પ્રકરણ – 57 | આઈનામાં જનમટીપ

ઘરે આવીને મંગલે અંજુમ અને લાલસિંગને જગાડ્યા. જે બન્યું હતું એ બધું અક્ષરસઃ કહ્યું. બધાં વિચારમાં
પડી ગયા. મંગલ જે વચન આપીને આવ્યો હતો એ થોડું જોખમી તો હતું જ, પરંતુ આટલું રિસ્ક તો લેવું જ પડશે
એવું મંગલને લાગતું હતું. સામે લાલસિંગ અને અંજુમ માનતા હતા કે, શિવ કોઈથી ડરતો નહોતો, ઓમથી પણ નહીં.
એ ઔરતોનો આ ધંધો ઓમથી ડરીને નહીં, પોતાની મરજીથી કરતો હતો એવું અંજુમનું દ્રઢપણે માનવું હતું.
‘નહીં માને તો મારી નાખીશ.’ મંગલે કહ્યું, ‘પણ જેમ હું બદલાયો એમ એ પણ કદાચ…’
‘તમે ઈન્સાન છો, એ હેવાન છે.’ અંજુમે કહ્યું.
‘હા પાડીને ફરી જાય તો શું કરી લઈશ.’ લાલસિંગે પૂછ્યું.
‘આપણે કાલ સુધી રાહ જોઈએ. ત્યાં સુધીમાં સાંઈનો નિકાલ કરી નાખીએ.’ મંગલે કહ્યું.
‘સાંઈ મર્યો તો એ સાવધ થઈ જશે.’ લાલસિંગે વિરોધ કર્યો.
‘ઓમ મર્યો હજીયે એની ખબર નથી ને?’ મંગલે કહ્યું, ‘સાંઈની ખબર પડશે ત્યાં સુધીમાં એનો જવાબ મળી
જશે આપણને.’ સૌ મંગલ સામે જોઈ રહ્યા, ‘બંને ભાઈઓના મોતની ખબર પછી કદાચ એનું મન બદલાઈ જાય.’ આ
સાંભળીને લાલસિંગ હસી પડ્યો, ‘શફકના પ્રેમમાં નહીં તો ડરથી, એની જિંદગીનો ફેંસલો એણે જ કરવાનો છે.’ મંગલે
કહ્યું, ‘ધંધો છોડશે કે જિંદગી…’
‘ને અત્યાર સુધી જે કર્યું એનું શું?’ અંજુમે ચીડાઈને પૂછ્યું, ‘અમે અહીંયા તારી મુન્સફી અને તારી મરજી
પ્રમાણે નહીં ચાલીએ. હું તને મદદ કરતો હતો કારણ કે…’
‘તું ત્રણેયને મારવા આવ્યો હતો. હવે શફકને કારણે શિવને છોડીદે ને અમારે એ તમાશામાં તાળી પાડવાની?’
લાલસિંગ પણ ચીડાયો.
‘પણ, ભાઈજાન બદલાયા એવી રીતે કદાચ શિવ પણ.’ શૌકતે પોતાના હીરોની વકીલાત કરવાનો પ્રયત્ન કર્યો.
‘ચૂપ રહે તુ.’ અંજુમે કહ્યું, ‘ત્રણેય મરશે.’
‘હા.’ મંગલે કહ્યું, ‘મને ખબર છે.’
‘તો શું કામ ખોટું વચન આપી આવ્યો?’ લાલસિંગે પૂછ્યું.
‘વચન સાચું જ છે.’ મંગલે કહ્યું, ‘પણ, શિવ નહીં માને એની મને ખાતરી છે. પોતાનું મોત એ જાતે જ
માગશે.’
‘મને પણ એવું જ લાગે છે.’ અંજુમે કહ્યું.
માઈકલે અચાનક કહ્યું, ‘શિવના ફોન પર શફકનો કોલ છે.’ એણે કાન પર હેડફોન પહેર્યા, ‘શિવને એણે પોતાના
ઘેર બોલાવ્યો છે.’
‘નહીં જાય.’ અંજુમે કહ્યું, પણ તરત જ માઈકલે કહ્યું, ‘શિવનો ફોન મૂવ થાય છે. એ ઘરની બહાર નીકળ્યો છે.’
શૌકત ટેબલ ટેનિસની રમત જોતો હોય એમ બંને સામે જોઈ રહ્યો.
શિવ બહાર નીકળ્યો એટલે સાંઈ ઘરમાં એકલો હશે એ વાત સમજીને લાલસિંગ, અંજુમ અને મંગલે સાથે
મળીને સાંઈને ઘરની બહાર કાઢવાનો પ્લાન બનાવ્યો. અંજુમે પોતાના સેલફોન પરથી સાંઈને ફોન લગાવ્યો.
‘કોણ?’ સાંઈએ પોતાના સેલફોન પર અજાણ્યો નંબર જોઈને ફોન ઉપાડ્યો.
‘અંજુમ છું.’
‘આટલી રાત્રે?’ સાંઈએ પૂછ્યું, ‘ખેરિયત?’
‘તમારો ભાઈ પણ રાત્રે જ બહાર ગયો ને? એને ના પૂછ્યું, એ ક્યાં ગયો છે?’ અંજુમે પત્તું ફેંક્યું.

‘તને…’ સાંઈ થોડો ડર્યો, એના અવાજમાં શંકા હતી, ‘તને કેવી રીતે ખબર?’
‘કારણ કે, એણે ઓમભાઈનું અપહરણ કરાવ્યું છે. એમને પૂરી રાખ્યા છે. પ્રોપર્ટીના પેપર્સ પર સહી નહીં કરે
ત્યાં સુધી છોડશે નહીં એ હરામખોર.’ અંજુમે કહ્યું.
‘તું… તું કેવી રીતે જાણે છે?’ સાંઈને આ જ વાતની શંકા હતી, પણ અંજુમની વાતમાં હજી પૂરો ભરોસો
નહોતો, ‘તને કોણે કહ્યું?’
‘કહે કોણ?’ અંજુમે બાજી પલટી, ‘એના માણસોમાંથી એક મારો દોસ્ત છે. હમણા જ દારૂ પીને બોલી ગયો,
હું તમારો જૂનો વફાદાર છું એટલે મને થયું તમને કહેવું જોઈએ.’ અંજુમે બરાબર રમત માંડી, ‘ઓમભાઈને કઈ થઈ
જાય એ પહેલાં તમે એમને બચાવી લો.’
‘પણ, ક્યાં શોધું?’ સાંઈ ઉશ્કેરાઈ ગયો, પણ અસહાય હતો.
‘હું કહું તમને…’ કહીને અંજુમે એને પુલાઉ ઈન્ડાહ ડમ્પિંગ યાર્ડનું લોકેશન સમજાવવા માંડ્યું. સાંઈ ધ્યાનથી
સાંભળતો રહ્યો, ‘હું સાથે આવું?’ અંજુમે પૂછ્યું.
‘આવીશ?’ સાંઈ ડરપોક અને ભીરૂ હતો. ઓમને કારણે લોકો ઉપર દાદાગીરી કરી શકતો, પણ એનામાં શિવ
જેવી હિંમત કે પરિસ્થિતિનો સામનો કરવાની આવડત નહોતી.
‘જરૂર આવીશ. તમારું નમક ખાધું છે. ઓમભાઈને બચાવવા તો હું મારી જાન પણ આપી દઈશ.’ અંજુમે
બરાબર ભરડામાં લીધો, ‘ચાલો, કેટલીવારમાં નીકળીએ?’
‘અત્યારે?’ સાંઈ થોડો નશામાં હતો ને થોડો ડરેલો પણ. અત્યારે શિવ ત્યાં મળી જાય તો એની સાથે લડવાના
વિચારથી જ સાંઈ ધ્રૂજી ગયો.
‘શિવભાઈ અત્યારે જ ત્યાં ગયા છે. એ સહી કરાવી લેશે તો?’
‘તો?’ સાંઈએ પૂછ્યું.
‘એ જ ને… અને કદાચ ઓમભાઈ ના માને અને શિવ એને…’ અંજુમે એને પૂરેપૂરો તૈયાર કરી દીધો, ‘તમે
એમને બચાવશો તો બધું તમારા નામે કરી દેશે. આમ પણ સગાં ભાઈ તો તમે જ છો ને?’
‘હા હા…’ સાંઈએ કહ્યું, ‘ચલો.’ એ લથડિયા ખાતો ઊભો થયો. એણે માંડ પોતાની રિવોલ્વર શોધી ત્યાં ફોન
હાથમાંથી પડી ગયો. ફોન ઉપાડીને એણે અંજુમને કહ્યું, ‘તુ મને લઈ જા. મારાથી ગાડી નહીં ચલાવાય.’
અંજુમને આટલું જ જોઈતું હતું, ‘બસ, હું આવું જ છું.’ કહીને અંજુમે ફોન મૂક્યો.
ફોન ડિસકનેક્ટ થયા પછી બધાંએ ફરી ચર્ચા કરી. અંજુમ કયું વાહન લઈને જાય એ વિશે મતભેદ થયા. હવે
બીજી વખત ગાડી ઉઠાવવી યોગ્ય નહોતી, એટલે લાંબુ વિચારીને એવું નક્કી થયું કે મન્નુની ટેક્સી અંજુમને અસ્થાના
બંગલોઝની બહાર ઉતારી દે. પછી સાંઈની જ ગાડી લઈને અંજુમ એને લઈ જાય.
મન્નુ અને અંજુમ ‘લી યુંગ’થી નીકળીને તમન દુત્તા વિસ્તારમાં આવેલા અસ્થાના બંગલોઝ તરફ ગયા. એ પછી
થોડીવાર રહીને મંગલ, લાલસિંગ અને શૌકત લી યુંગથી નીકળીને પુલાઉ ઈન્ડાહના ડમ્પિંગ યાર્ડ તરફ નીકળવાના
હતા.


શિવ જ્યારે શફકના ઘરે પહોંચ્યો ત્યારે રાતનો છેલ્લો પહોર ચાલતો હતો. આખી રાત જાગેલી શફકની આંખો
સહેજ સૂજી ગઈ હતી. એ દરવાજો ખોલીને શિવને ભેટી પડી. શિવે થોડીવાર એની પીઠ પર સ્નેહથી હાથ ફેરવ્યો.
પછી એને પોતાનાથી થોડી દૂર કરીને પૂછ્યું, ‘શું વાત છે, જાન? શું વાત કરવી છે તારે?’
‘આપણે બંને અહીંથી ભાગી જઈએ.’ કોઈ નાનું બાળક જીદ કરે એવી રીતે શફકે કહ્યું, શિવ હસી પડ્યો, ‘હસ
નહીં. તારા પર જાનનું જોખમ છે.’
‘એ તો રોજ હોય છે.’ શિવે સહજતાથી કહ્યું, પછી આગળ વધીને એણે શફકને લપેટી લીધી. એની સાટીનની
નાઈટીની સુંવાળપ વધારે હતી કે એની ત્વચા વધુ લિસ્સી હતી એ નક્કી કરવામાં શિવની ભીતર રહેલો પુરુષ જાગી
ગયો. એણે શફકના ડ્રેસિંગ ગાઉનનો પટ્ટો છોડી નાખ્યો. ગાઉનની અંદર હાથ નાખીને એણે એની પાતળી કમરને એક
જ હાથથી પોતાની કમર સાથે જોડી દીધી, ‘ને જાન તો તું છે મારી. તારા પર જોખમ છે?’ શિવે કહ્યું, પણ શફકે
હળવો ધક્કો મારીને શિવને પોતાનાથી દૂર કર્યો. હવે શિવ કાબૂમાં રહે એમ નહોતો. એણે શફકને નજીક ખેંચી. એનો
ડ્રેસિંગ ગાઉન એક જ ઝાટકે કાઢી નાખ્યો. એના હાથ સુંવાળી નાઈટીની અંદર રહેલી સુંવાળી ત્વચા સુધી પહોંચી
ચૂક્યા હતા.

શફક સહેજ પણ પીગળી નહીં. એણે શિવને ફરીથી પોતાનાથી દૂર કર્યો, ‘તું સમજતો કેમ નથી. હું તને ખોવા
નથી માગતી. છોડ આ બધું અને આપણે અહીંથી જતા રહીએ.’
‘આ બધું?’ શિવનો અવાજ બદલાઈ ગયો ને ચહેરો પણ, ‘આ બધું એટલે શું?’
‘જે કંઈ તું કરે છે તે બધું. ઔરતોની લે-વેચ, ડ્રગ ડિલીંગ… અને…’ શફક આગળ બોલે તે પહેલાં શિવની
આંખો જોઈને એ ચૂપ થઈ ગઈ. ક્ષણભર પહેલાં એનામાં સમાઈ જવા બેચેન થઈ ગયેલો એક પ્રેમીના ચહેરા પર હવે
કોઈ રાક્ષસનો, હેવાનનો ચહેરો ચિપકી ગયો હોય એમ શિવની આંખો લાલ થઈ ગઈ હતી. નાકના ફણાં ફૂલી ગયા
હતા. ગળાની અને લમણાની નસો ઉપસી આવી હતી.
‘એ બધા સાથે તારે કોઈ નિસ્બત નથી. મને કંટ્રોલ કરવાની કોશિશ નહીં કર.’ શિવનો અવાજ પણ માર્દવ
ખોઈ ચૂક્યો હતો, ‘આ બધું ઊભું કરવામાં લોહી રેડ્યું છે. ઓમભાઈ નહીં રહે ત્યારે આ સામ્રાજ્ય મારું છે. અબજો
રૂપિયા અને આ પાવર… બધું છોડી દઉ?’ એણે પૂછ્યું. પછી કોઈ વિક્ષિપ્તની જેમ હસ્યો અને કહ્યું, ‘તારે માટે? ભાગી
જાઉ તારી સાથે? ક્યાં?’
‘આઈ લવ યૂ.’ શફકે નજીક જઈને પોતાના બંને હાથ ઊંચા કરીને લગભગ એક વ્હેતથી વધુ ઊંચા શિવનો
ચહેરો પોતાની હથેળીમાં લીધો, ‘હું તારી સાથે જીવવા માગું છું.’
‘હા તો જીવ ને…’ શિવે એના હાથ ખસેડી નાખ્યા, ‘મારા ધંધામાં માથું નહીં મારવાનું. હું તને સાંઈથી
બચાવીશ. મારા ઘરમાં રાખીશ, ઈજ્જત આપીશ, પ્રેમ કરીશ, તારી બધી ઈચ્છા પૂરી કરીશ, પણ શરત એક જ,
ઓકાતમાં રહેવાનું.’ એ ઉંધો ફરી ગયો, ‘હું મારી ઔરતને પગની જુત્તી નથી સમજતો, પણ માથે બેસે તો કોડીની કરી
નાખતાં આવડે છે મને.’
‘એ… એ મારી નાખશે તને.’ શફકથી રહેવાયું નહીં.
‘કોણ મારી નાખશે?’ શિવે પૂછ્યું.
‘એણે ઓમભાઈને મારી નાખ્યા છે.’ શફકે કહ્યું.
‘હેં?’ શિવ નજીક ધસી આવ્યો. એણે શફકને ખભેથી પકડીને લગભગ હચમચાવી નાખી, ‘શું બોલે છે? કોણે
મારી નાખ્યા? તને કોણે કહ્યું?’ શફક રડવા લાગી, પણ શિવ તો એને પૂછતો જ રહ્યો, ‘ક્યાં છે ઓમભાઈ? શું બોલે છે
તું?’
‘એ તને પણ નહીં છોડે.’ શફક ડૂસકાં ભરી રહી હતી, ‘આપણે ભાગી જઈએ… હું તને ખોવા નથી માગતી…
એ બધાને મારી નાખશે… એણે ઓમભાઈને…’ કોઈ પાગલની જેમ એકસરખું રડતાં રડતાં બોલી રહેલી શફકના ગાલ
પર એક તમાચો પડ્યો. એ બેભાન જેવી અવસ્થામાંથી સાનમાં આવી ગઈ. એણે ગાલ પંપાળવા માંડ્યો. ગઈકાલ
સુધી જે માણસ એનો પડ્યો બોલ ઝીલતો હતો એણે આજે થપ્પડ મારી દીધી એ વાત હજી શફકને માન્યામાં નહોતી
આવતી.
‘કહે મને.’ શિવનો ચહેરો તમતમી ગયો હતો. શફકને તમાચો માર્યાનું કોઈ ગિલ્ટ એના ચહેરા પર નહોતું, ‘કોણ
છે એ? શું જાણે છે તું?’
‘એ… એ…’ શફક અચકાઈ, પણ શિવે એનું જડબું પોતાના અંગૂઠા અને આંગળીઓ વચ્ચે પકડી લીધું. એની
આંખોમાં જે હેવાનિયત હતી એ જોઈને શફક સાચે જ ડરી ગઈ. એને મંગલસિંઘની વાત યાદ આવી ગઈ, એણે કહ્યું
હતું કે, શિવ જે દેખાય છે તે નથી. અત્યારે શિવનું સાચું રૂપ જોઈને શફકને સમજાયું કે, સાંઈ અને શિવ વચ્ચે ઝાઝો ફેર
નથી.
‘બોલ…’ શિવે એનું જડબું દબાવ્યું. શફકથી પીડા સહન ન થઈ. એની આંખમાંથી આંસુ વહેતાં રહ્યાં, પણ
શિવ એનું જડબું દબાવીને એને પૂછતો રહ્યો, ‘બોલ કેવી રીતે જાણે છે તું અને શું જાણે છે?’

‘એ મંગલસિંઘ છે.’ શફક પાસે કહી દીધા સિવાય બીજો કોઈ ઉપાય જ નહોતો. ‘દિલબાગસિંઘનો દીકરો, એ
મલેશિયા આવી ગયો છે અને એણે ઓમભાઈને મારી નાખ્યા છે.’
શિવ એક ક્ષણ માટે હતપ્રભ થઈ ગયો, પછી એણે શફકને પૂછ્યું, ‘તને કેવી રીતે ખબર? તું મળે છે એને?
બોયફ્રેન્ડ હતો ને તારો?’
‘એ આવ્યો હતો અહીંયા…’ શફક પોતાની વાત પૂરી કરે એ પહેલાં એના ગાલ પર બીજો તમાચો પડ્યો.
‘સાલી રાં…’ શિવ પોતાની જાત પર કાબૂ ખોઈ બેઠો, ‘એક બાજુ મારા ભાઈને સૂવડાવે છે, બીજી બાજુ મને
નચાવે છે અને ત્રીજો તારા બોયફ્રેન્ડને બોલાવે છે? બજારુ બાઈને સારી કહેવડાવે એવી છે તું…’ શફક આશ્ચર્યથી
એની સામે જોઈ રહી. આ એ જ માણસ હતો જેની સાથે જીવવાના સપનાં જોતી હતી એ! એનામાં અચાનક કંઈ
તૂટ્યું, ચૂરચૂર થઈ ગયું, એનો બધો ડર, ચિંતા અને શિવ માટેની લાગણી જાણે એક જ ક્ષણમાં શૂન્ય થઈ ગયાં. એણે
આંસુ લૂછી નાખ્યાં.
‘એના બાપનો બદલો લેવા આવ્યો છે એ.’ એના અવાજમાં આવેલા બદલાવથી શિવ પણ એક ક્ષણ માટે
ડઘાયો, ‘નહીં છોડે તને.’ શફકે કહ્યું, ‘તારે બચવું હોય તો એક જ રસ્તો છે. મલેશિયાથી નીકળી જા. તું યુરોપના કોઈ
એવા દેશમાં જઈને સંતાઈ જા, જ્યાં મંગલ તને શોધી ન શકે.’ શિવે નોંધ્યું કે, અત્યાર સુધી ‘આપણે’ અને ‘જઈએ’
કહેતી શફક હવે ‘તું’ અને ‘જા’ પર આવી ગઈ હતી. એ હસી, ‘જોકે મંગલ નક્કી કરશે તો તને ગમે ત્યાં શોધી કાઢશે.’
શિવે એના ચહેરા પર ત્રીજો તમાચો જડી દીધો, આ વખતે શફક ડરી નહીં કે રડી પણ નહીં. એણે આગળ વધીને
શિવની આંખોમાં આંખો પરોવી અને કહી નાખ્યું, ‘એણે ઓમને મારી નાખ્યો છે. વિચારી લે! જે ઓમ અસ્થાનાને
આટલી સિક્યોરીટી તોડીને મારી નાખે એને માટે તારી શું ઓકાત છે?’
શિવ થોડીવાર વિચારતો રહ્યો, પછી એણે સાંઈને ફોન લગાવ્યો.
‘સાલા હરામખોર… નમકહરામ.’ સાંઈએ ફોન ઉપાડતા જ ગાળો બોલવા માંડી. એની બાજુમાં બેઠેલો
અંજુમ સમજી ગયો કે, આ શિવનો ફોન છે. અંજુમ ગાડી ચલાવી રહ્યો હતો. દારૂના નશામાં ધૂત સાંઈ એની બાજુમાં
બેસીને શિવને ગાળો બકતો રહ્યો, ‘ભાઈએ તારા માટે શું નથી કર્યું? ને તેં એનું અપહરણ કર્યું? ક્યાં પૂર્યો છે મારા
ભાઈને બોલ સાલા?’
‘તમે ક્યાં છો?’ શિવે પૂછ્યું. એ સમજી ગયો કે સાંઈ સખત પીધેલો છે.
‘જ્યા હોઉ ત્યાં… મારા ભાઈને છોડાવવા જાઉ છું.’ સાંઈએ કહ્યું, ‘તું ક્યાં છે એ બોલ…’
‘સાંભળો…’ શિવ નક્કી ન કરી શક્યો કે, સાંઈને સત્ય કહેવું કે નહીં, પણ પછી એણે કહી જ નાખ્યું,
‘ઓમભાઈનું ખૂન થઈ ગયું છે.’
આટલું સાંભળતાં જ સાંઈ ગંદી ગાળો બોલવા માંડ્યો… રડવા માંડ્યો… એણે શિવની વાત સાંભળવાની
દરકાર સુધ્ધાં ન કરી. સાંઈની ગાડી પુલાઉ ઈન્ડાહના ડમ્પિંગ યાર્ડથી સો મીટર જ દૂર હતી, ને સાંઈ પોતાના મોતથી
એટલો જ દૂર હતો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *