પ્રકરણ – 8 | આઈનામાં જનમટીપ

‘લાઈફ કેર’ હોસ્પિટલની બહાર આખા મુંબઈનું અને નેશનલ મીડિયા ટોળે વળ્યું હતું. ડૉ. શ્યામાની ‘હ્યુમન સ્ટોરી’નું કવરેજ
કરવા માટે સૌ પડાપડી કરતાં હતાં. શ્યામાનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ સૌને જોઈતો હતો. જે માણસ સામે બળાત્કારની ફરિયાદ કરી એનો જ જીવ બચાવ્યો! એક ડૉક્ટરે પોતાની ફરજ પૂરી કરી, હવે એને ન્યાય મળશે કે નહીં? જેનો એક્સિડન્ટ થયો છે એ બીજો કોઈ નહીં, ‘ડૉન દિલબાગસિંઘનો દીકરો મંગલસિંઘ છે!’ દરેક ચેનલ પર ન્યૂઝ ફ્લેશ થઈ રહ્યા હતા. સાથે સાથે મંગલસિંઘના એક્સિડન્ટના વીડિયો ફૂટેજ પણ કોણ જાણે કેવી રીતે ન્યૂઝ ચેનલ્સ પાસે પહોંચી ગયા હતા. જુહુતારા રોડ પર આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ વારંવાર ટીવી પર દેખાડવામાં આવી રહ્યા હતા. ડિવાઈડર પર, ફૂટપાથ પર ભટકાતી ગાડી, માણસોને કચડતી કેવી રીતે ઊંધી પડી ગઈ એ ઘડી ઘડી બતાવવામાં આવી રહ્યું હતું, જે જોઈને દિલબાગનું મગજ ફાટફાટ થતું હતું.

વરસાદ અને કાળા કાચને કારણે એ લાલ રંગની એસયુવીમાં કોણ હતું એ સ્પષ્ટ દેખાતું નહોતું, બસ એટલું જોઈને
દિલબાગસિંઘને રાહત થઈ હતી. અંધેરી ઈસ્ટની એક પોશ હોટેલના રૂમમાં બેઠેલા દિલબાગસિંઘનો ગુસ્સો વધી રહ્યો હતો. ‘આ એ જ ડૉ. શ્યામા છે જેણે પોતાના ઉપર બળાત્કાર કરવા માટે મંગલસિંઘ યાદવને કોર્ટમાં ઘસડ્યો હતો અને મંગલસિંઘના નિર્દોષ છૂટ્યા પછી એ જ શ્યામાએ એનો જીવ બચાવ્યો છે.’ ન્યૂઝ ચેનલ પર એન્કર કહી રહ્યો હતો, ‘જો ડૉ. શ્યામા ખોટી હોય તો મંગલસિંઘનો જીવ શું કામ બચાવે? અને જો ડૉ. શ્યામા સાચી હોય તો મંગલસિંઘ નિર્દોષ છૂટ્યો કેવી રીતે? સવાલોના જવાબો આપો, તમને શું લાગે છે? કોણ છે દોષી?’
દિલબાગની ધીરજ ખૂટી ગઈ, એણે જોરથી વિક્રમજીતને પૂછ્યું, ‘કિસને કી હૈ યે ઉલટી?’

‘પતા નહીં…’ વિક્રમજીત પણ બેચેન હતો. ડૉ. શ્યામાની માનવતાની આ કથા જો હજી વધુ ચાલે તો મંગલસિંઘ માટે ખતરનાક પૂરવાર થઈ શકે. પબ્લિક સિમ્પથિના બધા વોટ શ્યામાના પક્ષમાં જાય અને એ પછી જો કોઈક કારણસર કેસ રિ-ઓપન થાય તો મંગલસિંઘને બચાવવો અઘરો થઈ પડે… આવા કેટલાય વિચારો વિક્રમજીતના મગજમાં ઘૂમરાવવા લાગ્યા હતા. હજી મંગલસિંઘ હોશમાં આવ્યો નહોતો, એની પણ ચિંતા હતી. ત્રીજી તરફ, શફક અત્યારે તો ચૂપ હતી, પણ જો શ્યામા જેવા બે-ચાર કેસ નીકળી આવે તો શફક પણ મોઢું ખોલતાં અચકાશે નહીં એ વિશે વિક્રમજીત ચિંતિત હતો. એણે ધીરેથી દિલબાગને કહ્યું, ‘બાઉજી, ભૈયાજી ઠીક હો જાયેં તો આપ થોડા સમજાયેં… યે લડકીયોં કે મામલે મેં… અબ પહેલે જૈસા નહીં રહા’.

દિલબાગે લાલઘૂમ આંખે વિક્રમજીત તરફ જોયું, ‘તો ક્યા? હમ લુગાઈ સે ડરેંગે? અરે વહી તો માલ હૈ. રાં… સે ડરને લગે તો
ધંધા કૈસે કરેંગે ફિર?’
‘બાઉજી, અબ ભૈયાજી કો ઈન સબસે દૂર રખિયે’ વિક્રમજીતે નાનકડા મંગલસિંઘને ખોળામાં રમાડ્યો હતો. એને મંગલસિંઘની સલામતીની બહુ ચિંતા રહેતી. જે રીતે એ બેફામ જીવતો અને વર્તતો એનાથી એણે પોતે પણ અનેક દુશ્મનો ઊભા કર્યા હતા, દિલબાગના દુશ્મનો તો હતા જ… કોઈ દિવસ મંગલ પર હુમલો થઈ જાય અને એને નુકસાન થાય એ વિચારમાત્ર વિક્રમજીતને ડરાવતો.

‘અબ ભૈયાજી કૈસે દૂર રહેંગે? ધંધો એણે જ સંભાળવાનો છે.’ દિલબાગે કહ્યું. પછી એણે સ્મિત કરીને ઉમેર્યું, ‘મુંબઈ સુધી આવ્યા છીએ તો એક મિટિંગ આપણા એજન્ટ્સ જોડે કરી લઈએ.’
‘શું કામ રિસ્ક લો છો?’ વિક્રમજીતથી ન રહેવાયું.
‘રિસ્ક વગરની જિંદગી એટલે નમક વગરનું ભોજન’ કહીને દિલબાગે હુકમ છોડ્યો, ‘ચાર બજે બુલા લો સબકો’. વિક્રમજીત પાસે કોઈ જવાબ નહોતો. એણે ડોકું ધૂણાવીને એક પછી એક ફોન કરવા માંડ્યા.

ચાર વાગ્યે દિલબાગના એજન્ટ્સ એને અંધેરી ઈસ્ટની એક પોશ હોટેલના શ્યૂટ રૂમમાં મળવા આવવાના હતા. આ એજન્ટ્સ
હતા જે દેશભરમાંથી દિલબાગ માટે ચૂંટી ચૂંટીને સુંદર છોકરીઓ લઈ આવતા. ક્યારેક ખરીદીને, ક્યારેક ફસાવીને તો ક્યારેક બળજબરી

ઉપાડીને. એકવાર મુંબઈ આવી જાય પછી એ છોકરી પાસે પાછા જવાનો કોઈ રસ્તો બચતો નહોતો. દિલબાગના માણસો એના નગ્ન ફોટા પાડી લેતા. ડેટ ડ્રગની અસર હેઠળ એની સાથે સંભોગ કરવાના વીડિયો ઉતારવામાં આવતા, જેને કારણે સારા ઘરની છોકરીઓ પાછા જવાનો વિચાર ભૂલી જતી. ફસાવીને લાવવામાં આવેલી છોકરીઓ ઘર છોડીને ભાગી હોય, એટલે પાછા જવાની હિંમત ન હોય. ખરીદીને લવાયેલી છોકરીઓ વિશે તો કોઈ પ્રશ્ન જ નહોતો…

દિલબાગ મુંબઈની બહાર જ રહેતો. સામાન્ય રીતે વીડિયો કોલ પર ધંધો કરતો. હવે આજે એ મુંબઈમાં હતો એટલે એકવાર
ધંધાની અપડેટ લેવાની લાલચ એ રોકી શક્યો નહીં. દિલબાગને કલ્પના પણ નહોતી કે એણે બોલાવેલી એજન્ટ્સની મિટિંગમાં કંઈક એવું બનવાનું હતું જેનાથી એની સલ્તનતના પાયામાં તિરાડ પડવાની હતી.

*

એક જાણીતી ડિઝાઈનર શર્ટની બ્રાન્ડના ફોટોશૂટમાં વ્યસ્ત પાવન માહેશ્વરી જ્યારે કપડાં બદલવા માટે વેનમાં આવ્યો ત્યારે એને એના મેક-અપમેને ધીમેથી કહ્યું, ‘સર, જરા ન્યૂઝ જોઈ લો’.
પાવને પોતાનો ફોન ઉઠાવ્યો. ન્યૂઝ અપડેટ ઓન કર્યું. એ બબડ્યો, ‘રાસ્કલ મરી ગયો કે શું?’ એના પ્રશ્નનો જવાબ હોય તેમ
મોટા અવાજે ન્યૂઝ શરૂ થયા. પાવન માહેશ્વરી જેમ જેમ ન્યૂઝ જોતો ગયો તેમ તેમ એના ચહેરાના હાવભાવ બદલાતા ગયા, ‘ઈડિયટ છે સાલી! મૂરખ છે’ કહીને એણે ફોન ટેબલ પર પછાડ્યો. સામે અરીસામાં દેખાતા પોતાના ચહેરાને આ સુપર મોડલ થોડી મિનિટો માટે જોઈ રહ્યો.

શ્યામા સાથે એ રાત્રે જે કંઈ થયું એ પાવનની નજર સામે થયું હતું, તેમ છતાં કોર્ટમાં પાવનને ખોટો ઠેરવવામાં આવ્યો. અંધારામાં દૂર સુધી ન દેખાય એવી દલીલ સાથે પાવનના બયાનને નકામું ગણવામાં આવ્યું. પતિ-પત્નીએ ગાડીમાં સંભોગ કરીને મંગલને ફસાવવાનો પ્રયાસ કર્યો એવા આરોપ સાથે પાવન માહેશ્વરી પાસે માફી મંગાવવામાં આવી… એ બધી ઘટનાઓ પાવનની નજર સામેથી અત્યારે કોઈ ચિત્રપટની જેમ પસાર થઈ ગઈ. પોતે ગઈકાલે ચોખ્ખી ના પાડી હતી તેમ છતાં શ્યામાએ મંગલ યાદવને બચાવીને ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો. પાવનનું મન કડવાશ અને ગુસ્સાથી ભરાઈ ગયું.

એણે ફોન ઉઠાવ્યો. શ્યામાનો નંબર ડાયલ કર્યો. થોડીવાર સુધી રિંગ વાગતી રહી. જેમ રિંગ લાંબી ચાલી એમ પાવનનો ગુસ્સો વધતો ગયો.

‘હા પાવન’ એકદમ નોર્મલ અવાજે શ્યામાએ કહ્યું.
‘આ બધું શું માંડ્યું છે?’ પાવને પૂછ્યું, ‘એકવાર બેઈજ્જતી કરાવીને ધરાઈ નથી તું કે ફરી પાછો ઉપાડો લીધો છે?’
‘મેં કંઈ નથી કર્યું’ શ્યામા હજી શાંત હતી.
‘તો મીડિયાને સપનું આવ્યું? આપોઆપ ખબર પડી ગઈ એમને, કે તું દયાની દેવી છે, માનવતાની મૂર્તિ છે…’ પાવને ઉશ્કેરાટમાં કહ્યું, ‘પતાવી દીધો હોત એને તો…”

તો આ પબ્લિસિટી ન મળી હોત’ શ્યામાનો અવાજ હજી સંયત હતો.

‘બરાબર છે!’ પાવન બરાડ્યો, ‘તારે તો કોઈપણ રીતે સાચા સાબિત થવું છે. બીજાનું શું થાય એની તને ક્યાં પડી છે? દોઢ વર્ષ ઘેર બેઠો, હું! કરિયરની વાટ લાગી ગઈ, તારે લીધે. માંડ માંડ ત્રણ એન્ડોર્સમેન્ટ મળ્યા છે, બે કોન્ટ્રાક્ટ રિવાઈવ થયા છે. એના પર લાત મારી દે એટલે હું પાછો ઘરે બેસી જાઉં.’ પાવને કહ્યું.

‘આર યુ સીરિયસ?’ શ્યામાએ સહેજ આશ્ચર્ય અને સહેજ ઉપાલંભ સાથે પૂછ્યું, ‘તારી પત્ની પર થયેલા બળાત્કાર કરતાં તને
તારા એન્ડોર્સમેન્ટના કોન્ટ્રાક્ટ મહત્વના લાગે છે?’ એણે સહેજ ચૂપ રહીને ઉમેર્યું, ‘ત્યારે નવાઈ લાગી હતી, દુઃખ પણ થયું હતું, હવે નથી થતું. તું તારી જગ્યાએ સાચો જ હોઈશ.’ શ્યામાએ કહ્યું.

‘આ બધું તાત્કાલિક બંધ કરાવ’ પાવને બૂમ પાડીને કહ્યું. મેક-અપમેને ધીમેથી એના ખભા પર હાથ મૂકીને ઈશારો કર્યો, બહાર બધું સંભળાય છે. પાવને સ્વયંને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો, પછી કહ્યું, ‘તને શું લાગે છે, મીડિયામાં આ બધી પબ્લિસિટી કરાવવાથી હવે શું ફાયદો થશે? તું કેસ હારી ચૂકી છે.’

શ્યામાએ સંવાદના છેલ્લા વાક્યની જેમ કહ્યું, ‘ફાયદા-ગેરફાયદાની બહાર પણ એક દુનિયા છે.’ એ સહેજ હસી, ‘તને નહીં
સમજાય, પણ મને એટલું ચોક્કસ સમજાય છે કે, આ સમાચારોથી સમાજના થોડા લોકોને સમજ પણ પડશે ને ફરક પણ પડશે.’ એણે ધીમેથી કહ્યું. ફોન ડિસકનેક્ટ થઈ ગયો. પાવન એટલો બધો ગુસ્સામાં હતો કે, શ્યામા સામે હોત તો એને કદાચ, થપ્પડ મારી બેસત.

એના મેક-અપમેને ધીમેથી એને કહ્યું, ‘સર, શોટ રેડી છે’. પાવન કમને અરીસાની સામે બેઠો. મેક-અપમેને એના વાળ સરખા
કર્યા, સહેજ ટચઅપ કર્યું અને પાવન જેવો વેનનો દરવાજો ખોલીને બહાર નીકળ્યો કે, સામે ઊભેલા મીડિયાના ટોળાંને જોઈને એના કપાળે પરસેવો વળી ગયો, એણે જવાબો આપવાની માનસિક તૈયારી કરી લીધી.

‘ખરેખર મંગલસિંઘે તમારી પત્નીનો રેપ કર્યો છે?’ ‘મંગલસિંઘ ભાનમાં આવશે તો તમે એને શું કહેવા માગશો?’ ‘તમારી પત્નીએ જે કર્યું એ બરાબર કર્યું?’ સવાલોનો રીતસર મારો થઈ રહ્યો હતો. ફટાફટ ફ્લેશ લાઈટ્સ થઈ રહી હતી. આ બધાથી બચવા પાવન પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મનોમન શ્યામાને દઈ શકાય એટલી ગાળો દઈ રહ્યો હતો. મીડિયાનો આવો હુમલો પહેલાં પણ થઈ ચૂક્યો હતો ત્યારે પાવન માહેશ્વરી એક બીકણ, બાયલો અને નબળો માણસ પૂરવાર થયો હતો… અત્યારે પણ પાવનને ભયાનક ડર લાગવા માંડ્યો. એના પગ ધ્રૂજવા માંડ્યા. બાજુમાં ઊભેલા આસિસ્ટન્ટ ડિરેક્ટરનું બાવડું એણે કસકસાવીને પકડી લીધું. પરસેવાથી એનું આખું શર્ટ ભીનું થઈ ગયું.

અંતે, બાઉન્સરની મદદથી એને આ ટોળાંમાંથી બહાર કાઢવામાં આવ્યો. નજીકમાં આવેલા સેટ પર લઈ જવામાં આવ્યો. આ
બધા દરમિયાન પાવનનું મગજ બહેર મારી ગયું હતું. અત્યાર સુધી શ્યામા માટે જે રહીસહી સહાનુભૂતિ અને પ્રેમ હતો એ પણ આજના પ્રસંગ પછી જાણે સાવ ધોવાઈ ગયો. પાવને મનોમન નક્કી કરી લીધું, હવે આ લફરામાંથી બહાર નીકળી જવું છે. એણે છૂટાછેડાની નોટિસ મોકલવાનો નિર્ણય લઈ લીધો.

*

સ્ટ્રેન્ડ સિનેમાની ગલીમાં આવેલા એક બિલ્ડિંગમાં ત્રીજે માળે વૈભવી ઓફિસમાં બેઠેલો અલતાફ કમાલ ધ્યાનથી ફોન પર
કોઈની વાત સાંભળી રહ્યો હતો. છ ફૂટ ત્રણ ઈંચની ઊંચાઈ, કસરતી ખભા અને ક્રૂર ચહેરો ધરાવતો અલતાફ કમાલ હિન્દી સિનેમાના કોઈ આઈડિયલ વિલન જેવો દેખાતો. એનો અવાજ કોઈ ઘસાયેલી રેકોર્ડ જેવો ખોખરો અને કરડો હતો.

‘આંખ ખોલે ઉસસે પહેલે હમેશાં કે લિયે સૂલા દો સાલે કો’ એણે કહ્યું. એના ચહેરા પર કોઈ હાવભાવ બદલાયા નહીં. સામેથી
કોઈકે કશુંક કહ્યું. એ સાંભળીને અલતાફે જવાબ આપ્યો, ‘ટ્રસ્ટ કી હોસ્પિટલ હૈ, હજાર લોગ આતેજાતે હૈ. કોઈ સવાલજવાબ નહીં હોગા’. ફરી કોઈકે કશુંક કહ્યું. જેના જવાબમાં અવાજ ઊંચો કર્યા વગર અલતાફ એક ગાળ બોલ્યો, પછી કહ્યું, ‘અરે પુલીસ હૈ તો ક્યા ફરક પડતા હૈ? કભી પુલીસ કે સામને કિસી કો ઉડાયા નહીં ક્યા? તુમ જાકે અપના કામ કરો. પુલીસ બાદ મેં અપના કામ કર લેગી.’ એણે સામેની વ્યક્તિનો જવાબ સાંભળીને આનંદથી કહ્યું, ‘બહોત અચ્છે. અલ્લાહ હાફિઝ.’

ફોન મૂકીને એ વિચારમાં પડી ગયો. એનો મૂળ દુશ્મન દિલબાગસિંઘ હતો. દેહવિક્રય સામે અલતાફને ભયાનક વિરોધ હતો. એણે શરૂઆતના વર્ષોમાં દિલબાગને સમજાવવાનો પ્રયત્ન કરેલો, પણ લોહી ચાખી ગયેલો દિલબાગ કંઈ માનવા તૈયાર નહોતો. અલતાફે દિલબાગ પર બેવાર જાનલેવા હુમલા કરાવેલા, જેમાં દિલબાગ તો બચી ગયો, પણ જવાબરૂપે વળતા હુમલામાં એણે અલતાફના માણસ ચાર્લીને અંધેરી ઈસ્ટના મુખ્ય રસ્તા પર દોડાવી દોડાવીને મારી નાખ્યો. ચાર્લી અલતાફનો ખાસ માણસ હતો, એના ભાઈ જેવો, એનો જમણો હાથ. ચાર્લીના મૃત્યુ પછી અલતાફે ગાંઠવાળી હતી, એ દિલબાગને નહીં, એની આજુબાજુના ટેકાને ઉડાવી રહ્યો હતો. અત્યાર સુધીમાં એણે દિલબાગના છ મહત્વના માણસો મારી નાખ્યા હતા. એના મહત્વના ક્લાઈન્ટ્સને બ્લેકમેઈલ કર્યા હતા અને દિલબાગના આલ્બમમાંથી કેટલીયે છોકરીઓને અલતાફે ભગાડી હતી. દિલબાગ થાકી ગયો હતો. એ પણ અલતાફના લોહીનો તરસ્યો હતો…

જે દિવસે ખબર પડી કે, દિલબાગના દીકરાને એક્સિડન્ટ થયો છે અને એ લાઈફ કેર હોસ્પિટલમાં છે ત્યારથી અલતાફ કોઈપણ રીતે મંગલસિંઘને પતાવી દેવાની તજવીજમાં હતો. એકનો એક દીકરો મરી જાય તો દિલબાગ સાવ નખ અને દાંત વિનાનો સિંહ થઈ જાય. એ પછી એની જિંદગી નકામી થઈ જાય, અલતાફને બસ એટલું જ જોઈતું હતું. આજે એણે એનો પ્લાન પણ બનાવી લીધો. બપોરે ચાર વાગ્યે શિફ્ટ બદલાય ત્યારે અલતાફનો માણસ હોસ્પિટલના યુનિફોર્મમાં દાખલ થઈ જવાનો હતો. બેહોશ મંગલસિંઘને મારી નાખવો જરાય અઘરો નહોતો. પ્લાન એ, ઓક્સિજનની પાઈપ કાઢી લેવી, પ્લાન બી, એને અપાઈ રહેલી ડ્રીપમાં ઝેરનું ઈન્જેક્શન નાખી દેવું…

અલતાફે ઘડિયાળ જોઈ. સાડા ત્રણ થયા હતા. અડધો કલાકમાં એને ‘ગુડ ન્યૂઝ’ મળવાના હતા. એકવાર મંગલસિંઘના મોતના સમાચાર આવે એટલે દિલબાગને ફોન કરીને એને હચમચાવી મૂકવા અલતાફ બેચેન થઈ ગયો હતો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *