અમૃતા પ્રિતમની એક નવલકથા ‘નાગમણિ’માં એક સંવાદ છે… જેમાં એનો હીરો કુમાર એને
બેફામ ચાહતી નાયિકા અલકાને કહે છે, ‘હું એ સ્ત્રી પાસે જતો, એને વીસ રૂપિયા આપતો અને મારા
શરીરની તરસ છીપાવીને પાછો ફરતો.’
‘મને પણ વીસ રૂપિયા આપી દે. માની લે હું એ જ સ્ત્રી છું.’ અલકા કહે છે.
‘પણ એ સ્ત્રીનો કોઈ ચહેરો કે નામ નહોતું.’ કુમાર દલીલ કરે છે.
‘જેમ ઈશ્વરનો પણ કોઈ ચહેરો કે નામ નથી હોતું, એમ?’ અલકા પૂછે છે…
અમૃતા પ્રિતમ હોય કે, ઈસ્મત ચુગતાઈ, સઆદત હસન મન્ટો હોય કે આજના લેખકો.
આજથી થોડાં વર્ષો પહેલાં ભારતીય સમાજમાં સેક્સ વર્કરને જે રીતે જોવામાં આવતી હતી, એ
સ્થિતિ અને દ્રષ્ટિ બંનેમાં હવે ફેર પડ્યો છે. કલકત્તામાં દુર્બાર સમિતિ રચવામાં આવી છે, જેમાં
સોનાગાચ્છી વિસ્તારમાં દુર્ગાની પૂજાનો પંડાલ ઊભો કરવામાં આવે છે. આ વખતે દુર્ગા માતાની
સાથે પોતાની તસવીરો લગાવીને સેક્સ વર્કર્સે પોસ્ટર સમગ્ર કલકત્તામાં લગાવ્યા છે જેમાં લખ્યું છે,
‘આમાદેર પૂજો, આમરાઈ મુખ.’ અમારી પૂજા અને અમારો ચહેરો…
અત્યાર સુધી દુર્ગાની દરેક મૂર્તિ માટે સોનાગાચ્છીની માટી લઈ જવાની પરંપરા અસ્તિત્વમાં
હતી, પરંતુ સેક્સ વર્કર્સને દુર્ગા પૂજા કરવાનો અધિકાર હાઈકોર્ટ સુધીની કાયદાકીય લડાઈ પછી હજી
દસ વર્ષ પહેલાં જ મળ્યો છે.
આ એ સ્ત્રીઓ છે જે સમાજનો કચરો ચાળીને કહેવાતા સભ્ય અને સુઘડ સમાજની
દીકરીઓને સલામત રાખવાનું કામ કરે છે. સ્ત્રીના શરીરના ભૂખ્યા વરુઓ જ્યારે શિકારે નીકળે ત્યારે
આ સ્ત્રીઓ પોતાનું શરીર ધરી દઈને આપણી દીકરીઓને એમની નજર અને વરુવૃત્તિથી બચાવે છે.
સાચું પૂછો તો આ સમાજનો કચરો નથી, પણ સમાજના કચરાને ચાળતી એક એવી વ્યવસ્થા છે
જેને લીધે આ સમાજ સ્વચ્છ રહી શકે છે, એમ કહીએ તો ખોટું નથી.
કુતૂહલથી આ વિસ્તારમાં આંટા મારનારાની સંખ્યા પણ ઓછી નથી. આ દેશમાં ગણિકા ક્યાં
નથી? મુંબઈ, કલકત્તા, દિલ્હી, લખનૌ, કાનપુર, આગ્રા, પુના, બેંગ્લોર, મદ્રાસ, બનારસ, મથુરા,
સુરત… જ્યાં જ્યાં બહારથી આવીને એકલા વસતા પુરુષો છે ત્યાં બધે આવા બજારો ઊભા થયા છે.
એકલા જીવતા પુરુષને શરીરની ભૂખ જાગે ત્યારે એ પૈસા આપીને આ ભૂખ સંતોષી શકે એવી
વ્યવસ્થા ઊભી કરનાર કોઈ સ્ત્રી નહીં હોય પણ પુરુષ જ હશે ને? તપ કરી રહેલા ઋષિઓનો
તપોભંગ કરવા માટે અપ્સરાને મોકલવામાં આવતી. આ અપ્સરાઓ કદીએ વૃદ્ધ ન થાય એવો એમને
આશીર્વાદ કે વરદાન હતું. અર્થ એ થાય કે પુરુષનું મનોરંજન કરવા માટે બનાવવામાં આવેલું રમકડું
ક્યારેય નકામું કે જૂનું ન થવું જોઈએ. ગણિકા, વેશ્યા, વારાંગના, કસબણ, પાતર, રામજણી, નાચેણ,
નર્તકી, મુરલી, દેવદાસી, નાયકીણ, તવાયફ, કંચની, પતિતા જેવા કેટલાય નામો આવી બહેનો માટે
વપરાય છે. કાવ્યનું અલંકાર શાસ્ત્ર એમને ‘સામાન્યા’ કહીને સંબોધે છે, પરંતુ આ બહેનોને મળ્યા
પછી સમજાયું કે સામાન્યા નથી પણ શ્રેષ્ઠા છે! ફ્રાન્સ અને રશિયાના ઈતિહાસમાં પણ આવી
સ્ત્રીઓના ઉલ્લેખ છે. એમનું કામ પુરુષના શારીરિક આવેગને સંતોષવાનું છે, પરંતુ નવાઈની વાત એ
છે કે શેરીઓમાં રખડીને ગ્રાહકો શોધતી સાવ સસ્તામાં સમર્પણ કરી દેતી સ્ત્રીઓથી શરૂ કરીને એક
રાતના લાખો રૂપિયા લેતી હાઈ સોસાયટીની કોલગર્લ સુધી આ બિઝનેસ વિસ્તરેલો છે. એમના
બિઝનેસ અને કથાઓ ઉપર અનેક પુસ્તકો લખાયા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આવી સ્ત્રીઓના
અનેક અભ્યાસ (રીસર્ચ અને સર્વે) થયા છે.
આ સ્ત્રીઓ જે રીતે જીવે છે એ જોઈને એક વાત સમજાય છે, દેહ વેચવા છતાં એમની પાસે
પેટ પૂરતું ભોજન નથી. એમાંની મોટાભાગની અભણ છે, એટલે હિસાબ-કિતાબ આવડતા નથી. દસ
ટકા, પંદર ટકા વ્યાજે એ લોકો પૈસા ઉધાર લે છે. વ્યાજ ચૂકવતાં ચૂકવતાં જીવન પૂરું થઈ જાય છે,
પણ મૂડી ઊભી જ રહે છે. આખી જિંદગી શરીર વેચ્યા પછી પણ એમની પાસે વૃદ્ધાવસ્થા માટે કોઈ
બચત નથી હોતી. એમને સન્માન તો ઠીક સહાનુભૂતિ પણ ભાગ્યે જ મળે છે.
ભારતમાં આઠ લાખ સેક્સ વર્કર્સ છે. પશ્ચિમ બંગાળમાં જ 1.30 લાખ સેક્સ વર્કર્સ છે,
જેમાંથી 20 હજાર જેટલી સોનાગાચ્છીમાં રહે છે. મુંબઈમાં પાંચ હજારથી વધુ સ્ત્રીઓ સેક્સ
વર્કિંગના વ્યવસાયમાં છે, એ સિવાય એસ્કોર્ટ, બાર ડાન્સર, ક્લબ ડાન્સર અને મોંઘી કોલગર્લ્સ
મળીને એકલા મુંબઈમાં જ લગભગ નવ હજારથી સ્ત્રીઓ આ વ્યવસાયમાં પોતાનું શરીર વેચી રહી
છે. આમાંની કેટલીય સ્ત્રીઓ એમના સંતાનોને ભણાવે છે. હોસ્ટેલમાં રહેતા સંતાનને ક્યારેક માના
વ્યવસાય વિશે જાણ નથી હોતી તો ક્યારેક ગામડામાં રહેતો પરિવાર જે બહેન, પત્ની કે માના પૈસે
ગુજરાન ચલાવતો હોય છે એમને પણ પોતાના શરીરને ઈચ્છા-અનિચ્છાએ વેચી રહેલી સ્ત્રીની
પીડાની કલ્પના પણ નથી આવતી!
હૃદય પર હાથ મૂકીને એક ક્ષણ માટે જો સચ્ચાઈનો સામનો કરી શકીએ તો સમજાય કે આ
સ્ત્રીઓને તિરસ્કૃત કે બહિષ્કૃત કરવાને બદલે એમને પ્રણામ કરવા જોઈએ. એ પોતાની જાતને વેચીને
આ સમાજને ચોખ્ખો રાખવાનું કામ કરે છે. સાચા અર્થમાં આ સ્ત્રીઓ સમાજની શુદ્ધિ કરતા સંત
જેવું જ કામ કરે છે! નવાઈની વાત એ છે કે એમના પરસ્પરના સંબંધો બહુ અદભુત છે. એક સ્ત્રી
ગ્રાહકને સંતોષતી હોય ત્યારે બીજી એકાદ જે ફ્રી હોય એ એના બાળકને સંભાળવાનું કામ કરે છે.
નાનકડી સાત-આઠ મહિનાની મંજુલાને મૂકીને એની મા ‘ધંધે’ ગઈ હોય ત્યારે એની જ બાજુમાં
ઊભી રહેતી, એની જ હરીફ ગણી શકાય એવી આરીફા એની દીકરીને સાચવે છે. એકાદનો ધંધો ન
થયો હોય અને ખાવાનું ન હોય તો આ બહેનો વહેંચીને વડાપાંઉ ખાય છે. બધી સમજે છે કે પચાસ
વર્ષ પછી શરીર ખખડી જવાનું છે અને આવકનું સાધન નથી રહેવાનું, એટલે બધી એકબીજાનો
આધાર બનીને જીવે છે. હિન્દુ-મુસ્લિમ, ભાષા-પ્રદેશ જેવા કોઈ વાડાઓ વગર આ સ્ત્રીઓ
એકબીજાની પીડા પચાવીને એકબીજાની હિંમત બનીને જીવ્યા કરે છે, જ્યાં સુધી મોત આવીને એમને
આ દોજખમાંથી છોડાવે નહીં ત્યાં સુધી!
એમને ફક્ત પૂજાના અધિકાર માટે લડવું પડે, એ કેવી બદનસીબ વાત છે… સત્ય તો એ છે કે,
આપણે, સૌ સ્ત્રીઓએ સાથે મળીને એમને સન્માન, સ્નેહ અને સુરક્ષા મળી રહે એ માટે લડવું
જોઈએ.