શામ્ભવી તરફ જોઈ રહેલી સ્ત્રીઓની જેલની બધી મહિલા કેદીઓની આંખોમાં કંઈક એવું હતું જે
શામ્ભવીને સમજાતું નહોતું, પરંતુ એ નજર એને વિચલિત કરી રહી હતી. કંઈ ન માની શકાય એવું દ્રશ્ય નજર
સામે આવી જાય અને માણસ પોતાની જ આંખો પર વિશ્વાસ ન કરી શકે એવો, વિચિત્ર ભાવ હતો એ બધી
આંખોમાં.
‘યે સારી ઔરતેં… જો તુમ્હેં દેખ રહી હૈં…’ રાનીએ બધા તરફ એક સરસરી નજર ઘૂમાવી, ‘સબ
જાનતી હૈં તુમ્હેં.’ રાનીએ કહ્યું. શામ્ભવીને કંઈ જ સમજાયું નહીં. એ રાનીની બાજુમાં બેઠી હતી, સંગીતા
અકળાયેલી હતી. કોઈપણ હિસાબે શામ્ભવીને અહીંથી બહાર કાઢવાનું કામ એને મુખ્ય જેલરે સોંપ્યું હતું,
પણ શામ્ભવી તો એવી રીતે ગોઠવાઈ હતી કે, કલાક-દોઢ કલાક વગર અહીંથી ઊઠશે નહીં એવું સંગીતાને
લાગવા માંડ્યું. સંગીતાની અકળામણ પણ કંઈક વિચિત્ર જ હતી. એ શામ્ભવીથી કોઈ રહસ્ય છુપાવતી હોય,
પકડાઈ જવાનો ભય હોય અથવા વહેલામાં વહેલી તકે અહીંથી શામ્ભવીને બહાર કેવી રીતે લઈ જવી એ
વિશે વિચારી રહી હોય એમ સંગીતાએ બેચેન થઈને શિવ સામે જોયું. શિવ જાણે સમજ્યો જ નથી એમ એણે
નજર ફેરવી લીધી. ખરેખર પૂછો તો એને મજા આવી રહી હતી. શામ્ભવી જે રીતે આ સ્ત્રીઓને મળી રહી
હતી, એનાથી શામ્ભવીની જીવન તરફની એક નવી જ બારી-નવી જ દિશા ઉઘડી રહી હતી, એ જોઈને
શિવને મનોમન આનંદ થતો હતો. પિતાની હથેળીમાં પગ મૂકીને મોટી થયેલી શામ્ભવીને તકલીફ, સમસ્યા,
ગરીબી, દુઃખ જેવી કોઈ બાબત સાથે ઓળખ જ નહોતી થઈ, અત્યારે એ સિધ્ધાર્થમાંથી ગૌતમ બુધ્ધ
બનવાના રસ્તે હતી એવું શિવને લાગતું હતું. આ સ્ત્રીઓને મળીને શામ્ભવીને જિંદગીની સચ્ચાઈ દેખાશે,
સમજાશે… જેમાંથી એક નવી જ શામ્ભવી પ્રગટી શકે એ વિચારે શિવ ખુશ હતો.
અત્યાર સુધી દૂર ઊભેલી સ્ત્રીઓ ધીમે ધીમે કુતૂહલથી અથવા શામ્ભવીને વધુ સરખી રીતે જોઈ શકાય
એવા આશયથી સહેજ સહેજ નજીક આવવા લાગી હતી. રાનીની બાજુમાં બેઠેલી શામ્ભવીએ હાથ લંબાવીને
રાનીના ઘૂંટણ ઉપર પોતાનો હાથ મૂક્યો, ‘મારે એ જ કરવું છે. તમારા જેવી સ્ત્રીઓની મદદ…’
રાની હસી પડી, ‘અચ્છા? તો દયા કી દેવી હૈં આપ? તરસ આતા હોગા ન, હમ પર?’ કહીને રાની
સ્વગત બબડી, ‘જો સચ્ચાઈ ખબર પડી જશે ને તો જાત પર દયા આવશે તને.’
‘શું બોલી તું?’ શામ્ભવીએ પૂછ્યું. રાની જવાબ આપે ત્યાં સુધીમાં સંગીતા આવી પહોંચી. એ
અદબવાળીને શામ્ભવીની બાજુમાં ઊભી રહી ગઈ. રાનીએ કહ્યું, ‘આ લોકો તમને મારી સાથે વાત પણ નહીં
કરવા દે. મદદ શું કરશો તમે?’ એની આંખોમાં એક તિરસ્કાર હતો, સાથે જ શામ્ભવી તરફ એ જે રીતે જોઈ
રહી હતી એ દ્રષ્ટિમાં થોડી સહાનુભૂતિ અને થોડીક પીડા પણ દેખાઈ, શિવને. એને આખી વાતમાં રસ પડ્યો.
રાનીના વ્યક્તિત્વમાં કંઈ રહસ્યમય હતું. એ જે બોલી રહી હતી અને જે રીતે વર્તી રહી હતી એ નોર્મલ
નહોતું. શિવ કંઈ પૂછે એ પહેલાં રાની ઊભી થઈ ગઈ. એણે કંઈક વિચાર્યું હોય એમ એ પોતાનું પુસ્તક લઈને
ત્યાંથી ચાલવા લાગી. શામ્ભવી એની પાછળ દોડી.
રાની જાણે ઈચ્છતી હોય કે શામ્ભવી એની પાછળ આવે એ રીતે જેલના મકાન તરફ જતાં જતાં એણે
શામ્ભવી તરફ પાછળ ફરીને જોયું. એની દ્રષ્ટિમાં કંઈક એવું હતું જેનાથી શામ્ભવી એની પાછળ ખેંચાઈ. રાની
જેલના નાનકડા બેઠા ઘાટમાં મકાનમાં દાખલ થઈ ગઈ. શામ્ભવી એની પાછળ પાછળ મકાનમાં દાખલ થતી
હતી કે એની નજર ઓસરીમાં ઊભેલી એક સ્ત્રી તરફ પડી…
‘રાની, મારી વાત સાંભળ.’ કહેતી શામ્ભવી રાનીની પાછળ પાછળ જેલના મકાનના પગથિયાં ચઢી.
રાનીએ એની વાત સાંભળ્યા વગર જ પોતાના પગલાંની ઝડપ વધારી દીધી. શામ્ભવી એની પાછળ લગભગ
દોડતી મકાનમાં દાખલ થઈ. શામ્ભવીનો અવાજ સાંભળીને ઓસરીમાં ઊભેલી એ સ્ત્રીએ પાછળ ફરીને
શામ્ભવી તરફ જોયું.
એના લાંબા વાળનો અંબોડો બે ખોબામાં સમાય એવડો હતો. એકવડિયો બાંધો અને ઊંધી ફરીને
ઊભેલી એ સ્ત્રી ઓસરીની જાળીમાંથી બહાર જોઈ રહી હતી, ‘રાની…’ શામ્ભવીએ ફરી બૂમ પાડી. એ
સ્ત્રીએ પાછળ ફરીને બૂમ પાડનાર વ્યક્તિ તરફ જોયું! આ એક એવી ક્ષણ હતી જ્યારે પૃથ્વી પોતાની ધરી પર
ફરતી અટકી ગઈ. આકાશમાં તારા, ચંદ્ર, સૂર્ય, ગ્રહો, નક્ષત્રો સ્થિર થઈ ગયાં. હવા વહેતી અટકી ગઈ…
શામ્ભવીને લાગ્યું કે, પોતે બેહોશ થઈ જશે.
રાની ત્યાં જ અટકી ગઈ. શામ્ભવીને જેલના મકાનની આ ઓસરી સુધી લઈ આવવાનો એનો ઈરાદો
પૂરો થઈ ગયો હોય એમ એ અદબવાળીને ત્યાં ઊભી રહી ગઈ. પેલી સ્ત્રી અને શામ્ભવી એકમેકની સામે
ઊભાં હતાં. રાની આ દ્રશ્યને એવી રીતે જોઈ રહી હતી જાણે એ જે કરવા ઈચ્છતી હતી એ કામ પૂરું થઈ ગયું
હોય!
એ સ્ત્રીએ જેલના કેદી જેવાં કપડાં નહોતા પહેર્યાં. આછા ભૂરા રંગની સુતરાઉ સાડી અને કોણી
સુધીના બ્લાઉઝ પહેરીને એ ઊંધી ઊભી હતી. એના વાળ ખૂબ લાંબા હશે એવું એને અંબોડાની સાઈઝ
પરથી સમજાતું હતું. લગભગ બધા વાળ સફેદ થઈ ગયા હતા, તેમ છતાં એના એકવડિયા બાંધામાં કોઈ
અજબ જેવી પલ્લવી, નજાકત હતી. એ સુખી અને સંપન્ન ઘરની હશે એવું એની પીઠ અને હાથની ત્વચા
પરથી સમજાતું હતું. જાળીમાંથી પાછળની તરફથી આવતા પ્રકાશને કારણે એના આખા શરીરની આજુબાજુ
તેજની એક રેખાનો વલય ઊભો થયો હતો. આખી દુનિયા સાથે કોઈ નિસ્બત ન હોય એવી રીતે એ સ્ત્રી
ચૂપચાપ પોતાના બંને હાથે ઓસરીની જાળીના સળિયા પકડીને બહારની દુનિયાને જોઈ રહેલી એ સ્ત્રી
જ્યારે શામ્ભવી તરફ ફરી ત્યારે શામ્ભવી માટે આ ક્ષણ એવી હતી જાણે હાઈ વોલ્ટેજ વિજળીના ખુલ્લા
તારને એણે પોતાના હાથમાં પકડી લીધો હોય… વાતાવરણ એટલું સ્ફોટક થઈ ગયું કે, બાકસમાંથી દિવાસળી
કાઢીને ઘસ્યા વગર પણ સળગી ઊઠે!
શામ્ભવીની પાછળ પાછળ આવી પહોંચેલો શિવ પણ સામસામે ઊભેલાં આ બે જણાંને જોઈને
ડઘાઈ ગયો. શિવની પાછળ દોડતી આવેલી સંગીતાને લાગ્યું કે, જે ક્ષણને એ રોકવા મથી રહી હતી એ ક્ષણ
એના હાથમાંથી સરી ગઈ. એ એટલી ઉશ્કેરાઈ ગઈ કે, એણે જોરથી બૂમ પાડી, ‘શું ચાલે છે અહીંયા?’ એના
આ સવાલનો કોઈ મતબલ નહોતો એ વાત એને પોતાને પણ સમજાઈ ગઈ. હાથમાંની લાકડી હલાવીને એણે
પોતાની પાછળ પાછળ આવી પહોંચેલા સ્ત્રીઓના ટોળાંને વિખેરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જાળીની નજીક
ઊભેલી એ સ્ત્રી અને શામ્ભવીને સામસામે ઊભેલાં જોઈને એ બધી જ સ્ત્રીઓ સંગીતાને ગણકાર્યા વગર
જેલના મકાનની એ ઓસરીમાં ટોળું વળીને ઊભી રહી ગઈ.
એક આખું ટોળું, એની વચ્ચે ઊભેલાં આ બે જણાં… એમની એક તરફ ઊભેલો શિવ અને બીજી તરફ
ઊભેલી સંગીતા… કોઈ સિનેમાનું દ્રશ્ય હોય એમ બધા સ્થિર સ્તબ્ધ થઈ ગયા હતા.
શામ્ભવીની સામે ઊભેલી એ સ્ત્રીનો ચહેરો આબેહૂબ શામ્ભવી જેવો હતો. જાણે થોડી જ ક્ષણોમાં
શામ્ભવીની ઉંમર બે-અઢી દાયકા વધી ગઈ હોય એમ એ સ્ત્રી શામ્ભવીના ભવિષ્યની પ્રતિકૃતિ જેવી લાગતી
હતી. ભૂરી સાડી પહેરેલી એ સ્ત્રીની સામે ઊભેલી શામ્ભવી જાણે એ જ સ્ત્રીનો ભૂતકાળ હોય એમ યુવાન,
સુંદર અને તેજસ્વી દેખાતી હતી. એક જ તસવીરની બે કોપી જેવા આ બે ચહેરા વચ્ચે સમયે આંકેલી રેખાઓ
સિવાય કોઈ જ ફેરફાર કે ભેદ નહોતો. બાકીના લોકો એમને જોઈ રહ્યા હતા અને એ બંને જણાં એકબીજાને
એવી રીતે જોઈ રહ્યાં હતાં, જાણે અરીસામાં જોઈ રહ્યાં હોય!
શિવ માટે આ દ્રશ્ય કોઈ સ્વપ્નથી ઓછું નહોતું. જ્યારે સંગીતા માટે આ દ્રશ્ય એની હાર, એની
મોટામાં મોટી ભૂલ જેવું હતું. આ બે જણાં એકમેકની સામે આવી ગયાં, એની સજા સંગીતા માટે શું હશે એની
કલ્પના પણ એને ધ્રૂજાવી ગઈ. શું કરવું એ એને સમજાયું નહીં. ખાસ્સી ક્ષણો એ જ સ્તબ્ધતા અને આઘાતમાં
વિતી ગયા પછી ધીમેથી શામ્ભવીએ કહ્યું, ‘તમે…’ એણે તરત જ સુધાર્યું, ‘તું… મા?’ આટલું સાંભળતાં જ એ
સ્ત્રી જાણે ઝબકીને જાગી હોય એમ ત્યાંથી ભાગી. સ્ત્રીઓના ટોળાંને ચીરતી, બંને હાથે સહુને ધકેલતી એ
સ્ત્રી ત્યાંથી સડસડાટ દોડી ગઈ. શામ્ભવી હજુ ભાનમાં આવે, જે કંઈ થયું એ પછી પોતાની જાતને સંભાળે,
પરિસ્થિતિને સમજે એ પહેલાં તો એ સ્ત્રી ત્યાંથી ગૂમ થઈ ગઈ હતી!
શામ્ભવીએ પણ પાછળ ફરીને એનો પીછો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ફરી પાછળ એકત્ર થઈ ગયેલી
સ્ત્રીઓના ટોળાંમાં શામ્ભવી ઘેરાઈ ગઈ. સંગીતા પણ હવે ભાનમાં આવી ગઈ હતી. એણે સૌને વિખેરી
નાખ્યા, ‘ચલો હટો! નીકળો અહીંથી… સરકસ ચાલે છે? અહીં શું જોવાનું છે?’ જેવી બૂમો પાડતાં એણે
લાકડી વિંઝવા માંડી. એક-બે સ્ત્રીઓને લાકડી વાગી. બાકીની એમને એમ ખસી ગઈ.
શિવ તરફ જોઈને શામ્ભવીએ કહ્યું, ‘મા… એ…’ પેલી સ્ત્રી ભાગી ગઈ એ તરફ આંગળી ચીંધતી
શામ્ભવી હતપ્રભ હતી. પૂરું બોલી શકતી નહોતી. એણે જે જોયું તે સત્ય હતું કે નહીં એ વિશે પણ જાણે
એના મનમાં હજી અવઢવ હતો. એણે ફરી કહ્યું, ‘ત્યાં…’ શિવ એની નજીક આવ્યો. એણે શામ્ભવીના ખભે
હાથ મૂક્યો. શિવના શર્ટનો કોલર બંને હાથે પકડીને શામ્ભવીએ એનું માથું શિવની છાતી પર મૂકી દીધું. ડરી
ગયેલું કોઈ નાનકડું બાળક ખરાબ સપનું જોયા પછી તકિયામાં પોતાનું માથું છુપાવે એમ શામ્ભવી શિવની
છાતીમાં પોતાનો ચહેરો ખોસી દેવા પ્રયત્ન કરી રહી હતી… ડઘાયેલો, આખીય પરિસ્થિતિને સમજી નહીં
શકેલો શિવ પણ એને સધિયારો આપવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. એણે મહામહેનતે શામ્ભવીને
પોતાનાથી સહેજ દૂર કરી, સીધી ઊભી રાખવાનો પ્રયાસ કર્યો. પગમાંથી જાણે બધી જ તાકાત જતી રહી
હોય એમ શામ્ભવી ત્યાં જ ઢગલો થઈને બેસી પડી. એ એટલી બધી ડઘાઈ ગઈ હતી કે, ડૂમો ગળા સુધી
આવી ગયો હોવા છતાં રડી શકતી નહોતી… એને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. સંગીતા એની આ
હાલત જોઈને સહેજ ગભરાઈ ગઈ, ‘મેડમ, અહીંથી ચલો.’ સંગીતાએ માંડ માંડ હિંમત એકઠી કરીને કહ્યું.
‘પેલી…’ શિવ હવે થોડો સભાન થયો હતો, ‘પેલા બેન કોણ હતા?’
‘કોણ?’ હવે સંગીતાએ પણ પોતાની જાતને સંભાળી લીધી હતી.
‘જે અહીંથી ગયાં તે…’ શિવે હતી એટલી તાકાત એકઠી કરીને કહ્યું, ‘એ શામ્ભવીના મા… મધર…’
‘સાહેબ!’ સંગીતા હવે ફરી પાછી જેલરના રોલમાં આવી ગઈ હતી, ‘આ તો… કેદી છે. ખૂનના
આરોપમાં જનમટીપ…’
‘ખૂન?’ શિવને કોઈએ તમાચો માર્યો હોય એમ એના કાનમાં તમરાં બોલી ગયા. શામ્ભવીમાં તો જાણે
જીવ જ ન હોય એમ એ ઢગલો થઈને જમીન પર બેસી રહી હતી. શિવે નીચા નમીને એનો હાથ પકડ્યો.
લગભગ ખેંચીને એને ઊભી કરી. શામ્ભવીએ પોતાનો એક હાથ શિવના ખભા પર નાખી દીધો અને લથડતી
ચાલે શિવ એને દોરીને લઈ જતો હતો એ તરફ ચાલવા લાગી.
અત્યાર સુધીમાં જે કંઈ બન્યું એના સમાચાર સોલંકી સુધી પહોંચી ગયા હતા. શિવ અને શામ્ભવીની
સાથે સંગીતા સ્ત્રીઓની જેલના ગેટ સુધી પહોંચે એ પહેલાં ટોપી સંભાળતા બે સંત્રી અને જેલર સોલંકી ત્યાં
આવી પહોંચ્યા. સોલંકીની આંખોમાં સંગીતાને પોતાની બદલી કે સસ્પેન્શનનો ઓર્ડર વંચાયો. એને આખા
શરીરે પરસેવો ફૂટી નીકળ્યો, ‘સર!’ એણે સેલ્યુટ કરી.
‘એમને ત્યાં કોણ લઈ ગયું?’ સોલંકીના અવાજમાં એક છૂપી ધમકી હતી.
‘સર… એ એમની મેળે…’ સંગીતાને જવાબ સૂઝ્યો નહીં.
‘તમે ક્યાં હતાં?’ સોલંકીને પૂછડે અત્યારે આગ લાગી હતી, એ હવે લંકા બાળવા નીકળ્યો હતો, ‘તમને
ખબર છે આ કોણ છે?’ એણે કહ્યું. એ જે રીતે સંગીતાને જોઈ રહ્યો હતો એ નજરમાંથી હજારો ચાબૂક
સંગીતા ઉપર વિંઝાઈ રહી હતી, ‘કમલનાથ ચૌધરીના દીકરી છે આ.’ સોલંકીના આ વાક્યએ સંગીતાના રૂંવાડા
ઊભાં કરી નાખ્યાં. એ નીચું જોઈને, અદબવાળીને ઊભી હતી. જે બની ગયું એ બદલી શકાય એમ નહોતું,
અને જે બનવાનું હતું એની કલ્પના માત્રથી સંગીતા અને સોલંકી ધ્રૂજી ઊઠ્યાં હતાં.
*
અનંત સોમચંદે પોતાનું આખું વોકઈન વોર્ડરોબ ફેંદી નાખ્યું હતું. એના બે ફેવરિટ ડિઝાઈનરના
માણસો એક એક વ્હિલર સ્ટેન્ડ લઈને એની આજુબાજુ ઊભા હતા. અનંત ડેસ્પરેટ હતો. એના આખા
વોર્ડરોબમાંથી એક પણ બ્લેઝર એને ગમતું નહોતું. અર્માની, વર્સાચે, બોસ, લૂઈ વિત્તોં સહિત સબિયાસાચી,
અબુજાની જેવા વિશ્વભરના અને ભારતીય ડિઝાઈનર્સના કપડાં ચારેતરફ વિખરાયેલા પડ્યા હતા. એવું શું
હોય જે પહેરીને પોતે શામ્ભવીની સામે ઊભો રહે અને એ જ ક્ષણે શામ્ભવી પોતાનાથી અભિભૂત થઈ જાય,
એ વિચાર અનંતને બેચેન કરી રહ્યો હતો. શામ્ભવીને શું ગમતું હશે? કયો રંગ? ઈન્ડિયન કે વેસ્ટર્ન? ઈન્ડો
વેસ્ટર્ન કે સ્માર્ટ કેઝ્યુઅલ… અનંતના મનમાં શામ્ભવીને ઈમ્પ્રેસ કરવા માટેના સવાલો કોઈ દરિયાના મોજાંની
જેમ ઊઠતા હતા અને કાંઠા સુધી આવીને વિખરાઈ જતા હતા…
અંતે એણે કંટાળીને પોતાના સેલફોન ઉપરથી એની મમ્મીને ફોન લગાવ્યો.
‘યસ, માય બેબી!’ સામેથી એકદમ એક્સેન્ટમાં બોલાતા અંગ્રેજી સાથે એક હસ્કી અવાજ સંભળાયો,
‘શું પહેરવું એ પ્રોબ્લેમ છે, રાઈટ?’ એ સ્ત્રીના અવાજમાં સહેજ મજાક હતી, પણ એના વહાલા દીકરા માટેની
મમતા છલકાતી હતી. એ પલ્લવી સોમચંદ હતી. ઈન્ડિયાની લિડિંગ કોસ્મેટિક અને હર્બલ સ્કિન કેર પ્રોડક્ટ
લાઈનની માલિક. વિશ્વના અનેક આંતરપ્રેન્યોર એવોર્ડ્ઝ જીતી ચૂકી હતી. એક સફળ અને પ્રસિધ્ધ સ્ત્રી હતી
એ. અનંત એકદમ એની મમ્મી જેવો દેખાતો હતો, સ્વભાવે પણ એની મા જેવો હતો. સાહસિક અને સફળ
થવાની જીદ સાથે જ કોઈપણ કામની શરૂઆત કરતો. આજે પણ એ શામ્ભવીને જીતવા નીકળવાનો હતો
અને જીત્યા વગર પાછા ફરવાનું એને પોષાય તેમ નહોતું. આ વાત એની મા સમજતી હતી, કદાચ એને એના
દીકરાના ફોનની પ્રતીક્ષા હતી.
‘યસ, મોમ.’ અનંતે જરા કંટાળા સાથે કહ્યું, ‘શું પહેરું? હું ઈચ્છું છું કે એ મને જોતાંની સાથે ફ્લેટ થઈ
જાય. બસ, જોતી જ રહી જાય, મને…’
‘રૉ સિલ્કનો કુર્તો અને અલીગઢી પાયજામો પહેર. નીચે કોલ્હાપુરી ચપ્પલ.’ પલ્લવીએ કહ્યું, ‘ક્લાસિ,
કેઝ્યુઅલ એન્ડ કેર ફ્રી…’ એ હસી, ‘એ તારા કપડાંથી નહીં, પર્સનાલિટીથી ઈમ્પ્રેસ થશે.’
‘મોમ! આઈ લવ હર…’ પલ્લવીને કહેતાં કહેતાં અનંતના ગાલ અને કાનની બૂટ લાલ થઈ ગઈ, ‘હું
ઈચ્છું છું કે… આઈ વિશ…’ એ પોતાની વાત કહી ન શક્યો, પણ માનું મન દીકરાની વાત સમજી ગયું.
‘તું અનંત સોમચંદ છે.’ પલ્લવીના અવાજમાં સહેજ ગૌરવ અને હળવો અહંકાર ગૂંજ્યો, ‘એણે એના
નસીબનો આભાર માનવો જોઈએ કે, એ તને ગમે છે.’ પલ્લવીએ કહ્યું, ‘જરા પણ ઈમ્પ્રેસ કરવાની ટ્રાય નહીં
કરતો, બલ્કે એવું દેખાડજે કે, તને બહુ રસ નથી.’ અનંત ચૂપ રહ્યો એટલે પલ્લવીને સમજાયું કે, દીકરાને
પોતાની વાત ગમી નથી. એણે અનુભવસિધ્ધ સલાહ આપી, ‘બહુ ભાવ આપીશ તો તને પાછળ પાછળ
ફેરવશે. પડતી મૂકીશ તો એ પાછળ ફરશે.’ પલ્લવી સહેજ હસી, ‘શેર માર્કેટ અને લવ માર્કેટનો નિયમ સેમ છે,
મંદીમાં ખરીદવાના ને તેજીમાં વેચવાના!’ અનંત કંઈ બોલે એ પહેલાં એણે દીકરાને સધિયારો આપ્યો, ‘આજે
એન્ગેજમેન્ટની તારીખ નક્કી કરીને જ ઊભા થઈશું.’
‘પ્રોમિસ?’ અનંત માટે આજનો દિવસ એના જીવનનો સૌથી મહત્વનો દિવસ હતો.
‘પ્રોમિસ.’ પલ્લવીએ કહ્યું, ‘તૈયાર થઈ જા. આપણે મોડા નથી પડવું…’ એણે ફોન ડિસકનેક્ટ કર્યો.
અનંત સોમચંદ એના ઈન્ડિયન અટાયરના વોર્ડરોબ તરફ આગળ વધી ગયો.
(ક્રમશઃ)