં…
આ બધું જાણતી હોવા છતાં શ્યામાનું હૃદય ક્યાંક મંગલનો અવાજ સાંભળવા બેચેન હતું.
એ પોતે જ નહોતી સમજી શકતી, કે એને મંગલના ફોનની પ્રતીક્ષા શા માટે હતી.
અચાનક એના ખભે એના પિતાનો સ્નેહાળ હાથ મૂકાયો. શ્યામાએ પાછળ ફરીને જોયું, ‘શું વિચારે છે?’
ભાસ્કરભાઈએ પ્રેમથી પૂછ્યું. પિતા-પુત્રી વચ્ચે કઈ છુપાવવાનો સંબંધ નહોતો.
શ્યામાએ જરાય સંકોચ વગર કહ્યું, ‘મંગલ વિશે વિચારું છું. એ જે ઝનૂનથી મલેશિયા ગયો છે એ પછી ઓમ
અસ્થાનાને ખતમ કર્યા વગર પાછો નહીં આવે, પણ…’ શ્યામા અટકી ગઈ. ભાસ્કરભાઈ એની સામે જોઈ રહ્યા, ‘એ
પાછો આવશે તો ખરો ને?’
‘એટલે તને એવું લાગે છે કે, એ હવે ભારતની સજા ભોગવવા… મુંબઈની જેલમાં પાછો નહીં આવે? ‘
ભાસ્કરભાઈની આંખોમાં એમના દિલમાં કેટલાય દિવસથી ઘૂમરાતો શક ડોકાઈ ગયો.
‘ના… ના…’ શ્યામા હસી પડી, ‘એવું નથી વિચારતી હું.’ એણે પિતાના ખભે પોતાના બંને હાથ મૂક્યા.
એમની આંખોમાં જોયું, ‘ભાગેડુ નથી એ. જો એનું કામ પૂરું થઈ જશે તો જરૂર પાછો આવશે, પણ એ દરમિયાન…’
શ્યામા સહેજ અચકાઈ, ‘એને કંઈ થઈ ગયું તો…’ કહેતાં કહેતાં એની આંખોમાં પાણી આવી ગયાં. ગળું રૂંધાઈ ગયું.
ભાસ્કરભાઈએ પોતાના ખભા પર મૂકેલા એના બંને હાથ એમના હાથમાં લઈ લીધા. દીકરીના હાથ પકડીને
એમણે સ્નેહ અને સમજાવટભર્યા સૂરે કહ્યું, ‘બેટા! તું એ છોકરામાંથી તારું મન વાળી લે. એ પાછો આવશે તો પણ
તારી સાથે કરેલા અપરાધની સજા ભોગવતાં એટલા વર્ષો ખર્ચાઈ જશે કે તમે બંને એકબીજા સુધી પહોંચશો ત્યારે બહુ
મોડું થઈ જશે.’ આજ સુધી મંગલ વિશે આટલી સ્પષ્ટ વાત બાપ-દીકરી વચ્ચે નહોતી થઈ, કદાચ! ભાસ્કરભાઈ બધું જ
સમજતા હતા, પણ અત્યાર સુધી એમણે પૂરો પ્રયાસ કર્યો હતો કે, શ્યામાને મંગલથી બની શકે એટલી દૂર રાખે. મંગલ
ગયો એ દિવસથી શ્યામાની જે મનઃસ્થિતિ હતી એ જોઈને ભાસ્કરભાઈને લાગ્યું કે, હવે એ વિશે વાત થઈ જ જવી
જોઈએ એટલે આજે એમણે ખુલ્લા દિલે અને ચોખ્ખા શબ્દોમાં શ્યામાને મંગલના ભાવિ વિશે કહી નાખ્યું.
‘કોઈએ ક્યાંય નથી પહોંચવાનું.’ શ્યામાના અવાજમાં મીરાં જેવી અનાસક્તિ હતી, ‘મંગલ ને હું જુદા છીએ.
જુદા જ રહેવાના છીએ.’ અમારા ક્લાસ, વિચારો, માન્યતા, શિક્ષણ, ઉછેર, સંસ્કાર કશુંય સરખું નથી. આ જે કંઈ થઈ
રહ્યું છે એ એકબીજા સુધી પહોંચવા કે પામવા માટે નથી થઈ રહ્યું, ડેડ. સંબંધોની પ્રામાણિકતા પૂરવાર કરવા થઈ રહ્યું
છે.’
ભાસ્કરભાઈએ ઘણો પ્રયત્ન કર્યો પણ એ પોતાનું હસવું રોકી ન શક્યા. શ્યામાને સહેજ ખરાબ લાગી ગયું,
પણ ભાસ્કરભાઈએ હસીને પૂછ્યું, ‘કયા સંબંધો? તારી અને મંગલ વચ્ચે કયા સંબંધ છે? ગુનેગાર અને ભોગ બનેલા
વિક્ટિમનો? તને જે માણસ માટે દયા આવે છે એણે તારી દયા ખાધી ‘તી?’ ભાસ્કરભાઈએ પૂછ્યું. એમની આંખો
લાલ થઈ ગઈ, શરીર સહેજ ધ્રૂજવા લાગ્યું. આવેશમાં એમણે શ્યામાના ખભા પકડીને એને હચમચાવી નાખી, ‘તું
ચીસો પાડતી હતી, તરફડતી હતી ત્યારે એ નાલાયક તારી સાથે…’ ભાસ્કરભાઈ ઊંધા ફરી ગયા, ‘એની સાથે
પ્રામાણિકતાના સંબંધની વાત કરે છે? આઈ હેટ હીમ.’
‘તમારી વાત સાચી છે, ડેડ.’ શ્યામાએ બંને હાથ એમની છાતી પર લપેટ્યા અને પીઠ ઉપર માથું મૂકી દીધું,
‘તમારી જગ્યાએ ઊભી રહીને વિચારું તો મને પણ આ જ ફીલિંગ થાય છે. આટલો જ ગુસ્સો, આટલો જ તિરસ્કાર,
આટલી જ કડવાશ…’ એનું માથું ભાસ્કરભાઈની પીઠ પર હતું અને એણે સ્નેહથી પોતાના બંને હાથ પોતાની છાતી
પર લપેટ્યા હતા, ‘આપણા શાસ્ત્રો કહે છે, શત્રુબુધ્ધિ વિનાશાય, શત્રુ વિનાશાય નહીં.’ એ થોડીક ક્ષણ ચૂપ રહી.
ભાસ્કરભાઈ કંઈ ન બોલ્યા એટલે એણે આગળ કહ્યું, ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્, પશ્ચાતાપ થાય તો ગમે તેવા પાપીને પણ
મુક્તિ મળી શકે છે… એ પસ્તાય છે ડેડ. એને પળેપળ અફસોસ થાય છે એણે જે કર્યું એનો.’
‘થતો હશે.’ ભાસ્કરભાઈ પીગળવા તૈયાર નહોતા, ‘એથી એણે જે કર્યું તે ભૂંસી નહીં શકાય, ભૂલી નહીં
શકાય… જો, તને એક વાત કહી દઉ. દૂધ ઢોળાઈ જાય પછી ગમે તેટલો અફસોસ થાય, પણ એને પાછું તપેલીમાં ભરી
નથી શકાતું.’
‘ડેડ, હું ઢોળાયેલા દૂધ પર પોતું ફેરવીને ફર્શ ચોખ્ખી કરી નાખવા માગું છું.’ શ્યામાએ ધીમેથી કહ્યું.
‘એટલે એના ફોનની રાહ જુએ છે? એને જેલમાં મળવા જાય છે?’ ભાસ્કરભાઈ શ્યામા તરફ ફર્યા. એ ફરી
ઉશ્કેરાઈ ગયા હતા, ‘એને ભાગવાની સગવડ કરી આપી તેં… આ દયા છે? માણસાઈ છે કે પછી…’ એમણે શ્યામાનો
ચહેરો પોતાના બે હાથમાં પકડીને એની આંખમાં જોયું, ‘તું સમજે કે નહીં, મને દેખાય છે કે તું તારી જાતને ખતમ
કરવા બેઠી છે. યુ કાન્ટ લવ હીમ. હી ડઝ નોટ ડિઝર્વ ઈટ.’ ભાસ્કરભાઈ હવે સાચે જ ચીડાઈ ગયા હતા, ‘તારા જેવી
ભણેલી-ગણેલી બુધ્ધિશાળી છોકરી આવા ગુનેગારના પ્રેમમાં પડે? એ પણ એવો ગુનેગાર જેણે…’ આગળ બોલ્યા
વગર એમણે મોઢું ફેરવી લીધું, ‘છી! હું માની નથી શકતો, શ્યામા!’
‘પ્રેમ?’ ભાસ્કરભાઈના આટલા ઉશ્કેરાટ અને ઊંચા અવાજ છતાં શ્યામા શાંત અને સંયત હતી, ‘મને નથી
ખબર હું એના પ્રેમમાં છું કે નહીં. એ મારા પ્રેમમાં છે… મારે માટે કંઈ પણ કરવા તૈયાર છે. ફના થઈ જવા. કદાચ,
એને જ પ્રેમ કહેતા હશે.’ શ્યામાએ કહ્યું. હવે એણે ભાસ્કરભાઈ તરફ જોવાનું છોડીને ફરી પાછું એ જ બારીમાંથી
આકાશ તરફ જોવા માંડ્યું, ‘હું હજી એ સ્થિતિમાં નથી પહોંચી ડેડ, કદાચ ક્યારેય નહીં પહોંચી શકું.’ એણે જરાક
કડવાશ સ્મિત સાથે કહ્યું, ‘બહુ ભણીએ, બહુ વાંચીએ, બહુ દુનિયા જોઈએ ને, પછી માણસ પ્રેક્ટિકલ થઈ જાય. દરેક
વાતને માપી, તોળી, ગણીને જીવતાં શીખી જાય, નફો-નુકસાન, ફાયદો-ગેરફાયદો બધું જોઈ વિચારીને પછી…’ એણે
હસીને ઉમેર્યું, ‘પ્રેમમાં ય…’ એ થોડીવાર ચૂપ રહી. ભાસ્કરભાઈ પણ એની વાત સાંભળીને વિચારમાં પડી ગયા હતા,
‘સાચું કહું તો, હું ક્યારેય એના પ્રેમમાં નહીં પડી શકું.’ ભાસ્કરભાઈએ નિરાંતનો શ્વાસ લીધો, ‘પણ, ડેડ! હું હવે એના
સિવાય પણ કોઈને પ્રેમ નહીં કરી શકું.’
ભાસ્કરભાઈ વિસ્ફારિત આંખોથી જોતા રહ્યા, ‘વ્હોટ રબીશ! મને નથી સમજાતી આ બેવકૂફી.’ એમનાથી
કહેવાઈ ગયું.
‘મને પણ નથી સમજાતી આ બેવકૂફી, ડેડ.’ શ્યામા હસી પડી. એના હાસ્યમાં કોઈ ટીનએજર છોકરીની શરમ
અને મુગ્ધતા જોઈ શક્યા ભાસ્કરભાઈ, ‘પણ, મને આ બેવકૂફી બહુ ગમે છે. હું જ્યારે એના વિશે વિચારું છું ત્યારે
મનમાં કશુંક એવું થાય છે જે પહેલાં કદી નથી થયું. એક અજબ જેવું આકર્ષણ, ન રોકી શકાય તેવું ધસમસતું વહેણ મને
એના તરફ ઢસડી જાય છે.’ શ્યામાની આંખો ચમકતી હતી, એના ચહેરા પર તાજી પ્રેમમાં પડેલી કોઈ યુવતિનો
અભિસાર હતો, ‘ડૉક્ટર શ્યામાને ખબર છે કે, આ બધું નકામું છે, પણ પેલી બીજી શ્યામા તો બસ…’ કહીને એ
ભાસ્કરભાઈને ભેટી પડી, ‘હું આ બંને શ્યામા વચ્ચે ભીંસાતી નથી, ડેડ, ગૂંચવાતી ય નથી ને ગૂંગળાતી ય નથી, પણ
આ બે શ્યામાની વચ્ચે ક્યાંક મારું બેલેન્સ શોધી રહી છું. લવ અને લોજિક વચ્ચે, ઈમોશન અને ઈન્ટેલિજન્સ વચ્ચે,
પ્રેમ અને પ્રેક્ટિકાલિટીની વચ્ચે ક્યાંક… હું એવો કોઈ સંબંધ શોધી રહી છું જેને પ્રેમનું લેબલ ન ચોંટાડવું પડે તેમ છતાં
એ બધું કરી શકાય, કહી શકાય જેને દુનિયા પ્રેમ કહે છે.’
ભાસ્કરભાઈ કશું જ બોલ્યા વિના ત્યાંથી ચાલી ગયા. શ્યામા ફરી એકવાર બારીની બહાર આકાશ તરફ જોતી
રહી. એની આંગળીઓના ટેરવાં એના સેલફોનના સ્ક્રીનને પંપાળતાં રહ્યા કેમ જાણે એ સ્ક્રીન ઉપર એને કોઈ
મનગમતો સ્પર્શ અનુભવાતો હોય!
‘લી યુંગ’ના ચોથા માળે પહોંચીને માઈકલે એના બધાં રમકડાં ચાલુ કર્યાં. એના લેપટોપના સ્ક્રીન પર શિવના
ફોનનું લોકેશન દેખાતું હતું. શિવ ઘેર હતો. એ એક પછી એક જુદા જુદા લોકોને ફોન કરીને ઓમની તપાસ કરી રહ્યો
હતો. એણે જેને ફોન કર્યા એમાં ક્વાલાલમ્પુરના પોલીસ ઓફિસર્સથી શરૂ કરીને અંડરવર્લ્ડનો લોકો, ઓમના મિત્રો
હતા, પણ બધા જે ફોનની રાહ જોતા હતા એ ફોન આમાં નહોતો. ફોન સાંભળતાં સાંભળતાં માઈકલ કંટાળ્યો હતો.
બધાં એક શ્વાસે રાહ જોઈ રહ્યા હતા, પણ સહુને હવે કંટાળો આવવા લાગ્યો હતો. મંગલ ત્યાંથી ઊભો થઈ ગયો.
બેચેનીમાં આંટા મારવા લાગ્યો. એને દર કલાકે એવું લાગતું હતું કે એની પાસે સમય ઓછો છે, એ કોઈપણ રીતે શિવ
સુધી પહોંચવા માગતો હતો. લગભગ એક કલાક સુધી બધા એમ જ, કોઈ હલચલ વગર પ્રતીક્ષા કરતા રહ્યા, પછી
મન્નુ ઊભો થયો, ‘હું નીકળું.’ એણે કહ્યું.
‘હું પણ સૂઈ જાઉ.’ અંજુમે કહ્યું. લગભગ એના સપોર્ટમાં હોય એમ લાલસિંગ પણ ઊભો થયો. એણે મંગલ
તરફ એ રીતે જોયું જાણે એની મજાક ઉડાવતો હોય, ‘તુમ ભી સો જાઓ.’ અંજુમે કહ્યું, પછી એ અને લાલસિંગ
પોતાના રૂમ તરફ ચાલી ગયા. શૌકત હજી માઈકલની બાજુમાં બેઠો હતો. કોણ જાણે કેમ એને મંગલની દરેક વાતમાં
ભરોસો હતો. એ મંગલને પોતાનો હીરો માનતો હતો એટલે એણે સ્વીકારી લીધું હતું કે, મંગલ જે કહે છે એ સાચું જ
હશે!
મંગલ એક કલાકથી પાંજરામાં પૂરાયેલા વાઘની જેમ ચક્કર કાપી રહ્યો હતો. માઈકલને પણ બગાસા આવવા
લાગ્યાં હતાં. એણે અચાનક બૂમ પાડી, ‘શિવના ફોન પર એ જ નંબર પરથી ફોન આવ્યો છે.’ મંગલે દોડીને હેડફોન
પહેર્યાં.
‘જાન…’ શિવનો ઘેરો ઘૂંટાયેલો અવાજ સંભળાયો, ‘હું ક્યારનો રાહ જોઉ છું. કંઈ પ્રોબ્લેમ તો નથી થયો ને?’
‘ના… ના…’ શફકનો ધીમો, દબાયેલો અવાજ સંભળાયો, ‘એ અહીં હતો. પીવા બેઠો હતો. જાય પછી ફોન
કરું ને?’
‘બહુ સવાલ-જવાબ તો નથી કર્યા ને?’ શિવે પૂછ્યું.
‘ના… ના… મેં કહ્યું હું પાર્લરમાં ગઈ હતી.’ શફક સહેજ અચકાઈ, ‘મને અહીંથી છોડાવ, પ્લીઝ…’ એનાથી
ડૂસકું લેવાઈ ગયું.
‘આજે એણે ફરી…??’ શિવના અવાજમાં બેબસીનો ગુસ્સો હતો.
‘હંમમ્’ શફક હજી રડી રહી હતી.
‘હું એને મારી નાખીશ.’ શિવ અકળાયો, ‘સાલો હરામખોર… એક તો ભાઈ જડતા નથી ને ઉપરથી…’
એનાથી કહેવાઈ ગયું.
‘ઓમભાઈ?’ શફકે પૂછ્યું.
‘હા યાર, એમનો ફોન બંધ છે અને ગઈકાલે મંદિરમાંથી એમને કોઈ ઊઠાવી ગયું છે. રેન્સમનો પણ ફોન નથી
આવ્યો કે નથી કોઈએ સોદાબાજી કરવા ફોન કર્યો. સમજાતું નથી…’ કહીને એણે સ્વગત ઉમેર્યું, ‘ખુર્શીદ સુલેમાનની
ડિલીવરી પણ કરી દીધી, એટલે એ તો…’
‘શીટ્!’ શફકથી બોલાઈ ગયું, પછી એણે પૂરી કાળજી અને ચિંતા સાથે પૂછ્યું, ‘હવે શું કરીશ?’
‘રાહ જોઈશ, બીજું શું?’ શિવે અકળાઈને કહ્યું.
એમની વાત ચાલી રહી હતી ત્યાં માઈકલે ધીમેથી કહ્યું, ‘લોકેશન જડી ગયું છે.’ મંગલે પેન્ટના ગર્ડલમાં
ખોંસેલી પિસ્તોલ ચેક કરી. વાંકા વળીને શૂઝની લેસ ફરી બાંધી. એ દરવાજાની બહાર નીકળવા જતો હતો કે, શૌકત
દોડીને એની સાથે જોડાઈ ગયો.
મંગલે એક સેકન્ડ શૌકત સામે જોયું, ‘મેં તો ચલુંગા, આપ કે સાથ.’ શૌકતે નાના બાળકની જેમ કહ્યું. કશું
બોલ્યા વગર મંગલે એના ખભે એક ધીમી થપકી લગાવી. બંને જણાં બહાર નીકળી ગયા.
માઈકલ ફોન પર ચાલતી વાતચીત સાંભળતો રહ્યો… એણે ખુરશી પર શરીર લંબાવી દીધું અને આંખો મીંચી
દીધી.
(ક્રમશઃ)