પ્રકરણ – 60 | આઈનામાં જનમટીપ

‘એને કોઈપણ રીતે એના ઘરની બહાર કાઢ.’ મંગલસિંઘ કહી રહ્યો હતો.
‘પણ હું… કેવી રીતે?’ શફક માટે તો એક બાજુ તો કૂવો અને એક બાજુ ખાઈ હતી. એક તરફથી શિવ એને
પોતે કહેલું બયાન આપવા મજબૂર કરી રહ્યો હતો ને બીજી તરફ મંગલસિંઘ એને આગ્રહ કરી રહ્યો હતો કે, એ શિવને
એના સુરક્ષિત કિલ્લામાંથી ગમે તેમ કરીને બહાર કાઢે. મંગલ જાણતો હતો કે, શિવના કિલ્લામાં દાખલ થઈને એને
મારવો લગભગ અસંભવ હતો. શિવ પણ આ વાત જાણતો હતો એટલે પોતાના માથે જીવનું જોખમ છે એ બહાના
હેઠળ એ પોતે પણ દોઢ દિવસથી ઘરની બહાર નહોતો નીકળ્યો.
પોલીસ ફરિયાદ કર્યા પછી એક દિવસ, એક રાત અને બીજો અડધો દિવસ વિતી ગયો હતો. હવે મંગલસિંઘ
અકળાયો હતો. એને બને એટલી ત્વરાથી ઈન્ડિયા પાછા જવું હતું. અંતે, એણે આવતીકાલ સવારની મુંબઈની ટિકિટ
કરાવી લીધી હતી. શૌકત અને લાલસિંગની ટિકિટો પણ ક્વાલાલમ્પુરના આસપાસ આવેલા નજીકના એરપોર્ટ્સથી
આવતીકાલ માટે બુક થઈ ચૂકી હતી. અંજુમ પણ પોતાની રીતે નકલી પાસપોર્ટ મેનેજ કરીને એક-બે દિવસમાં ઈન્ડિયા
આવી જવાનો હતો. મન્નુ અને માઈકલને માથે કોઈ ખતરો નહોતો, એટલે એ લોકો મંગલના નીકળતાં જ પોતાની
નોર્મલ જિંદગી જીવવા લાગવાના હતા.
આવતીકાલે સવારે નીકળવું હોય ને આજે બપોરે દોઢ વાગ્યા સુધી જો શિવ પોતાના કિલ્લાની બહાર ન
નીકળે તો એને કઈ રીતે મારવો એ વાતે મંગલસિંઘ બેચેન થઈ ગયો હતો. એ નહોતો ઈચ્છતો કે, શફક આ બધા
લફડામાં પડે… કારણ કે, શફકે પોતાનું સ્ટેટમેન્ટ આપી દીધું હતું. એ સાંઈના ફ્લેટમાં રહેતી હતી એટલે એને ખાલી
કરીને પંદર દિવસમાં નીકળી જશે એવું એણે પોલીસને કહી દીધું હતું. સાંઈએ એને આપેલી નાની મોટી જ્વેલરી અને
એકાદ બે મોંઘી ગિફ્ટ્સ એને પોતાના સ્ટેટમેન્ટ્સની સાથે જમા કરાવીને પોતાની પ્રામાણિકતા પૂરવાર કરી દીધી હતી,
એટલે શફક આમ બંને તરફથી સુરક્ષિત હતી. શિવને પણ એનાથી કોઈ ખતરો કે ચિંતા નહોતી…
મંગલસિંઘ પાસે હવે અડધો જ દિવસ હતો અને કોઈપણ રીતે શિવને બહાર કાઢવો હોય તો હવે એમની પાસે
શફક સિવાય કોઈ ઉપાય નહોતો, એટલે એણે ના છુટકે શફકને વિનંતી કરી.
‘પણ, હું કેવી રીતે?’ શફકે કહ્યું. એ પોતે પણ કોઈ નવા લફડામાં સંડોવાઈ જવાથી ડરતી હતી.
‘તારી પાસે સાંઈની જે ડાયરી છે. એ ડાયરીમાં કાચા-પાકા હિસાબો છે જે તને સમજાતા નથી. તું એ ડાયરી
ફેંકી દેવાની હતી પણ, હવે શિવને કહે કે એ ડાયરી તારી પાસે છે. સાંઈએ તને આ ડાયરી સાચવીને રાખવા આપી
હતી, એ વાત હવે શિવને કહેવી પડશે.’ મંગલે કહ્યું, ‘એ ડાયરી મેળવવા માટે તને મળવા તૈયાર થઈ જશે.’
‘પણ, એ મારી વાત શું કામ માને?’ શફકે પૂછ્યું.
‘તારે મનાવવો પડશે.’ મંગલે કહ્યું, ‘એને કહે કે, સાંઈ શિવથી ડરતો હતો, એને શિવ પર વિશ્વાસ નહોતો અને
એટલે જ એણે આ કાચા હિસાબો તને સોંપ્યા હતા.’
‘એ નહીં માને. બહુ પાક્કો અને લુચ્ચો છે.’ શફક ખૂબ ડરતી હતી.
‘માની જશે…’ સાંઈને એના પર શંકા હતી એ વાત એને ખબર છે. ઓમની નજરથી છુપાવીને સાંઈ પૈસામાં
ગફલત કરતો હતો એ વાતની પણ એને ખબર છે, એટલે એ પૈસા સાંઈએ ક્યાંક સંતાડ્યા હોય એ વાત માનવામાં એને
બહુ વાંધો નહીં આવે અને સંતાડવાની ઉત્તમ જગ્યા તું છે, એ પણ ગળે ઉતરે એવી વાત છે.
‘પછી?’ શફકે શંકા અને ગભરાટથી પૂછ્યું.
‘પછી શું… એને ક્યાંક બોલાવી લે. ડાયરી આપવાના બહાને.’
‘ને તું એને મારી નાખે…’ શફકે કહ્યું.

‘હંમમ…’ મંગલને આમાં કંઈ છુપાવવા જેવું ન લાગ્યું, ‘એને નાઈટ માર્કેટમાં બોલાવ.’ થોડું વિચારીને એણે
કહ્યું. નાઈટ માર્કેટમાં શિવને મારી નાખ્યા પછી સીધી સવારની ફ્લાઈટ પકડીને મુંબઈ નીકળી જવા જેટલું સરળ
બીજું કશું જ નહીં હોય એવું એને લાગ્યું.
‘હું ટ્રાય કરું છું, વચન નથી આપતી…’ શફકે કહ્યું, ‘મારાથી નહીં થઈ શકે તો તું મને હેરાન નહીં કરે, રાઈટ.’
‘હા! નહીં કરું.’ મંગલે એને આશ્વાસન આપીને ફોન મૂકી દીધો.
એ બેચેનીમાં શફકના ઉત્તરની પ્રતીક્ષા કરતો રહ્યો. લગભગ અડધો કલાક પછી શફકનો ફોન આવ્યો. એણે
ડરતાં ડરતાં કહ્યું, ‘એ બહાર નીકળવા તૈયાર નથી. મને ત્યાં બોલાવે છે.’ પછી ઉમેર્યું, ‘મેં કહ્યું હતું તને એ નહીં માને. હું
એકવાર અંદર જઈશ તો બહાર નહીં નીકળી શકું. તેં મને ફસાવી દીધી. હવે ડાયરી આપવા જવું જ પડશે…’ એણે
ઉશ્કેરાઈને ગુસ્સેથી પૂછ્યું, શફકને ડૂમો ભરાઈ ગયો, ‘એના બંગલાની અંદર ગયા પછી ડાયરી લઈને એ મને મારી
નાખશે.’
‘કશું નહીં થાય.’ મંગલે કહ્યું, ‘હું આવીશ તારી સાથે.’
‘તો પતી જ ગયું… આપણે બેઉ જીવતાં બહાર નહીં નીકળીએ.’ શફક રડવા લાગી.
‘આઈ પ્રોમિસ, તને કોઈ તકલીફ નહીં પડે.’ મંગલે કહ્યું, ‘મારો જીવ જશે તો પણ તને બહાર કાઢીશ.’ કહીને
થોડું વિચાર્યું પછી એણે ઉમેર્યું, ‘શિવને ત્યાં સારી એવી કેશ અને ગોલ્ડ અથવા ડાયમંડ હશે. તું…’
‘નથી જોઈતું મારે કશું.’ શફક ચીડાઈ ગઈ. એણે રડતાં રડતાં, ગુસ્સે થઈને કહ્યું, ‘તું મારો પીછો છોડી દે. હું
તને અંદર નહીં લઈ જઈ શકું.’
‘હું તને હાથ જોડું છું.’ મંગલસિંઘ પાસેથી આવા વાક્યની શફકને અપેક્ષા નહોતી. એ સહેજ અચકાઈ ગઈ,
‘મારી પાસે કાલ સવાર સુધીનો સમય છે. મારે પાછા જવું છે… શ્યામા પાસે.’ મંગલસિંઘનું ગળું ભરાઈ આવ્યું, ‘શિવનું
આ ભયાનક ગંદુ સામ્રાજ્ય ખતમ કર્યા વગર નહીં જઈ શકું હું.’
‘તું શું માને છે? એક શિવ, સાંઈ કે ઓમ મરશે એનાથી આ ધંધો, આ ગંદકી અને સ્ત્રીઓના શરીરનું ખરીદ-
વેચાણ બંધ થઈ જશે?’ શફક હસી… મંગલસિંઘને હજી ગઈકાલે જ જોયેલો શ્યામાનો ચહેરો ફરી નજર સામે ઉપસી
આવ્યો, ‘આવા કેટલાય શિવ અને ઓમ ઊભા થતા રહેશે, મંગલ… આ ધંધો, સ્ત્રીઓનું ખરીદ-વેચાણ અને સ્ત્રીઓ
પર અત્યાચાર સદીઓથી થતા રહ્યા છે. કોઈ એક મંગલ આવીને એને અટકાવી નહીં શકે.’ શફકના અવાજમાં કડવાશ
હતી. સહેજ અટકીને એણે ઉમેર્યું, ‘શું કામ તારો જીવ જોખમમાં નાખે છે? પાછો જા… સહી સલામત તારી શ્યામા
પાસે પહોંચી જા.’ શફકથી કહેવાઈ ગયું.
‘શિવને માર્યા વગર જઈશ તો આખી જિંદગી તરફડીશ. હું ચેનથી મરી નહીં શકું, શફક.’ મંગલે કહ્યું, ‘પ્લીઝ
મારી મદદ કર… છેલ્લી વાર.’ મંગલના અવાજમાં રહેલી આજીજી સાંભળીને શફક પીગળી ગઈ.
એ થોડીવાર ચૂપ રહી, પછી એણે કહ્યું, ‘ઓકે.’ સહેજ અટકીને એણે ઉમેર્યું, ‘આમ તો મેં એને હા જ પાડી
હતી. મને ખબર જ હતી કે, તું મારી સાથે ત્યાં આવીશ. શિવની ગાડી મને લેવા આવે છે. હવે વિચારી લે કે તું કેવી
રીતે આવીશ? અંદર કેવી રીતે દાખલ થઈશ? એના બંગલાની કમ્પાઉન્ડ વોલથી શરૂ કરીને એના બાથરૂમ સુધી હજારો
સીસીટીવી કેમેરાઝ લાગેલા છે. તું બચી નહીં શકે એની નજરથી.’
‘એની ગાડી, એનો વોચમેન નહીં તપાસે…’ મંગલના ચહેરા પર સ્મિત આવી ગયું.
‘એટલે?’ શફક ચોંકી ગઈ.
‘હું એની જ ગાડીમાં આવીશ. તારી સાથે.’ મંગલે કહ્યું. શફક પાસે કોઈ જવાબ નહોતો… પણ, એ સાચે જ
ડરી ગઈ હતી, ‘તું ડર નહીં.’ એની લાગણી સમજી ગયો હોય એમ મંગલે કહ્યું, ‘આપણે બહાર નીકળીશું ત્યારે એ
જીવતો નહીં હોય.’ એણે ફોન મૂકી દીધો, ‘લાલસિંગ…’ એણે બૂમ પાડી. લાલસિંગ બહાર આવ્યો. લગભગ બપોરના
અઢી વાગ્યા હતા. આવતીકાલે જવાની ટિકિટો બુક હતી અને હજી સુધી શિવ સુધી પહોંચવાનો કોઈ પ્લાન નહોતો
એટલે બધા જ વ્યગ્ર હતા, પરંતુ બહાર આવતાં જ મંગલના ચહેરા પર સ્મિત જોઈને લાલસિંગ સમજી ગયો કે, કંઈક
ગોઠવાઈ ચૂક્યું છે.
એણે ભમ્મર ઉલાળીને પૂછ્યું, ‘કહા મિલ રહા હૈ વો?’

‘મૈં જા રહા હૂં ઉસકે ઘર.’
આટલું સાંભળતાં જ લાલસિંગની ભમ્મરો તણાઈ ગઈ. એણે બૂમ પાડીને અંજુમ અને શૌકતને બહાર
બોલાવ્યા, ‘યે બેવકૂફ શિવ કે ઘરમેં ઘૂસને કિ સોચ રહા હૈ. સમજાઓ ઈસ કો… મેં નહીં જાને દૂંગા ખુદકુશી કરને કે
લિયે.’
‘તું કંઈ પણ કહે, હું જવાનો છું. શિવને મારીને કાલે સવારની ફ્લાઈટ પકડીશ એ નક્કી છે…’ મંગલે કહ્યું. એ
પોતાની રિવોલ્વરમાં મેગેઝિન અને બીજી વસ્તુઓ ચેક કરી રહ્યો હતો. એણે એક નાનકડી સાઈડ સ્ટ્રીપ્સવાળું પર્સ
ક્રોસમાં લટકાવ્યું. એમાં વધારાના મેગેઝિન્સ અને બીજી વસ્તુઓ ભરી લીધી. મંગલસિંઘે ત્યાં ઉભેલા બાકીના ત્રણ
જણ સામે જોયું, ‘હું જાઉ છું… મુંબઈ મળીશ.’ હતપ્રભ થઈ ગયેલા બાકીના ત્રણ જણાં કશું બોલે કે એને રોકે એ
પહેલા મંગલસિંઘ દરવાજો ખોલીને બહાર નીકળવા લાગ્યો. જતાં જતાં એણે અટકીને સ્મિત સાથે ઉમેર્યું, ‘તમે બધા
ટાઈમસર નીકળી જજો… નહીં તો ફ્લાઈટ ચૂકી જશો!’ એ દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. અંજુમ એની
પાછળ દોડ્યો પણ ત્યાં સુધીમાં એ દાદરા ઉતરી ચૂક્યો હતો.


શફકના ટાવરની સામે આવીને જ્યારે ગાડી અટકી ત્યારે શફકની સૂચના મુજબ વોચમેને એને બેઝમેન્ટમાં
મોકલી આપ્યો. બેઝમેન્ટમાં ગાડી પાર્ક કરીને ડ્રાઈવરને ઉપર, 32મા માળે આવવાની સૂચના આપી એટલે ‘વન ટાઈમ
યુઝ’નું કાર્ડ લઈને ડ્રાઈવર શફકને ઘેર, 3201 ફ્લેટમાં ગયો. એ ફ્લેટમાં ગયો એ દરમિયાન મંગલસિંઘ પાછલી સીટ
અને ડ્રાઈવર સીટની વચ્ચેના ભાગમાં બ્લેન્કેટ ઓઢીને એવી રીતે સૂઈ ગયો કે, એ માત્ર શફકને જ દેખાય.
ડ્રાઈવર નીચે આવ્યો. એણે શફકે આપેલો એક થેલો ગાડીની ડેકીમાં મૂક્યો. જોરથી ડેકી બંધ કરી. ગાડી લઈને
ઉપર, બિલ્ડિંગના એન્ટ્રસ પાસે આવ્યો. શફક ગાડીમાં બેઠી ત્યારે એણે મંગલસિંઘને સૂતેલો જોયો. મંગલે પોતાના
માથા ઉપર બ્લેન્કેટ ઓઢીને શફકને પોતાના શરીર પર પગ મૂકવાનો ઈશારો કર્યો. શફકે ડરતાં ડરતાં સંકોચ સાથે
મંગલના શરીર ઉપર પગ મૂક્યો. મંગલે હાથ બહાર કાઢીને એનો પગ ખેંચ્યો, એને આરામથી આત્મવિશ્વાસ સાથે
બેસવાનો ઈશારો કર્યો. શફક પ્રયત્નપૂર્વક કમ્ફર્ટેબલ બેસવા માટે પગ આગળ પાછળ કરતી રહી…
તમનદુત્તા વિસ્તારમાં આવેલા એ ત્રણ બંગલાના કિલ્લા જેવા કમ્પાઉન્ડના ગેટ પાસે જ્યારે શિવની ગાડી
આવીને ઊભી રહી ત્યારે શફકને લાગ્યું કે, એનું હૃદય શરીરમાંથી ઉછળીને બહાર નીકળી જશે. કપાળ પર અને ચહેરા
પર વળેલો પરસેવો એણે ટીશ્યૂ દબાવીને લૂછ્યો. ચોકીદારના કહ્યા વગર જ એણે ગાડીનો કાચ ખોલી નાખ્યો. ચોકીદારે
ગાડીની અંદર એક અછડતી નજર કરી. અંદર કોઈ નહોતું. એણે ડેકી ખોલી, અંદર પડેલા થેલાને વોચમેન અડવા ગયો
એ પહેલાં શફકે માથું ગાડીની બહાર કાઢીને કહ્યું, ‘શિવનું છે… પર્સનલ.’ દઝાયો હોય એમ વોચમેને હાથ પાછો લઈ
લીધો. એણે ડેકી બંધ કરીને ઉપર હાથ માર્યો, ‘થેન્ક યૂ.’ શફકે પોતાના મોહક સ્મિત સાથે ગાડીનો કાચ બંધ કર્યો ત્યારે
એને જોરથી ઉલ્ટી થવાની ફીલિંગ થઈ. ઊંડા શ્વાસ લઈને એણે પોતાની જાતને માંડ માંડ કંટ્રોલ કરી.
ગાડી શિવના બંગલા પાસે આવીને ઊભી રહી, શફક ગાડીમાંથી ઉતરી. એણે પૂરા આત્મવિશ્વાસ સાથે
ડ્રાઈવરને કહ્યું, ‘બેગ અંદર લે કે આના.’ ડ્રાઈવરે ડોકું ધૂણાવ્યું. શફકે મુખ્ય દરવાજા પાસે જઈને બેલ માર્યો. મુલતાને
દરવાજો ખોલ્યો. એને પહેલેથી જ સૂચના મળી ચૂકી હતી એટલે કશું જ બોલ્યા વગર એ દરવાજાની વચ્ચેથી ખસીને
આડો ઊભો રહી ગયો. શફક દાખલ થઈ ત્યારે એણે પોલો રાલ્ફ લોરેઈનનો ડ્રેસિંગ ગાઉન પહેરીને નીચે ઉતરતાં શિવને
જોયો.
શફક માટે હવે આ પરીક્ષાની ઘડી હતી. મંગલસિંઘે એને જે શીખવ્યું હતું એ પ્રમાણે વર્તવાનો એણે પૂરો
પ્રયાસ કર્યો. પોતાનામાં હતી એટલી તાકાત ભેગી કરીને સ્મિત કર્યું અને કહ્યું, ‘હું તને ફોન નહોતી જ કરવાની. તેં પણ
ના પાડેલી ને? પણ, મને લાગ્યું આ ડાયરી કદાચ, તારા કામમાં આવે.’ એણે પોતાના મોંઘા, લુઈ વિત્તોંના પર્સમાંથી
કાઢીને ભૂરા રંગની ડાયરી શિવ તરફ લંબાવી. નીચે આવીને શિવે એ ડાયરી પોતાના હાથમાં લીધી. એના પાનાં ફેરવ્યાં.
આડા અવળા આંકડાઓ લખેલા હતા. પાનાં ફેરવતાં શિવના ચહેરા પર સ્મિત આવી ગયું. ઓમનો ખજાનો એના હાથ
લાગ્યો હતો, ને સાથે સાંઈના બિનહિસાબી કરોડો રૂપિયા પણ હવે એના જ હતા. ભગવાન મહેરબાન હતો એના પર!

‘માંગ!’ શિવે નજીક આવીને શફકના સુંવાળા ચહેરા પર હાથ ફેરવ્યો, ‘હું અત્યારે લૂંટાવવાના મૂડમાં છું… અને
કંઈ પણ આપવા તૈયાર છું! આ ડાયરીના બદલામાં શું જોઈએ તને?’
‘તારું મોત…’ મંગલસિંઘ એ જ દાદરા પર ઊભો હતો જ્યાંથી શિવ નીચે આવ્યો હતો. બંગલાની પાછળ પાર્ક
કરવામાં આવેલી ગાડીમાંથી ઉતરતી વખતે શિવે માઈકલે ઈન્સ્ટોલ કરી આપેલા એપમાં જોયું કે, સીસીટીવી કેમેરા ક્યાં
ગેરહાજર છે! પાછળના દરવાજાઓમાં સીસીટીવી કેમેરા નથી એ બરાબર ચેક કરીને એ ગાડીમાંથી ઉતર્યો, પાઈપથી
ઉપર ચડ્યો. શિવના બેડરૂમની બાલ્કનીમાં ઉતરીને, બાલ્કનીમાંથી બેડરૂમમાં થઈને એ જ રસ્તે ડ્રોઈંગ રૂમમાં આવ્યો-
જ્યાંથી શિવ હજી હમણાં જ આવ્યો હતો.
‘તું?’ શિવ ડ્રેસિંગ ગાઉનમાં હતો. પોતાના ઘરમાં એ સલામત હતો માટે એની પાસે હથિયાર નહોતું. એ
પોતાના જ ઘરની સીડી પરથી, પોતાની સામે રિવોલ્વર તાકીને પોતાના તરફ આવી રહેલા મંગલસિંઘમાં પોતાનું મોત
જોઈ રહ્યો હતો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *