અમે મિત્રો નહોતા… રોજ મળવાના, વાત કરવાના કે નાની મોટી ગોસિપ-સુખ-દુઃખ કરવાના સંબંધો નહોતા અમારા… પણ
અમે જ્યારે મળતા ત્યારે પૂરા ઉમળકાથી અને સ્નેહથી મળતા. અમારી વચ્ચે એક બોન્ડ હતું. એ મને કાજલ દી’ કહેતી. કોવિડ
પછી તરત એક સરકારી ફિલ્મના પ્રોજેક્ટ માટે અમે વર્ષો પછી મળ્યાં… મારે માટે એ ‘પ્રફુલ ભાવસારની દીકરી’, પણ એ ફિલ્મ
પછી અમારી વચ્ચે અંગત સંબંધ થયો. એ ખૂબ બોલતી. એના લગ્નની, મૌલિક માટેના સ્નેહની, બાળક માટેની ઝંખનાની,
એના સપનાંની અને જિંદગી સાથે એની દોસ્તીની વાતો એ કરતી રહેતી. થોડાક સમયમાં બધું જ કહી દેવું હોય એને. ખડખડાટ
હસી લેવું હોય. જેટલો સમય ન મળ્યાં હોઈએ, એ બધા સમયની એણે સંઘરી રાખેલી વાતો ફોન પર જ કરી લેવી હોય…
ક્યારેક અચાનક ફોન કરીને ટહુકો કરતી, ‘બસ તમારો અવાજ સાંભળવો હતો.’ આજે મારે એનો અવાજ સાંભળવો છે! પણ એ ચૂપ
થઈ ગઈ. અમારે છેલ્લી વાત થઈ ત્યારે એને ફેફસાંનું કેન્સર ડિટેક્ટ થયું હતું. સૌને આશા હતી કે, એ તો સર્વાઈવલ છે, લડી-
ઝઘડીને જિંદગી પાસે એણે હંમેશાં ધાર્યું કરાવ્યું છે એટલે આ વખતે પણ એમ જ થશે. મેં કહ્યું હતું કે, ‘મુંબઈ છું. 25મીએ સવારે
તને મળવા આવીશ…’ પહેલાં અમેરિકા, પછી ઓસ્ટ્રેલિયા ને પછી એ દિવસોમાં બાકી રહી ગયેલું કામ કરવાની લહાયમાં હું એને
મળવા ન જઈ શકી. આપણે બધા માનતા હોઈએ છે કે, આપણી પાસે અને સામેની વ્યક્તિ પાસે ખૂબ સમય છે. ક્યારેક,
પછીથી, નેક્સ્ટ વીક… જેવા શબ્દો કેટલા છેતરામણા હોય છે એ મને સવારે આજે સાડા ત્રણ વાગ્યે સમજાયું. અનોખીએ ફોન
કરીને કહ્યું, ‘હેપ્પી ગઈ’. મને લાગ્યું જાણે મારો હાથ જુઠ્ઠો પડી ગયો. મગજ સૂન્ન થઈ ગયું. હું હજી માની નથી શકતી કે, જેને
જિંદગી સાથે આટલી બધી દોસ્તી હતી એવી એક છોકરી, જેનું નામ જ ‘હેપ્પી’ હતું એ આવી રીતે જતી રહી!
ગુજરાતી અભિનેત્રીઓમાં એનું નામ આદરથી લેવું પડે. ‘મહોતું’ ફિલ્મ માટે એને ખૂબ પ્રશંસા અને એવોર્ડ્ઝ મળ્યા. ‘પ્રીત પિયુ ને
પાનેતર’ના 500થી વધુ શો, ‘મોન્ટુની બિન્ટુ’, ‘પ્રેમજી’ અને બીજી કેટલીય ગુજરાતી ફિલ્મો, ટી.વી. સીરિયલ્સમાં હેપ્પીનો ચહેરો
આપણે સતત જોતા રહીશું. ભાષા ઉપર ગજબનો કાબૂ. રણકતો અવાજ અને આંખોમાં એટલું ચૈતન્ય કે જાણે બે પ્રજ્જવલિત
દીવા હોય. મૌલિક નાયક સાથેના એના લગ્નની કથા પણ બહુ રસપ્રદ. જેને ઝંખ્યો એને પામી… ટૂંકી પણ અદભૂત જિંદગી,
એટલું તો સ્વીકારવું જ પડે! મૌલિક એનાથી ઉંમરમાં નાનો, પણ મેચ્યોરિટીમાં મૌલિકની સમજને દાદ દેવી પડે. મનગમતો વર
પામ્યા પછી ઘરમાં, સાસરામાં, મૌલિકમાં ઓતપ્રોત! કંઈ પણ સારું જુએ કે વાંચે એટલે તરત જ મૌલિકને ફોન લગાડે-કેમ જાણે
કોઈપણ ખુશી એકલા માણી લેવી એને મંજૂર ન હોય! ખુશમિજાજ અને મહેનતુ. સાથી કલાકારોને સતત કો-ઓપરેટ કરે,
તબિયત વિશે કોઈ ફરિયાદ કે નખરા નહીં. અગવડ-સગવડ વિશે ક્યારેય ગમા-અણગમા નહીં- ‘કામ કરવા આવ્યા છીએ. બહુ
સગવડ ના મળે તો કંઈ વાંધો નહીં.’ એ કહેતી અને બત્રીસ દાંત દેખાય એવું હસી પડતી. ગાંધીનગરથી અમદાવાદના ધક્કા પૂરી
નિષ્ઠાથી ખાય, છતાં કૉલટાઈમમાં ભાગ્યે જ મોડી પડે. જેની સાથે એણે કામ કર્યું છે એ સૌ હેપ્પીની ટેલેન્ટ, સરળતા અને
નિષ્ઠાના સાક્ષી છે.
અનોખી એની બહેન. બંનેમાં ગજબની દોસ્તી, સમજણ અને એકબીજા માટે જીવ આપી દેવાની તૈયારી. હેપ્પીના લગ્ન મૌલિક
સાથે થાય એ માટે પ્રયાસ કરવાથી શરૂ કરીને હેપ્પીને શાંતિપૂર્વક વિદાય આપવા સુધીના નિર્ણયો અનોખીએ કઠણ હૃદયે કર્યાં.
જયશ્રી ભાવસાર હેપ્પીની જન્મદાત્રી, પણ હેપ્પીની સાચી મા તો એની નાની બહેન, અનોખી! આજે પણ બે દીકરીઓને
છાતીએ લગાડીને એણે કહ્યું, ‘હેપ્પી ભલે ગઈ, પણ પાછળ બે હેપ્પી મૂકીને ગઈ છે. થોડા દિવસમાં છમછમ કરતી આખા ઘરમાં ફરશે
ત્યારે હેપ્પી જ ફરતી હોય એવું લાગશે.’ અનોખી હજી રડી નથી, એને સમય જ મળ્યો નથી!
હેપ્પીની નાનામાં નાની ઈચ્છા કે સપનું અનોખી માટે, મૌલિક માટે જાણે જીવન-મરણનો સવાલ થઈ જતો. એને ખુશ રાખવા
માટે બંને જણાંએ અથાગ સમય, શક્તિ અને સંસાધનો વાપરી નાખ્યાં છે. ‘મા’ બનવું એ હેપ્પીની જિંદગીનું એક માત્ર સપનું,
ધ્યેય કે ઈચ્છા! આજે જ્યારે એના જવાના સમાચાર સાંભળ્યા ત્યારે મને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે, એણે નિયતિ સાથે
યુધ્ધ કર્યું- અને જીતી પણ ખરી! નાની ઉંમરે એને ક્લેરોડર્માનો રોગ થયો. ફેફસાંમાં એક એવું જાળું બાઝે જેનાથી કોષો ધીમે ધીમે
એની સ્થિતિસ્થાપકતા છોડવા માંડે, શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે. અનેકમાંથી કોઈ એકને જ આવો રોગ થાય. ડૉ. પાર્થિવ
મહેતાની ટ્રીટમેન્ટ ચાલતી હતી. જોકે, એણે કોઈ દિવસ આ તકલીફને ગણકારી નથી. આઈવીએફ (હોર્મોન ઈન્ડક્શન)થી કદાચ
એની જિંદગીને થોડું જોખમ છે એવું જાણ્યા-સમજ્યા પછી પણ કન્સીવ કર્યું. પ્રેગ્નેન્સી દરમિયાન અપાર તકલીફો, પણ ‘મા’
બનવાની એની ઝંખના એટલી તીવ્ર કે બે હેલ્ધી દીકરીઓને જન્મ આપ્યો. એના સીમંતના ફોટા ઉત્સાહથી શેર કર્યા હતા એણે…
બે દીકરીઓ, કૃષ્ણવી અને કૃષ્ણા, હજી અઢી મહિનાની છે. દીકરીઓના જન્મ પછી તરત જ એના ફેફસામાં પાણી ભરાવાનું શરૂ
થયું. બે વાર પંક્ચર કરીને પાણી કાઢ્યું ય ખરું, પણ જ્યારે બાયોપ્સી કરી ત્યારે સમજાયું કે એને ફેફસાંનું કેન્સર છે. જોકે, એણે
હામ કે હિંમત છોડ્યા નહોતાં.
એને સૌથી વધારે ગુસ્સો ત્યારે આવતો જ્યારે એની કોઈ દયા ખાય, વધુ પડતી કાળજી કરે… એને નોર્મલ રહેવું હતું અને સૌ
એની સાથે નોર્મલ જ વર્તે એવો એનો આગ્રહ-હઠાગ્રહ-દૂરાગ્રહ રહેતો. તબિયતની ખબર પૂછીએ તો રણકતા અવાજે જવાબ
આપે, ‘ચાલે છે!’ રંગો એને ખૂબ ગમતા. બ્રાઈટ કલર્સ અને બ્રાઈટ લિપસ્ટિક એનો શોખ. સાડી, બંગડી, ચળિયા ચોળી, વેણી,
મેક-અપ… કશુંય ઓછું એને ન ચાલે. ટેસ્ટી ખાવાનું એની નબળાઈ. તબિયત આઘીપાછી હોય તો પણ સ્વાદિષ્ટ ભોજન જુએ કે
પીગળી જાય. આપણે ટોકીએ તો કહે, ‘આજે ખાઈ લઉં. કાલથી નહીં ખાઉં, બસ!’
કદાચ એને ખબર હશે કે, એણે એની જિંદગીની બધી જ મજા સુખ, આનંદ, પ્રેમ, ઉત્તમ ફિલ્મો-અભિનય અને શોખ ઓછા
સમયમાં પૂરા કરી લેવાના છે!
‘મેં મારી દીકરીઓને આનંદથી ખોળામાં નથી લીધી. મારી તબિયત જ સારી નથી થતી’ હજી અઠવાડિયા પહેલાં એણે ફરિયાદ કરી હતી.
ત્યારે એણે કે બીજા કોઈએ એવું ધાર્યું નહોતું કે આ રોગ આવી ઝડપથી એના અસ્તિત્વને ગ્રસી જશે. દુઃખાવો, શ્વાસ લેવામાં
તકલીફ અને મૃત્યુની સામે ઝઝૂમતી વખતે પણ એણે એકવાર ‘ફરિયાદ’ નથી કરી! 24 ઓગસ્ટની મોડી રાત્રે અને 25 ઓગસ્ટની
વહેલી સવારે જ્યારે એણે જીજીવિષા છોડી હશે ત્યારે પણ એના ચહેરા પરનું સ્મિત અકબંધ હતું. કેમ જાણે કાળના ચૂકાદાને એણે
પૂરા આદરથી સ્વીકારી લીધો હોય!
હેપ્પી ગઈ નથી, ક્યાંય જઈ શકે એમ છે જ નહીં… એની દીકરીઓના સ્વરૂપમાં, એની ફિલ્મો, ટી.વી. સીરિયલ્સમાં, એના
ચમકતાં હસતાં દાંત અને આંખોનું ચૈતન્ય ઝબકાવતી એ આપણી વચ્ચે જ છે, રહેવાની છે.
એના માતા-પિતાએ એનું નામ ‘હેપ્પી’ પાડ્યું ત્યારે થોડું વિચિત્ર લાગેલું, પણ આજે સમજાય છે કે, એ તો હેપ્પી રહેવા જ જન્મી
હતી અને હેપ્પી થઈને જ ગઈ.