જુહાપુરા વિસ્તારમાં પોતાની બહેનના ઘેર બેઠેલા રઝાક અબ્દુલ્લા ગુસ્સામાં બાબાસાહેબને ગાળો દઈ રહ્યો
હતો, ‘કમીના હૈ સાલા. મેરા બચ્ચા, મેરા ભાઈ સબ બંધ હૈ… નહીં તો હું કોઈ દિવસ ન આવત.’
‘પણ, એને આટલા વર્ષે અચાનક એના ભાઈને શોધવાની ધૂનકી કેમ ભરાઈ?’ માથે દુપટ્ટો નાખીને બેઠેલી
એની બહેને ચાની સાથે તાજા કબાબ તળ્યા હતા.
‘એ જ નથી સમજાતું.’ રઝાકે કહ્યું, ‘અત્યાર સુધી એ વારેવારે ઝિક્ર કરતો હતો, શોધતો હતો એના ભાઈને
પણ, આવી રીતે મારું નાક બંધ કરીને, મોઢું ખોલાવવાની કોશિશ નથી કરી એણે. કંઈ તો છે… જેના માટે એ બેતાબ
છે.’ રઝાક વિચારમાં પડી ગયો. એણે કબાબનો ટુકડો મોઢામાં મૂક્યો અને ચા પીવા લાગ્યો.
‘તું કેવી રીતે શોધીશ?’ એની બહેને ચિંતાથી પૂછ્યું. હમિદા છેલ્લા 40 વર્ષથી અમદાવાદમાં રહેતી હતી.
બાબાસાહેબના હવાલાના પૈસા લેવા અને આપવા રઝાક પણ અવારનવાર અમદાવાદ આવતો. ક્યારેક મોટી રકમ
હોય તો બાબાસાહેબનો કોઈ માણસ પણ સાથે આવતો. એ વખતે-ઠંડીના દિવસો હતા. રઝાકથી ભૂલમાં
અમદાવાદની સ્વાદિષ્ટ વાનગીઓ વિશે કહેવાઈ ગયું. બાબાસાહેબનો નાનો ભાઈ ચિત્તુ પાછળ પડી ગયો.
બાબાસાહેબે, રઝાકે બહુ સમજાવ્યો, પણ ચિત્તુ અમદાવાદ જવા કટિબધ્ધ હતો. ન છુટકે રઝાક એને લઈને અમદાવાદ
આવ્યો.
અમદાવાદ આવ્યા પછી ચિત્તુએ ઘટસ્ફોટ કર્યો. ઈન્ટરનેટ ઉપર એને એક છોકરીની ઓળખાણ થઈ હતી. બંને
જણાં ચેટ કરતાં હતા-ફોન ઉપર વાતો કરતાં હતા. ચિત્તુએ પોતાના ફોનમાં એ છોકરીએ મોકલેલી તસવીરો રઝાકને
બતાવી. બ્લાઉઝના ચાર બટન ખોલીને ક્લિવેઝ બતાવતા, માત્ર હોઠના, નાભિના અને સેક્સી નાઈટી પહેરેલા એ
છોકરીના ફોટામાં ક્યાંય ચહેરો નહોતો… રઝાક આમ પણ શક્કી મિજાજનો, સાવધાન રહેનારો માણસ હતો. ફોટા
જોઈને એણે ચિત્તુને કહ્યું હતું, ‘લફડેવાલા કેસ હૈ, મત પડના.’ પરંતુ, ચિત્તુ મોહાંદ હતો. એ કોઈપણ સંજોગોમાં
ફોટામાં દેખાતી હસીનાને મળવા માગતો હતો. એની સાથે શરીરસંબંધ બાંધવા બેતાબ હતો.
અમદાવાદ આવીને એણે ફોન કર્યો ત્યારે એ છોકરીએ એને પોતાના ઘેર બોલાવ્યો… રઝાકને વધુ વહેમ પડ્યો.
એણે ચિત્તુને ફરી સાવધાન કર્યો, ‘નહીં જતો. ઐસે કોઈ ઔરત અપને ઘર બુલાયે, મતલબ મામલા ગરબડ હૈ.’ ચિત્તુએ
ન સાંભળ્યું, એ ધરાહાર સાંજે પેલી છોકરીએ આપેલા સરનામા પર જવા તૈયાર થયો. ટી-શર્ટ, જીન્સ અને સ્નીકર્સની
સાથે જીન્સનું જેકેટ પહેરીને કોઈ હીરો જેવો લાગતો હતો ચિત્તુ. એણે ખૂબ બધું પરફ્યૂમ છાંટ્યું. ખીસ્સામાં મિંટની
ગોળીઓ અને કોન્ડોમ લીધું, ત્યાં સુધી રઝાક એને રોકતો રહ્યો, પણ ચિત્તુ તો એ છોકરીના આકર્ષણમાં એવો ડૂબ્યો
હતો કે, ‘ગર્લફ્રેન્ડને મળીને આવું છું’ કહીને નીકળી ગયો…
એ પછી રઝાક પોતાની બહેનને ત્યાં ગયો. સૌ સાથે જમ્યા. વાતો કરતાં રહ્યા. રઝાક રાતે મોડો હોટલ પર
પાછો પહોંચ્યો ત્યાં સુધી ચિત્તુ નહોતો આવ્યો. છેક સવાર સુધી ચિત્તુ ન આવ્યો ત્યારે રઝાકે ફોન કર્યો, પણ ચિત્તુનો
સેલફોન સ્વીચ્ડ ઓફ હતો! હવે, એના મોટા ભાઈને જણાવ્યા વગર છુટકો નહોતો. રઝાકે બાબાસાહેબને ખબર
આપ્યા. ચિત્તુની શોધખોળ શરૂ થઈ, પરંતુ ચિત્તુને અમદાવાદની જમીન ગળી ગઈ કે આકાશ ખાઈ ગયું… કંઈ ખબર
ન પડી! હોટલના સીસીટીવી ફૂટેજમાં બહાર નીકળતાં દેખાયેલો ચિત્તુ એ પછી ક્યાં ગયો એ શોધવામાં બાબાસાહેબે
કોઈ કસર ન છોડી, પરંતુ ચિત્તુનો પત્તો લાગ્યો નહીં. એ વખતે બાબાસાહેબ પક્ષના એમપી હતા. એમની સામે આખી
રાજકીય કારકિર્દી પડી હતી. હોમ મિનિસ્ટરની સીટ પર એમની નજર હતી. પોતાનો જ ભાઈ ખોવાઈ ગયો-એવી
ફરિયાદ લખાવે તો શોધખોળ શરૂ થાય. હવાલાકાંડ ખૂલે અને સાથે સાથે ભાઈ કદાચ, મળી આવે તો એનું સ્કેન્ડલ
પણ ચગ્યા વગર રહે નહીં… મજબૂરીમાં એ પોલીસ ફરિયાદ કરી શક્યા નહીં. બાબાસાહેબની ઓળખાણો અને
પહોંચ હતી ત્યાં સુધી એમણે ચિત્તરંજનની પૂરી તપાસ કરાવી, પરંતુ કોઈ રીતે, કોઈ સગડ એમના વહાલા ચિત્તુ સુધી
પહોંચ્યા નહીં. લગભગ એક વર્ષ સુધી ચિત્તુની શોધખોળ કરીને થાકેલા બાબાસાહેબે મન વાળી લીધું… બાબાસાહેબ
નિરાશ થયા, દુઃખી થયા, ને પછી રાજકારણમાં એવા તો પરોવાયા કે પછીના પાંચ વર્ષમાં એમણે હોમ મિનિસ્ટરની
ખુરશી પર પોતાની બેઠક જમાવી દીધી.
હવે મહારાષ્ટ્રમાં એમની બોલબાલા હતી. પક્ષ અને અંડરવર્લ્ડ બંને ઉપર એમનો બરાબર કાબૂ હતો. રઝાક
એમનું મહત્વનું પ્યાદું હતો. હવાલા, બેંક રોબરીથી શરૂ કરીને અપહરણ અને ખૂન સુધીના ગુનામાં રઝાક એમનો
સૂત્રધાર હતો. સાચું પૂછો તો, બાબાસાહેબને આ ખુરશી સુધી પહોંચાડવા માટે રઝાક સીડીની જેમ ઊભો રહ્યો હતો.
બાબાસાહેબને રઝાક સાથે બગાડવું પોષાય એમ નહોતું, એટલે ચિત્તુવાળો કિસ્સો એમણે જરા વિસારે પાડવાનો
પ્રયાસ કર્યો હતો, પરંતુ નાનો ભાઈ એમને જીવથી ય વહાલો હતો, એ કોઈ રીતે ચિત્તુને ભૂલી શકતા નહોતા. જ્યારે
તક મળે ત્યારે એ રઝાકને સંભળાવવાનું છોડતા નહીં, પરંતુ હોમ મિનિસ્ટરની સીટ પર બેઠા પછી એમણે એમની રીતે
શોધખોળ કરી, પરંતુ કોઈ પરિણામ ન મળ્યું ત્યારે રઝાકને લાગ્યું કે, બાબાસાહેબ ધીરે ધીરે ચિત્તુને ભૂલી ગયા છે, પરંતુ
તેર વર્ષે અચાનક બાબાસાહેબે ફરી રઝાકનો હાથ આમળ્યો હતો. એના ભાઈ અને દીકરાને જેલમાં પૂરીને સતારાની
બેંક રોબરીના આરોપી તરીકે સપડાવ્યા હતા. રઝાકને કોઈપણ રીતે ચિત્તુને શોધી લાવવાની તાકીદ કરી હતી…
આ આખી વાતમાં રઝાકને એક જ પ્રશ્ન મૂંઝવ્યા કરતો હતો, ‘તેર વર્ષે એવું શું થયું કે બાબાસાહેબ અચાનક
ચિત્તરંજન શંકરરાવ મોહિતેને શોધવા આટલા બેબાકળા થઈ ગયા છે.’
‘અચાનક? તેર વર્ષે ચિત્તુને શોધવો પડે એવું શું થયું?’ દત્તાત્રેય શંકરરાવ મોહિતેની ધર્મપત્ની મંજરીએ પણ એ
જ સવાલ પૂછ્યો.
‘છે… એક સમસ્યા ઊભી થઈ છે. ચિત્તુ નહીં જડે તો મિલકત અને ગામની જમીનમાંથી અડધો ભાગ આપવો
પડશે.’ બાબાસાહેબ એમની પત્નીથી ભાગ્યે જ કશું છુપાવતા. મંજરી પણ જમાનાની ખાધેલ અને પહોંચી વળે એવી
મજબૂત બાઈ હતી. બાબાસાહેબની રાજકીય કારકિર્દીમાં એનો પૂરેપૂરો ફાળો હતો. એક રીતે જોવા જાઓ તો મંજરી
એમની રહસ્યમંત્રી હતી. મંજરીના પિતા આર્મીમાં મરાઠા રેજિમેન્ટમાં અફસર હતા. ‘71ની લડાઈમાં શહીદ થઈ
ગયેલા, ત્યારે મંજરી પાંચ વર્ષની હતી. મંજરીની માને પિતાના મૃત્યુ પછી ટીબી થઈ ગયો હતો. એણે પથારી પકડી
લીધી. પોતાનાથી નાના ચાર ભાઈ-બહેનોને મંજરીએ મા અને પિતા બંનેનો પ્રેમ આપીને ઉછેર્યા હતા. આ સંઘર્ષમાં
મંજરી મજબૂત થઈ ગઈ. બાબાસાહેબ-દત્તાત્રેય-દત્તુ એને પહેલીવાર મળ્યો ત્યારે મંજરી 19 વર્ષની હતી. માંજરી
આંખો, લાંબા વાળ અને કોકણસ્થ બ્રાહ્મણ જેવી ગોરી ત્વચા, પુષ્ટ અને કમનીય દેહ વળાંકો જોઈને દત્તુ પહેલી નજરે
પ્રેમમાં પડી ગયેલો, પણ મંજરી એમ હાથમાં આવે એમ નહોતી. દત્તુ પાસે ખૂબ જમીનો હતી. પિતાને બે જ દીકરા-
બહેન નહોતી. દત્તુના પિતા શંકરરાવે એમના એક કોમન ઓળખીતા સાથે મંજરીને ત્યાં ઓફિશિયલ માગું મોકલ્યું
ત્યારે મંજરીએ શરત કરેલી કે, ચારેચાર નાના ભાઈ-બહેનોને ભણાવવા અને પરણાવવાની જવાબદારી જો દત્તુ લે, તો
જ એની સાથે લગ્ન કરશે. દત્તુએ જવાબદારી લીધી અને પૂરેપૂરી નિભાવી. સામે, મંજરીએ પણ બાબાસાહેબની
રાજકીય કારકિર્દી બનાવવા માટે જાન લગાવી દીધી. એમના બધા સપનાં પૂરા કરવામાં એમને સાથ આપ્યો, એટલું જ
નહીં, જરૂર પડી ત્યારે એમના ખોટા ધંધામાં પણ મંજરી અડીખમ ઊભી રહી. પતિ-પત્ની બંને એકબીજાને બરાબર
સમજતા-સાચું પૂછો તો, બંને એકબીજાના પૂરક હતા. એમને સંતાન નહોતું. હવે મંજરીની ઉંમર 58 વર્ષની થવા
આવી હતી. બાબાસાહેબ 59ના… સંતાન થવાની આશા બંનેએ છોડી દીધી હતી.
ચિત્તરંજન એના મોટા ભાઈ દત્તાત્રેયથી દસ વર્ષ નાનો હતો. 19 વર્ષની મંજરી પરણીને આવી ત્યારે
ચિત્તરંજન દસ વર્ષનો હતો. મંજરી અને ચિત્તુ વચ્ચે દિયર-ભાભી કરતાં વધારે દોસ્ત અને મા-દીકરાના સંબંધ હતા.
ચિત્તુ ખોવાઈ ગયો ત્યારે મંજરીએ ખૂબ ધમપછાડા કર્યા હતા. થોડો વખત ડિપ્રેશનમાં રહી, પણ પછી ધીમે ધીમે એણે
જાતને સંભાળી લીધી. પતિ-પત્ની બંને માટે ચિત્તરંજન જ એમનો વારસ હતો. એના ખોવાઈ ગયા પછી, હવે આ
લખલૂંટ સંપત્તિ અને કાળા-ધોળા કરોડો રૂપિયા બિનવારસી અટવાઈ જશે એ વિચારે બંને અવારનવાર બેચેન થઈ
જતાં હતાં.
ચિત્તુ નહીં મળે, એવું બંનેએ લગભગ સ્વીકારી લીધું હતું ત્યારે બાબાસાહેબને એક એવા સમાચાર મળ્યા
જેનાથી એમને જીવન જીવવાની આશા જાગી ઊઠી. ચિત્તુને શોધવાનું મજબૂત કારણ એમને જડી આવ્યું. જોકે, એ
સમાચાર સાચા હતા કે નહીં એની ખાતરી કરવા માટે પણ હવે બાબાસાહેબે એમના ભાઈને શોધવો પડે એમ હતું.
એમણે ઘરે આવીને રઝાકને કામે લગાડ્યાની માહિતી જ્યારે મંજરીને આપી, ત્યારે મંજરીને પણ એ જ
સવાલ થયો જે રઝાકને થયો હતો, ‘તેર વર્ષે અચાનક… એને શોધવો પડે, એવું શું થયું છે?’
‘ચિત્તુની મિલકતનો વારસદાર ઊભો થયો છે.’ બાબાસાહેબે પત્નીને માહિતી આપી, ‘એક છોકરી આવી છે,
વાઈ ગામથી.’ મંજરી રસોડામાં કંઈ કામ કરતી હતી, એના હાથ અટકી ગયા. બાબાસાહેબ કહેતા રહ્યા, ‘કહે છે કે,
એનું અને ચિત્તુનું ચક્કર ચાલતું હતું. એમાં પ્રેગ્નેન્ટ થઈ ગઈ. આ છોકરી ચિત્તુની છે.’
‘એને તેર વર્ષે યાદ આવ્યું? ચિત્તુ ખોવાઈ ગયો ત્યારે તો આવી નહીં… હવે આટલા વર્ષે…’ મંજરીને ભરોસો
નહોતો.
‘છોકરી બાર વર્ષની છે.’ બાબાસાહેબ સહેજ ઈમોશનલ થઈ ગયા, ‘ચહેરેમહોરે દત્તુ જેવી છે.’ એમણે સહેજ
અટકીને ઉમેર્યું, ‘એ છોકરી ગાંડી છે.’
‘કોણ? ચિત્તુની છોકરી?’ મંજરી ભડકી, ‘કોક આમચાવર વેડ્યા મૂલી લા મારુન પળુન જાશિલ… જોજો!’
‘અરે છોકરી નહીં, એની મા ગાંડી છે.’ બાબાસાહેબે કહ્યું, ‘છોકરીની નાની મરવાની છે, એટલે હવે પોતાની
ગાંડી દીકરી અને જુવાન થતી દોહિત્રીને સંભાળી શકે એમ નથી.’
‘પણ…’ મંજરી પણ વિચારમાં પડી.
‘ડીએનએ ટેસ્ટ કરાવીએ, ખાતરી કર્યા વગર હું એ છોકરીને ઘરમાં નહીં લઉ.’ બાબાસાહેબે સધિયારો આપ્યો,
‘પણ ડીએનએ ટેસ્ટ કરાવવા માટે ચિત્તુ તો જોઈએ ને?’ એમણે કહ્યું, પતિ-પત્ની બંને ગહન વિચારમાં પડી ગયા,
પછી બાબાસાહેબે જરા ઈમોશનલ થઈને કહ્યું, ‘જો ખરેખર આપણા ચિત્તુની છોકરી હોય તો એને રખડતી કેમ
મૂકાય? આપણી સંપત્તિનો કોઈ વારસ નથી. ભગવાને મોકલી હોય એવું ય બને ને?’ મંજરી પોતાની બિલાડી જેવી
ચકળ-વકળ થતી રાખોડી આંખોથી એની સામે જોતી રહી… બંને, આ 50-50 ટકા શક્યતાની વચ્ચે બરાબરના
ફસાયાં હતાં. હવે જ્યાં સુધી ચિત્તુ ન જડે ત્યાં સુધી આ છોકરીને સ્વીકારવી કે નકારવી એનો નિર્ણય થઈ શકે એમ
નહોતો…
*
છેલ્લા દોઢ દિવસમાં બની ગયેલી ઘટનાઓ પછી શામ્ભવી શિવને મળવા બેચેન થઈ ગઈ હતી. જે કંઈ થયું
એ બધું જ એ શિવને કહેવા માગતી હતી. રાધા સાથેની મુલાકાત, રિતુનો અનંત માટેનો પ્રેમ અને એ પછીની
સિલસિલાબંધ ઘટનાઓ સાથે એની પાસે અનંતનું આપેલું એન્વેલપ હતું. એમાં રહેલા ફોટા અને વિગતો પણ શિવને
દેખાડવાની શામ્ભવીને ઉતાવળ હતી.
અમદાવાદ શહેરની અલસ બપોર, ને એમાંય આ ફાર્મ હાઉસની બપોર શામ્ભવીને ખૂબ અકળાવતી. એક
વિચિત્ર પ્રકારનો સન્નાટો ઘેરી વળતો આખાય વાતાવરણને. હવામાં હલતા પાંદડાની સરસરાહટ, અને પંખીઓના
કલરવ સિવાય ભાગ્યે જ કોઈ અવાજ સાંભળવા મળતો. માણસો પણ આરામ કરવા પોતાના કોટેજમાં ચાલી જતા,
એટલે ઘરમાં પણ કોઈ ચહેલપહેલ રહેતી નહીં… આ સમય પસાર કરવો શામ્ભવી માટે બહુ જ અઘરો થઈ જતો.
ગઈકાલથી એના મગજમાં એને મળેલા ફોટા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ અને બીજી વિગતો ચકરાવે ચડી હતી. શિવ સાથે
વાત કરવી જરૂરી હતી…
એ બહાર નીકળી, ગાડીમાં બેઠી અને સીધી શિવની ઓફિસ પહોંચી ગઈ. રિસેપ્શનિસ્ટ સાથે પણ વાત કર્યા
વગર દરવાજો ખોલીને શામ્ભવી મુખ્ય ઓફિસમાં દાખલ થઈ ગઈ. શિવ એના ટેબલ પર બેસીને લેપટોપ પર કામ
કરી રહ્યો હતો. ઓફ વ્હાઈટ કલરના કાલા કોટનનો કુર્તો અને બ્લ્યૂ જીન્સમાં શિવ હેન્ડસમ દેખાતો હતો. એણે એના
લાંબા વાળને બાંધીને એક રબરબેન્ડ ભરાવ્યું હતું. એના ગળામાં એમ્પ્લોઈનું કાર્ડ હતું અને ચશ્મા સાથે એ ઉંમર કરતા
મોટો, મેચ્યોર દેખાતો હતો. શામ્ભવીએ એના કુર્તાના કોલર પકડી લીધા, ‘ચાલ, મારે તારી સાથે વાત કરવી છે.’
શિવ સહેજ ઝંખવાઈ ગયો. શામ્ભવીના હાથ છોડાવતાં એણે ધીમેથી કહ્યું, ‘બિહેવ, શેમ! ઓફિસ છે મારી…’
શામ્ભવીએ હાથ છોડી દીધા, ‘ચાલ, મારી સાથે.’ એણે કહ્યું. શિવ તરત જ ઊભો થઈ ગયો. બંને જણાં
ઓફિસની બહાર નીકળી ગયાં. પ્રહલાદનગર પર આવેલી બિલ્ડિંગની નજીકના કેફેમાં જેવા ટેબલ પર ગોઠવાયાં કે
તરત જ શામ્ભવીએ પર્સમાંથી પેલું બ્રાઉન એન્વેલપ કાઢીને ટેબલ પર મૂક્યું. શિવે આશ્ચર્યથી એની સામે જોયું, ‘શું
છે?’ એણે પૂછ્યું.
‘ખોલીને જોઈશ તો બેભાન થઈ જઈશ.’ શામ્ભવીએ કહ્યું, ‘આના આધારે આપણે મોમનો કેસ…’
‘કેસ? કયો કેસ?’ શિવે પૂછ્યું, શામ્ભવીના ભવાં ચડી ગયાં, ‘ગુસ્સે ન થા, પહેલાં મારી વાત સમજવાનો
પ્રયત્ન કર. તને જે કોઈ આ બધું સમજાવે છે…’ શિવનો સીધો ઈશારો અનંત તરફ હતો, ‘એને કોઈ સમજણ નથી.’
‘કોણ?’ શામ્ભવી ચીડાઈ ગઈ, ‘તું અનંતની વાત કરે છે રાઈટ? એ મારી મદદ કરે છે એનાથી તને જેલેસી
થાય છે…’ એણે કહ્યું.
‘જેલેસી? સિરિયસલી?’ શિવ હસી પડ્યો. એકસરખા ગોઠવાયેલા ચોખ્ખા દાંત, આછી દાઢી અને રબરબેન્ડ
બાંધેલા વાળ સાથે એ ખૂબ સોહામણો લાગી રહ્યો હતો, ‘શેમ! તું સમજતી નથી. તારી મમ્મી જેલમાં છે એનો કોઈ
પુરાવો જ નથી આપણી પાસે. આ જે કોઈ કાગળિયા તું લાવી છે, મેં જોયા નથી, પણ હું તને સમજાવવા માગું છું કે,
કેસ ત્યારે બને જ્યારે વ્યક્તિ જીવતી હોય… તારી મમ્મી મરી ચૂકી છે. પોલીસના ચોપડે, મ્યુનિસિપલ કોર્પોરેશનના
રજિસ્ટરમાં…’ એણે શામ્ભવીનો હાથ પોતાના હાથમાં લીધો, ‘હું તારી મદદ કરવા માગું છું, શેમ! મુદ્દો એ છે કે,
આપણે ક્યાંથી શરૂ કરીએ…’
‘એટલે તો આ બધા પેપર્સ લાવી છું. તું એકવાર જોઈ લે.’ શિવ નજર ભરીને પોતાની સામે બેઠેલી શામ્ભવીને
જોઈ રહ્યો હતો. એની આંખોમાં દેખાતું ભોળપણ, આ જગત અને સિસ્ટમ વિશેની અણસમજ અને માને
છોડાવવાનું પેશન… શિવને ખૂબ વહાલ આવી રહ્યું હતું, શામ્ભવી ઉપર. એણે કશું જ બોલ્યા વગર એન્વેલપ ખોલ્યું.
એમાંના કાગળો, ફોટા જેમ જેમ એ જોતો ગયો તેમ તેમ એના ચહેરા પરના ભાવ બદલાતા ગયા. છેલ્લું પેપર જોયું
ત્યારે એના ચહેરા પર ગંભીરતા હતી, ‘આ બધું ક્યાંથી લાવી તું?’ એણે પૂછ્યું.
‘અનંતે મેળવી આપ્યું.’ શામ્ભવીના અવાજમાં થોડું ગૌરવ અને ક્યાંક પહોંચ્યાનો આનંદ છાનો ન રહી શક્યો.
‘મને વિચારવા દે…’ શિવે કહ્યું, ‘આ લઈને આપણે કોની પાસે જઈએ? કોઈ રાજકારણી આપણી મદદ નહીં
કરે, પોલીસ તો નહીં જ કરે…’ શિવ વિચારવા લાગ્યો, ‘તારા બાપુ પણ આમાં મદદ નહીં કરે.’ એણે ધીમેથી કહ્યું, ‘આ
લઈને તું મોહિની પાસે જા.’
‘વ્હોટ?’ શામ્ભવીનો અવાજ ઊંચો થઈ ગયો, ‘મગજ ઠેકાણે નથી તારું. એ આપણી મદદ કરશે?’
‘છુટકો નથી એનો!’ શિવના સોહામણા ચહેરા પર સ્મિત આવી ગયું, ‘ફોટા અને આ કાગળો જોયા પછી જો
એ આપણી મદદ ન કરે તો આપણે શું કરી શકીએ… એ વાત મોહિની સમજી જશે.’ શિવે આનંદથી શામ્ભવીનો હાથ
પકડ્યો, ‘તું તો ખજાનો શોધી લાવી, યાર!’
શામ્ભવીએ કહ્યું, ‘તો હવે આપણે માને બહાર કાઢી શકીશું, ને?’
શિવે સહેજ ફિક્કું, ઉદાસ સ્મિત કર્યું, ‘જરૂર!’ એણે પોતાના હાથમાં પકડેલો શામ્ભવીનો હાથ થપથપાવ્યો,
‘રાધા આન્ટીને બહાર નીકળવું હશે તો આપણે એમને જરૂર બહાર કાઢી શકીશું…’ પછી એણે મનોમન કહ્યું, ‘કોણ
જાણે કેમ મને એવું લાગે છે કે, રાધા આન્ટી અંદર વધુ સલામત છે. કમલ અંકલે પણ એમને એટલા માટે જ અંદર
રાખ્યા છે.’ શિવ આ વાત શામ્ભવીને કહી શક્યો નહીં, પરંતુ એની ભીતર વસતા પત્રકારને સમજાતું હતું કે, પરિસ્થિતિ
જેટલી દેખાય છે એટલી સરળ અને સાદી નથી, ‘તું આ ફોટા લઈને મોહિની પાસે જા. એની સીધું જ પૂછ, જો એ
કો-ઓપરેટ કરવા તૈયાર હોય તો બરોબર છે અને જો કો-ઓપરેટ કરવા તૈયાર ન હોય તો આપણે એનું નાક દબાવીને
મોઢું ખોલાવવું પડશે.’
શામ્ભવીએ બધું પાછું બ્રાઉન પેપરના કવરમાં ભર્યું. કવર પર્સમાં મૂક્યું, એ અને શિવ કેફેમાંથી બહાર નીકળ્યા,
પરંતુ એ જ કેફેમાં થોડે દૂર બેઠેલો એક માણસ ત્યાં જ બેસી રહ્યો. એણે એક ફોન જોડ્યો, ‘લડકી વો હી હૈ… કન્ફર્મ!’
પછી ટેબલ પર 500ની નોટ મૂકીને એ બેફિકરાઈથી બહાર નીકળી ગયો.
(ક્રમશઃ)