પ્રકરણ – 7 | આઈનામાં જનમટીપ

‘પાપુ!’ ત્રણ રાતના ઉજાગરા પછી ઘસઘસાટ ઊંઘી ગયેલી શ્યામાને જોઈને ભાસ્કરભાઈ પાછા વળતા હતા, પણ કાચી નિંદરમાં સૂવા ટેવાયેલી શ્યામાની આંખ ખૂલી ગઈ. એને જાગેલી જોઈને ભાસ્કરભાઈ એની નજીક આવ્યા, શ્યામાના માથે હાથ ફેરવીને એમણે કહ્યું, ‘શ્યામુ આઈ એમ પ્રાઉડ ઓફ યુ’.

કાઉચમાં બેઠી થઈની શ્યામા પિતાના ગળે વળગી પડી. અત્યાર સુધી રોકી રાખેલા આંસુ ધડધડાટ વહી નીકળ્યાં. ભાસ્કરભાઈ એક જ એવા વ્યક્તિ હતા જેની સામે, શ્યામા પોતાની નબળાઈ ખૂલીને જાહેર કરી શકતી, ને ભાસ્કરભાઈ પણ એના આંસુને નબળાઈ ગણવાને બદલે એની ભીતરથી વહેતી ઊર્જા માનીને એની રડી લેવા દેતા. આજે પણ એમ જ થયું.

થોડીવાર રડી લીધા પછી શ્યામા સ્વસ્થ થઈ. એણે ભાસ્કરભાઈને પૂછ્યું, ‘કોફી?’
ભાસ્કરભાઈએ ઘડિયાળ બતાવીને કહ્યું, ‘લંચ ટાઈમ થયો છે.’

ત્રણ દિવસથી પૂરતી ઊંઘ ન મળી હોવાને કારણે શ્યામાને સમયની ખબર જ નહોતી રહી. એણે ઘડિયાળમાં જોયું, બપોરને એક ને દસ થઈ હતી, ‘ઓહ! તમે બેસો. હું લંચ ઓર્ડર કરીને જરા પેશન્ટ જોતી આવું’. હજી એ ઊભી થાય એ પહેલાં નર્સ સ્ટેશન પર એનાઉન્સમેન્ટ સંભળાયું, ‘ડૉ. શ્યામા મજુમદાર, ડૉ. શ્યામા મજુમદાર’. એણે નર્સ સ્ટેશન પર જઈને ફોન કર્યો. આઈસીયુમાંથી બેચેન અવાજે એની જુનિયરે કહ્યું, ‘મેમ! મંગલસિંઘ…’
‘શું થયું?’ શ્યામાએ પૂછ્યું.

‘એને કન્વલ્ઝન આવે છે’ ફોન મૂકીને શ્યામા સીધી આઈસીયુ તરફ દોડી. મંગલસિંઘના બેડની સામે ઊભેલી શ્યામા માટે દર્દીની આવી હાલત કોઈ નવી કે અજાણી ઘટના નહોતી. મંગલસિંઘ બેડમાં આખો ઉછળતો હતો. બે નર્સ એને પકડી રાખે તેમ છતાં એનું શરીર કાબૂમાં રહેતું નહોતું. શ્યામાએ ઈન્જેક્શન આપ્યું. પલ્સ ચેક કરી. નર્સ અને ત્યાં ઊભેલા આઈસીયુના અટેન્ડેન્ટ ડૉક્ટરને સૂચનાઓ આપવા માંડી. પાંચ-સાત મિનિટમાં મંગલ શાંત થઈ ગયો. ફરી એકવાર એ જ નિર્દોષ ચહેરા સાથે બેહોશીમાં સરી પડ્યો.

શ્યામાએ થોડી સેકન્ડ એની સામે જોયું, પછી નર્સને ત્રણ કલાક પછી બીજું ઈન્જેક્શન આપવાની સૂચના આપીને એ પાછી ફરી ત્યાં સુધીમાં લંચ એના રૂમ સુધી પહોંચી ગયું હતું. ભાસ્કરભાઈએ પ્લેટ્સ અને કટલરી શોધી કાઢ્યા હતા, એ બધું સજાવીને દીકરીની રાહ જોઈ રહ્યા હતા.

‘પાવન અપસેટ છે’ ભાસ્કરભાઈએ વાત શરૂ કરવાના ઈરાદાથી કહ્યું. શ્યામા બસ, સાંભળતી રહી, ‘ભાગ્યનો કો-ઈન્સિડન્સ કેવો છે? એ તારે જ ત્યાં આવ્યો… આને જ કહેવાય કુદરતનો ન્યાય.’ શ્યામા હજી કશું બોલી નહીં એટલે ભાસ્કરભાઈએ કહ્યું, ‘મને લાગે છે આ વાત મીડિયા સુધી પહોંચવી જોઈએ.’ હવે શ્યામાએ ઊંચું જોયું. ભાસ્કરભાઈએ વધુ ગંભીરતાથી કહેવા માંડ્યું, ‘એનાથી કદાચ આપણા કેસને પણ…’

‘મેં પબ્લિસિટી માટે નથી કર્યું’ શ્યામાના અવાજમાં એક અજીબ ઉદાસી હતી, ‘અને કેસનું હવે શું?’
‘આઈ નો બેટા પણ…’ ભાસ્કરભાઈએ વહાલથી કહ્યું, ‘જે માણસે તારી સાથે આટલું ખરાબ કર્યું એ માણસનો જીવ બચાવીને તેં આખા મેડિકલ પ્રોફેશનને એક ગરિમા અને ગૌરવ અપાવ્યું છે. આ વાત…’
‘હું મારા વખાણ કરું તો કેવી લાગું?’ શ્યામાએ કહ્યું.

‘તારે નથી કરવાનું, તારી હોસ્પિટલ કરશે. મારે વાત થઈ ગઈ છે’ શ્યામા થોડીક ક્ષણો ભાસ્કરભાઈ સામે જોઈ રહી પછી એણે
પૂછ્યું, ‘તમને ખરેખર જરૂર લાગે છે?’ એણે પૂછ્યું અને જવાબની રાહ જોયા વગર ઊભી થઈ ગઈ, ‘હા’ ભાસ્કરભાઈએ કહ્યું, ‘મને જરૂર લાગે છે.’ એમણે વહાલથી દીકરીની નજીક જઈને કહ્યું, ‘છતાં તને યોગ્ય ન લાગતું હોય તો…’

‘તમને જેમ ઠીક લાગે એમ’ શ્યામાએ કહ્યું. થોડું વિચારતાં એને પણ લાગ્યું કે, મંગલસિંઘના કેસની પબ્લિસિટી ક્યાંક તો એની
છબિને ચોખ્ખી કરવામાં અને મંગલસિંઘને ગુનેગાર સાબિત કરવામાં એની મદદ કરી શકે.

શ્યામાનો જવાબ સાંભળતાં જ ભાસ્કરભાઈએ પોતાનો સેલફોન ઉપાડીને એક નંબર જોડ્યો, ‘એને વાંધો નથી’ એમણે કહ્યું.
પછી સામેથી જે જવાબ મળ્યો તે સાંભળતા રહ્યા.

શ્યામા પોતાના કામે વળગી. ટેબલ પર પડેલા રિપોર્ટ્સ અને બીજુ બધું અધૂરું મૂકીને એ ઊંઘી ગઈ હતી. એને કામ કરતી જોઈને ભાસ્કરભાઈએ કહ્યું, ‘ચલ, હું પણ નીકળું છું.’ બાપ-દીકરી ભેટ્યાં. ભાસ્કરભાઈએ ધીમેથી એના માથે હાથ ફેરવીને કહ્યું, ‘બને તો પાવનને એક ફોન કરી દેજે.’ એમને હજીયે દીકરીનું દામ્પત્ય પાછું જોડાય એમાં દીકરીનું સુરક્ષિત ભવિષ્ય દેખાતું હતું.

‘નહીં કરું.’ શ્યામાએ સ્પષ્ટ જવાબ આપ્યો, ‘પાપુ, તમે જાણો છો કે હવે એ દિશામાં…’ શ્યામા પોતાનું આગળનું વાક્ય ગળી ગઈ, પણ ભાસ્કરભાઈને એનો જવાબ સંભળાયો. એમણે નિરાશામાં ડોકું ધૂણાવીને શ્યામાના માથે વહાલભર્યો હાથ ફેરવ્યો, ભાસ્કરભાઈ નીકળી ગયા અને શ્યામા પોતાની ફાઈલોમાં ખોવાઈ ગઈ.

*

એક માણસને દરવાજે ઊભેલો જોઈને અમીનાએ પૂછ્યું, ‘જી?’

‘હું જુહુ પોલીસ સ્ટેશનથી સબ ઈન્સ્પેક્ટર નાર્વેકર છું.’ નાર્વેકરે પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું. અમીના પહેલાં ગભરાઈ ગઈ, પણ બીજી જ પળે એને રાહત થઈ ગઈ. છેલ્લા કેટલાય સમયથી શફક સાથે થઈ રહેલા અત્યાચારની એ સાક્ષી હતી. ગઈકાલે રાત્રે જે થયું એ પછી અમીનાને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપવી હતી, પણ એ જાણતી હતી કે, શફકની હિંમત નહીં થાય એટલે ચૂપ રહી ગઈ. અત્યારે પોલીસને દરવાજે ઊભેલા જોઈને એને લાગ્યું કે, ખુદાએ એની દુઆનો જવાબ આપી દીધો.

‘કૌન હૈ?’ અંદરથી શફકનો ઊંઘરેટો, મંદ અવાજ સંભળાયો.

‘પોલીસ’ અમીનાએ જવાબ આપ્યો. જવાબ સાંભળતાં જ શફકની ઊંઘ ઊડી ગઈ. જે પૂછાવાના હતા એ પ્રશ્નોના શું જવાબ
આપવા એ વિશે એણે તરત જ પોતાના મગજને તૈયાર કરવા માંડ્યું. બાથરૂમમાં જઈને મોઢા પર ખૂબ પાણી છાંટ્યું. ફ્રેશ થઈ, વસ્ત્રો બદલી એ ડ્રોઈંગરૂમમાં આવી ત્યાં સુધી નાર્વેકરે અમીનાને બેઝિક સવાલો પૂછવાની શરૂઆત કરી દીધી હતી, ‘શફક કેટલા વાગ્યે આવી, કોની સાથે આવી, કોની સાથે ગઈ હતી અને આવી ત્યારે શી હાલતમાં હતી?’ એવા સવાલોના અમીનાએ સાચા અને પ્રામાણિક જવાબો આપી દીધા હતા. જેના પરથી નાર્વેકરે પોતાના તારણો કાઢવાની શરૂઆત કરી દીધી હતી.

શફક આવે એ પહેલાં અમીનાએ નાર્વેકરને ધીમા અવાજે કહ્યું હતું, ‘વો કુછ નહીં બતાયેગી, ડરતી હૈ.’
‘મંગલસિંઘ સે?’ નાર્વેકરે પૂછ્યું.

‘જી. ખૂબ પીટતા હૈ, કભી ભી આ જાતા હૈ, બહોત તંગ કરતા હૈ બેબી કો.’ અમીનાનું વાક્ય પૂરું થાય ત્યાં તો શફક પ્રવેશી.
‘મારે કંઈ કહેવાનું નથી’ નાર્વેકર કશું પૂછે એ પહેલાં શફકે કહેવાનું શરૂ કરી દીધું, ‘હું કંઈ જાણતી નથી. હું તો શૂટ પરથી ઘરે
આવીને સૂઈ ગઈ હતી.’ અમીનાએ આંખોના ઈશારાથી નાર્વેકરને કહ્યું, જોયું! નાર્વેકરે ડોકું ધૂણાવ્યું. શફક કહેતી રહી, ‘હું આમાં ફસાવા
નથી માગતી’ નાર્વેકર ખડખડાટ હસી પડ્યો. શફકને નવાઈ લાગી.

‘મેં તો હજી કંઈ પૂછ્યું જ નથી. તમે તો ફસાવવાની અને કંઈ ન જાણવાની કેફિયત પહેલાં જ આપી દીધી.’ શફક સહેજ
ઝંખવાઈ ગઈ. એણે બે હાથ જોડ્યા. એની આંખોમાં પાણી આવી ગયાં. નાર્વેકરને સાચે જ દયા આવી ગઈ.

‘તમે પણ જાણો છો ને હું પણ જાણું છું. હવે એકબીજાને છેતરવાનો અર્થ નથી.’ શફકની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં, ‘એ
લોકો મને જીવતી નહીં છોડે’ એણે કહ્યું.

‘હું તમારું નામ નહીં લઉં.’ નાર્વેકરના અવાજમાં રહેલી પ્રામાણિકતા અને દયા શફકને સ્પર્શી ગયા, ‘ઈન્ફર્મેશન તો આપી શકો
ને? એવિડન્સ અમે ઊભા કરી લઈશું.’ શફક થોડીક ક્ષણો કંઈ બોલી નહીં, બસ નીચું જોઈને રડતી રહી, પણ અમીનાથી ન રહેવાયું.

‘નવ સાડે નવ કે કરીબ આયા થા. બેબી થકી હુઈ થી ફિર ભી ઉઠા કે લે ગયા. હંમેશાં એવું જ કરે છે. એની મરજી, એનું રાજ.
બેબી જ્યારે પાછી આવી ત્યારે હાથમાં સોજો, શરીર પર ઉઝરડા હતાં, કપડાં ફાટેલાં હતાં.’

‘ચૂપ!’ શફકે અમીના સામે હાથ જોડ્યા. અમીનાએ એના હાથ પકડી લીધા. બંને જણાં વચ્ચે ખાસી આત્મિયતા હશે એ
નાર્વેકરને સમજાયું.

‘આ તમારું છે? નાર્વેકરે પ્લાસ્ટિકની થેલીમાં મૂકેલું ક્લચ પર્સ અને સ્કાર્ફ બતાવ્યા.’
‘હા’, અમીનાએ કહ્યું, ‘ના’ શફકે કહ્યું. બંને જણાંના પરસ્પર વિરોધી જવાબ સાંભળીને નાર્વેકરને ફરી હસવું આવી ગયું. શફક
રડતી રહી.

‘તમે મારો ભરોસો કેમ નથી કરતા?’ નાર્વેકરે પૂરી સજ્જનતા અને સ્નેહથી કહ્યું, ‘મને તમારી મદદ જોઈએ છે, હં તમારો
ઉપયોગ નહીં કરું’.

‘હા. આ ક્લચ પર્સ અને સ્કાફ બેબીના જ છે.’ અમીનાએ કહ્યું. શફકે એની સામે જોયું, પણ અમીનાએ બિલકુલ અવગણીને
આગળ કહ્યું, ‘શું કરશે? મને મારી નાખશે ને. હું મરવા તૈયાર છું. છોકરાં મોટાં થઈ ગયા છે. છોકરાંને ઘેર છોકરાં છે. બધું જોઈ લીધું છે. બેબીએ મારા માટે ખૂબ કર્યું છે. એને આ રાક્ષસના પંજામાંથી છોડાવવા માટે હું જીવ આપવા માટે પણ તૈયાર છું.’ કહીને અમીનાએ શફકના ખભે હાથ મૂક્યો, ‘બતા દો બેબી. એક બાર સબ કુછ બતા દો.’ અમીનાનો પોતાના ખભે મૂકેલો હાથ શફકે પોતાના બે હાથ વચ્ચે પકડી લીધો. એ ચૂપચાપ બેસી રહી. એની આંખો નાર્વેકરને માપતી હતી.

‘હા, હું એની સાથે હતી. એ બેફામ પીને ગાડી ચલાવી રહ્યો હતો. મારા શરીર સાથે અડપલાં કરતો હતો, ગાળો બોલતો હતો… એ બેકાબૂ થઈ ગયો. પહેલાં ગાડી જમણી બાજુ ડિવાઈડર સાથે અથડાઈ. ત્યાંથી ધકેલાઈને ફૂટપાથ સાથે અથડાઈ. ફરી ડિવાઈડર સાથે અથડાઈને ફૂટપાથ પર ચડી ગઈ. ફૂટપાથ પર સૂતેલા માણસો પર ફરી વળી. એસયુવીના ટાયર નીચે ખબર નહીં કેટલા લોકો ચગદાઈ ગયા. ચીસાચીસ-રડારોળ થઈ ગઈ. ગાડી ફૂટપાથ પરથી ઉતરીને ઊંધી થઈ ગઈ. પાછળ આવી રહેલા એના માણસોએ મંગલસિંઘને કાઢી લીધો. મેં બૂમો પાડી, પણ મને એ લોકો ત્યાં જ છોડીને જતાં રહ્યા. ખુદાની રહેમત હતી કે મારી જાન બચી ગઈ.’ શફકે ફરી બે હાથ જોડ્યા, ‘મેં તમને બધું કહી દીધું. હવે મારું ક્લચ પર્સ અને સ્કાફ આપી દો. એમાં મારા ક્રેડિટ કાર્ડનું પાઉચ છે. મારા આઈડી પણ…’

‘એમાં જ છે’ નાર્વેકરે કહ્યું, ‘મેં જોયું બધું. હું આસાનીથી સાબિત કરી શકું એમ છું કે, તમે રાત્રે એની સાથે જ હતા, પરંતુ એનાથી બહુ ફાયદો નહીં થાય.’ કહીને નાર્વેકર સહેજ અટક્યો. ‘હું હમણાં એને અરેસ્ટ કરી લઉં, પણ બે કલાકમાં છૂટી જશે.’ નાર્વેકર બોલતો રહ્યો, ‘હું તમારું નામ નહીં લઉ, બટ તમારે મારી મદદ કરવી પડશે.’ શફકે નવાઈથી આંખો પહોળી કરી, ‘જે ચાલે છે તે ચાલવા દો, બલ્કે એને ભરોસો પડવા દો કે તમે એનું નામ નથી લીધું. તમે તમારી વફાદારી નિભાવી છે.’

‘એવું એ કોઈ દિવસ નહીં માને, કારણ કે એને ખબર છે કે મેં એની વિરુધ્ધ અલતાફ કમાલને ફરિયાદ કરી છે.’ શફકે કહ્યું, ‘હું
બધી બાજુથી ફસાઈ ગઈ છું. એ ભાનમાં આવશે કે તરત મને તો મારી જ નાખશે.’ સહેજ અચકાઈને એણે ઉમેર્યું, ‘ગઈકાલે રાત્રે અમારો ઝઘડો જ એ વાતનો થયો કે, મેં અલતાફ કમાલને…’ એ રડી પડી.

‘હમ્…’નાર્વેકરે ડોકું ધૂણાવ્યું, ‘તમે માફી માગો.’ અમીનાનો ચહેરો બદલાઈ ગયો. નાર્વેકરે એને ઈશારાથી શાંત રહેવાનું કહ્યું, ‘જ્યાં સુધી મંગલસિંઘને આપણે યોગ્ય જગ્યાએ ટ્રેપ નહીં કરીએ ત્યાં સુધી એને એરેસ્ટ કરવાનો કોઈ ફાયદો નથી. તમે એની સાથે રહીને મને ફોટો વીડિયો, અને બીજી વિગતો આપતા રહો.’
‘એટલે એ ગોળી મારે બેબીને’ અમીના ચિડાઈ ગઈ.

‘મેડમને કંઈ નહીં થાય. મારો એક માણસ સતત એની સાથે રહેશે.’ નાર્વેકરે હાથ લંબાવીને શફક જોડે હેન્ડસેક કરવાનો પ્રયત્ન કર્યો, ‘તમારી સુરક્ષા અમારી જવાબદારી છે.’ શફક વિચારમાં પડી. નાર્વેકરે કહ્યું, ‘મેડમ વિચાર કરો, તમારા જેવી કેટલીય છોકરીઓને એણે ત્રાસ આપ્યો છે. બળાત્કાર, જબરજસ્તી અને દેહવિક્રય સુધી…’ એણે ધીમેથી ઉમેર્યું, ‘પ્લીઝ હેલ્પ અસ મેમ’ કહેતાં કહેતાં એનો અવાજ બદલાઈ ગયો, ‘મારે જો તમને ફસાવવા જ હોત તો મારી પાસે તમારું ક્લચ અને સ્કાર્ફ છે જ. ડીએનએ સેમ્પલ અને આઈડી પ્રૂફ પરથી હું સાબિત કરી જ શક્યો હોત, પણ…’ એક સાથે વિનંતી અને ધમકી બંને સાંભળી લીધા શકફે. એને એટલું તો સમજાઈ જ ગયું કે, નાર્વેકરે સારી ભાષામાં પોતાને કહ્યું કે, એની પાસે વિકલ્પ નથી.

‘ઓકે’ શકફે મંદ અને હારેલા અવાજે કહ્યું, ‘હું કોશિશ કરીશ.’ એણે ધીમેથી ઉમેર્યું, ‘પણ આ કેસમાં…’
નાર્વેકરે ક્લચ અને સ્કાર્ફ એને આપી દીધાં, ‘આ મારા ભરોસાની પહેલી શરૂઆત છે. હું ક્યાંય તમારું નામ નહીં આવવા દઉં.’

*

સંકેત નાર્વેકર જ્યારે પાછો જુહુ પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે વિક્રમજીત ઉર્ફે જિતો વણીકરની કેબિનમાં બેસીને ચા પી રહ્યો
હતો. નાર્વેકરને જોઈને પીઆઈ ખુશ થઈ ગયા, ‘શું ખબર લાવ્યો?’ એણે પૂછ્યું.

‘જીવે છે’ નાર્વેકરે કહ્યું, ‘પણ એને કંઈ યાદ નથી, અને કદાચ યાદ આવશે પણ નહીં’ આ સાંભળીને વિક્રમજીત અને વણીકર
સામસામે જોઈને હસ્યા.

‘મેં નહોતું કહ્યું, અમારો નાર્વેકર સ્માર્ટ છે.’ ત્રણેય જણાં ખડખડાટ હસી પડ્યા. વણીકરના હાસ્યમાં નિરાંત હતી, વિક્રમજીતના
હાસ્યમાં પોતાના ખૌફનો વિજય અને નાર્વેકરના હાસ્યમાં આ બંનેને મૂરખ બનાવ્યાનો આનંદ હતો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *