પુર્નજન્મ, પુનઃ આકર્ષણ, પુનઃ પ્રેમ… પુનઃ બ્રેકઅપ

અબ ન ઈન ઊંચે મકાનો મેં કદમ રખુંગા, મેંને પહેલે ભી એકબાર યે કસમ ખાઈ થી…
મેરી નાદાર મોહબ્બત કી શિકસ્તોં કી તુફૈલ જિંદગી પહેલે ભી શરમાઈ થી, ઝુંઝલાઈ થી.
ઔર યે અહેદ કિયા થા, કી અબ કભી પ્યાર ભરે ગીત નહીં ગાઉંગા.
કિસી ચિલ્મનને પૂકારા ભી તો બઢ જાઉંગા, કોઈ દરવાજા ખૂલા ભી તો પલટ જાઉંગા.

સાહિર લુધિયાનવીની આ પંક્તિઓ એમના કાવ્ય સંગ્રહ, ‘તલ્ખિયાં’ માં મળે છે. આ ચાર પંક્તિઓ કહે
છે કે, પ્રણયમાં મળેલી નિરાશા પછી લગભગ દરેક વ્યક્તિ એવું નક્કી કરે છે કે, ફરીથી પ્રેમ નહીં કરે, પ્રેમથી દૂર
રહેશે અથવા પ્રેમ નામની લાગણીને ફરી પોતાની આસપાસ ભટકવા પણ નહીં દે કારણ કે, પ્રેમ જ્યારે પૂરો થાય
છે, તૂટી કે છૂટી જાય છે ત્યારે એમાંથી જન્મ લેતી નિરાશા માણસને ભીતરથી તોડી નાખે છે. સાથે જોયેલા
સપનાં અથવા ભવિષ્યની યોજનાઓ અચાનક જ તૂટી પડે છે. માણસને હાર્યાનો, ખોઈ દીધાનો અહેસાસ થાય
છે. આમાં સ્ત્રી કે પુરુષનો ભેદ નથી. લગભગ દરેકને આ જ લાગણી થતી હોવી જોઈએ અને એવા સમયે
મોટાભાગના લોકો એવું નક્કી કરી લે છે કે પ્રેમથી દૂર રહેવું… એમાં માત્ર દુઃખ અને નિરાશા જ મળે છે.

આનંદ બક્ષીના ગીતની જેમ લગભગ દરેક માણસ, ‘રહેને દો છોડો ભી જાને દો યાર… હમ ના કરેંગે
પ્યાર…’ અથવા સાવનકુમારના ગીત, ‘તેરી ગલીયોં મે ના રખેંગે કદમ આજ કે બાદ…’ની જેમ પ્રેમથી વિમુખ
થઈ જાય છે. કેટલાક દેવદાસ કે કબીરસિંઘ બની જાય છે. શરાબ, ડ્રગ્સ કે સિગરેટમાં પોતાની જાતને ડૂબાડીને કશું
વાહિયાત સાબિત કરવાના પ્રયત્નમાં એ લોકો પોતાની જિંદગી બરબાદ કરે છે. સત્ય એ છે કે, માણસનો પોતાની
જિંદગી પર ઓછામાં ઓછો અને છેલ્લામાં છેલ્લો અધિકાર હોય છે. આજની નવી પેઢી સાવ સહજતાથી કહે
છે, ‘ઈટ ઈઝ માય લાઈફ…’ પરંતુ, આવું કહેતી વખતે એ લોકો ભૂલી જાય છે કે, જેને એ લોકો માય લાઈફ કહે છે
એ કહી શકે ત્યાં સુધી પહોંચાડનાર એમના માતા-પિતા શિક્ષકો અને વડીલોનું એમના જીવનમાં શું કોન્ટ્રીબ્યુશન
છે. માય લાઈફ, કહીને બરબાદ થઈ જનારા થોડા લોકો સિવાય કેટલાક વળી મોટિવેટ થઈ જાય છે. પોતાના પ્રેમી
કે પ્રિયતમાને ‘દેખાડી આપવાના’ ચક્કરમાં સારામાં સારી કારકિર્દી બનાવે છે અને જીવનમાં આગળ વધે છે. આ
પોઝિટિવ એટિટ્યુટડ અને એનર્જી છે. જે વ્યક્તિ આપણને છોડી ગઈ અથવા આપણાથી છૂટી ગઈ એની પાછળ
બાકી રહેલી જિંદગી બરબાદ કરવાને બદલે જેણે આપણને એ જિંદગી આપી છે એવી વ્યક્તિઓ પ્રત્યેનું ઋણ
અદા કરવું એ વધુ સાચો અને સારો રસ્તો છે.

એ સિવાયની ત્રીજી એક કેટેગરી છે. જે પોતે તો પ્રેમથી દૂર રહેવાનું નક્કી કરી જ લે છે, પરંતુ એની
આસપાસના લોકોને, મિત્રોને પણ પ્રેમમાં નહીં પડવાની કડક સલાહ આપે છે. આ એવા લોકો છે જે પોતાની
જાતને ‘કમિટમેન્ટ ફોબિયા’ અથવા ‘નો સ્ટ્રીંગ્સ અટેચ્ડ’ પ્રકારના કહીને વિજાતિય વ્યક્તિ સાથે સંબંધ તો બાંધે છે,
પરંતુ પ્રેમથી દૂર રહેવાનો દાવો કરે છે. ચોથા પ્રકારની કેટેગરી એવી છે કે, જે વેરના રસ્તે વળી જાય છે. સ્વયંને
બરબાદ કરવાને બદલે એક વ્યક્તિએ એમની જિંદગી બરબાદ કરી (એવું એ માને છે) અથવા જે વ્યક્તિ સાથે
સંબંધ તૂટ્યો એનો બદલો લગભગ તમામ વિજાતિય વ્યક્તિઓ સાથે લેવાનું શરુ કરે છે. છોકરો હોય, અને એને
જો એની ગર્લફ્રેન્ડે તરછોડ્યો હોય કે એનું બ્રેકઅપ થયું હોય તો એ બીજી છોકરીઓના હૃદય તોડીને કોઈ વિચિત્ર
પ્રકારનો આનંદ લે છે. એવી જ રીતે કોઈ છોકરીને એના બોયફ્રેન્ડે તરછોડી હોય, એની સાથે બેવફાઈ કરી હોય કે
કોઈ કારણસર બ્રેકઅપ થયું હોય તો એ બીજા છોકરાઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી અને એમને તરછોડીને
કોઈ વિચિત્ર વેર લીધાનો આનંદ માણે છે. આ એક માનસિક રોગ છે. આવું કરતી કે વિચારતી વ્યક્તિએ
તાત્કાલિક માનસશાસ્ત્રી અથવા સાયકિયાટ્રીસ્ટની મદદ લેવી જોઈએ.

કેટલાક લોકો બ્રેકઅપમાં પોતાની ભૂલ જોતા જ નથી. જે કંઈ થયું એ સામેની વ્યક્તિને કારણે જ થયું,
પોતે તો સાચા અને કમિટેડ હતા એવા કોઈ પ્રિકન્સિવ્ડ વિચારો સાથે આ લોકો વિક્ટિમ કાર્ડ પ્લે કરે છે. પોતે
સામેની વ્યક્તિની બેવફાઈનો અથવા એની અણસમજનો સ્વીકાર છે, એવું પ્રસ્થાપિત કરીને એમના તૂટેલા
હૃદયને સતત બીજી વ્યક્તિ સામે પ્રદર્શિત કરવામાં આવા પ્રકારના લોકોને એક જાતની સહાનુભૂતિ ઉઘરાવવાની
મજા પડે છે. બ્રેકઅપના, અથવા પ્રણય સંબંધ તૂટવાના અનેક કારણો હોઈ શકે. વિજાતિય વ્યક્તિ કે હવે તો
સજાતિય વ્યક્તિ પણ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે બંને જણાંને લાગે છે કે, એમના વિચારો મળે છે, એ બંને
એકબીજા તરફ આકર્ષાયેલાં હોય ત્યારે તો બધું બરાબર જ હોય છે. પ્રેમમાં પડવાનો અને ‘આઈ લવ યૂ’ કહેવાય
ત્યાં સુધીનો સમય કુતૂહલનો, એક્સાઈટમેન્ટનો અને એકબીજાને એક્સપ્લોર કરવાનો સમય હોય છે. આ સમય
દરમિયાન બધુ સારું જ લાગે છે. ધીરે ધીરે બે જણાં નજીક આવે છે. શારીરિક અને માનસિક નિકટતા પછી
કેટલીક બાબતો ઉઘડવા લાગે છે. હવેના સમયમાં શારીરિક નિકટતાનો બહુ છોછ નથી. સજાતિય કે વિજાતિય, બે
વ્યક્તિઓ વચ્ચે શારીરિક નિકટતા પ્રમાણમાં ઘણી ઝડપથી કેળવાય છે. આવા સમયમાં જે જોઈતું હતું તે મળી
ગયુંની ફિલિંગ પણ ક્યારેક કામ કરતી હોય છે.

છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે, ઉંમરનો તફાવત ધરાવતી વ્યક્તિઓ એકબીજા પરત્વે
આકર્ષાય છે. કાં તો સ્ત્રી મોટી હોય અને પુરુષ પ્રમાણમાં ઘણો નાનો હોય અથવા તો પુરુષ આધેડ કે પ્રૌઢ વયના
હોય અને છોકરી 22-23ની કે કોલેજમાં ભણતી હોય… આવા સંબંધમાં એક વિચિત્ર પ્રકારની કાળજી અથવા
પેમ્પરિંગની અપેક્ષા હોય છે. વ્યસ્ત રહેતા પતિ અને મોટા થઈ ગયેલા છોકરાંઓથી કંટાળેલી ચાલીસીમાં પ્રવેશી
ગયેલી સ્ત્રી પોતાને જ શોધવા નીકળે છે. એની પાસે આર્થિક સગવડો છે અથવા તો જીવન અને શરીરનો
અનુભવ છે. એ પોતાનાથી નાની ઉંમરના છોકરાને લાગણી અને શારીરિક સંતોષ આપી શકે છે. એવી જ રીતે
પ્રૌઢ કે આધેડ પુરુષ પાસે પૈસાની છૂટ છે. એ 22-23 વર્ષની છોકરીની માનસિકતા, વિદ્રોહ, એના પરિવારજનો
સાથેની એના મતભેદ અને એની આર્થિક જરુરિયાત બરાબર સમજી શકે છે… આવા સંબંધો બહુ લાંબો સમય
ટકતા નથી. કારણ કે, એમાં પરસ્પરની જરુરિયાતો હોય છે. જ્યાં સુધી જરુરિયાતો સહજપણે સંતોષાયા કરે ત્યાં
સુધી બહુ તકલીફ નથી પડતી, પરંતુ આવા સંબંધમાં નવું આકર્ષણ કે નવું કુતૂહલ તરત જ ઊભું થઈ જતું હોય
છે… અને એ સંબંધ તૂટી પડતો હોય છે.

આ બધા પછી, સૌથી મહત્ત્વની વાત એ છે કે, પુર્નજન્મની જેમ વ્યક્તિને પુનઃ પ્રેમ થતો જ હોય છે.
ભાગ્યે જ કોઈ એવું હોય કે જે એક જ વ્યક્તિને પ્રેમ કરીને એ સંબંધ તૂટ્યાની યાદમાં અને એ વ્યક્તિ સાથેના
સમયી સ્મૃતિમાં જીવન વિતાવી નાખે. બાકી સ્મશાન વૈરાગની જેમ પ્રેમમાં હૃદયભગ્ન થયેલા લોકો થોડાક જ
સમયમાં આકર્ષણ, કુતૂહલ, જરુરિયાત કે બીજા કોઈ કારણસર પોતાના તૂટેલા હૃદયને ચિપકાવી, ચોંટાડી,
રંગરોગાન કરીને ફરી પાછા બજારમાં હાજર થઈ જતા હોય છે…

સાહિર લુધિયાનવીની પંક્તિ પણ એ જ કહે છે,
‘બર્ફ બરસાઈ મેરે જહનો-તસવ્વુરને મગર,
દિલ મેં ઇક શોલા-એ-બેનામ-સા લહરા હી ગયા,
તેરી ચુપચાપ નિગાહોં કો સુલગતે પાકર,
મેરી બેઝાર તબિયત કો ભી પ્યાર આ હી ગયા’

3 thoughts on “પુર્નજન્મ, પુનઃ આકર્ષણ, પુનઃ પ્રેમ… પુનઃ બ્રેકઅપ

  1. Prachi Patel says:

    Hlo kajal ji ….me aa block read kari ne aa vat sathe agree thai chu k darek person biji var prem ma padi j sake che … Bas swilkarta nathi…..

Leave a Reply to ... Cancel reply

Your email address will not be published. Required fields are marked *