17 ઓગસ્ટ, 1998… હિમાલયમાં કૈલાસ માનસરોવરની યાત્રા પર નીકળેલા થોડા
લોકો રાત્રે જ્યારે વિશ્રામ કરતા હતા ત્યારે એક હિમશિલા ધસી પડી. ગુજરી ગયેલા લોકોમાં એક
વ્યક્તિ હતી, પ્રોતિમા બેદી. સૌને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ 18 ઓગસ્ટે પ્રોતિમા બેદીનું
મૃત્યુ થયું.
માણસ ઈચ્છે તો પોતાની જાતને કેટલી બદલી શકે અને જીવનને કઈ રીતે નવો ઘાટ
આપી શકે. પોતે વિદ્રોહ અને બિનજરૂરી પબ્લિસિટીથી દૂર જઈને અધ્યાત્મિકતા અને કલા તરફ વળી
શકે એનો પ્રોતિમા બેદી જીવતો જાગતો દાખલો છે. વાલિયામાંથી વાલ્મીકિ બન્યાના કિસ્સા સદીઓ
પુરાણા નથી… હજી 1998માં આપણી વચ્ચેથી વિદાય થયેલા પ્રોતિમા બેદીનું જીવન પણ આવી જ
એક અદભૂત ઘટના કહી શકાય.
એમની આત્મકથા એમની દીકરી પૂજા બેદી ઈબ્રાહીમે લખી છે. જે આમ સંસ્મરણો
છે, પરંતુ આત્મકથા સ્વરૂપે પ્રગટ થયા છે. પૂજાએ એનું નામ ‘ટાઈમપાસ’ આપવાનું નક્કી કર્યું! કદાચ
એટલા માટે કે બહુ ઓછી જિંદગીઓ પ્રોતિમાની જિંદગી જેવી ઘટનાપ્રધાન અને વિવાદાસ્પદ રહી
હશે. ‘ટાઈમપાસ’ તેની અધૂરી આત્મકથા ડાયરી અને તેણે તેના પરિવાર, મિત્રો અને પ્રેમીઓને
લખેલા પત્રોને આધારે લખાયેલ પુસ્તક છે. એમાંના સંસ્મરણો ચોંકાવી દે તેવા નિખાલસ અને
આવેશપૂર્ણ છે. પ્રોતિમા પોતાના જીવનને આકાર આપનારી ઘટનાઓને લગીરે બાંધછોડ કર્યા વગર
સમાધાનકારી પ્રામાણિકતા સાથે રજૂ કરે છે. એ નાની હતી ત્યારે બાળપણમાં બધા એને કદરૂપી
કાગડી કહેતા, એ માત્ર દસ વર્ષની હતી ત્યારે એના પિતરાઈ ભાઈએ એના પર અનેકવાર બળાત્કાર
કર્યા, કબીર બેદી સાથેના ‘ઓપન મેરેજ’ -મુક્ત લગ્ન નિષ્ફળ ગયા, એના ઘણા બધા જાતીય સંબંધો
અને પ્રખ્યાત-પ્રતિષ્ઠિત રાજકારણીઓ તેમજ કલાકારો સાથેના એના શૃંગારિક સંબંધો-આ બધી વાતો
એ નિખાલસપણે કરે છે. તે ઉપરાંત નૃત્ય સાથેના પોતાના સંબંધની વાત પણ પૂરી વિગત સાથે કરે
છે. પોતાના ગુરૂ તેમજ સહપાઠી નૃત્યકારો સાથેના સંબંધની વાત પણ એ કરે છે. નૃત્યગ્રામની
સ્થાપનાનું ભગીરથ ધ્યેય પૂરું છે એમ વાત એ કરે છે અને તેના પુત્રની આત્મહત્યા-એવી દુઃખદ
ઘટના કે એના આઘાતમાંથી એ કદી પણ બહાર નીકળી જ ન શકી.
1974માં પ્રોતિમા બેદી નગ્ન થઈને જુહુ વિસ્તારમાં ભરબપોરે દોડ્યા હતા. એના
ફોટા અનેક સામયિકો અને અખબારોની હેડલાઈન બન્યા. એમણે પોતાના જીવન વિશે કશું છુપાવ્યું
નહીં, પણ આ ઘટનાના ચાર જ વર્ષ પછી એ મહાકાળીના ભક્ત બન્યા એટલું જ નહીં, શાસ્ત્રીય
નૃત્યના સિધ્ધહસ્ત આંતરરાષ્ટ્રીય કલાકાર બન્યા. એમના ટૂંકા અને ફેશનેબલ વસ્ત્રો છોડીને ફક્ત સાડી
પહેરતા થયા અને 1994માં વાળનું મુંડન કરાવી સન્યાસીનું જીવન જીવવાનું નક્કી કર્યું. પોતાની
પાછળ એક ‘નૃત્યગ્રામ’ નામની સંસ્થાનો વારસો મૂક્યો જ્યાં આજે પણ અનેક વિદ્યાર્થીઓ શાસ્ત્રીય
નૃત્ય શૈલીઓનું પ્રશિક્ષણ પામે છે.
એમની આત્મકથા ‘ટાઈમપાસ’ના કેટલાક હિસ્સા આજે એમની સ્મૃતિમાં… ‘એ
મસમોટા ઘરમાં બહુ બધા લોકો રહેતા હતા અને એમાં મારો એક પિત્રાઈ ભાઈ પણ હતો.
બિહામણો, માયૂસ છોકરો, ઘેરો કાળો અને કદરૂપો. એની ઉંમર માંડ પંદર વર્ષની હશે. એ મને
એકલીને અગાશીમાં લઈ જતો કે પછી રાત્રે મારી પથારીમાં આવતો અને એના હાથ મારાં કપડાંની
અંદર નાખતો, ત્યાં હાથથી ફંફોસતો અને ઉઝરડા કરતો. એક રાત્રે એ મારી પથારીમાં ચડી આવ્યો,
મારી નીકરમાં હાથ નાખી તેલનું માલીશ કર્યું. મને કંઈ સમજાયું નહીં કે એ શું કરી રહ્યો હતો. એણે
એક હાથ મારા મોં પર મૂક્યો અને મારા ઉપર ચડી બેઠો અને એણે મારા પર બળાત્કાર કર્યો. મને
ત્યારે લાગેલો આઘાત અને પીડા બરાબર યાદ છે. મને યાદ છે હું કેવી ગભરાઈ ગઈ હતી. મારી સાથે
જે થયું તે વાતે મને એટલી બધી શરમ લાગી હતી કે હું એ અંગે સાવ ચૂપ રહી. બીજે દિવસે રાત્રે મેં
એકલા સૂવાની મને બીક લાગે છે તેવો ઢોંગ કર્યો જેથી બીજી કઝીન બહેનો સાથે સૂવા મળે ને પેલો
પાસે ન આવે પણ મારી કોઈ બહેને મારી વાત પર ધ્યાન જ ન આપ્યું. મારે મારી પથારીમાં એકલાં
જ સૂવું પડ્યું અને પેલા કઝીને આગલી રાત્રે જે કર્યું હતું તે મારી સાથે ફરી કર્યું. આવું ફરી ફરી થતું
રહ્યું. લગભગ રોજ રાત્રે.’
એ પછીના એમના કબીર બેદી અને બીજા પુરુષો સાથેના સંબંધો વિશે એમણે લખ્યું
છે, ‘નફ્ફટાઈથી નહીં’, ‘નિખાલસતાથી!’ મારા જીવનનો એ એકદમ અંધકારમય અને ગૂંગળાવતો
સમય હતો. ખૂબ સિગરેટ પીવા લાગી હતી, શરાબ પીવાનું પણ વધી ગયું હતું. હું એટલા ટૂંકા કપડાં
પહેરતી કે ન પહેર્યા બરાબર હતા. ગમે તેની સાથે સંબંધ બાંધી બેસતી. એક નિરાશા અને સખત
હતાશાએ મારા ઉપર કબજો મેળવી લીધો હતો. તદ્દન વાહિયાત લાગણીઓ પાછળ મારી જિંદગી
બગાડી રહી હતી એવામાં ઓગસ્ટ, 1975ના એક દિવસે વરસાદથી બચવા હું ભૂલાભાઈ મેમોરિયલ
હોલમાં હું દોડી ગઈ. ત્યાં બે યુવાન નૃત્યાંગનાઓ ઓડિસી ડાન્સ કરતી હતી… હું મંત્રમુગ્ધ થઈને
બેસી ગઈ. એ વખતે મને જે લાગણી થઈ એ મેં પહેલાં ક્યારેય અનુભવી નહોતી. મને લાગ્યું કે, હું
એક અપ્સરા છું, મંદિરની નર્તકીઓમાંની એક. ઉત્તરા, આમ્રપાલી, ઉર્વશી…
નૃત્ય પૂરું થયા પછી હું એ છોકરીઓને મળે. મેં એમને પૂછ્યું, ‘તમારા ગુરૂ કોણ છે?’
એ છોકરીઓએ મને કેરુચરણ મહાપાત્રની ઓળખાણ કરાવી. મેં એમને નૃત્ય શીખવવાની વિનંતી
કરી. એમણે મારી સાથે થોડી વાત કરી અને પછી કહ્યું, ‘તારે કટક આવવું પડશે. બે કલાકમાં વીટી
સ્ટેશનથી અમારી ટ્રેન ઉપડવાની છે. જો ખરેખર ઈચ્છતી હોય તો મારી સાથે ચાલ…’ ખૂબ
વિચારીને મેં નિર્ણય કર્યો, ‘મારે આવવું છે, પણ આજે નહીં.’ એમણે કહ્યું કે, ‘જો તું મારા કરતા પહેલાં
પહોંચી જાય તો હું તને શીખવાડીશ, પણ ત્રણ મહિનાની પ્રારંભિક તાલીમ પછી મને લાગશે કે, તું
મારો અને તારો બંનેનો સમય બગાડે છે તો હું તને કાઢી મૂકીશ… ને તારે પણ રકઝક કર્યા વગર
નીકળી જવું પડશે, મંજૂર છે?’ એ પછી બધું બદલાઈ ગયું.
એમની દીકરી પૂજા બેદીએ લખ્યું છે, ‘જે લોકો કૈલાસ માનસરોવરની તીર્થ યાત્રા
દરમિયાન મૃત્યુ પામે છે એ મોક્ષ મેળવે છે. હું માનું છું, મોટામાં મોટી બક્ષીસ એટલે ખુશી સાથે મૃત્યુ
પામવાનું શુભ ભાગ્ય. મારી મા સુખી અને શાંત વ્યક્તિ તરીકે મૃત્યુ પામી છે.’