માઈકલના આપેલા લોકેશન પર પહોંચીને મંગલે ઉબરના પૈસા ચૂકવી દીધા. એ અને શૌકત નીચે ઉતર્યાં. બંને
જણે સામે દેખાતો 36 માળનો ટાવર જોયો, પણ નીચે જબરજસ્ત સિક્યોરિટી હતી. અજાણી વ્યક્તિ માટે અંદર
પ્રવેશવું અશક્ય હતું. મંગલ બહાર ઊભો રહીને વિચારવા લાગ્યો. થોડીવાર પછી એણે ટાવરની સાથે જોડાયેલી
ફૂટપાટ પર ચાલવા માંડ્યું. શૌકત એની પાછળ દોડ્યો, ‘ક્યા કરેંગે ભાઈજાન?’ શૌકતે પૂછ્યું. જવાબમાં મંગલે સામે
દેખાતા 24×7 સુપર સ્ટોર તરફ આંગળી ચીંધી. શૌકત કંઈ સમજ્યો નહીં એટલે ચૂપચાપ મંગલની સાથે ચાલતો રહ્યો.
બંને જણાં સામે સુપર સ્ટોરમાં પહોંચ્યા. ત્યાંથી મંગલે મોંઘી ચોકલેટ્સનું બોક્સ અને ફૂલ ખરીદ્યા. શૌકત
સમજી ગયો. એના ચહેરા પર સ્મિત આવી ગયું. ચાલીને બંને જણાં પાછા એ જ બિલ્ડિંગ સામે આવીને ઊભા રહ્યા.
શૌકત બિલ્ડિંગની બહાર આવેલી કાચની કેબિનમાં બેઠેલા વોચમેનની સામે આવીને ઊભો રહ્યો. મંગલ એવી રીતે
ઊભો રહ્યો કે એ સીસીટીવીમાં ના દેખાય. વોચમેને શૌકતની સામે જોયું એટલે નાનકડા ગોળ કાણામાંથી શૌકતે કહ્યું,
‘પાર્સલ ફોર ફ્લેટ નં. 3201.’ વોચમેને શૌકતને પૂછ્યું, ‘નેમ?’ શૌકત ગૂંચવાયો, એ બોલવા ગયો, ‘શ…’ પણ બાજુમાં
ઊભેલા મંગલે તરત જ કહ્યું, ‘વી ડોન્ટ નો.’
વોચમેને એના ઈન્ટરકોમથી કોઈ સાથે વાત કરી. પછી, વોચમેને રિમોટથી એક માણસ દાખલ થઈ શકે એવી
નાનકડો ગેટ ખોલ્યો. મંગલ અને શૌકત બંને દાખલ થયા. વોચમેને કેબિનમાંથી બે આંગળી ઊંચી કરીને ‘ના’ પાડી.
મંગલે એની કેબિનના દરવાજા પર ટકોરા માર્યા. વોચમેને આ તરફના કાણામાંથી સાંભળવાનો પ્રયત્ન કર્યો. મંગલે કહ્યું,
‘હી ઈઝ ટ્રેઈની. આઈ એમ વિથ હીમ.’ વોચમેને જરા વિચાર કરીને ડોકું ધૂણાવી દીધું. એને નીચેથી એક નાનકડું કાર્ડ
સરકાવ્યું, ‘વન ટાઈમ યુઝ.’ એના પર લખ્યું હતું. પાછળની તરફ ’32’ લખ્યું હતું.
લિફ્ટમાં 32મા માળે જવા માટે વન ટાઈમ યુઝ કરી શકાય એવું આ મેગ્નેટિક કાર્ડ હતું. શફકને જે ચોકી
પહેરામાં કે સુરક્ષામાં રાખી હતી એ જોઈને મંગલને નવાઈ લાગી. શૌકતે જરા આશ્ચર્યથી મંગલને પૂછ્યું, ‘નામ ક્યૂં
નહીં બતાયા?’
મંગલ હસ્યો, ‘વો શફક રિઝવી કે નામ સે નહી રહેતી હોગી. નવું નામ આપણને ખબર નથી. શફક કહ્યું હોત
તો ફસાઈ જાત.’ શૌકતે પોતાના બંને હાથે કાનની બૂટ પકડી. એની આંખોમાં મંગલ માટે રહેલો અહોભાવ થોડો
વધ્યો.
લિફ્ટ 32મા માળે ઊભી રહી. 3201 ફ્લેટનો દરવાજો સાડા આઠ ફૂટનો હતો. એક માળ પર બે જ ફ્લેટ
હતા. મંગલે 3201ની બેલ દબાવી. અંદર મધુર રણકાર થયો. કોઈના પગલાં દરવાજા સુધી આવ્યાં. થોડીક ક્ષણ પછી
દરવાજો ખૂલ્યો. મંગલે જાણી જોઈને ફૂલ અને ચોકલેટ પકડીને શૌકતને આગળ ઊભો રાખ્યો. પોતે સાઈડમાં ઊભો
રહ્યો. અંદર રહેલા સીસીટીવી કેમેરામાં પણ શૌકતનો ચહેરો ચેક કરવામાં આવ્યો હશે એ એને સમજાઈ ગયું. જેવો
દરવાજો ખૂલ્યો કે, મંગલ બિલકુલ દરવાજાની વચોવચ આવીને ઊભો રહ્યો.
એને જોઈને શફકની આંખો પહોળી થઈ ગઈ. રેડ કલરની સાટીનની નાઈટી ઉપર એવા જ રંગનો મેચિંગ
ડ્રેસિંગ ગાઉન પહેરીને ઊભેલી શફકના કપાળે પરસેવો વળવા માંડ્યો. શું કહેવું એ એને સમજાયું નહીં. ફૂલ અને
ચોકલેટ પકડીને ઊભેલો શૌકત પણ શફક રિઝવીને જોઈને ડઘાઈ ગયો. એણે કંઈ સમજ્યા વગર ફૂલ અને ચોકલેટ
આગળ ધર્યા. બેહોશી જેવી દશામાં શફકે બંને લઈ પણ લીધા! દરવાજામાં સારી એવી જગ્યા હતી. મંગલ શફકની
બાજુમાં થઈને અંદર દાખલ થયો. શૌકત પણ પાછળ પાછળ ઘૂસી ગયો. મંગલે દરવાજો બંધ કરી દીધો. ફૂલ અને
ચોકલેટ હાથમાં પકડીને શફક હજીયે બંધ દરવાજાની પાસે ઊભી હતી.
‘તું જીવે છે એ જાણીને આનંદ થયો.’ મંગલે કહ્યું. ઊંચી છત અને એક તરફ કાચની મોટી સ્લાઈડિંગ વિન્ડો
ધરાવતો આ વૈભવી ફ્લેટ હતો. મોંઘું ઈટાલિયન ફર્નિચર, કારપેટ, શેન્ડેલિયર્સ, એક તરફ આરસપહાણનો બાર અને
બીજી તરફ મોટા ટીવી સાથેનો ગ્લાસ ડોર વાળો મીડિયા રૂમ હતો. મંગલે એક નજરમાં ફરીને ફ્લેટ જોઈ લીધો,
‘સુખમાં રહે છે તું. મજા કરે છે… ગુડ!’ કહીને એ સોફા પર ગોઠવાઈ ગયો. શફક અવાચક્ હતી. મંગલ અહીં કઈ રીતે
પહોંચ્યો, એણે એનું સરનામું કઈ રીતે શોધ્યું એ બધા સવાલો એના હોઠ પર આવીને અટકી ગયા હતા, ‘હું અહીં કેવી
રીતે આવ્યો એ પૂછવા કરતાં, હું અહીં કેમ આવ્યો છું એ પૂછી લે…’ કહીને મંગલ હસ્યો. શૌકત અત્યારે એક જુદા જ
મંગલને જોઈ રહ્યો હતો. પ્રેમાળ, લાગણીશીલ, સરળ અને સ્નેહાળ મંગલને બદલે આ કોઈ ગેંગસ્ટર, ગુંડાની જેમ
વર્તી રહ્યો હતો. એનાથી ડરી જવાય એવો એનો ચહેરો દેખાતો હતો.
‘કેમ?’ શફક એનાથી વધારે બોલી શકી નહીં.
‘તને મળવા…’ કહીને મંગલ ફરી હસ્યો, ‘તારી બહુ યાદ આવતી હતી. તને મિસ કરતો હતો.’ એ ઊભો થયો.
એણે શફકની નજીક જઈને એની ચિબૂક પકડી. નજીક આવીને એણે ચૂંબન કરવાનો પ્રયત્ન કર્યો. શફકે મોઢું ફેરવી લીધું.
મંગલ હસ્યો, ‘ભૂલી ગયો! તને તો સાંઈ અસ્થાના કિસ કરી એ પણ નથી ગમતું. શિવની પાર્વતી થઈ ગઈ છે તું તો.’
શફક માટે મંગલનું એક એક વાક્ય વધુને વધુ આઘાતજનક હતું. આટલી બધી માહિતી સાથે આ માણસ અહીંયા શું
લેવા આવ્યો હતો એ સમજવા માટે એના મગજમાં ડેટા પ્રોસેસિંગ શરૂ થઈ ચૂક્યું હતું. એણે પોતાના ફોન માટે આમ-
તેમ નજર દોડાવી, પણ ફોન એ બેડરૂમમાં મૂકીને આવી હતી. હવે અંદર જવાય એવું નહોતું. ‘શું નામ પાડ્યું છે
અહીંયા?’ મંગલે ફરી સોફામાં ગોઠવાઈને પૂછ્યું.
શફક હજી આઘાતમાંથી બહાર જ નહોતી આવી, ‘શાહિન.’ એનાથી બોલાઈ ગયું.
‘ઓકે શાહિન! તારે કાલે શિવને એ જ હોટેલમાં મળવા બોલાવવો પડશે જ્યાં તમે આજે મળ્યા હતા.’
‘વ્હાય?’ શફકે પૂછ્યું.
‘મેં તને પૂછ્યું, વ્હાય?’ મંગલની આંખો લાલ થવા લાગી હતી. ‘વ્હાય? તું અલતાફને મળી… વ્હાય? તેં મને
છેતર્યો… વ્હાય? જીતાચાચાને ફસાવ્યા… વ્હાય? તું અહીંયા આવી…’ એણે ઊભા થઈને શફકનો હાથ પકડ્યો, ‘હું કહું
એટલું કરવાનું. બાકી તું મને ઓળખે છે.’
શૌકત પોતાના હીરોનું આ સ્વરૂપ જોઈને મનોમન ખુશ થતો હતો ને ક્યાંક ડરવા પણ લાગ્યો હતો. એને માટે
આ એક નવો જ મંગલ હતો.
‘તારે… તારે શિવનું શું કામ છે?’ શફકે પૂછ્યું.
‘તારે એ જાણીને શું કામ છે?’ મંગલે જવાબ આપ્યો, ‘મને કાલે બપોરે શિવ એ જ હોટેલમાં, એ જ જગ્યાએ
જોઈએ.’ એણે પોતાની રિવોલ્વર કાઢીને શફકના ગળાથી નીચે ઉતારી બે સ્તનની વચ્ચે અટકાવી, ‘બાકી…’ એ હસ્યો,
‘મરેલાને મારવાની સજા નથી હોતી.’
‘જો શફક.’ મંગલ અચાનક જ સજ્જન થઈ ગયો. એણે સલૂકાઈથી વાત કરવા માંડી, ‘મારે તારી સાથે
પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી. હું તને નુકસાન કરવા નથી માગતો, પણ શિવ અને સાંઈને નહીં છોડું.’
‘મારી નાખ સાંઈને.’ શફકના અવાજમાં ક્રૂર તિરસ્કાર હતો, ‘પણ, શિવ…’ શફકે બે હાથ જોડ્યા, ‘એને કંઈ નહીં
કરતો.’
‘બંને મરશે.’ મંગલે દ્રઢતાથી કહ્યું, ‘તારી પાસે પૈસાબૈસા છે ને? આ ઘર કોના નામે છે?’ શફક એની સામે
જોઈ રહી, ‘તું પાછી નહીં આવી શકે, ઈન્ડિયા. તારી વ્યવસ્થા કરી લે.’ મંગલે કહ્યું, ‘હું જાણું છું તારી સાથે ખરાબ રીતે
વર્ત્યો છું. તને મારપીટ કરી છે, તકલીફ આપી છે. માફી માગું છું તારી.’ શફકને હજી સમજાતું નહોતું કે, કયો મંગલ
સાચો! મંગલ આગળ કહેતો રહ્યો, ‘તું સારી છોકરી છે. અહીં રહે, નિરાંતે.’
હવે શફકને લાગ્યું કે, એ બોલી શકે… એણે ધીમેથી કહ્યું, ‘સાંઈએ પચાસેક લાખ રિંગિટ આપ્યા છે મને.’
‘આઠેક કરોડ રૂપિયા થયા.’ મંગલે તરત જ ગણતરી માંડી, ‘ચલ કાલનો દિવસ આપું છું. તારી વ્યવસ્થા કરી લે.’
‘એટલે?’ શફકે પૂછ્યું.
‘એટલે કાલે સાંઈનો વારો…’ મંગલે કહ્યું, ‘પરમદિવસે શિવનો.’
‘શિવને છોડી દે.’ શફક કરગરી.
‘શિવને કહે છોકરીઓને વેચવાની છોડી દે. મલેશિયા છોડી દે…’ મંગલે કહ્યું, ‘એ મને વચન આપે કે, એ કાલે
રાત્રે તને લઈને મલેશિયા છોડીને યુરોપના કોઈ અજાણ્યા દેશમાં જતો રહેશે. જિંદગીભર ઔરતના ધંધા તરફ જોશે
નહીં તો છોડી દઈશ એને.’ એણે ઉમેર્યું, ‘તારે માટે.’
‘એવું તો…’ શફક ગૂંચવાઈ ગઈ.
‘ખબર છે મને, એ નહીં કરે.’ મંગલે શફકની આંખોમાં જોયું, ‘જો, મારો બાપ જે કરતો હતો ને એ ધંધાનો
શૈતાન તારો શિવ છે. એના ભાઈએ મારી માની ઈજ્જત લીધી, મારા બાપને આ ધંધામાં નાખ્યો, મારી જિંદગી
બરબાદ કરી, મારા બાપને માર્યો…’ એણે નજર ફેરવી લીધી, ‘હું અહીં સુધી એ ત્રણ જણને મારવા જ આવ્યો છું.’
‘આ બધું મને શું કામ કહે છે? હું શિવને કહી દઈશ એવો ડર નથી લાગતો તને?’ શફકથી પૂછાઈ ગયું.
‘ડર? મંગલને કોઈનો ડર નથી લાગતો.’ એણે કહ્યું, ‘ને હું જાણું છું કે, તું પણ આ બધામાંથી છૂટવા એક સારી
જિંદગી જીવવા માગે છે. હું ત્રીજા યુરોપના કોઈ દેશમાં નાનકડી કેફે ખોલું, ઈજ્જતનો ધંધો કર. કોઈ સારો છોકરો
જોઈને પરણી જા.’ મંગલનું ગળું ભરાઈ આવ્યું એ વાત શૌકત અને શફક બંનેએ નોંધી, ‘હું શાદી કરત તારી સાથે…
પણ, તેં અલતાફ પાસે જઈને મને…’ કહેતાં કહેતાં મંગલની આંખમાં પાણી ધસી આવ્યાં, ‘તેં જે કર્યું એ બરાબર જ
કર્યું, પણ આ શિવ રાક્ષસ છે. તારે લાયક નથી. હજારો છોકરીઓની બદદુઆ છે એને માથે.’
શફક ઘડી ઘડી બદલાતું મંગલનું આ વલણ અને રૂપ જોતી રહી. પછી ધીમેથી મંગલ પાસે આવીને એનો હાથ
પકડ્યો, ‘તું બદલાઈ ગયો છે?’ એણે પૂછ્યું. મંગલ એની સામે જોતો રહ્યો, કશું બોલ્યો નહીં. શફકે એનો હાથ છોડ્યા
વગર કહ્યું, ‘હજી મોડું નથી થયું, તું શાદી કર મારી સાથે.’ મંગલે હળવેથી હાથ છોડાવ્યો. વહાલથી શફકના માથે હાથ
ફેરવ્યો, પછી પોતાની આંખો લૂંછી નાખી. શફક કશું બોલ્યા વગર એની સામે જોતી રહી, પછી એણે કહ્યું, ‘કોઈના
પ્યારમાં તું બદલાયો ને? મારા પ્રેમમાં શિવ પણ બદલાઈ જશે. એ સાચો પ્રેમ કરે છે મને.’ કહીને એણે ઉમેર્યું, ‘ને હું
પણ.’ એણે વિનંતીના સૂરમાં કહ્યું, ‘મને ચોવીસ કલાક આપ. હું એને સમજાવીશ. એ બધું છોડી દેશે. મલેશિયા પણ
છોડી દેશે. અમે ક્યાંક અજાણી જગ્યાએ જઈને…’
‘નહીં માને તો?’ મંગલે પૂછ્યું.
શફક થોડીવાર મંગલ સામે જોઈ રહી. જાણે વિચાર કરતી હોય એમ થોડીક ક્ષણ તદ્દન ચૂપ રહીને એણે કહ્યું,
‘તો મારી નાખજે.’ શૌકત ડઘાઈ ગયો, ‘છોકરીઓની જિંદગી બરબાદ કરે છે એ તો મને પણ પસંદ નથી. મેં સમજાવ્યો
છે એને, પણ ઓમભાઈને ના પાડવાની હિંમત નહોતી એની, પણ હવે…’ શફક ચૂપ થઈ ગઈ.
‘હવે?’ મંગલે પૂછ્યું. એનો અવાજ સહેજ ધ્રૂજી ગયો.
‘ગઈકાલે સવારે ઓમભાઈનું અપહરણ થયું છે.’ શફકે સાચું કહી દીધું, ‘મને લાગે છે કોઈએ એમને…’ એ
અટકી, ‘તારા જેવા જ કોઈકે.’ કહેતાં કહેતાં એના ચહેરા પર સ્મિત આવ્યું. મંગલ કઈ બોલે એ પહેલાં એણે કહ્યું, ‘સારું
કર્યું તેં.’ શૌકતને લાગ્યું એ બેભાન થઈ જશે, ‘હું વચન આપું છું. શિવ સાથે વાત કરીને જે હશે એ તને કહીશ.’
‘સારું.’ મંગલે કહ્યું. શૌકતને લાગ્યું, આશ્ચર્ય અને આઘાતમાં એનું હૃદય બંધ પડી જશે, ‘તું સમજાવી જો
એને. એ તૈયાર હશે તો હું એને છોડી દઈશ.’ કહીને મંગલ ઊભો થયો. રિવોલ્વર ફરી પેન્ટના ગર્ડલમાં ખોસીને એ
દરવાજા પાસે જઈને ઊભો રહ્યો. આધુનિક ટેકનિકનું એ લોક ફક્ત ફિંગર પ્રિન્ટથી ખૂલતું હતું. શફકે લોક પર આંગળી
મૂકી એટલે લોક ‘કટ’ અવાજથી ખૂલી ગયું. શફકે દરવાજો ઉઘાડ્યો. મંગલ બહાર નીકળી ગયો. શફક દરવાજો બંધ કરે
એ પહેલાં એમે કહ્યું, ‘ચોવીસ કલાક છે તારી પાસે. એ માની જાય કે ના માને… તું મને સાચું કહીશ? ભરોસો કરું તારા
પર?’ શફકે ડોકું હલાવીને હા પાડી. બંનેની આંખોમાં એકમેક માટે જે વિશ્વાસ અને દોસ્તી હતાં એ જોઈને શૌકતની
આંખો ભીની થઈ ગઈ.
શૌકત અને મંગલ જ્યારે બહાર નીકળ્યા ત્યારે વોચમેનની આંખોમાં જરા નવાઈ હતી. ફૂલ અને ચોકલેટનું
પાર્સલ આપવા આવનારો માણસ પંદર મિનિટ રોકાય તેવું કદાચ પહેલીવાર બન્યું હશે એની જિંદગીમાં.
‘શું થયું? કેમ આટલી રાત્રે? બધું બરાબર છે ને?’ શિવે પૂછ્યું. એ મધરાતે શફકનો ફોન જોઈને ચોંકી ગયો
હતો.
‘તું હમણા અહીંયા આવી શકે?’ શફકે પૂછ્યું.
‘ત્યાં?’ શિવે સામે પૂછ્યું કારણ કે, શફક એને કદી પોતાના ઘેર આવવા દેતી નહીં, ‘આવું?’
‘હા, મારે અરજન્ટ કામ છે.’ શફકે કહ્યું, ‘તારી સાથે વાત કરવી છે.’
‘અત્યારે?’ શિવે પૂછ્યું.
‘હા, હા… અત્યારે.’ શફકે જે રીતે કહ્યું એ સાંભળીને શિવથી રહેવાયું નહીં.
‘નીકળું છું.’ એણે ફોન મૂક્યો. રિવોલ્વર અને ગાડીની ચાવી લઈને એ જ્યારે એના બંગલાની બહાર નીકળ્યો
ત્યારે સાંઈના બેડરૂમની લાઈટ ચાલુ હતી. એ જોઈને શિવ ઘડીભર અચકાયો, પણ પછી ગાડીમાં બેસીને એ ગેટની
બહાર નીકળી ગયો.
(ક્રમશઃ)