પ્રતિશોધનો પર્યાય હિંસા છે?

હમણાં જ રજૂ થયેલી ફિલ્મ ‘એનિમલ’માં આદિમાનવના સમયમાં શિકારી અને હિંસક
પુરુષને સ્ત્રીઓ કેમ ચાહતી એની એક વિચિત્ર સાયકોલોજીનું વિવરણ આપવામાં આવ્યું છે. ‘આલ્ફા’
મેલ તરીકે ગ્લોરિફાય કરવામાં આવેલા પુરુષનું આ ચિત્ર સાંભળીને આશ્ચર્ય થાય, પરંતુ આપણે ત્યાં
આ કથાઓ નવી નથી. સહેજ પાછા ફરીને જોવાની જરૂર છે. છેક રામાયણકાળથી, એટલે કે
પુરાણોના સમયથી શરૂ કરીને આજ સુધી ભારતીય જનમાનસ હિંસક અને લોહિયાળ વાર્તાઓનું
ચાહક રહ્યું છે. વિચારીએ તો સમજાય કે, રામાયણ અને મહાભારત એક આદર્શ પુત્ર, પતિ, કુળવાન
રાજકુમારો અને પતિવ્રતા પત્નીઓની કથા તો કહે જ છે, પરંતુ સાથે સાથે જેને આપણે આપણા
મહાકાવ્યો કહીને એના પાત્રોને ‘ઈશ્વર’નો દરજ્જો આપ્યો છે એ કથાઓ પણ રક્તરંજિત
પ્રતિશોધની કથાઓ છે. આપણે આ કથાઓના મનફાવતા અર્થ કાઢીને આપણને અનુકૂળ પડે એ રીતે
આપણે એને ગોઠવી લીધી છે. રાવણે રામ સાથે દુશ્મની કરી કારણ કે, એને ઈશ્વરના હાથે મરીને
મોક્ષ જોઈતો હતો… કે પછી, અભિમન્યુના મૃત્યુનો પ્રતિશોધ જયદ્રથનો વધ હોય, કે દ્રૌપદીના
અપમાનનો પ્રતિશોધ, દુઃશાસનના લોહીથી ભીંજવેલા વાળ… આમાં ક્યાંય શાંતિ, સ્નેહ કે ક્ષમાની
કથાઓ નથી.

આપણે સનાતન ધર્મ-હિન્દુત્વ પાળીએ છીએ, પરંતુ આપણા ધર્મની ધરોહર, પરંપરા કે
પાયામાં રહેલા સિધ્ધાંતો વિશે આપણે કશું જાણતા નથી. પાપ અને પુણ્યની આપણી પોતાની
આગવી વ્યાખ્યાઓ છે. અડકવાથી અભડાઈ જવાય અને દૂધ ઉભરાય તો અપશુકન થાય જેવી
અંધશ્રધ્ધામાં આપણે ખૂબ વિશ્વાસ કરીએ છીએ, પરંતુ એની સામે આપણા ધર્મએ શીખવેલું શૌર્ય,
સત્ય અને સ્વધર્મના પાલન માટે મરી ફીટવાની ભાવના ક્યાંય દબાઈ-ખોવાઈ ગઈ છે. સ્વજનના
મૃત્યુ પછી ઘરમાં ભગવદ્ ગીતા વંચાય છે, સહુ બેસીને વાંચે પણ છે, પરંતુ આપણામાંના કેટલા
‘ગીતા’ સમજે છે? જીવનમાં કેટલા ઉતારી શકે છે? ‘ન હન્યતે હન્યમાને શરીરે’ શરીર હણાય છે,
આત્મા હણાતો નથી-આ વાતને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને આપણા ધર્મમાં કહેલી
ક્ષમા અને દંડની વાત, ન્યાય-અન્યાયના ત્રાજવાં અને ધર્મ-અધર્મની વ્યાખ્યા સ્પષ્ટ થાય. અહીં તો,
માન-અપમાનની વ્યાખ્યાઓ આપણે જાતે નક્કી કરી લીધી છે. લાર્જર પરસ્પેક્ટિવ-વિશાળ
પરિપ્રેક્ષ્યમાં વિચારવાનું હવે આપણે ભૂલવા લાગ્યા છીએ. જનસામાન્યનું કલ્યાણ અથવા ધર્મની
વ્યાખ્યાને વિસ્તૃત વિચારમાં મૂકવાનું હવે આપણને આવડતું નથી. પિતા ઉપર ગોળી ચલાવનારને
ખતમ કરવો, એ કોઈ ‘પ્રતિશોધ’ નથી, એ જાતે નક્કી કરી લીધેલા ન્યાય-અન્યાયના નિયમોને પોતાને
ફાવે તે રીતે તોડી-મરોડીને સામેની વ્યક્તિને સજા આપવાનો પોતાનો આગવો રસ્તો છે. એને
‘પ્રતિશોધ’ સાથે કોઈ નિસ્બત જ નથી આ વાત નવી પેઢીને કેવી રીતે સમજાવી શકાય? બાબરી
મસ્જિદ તૂટે ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોમાં માત્ર વિધર્મીઓ જ હતા એ વાતને પ્રામાણિક મુસલમાન
સાબિત કરી શકશે? જ્યારે જ્યારે બે ધર્મના લોકો સામસામે આવીને ઊભા રહી જાય છે ત્યારે, એક
પરિવારના બે લોકો સામસામે ઊભા રહે છે ત્યારે એનો ઉદ્દેશ શું છે એ બહુ મહત્વની વાત છે.
મહાભારતના યુધ્ધની પહેલાં અર્જુન અને દુર્યોધન એક સાથે કૃષ્ણ પાસે મદદ માગવા જાય છે એ કથા
સહુ જાણે છે, ત્યારે કૃષ્ણ કહે છે, ‘એક તરફ હું છું ને એક તરફ મારી સેના.’ અહીં સવાલ એ છે કે,
કૃષ્ણ પોતાના વિશે નિર્ણય ચોક્કસ કરી શકે, પરંતુ એમની સેનાને કઈ તરફથી લડવું છે એનો નિર્ણય
કરવાનો અધિકાર ખરેખર કોઈ પાસે હતો ખરો? કૃષ્ણની નારાયણી સેનામાં કદાચ કોઈ હોય જેને ધર્મ
તરફથી, પાંડવ તરફથી યુધ્ધ કરવું હોય તો એ નિર્ણય કરવાનો અધિકાર એને મળે કે નહીં? આ પ્રશ્ન
કોઈએ ક્યારેય, કોઈને પૂછ્યો નથી… દ્રૌપદીએ દુઃશાસનના રક્તમાં વાળ ભીંજવવાનો પ્રતિજ્ઞા કરી તો
એ પાંડવોનો અંગત પ્રતિશોધ હતો, પત્નીની રક્ષા કરવી એ તો પતિનો ધર્મ છે એને માટે લાખો
લોકોનું રક્ત વહાવી શકાય કે નહીં, એ નિર્ણય કોણ કરે? એને દાવમાં મૂકનાર પતિને દ્રૌપદી ક્ષમા કરે
અને હારી ગયા પછી જાંઘ પર બેસવાનું નિમંત્રણ આપનાર પુરુષને સજા મળે, એ સાચા અર્થમાં
ન્યાય છે?

આ પ્રશ્નો કદાચ કોઈની ધાર્મિક માન્યતાને દુભવે… કોઈ પાસે કદાચ આની એવી
સમજૂતી હોય કે આ બધું નિશ્ચિત અને નિયતિને આધિન હતું, તો સવાલ એ થાય, કે બધું જ
નિયતિને આધિન હોય તો કર્મનું ફળ કયા આધારે મળે છે?

કર્મનું ફળ એ પસંદગીનું પરિણામ છે. પસંદગી, વ્યક્તિની માનસિકતા, સાર-અસારની
સમજ, વિવેકબુધ્ધિ, શુધ્ધતા, પ્રામાણિકતા, સંસ્કાર અને ક્ષમા આપી શકવાની શક્તિ પર આધારિત
છે. પ્રતિશોધ-અંગત હોય ત્યારે શત્રુનું રક્ત વહાવવું એ પાપ છે. અત્યારે જે કથા ‘મનોરંજન’ના નામે
કહેવાઈ રહી છે એ બધી કથાઓ નિયમો અને ધર્મને એક બાજુએ મૂકીને પોતાના અંગત વેર અને
ક્રોધના પ્રતિશોધ માટે ‘કંઈ પણ’ કરવું યોગ્ય જ છે એવું શીખવી રહી છે. ભારતીય શાસ્ત્રો કહે છે ‘શત્રુ
બુધ્ધિ વિનાશાય’ (શત્રુ વિનાશાય નહીં) જ્યારે અંગ્રેજો આપણને શીખવીને ગયા, ‘એવરીથિંગ ઈઝ
ફેર ઈન લવ એન્ડ વૉર!’ આપણે આપણી પરંપરા ભૂલીને મનોરંજનના નામે મૂર્ખતા તરફ જઈ રહ્યા
છીએ.

આપણા શાસ્ત્રોમાં યુધ્ધ સમયે શસ્ત્ર વાપરવાના નિયમો છે. બ્રહ્માસ્ત્ર, પાશુપતાસ્ત્ર,
વરુણાસ્ત્ર, અગ્ન્યાસ્ત્ર વાપરતાં પહેલાં એ શસ્ત્રને પ્રણામ કરવા પડે, એની સ્તુતિ કરવી પડે. આપણો
ધર્મ કહે છે કે, નિર્દોષ, સ્ત્રી, ગાય, બાળક કે શરણે આવેલા ઉપર શસ્ત્ર વાપરવું એ પાપ છે. આપણે
આ હિંસક સિનેમા અને શિકારી-વિકૃત પુરુષની છબિ દ્વારા આપણા પછીની પેઢીને વિકૃતિ અને
હિંસાનો વારસો આપી રહ્યા છીએ. એક તરફથી વિકાસ કરી રહ્યા છીએ. ટેકનોલોજી આપણા
જીવનનો હિસ્સો બનતી જાય છે અને બીજી તરફ આપણામાં રહેલી પાશવીવૃત્તિ, હિંસા અને
લોહીતરસી માનસિકતાને ભડકાવતી કથાઓ સિનેમાના પડદે રજૂ કરવામાં આવે છે ત્યારે આપણા
પછીની પેઢીને આપણે શું આપી રહ્યા છીએ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *