રજનીકાન્તઃ 70 વર્ષે પણ સુપરસ્ટાર

‘સુપરસ્ટાર’ સિનેમાના સ્ક્રીન પર લખેલું વંચાય છે… પછી આર.એ.જે.એન.આઈ… એક
પછી એક અક્ષરો આવે છે. પદ્મ વિભૂષણ ‘રજનીકાન્ત’ ! એમની ફિલ્મ રિલિઝ થવાની હોય ત્યારે 50
ફૂટના કટ આઉટ લાગે છે. લોકો એને ભગવાનની જેમ પૂજે છે. એ હોસ્પિટલમાં હતા ત્યારે કેટલાય
લોકોએ ખાવાનું છોડી દીધેલું… જન્મે મૂળ મરાઠી, શિવાજીરાવ ગાયકવાડ. એમનો પરિવાર
બેંગ્લોરમાં વસતો એટલે કન્નડ પણ બોલી શકે છે. એમણે કારકિર્દીની શરૂઆત તમિલ ફિલ્મોથી કરી.
આજે, એ તમિલ સિનેમાના સુપરસ્ટાર છે. લોકો એમને ભગવાનની જેમ પૂજે છે, પરંતુ સરકારી
શાળામાં ભણેલા અને સ્ટેશન પર મજૂર તરીકે જેમણે કામ કર્યું છે, બેંગ્લોર ટ્રાન્સપોર્ટ સર્વિસના બસ
કન્ડકન્ટર રહી ચૂકેલા આ તદ્દન સામાન્ય પરિવારમાંથી કારકિર્દીની બુલંદીએ પહોંચેલા એક એવા
વ્યક્તિ છે જેમણે પોતાની ફિલ્મી ઈમેજ અને વ્યક્તિગત જીવનને સેળભેળ થવા દીધા નથી.

આપણા કેટલા બધા સ્ટાર એવા છે જેમના વાળ ખરી ગયા હોય કે ચહેરા પર કરચલી આવી
ગઈ હોય, પરંતુ પબ્લિક લાઈફમાં એ પોતાની સાચી ઈમેજ રજૂ કરતાં ડરે છે… માથા ઉપર કેપ કે
આંખ નીચે ફૂલી ગયેલા આઈ પોકેટ્સ છુપાવવા માટે કાળા ચશ્મા પહેરીને આ લોકો જાહેરમાં રજૂ
થાય છે. એની સામે રજનીકાન્તે કોઈ દિવસ એમના ખરી ગયેલા વાળ કે વધતી ઉંમરને છુપાવવાનો
પ્રયાસ નથી કર્યો. એ જેવા છે તેવા જ જાહેરજીવનમાં અને જાહેર સમારંભોમાં હાજર થાય છે.
તમિલનાડુના લોકોએ રજનીકાન્તની આ સાદગી અને સચ્ચાઈને પૂરા પ્રેમ અને સહજતાથી સ્વીકારી
છે. રજનીકાન્તને 2021માં 71 વર્ષ પૂરાં થાય છે તેમ છતાં, ‘હીરો’ તરીકેની એમની ઈમેજને ઊની
આંચ પણ આવી નથી !

રજનીકાન્ત પોતે સ્વીકારે છે કે એ બચ્ચન સાહેબના બહુ મોટા ફેન હતા. એમણે સિનેમામાં
કામ કરવાનો નિર્ણય બચ્ચન સાહેબની પ્રેરણાથી લીધો. જરાય દેખાવડા ન હોવા છતાં, રજનીકાન્તે
પોતાની એક સ્ટાઈલ ઊભી કરી. ધીમે ધીમે એ સ્ટાઈલ લોકોને એટલી ગમવા લાગી કે સમગ્ર તામિલ
સિનેમા જગત રજનીકાન્તની સ્ટાઈલની અસર નીચે ફિલ્મો બનાવવા લાગ્યું.

એક સામાન્ય ઘરમાં જન્મેલો છોકરો, જે ઓછું ભણ્યો છે અને દેખાવડો નથી તેમ છતાં
પોતાની કારકિર્દીના 50 વર્ષ પછી સો જેટલી ફિલ્મોમાં હીરોનો રોલ કરીને ફિલ્મ જગતની સાથે સાથે
લોકહૃદયમાં પણ રાજ કરી શકે કારણ કે, એણે પોતાના વ્યક્તિત્વને કોઈ ઈમેજમાં કે કોઈ ‘રીલ’
લાઈફમાં બાંધ્યું નથી. એ જાહેરમાં વીગ વગર દેખાય છે. એમના આછા થઈ ગયેલા વાળ કે 70
વર્ષની ઉંમરનો ચહેરો રજનીકાન્ત ક્યારેય છુપાવતા નથી. એથી આગળ વધીને એમને તમિલનાડુના
રાજકારણ વિશે જ્યારે-જે કહેવાની જરૂર લાગે એ, રજનીકાન્તે ખુલ્લા દિલે અને ડર્યા વગર કહ્યું છે.
હજી હમણા, 2020માં એમણે કરેલા એક નિવેદનના વિવાદમાં એમણે જવાબદારી સ્વીકારીને માફી
માગવાની ના પાડી હતી. એક ‘ઓપિનિયન મેકર’ કે ‘ઈન્ફ્લુએન્સર’ તરીકે એમણે સામાજિક
જવાબદારીને પણ પૂરી ગંભીરતાથી સ્વીકારી છે. આજે જ્યારે સોશિયલ ટ્રોલિંગ અને મોરલ
પોલીસીંગ આપણને ડરાવવા લાગ્યું છે ત્યારે ખાસ કરીને, જે લોકો સેલિબ્રિટી છે અથવા જેમના
વધારે ફોલોઅર કે પ્રશંસકો છે એમના ઉપર દબાણ ઊભું કરીને માફી મંગાવવાની એક ફેશન ચાલી છે.
રજનીકાન્તે પોતાની સાચી અને સ્વાભાવિક ઈમેજ જે રીતે પોતાના પ્રશંસકોથી છુપાવી નથી એવી
જ રીતે એમણે પોતાના વિચાર પણ પૂરી પ્રામાણિકતાથી પ્રશંસકો સામે મૂક્યા છે. પારિવારિક
જીવનમાં પણ એમણે કશું જ છુપાવવાનો પ્રયાસ નથી કર્યો. એમની મોટી દીકરી ઐશ્વર્યાના લગ્ન
અભિનેતા ધનુષ સાથે થયા છે જ્યારે, બીજી દીકરી સૌંદર્યાના છૂટાછેડાની વાત એમણે છુપાવવાને
બદલે જાહેરમાં સ્વીકારી અને એક પિતા તરીકે પોતે ચિંતિત છે એ વાત પણ કહેતાં અચકાયા નથી.

જો કોઈ વ્યક્તિ આપણી પ્રશંસા કરે છે, આપણને ચાહે છે તો આપણામાં રહેલા એ ગુણની
સાથે સાથે કોઈ નબળાઈ પણ હશે જ… આ નબળાઈ છુપાવવાને બદલે કે અભિનેતા તરીકે પોતે
પડદા ઉપર જે દેખાય છે તે જ સચ્ચાઈ છે એવું પ્રશંસકોના મગજમાં ઠસાવવાને બદલે અભિનય એ
પોતાનો વ્યવસાય છે અને પોતાનું વ્યવસાયિક જીવન અને અંગત વ્યક્તિત્વ ભિન્ન છે એવું સ્વીકારવા
માટે જે હિંમત જોઈએ એ રજનીકાન્તે હંમેશાં દેખાડી છે.

આપણે બધાએ આના પરથી એક વાત શીખવાની છે… મોટાભાગના લોકો એવું માનીને
ચાલે છે કે, સમાજ અથવા એની આસપાસની દુનિયા એની પાસેથી જે અપેક્ષા રાખે છે અથવા
એમની જે ઈમેજ બીજાના મનમાં છે એને વળગી રહેવાથી જ સામેની વ્યક્તિ એનો સ્વીકાર કરશે
અથવા સામેની વ્યક્તિને પોતે ગમશે. સ્વીકારના આ સર્ટિફિકેટ માટે આપણે આપણા પોતાના
વ્યક્તિત્વને ક્યારેક ઢાંકીએ છીએ, ક્યારેક છુપાવીએ છીએ તો ક્યારેક આપણે જે નથી એ બનીને પ્રગટ
થઈએ છીએ. સાચું પૂછો તો આપણે કોઈ ‘ઈમેજ’ની જરૂર નથી તેમ છતાં, આપણે ‘અન્યની
નજરમાં’ ટકી રહેવા માટે કેટલી મહેનત કરીએ છીએ ! બનાવટી વ્યક્તિત્વ ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે
નહીં, આ સાદી અને મહત્વની વાત આપણને સમજાતી નથી.

ખાસ કરીને, સ્ટાર્સ અને રાજકારણીઓ માટે આ મુદ્દો બહુ મહત્વનો બની જાય છે.
જાહેરજીવનમાં રહેલી લગભગ દરેક વ્યક્તિ પોતાના ફેન કે પ્રશંસકો પાસેથી સ્વીકાર ઈચ્છે છે. આ
સ્વીકાર માટે એ પોતાના અસલી વ્યક્તિત્વને છુપાવીને એક એવી ઈમેજ ઊભી કરે છે જેને કારણે એ
સૌને ગમે, ગમતા રહે… પરંતુ, દરેક બનાવટી વસ્તુ, વ્યક્તિત્વ કે વિચાર-અંતે તકલાદી હોય છે.

સામેની વ્યક્તિને ગમવા માટે ઊભું કરેલું આભાસી વ્યક્તિત્વ અંતે ચિરાઈ જાય છે અને જ્યારે
સાચો ચહેરો પ્રગટ થાય છે ત્યારે જે પ્રશંસકો હતા એ જ અંતે ટીકાકાર બની જાય છે.

બીજો એક મહત્વનો મુદ્દો એ પણ છે કે, એક પ્રશંસક તરીકે કે પ્રિયજન તરીકે આપણે
આપણી પ્રિય વ્યક્તિને એવી જ જોવા માગીએ છીએ, જેવી આપણે એના વિશે ધારણા ઊભી કરી
છે. જો કોઈ વ્યક્તિ આપણી ધારણામાં ફિટ ન થાય કે આપણે બનાવેલા એના ચિત્રમાં કંઈ ફેરફાર
થાય તો આપણે એને સ્વીકારી શકતા નથી. સાચો પ્રશંસક કે પ્રિયજન તો એ છે જે પોતાની પ્રિય
વ્યક્તિને કે સ્ટારને, જેવી છે તેવી જોવાનો અને સ્વીકારવાનો પ્રયાસ કરે. આપણે આપણા પ્રિયજન
કે પ્રશંસકની નજરમાં ટકી રહેવા માટે જે હવાતિયા મારીએ છીએ એ પછી પણ કોઈ પ્રશંસક કે પ્રેમ
સતત એ જ તીવ્રતામાં કે કાયમી હોતો નથી, એ વાત આપણે સમજવી રહી.

દુનિયાની દરેક વ્યક્તિમાં ગુણ અને અવગુણ બંને હોય જ છે… એવી જ રીતે, વધતી ઉંમર
પોતાનું કામ કરે જ છે. કોઈ સતત સારું કે સતત યુવાન ન હોઈ શકે, આ વાત જેટલી જલદી સમજી
લઈએ કે સ્વીકારી લઈએ એટલા ઝડપથી આપણે સહજ થઈ શકીએ છીએ. જિંદગીના એક પડાવ
પર આવીને કેટલાક લોકો સંઘર્ષ કરે છે, ઉંમર છુપાવવાનો કે સામેની વ્યક્તિને ગમતું વર્તન કરીને એની
પ્રશંસા અથવા પ્રેમ ટકાવવાનો…

અગત્યની વાત એ છે કે, વ્યક્તિત્વ હોય કે સંબંધ, અંતે તો જે સાચું અને પ્રામાણિક હશે એ
જ ટકશે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *