રક્ત – વિરક્ત | પ્રકરણ – 16

ઘરની બહાર નીકળીને અનંત ગાડીમાં બેઠો. એનું મન ઉદ્વિગ્ન હતું. શામ્ભવીએ મૂકેલા વિશ્વાસને અકબંધ રાખવો કે પિતાના
પ્રશ્નોના જવાબ આપવા એની વચ્ચે ગૂંચવાતો-અટવાતો અનંત ઓફિસ પહોંચ્યો ત્યાં સુધી એ કોઈ નિર્ણય કરી શક્યો નહીં. ઓફિસમાં
આખો દિવસ એના મનમાં આ જ વાત ઘૂમરાતી રહી.
લંચ વખતે જ્યારે પિતા-પુત્ર ભેગાં થયા ત્યારે અખિલેશે ફરી પાછી વાત શરૂ કરી, ‘શું હતું સવારે? શામ્ભવીનું?’
‘ક… કંઈ નહીં!’ અનંત ડરી ગયો હતો.
‘એની માના એક્સિડેન્ટ વિશેની કોઈ વાત છે એટલું તો હું સમજી ગયો છું…’ અખિલેશે દુનિયા જોઈ હતી, જમાનાનો ખાધેલ,
શૃડ બિઝનેસમેન અખિલેશ એમ વાત મૂકે? એણે પૂછ્યું, ‘શામ્ભવીને લાગે છે કે એની માનું ખૂન થયું છે, રાઈટ?’ અનંત ગભરાઈ ગયો…
એના ચહેરા પરથી ઉડેલો રંગ જોઈને અખિલેશે કહ્યું, ‘જો, શામ્ભવીને પણ કહી દે કે, દાટેલા મડદાં ઉખાડીને કંઈ નહીં મળે.’ પછી એણે
લગભગ સ્વગત જ કહ્યું, ‘કમલનાથ ચૌધરીની સામે ચૂં કે ચાં નહીં કરે કોઈ… પોલીસ એના ખીસ્સામાં છે ને સરકારમાં એના મિત્રો છે.’
અનંત ચૂપચાપ સાંભળતો રહ્યો, નીચું જોઈને જમતો રહ્યો, ‘જે થયું હશે એ બધું એની મંજૂરીથી જ થયું હશે. તું દૂર રહેજે, સમજ્યો?’
કહીને અખિલેશે વાત પૂરી કરી નાખી. એ પછી બાપ-દીકરો ચૂપચાપ જમતા રહ્યા.
લંચ પતાવીને ઘણું વિચાર્યા પછી અનંતે એના એક દોસ્તને ફોન કર્યો. ગેમિંગ અને ઓનલાઈન હેકિંગમાં પાવરધો સની એનો
ખાસ મિત્ર હતો. યુવાનીના દોરમાં ક્યારેક કોઈ છોકરીઓના એકાઉન્ટ એ લોકોએ સાથે મળીને હેક કર્યા હતા. નિર્દોષ રમત હતી એ, પણ
એ પછી સની પોલીસ સાથે જોડાયો હતો. એથિકલ હેકિંગના ક્લાસ ચલાવતો, અને સ્ટેટ પોલીસ માટે ગુનેગારોના એકાઉન્ટ હેકિંગ
કરવાથી શરૂ કરીને બીજી ડિજિટલ, ઓનલાઈન શોધખોળમાં મદદ કરતો. દોસ્તી આજે પણ અકબંધ હતી, પણ નિયમિત મળવાનું થતું
નહીં એટલે અનંતનો ફોન અચાનક આવેલો જોઈને સનીને નવાઈ લાગી, ‘હાય બ્રો! અચાનક?’
‘તારું કામ છે, યાર…’ અનંતે કહ્યું.
‘તારી સ્વીટહાર્ટના ઈમેઈલ-બિમેઈલ ચેક કરવા છે કે પછી એના ફોનમાં ઘૂસવું છે?’ સની હસવા લાગ્યો, ‘લગન પહેલાં જ શક
થઈ ગયો કે શું?’
‘ના ના… યાર એવું નથી, એક પર્સનલ કામ છે. જૂના પોલીસ રેકોર્ડ્સ જોઈએ છે મારે.’ અનંતે કહ્યું. આટલું કહીને અનંતે ઊંડો
શ્વાસ લીધો, ‘શામ્ભવીના પરિવારનો ઈશ્યૂ છે. મર્ડર… કદાચ!’ એણે મોટી વાત કહી નાખી હતી, ‘ડૂડ! આ આપણો બ્રો કોડ છે. બિટવીન
અસ.’
‘કામ અઘરું છે.’ સનીએ કહ્યું, ‘અહીંયા હેકર પર હેકર અને ટ્રેકર પર બીજો ટ્રેકર હોય છે. તારું કામ છે એટલે ના નથી પાડતો,
પણ બહુ જ કોન્ફિડિએન્સલ રહેવું પડશે, કોઈને ખબર પડે તો મને જેલ થાય, સમજે છે ને?’
‘યસ, બ્રો.’ અનંતે કહ્યું.
‘મને એક્ઝેટ નામ, ડેટ અને વિગતો આપ.’ સનીએ ધીમેથી ઉમેર્યું, ‘મેસેજ નહીં કરતો કે ફોન પર પણ નહીં આપતો. કાગળમાં
લખી રાખજે.’ સનીએ વાત પૂરી કરી, ‘આઈ વિલ કોલ યુ. મળવાની જગ્યા અને સમય જણાવીશ તને.’ ફોન ડિસકનેક્ટ થઈ ગયો. અનંતે
સેલફોન ટેબલ પર મૂકી દીધો એણે માથું પોતાની ચેરના રેસ્ટ પર ઢાળીને આંખો મીંચી દીધી. હવે, ‘સાચું છે કે ખોટું’, ‘યોગ્ય છે કે અયોગ્ય’
એ વિચારવાનું છોડીને શામ્ભવીની સાથે ચાલવાનું અનંતે નક્કી કરી લીધું હતું. લગ્ન તો થશે ત્યારે થશે, પરંતુ જે છોકરી સાથે જીવન
જોડવું છે એની સમસ્યામાં પોતે એની સાથે રહેવું જોઈએ એવું અનંતની અંદર રહેલો પ્રેમી એને વારંવાર કહી રહ્યો હતો.

*

શિવ અને શામ્ભવી એમની ફેવરિટ કેફેમાં બેઠાં હતાં. છેલ્લા અડધા કલાકમાં ભાગ્યે જ બે-ચાર વાક્યોની આપ-લે થઈ હશે!
શામ્ભવીને આ આંધળા સાહસમાં મદદ નહીં કરવાનું શિવે નક્કી કરી લીધું હતું. શામ્ભવી થોડું રડી ચૂકી હતી, ત્રણ કોફી પી ચૂકી હતી.
એણે નક્કી કર્યું હતું કે, પોતે આ રહસ્યના બધા છેડા ઉકેલીને પોતાની માને ન્યાય અપાવશે… અત્યાર સુધી એણે શિવ પર આંધળો
ભરોસો કર્યો હતો. શિવે દરેક વખતે એને કોઈને કોઈ રીતે મદદ પણ કરી હતી, છતાં આજે એનો મુખ્ય આધાર, એનો ભરોસો, એનો દોસ્ત
એને મદદ કરવાની ના પાડતો હતો એ વાતે શામ્ભવી આઘાતમાં પણ હતી.
‘શેમ! ધીસ ઈઝ ફાઈનલ. હું આમાં તારી સાથે નથી.’ શિવે કહ્યું, ‘ને, તને પણ કંઈ નહીં કરવા દઉં.’ એ થોડો ડરેલો, ચિંતિત હતો,
‘આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ પણ મને આમાંથી દૂર રહેવાની સલાહ આપે છે, એટલે સમજાય છે તને, આ કયા લેવલની સમસ્યા
છે?’
શામ્ભવી પોતાની વાત પર અડગ હતી, ‘તું સાથે હોય તો મને સહેલું પડે, આત્મવિશ્વાસ રહે અને તારી સૂઝ આવા કામોમાં
વધારે છે એની ના નહીં… બાકી, તું કંઈ પણ કહે, હું મારું કામ કરવાની જ છું.’
‘તને એક અનુભવથી સમજાતું નથી?’ શિવ ઉશ્કેરાયો, ‘ત્રણ ત્રણ સ્ત્રીઓ અચાનક ગૂમ થઈ, મને ધમકી મળે છે, પોલીસ પોતે ડરે
છે એ પછી પણ તારે આમાં પડવું છે?’
‘તારી મા હોત તો?’ શામ્ભવીએ સીધો, છાતીમાં પેસી જાય એવી રીતે સવાલ કર્યો, ‘આ બધું ડહાપણ તને એટલે સૂઝે છે કારણ
કે, એ તારી મા નથી.’ એને ફરી ડૂમો ભરાઈ આવ્યો. આંખમાંથી આંસુ સરી પડ્યાં.
‘રડ નહીં.’ શિવ જરા સભાન થઈ ગયો. કેફેના ખૂણામાં બેઠેલાં એ બે જણાં તરફ અત્યારે તો કોઈ જોઈ નહોતું રહ્યું, પણ
શામ્ભવી રડવા લાગી, એટલે આસપાસના લોકોની નજર એમના પર પડી. શિવ વધારે અકળાયો, ‘રડવાથી કંઈ નહીં થાય.’
‘જાણું છું, હવે તને મારા રડવાની પણ અસર નથી થતી.’ કહીને શામ્ભવીએ ભેંકડો તાણ્યો. એ જાણતી હતી કે, શિવને
પીગળાવવાનું આ એક માત્ર હથિયાર પૂરવાર થશે…
…અને એમ જ થયું! શિવે ધીમેથી કહ્યું, ‘રડ નહીં.’ એણે બે હાથ જોડ્યા, ‘તું કહીશ એમ કરીશ.’ શામ્ભવીએ આંસુ લૂછી
નાખ્યાં. શિવ એકાદ ક્ષણ માટે પોતાનો ગુસ્સો પી ગયો, એણે કહ્યું, ‘સારું બોલ, શું કરું હું?’ પછી તરત ઉમેર્યું, ‘તને જેલમાં લઈ જવી
શક્ય નથી. હવે! હું એ કામ તો નહીં જ કરું…’ શામ્ભવીએ એની સામે જે રીતે જોયું એ શિવથી સહન ન થયું, એણે નજર ફેરવી લીધી.
એ સહેજ અચકાયો, શામ્ભવીને કેવું લાગશે એ વિશે એણે વિચાર્યું, પણ પછી એણે કહી જ નાખ્યું, ‘અંકલને આ વાતની જાણ હોવી જ
જોઈએ.’ શામ્ભવીની આંખોમાં અવિશ્વાસ જોઈને એણે થોડી હિંમત ભેગી કરીને કહેવા માંડ્યું, ‘શેમ! નગરમાં એક ચકલું ઊડે ને તો પણ
તારા બાપુને ખબર હોય છે, જ્યારે આ બધું થયું ત્યારે એ હોમ મિનિસ્ટર હતા. જો શહેરભરની પોલીસ આજે પણ એમને સલામ ભરે
છે, તો ત્યારે આ કેસની સાચી વિગતો એમના સુધી નહીં પહોંચી હોય એવું તું માની શકે છે?’ શામ્ભવી સાંભળતી રહી. આજે કદાચ
પહેલીવાર, આખી પરિસ્થિતિને ત્રીજી વ્યક્તિની નજરે જોવાની એક શક્યતા ઊભી થઈ હતી, શિવ આ ક્ષણને ખોવા માગતો નહોતો.
શાંતિથી સાંભળી રહેલી શામ્ભવીની બુધ્ધિને જગાડીને, એને મનથી નહીં, પણ મગજથી વિચારવા તૈયાર કરવાનો કદાચ આ છેલ્લો મોકો
હતો શિવ પાસે, ‘શેમ! જે કંઈ બન્યું હશે-સાચું કે ખોટું, એ બધું તારા બાપુને ખબર જ હશે. આટલાં વર્ષ એ ચૂપ છે, એમણે એમાં કોઈ
પગલાં નથી લીધા, એનો અર્થ એમ થાય કે…’ શિવે થૂંક ગળે ઉતાર્યું, એના હોઠ સૂકાવા લાગ્યા હતા. શામ્ભવીના પ્રતિભાવની એને કલ્પના
હતી જ તેમ છતાં આજે સત્ય કહેવું જરૂરી હતું એટલે એણે રહીસહી હિંમત ભેગી કરીને એણે છેલ્લું વાક્ય કહી દીધું, ‘તું માને કે નહીં,
પણ તારા બાપુ આ ઘટનાનો હિસ્સો છે, શામ્ભવી.’ આટલું સાંભળતાં જ શામ્ભવીએ આંખો મીંચી દીધી. એને પોતાની આસપાસની
આખી દુનિયા ગોળ ગોળ ફરતી હોવાનો અહેસાસ થયો. એ એટલી ડઘાઈ ગઈ હતી કે, રડી શકવાની હિંમત પણ ખોઈ બેઠી હતી!
શિવે પોતાનો હાથ શામ્ભવીના હાથ પર મૂક્યો, ‘શેમ! મને સમજાય છે કે મારી મા હોત તો કદાચ, હું પણ આટલો વિહ્વળ,
આટલો જ બેચેન હોત, પણ સામે જે લોકો છે એનો ય વિચાર કર. કોઈ તારી મદદ નહીં કરે, બલ્કે તારે ઘરના, પરિવારના લોકો સામે જ
યુધ્ધે ચડવું પડશે. તારા બાપુ, પદ્મકાકા, મોહિની… બીજા કોણ જાણે કેટલા! શા માટે કરવું છે તારે આ?’ શામ્ભવી આ બધું બંધ આંખે
સાંભળતી હતી. એની આંખોમાંથી ધીમે ધીમે આંસુ સરવાં લાગ્યાં હતાં. શિવે ખૂબ સ્નેહથી કહ્યું, ‘હું તારી મદદ કરવા તૈયાર છું, શેમ.’
એના અવાજમાં બાળપણની દોસ્તી, યુવાનીની મહોબ્બત અને શેમ માટેનું છલોછલ વહાલ ઊભરાતું રહ્યું, ‘સવાલ એ છે કે, આપણે
કદાચ, આન્ટીને બચાવી પણ લઈએ તો ઘરની જ કોઈ એક વ્યક્તિ ફસાશે. જ્યાં સુધી એ વ્યક્તિ કોણ છે એ ન શોધી કાઢીએ ત્યાં સુધી
આમાં ઉતરવું જોઈએ કે નહીં?’ શામ્ભવી ક્યાંય સૂધી આંખો મીંચીને આંસુ સારતી રહી. શિવનો એક એક શબ્દ સાચો હતો, એવું એને ધીરે ધીરે સમજાવા લાગ્યું હતું… ઉશ્કેરાટ અને ગુસ્સામાં જે પણ નિર્ણય થશે એ ખોટો જ થશે. શિવ ઈચ્છતો હતો કે, શામ્ભવી જાતે જ પરિસ્થિતિને મૂલવે, સમજે ને પછી પોતાનો નિર્ણય કરે.

ખાસ્સીવાર સુધી બંને જણાં મૌન, એમ જ, પોતપોતાનામાં ખોવાયેલાં બેસી રહ્યા. શિવના મનમાં રવીન્દ્ર તોમરની ચેતવણી
ગૂંજતી રહી, તો બીજી તરફ શામ્ભવીના મનમાં મોહિનીએ કહેલી વાતો, જડીબહેનને આવી ગયેલી ફિટના દ્રશ્યો અને એણે છેલ્લીવાર
મળી ત્યારે જોયેલી એની માની આંખો વારાફરતી કોઈ ચકડોળની જેમ ઘૂમતી રહી.
અચાનક, શામ્ભવીના ફોન પર રિંગ વાગી, જેનાથી એ બંને જણાંની તંદ્રા તૂટી. શામ્ભવીએ સ્ક્રીન પર વાંચ્યું, ‘અનંત.’ ફોન લેવો
કે નહીં એનો એક ક્ષણ વિચાર કર્યો ને પછી એણે ફોન ઉપાડી લીધો.
‘શામ્ભવી!’ ધીમા અવાજે અનંત કહી રહ્યો હતો, ‘મેં મારા એક દોસ્ત સાથે વાત કરી છે. એથિકલ હેકર છે. પોલીસ સાથે પણ
કનેક્ટેડ છે. એ આપણને રેકોર્ડ્સ કઢાવી આપશે. સેલફોન આવ્યા એ પહેલાંના રેકોર્ડ્સ હજી ડિજિટાઈઝ થઈ રહ્યા છે. આપણે લકી છીએ
કે, છેલ્લા 20 વર્ષના રેકોર્ડ્સ ડિજિટલી ઉપલબ્ધ છે.’
‘હંમમ્.’ શામ્ભવી સાંભળતી રહી. સામે બેઠેલા શિવને સમજાયું નહીં કે, અનંતે એવું શું કહ્યું જેનાથી ક્ષણભર પહેલાં ઝાંખા પડી
ગયેલા શામ્ભવીના ચહેરો અચાનક સ્વસ્થ લાગવા માંડ્યો.
‘મને મૃત્યુની તારીખ સાથે તને ખબર હોય એટલી વિગતો જોઈએ છે.’ અનંતે કહ્યું, ‘એએસએપી.’ એણે પૂછ્યું, ‘સાંજે મળી
શકીએ?’
‘હંમમ્.’ શામ્ભવીએ ફરી માત્ર હોંકારો કર્યો.
‘ક્યાં? કેટલા વાગ્યે?’ અનંત માટે શામ્ભવીને મળવું એ જીવનની સૌથી મહત્વની ઘટના હતી. વિગતો લેવાનું તો માત્ર બહાનું
હતું, કદાચ!
‘હું મેસેજ કરી દઈશ.’ કહીને શામ્ભવીએ સીધો ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. અનંતના ઉત્સાહમાં સહેજ તિરાડ પડી. એણે
ઓફિસના કામમાં મન પરોવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ સતત શામ્ભવીના મેસેજની રાહ જોઈ રહ્યો હતો.
શામ્ભવીએ ગુગલ કર્યું, ‘પોલીસ રેકોર્ડ ક્યાં મળી શકે?’ એને જવાબ મળ્યો, ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ની
સ્થાપના 1986 માં પોલીસને અપરાધ અને ગુનેગારો વિશે અપડેટ અને વિસ્તૃત માહિતી પ્રદાન કરવા માટે કરવામાં આવી હતી.
NCRB એ ક્રાઈમ ક્રિમિનલ ઈન્ફોર્મેશન સિસ્ટમ (CCIS) વિકસાવી છે, જે એક રાષ્ટ્રીય ડેટાબેઝ છે જે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે
ગુનાઓ અને ગુનેગારો વિશેની માહિતી શેર કરે છે.’ આ વાંચીને એને એટલું તો ચોક્કસ સમજાયું કે, અનંત સાચે જ એને મદદ કરવાનો
પ્રયાસ કરી રહ્યો હતો. એણે ફોનમાં મેસેજ કર્યો, ‘9 PM, માય પ્લેસ.’ પછી ફોન મૂકીને એ શિવ સાથે નોર્મલ વાતો કરવા લાગી.
હોંશિયાર શિવને એટલું તો સમજાઈ જ ગયું કે, શામ્ભવીએ માત્ર શિવને જ મદદ કરવાનું નથી કહ્યું, એ અનંતની મદદ
મેળવવાનો પણ પ્રયાસ કરી રહી છે. અનંતના ફોન પછી પ્રમાણમાં રિલેક્સ થઈ ગયેલી શામ્ભવીના વર્તાવ પરથી શિવને એ પણ સમજાયું
કે, અનંતે મદદ કરવાની ‘હા’ પાડી છે એટલું જ નહીં, એણે કોઈક એવા સમાચાર આપ્યા છે જેનાથી શામ્ભવીના મનનો ભાર ઉતરી ગયો
છે.
શિવના મનમાં રહેલો શામ્ભવી માટેનો પ્રેમ, ક્યાંક પોતાના માલિકીભાવની ફેણ ઉઠાવવા લાગ્યો. શિવે આજ સુધી કોઈ દિવસ
શામ્ભવીને કહ્યું નહોતું, પણ એ શામ્ભવીને ખૂબ પ્રેમ કરતો હતો, આજે નહીં-છેલ્લાં કેટલાંય વર્ષોથી. એ અમેરિકાથી ભણીને આવે પછી
પોતાના મનની વાત કહેવાનો નિર્ણય એણે ક્યારનો કરી રાખ્યો હતો, પરંતુ શામ્ભવી અમેરિકાથી આવી કે તરત જ પરિસ્થિતિએ એવા
ઝટકા આપ્યા કે, શિવને વાત કરવાનો સમય જ નહોતો મળ્યો. એ જાણતો હતો કે, શામ્ભવીનો પરિવાર ઈચ્છે છે કે, શામ્ભવીના લગ્ન
અનંત સોમચંદ સાથે થઈ જાય.
પોતે શામ્ભવીને મદદ કરવાની ના પાડી રહ્યો હતો, અને બીજી તરફ અનંત એને મદદ કરવા તૈયાર હતો. આ સ્થિતિમાં પોતે
શામ્ભવીને ખોઈ બેસશે એ ભય શિવને ભીતરથી હચમચાવી ગયો. એની પાસે નિર્ણય કરવા માટે થોડીક જ ક્ષણો હતી. એણે શામ્ભવીની
આંખોમાં જોયું, પોતાના હાથમાં પકડેલા એના હાથને બીજા હાથથી મજબૂત પકડમાં લઈને એણે કહી નાખ્યું, ‘શેમ! મારો ઈરાદો તને
સમજાવાનો હતો. તને સત્યનો અરીસો બતાવ્યા પછી પણ જો તું આ તપાસમાં આગળ વધવા માગતી હોય, રિસ્ક લેવા માગતી હોય તો હું તને એકલી નહીં જ જવા દઉં.’ એણે કહ્યું, ‘બાળપણથી આજ સુધી આપણે બધા જ સારા-ખોટા કામમાં સાથે રહ્યા છીએ. આ તારી
જિંદગીનો સવાલ છે, એટલે એમાં કેટલું જોખમ છે એ મેં તને સમજાવી દીધું. એ પછી પણ જો તું એ જોખમ ઉઠાવીને સત્ય સુધી
પહોંચવા માગતી હોય તો હું તારો હાથ નહીં છોડું, શેમ!’ શામ્ભવીના ચહેરા પર સ્મિત આવી ગયું. એણે કેફેમાં બેઠેલા લોકોની હાજરીમાં
ઊભા થઈને શિવના ગળામાં પોતાના બંને હાથ ભેરવ્યા, પછી એના ગાલ ઉપર એક ‘પપ્પી’ કરી લીધી. શિવની આંખો ભીની થઈ ગઈ…
સ્નેહથી કરાયેલી આ નિર્દોષ પપ્પીની જગ્યા કોઈ દિવસ એક લાગણીભર્યું પ્રેમભીનું તસતસતું ચૂંબન લઈ લેશે, એ વિચારે શિવ ભીતરથી
રોમાંચિત થઈ ગયો!

*

‘હાયયય!’ સાંભળીને મોહિની ચોંકી. એણે પાછળ વળીને જોયું તો માધવી ઊભી હતી. મોહિનીનું મગજ પાંચગણી ઝડપે કામ
કરવા લાગ્યું. એ છેલ્લા 10 વર્ષથી આ જ બ્યૂટિશિયન-સ્કિન સ્પેશ્યાલિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લેતી હતી. અહીં વીવીઆઈપી વેઈટિંગ
એરિયામાં માધવીને જોઈને એના મગજમાં અનેક સવાલો ઊઠવા લાગ્યા, ‘તમે પણ અહીં જ ટ્રીટમેન્ટ કરાવો છો? એક્ચ્યુઅલી શી ઈઝ ધ
બેસ્ટ. હું છેલ્લા પાંચ વર્ષથી એમની પેશન્ટ છું.’ માધવીએ કહ્યું. મોહિની પ્રમાણમાં થોડી રિલેક્સ થઈ ગઈ કારણ કે, એની ડૉક્ટર બહુ
મોટા મોટા પરિવારોની સંભ્રાંત મહિલાઓની સિક્રેટકીપર હતી. કોણ શું ટ્રીટમેન્ટ કરાવે છે એ વિશે ક્યારેય કોઈ વાત બહાર પડતી નહીં.
‘અ… હા!’ મોહિનીએ ન છુટકે વાતચીત શરૂ કરી, ‘શી ઈઝ રિયલી બેસ્ટ.’
બંને જણાં વેઈટિંગ એરિયામાં બેઠાં હતાં-બે જ હતાં, એટલે વાતો કર્યા વગર છુટકો નહોતો. નાની મોટી આગળ પાછળની
વાતો, લેટેસ્ટ સેલ, લેબગ્રોન અને રિયલ ડાયમંડની માર્કેટમાં આવેલી ઉથલપાથલથી શરૂ કરીને વાત શામ્ભવી સુધી પહોંચી ગઈ, માધવી
અહીં જ પહોંચવા માગતી હતી!
‘શામ્ભવી કંઈ અપસેટ છે, આજકાલ?’ માધવીએ પહેલું પત્તું ફેંક્યું.
‘એમ?!’ મોહિની એમ સપડાય એવી નહોતી, ‘એણે કહ્યું તમને?’ સાચવી-સંભાળીને શતરંજની બાજી રમી રહેલા બે
ચેમ્પિયનની જેમ બંને જણાં પોતપોતાની બાજી સંભાળીને રમતમાં પ્રવેશી ચૂક્યા હતા. હવે પછીના સંવાદમાં એકએક શબ્દ, એકએક
હાવભાવ અને એકએક રિએક્શન ખૂબ ફૂંકી ફૂંકીને આવશે એની બંનેને સમજ પડી ગઈ.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *