પ્રકરણ – 9 | આઈનામાં જનમટીપ

‘તમે અહીંયા કોને મળવા આવ્યા છો?’ લાઈફ કેર હોસ્પિટલની બહાર એકઠા થયેલા મીડિયાના અનેક લોકોથી
બચવા માટે સનગ્લાસિસ અને હેટ પહેરીને ઉતરેલી શફક રિઝવીને ઓળખી લેતાં કોઈને વાર લાગી નહીં. મીડિયા
ટોળે વળી ગયું. ટેલિવિઝનના કેમેરા એની તરફ મંડાયા અને માઈક્સ કોઈ હથિયારની જેમ એનાં ઉપર ઝીંકાવા લાગ્યા.
શફક ગભરાઈ ગઈ. તેમ છતાં, નાર્વેકરે એને આપેલી સૂચના મુજબ એણે હિંમત એકઠી કરીને કહ્યું, ‘હું મંગલસિંઘ
યાદવને જોવા આવી છું’. આટલું સાંભળતાં જ મીડિયામાં ગરમાગરમી થઈ ગઈ. એક પછી એક સવાલો પૂછાવા
લાગ્યા, ‘શું સંબંધ છે તમારો એની સાથે? તમે અનેક વખત પાર્ટીમાં અને બીજે બધે સાથે દેખાઓ છો. આર યુ ઈન રિલેશનશિપ?’
આવા સવાલોના જવાબમાં શફકે ફરી એકવાર હિંમત એકઠી કરીને કહ્યું, ‘એ મારો મિત્ર છે.’ શફકનો ફ્રેક્ચર થયેલો હાથ
અને ચહેરા પર વાગ્યાના નિશાન પણ કઈ છુપાવી શકાય એવી સ્થિતિમાં નહોતા.
શફકે જ્યારે હોસ્પિટલ જવાની ના પાડી ત્યારે નાર્વેકરે એને કહ્યું હતું, ‘આ જ સમય છે, તારો પ્રેમ સાબિત
કરવાનો’.

‘પણ હું એને પ્રેમ નથી કરતી’ શફકે અકળાઈને કહ્યું હતું.
‘એ હું જાણું છું, તમે જાણો છો’. નાર્વેકરના ચહેરા પર એક ટિપિકલ પોલીસ જેવું સ્મિત આવી ગયું હતું,
‘મંગલસિંઘ પણ જાણે છે તેમ છતાં એને વિશ્વાસ થવો જોઈએ કે તમને એની ચિંતા છે, તમે એની કાળજી કરો છો,
એને પ્રેમ કરો છો’. કહીને નાર્વેકરે ઉમેર્યું હતું, ‘બે જ રસ્તા છે મેડમ. કાં તો અમારી મદદ કરો અને કાં તો અમારી પાસે
મદદ માગો.’
‘તમે મને…’ શફક ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી.

‘હા, હું તમને ધમકી આપું છું અને સાથે જ ચેતવણી પણ આપું છું કે, તમે અમારી પાસે મદદ માગશો ત્યાં
સુધીમાં મોડું થઈ ગયું હશે’. નાર્વેકરનો ચહેરો સખત થઈ ગયો, ‘ત્રણ માણસો કચડ્યા છે એણે. તમે સાથે હતા એટલું
જ સાબિત થશે તો…’ નાર્વેકરે ફરી સમજાવતો હોય એમ કહ્યું, ‘પ્લીસ કો-ઓપરેટ. એનાથી તમારું અને મારું બંનેનું
કામ સરળ થઈ જશે’.
આ બધું સાંભળી રહેલી અમીનાએ પૂછ્યું, ‘એ બેબીની સાથે જે કરે એનું…’ એનો અવાજ પણ ઊંચો થઈ
ગયો, ‘હું તમને વિનંતી કરું છું કે, બેબીને છોડાવો અને તમે વધારે ધકેલો છો’.
‘ધકેલતો નથી, પૂરાવા એકઠા કરવા માટે એની નજીક મોકલું છું. તમારી બેબીને કાયમ માટે છૂટવું હોય તો થોડોક વખત માટે
નજીક થવું પડશે. બાકી આજે પોતે એને મન ફાવે તેમ રગદોળે છે. કાલે એના મિત્રો અને ક્લાયન્ટ્સ પાસે મોકલતા અચકાશે નહીં એટલું ધ્યાન રાખજો’ હવે નાર્વેકરને ખૂલ્લું બોલ્યા વગર છૂટકો નહોતો. શફક સહેમી ગઈ. એ સમજતી હતી કે, નાર્વેકર
જે કહેતો હતો એ વાતમાં તથ્ય હતું. સારી સારી મોડલ અને ફિલ્મની અભિનેત્રીઓને મંગલસિંઘના એક ફોન પર એનું
કહ્યું કરવું પડતું… આ શફકથી અજાણ્યું નહોતું.

અંતે એણે નાર્વેકરની સાથે કો-ઓપરેટ કરવાનું નક્કી કરીને લાઈફ કેર હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પગ મૂક્યો
હતો. એ સારી અભિનેત્રી હતી જ, ચહેરા પર દેખાતા વાગ્યાના નિશાન અને હાથમાં ફ્રેક્ચર સાથે મીડિયાની સામે
હાજર થઈને એ સૌને એક વણબોલી ધમકી આપી રહી હતી. એ વાત એને નાર્વેકરે સમજાવી, ત્યારે સમજાઈ હતી.

*

મીડિયામાં દેખાતા એના ન્યૂઝ જોઈને મંગલસિંઘ યાદવ હોટેલના રૂમમાં બરાડ્યો, ‘આ બાઈ પોતાનું મોત
માગી રહી છે… એ શું કામ આવી છે હોસ્પિટલ?’ એટલું કહીને એણે ફરીથી બૂમ પાડી, ‘જિતા વો ઉપર નહીં જાની
ચાહિએ, ઉસકો વહીં રોક દો’. વિક્રમજિતે મંગલસિંઘને ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો, ‘જાને દો ના સર! ક્યા કર લેગી?’
દિલબાગ ઊભો થઈ ગયો. એણે વિક્રમજિતના બંને કોલર પકડી લીધા, ‘મને સલાહ આપીશ? આ છોકરી મારા દીકરા
સુધી ના પહોંચવી જોઈએ.’ વિક્રમજિત સહેજ દઘાઈ ગયો. એ કંઈ બોલે તે પહેલાં શ્યૂટ રૂમના દરવાજે ટકોરા પડ્યા.
પહેલો એજન્ટ આવી પહોંચ્યો હતો. દિલબાગે એના કોલર છોડી દીધા. વિક્રમજિતે જઈને દરવાજો ખોલ્યો. અહીં
એક પછી એક માણસો આવવા લાગ્યા. દિલબાગના એજન્ટ્સ આખા મુંબઈમાં ફેલાયેલા હતા. દિલ્હી, ચેન્નાઈ,
બેંગ્લોર, હૈદરાબાદ અને દેશના અનેક મોટા શહેરોમાં એનો ધંધો વિસ્તરેલો હતો, પણ આજે મુંબઈના એજન્ટ્સ જોડે
મિટિંગ હતી. હોટેલની નીચેના પાર્કિંગમાં મોંઘી ગાડીઓની કતાર લાગી ગઈ હતી. બ્રાન્ડેડ કપડાં, પરફ્યૂમ્સ,
સનગ્લાસિસ પહેરેલા આ લોકોને જોઈને એક સેકન્ડ માટે પણ એવું લાગે નહીં, આ લોકો દેહવિક્રયના-ફ્લેશટ્રેડના
ધંધા સાથે સંકળાયેલા હશે! અહીં મિટિંગ શરૂ થવાની તૈયારીમાં હતી. દિલબાગ બેચેન હતો. એ કોઈપણ રીતે શફક
રિઝવીને એના દીકરા સુધી પહોંચતી અટકાવવા માગતો હતો…

*

શફક આઈસીયુના ફ્લોર પરથી લિફ્ટમાંથી બહાર નીકળી. મીડિયાના ટોળાંને હોસ્પિટલના રિસેપ્શન પર જ
રોકી દેવામાં આવ્યું હતું. આઈસીયુની બહાર પોતાના સેન્ડલ ઉતારીને શફક કાચનો દરવાજો ખોલીને દાખલ થવા
જતી હતી કે આઈસીયુની ડ્યુટી પર હાજર ડૉક્ટરે એને રોકી, ‘યસ મેડમ?’
‘આઈ એમ શફક રિઝવી’ પોતાની ટેવ મુજબ એણે કહ્યું.
‘આઈ અન્ડરસ્ટેન્ડ, પણ અહીં અંદર દાખલ થવા માટે તમારે પરમિશનની જરૂર પડશે’.
‘પરમિશન? કોની?’ શફક હજી પોતાના સ્ટારર્ડમના નશામાં હતી.
‘મારી અને પોલીસની બંને’.
‘હું એક દર્દીની ખબર જોવા આવી છું… એમાં વળી…’
‘આ સામાન્ય દર્દી નથી મેડમ, મંગલસિંઘ યાદવ છે, મોસ્ટ વોન્ટેડ અને અત્યારે જીવન-મરણની વચ્ચે ઝોલા
ખાઈ રહ્યો છે. એમ ગમે તેને મળવા ન દઈ શકાય. તમે એના સગાં છો?’ ડૉક્ટરે પૂછ્યું.
‘ના…’ હવે શફક અચકાઈ, ‘ફ્રેન્ડ છું’.

‘એની તબિયત સુધારા પર છે, પણ હજી ખતરાની બહાર નથી’ ડૉક્ટરે કહ્યું અને પછી થોડેક જ દૂર બેઠેલા
કોન્સ્ટેબલને બતાવીને કહ્યું, ‘અહીં પોલીસ પહેરો છે. અંદર નહીં જઈ શકાય.’
શફક અટકી ગઈ. હજી ડૉક્ટર અને શફક વચ્ચેની વાતચીત ચાલી રહી હતી એ દરમિયાન એક માણસ મેડિકલ
એપ્રન પહેરીને, મોઢા પર માસ્ક, હાથમાં ગ્લવ્સ અને વાળને કવર કરતી કેપ પહેરીને આઈસીયુના દરવાજામાંથી અંદર
દાખલ થયો. આમ તો એની બે આંખો જ દેખાતી હતી, પરંતુ એણે દાખલ થતી વખતે શફક સામે જે રીતે જોયું
એનાથી શફકની સ્મૃતિનું એક બટન દબાઈ ગયું. આ આંખો… આ આંખો શફકે પહેલાં ક્યાંક જોઈ હતી. એનું મગજ
કામે લાગ્યું, કોણ હતો આ માણસ? મને કેમ એવું લાગ્યું કે મેં એને પહેલાં ક્યાંક જોયો છે. શફક વિચારતી રહી.
દરમિયાનમાં એ માણસ દરવાજો ખોલીને અંદર દાખલ થયો. એના હાથમાં પકડેલી મેડિકલ ટ્રે અને હોસ્પિટલનો
ગાઉન જોઈને ડૉક્ટરને પ્રશ્નો પૂછવાની જરૂર લાગી નહીં. વળી, એણે માથું નમાવીને ડૉક્ટરનું અભિવાદન કર્યું. એટલે
એ હોસ્પિટલનો જ સ્ટાફ હશે એમ ધારીને કાચનો દરવાજો રોકીને ઊભેલો ડ્યૂટી પરનો ડૉક્ટર સહેજ ખસી ગયો. દૂર
બેઠેલા કોન્સ્ટેબલે આ જોયું, પણ યુનિફોર્મ પહેરેલો હતો અને ડૉક્ટર એને ઓળખતો જ હશે એમ માનીને એણે પણ
ઝાઝી ચિંતા કરી નહીં.

શફક હજી વિચારી રહી હતી કે, એણે આ માણસને ક્યાં જોયો હતો. એની આંખોમાં કંઈક એવું હતું જે
શફકની સિક્સ્થ સેન્સને જગાડી ગયું હતું. એણે બહાર ઊભેલા ડૉક્ટર સાથે દલીલો ચાલુ રાખી, ‘મારે બે જ મિનિટ
મળવું છે.’ ચોરીછૂપીથી આઈસીયુના ફ્લોર પર આવી ગયેલા એક-બે મીડિયાના માણસો પોતાના મોબાઈલમાં વીડિયો
ઉતારી રહ્યા હતા જે શફકની નજરમાં આવી ગયું હતું, પરંતુ એને રોકવામાં અટવાયેલા ડૉક્ટરને એ દેખાતું નહોતું.
શફકે જરા ઓવરએક્ટિંગ કરી નાખી, ‘પ્લીઝ મને એને મળવા દો. મારે જોવો છે એને, એક નજર…’ શફકની
આંખોમાં આંસુ આવી ગયાં. એણે બે હાથ જોડ્યા, ‘પ્લીઝ…’ આ બધું વીડિયોમાં રેકોર્ડ થઈ રહ્યું હતું અને ઝડપથી
બ્રેકિંગ ન્યૂઝ તરીકે મીડિયામાં ફેલાઈ જવાનું હતું એની શફકને ખાતરી હતી, ‘હું કંઈ જ નહીં કરું, બસ એને જોઈને
નીકળી જઈશ’. હાથ જોડીને એ વિનંતી કરતી રહી.
આ બધું ચાલતું હતું ત્યાં સુધીમાં કોન્સ્ટેબલ નજીક આવી ગયો હતો. ‘મેડમ, એક સેલ્ફી!’ એણે કહ્યું અને ફોન
હાથમાં લઈને શફક હા-ના કરે એ પહેલાં બે-ચાર ફોટા પાડી લીધા. પછી ડૉક્ટર સામે જોઈને કહ્યું, ‘જાઉ દે, મળવા જ
આવી છે ને’ એણે શફકને કહ્યું, ‘દોન મિનિટ હાં’ શફક ડોકું હલાવીને કાચનો દરવાજો ધકેલીને દાખલ થઈ.
મંગલસિંઘના બેડની આજુબાજુ પડદો પાડેલો હતો. ડૉક્ટર ઝડપથી આગળ ચાલતો આઈસીયુમાં પ્રવેશ્યો
અને એણે પડદો હટાવ્યો કે એની આંખો પહોળી થઈ ગઈ. એની ચીસ ગળામાં જ અટકી ગઈ. હજી હમણાં જ જે
માણસ દાખલ થયો હતો, એણે મંગલસિંઘની ઓક્સિજનનું માસ્ક કાઢી નાખ્યું હતું. માસ્ક હાથમાં પકડીને એ
મંગલસિંઘની સામે જોતો ઊભો હતો. ઊંડા ઊંડા શ્વાસ લેતો મંગલસિંઘ જીવવા માટે તરફડિયાં મારી રહ્યો હતો.
પાછળ આવી પહોંચેલી શફકે આ જોયું. જે ક્ષણે એણે આ દૃશ્ય જોયું એ ક્ષણે જ એને યાદ આવી ગયું કે, આ માણસ
કોણ હતો. એણે પોતાની આગળ ઊભેલા ડૉક્ટરનો ખભો પકડીને હચમચાવ્યો, ‘આ… આ… અલતાફનો માણસ છે.
તે દિવસે આ જ પાછળ પડ્યો હતો. એને કારણે જ અમારે ગાડી ભગાવવી પડી…’ શફક એક શ્વાસે બોલી રહી હતી.
ત્યાં સુધીમાં પેલો માણસ બહાર નીકળવાનો રસ્તો શોધતો હતો, પરંતુ શફકની બૂમો સાંભળીને આવી પહોંચેલા
કોન્સ્ટેબલે એને પકડી લીધો. ડૉક્ટરે પણ એને બીજી બાજુથી પકડવાનો પ્રયત્ન કર્યો. મેડિકલ એપ્રનના ખીસ્સામાં
રાખેલું સ્કાલપેલ કાઢીને એ માણસે કોન્સ્ટેબલના હાથમાં મોટો ચીરો પાડી દીધો. ધડધડાટ લોહી વહેવા લાગ્યું, ‘આઈ
ગ…’ની બૂમ પાડીને કોન્સ્ટેબલ નીચે બેસી ગયો. પેલા એ ડૉક્ટરને સ્કાલપેલ બતાવ્યું એટલે ડૉક્ટરે એનો હાથ છોડી
દીધો. એ માણસ ડૉક્ટરને ધક્કો મારીને સડસડાટ આઈસીયુની બહાર નીકળી ગયો. કોન્સ્ટેબલની ચીસ પાડીને અંદર
આવી પહોંચ્યો. બહાર બેઠેલો બીજો કોન્સ્ટેબલ પણ અંદર આવી પહોંચ્યો, પરંતુ ડૉક્ટરના યુનિફોર્મમાં બહાર
નીકળતો માણસ ખૂની હોઈ શકે એવી એને કલ્પના પણ નહોતી. એ માણસ કોન્સ્ટેબલની સામેથી જ બહાર નીકળ્યો
અને ઝડપથી સીડી ઉતરીને હોસ્પિટલના મેઈન ગેટ પર ઊભેલા મીડિયાને ચીરતો બહાર નીકળી ગયો.

કોન્સ્ટેબલના હાથમાંથી વહેતું લોહી રોકવાનો પ્રયત્ન કરતા ડૉક્ટરે રૂનો ગોઝ દબાવ્યો અને ફર્સ્ટ એઈડ બોક્સ
માટે બૂમ પાડી. બીજી તરફ, શફકે મંગલસિંઘનું ઓક્સિજન માસ્ક સરખું કર્યું અને એના માથા પર હાથ ફેરવ્યો. આ
બધી બૂમાબૂમથી હોય કે પછી પોતાના જીવ પર આવી પડેલા આ ભયાનક જોખમથી એની ભીતરની કોઈ ડિફેન્ડ
મિકેનિઝમ જાગી ગઈ હોય, એમ મંગલસિંઘે આંખ ખોલી નાખી. સામે ઊભેલી શફકને પોતાના ચહેરા પર
ઓક્સિજન માસ્ક મૂકતી જોઈને મંગલસિંઘની આંખોમાં એક ક્ષણ માટે આભારવશતાની લાગણી દેખાઈ… એ અર્ધ
બેહોશ હતો, પરંતુ એટલું ચોક્કસ સમજી શક્યો કે, કોઈક એને મારવા આવ્યું હતું અને શફકે એનો જીવ બચાવ્યો.
થોડીક ક્ષણો એની આંખો ખુલ્લી રહી અને ફરી પાછી મીચાઈ ગઈ, પરંતુ એ દરમિયાન બનેલાં દૃશ્યો એની સ્મૃતિમાં
અકબંધ સચવાઈ ગયાં.

*

‘ગયા ક્યા?’ અલતાફે પૂછ્યું.
‘નહીં સા’બ, બચ ગયા’. અલતાફના માણસે કહ્યું, ‘રાઈટ ટાઈમ પે વો લડકી આ ગઈ.’
‘કૌન લડકી?’ અલતાફે પૂછ્યું.
‘અરે વો એક્ટર…’ પોતાની જ નિષ્ફળતાથી ઉશ્કેરાયેલા માણસે જવાબ આપ્યો, ‘શફક રિઝવી’.
‘ઉસકો ભી ઉડા દેતે સાલી કો’ અલતાફ ખૂબ ચિડાઈ ગયો હતો. એ મંગલસિંઘના મૃત્યુના સમાચારની રાહ
જોઈને બેઠો હતો. એને બદલે એના માણસે એના બચી ગયાના સમાચાર આપીને એની આશા પર પાણી ફેરવ્યું હતું,
‘અબ?’ એણે પૂછ્યું. પછી પોતે જ કહ્યું, ‘અબ સિક્યોરિટી બઢા દેગેં, ચૌકન્ને હો જાયેંગે સબ’. એણે ગાળ બોલીને
ઉમેર્યું, ‘તુમને સારા ખેલ બિગાડ દિયા.’ આજે જે કામ ન થઈ શક્યું એ હવે ક્યારે અને કેવી રીતે કરવો એનો નવો
પ્લાન બનાવવામાં અલતાફનું મગજ કામે લાગ્યું.

*

એજન્ટ્સની મિટિંગ ચાલુ હતી એ દરમિયાનમાં એક ફોન આવ્યો. વિક્રમજિતે ફોન ઉપાડ્યો. ફોન પરના
સમાચાર સાંભળતા જ વિક્રમજિતનો ચહેરો તંગ થઈ ગયો. જડબાં ભીંસાઈ ગયા અને મુઠ્ઠી વળી ગઈ. એને જોઈ
રહેલા દિલબાગે નજરથી જ પૂછ્યું, વિક્રમજિતે એનો કોઈ જવાબ ન આપ્યો, પણ એણે કહ્યું, ‘મેં અભી આતા હૂં’.
એટલું કહીને દિલબાગનો જવાબ સાંભળ્યા વગર એ હોસ્પિટલ જવા રવાના થઈ ગયો. અહીં એજન્ટ્સની મિટિંગ
પહેલાં થયેલા નિર્ણય મુજબ વિક્રમજિતને હટાવવાનો જે પ્લાન હતો એ કોઈ પ્રયત્ન વગર જ પૂરો થઈ ગયો.
દિલબાગના એજન્ટ્સ, એની દાદાગીરી, તોછડાઈ અને વધતા જતા કમિશનથી અકળાયા હતા. ધંધો એ બધા
સંભાળતા અને દિલબાગ માત્ર ક્લાયન્ટ લાવવાના મોં માગ્યા દામ લેતો, એ વાતે ભયાનક અસંતોષ વ્યાપ્યો હતો
મુંબઈના એજન્ટ્સમાં. સૌએ નક્કી કર્યું હતું કે, આજે દિલબાગ સાથે ફેંસલો કરી નાખવો, પણ વિક્રમજિત એનો
પડછાયો હતો. વિક્રમજિત હાજર હોય ત્યારે દિલબાગને નુકસાન પહોંચાડવું શક્ય નહોતું. મૂળ વિચાર એવો હતો કે,
વિક્રમજિતને કોઈક બહાને બહાર મોકલવો અને પછી દિલબાગના લમણે પિસ્તોલ મૂકીને ધાર્યું કરાવી લેવું.
આજે તો બગાસું ખાતા પતાસું પડ્યું હતું. સામે બેઠેલા 14 જણાંની 28 આંખોએ આપસમાં વાત કરી લીધી
અને એમાંનો એક માણસ, રમીઝ ઊભો થઈ ગયો. એણે પોતાની અંડરવેરમાં છુપાવી રાખેલી નાની લીલીપુટ બહાર
કાઢી અને દિલબાગના લમણે મૂકી દીધી, ‘આજ સે તેરા રાજ ખતમ.’ એણે કહ્યું. ડઘાયેલો, બાઘો બની ગયેલો
દિલબાગ ઘડીકમાં પિસ્તોલ તરફ તો ઘડીકમાં ત્યાં બેઠેલા બાકીના તેર જણાં તરફ જોતો રહ્યો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *