પ્રકરણ – 61 | આઈનામાં જનમટીપ

મુલતાનની વફાદારી ઓમ અસ્થાના સાથે જ હતી. શિવે જે કંઈ કહ્યું એ મુલતાને સાંભળી તો લીધું, પરંતુ
એના મનમાં ચણચણાટ થવા લાગી. આટલા વર્ષોથી આ ત્રણ ભાઈઓની સાથે રહીને મુલતાન પણ માણસો અને
પરિસ્થિતિઓને સૂંઘતા શીખી ગયો હતો.
શિવ સાથે વાત કરીને એ શિવના ઓરડામાંથી બહાર નીકળ્યો. એનું મગજ અનેક ઘડી ઝડપે ચાલવા લાગ્યું
હતું. જો ઓમ અસ્થાના અને સાંઈ અસ્થાના ગૂમ છે… એનો અર્થ છે કે શિવે એમને ઠેકાણે પાડી દીધા છે. ઓમ
અસ્થાનાનું મૃત્યુ થાય તો શિવ સૌથી પહેલાં શું કરે? મુલતાને વિચાર્યું, ‘શિવે અત્યાર સુધીમાં એની તિજોરી ખાલી કરી
જ લીધી હશે!’ મુલતાન સજાગ થઈ ગયો. શિવ ક્યાંય બહાર ગયો નહોતો, એટલે જો તિજોરી ખાલી કરી હોય તો
માલ ઘરમાં જ ક્યાંક હોવો જોઈએ એ વાત એના ધ્યાનમાં આવી. એકવાર પોલીસ ફરિયાદ કર્યા પછી તિજોરી ખાલી
કરે એટલો બેવકૂફ તો શિવ નહોતો જ, એ પણ મુલતાનને સમજાયું.
લાંબી માથાકૂટ કર્યા વગર શિવે બધો માલ ક્યાં છુપાવ્યો છે એ શોધી કાઢવા માટે મુલતાન ઉતાવળો થઈ ગયો.
આટલી બધી સંપત્તિ માટે બેગ્સ જોઈએ. શિવ એ બેગ્સ પોતાના રૂમમાં છુપાવી શકે… મુલતાને વિચાર્યું, પરંતુ તરત
જ એના મગજે દલીલ કરી, જો પોલીસ ઘરમાં આવે તો શિવ પોતાના રૂમમાં માલ છુપાવે એ તરત જ પકડાઈ જાય!
એણે બધી રીતે મગજ કસી જોયું. પછી એના ધ્યાનમાં આવ્યું કે, નીચે ગરાજના સ્ટોરમાં અનેક બેગ્સ એમ જ પડી છે.
કોઈ બહારગામ જવાનું હોય ત્યારે એ બેગ ઉપર લાવવામાં આવતી. સ્ટોરમાં પડેલી બેગ્સ ભાગ્યે જ કોઈ તપાસે, કે
ભાગ્યે જ કોઈનું એના તરફ ધ્યાન જાય… ‘કરેક્ટ!’ મુલતાને ચપટી વગાડી અને એ સ્ટોર તરફ ભાગ્યો.
સવારના અખબારોમાં ઓમ અસ્થાના અને સાંઈ અસ્થાનાના ગૂમ થયાના સમાચાર હેડલાઈન બનીને
ચમક્યા હતા. પ્લાન મુજબ મંગલસિંઘે ઓમ અસ્થાના મંદિરમાંથી ગૂમ થયા એની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ક્વાલાલમ્પુર પોલીસ પૂરી તાકાતથી ઓમ અસ્થાનાને શોધવામાં લાગી ગઈ હતી. જોકે, લગભગ બધા જ જાણતા
હતા કે, ઓમ અસ્થાના ઈન્ડસ્ટિયાલિસ્ટના મોહરા નીચે દાણચોર અને માફિયા છે, એટલે એના મૃત્યુના કારણમાં કોઈ
સાદું કિડનેપ કે રેન્સમની માગણી કરતાં વધારે ગેંગવોર અને બે ગ્રૂપના અથડામણની આશંકા હતી. થોડીવારમાં પોલીસ
શિવનું સ્ટેટમેન્ટ લેવા આવવાની હતી, પરંતુ એ પહેલાં મંગલસિંઘ એના ઘરમાં ઘૂસી ગયો હતો.
‘મારા ઘરમાં ઘૂસીને મને ધમકી આપવાની તારી હિંમતને દાદ દેવી પડશે.’ ડઘાયેલો અને આશ્ચર્યચકિત હોવા
છતાં શિવ મંગલસિંઘની આ હિંમતને બિરદાવ્યા વિના ન રહી શક્યો. એણે શફક તરફ જોયું, ‘ને તું?’ એ હસ્યો,
‘નાગણને પાળીને છાતી સરસી રાખો તો એ દિલમાં ડંખ માર્યા વિના રહે નહીં… તું લઈને આવી આને? મને મારવા?’
કહીને એ કોઈ વિક્ષિપ્ત-ગાંડા માણસની જેમ ખડખડાટ હસવા લાગ્યો, ‘મને ખબર હોવી જોઈતી હતી કે, જે માણસ
ઓમ અસ્થાનાને મારી શકે, સાંઈને ખતમ કરી શકે એ માણસ મને તો નહીં જ છોડે!’ એણે બે હાથ ઉંચા કર્યા. મંગલ
હજુ સીડી પર જ ઉભો હતો. કોઈપણ પ્રકારના ભય કે મોતના પડછાયામાં ઊભો હોવા છતાં સહેજ પણ ધ્રૂજ્યા વગર
શિવે કહ્યું, ‘હવે કોની રાહ જુએ છે? ચલાવ ગોળી!
મંગલ સીડી પરથી ઉતરીને નીચે આવ્યો. શિવની એકદમ નજીક આવીને એણે રિવોલ્વર એના ડ્રેસિંગ
ગાઉનમાંથી દેખાતી ખુલ્લી છાતી પર અડાડી દીધી. શિવના ચહેરા પર મોતનો ડર જરાક પણ નહોતો એ જોઈને
શફકને નવાઈ લાગી. એની આંખોમાં આશ્ચર્ય જોઈને શિવે કહ્યું, ‘શું જુએ છે? મને આવા મગતરાંથી ડર નથી
લાગતો.’ એ ફરી હસ્યો, ‘મને મારીને આ કમ્પાઉન્ડની બહાર નહીં જઈ શકે. ક્વાલાલમ્પુર કે મલેશિયા તો બહુ દૂરની
વાત છે.’ એણે હવે મંગલ સામે જોયું, ‘પાંચ સેકન્ડમાં મારો માણસ તને ખતમ કરી નાખશે.’ કહીને એણે જોરથી બૂમ પાડી,
‘મુલતાન…’ કોઈ જવાબ મળ્યો નહીં. શિવે ફરી બૂમ પાડી, ‘મુલતાન…’ બંગલામાં નિરવ શાંતિ હતી. આ વખતે
શિવના ચહેરા પર સહેજ બેચેની દેખાઈ, પણ એણે તરત જ પોતાની જાત પર સંયમ કેળવી લીધો, ‘મારા મોતની સાથે
એ પોતાની જિંદગીની આખરી ઘડી પણ લઈને જ આવ્યો છે.’

‘હું અહીં નહીં મરું.’ મંગલે કહ્યું, એની આંખોમાં કોઈ આશિકની ઘેલછા અને કોઈ સૂફી ફકીરની વિરક્તિ હતી,
‘મરીશ. જલદી જ મરીશ, પણ ત્યાં જઈને…’ શફકની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને
આવી રીતે ચાહી શકે એવું એણે માત્ર ફિલ્મોમાં જોયું હતું, વાર્તાઓમાં વાંચ્યું હતું. એની પોતાની ઝંખના હતી કે કોઈ
એને આવી રીતે દિલ ફાડીને પ્રેમ કરે.
એણે સ્નેહથી મંગલના ખભે હાથ મૂક્યો, ‘હું બહાર કાઢીશ તને. તારે જ્યાં પહોંચવું છે ત્યાં હું પહોંચાડીશ
તને.’ એ પછી એણે શિવની સામે જોયું, ‘મને તો પ્રેમ ન મળ્યો, પણ કોઈ બે જણાંનો પ્રેમ પૂરો થતો હોય એમાં
ચોક્કસ મદદ કરીશ, હું.’
મંગલ પાસે ગૂમાવવા માટે સમય નહોતો. એમને આ મકાનમાં દાખલ થયાને પાંચ મિનિટ ઉપર થઈ ગઈ
હતી. કોઈપણ માણસ ગમે ત્યારે પ્રવેશીને મંગલ ઉપર હુમલો કરી શકે એમ હતો. શિવે બૂમ પાડી તેમ છતાં કોઈ કેમ ન
આવ્યું એ વિચાર એકાદ ક્ષણ માટે મંગલના મગજમાં આવ્યો, પરંતુ ઝાઝું વિચારવાને બદલે હવે એને પોતાનું કામ
પતાવવાની ઉતાવળ હતી. એણે શિવની આંખોમાં જોયું, એક ક્ષણ માટે આંખ મીંચી-પિતાને યાદ કર્યા અને રિવોલ્વરનું
ટ્રિગર દબાવવા જતો હતો કે, શિવના ફોન પર રિંગ વાગી.
શિવે પોતાના ડ્રેસિંગ ગાઉનના ખીસ્સામાં પડેલો ફોન એવી રીતે ઉપાડ્યો જાણે કશું જ બન્યું ન હોય, ‘યસ,
ઈન્સ્પેક્ટર.’ એણે મલેશિયાની ભાષા મલાયમાં ઈન્સ્પેક્ટર સાથે વાત કરવા માંડી. શિવના હાવભાવ ઉપરથી મંગલ
સમજી શક્યો કે, ઓમ અસ્થાનાની લાશ મળી ગઈ છે. સાંઈની લાશ મળતાં બહુ વાર નહીં લાગે એ વાતનો એને
અંદેશો આવી ગયો. વધુ વિચાર્યા વગર એણે ટ્રિગર દબાવી દીધું. સાયલેન્સરવાળી રિવોલ્વરમાં ‘ફટ્’ એટલો જ અવાજ
થયો. રાલ્ફ લોરેઈલના ડ્રેસિંગ ગાઉન પર એક નાનકડું છેદ થયું અને એમાંથી લોહી વહેવા લાગ્યું.
મંગલે ફરી એકવાર ટ્રિગર દબાવ્યું અને ફરી એક અવાજ થયો, ‘ફટ્’. શિવ ઢગલો થઈને પડી ગયો. મંગલે
શફકનો હાથ પકડ્યો. એણે આમતેમ જોયું-સામે દેખાતા રસોડાના રસ્તે બહાર નીકળી જવું એને સૌથી સલામત
લાગ્યું. એ રસોડાના રસ્તે બહાર નીકળીને સ્ટોરમાં પ્રવેશ્યો ત્યારે મુલતાન જમીન પર બેઠો હતો. બે મોટી ઉઘાડી
બેગોમાં કરોડો-અબજોનું ઝવેરાત, પ્રોપર્ટીના કાગળિયા અને કેશ પડ્યા હતા. મંગલ એક ક્ષણ માટે રોકાયો. એના
હાથમાં રિવોલ્વર જોઈને મુલતાન ઉભો થઈ ગયો. એણે પોતાના બંને હાથ ઉંચા કરી દીધા, ‘મને કંઈ નહીં કરતા.
તમારે જે જોઈએ તે લઈ જાઓ.’ એણે કહ્યું.
મંગલે આમતેમ જોયું. ત્યાં પડેલી એક નાની હેન્ડકેરી બેગ ઉપાડી, એમાં જે અને જેટલું ભરાય એટલું ભરી
લીધું. શફક પહોળી આંખે, બેહોશની જેમ બધું જોઈ રહી હતી. મંગલે એ બેગ શફકને પકડાવી, ‘તારે માટે આટલું
આખી જિંદગી માટે પૂરતું છે.’ એણે કહ્યું, પછી મુલતાન સામે જોયું, ‘બાકીનું રાખ, તું.’ કહીને મંગલે મુલતાનના બંને
હાથ નીચા કરી દીધા, ‘શિવ ખતમ થઈ ગયો છે, બને એટલો જલદી અહીંથી નીકળી જા.’ મુલતાન આભારવશ નજરે
એની સામે જોઈ રહ્યો. મંગલે ફરી કહ્યું, ‘બધું લઈ જવાનો મોહ નહીં રાખતો. પોલીસ તારી પાછળ પડી જશે.’
મુલતાને બે હાથ જોડ્યા, ‘બહાર નીકળવાનો રસ્તો ક્યાં છે? સીસીટીવીના બ્લાઈન્ડ પોઈન્ટ્સ…’ મુલતાને આંગળી
ચીંધીને સ્ટોરની બહારનો રસ્તો બતાવ્યો. એ અવાક્ થઈ ગયો હતો. એણે હિંમત કરીને કહ્યું, ‘પાછળ એક નાનકડો
સર્વિસ ગેટ છે. વોચમેન હશે, પણ…’ મંગલ હસ્યો. એના સ્મિતમાં વોચમેનના મોતનો પરવાનો વંચાયો, મુલતાનને.
એણે ત્યાં પડેલી ઢગલાબંધ વસ્તુઓમાંથી કાગળનું એક બોક્ષ શોધી કાઢ્યું જેમાં માસ્ક હતાં. એણે ચાર માસ્ક ઝડપથી
બહાર ખેંચીને મંગલને આપ્યાં, ‘એક મોઢા પર, એક માથે.’ એણે કહ્યું, મંગલ સમજી ગયો. પોતે બે માસ્ક પહેરી લીધા
અને બીજા બે ડઘાયેલી, પૂતળા જેવી બની ગયેલી શફકને પહેરાવ્યાં. એનો હાથ પકડીને એને ઢસડતો મંગલ પાછલા
દરવાજેથી બહાર નીકળ્યો. એણે જોયું કે, નાનકડા સર્વિસ ગેટ ઉપર એક વોચમેન ઉભો છે. વોચમેન થોડું બેધ્યાન
હતો. એનો લાભ લઈને મંગલે સીધી એની પીચમાં રિવોલ્વર મૂકી દીધી, ‘યા તો હમ જાયેંગે, યા તુમ… ચૂન લો.’ એણે
કહ્યું. વોચમેને જવાબમાં હાથ ઉંચા કરી દીધા.

સર્વિસ ગેટ ખોલીને બંને જણાં બહાર નીકળ્યા. મંગલ હાથમાં બેગ પકડીને અંધાધૂંધ દોડવા લાગ્યો. શફક
પાછળ ઢસડાતી હતી. તમન દુત્તા ઘણો પોશ વિસ્તાર હતો. ઉંચી દિવાલના કમ્પાઉન્ડ ધરાવતા બંગલાઓમાં કોઈ
ચહલપહલ નહોતી. વોચમેન પણ બંગલાની અંદર ઉભા હતા. આવનાર વ્યક્તિ માટે માત્ર ડોકાબારી ખૂલતી એટલે
મંગલ અને શફક કોઈની નજરે પડે એમ નહોતા. લગભગ દસ મિનિટ એકધારું દોડ્યા પછી શફક હાંફી ગઈ. એ ઉભી
રહી ગઈ. એણે હાથ હલાવીને મંગલને કહ્યું, ‘હું નહીં દોડી શકું.’
એક ક્ષણ માટે વિચારીને મંગલે એનો હાથ છોડી દીધો, ‘ટેક્સી કરી લે.’ એણે શફકની બેગ એને આપી દીધી,
‘ઘરે સમય નહીં વેડફતી. બને એટલી ઝડપથી એરપોર્ટ નીકળી જા. દુબઈ, સિંગાપોર કે ઓન અરાઈવલ વિઝા મળે
એવા કોઈપણ દેશમાં પહોંચી જા.’ કહીને પાંચ જ સેકન્ડમાં એ ત્યાંથી આગળ દોડવા લાગ્યો. શફક ત્યાં જ ઉભી રહી
ગઈ. એણે માસ્ક કાઢી નાખ્યાં. વાળ સરખા કર્યા અને ટેક્સી માટે આમતેમ જોવા લાગી. ઈશ્વર જાણે એની સાથે હોય
એમ બરાબર એ જ વખતે ત્યાંથી એક ખાલી ટેક્સી પસાર થઈ. એણે ત્યાંથી પસાર થતી એક ટેક્સીને હાથ કર્યો,
ટેક્સીવાળો ઉભો રહ્યો. શફક ટેક્સીમાં બેસી ગઈ. ટેક્સી તમન દુત્તા વિસ્તારને ચીરતી સડસડાટ પસાર થઈ ગઈ.

ક્વાલાલમ્પુર એરપોર્ટ ઉપર ઈમિગ્રેશનમાં ઉભેલો મંગલસિંઘ સતત સજાગ અને સાવધ હતો. મલેશિયન
પોલીસ કોઈપણ સેકંડે એને અટકાવી શકે એ વાતનું એને ભાન હતું. એણે એના નકલી પાસપોર્ટમાં હતો એવો, અહીં
આવતી વખતે જે કર્યો હતો એવો સેઈમ ગેટઅપ કરી લીધો હતો. આમ તો એ નિરાંતે ઈમિગ્રેશન માટે ઉભેલા
મુસાફરોની લાઈનમાં ઉભો હતો, પરંતુ ચારેતરફ બાજની નજરે જોઈ રહ્યો હતો.
ઈમિગ્રેશન ક્રોસ કર્યા પછી પણ એની સમસ્યા પૂરી નહોતી થઈ એ વાતની એને ખબર હતી. એ મેઈલ
ટોઈલેટમાં ઘૂસ્યો. 15-20 મિનિટ ત્યાં પસાર કરી. એ પછી ઓછામાં ઓછા સીસીટીવીની નજરે પડાય એવી રીતે
પોતાના બોર્ડિંગ ગેટ પાસે જઈને મોઢા પર રૂમાલ ઢાંકીને ઉંઘી જવાનો ડોળ કરતો રહ્યો. બોર્ડિંગ પૂરું થયું ત્યારે છેલ્લા
પેસેન્જર તરીકે એ વિમાનમાં દાખલ થયો.
દાખલ થતાં પહેલાં એણે પોતાના ખીસ્સામાંથી નાનકડો, નોકિયાનો સ્મોલ સ્ક્રીન ફોન બહાર કાઢ્યો, એક
નંબર ડાયલ કર્યો. રિંગ વાગતી રહી-મંગલના હૃદયના ધબકારા તેજ થતાં ગયા.
‘હલો.’ શ્યામાનો અવાજ સંભળાયો, મંગલને લાગ્યું કે જાણે આટલા દિવસ પછી એણે પહેલીવાર શ્વાસ
લીધો હોય!
‘હું નીકળું છું.’ એણે કહ્યું, ‘થોડા કલાકમાં તારી પાસે હોઈશ.’
બંને તરફ સાવ મૌન છવાયેલું રહ્યું. થોડીક ક્ષણો પછી મંગલસિંઘે ફરી કહ્યું, ‘આ કદાચ, આપણી છેલ્લી
મુલાકાત હશે. તને મળીને હું સરેન્ડર કરી દઈશ… એ પછી…’ બાકીના શબ્દો એ ગળી ગયો. એને સામે છેડે શ્યામાનું
ડૂસકું સંભળાયું. બંને કશું બોલ્યા નહીં. મંગલ ફોન ડિસકનેક્ટ કરીને એરોબ્રિજ તરફ ચાલવા લાગ્યો.
પ્લેન ટેકઓફ થયું ત્યારે મંગલને લાગ્યું કે, જાણે એના જીવનનું સૌથી મોટું કામ પૂરું થઈ ચૂક્યું હતું. એની
આંખોમાં પાણી આવી ગયાં. એણે બે હાથ જોડીને ઈશ્વરનો આભાર માન્યો. પિતાને યાદ કરીને એની આંખમાંથી
આંસુ વહેવા લાગ્યાં. છેલ્લા ત્રણ દિવસથી એણે માંડ થોડા કલાકની ઉંઘ લીધી હતી. હવે સાડા પાંચ કલાકની પૂરી ઉંઘ
મળવાની હતી એને.
મંગલસિંઘ જ્યારે છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર નીકળ્યો ત્યારે મુંબઈની હવામાં એને
શ્યામાની સુગંધ આવી. ફેફસાં ભરીને ઉંડો શ્વાસ લીધો, એણે… પ્રિપેઈડ ટેક્સીમાં બેસીને એ શ્યામાની હોસ્પિટલ
તરફ નીકળી ગયો.
‘સરેન્ડર કરીશ તું?’ શ્યામા અને મંગલની આંગળીઓ એકબીજામાં ગૂંથાયેલી હતી. શ્યામાએ પોતાનો ચહેરો
એટલો નજીક લાવી દીધો કે એનું નાક મંગલસિંઘના નાકને અડી ગયું. શ્યામાની આંખમાંથી ટપકતાં આંસુ મંગલના
ચહેરા પર પડતા હતા. આખો ઉનાળો સહન કરીને ધરતી પર પડતા પહેલાં વરસાદની જેમ મંગલ એ આંસુને માણી
રહ્યો હતો, ‘નહીં કર…’ શ્યામાએ કહ્યું, ‘આમ પણ બધા તને ભાગી ગયેલો જ માને છે.’

‘સાચું બોલતાં અને સાચું જીવતાં તારી પાસેથી શીખ્યો છું.’ મંગલે એનું નાક શ્યામાના નાક સાથે ઘસ્યું, એના
કપાળ પર એક હળવું ચૂંબન કર્યું, ‘હવે ખોટું નહીં થાય મારાથી. તને ન્યાય મળવો જોઈએ અને મને સજા.’ એણે કહ્યું.
શ્યામા ક્યાંય સુધી મંગલની છાતી, ખભા, ગળા, નાક અને ચહેરા પર પોતાના ચહેરાની ત્વચા ઘસતી રહી,
એણે ધીમેથી કહ્યું, ‘તું કાલે આવ્યો હોત તો?’ મંગલ હસી પડ્યો… આંખોમાં ભરપૂર આંસુ સાથે શ્યામા પણ હસી
પડી.
સન એન્ડ સેન્ડ હોટેલના રૂમમાંથી દેખાતા દરિયાને જોતાં બંને જણાંએ આખી રાત વિતાવી દીધી. સવારે
જ્યારે દરિયાનું પાણી કેસરી થઈ ગયું ત્યારે ચાદરમાં લપેટાયેલાં બંને જણાંએ એકમેકની સામે જોયું, ‘હું જાઉં?’ મંગલે
પૂછ્યું.
‘શું કહું?’ શ્યામાની આંખો ફરી ઉભરાવાં લાગી. મંગલે પોતાની બંને હથેળીઓથી પોતાની આંખો લૂછી અને
પછી મન કઠણ કરીને ઉભો થયો, શાવર લીધો, પોતાની નાનકડી કેરી બેગમાંથી ફ્રેશ ટી-શર્ટ અને જીન્સ કાઢ્યા. શેવ
કરી, નાહીને તૈયાર થયો. શ્યામાને પોતાના બાહુપાશમાં લઈને એણે પ્રગાઢ ચૂંબન કર્યું. પછી, એણે પોતાનો ફોન બહાર
કાઢ્યો, ‘નાર્વેકર સાહેબ! હું મુંબઈ આવી ગયો છું. એક કલાકમાં તમને જુહુ પોલીસ સ્ટેશનમાં મળું છું.’ કહીને એણે
ફોન મૂકી દીધો.
સન એન્ડ સેન્ડ હોટેલમાંથી બહાર નીકળતા બે જણાંના ચહેરા પર કોઈ અજબ જેવા ભાવ હતા… એ
જીતની ખુશી હતી, ન્યાય મળ્યાનો સંતોષ કે હવે કદાચ, જિંદગીભર વેઠવો પડશે એ વિરહની પીડા, કોને ખબર!
(સમાપ્ત)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *