ભારતીય બંધારણે વ્યક્તિ સ્વાતંત્ર્યમાં કોણે શું ખાવું એની સ્વતંત્રતા આપી છે… ગુજરાતમાં
એક વ્યક્તિએ કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠમાં પિટિશન
કરીને દાદ માગી છે, જેના જવાબમાં એમણે રાજ્ય સરકારને સ્પષ્ટતા કરવા માટે નોટિસ પાઠવી છે.
શું છે આ પિટિશન? અને રાજ્ય સરકારે શેની સ્પષ્ટતા કરવાની છે?
એક અરજદારે હાઈકોર્ટમાં પિટિશન કરી છે કે, આર્ટિકલ 21, જેમાં વ્યક્તિને શું ખાવું તે
બાબતે તેના પર પ્રતિબંધ મૂકાવો ન જોઈએ એવી બંધારણે સ્વતંત્રતા આપી છે. આલ્કોહોલ એ ફૂડ
સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ફૂડની વ્યાખ્યામાં આવે છે. એનો અર્થ એ થયો કે, વ્યક્તિએ
પોતાની અંગત જગ્યામાં શું ખાવું અને શું પીવું એ વિશેનો નિર્ણય સરકાર કરી શકે નહીં. ટૂંકમાં વ્યક્તિ
પોતાના ફાર્મ હાઉસમાં કે પોતાના ઘરમાં જો શરાબ પીએ તો એ ગુનો બનતો નથી એવું આ પિટિશન
કરનાર અરજદારનું કહેવું છે.
મુંબઈમાં 1948થી 1950 સુધી અને એ પછી ’58થી ’60 સુધી, દારૂબંધી હતી. 1960માં
ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું, એ પહેલાં બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949 હેઠળ શરાબ વેચવી,
ખરીદવી, પીવી કે પીવડાવવી એ મુંબઈમાં પણ ગુનો હતો. આજે પણ મુંબઈમાં શરાબ વેચવા માટે
લાયસન્સની જરૂર પડે છે. ગુજરાતમાં 1960થી દારૂબંધી છે, પરંતુ દારૂ પીને પકડાવાના કિસ્સા
અવારનવાર બનતા રહે છે. સાથે જ રાજસ્થાન અને મહારાષ્ટ્રથી લાવવામાં આવતી શરાબ
અવારનવાર બોર્ડર પર ચેકિંગમાં પકડાય છે. છેક લતીફના સમયથી ગુજરાતમાં બૂટલેગિંગ એક
વ્યવસાય તરીકે સ્વીકારી લેવામાં આવ્યો છે… આવા સમયમાં ગુજરાતમાં કેટલા પ્રમાણમાં દારૂબંધી
છે એ સવાલ સૌએ વિચારવા જેવો છે. ભારતીય પ્રસાર માધ્યમોના કાયદા અનુસાર હવે દરેક
ફિલ્મમાં, ઓટીટી પર એવું લખવું અનિવાર્ય છે કે, ‘તમાકુ અને શરાબનું સેવન સ્વાસ્થ્ય માટે
હાનિકારક છે અને ફિલ્મના નિર્માતા એનું સમર્થન કરતા નથી.’ તેમ છતાં, ફિલ્મોમાં અને ઓટીટી પર
શરાબના દ્રશ્યો બતાવ્યા વગર ‘વાત જામતી નથી!!’
જ્યાં જે વસ્તુની બંધી કરવામાં આવે ત્યાં એ જ વસ્તુ કે વર્તન કરીને માણસ પોતાને વિદ્રોહી
અથવા વિજયી સાબિત કરવા ટેવાયેલો છે. ગુજરાતમાં શરાબ પીને કાયદો તોડવાની કેટલાક લોકોને
મજા આવે છે, એમને માટે પોતે કાયદાથી અથવા બંધારણથી પણ ઉપર છે અથવા, ચોરી કરી શકે છે
અને પકડાતા નથી એની એક થ્રિલ છે. આ થ્રિલમાં માત્ર કુતૂહલથી દોરવાયેલા ટીનએજર કે યુવાનો
જ નથી, બલ્કે આધેડ વયના મોટા અને પ્રતિષ્ઠિત લોકો પણ છે. સવાલ દારૂબંધીનો નથી, સવાલ
કાયદાનો છે. જે કાયદો આપણી સરકારે આપણી સલામતી કે સુરક્ષા માટે બનાવ્યો છે એનું પાલન
નહીં કરીને આપણે સરકાર અને બંધારણ બંનેનું અપમાન કરીએ છીએ. આપણે તો કરીએ જ છીએ,
સાથે નવી પેઢીને એ જ શીખવીએ છીએ કે, કાયદો નહીં પાળવામાં ‘બહાદુરી’ છે.
માતા-પિતાની પેઢીના બેજવાબદાર વર્તનનું પરિણામ એ આવ્યું છે કે, માત્ર શરાબ જ શું
કામ, હવે ગુજરાતમાં બીજા પ્રકારના નશા પણ સરળતાથી ઉપલબ્ધ છે એવો આક્ષેપ વારંવાર
કરવામાં આવે છે. ડ્રગ્સ પકડાય છે, કોલેજમાંથી ગાંજાનો છોડ પકડાય છે. એ વિશે પોલીસ અને
સરકાર ચિંતિત છે, માતા-પિતાને ઝાઝી અસર થતી હોય એવું લાગતું નથી. ગુજરાતમાં ઉછરી રહેલા
ટીનએજના બાળકો-યુવાનો માટે શરાબ પીવી એ ફેશન છે અને એમના માતા-પિતા એ જાણતા હોવા
છતાં સંતાનને રોકવાને બદલે ક્યારેક ‘મોર્ડન’ હોવાના નામે એમને શરાબ પીવાની-પાર્ટી કરવાની
સગવડ કરી આપે છે. એમની દલીલ એવી છે, ‘જે કરે તે આપણી સામે કરે, એટલિસ્ટ આપણો કંટ્રોલ
રહે.’ અમદાવાદ, સુરત કે રાજકોટ જેવા મોટા શહેરો જ નહીં, બલ્કે નાની ટાઉનશિપ અને હવે તો
ગામડાં સુધી શરાબ અને ગાંજો પહોંચ્યા છે. પોલીસ પૂરા પ્રયાસ કરે તો પણ જે રીતે અને ઝડપે આ
ફેલાય છે એને રોકવું ફક્ત પ્રશાસનના હાથમાં નથી. તકલીફ એ છે કે, આજના માતા-પિતાને
સિગરેટ-શરાબના નશામાં કશું ખોટું લાગતું નથી, બલ્કે એથી ય આગળ વધીને કેટલાંક ઘરોમાં
સંતાનને પ્રશ્ન પૂછવો એ જુનવાણી કે રૂઢિચુસ્તતાની નિશાની ગણાય છે.
જે ઘરમાં માતા-પિતા જ શરાબ કે સિગરેટ પીતા હોય એ કદાચ પોતાના સંતાનને રોકવાનો
પ્રયત્ન પણ કરે તોય એમની પાસે મજબૂત દલીલ કે યોગ્ય શબ્દો નથી. જોકે, હજી ભારતીય ઉછેરમાં
કેટલાંક ઘરોમાં માતા-પિતા કે વડીલોની આમન્યા જાળવવામાં આવે છે, એમની સામે શરાબ કે
સિગરેટ નહીં પીવાની મર્યાદા હજી પણ જે ઘરોમાં છે ત્યાં બાળકોને પાછા વાળવાની આશા રાખી
શકાય તેમ છે. આજની બુધ્ધિશાળી, ટેકનોલોજી, જાણતી અને સમજતી પેઢી એવી દલીલ કરે છે કે,
ગાંજો તમાકુ કરતા બહેતર છે. એમની પાસે આ અંગેના પ્રમાણ પણ ગુગલ પર ઉપલબ્ધ છે! આ
ગુગલ શું છે? અનેક લોકોએ ઊભો કરેલો માહિતીનો ભંડાર. આમાં બધી માહિતી સાચી છે એવું તો
ગુગલ પોતે પણ દાવા સાથે કહી શકે એમ નથી. ઓપન સોશિયલ મીડિયામાં જેને જે ફાવે તે
લખવાની અને સાયબર સ્પેસમાં મૂકવાની છૂટ છે. એક સર્વે મુજબ શરાબ પીને મૃત્યુ પામનારા
લોકોની સંખ્યામાં સૌથી વધુ યુવાનો છે અને એ પણ 40થી નીચેના.
આજે, ભારતમાં યુવાનોની સંખ્યા ખૂબ મોટી છે. એક સર્વે મુજબ દેશના 74 ટકા લોકો
40થી નીચેના છે. જો આ લોકો નક્કી કરે તો દેશના વિકાસ અને પ્રગતિના આંકડા જોતજોતામાં
બદલાઈ શકે એમ છે. દુનિયાના લોકો આ જાણે છે અને ભારતની વધતી તાકાતથી ચિંતિત છે.
ભારતના યુવાધનને ડ્રગ્સ કે શરાબના રવાડે ચડાવીને આ દેશનું ભવિષ્ય જોખમમાં મૂકવાનો આ એવો
માસ્ટર પ્લાન છે જેનાથી આપણો દેશ કદીયે આગળ વધી શકે નહીં. આપણે એક તરફથી સરકારની
ફરિયાદ કરીએ છીએ, પરંતુ બીજી તરફ આપણે પોતે જ પસંદ કરેલી સરકારે ઘડેલા કાયદા પાળવા કે
સ્વીકારવા તૈયાર નથી! એક નાગરિક તરીકે, માતા-પિતા તરીકે અને છેલ્લે વ્યક્તિ તરીકે આપણે સૌએ
એટલું સમજવું રહ્યું કે, જો ખરેખર જીવનમાં કશું કરવું હશે તો નશાથી દૂર રહેવું પડશે. સાથે જ,
આવી પિટિશન કરનારા લોકો દેશના બંધારણને પડકારે છે ત્યારે બંધારણની વ્યાખ્યાઓ કદાચ એકવાર
દારૂબંધીને હળવી કરવાની છૂટ આપી પણ દે તોય આપણા સૌની ફરજ એ છે કે, નવી પેઢીને નશા
તરફ નહીં, પણ જીવનની સફળતાના નકશા તરફ લઈ જવી.