‘સાંજે સોમચંદ પરિવાર ડીનર પર આવવાના છે. આમ તો મેં શામ્ભવીને બધું કહ્યું જ છે, પણ…’ કમલનાથે
વાત અધૂરી છોડી. બંને જણાં ગાડીમાં ઓફિસ તરફ જઈ રહ્યા હતા. લલિતભાઈ ઘરનું બધું જ કામ, મેનેજમેન્ટ
સંભાળતા. સવારના ભાગમાં એ કમલનાથ સાથે ઓફિસ જતા. ઓફિસના એડમિનની થોડી ઘણી જવાબદારી પણ
લલિતભાઈના ખભે હતી. પત્નીના મૃત્યુ પછી કમલનાથ પોતાના મનની વાત લલિતભાઈ સિવાય કોઈ સાથે કરતા
નહીં. એમના હાઉસકીપર, ઓફિસના એડમિન મેનેજર કે થોડા ઘણા મિત્ર કહી શકાય એવા લલિતભાઈ પણ
કમલનાથના મનની વાત કહ્યા વગર જ સમજી જતા.
‘બધું ગોઠવાઈ જશે.’ લલિતભાઈએ કહ્યું, ‘શામ્ભવી આવી જશે ને?’ લલિતભાઈના આ સવાલમાં થોડી ચિંતા
હતી કારણ કે, એ શામ્ભવીના સ્વભાવને એ પૂરેપૂરો ઓળખતા હતા, ‘આઈ મીન… તમે કન્ફર્મ કર્યું છે ને?’
‘એ આજે જેલમાં ગઈ છે.’ કમલનાથનું વાક્ય પૂરું થયું ત્યાં સુધીમાં લલિતભાઈની આંખો પહોળી થઈ ગઈ.
કમલનાથના ચહેરા પર એ જ સ્વસ્થતા અને શાંતિ હતા, ‘એને એમ છે કે એ મને છેતરે છે!’ એમના ચહેરા પર સહેજ
સ્મિત આવી ગયું, ‘રમી લેવા દો!’
‘પણ, ભાઈ… આ તો…’ લલિતભાઈ આગળ બોલ્યા નહીં, પણ એમના ચહેરા પરની ચિંતા અને ગૂંચવણ
પરથી એટલું ચોક્કસ સ્પષ્ટ થઈ ગયું કે, શામ્ભવીની જેલની આ મુલાકાત વિશે સહુ ચિંતિત હતા. કમલનાથે એક ક્ષણ
માટે આંખ મીંચીને લલિતભાઈની સામે ડોકું નમાવ્યું, એમના આ ઈશારામાં લલિતભાઈની ચિંતાનો જવાબ હતો.
એમણે પણ વાત ત્યાં જ છોડી દીધી. પછી બંને જણાં સાંજના મેનુ અને બીજી કામની વાતો કરવા લાગ્યા.
કમલનાથે આમ તો શામ્ભવીની જેલની મુલાકાતને બહુ મહત્વ નહોતું આપ્યું, પરંતુ એમના મગજના એક
ખૂણામાં સતત ચિંતા અને તણાવ હતો. એમણે મનોમન નક્કી કરી લીધું, આજે એક વાર ભલે જઈ આવતી. હવે પછી
એ તરફ જવાનું નામ પણ લેશે તો મારે એને કડક ચેતવણી આપવી પડશે.
*
જેલના મુખ્ય દરવાજેથી દાખલ થઈને પહેલાં જેલરની ઓફિસ અને સિક્યોરિટી વટાવવી પડે. એ
પછી મુલાકાતીઓનો ખંડ. વીવીઆઈપી કેદીઓને એમના સગાં કે વકીલને અંગત રીતે મળવાની છૂટ
આપવામાં આવતી. બાકીના લોકોએ જાળીની આ તરફ ઊભા રહીને ટોળાંમાં આવેલા અનેક લોકોની વચ્ચેથી
પોતાના સગાં સાથે વાત કરી લેવી પડતી. શામ્ભવીએ મુલાકાતી ખંડ જોઈને પૂછ્યું, ‘સાચે જ? ફિલ્મમાં જોયું
છે એવી જ રીતે, ટોળાંની વચ્ચે જ મળવું પડે?’ આગળ ચાલી રહેલા સંત્રીએ ડોકું ધૂણાવીને હા પાડી. જેલર
તરફથી એને કડક સૂચના હતી કે, ‘શામ્ભવીના દરેક સવાલના જવાબ આપવા પણ, માહિતી જરૂર પૂરતી જ
આપવી.’
શામ્ભવી ચારેબાજુ જોતી ચાલી રહી હતી. શિવ એની પાછળ પાછળ ચાલતો હતો. બંનેની આગળ
સંત્રી હતા. શામ્ભવીએ સહેજ ધીમા પડીને શિવનો હાથ પકડી લીધો, ‘થ્રિલિંગ, ઈઝન્ટ ઈટ?’ એણે શિવને
પૂછ્યું. શિવે એની સામે જોયું. પકડાઈ ગયાના ક્ષોભમાંથી શિવ હજી બહાર નીકળી શક્યો નહોતો. સાબરમતી
જેલની રચના ઈન્ટ્રેસ્ટિંગ છે. છોટા ચક્કર અને બડા ચક્કરના સેલ અલગ અલગ છે. કેટલાક ખાસ કેદીઓને
અલગ રાખવામાં આવે છે. એમને એમના સેલમાંથી બહાર નીકળવાની છૂટ નથી હોતી જ્યારે, કેટલાંક
કેદીઓને સવારે એમના સેલમાંથી બહાર નીકળીને દિવસભર પોતાની રીતે કામ કરવાની, નાહવા-ધોવાની
અને બીજી પરવાનગી મળે છે. સુથારીકામ, બાંધકામ, રસોડું અને સફાઈ જેવાં કામો પણ કેદીઓને સોંપવામાં
આવે છે. ભણેલા કેદીઓ પાસે જેલના કેટલાંક વહીવટી કામો પણ કરાવવામાં આવે છે. અત્યારે સવારનો
સમય હતો, કેદીઓ પોતપોતાના કામોમાં વ્યસ્ત હતા. કેટલાક બહાર ખુલ્લી ચોકડીમાં નાહી રહ્યા હતા તો
કેટલાક તડકામાં બેસીને વાંચી રહ્યા હતા. કેટલાક કેદીઓ એક ખુલ્લા ગરાજ જેવા વિસ્તારમાં સુથારીકામ કરી
રહ્યા હતા. કેટલાક જેલ બગીચામાં કામ કરવા માટે ગયા હતા… શામ્ભવી સૌને જોતી, સંત્રીને પ્રશ્નો પૂછતી
આગળ વધી રહી હતી. શામ્ભવી જેટલી નવાઈથી કેદીઓને જોઈ રહી હતી. આસપાસ ફરતા, નાહતા-ધોતા
અને કામ કરતાં કેદીઓ પણ શામ્ભવીને એટલા જ આશ્ચર્ય અને કુતૂહલથી જોઈ રહ્યા હતા. આવી ફેન્સી,
દેખાવડી અને યુવાન છોકરી જેલમાં ભાગ્યે જ જોવા મળતી. એ પણ આટલી ખુલ્લી છૂટથી જેલનો ખૂણે
ખૂણો નિહાળી રહી હતી, એટલે કોઈ ‘મોટા માણસ’ની દીકરી હશે કે પછી મિનિસ્ટરની ઓલાદ હશે એવું પણ
કેટલાક લોકોને સમજાતું હતું.
શામ્ભવી પ્રશ્નો પૂછ્યે જતી હતી, ‘આ કોણ છે? કેમ અહીં છે? કેટલા વર્ષની સજા છે? કેટલા પૂરા
થયા…’ જેવા સવાલોના સંત્રીને ખબર હોય એવા અને એટલા જવાબ એ આપતો જતો હતો. શિવ ચૂપ હતો.
એની ચકોર નજર ચારેતરફ ફરતી હતી. એક પત્રકાર તરીકે શિવને આવો ચાન્સ ઝડપથી ન મળે, એટલે
શામ્ભવીની સાથે પોતાને મળેલી તકનો એમે પૂરેપૂરો ઉપયોગ કરવા માંડ્યો હતો. એણે પણ સંત્રીને પ્રશ્નો
પૂછ્યા, ‘એક સેલમાં કેટલા કેદી હોય? સામાન્ય રીતે જમવાનો સમય શું? જમવામાં શું મળે?’ સંત્રીને કદાચ,
સૂચના આપવામાં આવી હતી એટલે શિવના સવાલોના એ બહુ સાચવીને-વિચારીને જવાબ આપતો હતો.
શામ્ભવી અચાનક ઊભી રહી ગઈ. એણે સંત્રીને પૂછ્યું, ‘અહીંયા સ્ત્રીઓ માટેની જેલ ક્યાં છે?’
સંત્રીએ ધીમેથી જવાબ આપ્યો, ‘એ અલગ બિલ્ડિંગ છે. એનો વહીવટ અને જેલર પણ અલગ.’ કહેતાં કહેતાં
સંત્રીથી ડાબી તરફ આવેલા સ્ત્રીઓની જેલના બિલ્ડિંગ તરફ જોવાઈ ગયું. ચતુર શામ્ભવીએ માપી લીધું કે,
જે તરફ સંત્રી જોઈ રહ્યો છે એ જૂનું, નાનકડું બિલ્ડિંગ સ્ત્રીઓની જેલનું બિલ્ડિંગ છે. હવે એને કોઈ રોકી શકે
એમ નહોતું. શિવના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું.
‘મારે ત્યાં જવું છે.’ શામ્ભવીએ કહ્યું. સંત્રીના જવાબની રાહ જોયા વગર શામ્ભવીએ એ દિશામાં
પગલાં ઊપાડ્યાં. સંત્રી જરા ચોંક્યો. એને સમજાયું નહીં કે, આ માગણીમાં એણે હા પાડવી કે ના… આ તો
શામ્ભવી ચૌધરી હતી, એણે કોઈની ‘હા’ કે ‘ના’ની પ્રતીક્ષા ક્યાં કરવાની હતી? સંત્રીની મૂંઝવણ જોઈને
શામ્ભવીને ઓર મજા પડી. એણે કહ્યું, ‘જેલર સાહેબે તમને કહ્યું છે ને? મને આખી જેલ બતાવવાની છે,
ચલો.’
‘હા, પણ…’ સંત્રી ગૂંચવાયો. ત્યાં સુધીમાં શામ્ભવી તો ડાબી તરફ આવેલા સ્ત્રીઓની જેલના
બિલ્ડિંગ તરફ ચાલવા લાગી. બે જેલની વચ્ચે આવેલો ગેટ અને એની બહાર ઊભેલા બે સંત્રીઓ પણ એની
નજર બહાર નહોતા રહ્યા. હવે આગળ ચાલી રહેલો સંત્રી શામ્ભવીની પાછળ ઢસડાયો. શિવ પણ થોડો
આશ્ચર્યચકિત અને મનોમન શામ્ભવીની આ હિંમતને દાદ આપતો એ બે જણાંની પાછળ સ્ત્રીઓની જેલ
અને પુરુષોની જેલ વચ્ચે આવેલા ગેટ તરફ ચાલવા લાગ્યો.
‘કેટલી સ્ત્રીઓ હશે જેલમાં?’ શામ્ભવી હવે સંત્રીની સાથે ચાલવા લાગી. સંત્રીને ખરેખર સમજ
નહોતી પડતી કે, એણે શામ્ભવીને લઈ જવી કે નહીં, પરંતુ હવે પરિસ્થિતિ એના હાથમાંથી નીકળી ચૂકી હતી.
જેલના બે બિલ્ડિંગની વચ્ચે આવેલા ગેટ પાસે જઈને શામ્ભવીએ કહ્યું, ‘કહો એમને.’ સંત્રીએ જરા અચકાટ
સાથે કહ્યું, ‘ખોલો…’ ગેટ પર ઊભેલો સંત્રી પણ ગૂંચવાયો. એની પાસે જેલર સાહેબની પરમિશન નહોતી,
પણ આ સારા ઘરની, રૂપાળી અને ફેન્સી છોકરીની સાથે સંત્રી હતો. છોકરીના ગળામાં એક કાર્ડ લટકતું હતું
અને એની સાથે આવેલો બીજો છોકરો પણ કોઈ પત્રકાર જેવો દેખાતો હતો. ગેટની પેલી તરફ ઊભેલા
સંત્રીએ ખીસ્સામાંથી ચાવી કાઢીને તાળું ખોલ્યું. વીસેક ફૂટના મોટા દરવાજા કિચુડાટ સાથે ખૂલ્યા. કોઈ
મહારાણીની અદાથી શામ્ભવી એ ગેટમાંથી દાખલ થઈ. હવે સંત્રી એની પાછળ હતો. શામ્ભવી સડસડાટ
સ્ત્રીઓની જેલના મકાન તરફ ચાલવા લાગી. સંત્રી પણ, મેડમ મેડમ કહેતો એની પાછળ ચાલતો રહ્યો.
સ્ત્રીઓની જેલનું મકાન બેઠા ઘાટનું હતું. જૂનું થઈ ગયેલું મકાન આમ જોવા જઈએ તો બિસ્માર
હાલતમાં હતું. અહીં પણ પુરુષોની જેલની જેમ જ સ્ત્રીઓની ઈતર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. કમ્પાઉન્ડમાં
થોડી સ્ત્રીઓ વાળ ખૂલ્લા મૂકીને માથાં ઓળી રહી હતી. કેટલાક નાના બાળકો ત્યાં રમી રહ્યા હતા. એકાદ-બે
સ્ત્રીઓના ખોળામાં પાંચ-છ મહિનાના સાવ ધાવણા સંતાનો પણ હતાં.
‘આ બચ્ચાંઓ અહીંયા કેમ છે?’ શામ્ભવીએ પૂછ્યું. જેમના છોકરાઓને કોઈ રાખી ન શકે એવા
છોકરાઓ મા સાથે રહે.
‘જેલમાં?’ શામ્ભવીએ પૂછ્યું. સંત્રીએ થોડી નિરાશાથી ડોકું હલાવ્યું.
‘એમનું ભણવાનું?’
‘એ તો બધું…’ સંત્રી ખરેખર ગૂંચવાયો હતો, ‘અહીંયા ટીચર આવે છે. છોકરાઓને ભણાવે, શીખવે.
અમે એમને પિકનિક પણ લઈ જઈએ છીએ. અહીંયા યોગા ક્લાસીસ પણ ચાલે છે. જે સ્ત્રીઓ પાસે હુન્નર
હોય એમને સ્કિલ ડેવલપમેન્ટ પણ…’ સંત્રી વિગતો આપી રહ્યો હતો. શામ્ભવીને સંત્રીની વાત સાંભળવામાં
કદાચ બહુ રસ નહોતો. એણે ત્યાં બેઠેલી એક સ્ત્રીના નાનકડા બાળકને ઉપાડી લીધું. સંત્રી, ‘ના… ના…’
કરતો રહ્યો, પણ શામ્ભવી તો મજાથી ત્યાં નાનકડા ઓટલા પર ગોઠવાઈ ગઈ. એણે એ સ્ત્રીઓ સાથે વાતો
કરવા માંડી. અહીં ભાગ્યે જ કોઈ આવતું, અથવા ભાગ્યે જ કોઈને આવવાની છૂટ મળતી… એટલે ત્યાં બેઠેલી
સ્ત્રીઓ માટે પણ શામ્ભવી એક તાજી હવાની લહેરખીની જેમ આવી હતી. નવાઈની વાત એ હતી કે, ત્યાંની
બધી સ્ત્રીઓ શામ્ભવી સામે કોઈ વિચિત્ર દ્રષ્ટિથી જોઈ રહી હોય. એમની આંખોમાં કંઈક એવું હતું જે
સમજાતું નહોતું, પણ ખૂંચતું હતું.
શામ્ભવી એમાંની એક-બે સ્ત્રીઓની નજીક ગઈ, પણ એ લોકોએ જાણે ભૂત જોયું હોય એમ ભાગી,
શામ્ભવીથી દૂર, ખૂણામાં ઊભી રહીને એ લોકો નવી નવાઈના કોઈ પ્રાણીને જોતી હોય એમ શામ્ભવીને
જોવા લાગી.
એવામાં એક સ્ત્રી અચાનક નજીક આવી, એણે શામ્ભવી સામે ઝીણી નજરે જોયું, ‘કુણ સે તું?’ એણે
પૂછ્યું.
‘તું કોણ છે?’ શામ્ભવીએ સામે પૂછ્યું.
‘મારું નામ સોમી છે.’ એક સ્ત્રી પોતાની કથા કહેવા માંડી, ‘હિંમતનગર પાસે ધનસુરા ગામ છે મારું. મેં
મારા ધણીને દાતરડાથી વાઢી નાખ્યો.’ શામ્ભવી પહોળી આંખે સાંભળી રહી, ‘બીજી વારનો હતો. મુઓ!
મારી છોકરી પર નજર બગાડતો હતો.’ સોમીને કોઈ અફસોસ નહોતો, ‘છોકરી પહેલા ઘરની હતી ને…’
એની બાજુમાં ઊભેલા સંત્રીએ જરા કડકાઈથી સોમીને દબડાવી, ‘પૂછ્યું તને? દોઢડાહી.’
‘તું ચૂપ રહે.’ સોમી જરા માથાભારે લાગી, ‘ચેટલા દાડા થ્યા?’ એણે શામ્ભવી તરફ ફરીને કહ્યું, ‘આ
લોકો મને વકીલ નહીં આલતા.’ શામ્ભવીએ સંત્રી તરફ જોયું. એની આંખોમાં પ્રશ્નાર્થ ચિહ્ન હતું. સંત્રી
થોથવાઈ ગયો. સોમીએ એને કહ્યું, ‘ચ્યમ લ્યા! આલ મડમને જવાબ.’ પછી એ શામ્ભવી તરફ ફરી, ‘મારો
ધણી છે ને…’ એણે તરત સુધાર્યું, ‘હતો ને, એ સરપંચનો ભત્રીજો થાય. તી આ લોકોએ મને પૂરી મેલી સે. કેસ
જ નહીં કાઢતા.’ સોમીની વાત શામ્ભવીને અડધી સમજાઈ ને અડધી નહીં. એણે શિવ તરફ જોયું.
શિવે એ વાતને ટ્રાન્સલેટ કરી, ‘એની ચાર્જશીટ બની જ નથી. કેસ બોર્ડ પર નથી આવતો…’
શામ્ભવીએ ફરીથી સંત્રી તરફ જોયું.
આ બધું સંત્રીની સમજ અને સત્તા બહાર હતું, એટલે એણે સોમી સામે ડોળા કાઢ્યા, ‘તું ચૂપ રહે
નહીંતર જેલર સાહેબને કહી દઈશ.’ હજી સંત્રીનું વાક્ય પૂરું થાય એ પહેલાં યુનિફોર્મ પહેરેલી એક મજબૂત
કાઠીની, ઊંચી અને ગોરી એક સ્ત્રી ગેટ ખોલીને ઝડપથી ચાલતી સ્ત્રીઓના જેલના મકાનની નજીક આવી
પહોંચી. એણે એના વાળ કચકચાવીને પાછળની તરફ બાંધ્યા હતા. એ વાળ આટલા ટાઈટ બાંધતી હશે, જેને
કારણે એનું કપાળ હશે એના કરતાં મોટું થઈ ગયું હતું. એની આંખોમાં સત્તાની ચમક અને ખંધાઈ હતી. કમર
પર પહેરેલા બેલ્ટની ખલેચીમાં રિવોલ્વર હતી અને હાથમાં પોલીસો રાખે એવી બે અડધી ફૂટની પાતળી
લાકડી. શામ્ભવીએ એના યુનિફોર્મ પર લગાવેલી નેમ પ્લેટ વાંચી, ‘સંગીતા ચૌધરી.’ એણે નજીક આવીને
શામ્ભવી સામે સ્મિત કર્યું, ‘જયહિંદ મેડમ.’ કહેતાં કહેતાં સંગીતાની આંખો પણ ઝીણી થઈ ગઈ. એ પણ
શામ્ભવી સામે જોઈને જાણે અવાચક્ થઈ ગઈ હોય એમ પહોળી આંખે શામ્ભવીની સામે જ જોતી રહી.
આવી રીતે કોઈની સામે જોઈ રહેવું એ બેઅદબી કહેવાય, એવી સમજણ હોવા છતાં આ આઈપીએસ
ઓફિસર એની નજર શામ્ભવીના ચહેરા પરથી હટાવી શકી નહીં, ‘તમે…’ એ આગળ બોલી શકી નહીં, પણ
એના ચહેરા પર દેખાતું આશ્ચર્ય અને આઘાત જોઈને શિવને વાતમાં કંઈક ઊંડું રહસ્ય છે એટલું જ સમજાયું.
‘આમનો કેસ કેમ નથી ચાલતો?’ શામ્ભવીએ એને જવાબ આપવાને બદલે સામે સવાલ કર્યો. શિવ
ગભરાયો. એને ખ્યાલ આવી ગયો હતો કે, આ સ્ત્રી સ્ત્રીઓની જેલની જેલર છે. શામ્ભવી આ તરફ આવી એ
સમાચાર ત્યાં પહોંચી જ ગયા હશે, માટે એ દોડતી અહીં પહોંચી હોવી જોઈએ, ‘હું તમને પૂછું છું…’
શામ્ભવીએ કહ્યું, પરંતુ જેલર તો જાણે શામ્ભવીને જોઈને અવાક્ થઈ ગઈ હતી. થોડીક ક્ષણો એમ જ પસાર
થઈ ગઈ, પછી શિવ અચાનક જ વચ્ચે કૂદી પડ્યો. એને લાગ્યું કે, વધુ પૂછપરછ કરવામાં ક્યાંક શામ્ભવી માટે
સમસ્યા ઊભી થઈ જશે, એટલે એણે વાત બદલી, ‘શેમ્બ! ઈટ ઈઝ નન ઓફ અવર બિઝનેસ. અહીં બધું
કાયદેસર જ થતું હોય. એની ચાર્જશીટ બનવામાં સમય લાગે ને…’
કોઈ સપનું તૂટ્યું હોય એમ, સંગીતાએ શિવ તરફ સહેજ આભારવશ નજરે જોયું, ‘યસ મેડમ! મર્ડર
વેપન, પોસ્ટમોર્ટમ, સાક્ષીઓ, પંચનામું, એવિડેન્સીસ, મોટિવ… બહુ બધું કરવું પડે. અમારું કામ નથી.’
કહીને એણે ઉમેર્યું, ‘અમારે તો આમને અહીં રાખવાના, બસ! એ બધું તો લોકલ પોલીસની જોબ છે.’
‘હંમમ.’ શામ્ભવીએ ડોકું ધૂણાવીને સોમી તરફ જોયું, ‘હું બાપુને કહીશ. એ કંઈક કરશે.’ થોડે દૂર
બેસીને કંઈ વાંચી રહેલી એક ચશ્મા પહેરેલી સોફેસ્ટિકેટેડ છોકરી તરફ શામ્ભવીની નજર ગઈ, ‘આ…’
‘આ… રાની ચતુર્વેદી છે. મું બધોંય ને ઓળખું.’ સોમીએ સંગીતાની પહેલાં જ જવાબ આપી દીધો,
‘બેન્કના ગોટાળામાં આવી સ. કરોડોનો ગફલો સ.’ સંગીતા આંખો પહોળી કરીને સોમીને રોકી રહી હતી,
પરંતુ સોમી તો બિલકુલ બેબાક, બેપરવાહ કહી રહી હતી, ‘એણે કોંઈ નહી કર્યું. બધું એના માથે ઓઢાડી, ન
મોટા સાહેબોએ પોતાનો રોટલો શેકી લીધો. આ બચાડી ઓંય સ…’ કહીને સોમીએ ઉમેર્યું, ‘ઘણું ય ભણેલી
સ. પોતાનો કેસ જાતે જ તૈયાર કર સ.’
સોમીના આ ભાષણથી સંગીતા અકળાઈ હતી, પણ એ રોકે તે પહેલાં શામ્ભવી સીધી રાની તરફ
આગળ વધી ગઈ, ‘હાય! આઈ એમ શામ્ભવી ચૌધરી.’ એણે હાથ લંબાવ્યો. પુસ્તક વાંચી રહેલી રાનીએ
પુસ્તકમાંથી આંખ ઊંચી સુધ્ધાં ન કરી, ‘મેં સાંભળ્યું, તમારા ઉપર ખોટો આરોપ છે.’ રાની જાણે કે પત્થરનું
પૂતળું હોય એમ સાંભળતી રહી. શામ્ભવીએ તોડીક ક્ષણો એની તરફ જોયા કર્યું. કાન પાસે અને કપાળની
નજીક વાળમાં આવી ગયેલી સફેદી, સતત ચશ્મા પહેરી રાખવાને કારણે આંખ નીચે આવેલા કુંડાળા. જેલનું
ભોજન એને અનુકૂળ નહીં જ આવ્યું હોય એટલે એનું વજન ઉતર્યું હશે, કદાચ! ગાલમાં પડી ગયેલા ખાડાને
કારણે એની ઉંમર થોડી વધારે લાગતી હતી જે હશે નહીં, એવું શામ્ભવી સમજી શકી. એણે ફરી કહ્યું, ‘મારા
પિતા એક્સ હોમ મિનિસ્ટર છે. તમારી કઈ મદદ કરી શકું?’
‘કીસ કીસ કી મદદ કરેંગે?’ રાનીએ ડોકું ફેરવ્યા વગર ફક્ત આંખોથી જ શામ્ભવી તરફ જોયું,
શામ્ભવી સામે જોતાં જ એની આંખો પહોળી થઈ ગઈ. એના ચહેરા પર ભયાનક આઘાત અને કોઈ
અપાર્થિવ, માની ન શકાય એવું દ્રશ્ય જોયું હોય એવા ભાવ હતા. એણે શામ્ભવીને પૂછ્યું, ‘તુમ?’
શામ્ભવીને નવાઈ લાગી, ‘ઓળખે છે તું મને?’ શામ્ભવીએ રાનીની આંખોમાં આવેલી ઓળખાણની
આછી ઝલક જોઈને પૂછ્યું, શામ્ભવી બેસી ગઈ. એ જોઈને સંગીતા અકળાઈ. રાની એવી રીતે હસી જાણે
એના એ હાસ્યમાં એ જગત આખાની મજાક ઊડાવતી હોય, ‘યે સારી ઔરતેં… જો તુમ્હેં દેખ રહી હૈં…’
રાનીએ બધા તરફ એક સરસરી નજર ઘૂમાવી, ‘સબ જાનતી હૈં તુમ્હેં.’ એણે કહ્યું. એની આંખોમાં એક આગ
હતી, શામ્ભવી જાણે દાઝી ગઈ, એ આગથી.
(ક્રમશઃ)