ઘર તરફ જઈ રહેલી ગાડીમાં બેઠેલો અનંત બારીની બહાર પસાર થતું શહેર જોઈ રહ્યો હતો. એ થોડોક
ખોવાયેલો અને ચૂપ હતો. એના મગજમાં સેંકડો વિચારો એક સાથે ચાલી રહ્યા હતા. પલ્લવીથી પોતાના દીકરાની આ
ચૂપકીદી બહુ સહેવાઈ નહીં એટલે એણે અનંતનું ધ્યાન પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો, ‘સો! મારું બેબી અપસેટ
છે.’ પલ્લવીએ ધીમેથી અનંતની નજીક સરકીને એના ખભાની આસપાસ હાથ લપેટ્યા, ‘મને તો એની વાત સાચી
લાગી.’ એણે સહેજ ગંભીરતાથી કહ્યું, ‘તમે બંને એકબીજાને ઓળખીને પરણશો તો સુખી થશો.’
‘વગર ઓળખ્યે આપણે સુખી જ છીએ.’ અખિલેશને જરાક માઠું લાગ્યું હતું. એનો ઈગો પ્રમાણમાં નાજુક
હતો. પોતે માગું લઈને આખા પરિવાર સાથે કમલનાથ ચૌધરીને ત્યાં ગયા અને એન્ગેજમેન્ટની તારીખ નક્કી કર્યા
વગર પાછા આવ્યા એ વાતે અખિલેશનો અહંકાર ઘવાયો હતો, ‘આ બધા નવા જમાનાના ધતિંગ છે. પરદેશ ભણીને
આવેલી છોકરીઓ…’ એણે કહ્યું.
‘આઈ થિન્ક શી ઈઝ રાઈટ.’ અનંતની વાત સાંભળીને અખિલેશ ચૂપ થઈ ગયો, ‘મેં એને માત્ર બે દિવસ માટે
જોઈ છે. એ પણ પબ્લિક ફંક્શનમાં. ખૂબ દેખાવડી છે એની ના નહીં, પણ અમે કોમ્પેટેબલ છીએ કે નહીં એ તો થોડું
ઓળખવાથી જ સમજાય, ડેડ!’ અનંતે કહ્યું.
‘તો તું અપસેટ કેમ છે?’ પલ્લવીએ પૂછી નાખ્યું.
‘અપસેટ નથી, વિચારમાં છું…’ અનંતે મા તરફ જોઈને સ્મિત કર્યું, ‘અહીંથી ગયો ત્યારે એ છોકરી માટે
ભયાનક આકર્ષણ હતું અને હવે ઘરે પાછા જઈએ છીએ ત્યારે આદર પણ ઉમેરાયો છે. મારે લગ્ન કરવા છે એની સાથે,
પણ એ પૂરા દિલથી હા પાડે ત્યારે.’ અનંતની વાત સાંભળીને અખિલેશના ચહેરા પર સ્મિત આવી ગયું, ‘એ સોમચંદ
પરિવારના એક માત્ર વારસને નહીં, પણ અનંતને પરણે તો જ આ લગ્ન ટકશે એવું મને પણ લાગે છે.’ માતા-પિતા
અને દીકરો ત્રણેય જણાં હસી પડ્યાં.
*
‘હેલો સનશાઈન!’ શામ્ભવીના સેલફોનના સ્ક્રીન પર અનંતનો મેસેજ ચમક્યો ત્યારે એ હોમ મિનિસ્ટરના
ડાઈનિંગ ટેબલ પર બેસીને બ્રેકફાસ્ટ કરી રહી હતી. એણે મેસેજ જોઈને સ્મિત કર્યું. સામે જવાબ લખ્યો, ‘હેલો ફ્રેશ
બ્રિઝ.’
સવારના પહોરમાં એણે કમલનાથ ચૌધરીને જગાડીને હોમ મિનિસ્ટરના ઘેર આવવાની ફરજ પાડી હતી.
કમલનાથ ઈચ્છા વિરુધ્ધ, પરંતુ દીકરીની જીદને અવગણી નહીં શકવાની એમની નબળાઈને કારણે એ અહીં હાજર
થયા હતા. ડાઈનિંગ ટેબલ ઉપર પ્લેટ અને ચમચીના ધીમા ખણખણાટ સિવાય પ્રમાણમાં સન્નાટો હતો. હોમ
મિનિસ્ટર જયેશકુમાર ચૌધરી યુવાન હતા, લોકપ્રિય નેતા હતા અને કમલનાથના દૂરના ભત્રીજા થતા હતા. શામ્ભવી
એમની કઝીન થાય, એટલે સવારના પહોરમાં મુલાકાત તો મળી ગઈ, પરંતુ જેલમાં કામ કરવાની પરવાનગી વિશે
સાંભળીને જયેશકુમાર જરાક અચકાયા હતા. કમલનાથની આંખોમાં રહેલો અણગમો અને નકાર એમણે વાંચી લીધા
હતા, એટલે શામ્ભવીને સમજાવવાનો પોતાના તરફથી એમણે પૂરો પ્રયાસ કર્યો, પરંતુ શામ્ભવી તો જાણે નક્કી કરીને
આવી હતી. એણે જયેશકુમારની દરેક વાત સામે પોતાની મજબૂત દલીલો રજૂ કરીને એમને લાજવાબ કરી નાખ્યા
હતા. હવે ડાઈનિંગ ટેબલ પર સન્નાટો હતો. શામ્ભવી થોડી થોડીવારે આશાભરી આંખે જયેશકુમાર સામે જોઈ રહી
હતી. થોડું ચિડાયેલા અને અકળાયેલા કમલનાથ બ્રેકફાસ્ટ પતાવીને અહીંથી કઈ રીતે બહાર નીકળી શકાય એની
વેતરણમાં હતા, અને જયેશકુમાર બાપ-દીકરી વચ્ચે બરાબરના ફસાયા હતા.
‘એટલે એવું છે…’ જયેશકુમારે વચલો રસ્તો કાઢ્યો, ‘તું તારા એજ્યુકેશનના સર્ટિફિકેટ સાથે ઓફિશિયલ
અરજી કરી દે. હું અરજી પ્રોસેસ કરાવી દઈશ.’ એમણે ધીમે રહીને ઉમેર્યું, ‘થોડો સમય લાગશે.’
‘તમે સહી કરો એટલે અરજી મંજૂર થઈ જાય.’ શામ્ભવીએ કહ્યું, ‘તમારે કોની પરવાનગી ને કેવી પ્રોસેસ?’
‘એવું નથી… મારે હોમ સેક્રેટરી અને જેલ વિભાગના વડાની પરવાનગી જોઈએ.’ જયેશકુમારને જવાબ સૂઝી
આવ્યો, ‘કાલે ઊઠીને ઈન્કવાયરી બેસે તો મારે પ્રોબ્લેમ થાય. મીડિયાને તો તું ઓળખે જ છે. એમને તો બસ બહાનું
જોઈએ…’ જયેશકુમારે કહ્યું. એમનો જવાબ સાંભળીને કમલનાથના ચહેરા પર રાહત છવાઈ ગઈ, ‘આમ પણ તું
કમલનાથ ચૌધરીની દીકરી છે. મેં તને લાગવગથી રજા આપી એવું લાગે.’ જયેશકુમાર હવે લડી લેવાના ઝનૂનમાં હતા,
‘અમે બહુ વિદ્યાર્થીઓની અરજી રિજેક્ટ કરી છે એટલે મારે જોવું પડશે. શું છે કે, ત્યાં બધા ખુંખાર કેદીઓ હોય, કોઈ
તને નુકસાન કરી બેસે તો મારે જવાબ આપવો ભારે પડે.’
‘જયેશભાઈ…’ આ છોકરી હાર માને એમ નહોતી, ‘કામ કરવાની પરમિશન માટે અરજી કરી દઈશ, પણ
આજે એકવાર જેલ વિઝિટ કરવી છે.’
‘ગઈકાલે તો જઈ આવી ને?’ હવે કમલનાથ ચૂપ રહી શકે એમ નહોતા, ‘ફરી શું કામ જવું છે તારે?’
‘એકવાર.’ શામ્ભવીએ કહ્યું. એના અવાજમાં આજીજી હતી. એને ડૂમો ભરાઈ ગયો. ગઈકાલે જોયેલી સ્ત્રીનો
ચહેરો એની નજર સામે તરવરી ઊઠ્યો. એ ફરી એકવાર ખાતરી કરવા માગતી હતી કે પોતે જે જોયું તે સાચું જ હતું કે
નહીં… એ મા હતી, કે પછી પોતાની મા જેવી જ કોઈ સ્ત્રીને જોયાનો આભાસ! શામ્ભવી ગૂંચવણમાં હતી.
‘ના.’ કમલનાથ ટેબલને ધક્કો મારીને ઊભા થઈ ગયા, ‘જો બેટા, તું નાની હતી ત્યાં સુધી તારી જીદ પૂરી કરી
ને હજી પણ તારી બધી ઈચ્છા પૂરી કરવાનો પૂરો પ્રયત્ન કરું છું, પણ તું વ્યાજબી વસ્તુ માગે તો સમજાય. આવી
ખોટી જીદ તો હું નહીં ચલાવી લઉં.’ એમણે કહ્યું, ને પછી જયેશકુમાર તરફ જોઈને ઉમેર્યું, ‘ચલો ભઈ, તમારે ય કામ
હશે, ને મારે પણ કામ છે.’
શામ્ભવી અકળાઈ ગઈ, પણ હવે કંઈ બહુ થઈ શકે એમ નહોતું એટલે એણે મુદ્દો છોડી દીધો. એ પિતા સાથે
બહાર નીકળી ત્યારે મગજ છટકેલું હતું. મોઢું ચડાવીને એ કમલનાથ સાથે ગાડીમાં ઘેર આવી. એ રડું રડું થતી રહી,
પણ કમલનાથે એને બહુ વતાવી નહીં. એણે આંસુ ભરેલી આંખોએ પિતા સામે જોયું, પરંતુ કમલનાથે નજર ફેરવીને
બારી બહાર જોવા માંડ્યું. આવું કદાચ પહેલીવાર બન્યું હતું. શામ્ભવીના આવા હઠાગ્રહ સામે કમલનાથ ઝૂકે નહીં એ
શક્ય જ નહોતું, પરંતુ આજે એમણે મક્કમ મને શામ્ભવીને જેલમાં જવાની રજા ન આપી તે ન જ આપી. લોટસ
ચિતરેલા મોટા પોર્ચ પાસે એને ઉતારીને કમલનાથે ગાડી આગળ લઈ લેવાનો આદેશ આપી દીધો. શામ્ભવી પગ
પછાડતી ઘરમાં દાખલ થઈ. એણે ઘરમાં પ્રવેશતાંની સાથે શિવને ફોન કર્યો, ‘મારે ફરીથી જવું છે.’
‘ભઈ, તું મારો જીવ છોડ.’ કામમાં વ્યસ્ત શિવ પણ અકળાઈ ગયો, ‘મારી નોકરી જશે ને સાથે એ જ જેલમાં
પૂરશે મને…’
‘મારે માને મળવું છે.’ શામ્ભવીને ડૂમો ભરાઈ ગયો.
‘એ તારા મમ્મી છે કે નહીં એની તને ખબર જ નથી, શેમ!’ એને સમજાવવાનો પ્રયત્ન કરતા શિવે કહ્યું, ‘આ
દુનિયામાં એકસરખો ચહેરો ધરાવતા સાત લોકો હોય છે એવું માનવામાં આવે છે. એ સ્ત્રી કદાચ…’
‘એ મા નથી.’ શામ્ભવીએ કહ્યું, ‘ચલો માની લીધું તો પણ મારે ખાતરી કરવી છે.’ શામ્ભવી કરગરી, ‘પ્લીઝ,
મને લઈ જા, એકવાર બસ… પછી ક્યારેય નહીં કહું.’ એ ફોન પર રડવા લાગી. શામ્ભવી જેવી મજબૂત અને બિન્દાસ
છોકરીને રડતી સાંભળીને શિવનું હૃદય ભરાઈ આવ્યું. આમ પણ, શિવ એને દુઃખી કે મૂંઝવણમાં જોઈ શકતો જ નહીં.
બાળપણથી શરૂ કરીને આજ સુધી શામ્ભવીની નાની મોટી દરેક મુશ્કેલીમાં શિવે ‘આઉટ ઓફ ધ વે’ જઈને મદદ કરી
જ હતી. એના હૃદયમાં શામ્ભવી માટે ભારોભાર પ્રેમ હતો, જોકે એણે કોઈ દિવસ શામ્ભવીને એ વિશે કશું કહ્યું
નહોતું. શિવને હંમેશાં લાગતું કે જો પોતે આ વાતની શરૂઆત કરશે તો એની અને શામ્ભવી વચ્ચેના આર્થિક તફાવતને
કારણે કદાચ ગેરસમજ થશે… એને મનોમન ક્યાંક એવી ખાતરી હતી કે શામ્ભવી એની લાગણી સમજે છે અને સમય
આવે એ પણ પોતાની લાગણી વ્યક્ત કર્યા વગર નહીં રહે. પોતાની પ્રિયતમાને, જીવથી ય વધારે જેને ચાહતો હતો
એવી શામ્ભવીને રડતી સાંભળીને શિવથી રહેવાયું નહીં. હંમેશની જેમ આ વખતે પણ એણે કહ્યું, ‘સારું, હું જોઉં છું
શું થઈ શકે.’ એણે ફોન મૂક્યો.
જેલર સોલંકીનો નંબર જોડ્યો, ‘સાહેબ!’
સામેથી ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો, ‘મને હતું જ કે તમારો ફોન આવવો જોઈએ.’ સોલંકીના
અવાજમાં ખંધા શિયાળની લુચ્ચાઈ હતી, ‘મોડું કર્યું તમે. હું તો સવારના પહોરથી રાહ જોઉં છું.’
‘શામ્ભવી એકવાર…’
શિવનું વાક્ય પૂરું થાય એ પહેલાં સોલંકીએ રાડ પાડી, ‘સવાલ જ નથી આવતો.’ સોલંકીએ લગભગ ધમકીના
સૂરમાં કહ્યું, ‘ફરી વખત એ વાત પણ કાઢી છે ને તો નોકરી ને છોકરી બેઉ ગૂમાવી બેસશો.’ એના અવાજમાં થોડો ભય
પણ હતો, ‘એકવાર ભૂલ થઈ ગઈ મારી. બીજીવાર રિસ્ક લઉં એટલો મૂરખ માનો છો મને?’ એણે ફરી રાડ પાડીને
કહ્યું, ‘ચલ મૂક ફોન.’
શિવ વિચારમાં પડી ગયો. એક તરફ પોતે જોયેલી સ્ત્રીનો ચહેરો અને બીજી તરફ આ વિરોધ… એનું પત્રકાર
મગજ વિચારે ચડી ગયું, કોઈ કારણ વગર આટલો બધો વિરોધ શું કામ થાય? શામ્ભવીને જેલમાં નહીં જવા દેવા
પાછળ શું હોઈ શકે. અમે જે સ્ત્રીને જોઈ એ ખરેખર રાધા આન્ટી હશે? જો એ રાધા આન્ટી હોય તો પછી એમને
મરેલા જાહેર કેમ કરવામાં આવ્યા છે? આ બધા સવાલોના એની પાસે જવાબ નહોતા, ને જેમ સવાલો વધતા હતા
એમ એની મૂંઝવણ, એની ગૂંચવણ વધતી જતી હતી.
અકળાયેલી શામ્ભવી ઘરમાં આંટાફેરા કરતી હતી ત્યારે મોહિની હાથમાં આરતીની થાળી લઈને ઘરના
મંદિરમાંથી બહાર નીકળી. એની વિદેશી વેશભૂષા અને સ્પગેટી ટોપ સાથે આરતીની થાળીનો કોઈ મેળ નહોતો એ
જોઈને આટલા ગુસ્સા સાથે શામ્ભવીને હસવું આવી ગયું. મોહિનીએ આગળ આવીને એને આરતીની થાળી ધરી,
શામ્ભવીએ આરતી લીધી એટલે મોહિનીએ પૂછ્યું, ‘ક્યાં ગયા હતા બાપ-દીકરી સવાર સવારમાં?’
‘રખડવા…’ જવાબ આપીને શામ્ભવી ઉપર જવા લાગી.
‘રખડી જ પડીશ…’ મોહિનીએ ચાબખો માર્યો, ‘અનંત સોમચંદ જેવો છોકરો નહીં મળે. ચૂપચાપ લગનની હા
પાડી દે, બાકી…’
‘બાકી શું?’ શામ્ભવી રીતસર મોહિની પર ધસી આવી, ‘તમે વાતે વાતે મારા લગનની ઉતાવળ શું કામ કરો
છો? હું આ ઘર છોડીને જઈશ તો પણ મારો ભાગ નહીં છોડું. મારા પિતાની મિલકત પર મારો અધિકાર છે ને એટલી
મિલકત મને મળી જશે ને તો મારા માટે ઈનફ છે. મારે કોઈ અનંત સોમચંદની જરૂર નથી. હું તમારી જેમ…’
શામ્ભવી આગળના શબ્દો ગળી ગઈ, પણ મોહિનીને 440 વોલ્ટનો કરંટ લાગ્યો હોય એનો ચહેરો બદલાઈ ગયો.
શામ્ભવી ચૂપ ન રહી, ‘એક વાત કહી દઉં છું, હું જ્યાં સુધી તમારું માન રાખું છું ને ત્યાં સુધી રહેવા દેજો. જે દિવસે
મારી લિમિટ આવી જશે એ દિવસે…’
‘શું કરીશ એ દિવસે?’ હવે મોહિની છંછેડાઈ હતી, ‘તને શું લાગે છે? મને કંઈ ખબર નથી? ગઈકાલે
સાબરમતી જેલમાં જે જોઈને આવી છે ને એ યાદ રાખજે. મને તારી લિમિટની ખબર નથી, પણ મારી લિમિટ આવી
જશે એ દિવસે…’ આટલું કહીને મોહિની પગ પછાડતી ત્યાંથી ચાલી ગઈ. અવાચક્ થઈ ગયેલી શામ્ભવી ત્યાં જ
ઊભી રહી ગઈ. એને લાગ્યું એના હાથ પગ ઠંડા પડી ગયા હતા, કપાળ પર પરસેવો ધસી આવ્યો હતો, સાબરમતી
જેલમાં પોતે રાધા જેવી સ્ત્રીને જોઈ એ વાતની મોહિનીને કેવી રીતે ખબર પડી હશે! શામ્ભવીનું મગજ ચકરાવે ચડી
ગયું. મોહિનીની આ ધમકી પછી તો પોતે જોયેલી સ્ત્રી રાધા જ હતી એ વાતમાં શામ્ભવીને શંકા કરવા જેવું કંઈ રહ્યું
જ નહીં…
કમલનાથ ચૌધરી આ વાત જાણતા હશે કે નહીં, એ વિશે શામ્ભવી હજી ગૂંચવાયેલી હતી. પિતાને આ વાત
કહેવી કે નહીં એ વિશે શામ્ભવી મનના તાણાવાણા ગૂંથતી હતી ત્યાં જ એના ફોનમાં શિવનું નામ વંચાયું. એણે ફોન
ઉપાડ્યો, ‘સાંભળ!’ શિવ એકદમ ધીમેથી બોલતો હતો, ‘મેં એક જણને ફોડ્યો છે. જેલના અનાજની સપ્લાયની ટ્રક
જાય એમાં તને લઈ જશે. તારે એક કલાકમાં માધુપુરા પહોંચવાનું છે. છુપાઈને જવાનું ને તરત પાછા આવવાનું… ત્યાં
કોઈ ધતિંગ, ધમાલ નહીં કરવાના. બોલ? મંજૂર છે?’
‘હંમમ.’ શામ્ભવીએ કોઈ દલીલ વગર આવી રીતે હા પાડી એ વાતે શિવને નવાઈ લાગી. શામ્ભવી ફોન મૂકીને
બહાર નીકળી. એણે શિવને ફોન લગાડ્યો, ‘હું ગાડી લઈને બહાર નીકળું છું, અડધે પાર્ક કરી દઈશ. મને પીકઅપ કર.’
‘જો! હું પણ સમજું છું કે તારે સત્ય શોધવું છે. હવે તો મારે પણ શોધવું છે.’ મોટર સાઈકલ પર શિવની
પાછળ બેસેલી શામ્ભવીને શિવ સમજાવી રહ્યો હતો, ‘ધમાલ કરવાથી કે ત્યાં જઈને હોં-હા કરી મૂકવાથી આપણે સત્ય
નહીં શોધી શકીએ. શાંત રહેજે. રાશનની ટ્રક સ્ત્રીઓની જેલના બિલ્ડિંગના રસોડા પાસે પાર્ક થશે. ધીમેથી નીચે
ઉતરજે, અને રસોડામાં થઈને અંદર દાખલ થજે. તારી પાસે 10 મિનિટનો સમય હશે. એ પહેલાં પાછી નહીં આવે
તો ટ્રક તને મૂકીને નીકળી જશે એટલું યાદ રાખજે. ડ્રાઈવરને ખબર નથી કે તું ટ્રકની અંદર છે…’
‘હંમમ.’ શામ્ભવી સાંભળતી રહી.
‘ચૂપચાપ જેલમાં ફરી વળજે.’ શિવને અચાનક યાદ આવ્યું હોય એમ એણે કહ્યું, ‘પેલી છોકરી, જેણે એના
વરને મારી નાખ્યો-શું નામ એનું?’
‘સોમી.’ શામ્ભવીએ કહ્યું.
‘હંમમ! એને મળજે.’ શિવે સલાહ આપી, ‘નહીં તો પછી રાનીને શોધજે.’ એણે ચેતવણી આપી, ‘સંગીતાની
નજરે નહીં ચડતી.’ આ બધું પૂરું થાય ત્યાં સુધીમાં એ લોકો માધુપુરા પહોંચી ગયા હતા. ‘અંબિકા’ અનાજ ભંડારની
બહાર ઊભેલી આઈશરની કેબિનેટ જેવી ટ્રકનો દરવાજો ખુલ્લો હતો. શિવ અને દુકાનના ગલ્લા પર બેઠેલા માણસની
નજરો મળી. એણે સહેજ ડોકું નમાવીને ટ્રકમાં સામાન મૂકી રહેલા મજૂરોને બૂમ પાડીને બોલાવ્યા, ‘મનિયા, રમેશ…
જાઓ પાછળના ભાગમાં તેલના ડબ્બા પડ્યા છે એ લઈ આવો.’ બંને જણાં પાછળના ભાગમાં ચાલી ગયા કે તરત
શામ્ભવી ટ્રકમાં ઘૂસી ગઈ. છેક ખૂણામાં ટ્રકની બોડીને ટેકવીને મૂકેલી લોટની ગૂણોની પાછળ એ બેસી શકે એટલી
જગ્યા રાખવામાં આવી હતી. શામ્ભવી છુપાઈ ગઈ ત્યાં સુધીમાં તેલના ડબ્બા લઈને મજૂરો આવી ગયા. બીજી 5-
10 મિનિટ સુધી સામાન ગોઠવાતો રહ્યો, પછી દરવાજો બંધ થઈ ગયો. અંધારું અને શ્વાસ લેવાની મુશ્કેલી પડે
એટલા ખીચોખીચ ભરેલા સામાન વચ્ચે બેઠેલી શામ્ભવીને લઈને એ ટ્રક સાબરમતી જેલના મુખ્ય દરવાજેથી દાખલ
થઈ.
દર અઠવાડિયે આવતી ટ્રકને ચકાસવાની ખાસ જરૂર નહોતી તેમ છતાં પ્રોટોકલના ભાગરૂપે દરવાજે ઊભેલા
ગાર્ડે ટ્રકનો દરવાજો ખોલ્યો. અંદર એક અછડતી નજર નાખીને દરવાજો બંધ કરી દીધો. શામ્ભવીનું હૃદય ધક ધક કરી
રહ્યું હતું. એનું આખું શરીર પરસેવે રેબઝેબ હતું. ગળું સૂકાઈ રહ્યું હતું.
ટ્રક પહેલાં સ્ત્રીઓની જેલ પાસે ગઈ. ત્યાં સામાન ઉતારવાની શરૂઆત થઈ. શામ્ભવીએ સહેજ માથું ઊંચું
કરીને જોયું. આગળ પડેલો સામાન લઈને મજૂરો રસોડામાં મૂકવા ગયા કે એ બાકીનો સામાન ખૂંદતી, પડતી-
આખડતી ટ્રકની બહાર નીકળી. ટ્રકની આગળના ભાગમાં જઈને સંતાઈ ગઈ. કોઈ જોતું નથી એવી ખાતરી કરીને એ
ધીમેથી રસોડામાં દાખલ થઈ. આમતેમ જોતાં એણે રાની કે સોમીને શોધવાનો પ્રયાસ કર્યો, પણ એના આઘાત કહો કે
આશ્ચર્ય વચ્ચે એણે રસોડાના ખૂણામાં શાકના ઢગલાની બાજુમાં બેસીને શાક સમારતી એ સ્ત્રીને જોઈ. આખું રસોડું
ખાલી હતું. બહાર ઓસરીમાં બે-ચાર સ્ત્રીઓ વાતો કરતી ઊભી હતી.
‘મા…’ શામ્ભવીએ ધીમા અવાજે કહ્યું, અજાણતાં અને અનાયાસે જ એ સ્ત્રીએ પાછળ જોયું. બંનેની આંખો
મળી. શામ્ભવી દોડીને એની પાસે પહોંચી ગઈ. એણે એ સ્ત્રીના બંને હાથ પકડી લીધા, ‘તું મા છે ને મારી? રાધા
ચૌધરી? તું જીવે છે? તો ઘરમાં તારો ફોટો કેમ લગાડેલો છે? અહીં કેમ બંધ છે?’ એના બધા સવાલ દરમિયાન એ સ્ત્રી
શામ્ભવીના ચહેરા પર પૂરા માર્દવ અને મમતાથી હાથ ફેરવતી રહી, એની આંખોમાંથી ચોધાર આંસુ વહેતાં હતાં…
એણે કોઈ જવાબ ન આપ્યો, શામ્ભવીના ચહેરાને પોતાના બંને હાથ વચ્ચે પકડીને એના કપાળ પર ચૂંબન
કર્યું, ‘તું જા અહીંથી… પાછી નહીં આવતી કોઈ દિવસ.’ એ સ્ત્રીએ કહ્યું.
(ક્રમશઃ)