કચ્છથી પાંચ ગૌસેવક પગપાળા દ્વારિકા પહોંચ્યા. એમની સાથે 25 ગાયો પણ
દ્વારિકાધીશના મંદિરમાં પ્રવેશી અને 450 કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવેલી ગૌમાતાઓને
મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી. એટલું જ નહીં, પૂજારીઓએ ગૌમાતાને ઉપવસ્ત્ર
પહેરાવીને એમનું સન્માન કર્યું. ગયા અઠવાડિયે બનેલી આ ઘટનાની સામે આપણી આસપાસ-ખાસ
કરીને શહેરોમાં છૂટી મૂકી દેવાતી ગૌમાતા દ્વારા બનતા જીવ હત્યા અને અકસ્માતના કિસ્સાઓ વિશે
પણ આપણે અજાણ નથી.
રસ્તા ઉપર કોઈ પાલતુ પશુ સાથે ગાડી અથડાય તો શું થાય અને શું થઈ શકે એની આપણને
બધાને ખબર છે. રસ્તા પર ભેગા થઈ જતા લોકો વાહનચાલકને મારે, કાચ તોડે એટલું જ નહીં,
એની પાસેથી સારા એવા પૈસા લે… કેટલીકવાર તો આવાં પશુઓને જાણી જોઈને છૂટા મૂકવામાં
આવે છે, જેથી વાહન ચાલકને લૂંટી શકાય! હજી થોડા દિવસ પહેલાં જ એક વૃધ્ધને રખડતી ગાયે
મારી મારીને અંતે એમનો જીવ લીધો.
કોઈપણ સામાન્ય નાગરિક જો રખડતાં ઢોર બાબતે ફરિયાદ કરે તો પશુપાલન સાથે
સંકળાયેલા કે રખડતાં ઢોરને છૂટા મૂકનારા લોકો એમના દુશ્મન બની જાય છે. પશુપાલકો અને બીજા
લોકો આવાં ફરિયાદ કરનારા માણસોને હેરાન કરે છે અથવા એમના ઘરે પહોંચી જાય છે, એવી
ફરિયાદ પણ મ્યુનિસિપલ કમિશનર અને ચીફ જસ્ટિસ સામે નોંધાઈ છે. આપણે બધા સનાતન
ધર્મમાં માનીએ છીએ. જેમાં ગાયને ‘માતા’ માનવામાં આવે છે! જો આપણે આપણી ‘મમ્મી’ કે
‘બા’ને રાત્રે ઘરમાંથી કાઢી ન મૂકતા હોઈએ તો આ ગૌમાતાને પણ આવી રીતે રખડતી મૂકવાનું પાપ
કેવી રીતે કરી શકાય? ગુગલ ઉપર માત્ર તપાસ કરવાથી ખબર પડે કે, કેટલી ગાયોના પેટમાંથી કેટલા
કિલો પ્લાસ્ટિક બહાર નીકળે છે! એમને કેન્સર અને બીજા રોગો થાય છે. એટલું જ નહીં, ગાયોમાં
અત્યારે વધી રહેલો લમ્પીનો રોગ પણ બેદરકારી અને બેકાળજીથી વધે છે.
દિવસભર પૂરાયેલા આ ઢોર ઈરિટેટડ અને ભૂખ્યાં હોય છે. કચરાના ઢગલામાં કે ઉકરડામાં
મોઢું નાખીને ખાતી ગૌમાતાને જોઈને એક અજાણ્યા નાગરિકનું કાળજુ પણ કંપી જાય તો એ ઢોરને
રાખનાર પશુપાલકને કંઈ નહીં થતું હોય? સરકારે ઢોર નિયંત્રક કાયદો કર્યો છે. પહેલી એપ્રિલ,
2022ના દિવસે છ કલાકની લાંબી ચર્ચા બાદ ગુજરાત ઢોર નિયંત્રણ (પાલન અને હેરફેર) શહેરી
વિસ્તાર બિલ પસાર થઈ ગયું, પરંતુ તરત જ માલધારીઓએ આ કાયદાને કાળો કાયદો ગણાવી એનો
વિરોધ કરવા માટે ઠેર ઠેર આંદોલન કર્યા. બિલની કેટલીક જોગવાઈ સાચે જ શહેરી વિસ્તારના લોકો
માટે સલામતીપૂર્વક વિચારવામાં આવેલી વ્યવસ્થા છે. દરેક પશુનું ટેગિંગ, પશુ રાખવાનું લાયસન્સ,
ટેગિંગ ન હોય તેવા ઢોરને પકડીને-પરત કરવા માટે 50 હજારનો દંડ, રસ્તા કે જાહેરસ્થળે પશુ રઝળે
નહીં તે જોવાની જવાબદારી માલિકની, એટલું જ નહીં ઢોળ પકડવા માટે ટુકડી ઉપર હુમલો કરનાર
અથવા એની કામગીરીમાં અવરોધ ઊભો કરનારને એક વર્ષની જેલ તથા રૂપિયા 50 હજારનો દંડ,
પ્રથમ વખત રઝળતું ઢોર પકડાય એટલે પાંચ, બીજી વખત દસ અને ત્રીજી વખતનો દંડ તથા
એફઆઈઆરની જોગવાઈ સાથે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, જૂનાગઢ,
જામનગર અને ભાવનગર એમ આઠ મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાના હદ વિસ્તારમાં આ
કાયદો લાગુ કરવામાં આવ્યો.
નવાઈની વાત એ છે કે, જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં જાહેરહિતની અરજી દાખલ
કરવામાં આવી, માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં રજૂ થયેલા બજેટમાં નાણામંત્રી કનુભાઈ
દેસાઈએ કેટલીક જાહેરાતો કરી. જેમાં 500 કરોડ રૂપિયા ગૌશાળા અને પાંજરાપોળ માટે ફાળવવામાં
આવ્યા. ગૌશાળાઓને શહેરી જમીન ટોચ મર્યાદા ધારામાંથી મુક્તિ આપવામાં આવી. આ સિવાય
રઝળતાં ઢોરો માટે વધારાના સો કરોડની જોગવાઈ કરવામાં આવી. ગાય આધારિત ખેતી કરતા
ખેડૂતો માટે 213 કરોડની ફાળવણી કરવામાં આવી… એ પછી 31 માર્ચના રોજ રઝળતાં ઢોરનું
બિલ પસાર કરવામાં આવ્યું.
આંદોલન શરૂ થયું. બિલની હોળી કરી અને ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો. 18 સપ્ટેમ્બરના
રોજ ગાંધીનગર નજીક પશુપાલકોએ મહાપંચાયત યોજી. 21 સપ્ટેમ્બરથી દૂધનું વિતરણ બંધ કરવામાં
આવ્યું. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દૂધ આપ્યું, સુરતમાં માલધારીઓએ દૂધ તાપીમાં
ઢોળી દીધું. એ સિવાય મોટા શહેરોમાં પણ દૂધ વહેંચી દેવામાં આવ્યું અથવા ઢોળી દેવામાં આવ્યું.
માલધારીઓની માગણી પણ સમજવા જેવી હતી. રાજા રજવાડાંના સમયથી 40 ગાય હોય
ત્યાં સો એકર ચરિયાણની જગ્યા હોવી જોઈએ એવો નિયમ હતો. શહેર જેમ આગળ વધતું ગયું એમ
શહેરની આસપાસના ગામોને પણ શહેરમાં ભેળવીને ગોચર વેચી નાખવામાં આવ્યા. ધીરે ધીરે
માલધારીઓને શહેરની બહાર કાઢવામાં આવ્યા એટલું જ નહીં, એમને માટે ઢોરવાડાની કોઈ
વ્યવસ્થા રાખવામાં આવી નહીં. માલધારીઓના નેતાઓએ સરકાર પાસે માગણી કરી કે, “વાડા
અને રહેવાની વ્યવસ્થા બંને કરી આપવામાં આવે. મફત ભલે ન આપે, સહાયથી
આપે. માલધારીને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો અને પછી તેમના પર કાયદા કે
દંડનો અમલ કરો, અને જો તમને ગાયોની એલર્જી હોય તો માલધારીની વસાહત
બાજુ વિકાસ ન કરો. ગોચર ખવાઈ ગયાં તો તેની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો.”
માલધારીઓના આંદોલન પછી આ કાયદાનો અમલ મોકૂફ રાખવામાં
આવ્યો અને પછી રખડતાં ઢોર નિયંત્રણનો કાયદો પાછો ખેંચાશે એવો નિર્ણય
ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો. 21 અને 22 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર
યોજાયું એમાં બિલ પાછું ખેંચવાનો પ્રસ્તાવ મૂકાયો અને અંતે એનો અમલ
કરવામાં આવ્યો.
આ બધી વિગતો પછી કેટલાક પ્રશ્નો એક વ્યક્તિ કે નાગરિક તરીકે આપણને થવા જોઈએ.
પહેલો, જે માલધારીઓ પોતાની ગાયો માટે આંદોલન કરે છે એમને એમની ગાયો પ્લાસ્ટિક કે કચરો
ખાય એ વિશે કોઈ ચિંતા કે વિરોધ નથી? ગૌ, માતા છે અને એને માટે આપણને આદર છે, પરંતુ એ
જ ગૌમાતા જ્યારે કોઈનો જીવ લે કે રખડતાં ઢોરોને કારણે એક્સિડન્ટ થાય, કોઈનું મૃત્યુ થાય ત્યારે
આ પશુપાલકો એની જવાબદારી લે છે? જેમ રસ્તા ઉપર ગાયને ગાડી કે સ્કુટર અડે ત્યારે વાહન
ચાલકને પૈસા ચૂકવવા પડે છે એવી જ રીતે જ્યારે માણસને એક્સિડન્ટ થાય ત્યારે પશુપાલકો મૃત્યુ
પામનાર કે ઘાયલની જવાબદારી લેશે?
આપણે બધા ધર્મના નામે બહુ ઈમોશનલ થઈ જઈએ છીએ. લોજિક કે રેશનલ થિકિંગ પણ
ધર્મની વાત આવે ત્યારે બુઠાં થઈ જાય છે, પરંતુ સત્ય તો એ છે કે, દરેક પશુપાલકે પોતાના ‘માલ’
(પશુ) સાથે પરિવાર જેવો, ગાય સાથે મા જેવો અને વાછરડા સાથે સંતાન જેવો વ્યવહાર કરવો
જોઈએ. જો આપણું સંતાન રાત્રે રખડે તો આપણે જેમ એની ચિંતા કરીને એને ઘરે પાછું આવવા
ફોન કરીએ છીએ એવી જ રીતે રાત્રે રખડતું ઢોર પાછું લાવવાની જવાબદારી પશુપાલકની છે.