રક્ત – વિરક્ત | પ્રકરણ – 8

‘રાકેશ સર એમની કેબિનમાં બોલાવે છે.’ શિવ ઓફિસમાં પહોંચ્યો ત્યારે બધા જાણે એની પ્રતીક્ષા કરી
રહ્યા હોય એમ એની તરફ વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા. હજી એ પોતાના ક્યૂબિકલમાં જઈને એની બેગ અને
વોટર બોટલ મૂકે એ પહેલાં ઓફિસના હેલ્પરે એને કહ્યું, ‘કદાચ, ગુસ્સામાં છે.’ શિવ જે ચેનલ સાથે કામ કરતો
હતો એ ચેનલના ગુજરાતના હેડ રાકેશ અવસ્થી બહુ સારા માણસ હતા. સાચા અને પ્રામાણિક ન્યૂઝ લોકો
સુધી પહોંચવા જોઈએ, એવું એ માનતા. ટીઆરપી માટે ખોટી પબ્લિસિટીમાં એ કદી રસ લેતા નહીં… આમ
જોવા જઈએ તો શિવ એમનો ‘ફેવરિટ’ હતો. સાડા સાત વાગ્યાનો પ્રાઈમ ટાઈમ ન્યૂઝ શો 25-26 વર્ષના
છોકરાને આપીને એમણે રિસ્ક લીધું હતું, પરંતુ શિવે એમના એ નિર્ણયનેસાચો સાબિત કરી બતાવ્યો હતો!
ઓફિસના હેલ્પરની વાત સાંભળીને શિવે મનોમન બેને બે ચાર કરી લીધું. અત્યાર સુધીમાં કોઈ મિનિસ્ટર કે
જેલર સોલંકીનો ફોન અવસ્થી સાહેબ પર આવી જ ચૂક્યો હશે એટલું એને સમજાઈ જ ગયું! એ મનોમન
તૈયાર થઈને અવસ્થીની કેબિનમાં પહોંચ્યો. વિશાળ કાચની બારીના બ્લાઈન્ડર્સ ખોલીને અવસ્થી બારીની
બહાર જોતા ઊભા હતા. કેબિનનો દરવાજો ખૂલવાનો અવાજ સાંભળીને એ શિવ તરફ ફર્યા.
‘ગુડ મોર્નિંગ સર.’ શિવે વાતની શરૂઆત કરી.
‘શું કર્યું તેં?’ અવસ્થીના અવાજમાં ગુસ્સા કરતાં વધારે ચિંતા હતી.
‘મેં?’ શિવે અજાણ્યા થવાનો પ્રયાસ કર્યો.
‘કમ ઓન શિવ! જેલમાં શું કામ ગયો હતો? એ પણ ચૌધરીની છોકરીને લઈને? ખોટા આઈડી
સાથે?’ શિવ ચૂપ રહ્યો કારણ કે, એની પાસે ખરેખર કહેવા જેવું કંઈ જ નહોતું. એને બોસને મળેલા બધા જ
સમાચાર સાચા હતા. એને ચૂપ જોઈને રાકેશ અવસ્થીએ કહ્યું, ‘શિવ, તું બહુ ટેલેન્ટેડ છે. હું તને આવનારા
વર્ષોમાં કોઈ ચેનલ હેડ કે કંપનીના ઈક્વિટિ ઓનર તરીકે જોઉ છું… પ્લીઝ. જાણી જોઈને તારી કરિયર રૂઈન
નહીં કરતો.’ બંને જણાં થોડીવાર ચૂપચાપ ઊભા રહ્યા. રાકેશ અવસ્થીએ નજીક આવીને શિવના ખભે હાથ
મૂક્યો, ‘આ લોકો બહુ પાવરફૂલ છે… ડોન્ટ પ્રોવોક ધેમ… એમને ઉશ્કેરતો નહીં. એ કંઈ પણ કરી શકે છે.’
કહીને રાકેશે ઘડિયાળ જોઈ, ‘જા, તું ઓલરેડી લેઈટ છે.’
શિવ કશું કહ્યા વગર બહાર નીકળી ગયો, પણ એનું મગજ વિચારે ચડ્યું. આ કેવા લોકો હતા, કોણ હતા… રાધા
આન્ટી શા માટે જેલમાં બંધ હતા અને વગેરે… એણે વિચારોમાંથી મુક્ત થઈને પોતાના શોની તૈયારી કરવાનો પ્રયત્ન કરવા
માંડ્યું પણ, આજે જોયેલું દ્રશ્ય કોઈ રીતે એનો પીછો છોડતું નહોતું.
*

શામ્ભવી સાથે દલીલબાજી થયા પછી મોહિની પોતાના રૂમમાં ગઈ. એણે પાર્લરમાંથી છોકરી બોલાવી
હતી. તૈયાર થવા માટે એને બે કલાક તો ઓછા પડતા… પાતળી, એકવડિયું શરીર ધરાવતી મોહિનીને
મેમોપ્લાસ્ટિથી શરૂ કરીને ટમીટક, ફિલર્સ અને બોટોક્સ સુધીના બધા કોસ્મેટિક ઉપાયો અજમાવી લીધા
હતા. ભરાવદાર સ્તન, પાતળી કમર અને ત્વચા પર કરેલી કેમિકલ ટ્રીટમેન્ટ્સને કારણે મોહિની અત્યંત સેક્સી
દેખાતી, પરંતુ એ આકર્ષણમાં ક્યાંક ભયાનક નેગેટિવિટી હતી, કદાચ એટલે જ મોહિની કોઈને ગમતી નહીં.

પોતાના રૂમમાં જઈને એણે દરવાજો બરાબર બંધ કર્યો, પછી ફોન લગાવ્યો, ‘એ બંને જણાં ભેટીને
બેઠાં હતા.’ એણે ફોનમાં કોઈકને કહ્યું, ‘હજી તો ગઈકાલે આવી છે, પણ રાતે એની સાથે હતી, સવારથી
નીકળી ગયેલી ને છેક હમણાં આવી છે… આ લફરાબાજીમાં ક્યાંક પેલો નબીરો હાથથી નીકળી ના જાય!’
સામેથી કોઈકે કશુંક કહ્યું. એ સાંભળીને મોહિની ઉશ્કેરાઈ ગઈ, ‘મને શું ફરક પડે છે? મારી દીકરી નથી…’
કહીને એણે ખભા ઊલાળ્યા, ‘પણ એક વાત કહી દઉ, મોટાજીને જે દિવસે આ બધાની ખબર પડશે ને એ
દિવસે ટાંટિયા તોડી નાખશે એ બત્રીસલખણીના! મોટાજી જેટલા સારા છે ને એટલા જ…’ આગળના શબ્દો
મોહિની ગળી ગઈ કે પછી સામેથી કશુંક કહેવાયું, ‘તેલ લેવા જાઓ! મારે કેટલા ટકા?’ કહીને એણે ફોન
ડિસકનેક્ટ કર્યો અને પલંગ પર છુટો ફેંકી દીધો.
વોકઈન વોર્ડરોબમાં દાખલ થઈને એણે લૂઝ ફ્લોરલ શર્ટના બટન ખોલી નાખ્યાં, નીચેનું ટાઈટ્સ પણ
ઉતારી નાખ્યું. ફક્ત બે અંતઃવસ્ત્રોમાં અરીસા સામે ઊભા રહીને એણે પોતાનું શરીર જોયું. બંને હાથ ઊંચા
કરીને ગોળ ફરી… 43 વર્ષની ઉંમરે એ 30ની લાગતી હતી, એ વાતે ઈતરાઈને મોહિની બાથરૂમ તરફ આગળ
વધી ગઈ.

*

શામ્ભવી હજી પલંગમાં પડી હતી… એનું મન ક્ષુબ્ધ હતું. ઊભા થવાની ઈચ્છા જ નહોતી થતી. એણે
ઘડિયાળ તરફ જોયું, છ ને પાંચ… હવે ઊઠવું જ જોઈએ! એણે વિચાર્યું ત્યાં તો, એનો ફોન રણક્યો.
‘શેમ્બ! આપણે માનીએ છીએ એનાથી વધુ ઊંડું છે, બધું.’ શિવનો દબાયેલો અવાજ સંભળાયો, ‘હું
ઓફિસ પહોંચું એ પહેલાં મારા ચીફને ખબર હતી કે, આપણે જેલમાં ગયેલા.’
‘હંમમ.’ શામ્ભવીએ માત્ર સાંભળવાનું નક્કી કર્યું. એ કંઈ બોલી નહીં.
‘તું જિદ્દી છે અને ક્યારેક મગજ વાપર્યા વગર ફક્ત દિલથી વિચારે છે. રિએક્ટ થઈ જાય છે, તડફડ કરી
નાખે છે… આમાંનું કંઈ આ વખતે નહીં કરતી.’ શામ્ભવી સાંભળતી રહી, ‘તારે ખૂબ સ્માર્ટલી આ
પરિસ્થિતિમાંથી જવાબો શોધવા પડશે. તું શું જાણે છે એ વાતની ખબર અત્યાર સુધી ચૌધરી અંકલ સુધી
પહોંચી ગઈ હશે. હવે તમારા બંને વચ્ચે શતરંજ શરૂ થશે. કાં તો એ એવી રીતે વર્તશે જાણે એ કંઈ નથી
જાણતા…’
‘પણ, કેમ?’ શામ્ભવીએ પૂછ્યું.
‘કારણ કે, એ તારી સાથે આ મુદ્દા પર વાત જ નહીં કરવા માગતા હોય.’ પછી શિવે સહેજ અટકીને
ઉમેર્યું, ‘કાં તો એ ખરેખર કંઈ નહીં જાણતા હોય!’ શામ્ભવી કંઈ બોલે એ પહેલાં શિવે કહ્યું, ‘આ બંને સ્થિતિમાં
તારે શાંત રહીને પહેલો મૂવ એમને કરવા દેવાનો છે. કરી શકીશ?’
‘આઈ ડોન્ટ નો.’ શામ્ભવીને ડૂમો ભરાઈ ગયો. જે પિતાથી અત્યાર સુધી ઝીણામાં ઝીણી વાત પણ
નથી છુપાવી એની સાથે આવી રમત રમવાનો વિચાર માત્ર એની આંખમાં આંસુ લઈ આવ્યો, ‘બધું બહુ
કોમ્પ્લિકેટેડ છે.’ એણે કહ્યું, ‘એ મારા પિતા છે. મને એકલા હાથે ઉછેરી છે-માનો પ્રેમ પણ એમણે જ આપ્યો
છે. એમની સાથે રમત રમું?’
‘રમત નહીં…’ શિવે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ‘જસ્ટ થોડી ધીરજ રાખ.’ કહીને એણે ઉમેર્યું,
‘એટલિસ્ટ આજની સાંજ સાચવી લેજે.’

‘આઈ વિલ ટ્રાય, પણ કાલે સવારે…’
‘પ્લીઝ શામ્ભવી.’ શિવ જ્યારે ખૂબ ગંભીર હોય ત્યારે આખું નામ બોલીને વાત કરતો, ‘જો તારે
ખરેખર આ બધાનું સત્ય જાણવું હોય તો ધીરજથી રાહ જોજે. તું કંઈ નહીં કરે તો દુશ્મન બેચેન થશે. બેચેન
થશે તો ભૂલ કરશે. ભૂલ કરશે તો આપણે એને પકડી શકીશું… પ્લીઝ!’
‘હંમમ.’ શામ્ભવી થોડું સમજી ને થોડું એણે સ્વીકારી લેવાનો પ્રયાસ કર્યો. શિવની વાત સાચી હતી એ
તો એને પણ સમજાતું હતું, પણ એના ઉતાવળા અને ઈમોશનલ સ્વભાવ સાથે એ શિવની સલાહ કેટલી અને
કેવી રીતે માની શકશે એ વિશે બંનેને શંકા હતી. શામ્ભવીએ ફોન મૂક્યો. એ ઊભી થઈ અને તૈયાર થવા લાગી.
કોઈ દિવસ નહીં ને આજે એણે એની માનું બંધ કબાટ ખોલ્યું. રાધાના ગયા પછી આટલાં વર્ષો સુધી
કમલનાથે એનું કબાટ ખાલી કરવા દીધું નહીં. એમની સાડીઓ, દાગીના અને બાકીની બધી જ વસ્તુઓને
એમ જ જાળવી રાખવાનો એમનો હુકમ આજ સુધી પાળવામાં આવ્યો હતો. એક શામ્ભવી સિવાય એ કબાટ
ખોલવાની કોઈને પરવાનગી પણ નહોતી.
શામ્ભવીએ હળવેકથી માનું કબાટ ખોલીને એમાંથી મોરપીંછ રંગની ફૂલોવાળી સિલ્કની સાડી કાઢી.
એના હેન્ગર ઉપર લટકતો બ્લાઉઝ પણ કાઢ્યો. પોતાના રૂમમાં જઈને એણે બ્લાઉઝ ટ્રાય કર્યો. લગભગ
પરફેક્ટ ફિટીંગ હતું. શામ્ભવીએ સાડી પહેરી લીધી. કાનમાં પોલ્કીના સુંદર ડાયમંડ ઈયરિંગ અને આછો મેક-
અપ કરીને જ્યારે એ તૈયાર થઈ ત્યારે પોતે જ પોતાના પર ફીદા થઈ ગઈ.
‘વેલકમ, અનંત સોમચંદ!’ એણે અરીસામાં જોઈને કહ્યું ને પછી મૂડને બને એટલો સારો રાખવાની
કોશિશ કરતી એ નીચે ઉતરી.
કમલનાથ હજી હમણાં જ ઘરમાં પ્રવેશ્યા હતા. એ શામ્ભવીને જોઈને ડ્રોઈંગરૂમમાં પૂતળાની જેમ
સ્થિર થઈ ગયા, શામ્ભવીના બધા રડાર ખૂલી ગયા હતા. પિતા પોતાને માની સાડીમાં જોઈને શું કહેશે અથવા
કઈ રીતે વર્તશે એ વિશે શામ્ભવીના મનમાં જે સવાલ હતા એ બધા સવાલના જવાબ અહીં, આ ક્ષણે મળી
જવાના હતા. કમલનાથે સાવ સહજતાથી કહ્યું, ‘માય ગોડ! તું એકદમ રાધા જેવી લાગે છે.’ નજીક આવીને
એમણે શામ્ભવીના માથે હાથ મૂક્યો, ‘એ તો ગઈ, પણ એની પ્રતિકૃતિ મૂકતી ગઈ છે મારા માટે!’
‘બાપુ!’ શામ્ભવી બંને હાથ પહોળા કરીને પિતાને ભેટી પડી.
‘તું ન હોત તો રાધાના ગયા પછી જીવી ન શક્યો હોત હું…’ કમલનાથ કહી રહ્યા હતા. શામ્ભવીએ
જોયું કે, એમની આંખો સાચે જ ભીની હતી, ‘ને હવે તું પણ…’ એ ડૂમો ગળી ગયા, ‘ખબર નહીં, તું જઈશ
પછી હું આ ઘરમાં કેવી રીતે રહીશ!’ આ બધા સમય દરમિયાન શામ્ભવી પૂરી સભાનતાથી પિતાના પ્રતિભાવો
સમજવાનો પ્રયાસ કરી રહી હતી.
‘તમે બહુ પ્રેમ કરતાં હતા મા ને?’ શામ્ભવીએ પિતાની છાતી પરથી માથું હટાવ્યું નહોતું.
‘રાધા હતી જ એવી. ભોળી, સાલસ, નિખાલસ, સાદી અને સાચા અર્થમાં ગૃહલક્ષ્મી.’ શામ્ભવીને
પિતાના હૃદયના ધબકારા સંભળાતા હતા. કમલનાથનો હાથ દીકરીના ખભાથી સહેજ નીચે સુધી ખુલ્લા વાળ
પર ફરી રહ્યો હતો. એમના સ્પર્શમાં વાત્સલ્ય હતું અને અવાજમાં પ્રસન્ન દામ્પત્યની યાદનો રણકો, ‘મારા
સ્વભાવ અને પ્રકૃતિ સાથે એણે જે સમજદારીથી એડજેસ્ટમેન્ટ કર્યું છે, એ માટે હું એનો ઋણી છું.’ કહેતાં
કહેતાં ક્યારના રોકી રાખેલા આંસુ કમલનાથની પાપણના બંધ તોડીને વહી નીકળ્યાં, ‘ને સૌથી મોટી વાત તો
એ છે કે, મને તું મળી… રાધાએ મને આપેલી સૌથી મોટી ભેટ છે તું.’ એમણે શામ્ભવીના કપાળ પર હળવી
ચૂમી કરી લીધી. હવે શામ્ભવીને લાગ્યું કે, કદાચ એના પિતા આજની ઘટના વિશે કશું જ જાણતા નથી!

એણે આજની સાંજ પૂરતું પોતાના મનને પિતાના સ્નેહની ડબ્બીમાં બંધ કરીને મૂકી દીધું. એણે પણ
સોમચંદ પરિવારની પ્રતીક્ષા કરવા માંડી.

*

અનંત તો શામ્ભવીને જોઈને જ મુગ્ધ થઈ ગયો હતો. એણે કલ્પના પણ નહોતી કરી કે, શામ્ભવી
સાડી પહેરશે. એણે શું, મોહિની અને કમલનાથને પણ શામ્ભવીને સાડીમાં જોઈને આશ્ચર્ય થયું હતું.
કમલનાથે એનો અર્થ એવો કાઢ્યો કે, શામ્ભવી પિતાની ઈચ્છા સમજે છે અને એટલે જ સોમચંદ
પરિવાર સામે સાડી પહેરીને ઉપસ્થિત થઈ છે. મોહિનીએ વળી મનોમન એવું વિચાર્યું કે, ‘અચ્છા! તો શિવ
એનો ટાઈમપાસ છે! સોમચંદ પરિવાર સામે ‘ઈન્ડિયન બહુ’ની ઈમ્પ્રેશન જમાવીને એ અનંતને એક ખીસ્સામાં
ને શિવને બીજા ખીસ્સામાં રાખવાના પ્લાનમાં છે…’
સહુ ગઝીબો તરફ ગયા અને શામ્ભવીએ સાથે આવવાની જીદ કર્યા વગર ત્યાં જ રહેવાનું સ્વીકારી
લીધું એ વાતે કમલનાથને બહુ રાહત થઈ. શામ્ભવી એકદમ કહ્યાગરી અને સમજદાર દીકરી તરીકે વર્તી રહી
હતી એનાથી કમલનાથનો મૂડ ઓર ખીલી ગયો.
માયા, પલ્લવી, અખિલેશ, પદ્મનાભ, મોહિની અને માધવી બધા ગઝીબો તરફ ગયાં. ઈરાદો સ્પષ્ટ
હતો, શામ્ભવી અને અનંત એકલાં પડે… એકબીજાની સાથે થોડી વાતો થાય અને એકબીજાની નજીક આવે
તો લગ્નની વાતની ચર્ચા કરી શકે.
બધાના ગયા પછી થોડીક ક્ષણો બંને જણાં એમ જ ઓકવર્ડ પરિસ્થિતિમાં, ત્યાં જ ઊભાં રહ્યાં. કોણ,
શું બોલે, એનો વિચાર બંનેને મૂંઝવી રહ્યો હતો… પછી અનંતે ધીમેથી કહ્યું, ‘તું સાડીમાં સ્ટનિંગ દેખાય છે.’
શામ્ભવીએ જવાબમાં માત્ર સ્મિત કર્યું. બંને ફરી એવી જ રીતે વિચિત્ર પરિસ્થિતિમાં ચૂપચાપ ઊભા રહ્યાં.
‘તારો રૂમ નહીં બતાવે?’ અનંતે નવેસરથી વાત શરૂ કરવાના ઈરાદાથી પૂછ્યું.
શામ્ભવી હસી પડી. અનંતને સહેજ ખરાબ લાગ્યું, ‘પ્લીઝ ખરાબ નહીં લગાડતો.’ શામ્ભવીએ
હસતાં હસતાં કહ્યું, ‘જરા ફિલ્મી અને ચીઝી લાગ્યું મને. તારે મારો રૂમ શું કામ જોવો પડે?’
‘જસ્ટ…’ અનંતને જવાબ સૂઝ્યો નહીં.
‘તને મારી સાથે એકલો છોડી દીધો છે.’ શામ્ભવીએ કહ્યું, ‘આપણે એકબીજા સાથે શું વાત કરીએ એની
પણ આપણને ખબર નથી પડતી…’ અનંત એની સામે જોઈ રહ્યો. આ છોકરીનું તેજ અને એની વાક્ચાતુરી
સામે એ પરાસ્ત થઈ ચૂક્યો હતો, ‘મારો રૂમ જોવાની જરૂર નથી, તું અહીં જ મારી સાથે વાત કરી શકે છે.’
શામ્ભવીએ કહ્યું, ‘ફિલ ફ્રી.’
‘વેલ!’ અનંતને લાગ્યું કે, એના મનની વાત કહેવાની આ જ ક્ષણ હતી, ‘હું તારાથી ઈમ્પ્રેસ છું. તને
પહેલીવાર મળ્યો ત્યારથી તું મારા મન, મગજ અને મેમરીમાંથી ખસી જ નથી. યુ આર અમેઝિંગ.’ એણે કહી
નાખ્યું. અનંત સોમચંદને હતું કે, આ સાંભળીને શામ્ભવી શરમાઈ જશે, થેન્ક યૂ કહેશે અથવા કદાચ…

એની કલ્પનાથી તદ્દન ઉલ્ટું, શામ્ભવીએ ખભા ઉલાળીને કહ્યું, ‘હું ન જાણતી હોઉ એવું કંઈ કહે. આ
લાઈન મેં સેંકડો છોકરાઓ પાસેથી હજારો વાર સાંભળી છે.’
ડઘાયેલો, બઘવાયેલો, ભારતનો મોસ્ટ એલિજિબલ બેચલર્સમાંનો એક, અનંત સોમચંદ શામ્ભવીના
એક જ વાક્યમાં ક્લિન બોલ્ડ થઈ ગયો, ‘લૂક! માર્કેટિંગ્સ, સ્ટેટેજિ, વર્ટિકલ્સ, શેર્સ, સ્ટોક્સ… આવી કોઈ વાત
હોય તો હું કલાકો બોલી શકું, પણ ઈમોશન્સની વાત કરતાં નથી આવડતી મને. જે બોલીશ એ તને ફિલ્મી
અને ચીઝીઝ લાગશે કારણ કે, પ્રેમનું એક્સ્પ્રેશન તો ફિલ્મો અને નોવેલ્સમાંથી જ શીખ્યો છું, હું!’ શામ્ભવીને
એની સાદગી ગમી ગઈ, ‘બહુ રોમેન્ટિક નથી હું, પણ…’ એણે સહેજ અટકીને કહ્યું, ‘તને ઈટાલીમાં જોઈ
ત્યારથી આ ક્ષણ સુધી હું તારા જાદુમાંથી છુટી નથી શક્યો. લગ્ન કરવા માગું છું તારી સાથે. સિમ્પલ!’ કહીને
અનંતે ખભા ઊલાળી દીધા.
‘આખો સોમચંદ પરિવાર અમારે ત્યાં ડીનર પર આવે એની પાછળ શું ઈરાદો હોઈ શકે એ હું પણ
સમજું જ છું, પણ માત્ર કોઈ વ્યક્તિને જોઈને, એકાદ-બે દિવસ મળીને, એની સાથે લગ્ન કરવાનું નક્કી કરી
લેવું એ થોડું રિસ્કી નથી લાગતું તને? જિંદગી બહુ લાંબી છે… તું અનંત સોમચંદ છે. તારા જીવનમાં ઘણી
સ્ત્રીઓ આવશે. તું 25 વર્ષનો છે, અનંત… કાલે કદાચ કોઈ બીજું ગમે તને, તો આટલો જલદી નિર્ણય કરવા
બદલ અફસોસ નહીં થાય?’ શામ્ભવીએ પૂછ્યું. અત્યાર સુધી માત્ર એની ચતુરાઈ અને સુંદરતા પર મુગ્ધ હતો
અનંત, પણ આ વાત સાંભળીને એની સમજદારીનો પણ આશિક થઈ ગયો.
‘એટલે તું એમ કહેવા માગે છે કે…’ અનંત પોતાની વાત પૂરી કરે એ પહેલાં શામ્ભવીએ સહેજ હસીને
એની વાત કાપી નાખી.
‘…કહેવા માગું છું કે, તારે સમય લેવો જોઈએ. મને ઓળખવી જોઈએ. હું જેટલી દેખાઉ છું એના
કરતાં વધારે કોમ્પ્લેક્સ છું, જિદ્દી છું, વિચિત્ર છું. ક્યારેક રૂડ લાગે એટલી સ્પષ્ટ છું. મારા બાપુએ મારી બધી
ઈચ્છાઓ પૂરી કરી છે, થોડી બગડેલી છું.’ શામ્ભવી હસવા લાગી, ‘તું માત્ર તારી પત્ની નથી પસંદ કરી રહ્યો, ધ
સોમચંદ પરિવારની પુત્રવધૂ પસંદ કરવાની છે તારે… હું તારા પરિવારમાં ફિટ થઈશ કે નહીં, એ પણ સમજવું
જોઈએ.’ એણે સહેજ શ્વાસ લઈને, અટકીને ઉમેર્યું, ‘આપણે બંને જણાંએ સમજવું જોઈએ.’
‘પણ…’ અનંત આગળ કશું કહી ના શક્યો કારણ કે, શામ્ભવીની વાત સાવ સાચી હતી. એની પાસે
વિરોધ કરવા માટે શબ્દો જ નહોતા.
‘તને ટ્રેન છૂટી જવાનો ડર લાગે છે?’ શામ્ભવી હસી, ‘હું કોઈ બીજા સાથે ભાગી નહીં જાઉ.’ એણે
કહ્યું, ‘થોડો સમય લઈએ?’ એણે હાથ લંબાવીને અનંત પાસે હેન્ડશેકનો પ્રસ્તાવ મૂક્યો, ‘લેટ્સ બી ફ્રેન્ડ્સ,
ફર્સ્ટ!’ અનંતે એનો હાથ પોતાના બંને હાથમાં પકડી લીધો. એ એટલો ભાવુક થઈ ગયો કે, કશું બોલી જ ના
શક્યો. એના હાથના કંપન અને આંખોમાંથી છલકાતી આસક્તિ શામ્ભવીથી છાની ન રહી શકી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *