જેલર સોલંકીની ઓફિસમાં બેઠેલી શામ્ભવી લગભગ બેહોશ જેવી હતી. એનું શરીર તો ત્યાં હતું,
પણ મગજ હજારો કિલોમીટરની ગતિએ આમથી તેમ દોડી રહ્યું હતું. સોલંકી ધૂંઆપૂંઆ હતો. સંગીતા ધ્રૂજતી,
ડરેલી પોતાના બંને હાથ પાછળ બાંધીને સોલંકીના ટેબલની સામે ઊભી હતી. શિવ સોલંકીની સામે ખુરશી
ઉપર બેઠો હતો, અને એણે પૂછેલા સવાલોના જવાબની રાહ જોઈ રહ્યો હતો.
‘અમે જેમને જોયા એ સો ટકા કમલનાથ ચૌધરીના પત્ની રાધાબેન હતા…’ શિવ કહી રહ્યો હતો,
‘બધા માને છે કે એ હવે આ દુનિયામાં નથી, તો અહીંયા કેમ છે? અમને જોઈને એ ભાગ્યાં કેમ?’
સોલંકી એકદમ ખંધો અને જમાનાનો ખાધેલ માણસ હતો. એને સમજાઈ ગયું હતું કે, પરિસ્થિતિ
એના હાથમાંથી નીકળી ચૂકી છે, પણ ‘ભાગતા ભૂતની ચોટલી ભલી.’ એ ન્યાયે એણે બચી-કૂચી પરિસ્થિતિને
સંભાળી લેવાનો પ્રયત્ન શરૂ કર્યો, ‘તમને ગેરસમજ થાય છે સાહેબ. ચૌધરી સાહેબના વાઈફ અહીંયા કેવી રીતે
હોય?’ એ ખોટું ખોટું હસવા લાગ્યો, ‘તમને ભ્રમ થયો હશે.’ શિવ એની સામે અપલક નજરે જોઈ રહ્યો હતો,
સોલંકી શિવની આ તીખી નજરથી થોડો વિચલિત થઈ ગયો, ‘દુનિયામાં એકસરખા ચહેરાવાળા સાત માણસ
હોય, સાંભળ્યું જ હશે તમે…’
‘હોઈ શકે.’ શિવે કહ્યું, ‘ભ્રમ હોય તો પણ અમારે એકવાર એમને મળવું છે. એમને હમણાં અહીંયા
બોલાવો.’
‘તમે મને હુકમ કરો છો?’ સોલંકીએ રંગ બદલ્યો, ‘ખોટા નામે કાર્ડ બનાવીને જેલમાં ઘૂસવાના ફ્રોડ
હેઠળ આ જ જેલમાં આવવું પડશે.’ એ હસવા લાગ્યો, ‘જુઓ, જે થયું એને ભૂલી જાઓ. અહીંયા એવી કોઈ
વ્યક્તિને તમે મળ્યા જ નથી…’ પછી જરાક ગંભીર થઈને એણે કહ્યું, ‘વાતને સમજો. બધું ગૂંચવાઈ ગયું છે.’
‘ગૂંચવાડાનો છેડો તો ગોતવો પડશે ને?’ શિવે કહ્યું. એના અવાજમાં ચેતવણી હતી કે ધમકી, સોલંકી
એ સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
‘છેડા ગોતવા જશો તો બહુ લાંબા દોરા લપેટવા પડશે. કેટલાક ગૂંચવાડાને ઉકેલવાને બદલે એનું પીલ્લું
વાળી દેવામાં સહુની ભલાઈ હોય છે.’ સોલંકીએ શિવને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ધમકી હતી એ સમજવા
માટે શિવ એની આંખોમાં જોતો રહ્યો, ‘જુઓ ભાઈ!’ સોલંકીએ હથિયાર નાખી દીધા, ‘તમે અહીંથી જાઓ.
મેડમને લઈ જાઓ…’ એણે હાથ જોડ્યા, ‘સાહેબે જાતે કહ્યું હતું એટલે મેડમને અંદર આવવા દીધા.’
‘સાહેબે?’ શિવને આશ્ચર્ય થયું.
‘અરે હા ભાઈ હા!’ સોલંકી કંટાળ્યો હતો, જે કંઈ થયું એનો જવાબ આપવો પડશે એ વાતે થોડો ડરેલો
પણ હતો, ‘ચૌધરી સાહેબે જાતે ફોન કરીને કહ્યું હતું કે, મેડમ આવશે. એમને જેલ બતાવવાની…’
‘એમને ખબર હતી?’ શિવ વધુ ગૂંચવાયો.
‘હાસ્તો!’ સોલંકીના અવાજમાં અહોભાવ હતો, ‘સાહેબની નજરથી કંઈ બચી શકે? મેડમ ગમે એટલા
હોશિયાર હોય પણ સાહેબ એમના બાપ છે…’ સોલંકીએ જરા સુધાર્યું, ‘આઈ મીન ફાધર છે.’
આટલું સાંભળ્યા પછી શિવ અને શામ્ભવી માટે ખાસ કંઈ વાત કરવાની રહેતી નહોતી. જોકે,
શામ્ભવી હજી સવાલો પૂછવા માગતી હતી, પરંતુ શિવે એને આંખોથી જ સમજાવીને ઊભી કરી. એ
ઉશ્કેરાયેલી હતી, મૂંઝવણમાં હતી, એનું મગજ બેર મારી ગયું હતું અને સેંકડો સવાલો એને વીંછીની જેમ ડંખ
મારી રહ્યા હતા.
શામ્ભવીને ઘર સુધી પહોંચાડતા શિવને પગે પાણી ઉતર્યા. ડઘાઈ ગયેલી શામ્ભવી રહી રહીને સવાલ
પૂછતી હતી, ‘એ મા હતી ને? મા ત્યાં કેમ હતી? મને આજ સુધી બાપુએ કહ્યું કેમ નહીં?’ શિવ એને
સમજાવતો રહ્યો, મનાવતો રહ્યો, પટાવતો રહ્યો… કોઈ નાના બાળકની જેમ એને માંડ માંડ ઘર સુધી લઈ
આવ્યો.
એ લોકો ઘરે પહોંચ્યા ત્યારે મોહિની ઘરમાં જ હતી. શિવ અને રાધા પ્રવેશ્યા કે તરત મોહિનીએ
પૂછ્યું, ‘ક્યાં હતી તું? આજે સોમચંદઝ્ ડીનર પર આવવાના છે. મેં પાર્લરવાળી છોકરીને ઘરે બોલાવી છે.
જરા હેર કરાવ, નેઈલ કરાવ…’ આ બધું કહેતાં કહેતાં જ્યારે એની નજર શામ્ભવીના ચહેરા પર પડી ત્યારે
એને સમજાયું કે એ જે કંઈ બોલી રહી હતી એમાંનું કશું જ જાણે શામ્ભવીના કાને પડતું જ નહોતું.
અન્યમનસ્ક જેવી શામ્ભવી લથડતી ચાલે શિવના ખભે હાથ મૂકીને પરાણે પગથિયાં ચઢીને પોતાના રૂમ તરફ
જઈ રહી હતી એ જોઈને મોહિનીએ પૂછ્યું, ‘શું થયું?’ શિવને જવાબ આપવાની જરૂરિયાત ન લાગી.
શામ્ભવીને એના રૂમમાં પહોંચાડીને શિવે એને પલંગ પર બેસાડી. મૉવ રંગની દિવાલો પર લટકતા
શામ્ભવીના હસતા ખુશખુશાલ ચહેરાની સામે જાણે અત્યારની, આ શામ્ભવી કોઈ જુદી જ વ્યક્તિ લાગતી
હતી. શિવે એને પાણી પીવડાવ્યું. પલંગમાં સૂવડાવીને એના શરીર પર એનું લીસું સૂવાળું ઓઢવાનું ઓઢાડ્યું.
શામ્ભવી કોઈ ચાવી દીધેલા પૂતળાની જેમ સૂઈ ગઈ. શિવ જવા લાગ્યો, ત્યારે શામ્ભવીએ એનો હાથ પકડી
લીધો, ‘ડોન્ટ ગો.’ શામ્ભવીના અવાજમાં આજીજી હતી. કાયમ હુકમ કરતી, દાદાગીરી કરતી શામ્ભવી કોઈ
ડરી ગયેલા નાનકડા બાળકની જેમ કહી રહી હતી, ‘મને એકલી મૂકીને નહીં જા.’
‘શેમ્બ! તું રેસ્ટ કર. તારા ઘરમાં સાંજે મહેમાન છે.’ શિવે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘બાપુએ
ખાસ આમંત્રણ આપ્યું છે. સાંજ સુધીમાં તારે નોર્મલ થઈ જવું જોઈએ.’ પોતે કહી રહ્યો હતો તેમ છતાં શિવ
સમજતો હતો કે, શામ્ભવીએ જે જોયું એને માટે નોર્મલ થવું અસંભવ જ હોય.
‘નોર્મલ?’ શિવનો હાથ પકડીને શામ્ભવીએ એને નજીક ખેંચ્યો. શિવ સૂતેલી શામ્ભવીની બાજુમાં
લગભગ પછડાયો, ‘મેં મારી મરેલી માને જીવતી જોઈ છે. હું નોર્મલ થઈ જાઉ? એ જેલમાં છે… કેમ છે? મને
કેમ એવું કહ્યું છે કે, એ મરી ગઈ છે? મારે બધું જ જાણવું છે શિવ. મારે બાપુને પૂછવું છે.’ શિવ એના હાથમાં
પકડાયેલા પોતાના હાથને છોડાવવાનો પ્રયત્ન કર્યા વગર પોતાના બીજા હાથથી શામ્ભવીનો હાથ પસવારતો
રહ્યો, ‘હું કેવી રીતે નોર્મલ થઈ જાઉ? સાંજે એ લોકો સાથે હસી હસીને વાત કરું? મને આટલા વર્ષ છેતરી
છે… મારી મા હોવા છતાં હું મા વગર ઉછરી… એને મિસ કરતી રહી… તું કહે છે હું નોર્મલ થઈ જાઉ?’
‘શશશ…’ શિવે એને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યો, ‘ધીમે બોલ. મોહિની છે નીચે.’ શિવને હવે સમજાયું કે,
શામ્ભવીને જો નહીં સંભાળે તો સાંજના પરિસ્થિતિ મુશ્કેલ થઈ જશે, ‘તું ચોક્કસ બાપુને પૂછજે. આપણે પણ
તપાસ કરીશું. હું હેલ્પ કરીશ તારી, પણ આજનો દિવસ સંભાળી લે.’ એણે શામ્ભવીના બંને ખભા ઉપર
પોતાના બંને હાથ મૂક્યા, ‘જો શેમ્બ! જે વાત આટલા વર્ષ છુપાવી છે એ વાત એકદમ તો કોઈ નહીં સ્વીકારે.’
શામ્ભવી થોડું થોડું સમજવા લાગી, ‘એ ખરેખર રાધા આન્ટી છે કે નહીં એ પણ આપણે તપાસ કરવી પડશે.’
‘છે જ!’ શામ્ભવી બેઠી થઈ ગઈ, ‘એ મા જ હતી. મને ખાતરી છે…’
‘શશશ…’ શિવે ફરીથી એને શાંત રહેવાનો ઈશારો કર્યો, ‘ઓકે! ચલ છે, તો પણ આજે સાંજે
મહેમાનોની હાજરીમાં કોઈપણ સીન ક્રિએટ કર્યા વગર તારે તારી જાતને સંભાળી લેવી પડશે. આ વાતની પૂરી
તપાસ કર્યા વગર જો તું બાપુને પૂછીશ તો પણ તને યોગ્ય જવાબ નહીં મળે એટલું તું સમજે છે ને?’
શામ્ભવીએ એક કહ્યાગરા બાળકની જેમ ડોકું ધૂણાવ્યું. એ સાંભળી રહી છે, સમજી રહી છે, એટલી ખાતરી
થયા પછી શિવે આગળ કહ્યું, ‘આ વાત બાપુ જાણે છે કે નહીં એ પણ પહેલાં સમજવું પડશે.’ શામ્ભવીની
આંખો ચમકી, ‘શક્ય છે બાપુને પણ આ વાતની ખબર ન હોય.’ શિવ કહેતો રહ્યો, ‘કોઈ કારણસર, કોઈકે
એમને ફસાવ્યા હોય, તારા પિતા સાથે દગો કર્યો હોય…’ શામ્ભવીની આંખોમાં ધીમે ધીમે સમજણ અને
સભાનતાની ચમક વધવા લાગી, ‘કોઈ એવું, જે તમારા પરિવારનું દુશ્મન હોય, એક કે એકથી વધારે લોકો…’
શિવ જે વિચારી રહ્યો હતો એ જ બોલી રહ્યો હતો, ‘પરિવારમાંથી જ કોઈક હોઈ શકે, અથવા એમના કોઈ
રાજકીય દુશ્મન, બિઝનેસ રાઈવલરી…’ એણે શામ્ભવીના ખભે ફરી હાથ મૂક્યો, ‘તું સમજે છે? અત્યારે એ
વિશે વાત કરવાને બદલે પહેલાં પરિસ્થિતિ અને વાતને પૂરેપૂરી સમજ. એકવાર રાધા આન્ટીને મળ, એ ત્યાં શું
કામ છે? તને જોઈને ભાગ્યાં કેમ? સોલંકી આ વાતને કેમ છુપાવે છે? આ બધા સવાલોના જવાબ મળશે…’
શિવે ધીમેથી કહ્યું, ‘ફક્ત રાધા આન્ટી પાસેથી.’
‘તું મને ફરીથી લઈ જઈશ?’ શામ્ભવીએ પૂછ્યું.
‘આપણને કોઈ ઘૂસવા નહીં દે.’ શિવે સચ્ચાઈ એની સામે મૂકી દીધી, ‘આપણે પ્રયત્ન કરવો પડશે…
કોઈક રીતે રાધા આન્ટી સુધી પહોંચવું પડશે, તો જ આપણને આપણા સવાલોના જવાબો મળશે.’ શામ્ભવી
એની સામે જોઈ રહી. આટલું બધું થયા પછી અત્યારે, આ ક્ષણે પહેલીવાર એની આંખોમાં પાણી આવ્યાં, ‘રડ
નહીં.’ શિવે કહ્યું, ‘હવે તો હિંમતથી આ પરિસ્થિતિને ચીરીને બહાર નીકળવું પડશે. કંઈ કેટલાય રહસ્યો
ઊઘડશે. એવા કેટલાય લોકોના મોહરાં ઉતરશે… તારે બધા માટે તૈયાર રહેવું પડશે, શેમ્બ!’ શામ્ભવી બંને હાથ
ખોલીને શિવને ભેટી પડી. એના એ મૂક આલિંગનમાં એની અસહાયતા હતી. અકળામણ અને અજંપો હતાં.
શિવ એની પીઠ પર સહેલાવતો રહ્યો.
‘શું ચાલે છે?’ મોહિનીનો અવાજ સાંભળીને બંને જણાં ચોંક્યા. શામ્ભવી સહેજ દૂર થઈ, ‘સાંજે તને
જોવા આવવાના છે ને અત્યારે તું આની સાથે…’
‘મોહિની! તું ચૂપ રહીશ?’ શામ્ભવીએ છણકો કર્યો, ‘નૉક કર્યા વગર મારા રૂમમાં નહીં આવવાનું એવી
તો નોકરોને પણ ખબર છે.’
‘એક તો હું નોકર નથી.’ મોહિની પણ ઓછી નહોતી, ‘અને બીજું… એક અજાણ્યા છોકરા સાથે
જુવાન છોકરી અડધો કલાક સુધી રૂમના બારણા બંધ કરીને બેસી રહે તો અંદર શું ચાલે છે એ જોવાની આ
ઘરના વડીલ તરીકે મારી ફરજ છે. કાલે ઊઠીને મોટાજી મને પૂછે…’
‘નહીં પૂછે.’ શામ્ભવીએ તોછડાઈથી મોહિનીની વાત કાપી, ‘બાપુ મને સીધું જ પૂછશે.’ કહીને એણે
ઉમેર્યું, ‘જો પૂછવા જેવું લાગશે તો. શિવ બાળપણથી મારા રૂમમાં આવે છે.’
‘હા, ત્યારે બાળક હતા…’ મોહિનીએ ચોપડાવાની તક છોડી નહીં, ‘હવે નથી.’ શામ્ભવી સામે કંઈ
સંભળાવે એ પહેલાં મોહિનીએ શિવને કહ્યું, ‘તું સમજાવ એને. અનંત સોમચંદ અને એના મા-બાપ આવવાના
છે, શામ્ભવીના લગન નક્કી થઈ રહ્યાં છે. સાંજે મગજ ઠેકાણે રાખે અને…’ શિવ ઊભો થઈ ગયો, ‘હું તને
જવાનું નથી કહેતી.’ મોહિનીએ ઠાવકાઈ અને પૂરી લુચ્ચાઈ સાથે કહ્યું, ‘હું તો મોર્ડન છું. બધું સમજું છું પણ,
તમને બેને કોઈ આવી રીતે બંધ બારણે ભેટેલા જુએ તો શું માને? તું જ કહે મને.’
‘તમે બહાર જશો કે હું મારા રૂમમાંથી બહાર જાઉં?’ શામ્ભવીએ સીધી તલવાર કાઢી.
‘વેલ.’ મોહિનીએ ખભા ઊલાળ્યા, ‘હું તો જાઉ છું, પણ એ લોકોને આવવામાં હવે બે જ કલાક બાકી
છે. ઈટ્સ ફાઈવ ઓલરેડી. દસેક મિનિટમાં મોટાજી પણ આવતા જ હશે…’ કહીને એણે છેલ્લો ફટકો માર્યો,
‘મારી જગ્યાએ મોટાજીએ આ દરવાજો નૉક કર્યા વગર ખોલ્યો હોત તો… એની વે!’ કહીને એ ખભા
ઉલાળતી, કમર મટકાવતી ચાલી ગઈ.
‘બી…’ શામ્ભવી ગાળ બોલી. શિવે એની તરફ જોઈને આંખો બંધ કરી, શાંત રહેવાનો ઈશારો કર્યો,
‘આ બાઈ મને ચેનથી રહેવા નથી દેતી, એટલે જ અમેરિકા ભાગી ગઈ હતી.’
‘એ તને ભગાડે ને તું ભાગે…’ શિવે કહ્યું, ‘તો એનું ધાર્યું થાય.’ એણે શામ્ભવીની આંખોમાં આંખો
પરોવી, ‘તારે સત્ય જાણવું હોય અને સત્ય જાણ્યા પછી પરિસ્થિતિને પલટવી હોય તો એનું નહીં, તારું ધાર્યું
થવું જોઈએ.’ શામ્ભવીએ ઊંડો શ્વાસ લીધો, ‘જીતવાની પહેલી શરત એ છે કે, મગજ શાંત રાખવું, ઉશ્કેરાયેલું
મગજ હંમેશાં ખોટા જ નિર્ણયો કરે. એક ખોટો નિર્ણય, સો ભૂલ કરાવે…’ શિવની વાત શામ્ભવી ધ્યાનથી
સાંભળતી રહી, ‘આજે શું બન્યું છે એ વાતની ગંધ સુધ્ધાં મોહિનીને ન આવવી જોઈએ.’ શામ્ભવી ઝટકા
સાથે ઊભી થઈ ગઈ, ‘ગુડ ગર્લ.’ શિવે કહ્યું. શામ્ભવીનો ખભો થપથપાવીને એની આંખોમાં આંખો નાખીને
શિવે એના બંને ગાલ પર પોતાના બંને હાથ મૂક્યા, ‘ઈન ગુડ એન્ડ બેડ…’
‘ઈન ફેર એન્ડ ફાઉલ…’ શામ્ભવી બોલી.
‘ઈન હેપ્પીનેસ એન્ડ સેડ…’ શિવે કહ્યું.
બંને એકબીજાનો હાથ પકડીને કહ્યું, ‘વી આર ફ્રેન્ડ્સ. વી આર ટુ ગેધર.’ આ બાળપણથી એમનું
એકમેકને અપાયેલું વચન હતું. સારા અને ખરાબમાં, સત્ય અને ભૂલોમાં, ખુશી અને દુઃખમાં આપણે સાથે
છીએ… બંને ફરી એકવાર ભેટ્યા અને પછી મોહિનીએ ખુલ્લા છોડી દીધેલા દરવાજામાંથી શિવ સડસડાટ
બહાર નીકળી ગયો.
*
અનંત, અખિલેશ, પલ્લવી અને અનંતની બે બહેનો માયા અને માધવી સાથે જ્યારે સોમચંદ પરિવાર
‘ચૌધરી રેસિડેન્સ’ પહોંચ્યો ત્યારે માત્ર બેન્ડવાજા વગડાવવાના જ બાકી હતા! એમની ગાડી ડ્રાઈવ વેમાં થઈને
અંદર પ્રવેશી ત્યારે ડેકોરેશન જોઈને પલ્લવી અને અખિલેશ એકમેકની સામે જોઈને સ્મિત કરતાં રહ્યા. મુખ્ય
ગેટથી બંગલા સુધીનો ડ્રાઈવ વે લગભગ સો મીટર લાંબો હતો. બંને તરફ નારિયેળી અને ખજૂરના વૃક્ષો પર
હતા જેના થડ પર એલઈડી લપેટીને રસ્તા પર ઉજાસ કર્યો હતો. લૉનના કિનારે ઉગાડેલા રંગીન ફૂલોના કુંડા
પર પાણીમાં મૂકેલી કેન્ડલ્સ તરતી હતી. ગુલછડીના નાની નાની શેરને કારણે સુગંધ વાતાવરણને મદહોશ
કરતી હતી. બે ગાડીઓમાં આવી પહોંચેલા પાંચ જણાંના પરિવારમાંથી પહેલાં પલ્લવી અને અખિલેશ
ઉતર્યા, પછી પાછળની ગાડીમાંથી અનંત, માયા અને માધવી ઉતર્યા. બંગલાના મુખ્ય દરવાજાની સીડી પર
બંને તરફ કેન્ડલ્સ અને ફૂલોની રંગોળી હતી. પદ્મનાભ, મોહિની અને લલિતની સાથે કમલનાથ એમનું
સ્વાગત કરવા પર્ચમાં જડેલા લોટસની ડિઝાઈન પાસે તૈયાર ઊભા હતા. ગાડીમાંથી અખિલેશ ઉતર્યા કે તરત
જ કમલનાથે આગળ વધીને એની સાથે હેન્ડશેક કર્યા, ‘વેલકમ.’ એમણે કહ્યું.
‘ઓનર્ડ’ અખિલેશ સોમચંદે સામે વિવેક કર્યો.
સહુ ઘરમાં પ્રવેશ્યા. ચાંદીની ટ્રેમાં બકાર્ટેના ગ્લાસમાં પાણી આવ્યું. પાણી પીતાં જ સહુને સમજાયું કે,
એક ગુલાબ જળની સુગંધ ધરાવતું પાણી હતું. અખિલેશ સોમચંદના સ્વાગતમાં કોઈ કસર ન રહી જાય એ
માટે લલિતભાઈએ પૂરી તૈયારી કરી હતી. જડીબેન તો હતા જ, પરંતુ અમદાવાદની જાણીતી ઈટાલિયન અને
થાળી રેસ્ટોરાંમાંથી શેફને બોલાવીને સ્પેશિયલ ભોજન તૈયાર કરાવવામાં આવ્યું હતું. થોડીવાર ડ્રોઈંગરૂમમાં
બેઠા, ઋતુ, ગરમી અને શેરબજારની વાતો થઈ ચૂકી એ પછી કમલનાથે કુનેહપૂર્વક સોમચંદ દંપતીને ગઝીબો
તરફ આવવાનું આમંત્રણ આપ્યું, ‘છોકરાંઓને એમની રીતે એન્જોય કરવા દો. આવો આપણે ગઝીબોમાં
બેસીએ.’
એ લોકો ત્રણ જણાં, પદ્મનાભ અને મોહિની સહિત ગઝીબો તરફ ગયા. લલિતભાઈ અરેન્જમેન્ટ
જોવાના બહાને ડાઈનિંગ રૂમ તરફ સરકી ગયા. પલ્લવીએ માયા અને માધવીને સાથે આવવાનો ઈશારો કરીને
અનંત અને શામ્ભવીને એકલા મૂકવાનો પ્લાન કરી લીધો હતો. માયા અને માધવી કહ્યાગરી દીકરીઓની જેમ
એમના મમ્મી-પપ્પા સાથે બહાર નીકળી ગયાં. હવે શામ્ભવી અને અનંત વિશાળ ડ્રોઈંગરૂમમાં એકલા જ
ઊભાં હતાં. અનંતને લાગ્યું કે, એનું હૃદય સો ગણું ઝડપથી ધબકતું હતું અને એની નસોમાં લોહી પાંચસો
ગણી ઝડપથી ફરવા લાગ્યું હતું.
(ક્રમશઃ)