‘જીના યહાં મરના યહાં ઈસકે સિવા જાના કહાં…’ શૈલી શૈલેન્દ્ર (ગીતકાર શૈલેન્દ્રના પુત્ર) એ
લખેલા ગીતને 1970માં બનેલી ફિલ્મ ‘મેરા નામ જોકર’માં રજૂ કરવામાં આવ્યું હતું. સંબંધોના ત્રણ
તબક્કામાંથી પસાર થયેલા એક ‘જોકર’ના જીવનને રજૂ કરતું આ ગીત એની શિક્ષિકા (સિમિ
ગરેવાલ), એની પ્રેમિકા (પદ્મિની) અને રશિયન પ્રેમિકા (કેસનિયા રિયાબિન્કિયા)ની સાથે એમના
જીવનના પ્રવાસની કથા પણ એમણે વણી લીધી હતી. આજે જે ફિલ્મને ક્લાસિક કહેવાય છે એ
ફિલ્મ ત્યારે સુપરફ્લોપ હતી. 1970માં રાજ કપૂરે સારા એવા પૈસા ગૂમાવ્યા પછી પોતાના પિતા
અને મોટા દીકરા રણધીર કપૂરને લઈને 1971માં એમણે ફિલ્મ કરી, ‘કલ આજ ઔર કલ’.
એ ફિલ્મમાં ત્રણ પેઢીની માનસિકતા અને એમની જીવનશૈલીમાં આવેલા પરિવર્તનની કથા
સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. એ ફિલ્મમાં રાજ કપૂરના પુત્રવધૂ (ફિલ્મ પછી રીલિઝ થઈ-17
ડિસેમ્બર, 6 નવેમ્બર, 1971ના દિવસે રણધીર કપૂર અને બબીતાના લગ્ન થયાં.) ‘કલ આજ ઔર
કલ’ પૃથ્વીરાજ કપૂરની છેલ્લી હિન્દી ફિલ્મ હતી. એ પછી એમણે એક પંજાબી ફિલ્મ કરી અને
1972માં એમણે આ જગત છોડી દીધું. એ ફિલ્મમાં પ્રેમની વ્યાખ્યા કઈ જુદી જ હતી. ‘હમ જબ
હોંગે સાઠ સાલ કે, ઔર તુમ હોગી પચપન કી… બોલો પ્રીત નીભાઓગી ના, ફિર ભી અપને બચપન કી…’ એ
ગીતમાં યુવાનીમાં પ્રેમમાં પડેલા યુગલ આવનારા વર્ષોમાં પણ આટલો જ પ્રેમ રાખી શકશે કે નહીં એ
વિશેનું એક સુંદર ગીત હતું.
1973માં રાજ કપૂરના બાળપણનું પાત્ર ભજવનાર એમનો દીકરો, રીશિ જ્યારે યુવાન થયો
ત્યારે એના પહેલા પ્રેમની કથા સાથે રાજ કપૂરે એક સુપરહિટ ફિલ્મ આપી, ‘બોબી’. એક નવી, 16
વર્ષની છોકરી ડિમ્પલ કાપડિયા (ચુનીભાઈ અને બેટ્ટી કાપડિયાની દીકરી) ની સાથે બનેલી એ
ફિલ્મમાં પ્રેમને વિદ્રોહના સ્વરૂપ સુધી લઈ જવામાં આવ્યો.
1970-71 અને 73… ત્રણ વર્ષમાં બનેલી ત્રણ ફિલ્મો, એક જ મેકર, પરંતુ એના વિચારો
અને એણે રજૂ કરેલી કથામાં કેટલો ફેરફાર ! પહેલી ફિલ્મ, ‘મેરા નામ જોકર’માં પ્રેમને ત્યાગ, બલિદાન
કે મુક્તિ અને સ્વતંત્રતા સાથે જોડવામાં આવ્યો. સિમિ, પદ્મિની અને કેસનિયાની સાથેના પોતાના
સંબંધમાં આ સ્ત્રીઓને બાંધવાને બદલે એમને મુક્ત કરી દેવાના, પોતાનો પ્રેમ પોતાનો પૂરતો
મર્યાદિત રાખીને મહોબ્બતને માલિકી નહીં, પણ મુક્તિ બનાવવાનો સંદેશ હતો. એ પછીની ફિલ્મ
એક મેચ્યોર, સમજદાર પિતા એક મજાના દાદા અને નવા જમાનાની છોકરીની સંયુક્ત કુટુંબ વિશેની
માનસિકતા, એના સ્વતંત્રતા વિશેના ખોટા ખ્યાલો અને પારિવારિક બોન્ડ્ઝ વિશેની કથા હતી. પ્રણય
અને પરિણય વચ્ચેનો ભેદ, મજા અને જવાબદારી વચ્ચેની ભેદ રેખા આ ફિલ્મની કથામાં સ્પષ્ટ થતી
હતી અને ત્રીજી ફિલ્મ, ‘બોબી’ જેમાં ધર્મ, વર્ગવિગ્રહ અને આર્થિક સીમારેખાને વળોટીને પ્રેમ બધું જ
છોડી શકે છે એવી એક કથા રજૂ કરવામાં આવી. પ્રેમને વિદ્રોહ બનાવીને, પરિવાર, માતા-પિતા,
સમાજની સામે વિદ્રોહ કરીને પ્રેમને જ સત્ય માનીને એને જ પોતાના જીવનનું ધ્યેય બનાવતા એક
યુગલની કથા ત્યારે તો બહુ ગમેલી… એના પરથી બીજી અનેક ફિલ્મો પણ બની. સાચું પૂછો તો એ
ફિલ્મ પછી ઘર છોડીને ભાગી જનારા યુગલોની સંખ્યા વધી, પરંતુ જીવનનું સત્ય શું છે એની
સમજણ કદાચ ઘટી !
એક જ નિર્માતા-દિગ્દર્શકે બનાવેલી ત્રણ ફિલ્મોમાં પ્રેમની ત્રણ જુદી વ્યાખ્યાઓ રજૂ થઈ. એવું કહેવાય
છે કે, લેખક-દિગ્દર્શક જ્યારે (ખાસ કરીને) સિનેમાની કથા લખે કે બનાવે ત્યારે એમના વિચારોની સમાજ ઉપર
અને સમાજમાં આવી રહેલા પરિવર્તનોની એમના લખાણ કે મેકિંગ ઉપર અસર થાય છે. 1970ની ફિલ્મ ‘મેરા
નામ જોકર’ અને 1973ની ફિલ્મ ‘બોબી’ વચ્ચે જાણે એક આખી પેઢી બદલાઈ ગઈ હોય એવી
આપણને લાગણી થાય. ફેશનથી શરૂ કરીને અંગ પ્રદર્શન સુધી, ગીતોના પિક્ચરાઈઝેશનથી શરૂ કરીને
ગીતના શબ્દો સુધી બધું જ જાણે કે બદલાઈ ગયું. રાજ કપૂર જેવા દિગ્દર્શક નવા જમાનાની નવી
પધ્ધતિ નવેસરથી શીખ્યા હોય એમ, એમણે ‘મેરા નામ જોકર’માં ખોયેલા પૈસા ‘બોબી’માં પાછા
મેળવવા માટે પ્રયાસ કર્યો હોય એવું લાગે !
બદલાતા સમય સાથે બધું જ બદલાય છે… છેલ્લા થોડા વખતમાં આપણે જે સિનેમા કે
ઓટીટી જોઈ રહ્યા છીએ એ બધું જ આપણી વ્યાખ્યાઓને તોડી-ફોડીને નવેસરથી નવી વ્યાખ્યા
શીખવા મજબૂર કરે એવું છે. હજી કેટલાક પરિવારોમાં ‘પ્રેમલગ્ન’ ભડકાવી દેનારો શબ્દ છે. યુવાન
દીકરી કે દીકરો પ્રેમમાં પડે તો પિતા એને સેલિબ્રેટ કરે એવું પણ એક દૃશ્ય ‘કભી કભી’ નામની ફિલ્મમાં
યશ ચોપરાએ શશી કપૂર પાસે ભજવડાવ્યું હતું. રીશિ કપૂર એના પિતા (શશી કપૂર)ને જણાવે છે કે,
એ પ્રેમમાં પડ્યો છે ત્યારે એના પિતા પોતે જ પ્રેમમાં પડ્યા હોય એનાથી વધુ ખુશાલી મનાવે છે !
પ્રેમ કોઈ ડરાવનારો, ભડકાવનારો કે ભયભીત કરનારો શબ્દ નથી. પ્રેમમાં પડેલો દરેક યુવાન કે
યુવતિ ભાગી જ જાય, લગ્ન પહેલા સેક્સ કરી જ લે કે એકવાર સેક્સ થઈ ગયા પછી એકબીજાને
છોડી જ દે… વીડિયો બનાવી લે, બ્લેકમેઈલ કરે આવું માનવાની જરૂર નથી. આવા કિસ્સા બને છે,
વધતા જાય છે એ સ્વીકારી લઈએ તો પ્રેમલગ્ન કરીને સુખી થયેલા દંપતિ પણ આપણા સમાજમાં છે
જ. ધર્મ, જાતિ કે જ્ઞાતિ માણસને પસંદ કરવાનો અધિકાર નથી મળતો. પોતે ક્યાં જન્મ લેવો એ
નિર્ણય કરવાનો અધિકાર આપણી પાસે નથી… પરંતુ, પ્રેમ કરતી વખતે આ બધું જોવું, સમજવું અને
એની સાથે જોડાયેલી જવાબદારી સામાજિક દાયિત્વ અને સમજણ તો આપણા હાથમાં જ છે.
જે માતા-પિતાએ 18-19 કે 24-25 વર્ષ સુધી આપણી કાળજી લીધી. મોટા કર્યા, ભણાવ્યા
અને પ્રેમમાં પડવા કે પાડવાને લાયક બનાવ્યા, એ માતા-પિતાને ઘડીભરમાં ભૂલાવીને એમની ઈચ્છા-
અનિચ્છા જાણ્યા વગર, એમના ભય કે ના પાડવાના કારણો સમજ્યા વગર ફક્ત ‘પ્રેમ’ના નામે
પરિવાર છોડનારા સંતાન અહેસાન ફરામોશ અને બેજવાબદાર છે. માતા-પિતાની લાગણીને
અવગણીને ભાગી જનારા સંતાનોના જીવનમાં એક વસવસો કે અફસોસ કાયમ બાકી રહે છે. બીજી
તરફ, માતા-પિતાએ પણ એવું સમજવાનો સમય થઈ ગયો છે કે પોતે જે દાબ-દબાણ કે રૂઢિચુસ્ત
સમાજમાં ઉછર્યા એવો સમાજ કે સમય આજે નથી. એક છોકરો અને છોકરી મુક્ત મને હળે-મળે છે,
સાથે ભણે છે અને નિઃસંકોચ એકબીજાના મિત્રો બને છે. દરેક વિજાતિય મિત્ર સાથે પ્રેમ જ હોય એવું
જરૂરી નથી, એ વાત માતા-પિતાએ સમજવાની જરૂર છે. બીજી એક મહત્વની વાત એ પણ છે કે,
કદાચ પોતાનું સંતાન પ્રેમમાં હોય અને એ પાત્ર માતા-પિતાને યોગ્ય ન લાગતું હોય તો એના
કારણોની ચર્ચા મુક્ત મને થવી જોઈએ. પોતે ‘માતા-પિતા છે’ એટલું કારણ આજની પેઢી માટે પૂરતું
નથી.
આવતીકાલે વલેન્ટાઈન ડે છે. કેટલાક રાજકીય પક્ષો અને ધાર્મિક સંગઠનો આ દિવસને
વિદેશી ઊજવણી માનીને એનો હિંસક વિરોધ કરે છે. દુકાનો તોડવી, યુગલોને ભગાડવા કે મારવા,
કોલેજોમાં કે સ્કૂલમાં થતી ઊજવણી અટકાવીને ત્યાં ધમાલ કરવા જેવા કામો આ સંગઠનો કે
રાજકીય પક્ષો કરે છે. સત્ય એ છે કે, જ્યાં વિરોધ કરવામાં આવે છે ત્યાં વિદ્રોહ ઊભો થાય છે. માતા-
પિતા હોય કે, સામાજિક-રાજકીય-ધાર્મિક સંગઠન… વિરોધ પ્રેમનો નહીં, પ્રેમના નામે કરવામાં
આવતા દગા કે ધોકાનો હોવો જોઈએ. દીકરી કે દીકરો ફસાય નહીં એ જોવાની ફરજ માતા-પિતાની
છે, પરંતુ એ ફસાઈ જ જશે એવું માની લઈને ભયભીત રહેનારા માતા-પિતા અંતે પોતાના જ
સંતાનને ગૂમાવી બેસે છે.
આપણે ‘પ્રેમ’ને સમજવામાં ભૂલ કરી છે… આપણી ગેરસમજણ કે અણસમજ આપણે
આપણા પછીની પેઢીને પણ ભેટમાં આપી રહ્યા છીએ. પહેલાં આપણે આપણી માનસિકતા બદલીએ
અને પછી નવી પેઢીને પણ એની માનસિકતા બદલવામાં મદદ કરીએ… એ આજના વલેન્ટાઈનની
સાચી ઊજવણી છે.