પ્રોફેશન કે પર્સનલ ઈમોશનઃ પસંદગી કરવાની આવે તો?

‘મારે તમારી સાથે કામ નથી કરવું’ એક ટેલેન્ટેડ વ્યક્તિ બીજી ટેલેન્ટેડ વ્યક્તિને કહે છે… ‘મને
કામ ખોવાનું પોષાશે, પરંતુ મિત્ર ખોવો નહીં પોષાય.’ આમ જોવો તો આ વાક્યમાં ઈગો-અહંકાર
સંભળાય, પરંતુ જો સરવા કાને ધ્યાનથી સાંભળીએ તો આ વાક્ય એક મેચ્યોર, સમજદાર વ્યક્તિનું
હોવાની ખાતરી થાય.

મોટેભાગે વ્યવસાયિક મતભેદ બે પ્રતિભાશાળી, બુધ્ધિશાળી લોકો વચ્ચે થાય એ સહજ અને
સ્વાભાવિક પ્રક્રિયા છે. પોતાના આગવા વિચાર ન ધરાવતા હોય એવા લોકો સર્જક ન બની શકે, આગવી
પ્રતિભા ન ઊભી કરી શકે. દુનિયાના કોઈપણ વ્યવસાયમાં એક જ વ્યક્તિ નિર્ણય કરે, એનું જ ભેજું ચાલે,
એ જ મહેનત કરે તો વિકાસ કે વ્યવસાયનો વિસ્તાર શક્ય નથી. દરેક સફળતા ટીમને આભારી હોય છે.
દરેક વ્યક્તિ પોતાનું કામ યોગ્ય રીતે કરે ત્યારે જ કોઈપણ વ્યવસાય સફળ થતો હોય છે અને દરેક વ્યક્તિ
જ્યારે પોતાનું કામ કરે, ત્યારે એની પાસે એક આગવો વિચાર, આગવી રીત હોવાની સંભાવના પણ છે
અને જરૂરિયાત પણ છે. બે ભિન્ન વિચાર ધરાવતા લોકો જ્યારે એક જ પ્રોજેક્ટ કે સર્જન પર કામ કરતાં
હોય ત્યારે એમની વચ્ચે મતભેદ થાય એ પણ એટલું જ સહજ, સ્વાભાવિક અને જરૂરી છે. અગત્યનું એ
છે કે, આ મતભેદને સર્જનાત્મકતાના મતભેદ તરીકે જોવામાં આવે. પ્રોજેક્ટ કે વ્યવસાયના વિકાસ
માટેની ચર્ચા તરીકે સ્વીકારવામાં આવે. અહંકાર પૂરવાર કરવા માટેની દલીલ તરીકે ન જોવામાં આવે તો
જ વિકાસ કે સફળતા સહજ મળે છે.

ખાસ કરીને, પતિ-પત્ની, બે મિત્રો કે બે ભાઈઓ, પિતા-પુત્ર એક વ્યવસાયમાં સાથે હોય ત્યારે
આવી ગેરસમજ અથવા અહંકારના ટકરાવ થવાની સંભાવના રહે છે. બેમાંથી કોઈપણ એક વ્યક્તિ
પોતાનો મતભેદ પ્રગટ કરે ત્યારે બીજી વ્યક્તિએ એને સાંભળવાની અને સમજવાની તૈયારી બતાવવી
જોઈએ. એને વિરોધ તરીકે નહીં, પણ જુદા અભિપ્રાય તરીકે તપાસી જોવો જોઈએ. આ બધી આદર્શ
વાતો છે, એક જ પરિવારના, જીવનસાથી કે મિત્રો જ્યારે સામસામે ઊભા રહે છે ત્યારે આવી સમજણ
કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે!

વ્યક્તિ તરીકે આપણે ભૂલી જઈએ છીએ કે, મિત્રતા અને વ્યવસાય, દામ્પત્ય અને બિઝનેસ કે
પ્રોજેક્ટ, પારિવારિક સંબંધ અને ધંધો એકબીજાની સામે નહીં સાથે ઊભા રહેવા જોઈએ. અપવાદ હોઈ
શકે, પરંતુ મોટાભાગના અંગત સંબંધોમાં વ્યવસાય સ્વાર્થનું પ્રમાણ ઓછું હોય છે. આપણે વ્યક્તિ તરીકે
આપણી આવડત, સર્જનાત્મકતા, હોંશિયારી કે સફળતાના અહંકારમાં એટલા ચૂર થઈ જઈએ છીએ કે
આપણને સામેની વ્યક્તિ ખોટી જ લાગે છે, અથવા એ જ પરિસ્થિતિ આપણી સાથે કામ કરતી આપણી
કોઈ અંગત વિશે પણ હોઈ શકે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે પસંદગી કરવાની,
પરીક્ષા કરવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આપણે સૌ સ્વમાન અને અભિમાન વચ્ચેનો ભેદ ભૂલી જ
ગયા છીએ, એને લીધે દરેક વખતે આપણી ભૂલ કાઢનાર કે આપણને સાચું કહેનાર વ્યક્તિ આપણને
તોછડા અને વિરોધી લાગે છે. જેને આપણા માટે લાગણી હોય, જે આપણું ભલું ઈચ્છતા હોય એવા જ
લોકો આપણા ગુસ્સાનો ભય રાખ્યા વગર કે આપણને દુઃખ થશે એવું લાંબું વિચાર્યા વગર આપણને સાચું
કહેવાનો પ્રયત્ન કરે છે. જેમ કે, પપ્પા દીકરાને મોટું ઈન્વેસ્ટમેન્ટ કરવાની ના પાડે કે પત્ની પોતાના
પતિને અમુક લોકો સાથે બિઝનેસ કરતાં રોકે ત્યારે એમાં એનો હઠાગ્રહ કે જીદ નહીં, બલ્કે ક્યાંક ભૂલ થઈ
જાય અને મોટું નુકસાન ન થાય એવી ચિંતા અને કાળજી હોય છે. જ્યારે બે જણાંને બહુ બનતું હોય ત્યારે
કેટલાક ઈર્ષાળુ અને વિઘ્નસંતોષીઓ આપણા કાન ભંભેરવાનું કે આપણા મનમાં ઝેરના બી રોપવાનું કામ
કરે છે, આવા સમયે પાર્ટનર, પત્ની, મિત્ર, પિતા કે પુત્ર સાથે સીધી વાત કરી લેવી, પણ કોઈ ધારણા
બાંધીને, કાચા કાનના થઈને આપણી અંગત વ્યક્તિ વિરુધ્ધ મનમાં વિષ સંઘરી ન રાખવું. ક્યારેક
વ્યવસાયિક સંબંધ જ્યારે અંગત સંબંધની ઉપર નીકળી જાય અને એના પડછાયામાં અંગત સંબંધ ઘેરાવા
કે ગૂંચવાવા લાગે ત્યારે વ્યવસાય મૂકી દેવો અને મિત્રતા કે સંબંધ જાળવી લેવાં એ સાચો અને સારો રસ્તો
છે. મોટેભાગે, મોટાભાગના લોકો એથી ઉલ્ટું કરતા હોય છે. વ્યવસાય, પૈસા, સફળતા, કારકિર્દીને પસંદ
કરતા હોય છે અને અન્ય સંબંધ બિનમહત્વનો ગણીને એને ઉઝરડો પાડીને-ઘાયલ કરીને આગળ વધી
જતા હોય છે. આવા લોકો સફળ તો થાય છે, પણ સુખી નથી થઈ શકતા.

વ્યવસાય કે કારકિર્દી માટે અંગત સંબંધને ઠોકર મારનાર લોકો પછીથી પસ્તાય છે કારણ કે,
આપણી સફળતા, સંપત્તિ કે સત્તાના સુખને વહેંચવા માટે પણ આપણે એવી અંગત વ્યક્તિની જરૂર હોય
છે જે આપણી સાથે હોય અને આપણને સુખી જોઈને એને પણ આનંદ થાય. માણસ એકલો રડી શકે
છે, પણ એકલો હસી શકતો નથી. પાર્ટી કરવા માટે કે આનંદની અભિવ્યક્તિ કરવા માટે આપણને એક
સાથીની જરૂર હોય છે, વ્યવસાય અને કારકિર્દી માટે આવા સાથીને ઠોકર ન મારવી. ટેલેન્ટેડ વ્યક્તિને
માટે કામની કમી નથી હોતી. જેની પાસે આવડત છે, કળા છે, હુન્નર છે અને બુધ્ધિ છે એને જગતમાં
ક્યાંય પણ કામ મળી રહે છે, પરંતુ જે સંબંધને આપણે વર્ષો આપીને ઉછેર્યો હોય, જે સંબંધ આપણા
જીવનનું મહત્વનું અંગ હોય એવો સંબંધ કદાચ ફરીથી ન મળે! મિત્ર, પ્રિયતમા, પત્ની, પતિ કે માતા-
પિતા કદાચ ફરી ન મળે, પરંતુ કામ, વ્યવસાય કે પ્રોજેક્ટ તો ચોક્કસ મળી જાય.

અંગત સંબંધના ભોગે મળેલી વ્યવસાયિક સફળતા અંતે જીવનની નિષ્ફળતા પૂરવાર થાય છે…
એક દોસ્ત, એક સંબંધ કે એક અંગત વ્યક્તિ થોડા હજાર, થોડા કરોડ રૂપિયા કરતાં વધુ મહત્વના છે કારણ
કે, રૂપિયાથી સગવડ ખરીદી શકાય છે અને સંબંધથી સુખ મળે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *