પ્રેમ, પ્રણય, પરિણય અને લફરાં પ્રકરણ

થોડા વખત પહેલાં અખબારમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા, ’65 વર્ષના એક દાદાનું
30 વર્ષ જૂનું પ્રેમ પ્રકરણ ખૂલ્યું. પત્નીએ પ્રેમ પત્રો વાંચ્યા અને ચક્કર આવતા ફસડાઈ પડી.’ એ
પછી જે કંઈ બન્યું એ વિશેની ઘણી બધી વિગતો એ સમાચારમાં હતી. એવી જ રીતે એક બીજા
વૃધ્ધની યુવા સ્ત્રીઓ સાથેની ન્યૂડ ચેટ વિશે પણ સમાચાર પ્રકાશિત થયા. આ માત્ર એક પરિવારની
કથા નથી, કદાચ!

આપણે સત્ય જાણતા નથી, પરંતુ જો તપાસ કરીએ તો કદાચ આશ્ચર્યચકિત થઈ જવાય,
એવા અને એટલા આંકડા આવા સમાંતર જીવનના આપણા દેશમાં મળી આવે. આ દેશમાં લગ્નો,
કુંડળી, કારકિર્દી, પારિવારિક પ્રતિષ્ઠા અને પેઢીના સંબંધો જોઈને કરવામાં આવે છે. બે લોકો એકબીજા
સાથે કોમ્પિટેબલ છે કે નહીં-જીવનસાથી તરીકે એ સંબંધ એકમેક સાથે જીવવા માટે યોગ્ય છે કે નહીં,
એવો વિચાર તો કદાચ સૌથી છેલ્લે કરવામાં આવે છે. કેટલીય જ્ઞાતિઓમાં આજે પણ બાળપણમાં
સગાઈ કરી નાખવામાં આવે છે, જ્યારે બંને પાત્ર યુવાન થાય ત્યારે એમનું શિક્ષણ, વિચારો અને
એમના મનની સ્થિતિ શું છે એવું સમજવાની વડીલોને ફીકર હોતી નથી. ‘સમાજમાં કેવું લાગે?’
અથવા ‘લોકો શું કહેશે?’ની લ્હાયમાં બે યુવાજીવન હોમી દેતા આજના સમયમાં પણ માતા-પિતા
અચકાતાં નથી. એક તરફથી આપણે ચંદ્ર ઉપર યાન મોકલીએ છીએ. પ્રધાનમંત્રીને રોબોટ, ચા અને
સેન્ડવિચ પીરસે છે, ટેકનોલોજીની દુનિયા વધુને વધુ અદ્યતન સગવડની સામગ્રી ઊભી કરતી જાય છે
તેમ છતાં, આપણી માનસિકતામાં કોઈ પરિવર્તન આવતું નથી, એ કેટલી દુઃખદ વાત છે!

આજે પણ આપણા દેશમાં મોટાભાગના ઘરોમાં દીકરી પતિ કરતાં ઓછું ભણેલી હોવી
જોઈએ એવી દ્રઢ માન્યતા છે. સ્ત્રી પુરુષ કરતાં વધુ કમાય કે વધુ સફળ હોય એ એના પતિને કદાચ,
મંજૂર હોય તો પણ સમાજને અને પરિવારને એમાં વાંધો પડે છે. પતિ કદાચ, ઉદાર હૃદયનો હોય તો
પણ એનું મગજ ફેરવી નાખતા પરિવારને વાર નથી લાગતી… પતિ-પત્ની વચ્ચેના અણબનાવ હવે
એટલી સામાન્ય બાબત બની ગયા છે કે, ઘર ઘરમાં પહેલાં સાસુ-વહુના ઝઘડા હતા, હવે પતિ-
પત્નીના ઝઘડા છે.

જ્યાં પ્રેમ નથી, મનદુઃખ છે, મતભેદ છે, એકબીજા પરત્વે આદર નથી ત્યાં શારીરિક સંબંધ
પણ ધીરે ધીરે મુશ્કેલ બનતો જાય છે. એકબીજા માટે પ્રેમ કે આદર ન હોય ત્યારે સંભોગમાં પણ એ
ઉષ્મા કે સ્નેહ રહેતા નથી, જેને કારણે બંને અથવા બેમાંથી એકને અતૃપ્તિનો અનુભવ થાય છે.
ડોમેસ્ટિક વાયોલન્સ માત્ર પુરુષના પક્ષે છે એવું નથી હવે સ્ત્રીઓ પણ માનસિક અને શારીરિક
અત્યાચાર કરતી થઈ છે. એક અગત્યની બાબત એ પણ છે કે, સતત એકમેક પર શંકા કરતાં પતિ-
પત્નીમાંથી એક જણ અંતે લગ્નેતર સંબંધની ખોજમાં નીકળી પડે છે. સોશિયલ મીડિયા, સ્કૂલના રિ-
યુનિયન, સહકર્મચારી કે ડેટિંગ એપ પર હવે આવા સંબંધો જથ્થાબંધ ભાવે ઉપલબ્ધ છે.

જ્યાં મનમેળ ન હોય ત્યાં જીવવાનો કોઈ મતલબ નથી એવું લગભગ દરેક વ્યક્તિને લાગે છે.
પોતાના જીવનસાથી પાસેથી લગભગ દરેક વ્યક્તિની એક સામાન્ય અપેક્ષા પ્રેમ અને કાળજીની હોય
છે, જ્યારે એ અપેક્ષા પૂરી નથી થતી ત્યારે કોઈપણ વ્યક્તિ-સ્ત્રી કે પુરુષ પોતાના લગ્ન સંબંધની
બહાર એ પ્રેમ અને કાળજી શોધવા પહેલું પગલું ભરે છે. લગ્નેતર સંબંધની વકીલાત કરવાનું કે
લગ્નમાં ચિટીંગ-છેતરપિંડી, સમાંતર સંબંધ કે લફરાંને સાચા ઠેરવવાનો-જસ્ટીફાઈ કરવાનો કોઈ
ઈરાદો નથી, પરંતુ આપણે બધાએ સમજવું જોઈએ કે બે વ્યક્તિ જ્યારે લગ્ન કરે છે ત્યારે એમના
સપનાં એકબીજા સાથે વૃધ્ધ થવાના અને એક સુંદર પરિવાર ઊભો કરવાના જ હોય છે. બેમાંથી જે
પહેલું કંટાળે, ત્રાસે કે થાકી જાય એ પોતાના ‘સુખ’ માટે કદાચ લગ્નેતર સંબંધ તરફ ઢસડાય છે.

દરેક લગ્નેતર સંબંધ ‘લફરું’ જ છે, એમાં માત્ર સેક્સ-શરીરનું સુખ કે આકર્ષણને કારણે જ એ
સંબંધ બંધાયો છે એવું માનવાનું કોઈ કારણ નથી. કેટલીકવાર લગ્નેતર સંબંધ લગ્ન કરતાં પણ વધુ
મજબૂત અને એકમેકને સપોર્ટ આપતો, લગ્ન કરતાં પણ વધુ અંગત અને પ્રેમાળ સંબંધ હોઈ શકે છે.
જિંદગીમાં દરેક પાત્ર આપણને યોગ્ય સમયે મળે જ એવું ન બને, ક્યારેક કેટલાક લોકો સમય વિતી
ગયા પછી એકમેકને મળે તો એ સંબંધને નકારવાની પરિસ્થિતિમાં વ્યક્તિ કે નિયતિ બંને ન હોઈ શકે,
ત્યારે એ સંબંધ લગ્નની બહારનો… લગ્નેતર કહેવાય. પરંતુ, જેને આપણે ‘એકસ્ટ્રા મેરિટલ’ તરીકે
ઓળખીએ છીએ એમાં એકસ્ટ્રા તો કશું હોતું જ નથી, બલ્કે મોટાભાગના કિસ્સામાં તો જિંદગીમાં
કશું ખૂટતું હોય છે ત્યારે આવો સંબંધ બંધાય છે. આવા સંબંધમાં ગૂંચવણ એ હોય છે કે,
જીવનસાથીને જવાબદારી અને માતા-પિતાની પ્રતિષ્ઠા, સમાજના ભયથી છોડી શકાતા નથી અને
જ્યાં પ્રેમનો-હૃદયનો સંબંધ છે ત્યાંથી છૂટી શકાતા નથી. આવા લોકો સાચે જ જીવનમાં ખૂબ
પીડામાંથી પસાર થતા હોય છે… લોકો ભલે એને ‘લફરું’ કહે, પરંતુ એક સાચો લગ્ન બહારનો સંબંધ
નિભાવવા માટે કેટલા ઈમોશન, કેટલી ઊર્જા અને મનમાં કેટલી ખેંચમતાણ થતી હોય છે એ તો જે
બંને તરફ સાચા હોય એ જ સમજી કે સમજાવી શકે.

એનાથી તદ્દન વિરુધ્ધ, કેટલાક લોકો સ્વભાવે જ ‘લફરાંબાજ’ હોય છે. લગ્નેતર સંબંધ એમનું
વ્યસન હોય છે. જીવનસાથીને છેતરવાથી-આવું કંઈક છાનુછપનું કરવાથી આવા લફરાંબાજ લોકોને
એક થ્રીલ અથવા સાહસ કરવાની કોઈ અદભૂત જીતનો અનુભવ થાય છે. આ એક રોગ છે જેને માટે
વ્યક્તિએ માનસશાસ્ત્રીની મદદ લેવી જોઈએ. બીજી તરફ, એકાદ વખત આવી સ્થિતિ ઊભી થાય,
જીવનસાથી ક્ષમા કરે એ સમજી શકાય, પરંતુ જ્યારે આવું વારંવાર થવા લાગે ત્યારે જીવનસાથી એ
પણ પોતાના સ્વમાન અને સન્માનનો વિચાર કરીને યોગ્ય નિર્ણય કરવો જરૂરી છે. આવા કિસ્સામાં
સ્ત્રીઓ સામાન્ય રીતે ‘હું ક્યાં જાઉ?’ની લાચારી બતાવતી હોય છે, પરંતુ હવે કાયદા પણ સ્ત્રીની
તરફેણમાં છે.

આપણા દેશમાં લગ્ન સંસ્થાને આપણે આપણી સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરાનો વારસો
કહીએ છીએ, પરંતુ આ દેશ તો ‘સ્વયંવર’નો હિમાયતી હતો. અહીં ગાંધર્વ, રાક્ષસ અને વૈદિક વિધિ
સહિત અનેક પ્રકારના વિવાહ થઈ શકતા હતા… આ દેશમાં પહેલાં પ્રણય અને પછી પરિણયની
અનેક કથાઓ છે ત્યારે લગ્ન વગરના પ્રેમને સમજીએ, અને પ્રેમ વગરના લગ્નનો વિરોધ કરીએ તો
કદાચ સમાજમાં બનતી આવી ઘટનાઓ અટકાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *