રક્ત – વિરક્ત | પ્રકરણ – 9

‘તો? શું નક્કી કર્યું તમે બંને જણાંએ?’ શામ્ભવી અને અનંત થોડીકવાર ઈધરઉધરની વાતો કરીને
ગઝીબોમાં પહોંચ્યાં કે તરત પલ્લવીએ પૂછ્યું, ‘મારો દીકરો તો આજે એન્ગેજમેન્ટની તારીખ નક્કી કરીને
જવાની જીદ કરતો હતો.’ બધા એક સાથે હસી પડ્યાં. કમલનાથની આંખોમાં આતુરતા હતી અને મોહિનીની
આંખોમાં કુતૂહલ. શામ્ભવી શું જવાબ આપે છે એ સાંભળવા માટે સહુ બેચેન હતા.
‘મમ્મી! મને લાગે છે, અમારે બંને જણાંએ થોડો સમય લેવો જોઈએ.’ અનંતે કહ્યું. સાંભળીને
પલ્લવીની આંખો પહોળી થઈ ગઈ. માયા અને માધવીએ એકબીજા સામે જોયું. મોહિનીના ચહેરા પર એક
વ્યંગભર્યું સ્મિત આવ્યું. કમલનાથ અને અખિલેશે એકબીજા સામે જોઈને એક સમજદારીભરી દ્રષ્ટિ
એક્સચેન્જ કરી, ‘અમે એકબીજાને ઓળખીએ, સમજીએ પછી આપણે કઈ નક્કી કરીએ તો વધુ સારું.’
‘ઓહ માય ગોડ! આ છોકરી સાથે એક જ મુલાકાતમાં મારો દીકરો આટલો સમજદાર થઈ જશે એવું
મેં નહોતું ધાર્યું.’ અખિલેશ સોમચંદે મજાક કરી. સૌ એક સાથે ફરી હસી પડ્યા, ‘હું તો એને ક્યારનો સમજાવું
છું. આપણે એવા લોકો છીએ જેના પર મીડિયાની સતત નજર છે… આપણે એન્ગેજમેન્ટ અનાઉન્સ કરી
દઈએ અને પછી કદાચ…’ અખિલેશ અટકી ગયો, પણ બધા એની વાત સમજી ગયા, ‘હરો ફરો, એકબીજાને
ઓળખો.’
‘અંકલ, અમે એકબીજાને ઓળખીએ ને તમે બધા પણ મને…’ શામ્ભવી આગળ ન બોલી કારણ કે,
કમલનાથ સાથે નજર મળતાં જ એને પિતાની આંખોમાં અટકી જવાની સૂચના વંચાઈ ગઈ.
‘યુ આર રાઈટ.’ અખિલેશમાં રહેલું સોમચંદ પરિવારનું રક્ત બોલી ઊઠ્યું, ‘એક જ દીકરો છે મારો,
અમારે માટે તો તું ત્રીજી દીકરી થઈને આવીશ, પણ તારે ય અમારા પરિવારની રીતભાત, જીવનશૈલી સમજવી
પડશે, અપનાવવી પડશે…’
‘હાસ્તો!’ મોહિનીથી બોલ્યા વગર ન રહેવાયું, ‘બે હજાર કરોડ અને 20 હજાર કરોડમાં ફેર છે.’
પદ્મનાભની આંખો ફરી ગઈ, પણ એ મોહિનીને અટકાવે એ પહેલાં એણે બકી નાખ્યું, ‘બહુ મોટો ફેર છે. એ
સમજવો અને શીખવો પડશે અમારી શામ્ભવીએ.’
‘ખેર!’ મોહિનીની વાતથી વિચલિત થઈ ગયેલા કમલનાથને આ લગ્નમાં વિઘ્ન ઊભું થયું એ બહુ ગમ્યું
નહીં એટલે એમણે વાત લપેટી લીધી, ‘ચાલો, ડીનર સર્વ થઈ ગયું છે.’ ઊભા થતાં થતાં એમણે કહ્યું, ‘જિંદગી
એમણે જીવવાની છે. એ બંને જણાં જે નક્કી કરે એ જ ફાઈનલ!’
બધા અંદરઅંદર વાતો કરતાં ઊભા થયા અને ગઝીબોના સ્લાઈડીંગ દરવાજા ખોલીને લૉનની વચ્ચે
બનાવેલી લાલ પત્થરની પગથી પર થઈને બંગલા તરફ ચાલવા લાગ્યા. પલ્લવીની બાજુમાં ચાલી રહેલા
અનંતને પલ્લવીએ પૂછ્યું, ‘ઓલ ઓકે?’ અનંતે હસીને ખુશખુશાલ ચહેરે જે રીતે હા પાડી એનાથી પલ્લવીને
રાહત થઈ ગઈ.

સાવ છેલ્લે, પાછળ એકલી ચાલી રહેલી શામ્ભવી માટે એની સામે અત્યારે જિંદગીનો સૌથી મોટો
પ્રશ્ન નાગની જેમ ફૂંફાડા મારતો હતો. આવા સમયમાં એન્ગેજમેન્ટ, લગ્ન કે પ્રેમ વિશે વિચારવાની એના
મન કે મગજમાં જગ્યા જ નહોતી, એટલે હાલ તુરત આ લગ્ન ટળી ગયું એનાથી મોટી રાહત બીજી કોઈ
નહોતી.

*

સાડા સાતનો પ્રાઈમ શો પતાવીને પોતાનું થોડું રિસર્ચ અને બીજું કામ કરીને શિવ ઘરે જવા નીકળ્યો
ત્યારે રાતના સાડા અગિયાર થયા હતા. અમદાવાદ શહેરની બહાર-આઉટ સ્કર્ટ્સમાં મણિપુર ગામ પાસે
સલિલભાઈએ નાનકડું ઘર બાંધ્યું હતું. રિટાયર થયા પછી શહેરની ભીડભાડથી દૂર રહેવાનો નિર્ણય એમના
નાનકડા પરિવાર માટે ખૂબ અનુકૂળ પૂરવાર થયો હતો. શિવના મમ્મી અલકાબેનને બગીચાનો ખૂબ શોખ
હતો, એટલે લગભગ બે હજાર વાર જમીનમાં ત્રણસો વાર નીચે-ને ત્રણસો ઉપર, એવું નાનકડું મકાન બાંધીને
એમણે સુંદર બગીચો બનાવ્યો હતો. ટમેટા, રિંગણા, પાલક, મેથી, દૂધી અને વાલોળ જેવા શાકભાજી
અલકાબેન ઘરમાં ઉગાડતાં. એમનો આખો દિવસ એમના ગાર્ડનમાં પસાર થઈ જતો. સલિલભાઈ લખવા-
વાંચવાનું કામ કરતા. સ્થાનિક અખબારમાં એમની એક કોલમ ચાલતી, બાકીના સમયમાં એ લિગલ એડવાઈઝ
અને લાઈઝેનિંગનું ફ્રીલાન્સ કામ કરતા. ચાર જણાંનો સુખી પરિવાર, જેમાંથી શિવની બેન સાક્ષીના લગ્ન થઈ
ગયા હતા-એટલે હવે ત્રણ જણાં શહેરથી દૂર આ નાનકડા મકાનમાં વસતા હતા.
પ્રહલાદનગરથી ઘરે જતાં શિવને લગભગ 40 મિનિટ લાગતી, એ નીકળ્યો ત્યારે રસ્તા લગભગ
સૂમસામ હતા. એ પોતાની મસ્તીમાં સંગીત સાંભળતો ગાડી ચલાવી રહ્યો હતો, ત્યાં અચાનક એનો ફોન
રણક્યો. એણે બ્લ્યૂ ટુથ પર ગાડીમાં ફોન ઉપાડ્યો, ‘તારી ગાડીની પાછળ એક ટ્રક આવે છે…’ શિવે રીયર વ્યૂમાં
પાછળ આવતી ટ્રક જોઈ, ‘અત્યારે તો કંઈ નહીં કરે, પણ જો ફરીવાર તારી ફ્રેન્ડની મદદ કરવાની ટ્રાય કરીશ
તો ગાડી કાપીને તારી બોડી કાઢવી પડશે.’
‘કોણ છો તમે?’ શિવે પૂછ્યું. સામે ફક્ત હસવાનો અવાજ સંભળાયો, ‘ધમકી શું આપો છો?’ શિવે
કહ્યું, ‘આવો, મળીએ, વાત કરીએ…’ શિવ એકદમ સ્વસ્થ અને બેલેન્સ છોકરો હતો. એ ભાગ્યે જ મગજ
ગૂમાવતો. એમાંય જ્યારે સમસ્યા હોય, ક્રાઈસિસ કે પેનિકની સિચ્યુએશન હોય ત્યારે તો શિવનું મગજ ત્રણ-
ચાર ગણી ઝડપે કામ કરવા માંડતું, ‘અમે તો જેલ જોવા ગયા હતા, પણ ધાર્યું નહોતું કે આવું કંઈ…’
શિવનું વાક્ય પૂરું થાય એ પહેલાં સામેના માણસે કહ્યું, ‘જે જોયું છે એ ભૂલી જા.’ એણે વધુ કડકાઈથી
ઉમેર્યું, ‘ખાસ તો તારી ફ્રેન્ડને કહેજે કે ભૂલી જાય, બાકી એ પણ…’ ફોન કપાઈ ગયો. શિવ સ્વસ્થતાથી ગાડી
ચલાવતો રહ્યો, પણ એને એટલું સમજાઈ ગયું કે, આજે જેલમાં જે કંઈ બન્યું એ પછી જો શામ્ભવી રાધા
આન્ટીને શોધવાનો કે મળવાનો પ્રયાસ કરશે તો એની જિંદગી ભયાનક જોખમમાં મૂકાઈ જશે.

*

રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે ‘થેન્ક યૂ ફોર કમિંગ’ અને ‘થેન્ક યૂ ફોર એવરિથિંગ’ સાથે સોમચંદ
પરિવારની વિદાય થઈ. એ પછી કમલનાથ આરામથી પોતાના રૂમમાં ગયા. એ સંતુષ્ટ હતા, આજે ખૂબ સારી
રીતે, કદાચ એમણે નહોતું ધાર્યું એટલી સારી રીતે આ સાંજ પૂરી થઈ હતી. એ પોતાના વોકઈન વોર્ડરોબમાંથી
કુર્તાના બટન બંધ કરતા બહાર આવી રહ્યા ત્યારે એમણે શામ્ભવીને એમના રૂમમાં આવેલા નાનકડા સિટીંગ
એરિયામાં બેઠેલી જોઈ. શામ્ભવીએ પણ કપડાં ચેન્જ કરી લીધા હતા. શોર્ટ્સ અને મેચિંગ શર્ટમાં એ એકદમ
આરામદાયક રીતે બેઠી હતી.

‘હું ખૂબ ખુશ છું, બેટા!’ કમલનાથથી કહ્યા વગર ન રહેવાયું, ‘તેં આ લોકોને બહુ જ સારી રીતે ટ્રીટ
કર્યા. ખાસ કરીને, અનંત સાથે તું બહુ સારી રીતે વર્તી.’
‘તમને ડર હતો કે હું સારી રીતે નહીં વર્તું?’ શામ્ભવીએ પૂછ્યું.
‘એવું તો નહીં બેટા, પણ તારા મૂડસ્વિંગ્ઝ…’ કમલનાથ સહેજ અચકાઈ ગયા, પછી એમણે વહાલથી
ઉમેર્યું, ‘જોકે, મને ખબર જ છે કે, તું મારું ખરાબ લાગે એવું ક્યારેય ન કરે. યુ ઓલવેઝ મેડ મી પ્રાઉડ.’ એમણે
હાથ ફેલાવ્યા. શામ્ભવી ઊભી થઈને પિતાને ભેટી. બંને જણાં આવીને સિટીંગ એરિયામાં ગોઠવાયાં.
કમલનાથે રિક્લાઈનર ખોલી નાખ્યું. શામ્ભવી હજી ત્યાં જ બેઠી હતી એ વાતની એમને નવાઈ લાગી. એમણે
પૂછી નાખ્યું, ‘કંઈ કહેવું છે? કંઈ જોઈએ છે તારે?’
‘બાપુ! આજે મને મા બહુ યાદ આવે છે…’ શામ્ભવીએ કુનેહથી વાત શરૂ કરી, ‘એ હોત તો…’
‘તો સૌથી વધારે ખુશ એ થઈ હોત.’ કમલનાથે કહ્યું, એમના ચહેરા પર સ્મિત હતું અને આંખોમાં
ઝળઝળિયાં આવી ગયાં. શામ્ભવી પિતાના એક એક હાવભાવનો જાણે અભ્યાસ કરી રહી હતી, તું જન્મી
ત્યારથી તારા લગ્નના સપનાં જોતી હતી એ, પણ એને ક્યાં ખબર હતી કે, જ્યારે ખરેખર લગ્ન થશે ત્યારે
પોતે જ નહીં હોય! મને પણ બહુ યાદ આવે છે તારી મા.’
‘એક વાત પૂછું?’ શામ્ભવી બોલી. એણે પિતાના હાવભાવ બદલાયા કે નહીં એવી તપાસ કરવાનો
પ્રયત્ન કર્યો.
‘પૂછ… પૂછ.’ કમલનાથ એકદમ સહજ હતા.
‘આગ કેવી રીતે લાગી? મા કેવી રીતે સળગી ગઈ…’ આ સવાલની સાથે જ કમલનાથનો ચહેરો ધોળો
ધબ્બ થઈ ગયો. શામ્ભવીએ આગળ કહ્યું, ‘હું તો નાની હતી. લલિત અંકલ સ્કૂલમાં લેવા આવ્યા હતા. હું તો
ખુશ થઈ કે, અડધા દિવસની છુટ્ટી મળી, પણ સ્કૂલમાંથી આવી ત્યારે ખબર પડી કે, માનું બોડી લઈને ઘેર
આવે છે.’ કમલનાથ સાંભળતા રહ્યા, ‘ન્યૂઝ પેપર્સમાં અને મીડિયામાં ઘણું ચાલ્યું. ખૂન હતું કે આપઘાત.
એક્સિડેન્ટ હતો કે ષડયંત્ર… આગ તમારે માટે લગાવી હતી અને મા શિકાર થઈ ત્યાં સુધીનું બધું હું વાંચતી
રહી, સાંભળતી રહી…’ શામ્ભવીએ ઘણો પ્રયાસ કર્યો, પણ એ પોતાના આંસુ રોકી શકી નહીં, ‘આ બધું મેં
બીજા પાસે સાંભળ્યું. તમે કોઈ દિવસ કંઈ નથી બોલ્યા.’ એ ચૂપ થઈ ગઈ, એવી અપેક્ષામાં કે પિતા હવે કંઈ
કહેશે. કમલનાથ કંઈ જ બોલ્યા નહીં. સામેની દિવાલ તરફ એવી રીતે જોતા રહ્યા જાણે એમની આંખો
પત્થરની બની ગઈ હોય. ઘણીવાર સુધી એક વિચિત્ર સન્નાટો એ ઓરડામાં ગૂંગળાતો રહ્યો, પછી શામ્ભવીએ
ચૂપકીદી તોડીને પૂછ્યું, ‘ખરેખર શું થયું હતું, બાપુ?’ કમલનાથે દિવાલ પરથી નજર હટાવી નહીં, ‘હું જાણવા
માગું છું, તમારા મોઢે સાંભળવા માગું છું. એ બપોર, એ ભયાનક ઘટનાની વાત…’
‘બેટા! મેં ઘણીવાર કહ્યું છે તને, હું એ વાત યાદ કરવા નથી માગતો.’ કમલનાથ હજી દિવાલ તરફ જ
જોઈ રહ્યા હતા. એમણે શામ્ભવી સાથે નજર મિલાવ્યા વગર જ કહ્યું, ‘હું તો સચિવાલયની મારી ઓફિસમાં
હતો. મને સમાચાર મળ્યા કે ઘરમાં આગ લાગી છે. હું ઘર સુધી પહોંચું એ પહેલાં તો…’ એ જરાય રડ્યા
નહીં. એમનો અવાજ જાણે દુનિયાની પેલે પારથી આવતો હોય એવો દૂરથી સંભળાતો હતો, ‘અમે તારી માને
હોસ્પિટલ લઈ ગયા.’ એણે સહેજ અટકીને ઉમેર્યું, ‘હું અને પદ્મનાભ. તને સ્કૂલથી લાવવા માટે લલિતને
મોકલ્યો…’ એમણે દિવાલ પરથી નજર હટાવીને શામ્ભવી તરફ જોયું, ‘ઘરમાં તો તારી મા અને જડીબેન બે
જ જણાં હતાં. શું થયું, કેવી રીતે થયું… હું કેવી રીતે કહું તને?’

‘જડીબેનને તો ખબર હશે ને?’ શામ્ભવીએ પૂછ્યું. એને લાગ્યું કે, એના પિતા સહેજ સાવધ થયા,
પછી એણે વિચાર્યું કે, એ એના મનનો વહેમ પણ હોઈ શકે!
‘જડીબેન તો બહાર હતા, કમ્પાઉન્ડમાં લીમડો ચૂંટવા ગયા હતા.’ કમલનાથે સહેજ અટકીને કહ્યું,
‘એટલિસ્ટ એમણે એવું સ્ટેટમેન્ટ પોલીસને આપ્યું.’ ફરી એકવાર ઓરડામાં સન્નાટો ઘૂમરાવા લાગ્યો.
‘તમારે મા સાથે ઝઘડા થતા?’ શામ્ભવીના આ સવાલો કમલનાથને મૂંઝવવા લાગ્યા હતા. આજે
સમેસૂતરે પાર પડેલી એક મજાની સાંજ પછી આ બધી ચર્ચા કરવાની એમની જરાય તૈયારી નહોતી, પણ
શામ્ભવી જાણે ગાંઠવાળીને બેઠી હતી. એની આંખોમાં એક ઝનૂન, એક જીદ વંચાઈ કમલનાથને, ‘તમે ટાઈમ
નથી આપતા… એની વાત નથી સાંભળતા… એ એકલી પડી જાય છે… એવી કોઈ ફરિયાદ કરતી એ?’
કમલનાથે ફક્ત ડોકું ધૂણાવીને ‘ના’ પાડી, ‘તમારે કોઈ અફેર હતો?’ શામ્ભવીએ ખંજર સીધું પિતાની છાતીમાં
ઉતારી દીધું હોય એમ પૂછી નાખ્યું.
‘આ કઈ જાતનો સવાલ છે, બેટા?’ આવા ભયાનક સવાલથી ઉશ્કેરાયા વગર કમલનાથે શાંતિથી
જવાબ આપ્યો, ‘જો એવું કંઈ હોત તો તારા માના ગયા પછી લગ્ન ન કરી લીધા હોત? મને રોકનારું કોણ
હતું?’ હવે એમનાથી રહેવાયું નહીં, ‘આજે અચાનક આ બધું કેમ પૂછે છે તું?’
‘બસ! એમ જ… મનમાં આવ્યું ને પૂછી નાખ્યું.’ કહીને શામ્ભવી ઊભી થઈ ગઈ. એ રૂમની બહાર
જવા લાગી.
સામાન્ય રીતે પિતા-પુત્રી એકબીજાને ‘ગુડ નાઈટ’, ‘લવ યૂ’ કહ્યા વગર સૂતાં નહીં. આજે કોઈ જ
ઔપચારિકતા વગર શામ્ભવી જ્યારે રૂમની બહાર જવા લાગી ત્યારે કમલનાથે પૂછ્યું, ‘આજે જેલમાં ગઈ
હતી?’ શામ્ભવી એવી ભડકી જાણે કોઈએ પગ નીચે બોમ્બ ફોડ્યો હોય, ‘હું જાણું છું. જેલર સોલંકીને મેં જ
કહ્યું હતું કે, તને અંદર આવવા દે. શાંતિથી આખી જેલ બતાવવાની સૂચના આપી હતી મેં.’ એમણે સહેજ
ફિક્કા સ્મિત સાથે ઉમેર્યું, ‘તું જિદ્દી છે એ ખબર છે મને, એટલે કોઈપણ રીતે જવાની તો હતી જ…’
‘ત્યાં…’ શામ્ભવી કશુંક કહેવા ગઈ ને પછી એને શિવની સૂચના યાદ આવી એટલે એ અટકી ગઈ.
એણે ઊંડો શ્વાસ લઈને વાત બદલી નાખી, ‘ત્યાં ખૂનના, ચોરીના, બળાત્કારના કેદીઓને જોઈને મારું મગજ
ભમી ગયું છે. જાતજાતના વિચાર આવે છે. બહુ સવાલ થાય છે મને. આટલા બધા માણસો ગુનેગારો હોઈ
શકે, એ જોઈને હું…’ એણે ત્યાં જ ઊભા રહીને કહ્યું.
કમલનાથે ઊંડો શ્વાસ લીધો, જાણે નિઃસાસો નાખતા હોય એમ, ‘બેટા! ગુનેગાર આપણા બધામાં
હોય છે. તું સ્કૂલ બમ્પ કરીને પિક્ચર જોવા જાય એ પણ સ્કૂલ ઓથોરિટી માટે તો ગુનો જ છે ને?’ શામ્ભવી
સાંભળતી રહી, ‘નાની નાની ચોરી, છેતરપિંડી માણસનો સ્વભાવ છે, કાયદો તોડવાની મજા આવે છે માણસ
માત્રને…’ કમલનાથ સહેજ અટક્યા. પછી એમણે કહ્યું, ‘તું જે ગુનેગારોને મળીને એ જાનવર છે, માણસ
નથી.’ કમલનાથે વહાલથી વાત પૂરી કરી, ‘હું એટલે જ ના પાડતો હતો તને. તું બહુ સેન્સિટિવ છે. આવા
ખૂંખાર, જાનવર જેવા ગુનેગારોને મળીને જો તને આવું થાય છે તો એમની સાથે કામ કેવી રીતે કરી શકી હોત
તું? તારી જીદ ખોટી છે એ તને જ સમજાય માટે જ જવા દીધી તને… આઈ એમ ગ્લેડ કે, તું સમજી. હવે ફરી
જેલ તરફ જવાની જીદ નહીં કરે તું. એ વાતથી મને નિરાંત થઈ.’

‘યુ આર રોન્ગ…’ શામ્ભવીએ કહ્યું, કમલનાથ ચોંક્યા, ‘આજે આ ગુનેગારોને મળીને મને એવું સમજાયું
છે કે, એમને મદદની, કાઉન્સિલિંગની, આત્માની ખોજની જરૂર છે. સંત્રીઓ અને જેલર તો એમની સાથે
જાનવર જેવો વ્યવહાર કરે જ છે, કદાચ એટલે જ એ લોકો જાનવરમાંથી માણસ નથી બનતા, બાપુ.’
શામ્ભવીની વાત સાંભળીને કમલનાથને ફાળ પડી. એ શામ્ભવીને બરાબર ઓળખતા હતા, એટલે એ જે
બોલી રહી હતી એ વાતની દિશા શું હતી એ કમલનાથને અગાઉથી જ સમજાઈ ગયું હતું. શામ્ભવી જો
ખરેખર જેલમાં કામ કરવાની માગણી કરી બેસશે તો પોતે એ પરિસ્થિતિને કંઈ રીતે ટાળશે એ વાતનું ડેટા
પ્રોસેસિંગ એમના મગજમાં શરૂ થઈ ગયું. એ કંઈ બોલ્યા નહીં, શામ્ભવીને સાંભળતા રહ્યા, ‘જેલની વિઝિટ
પછી મારા મનમાં ક્લિયર થઈ ગયું છે કે, હું જે કરવા માગતી હતી એ જ બરાબર છે. હું આ કેદીઓ સાથે કામ
કરવા માગું છું, બાપુ. એમાંના જેટલાની જિંદગી સુધારી શકાય એટલાની જિંદગી સુધારવા માગું છું. ત્યાં
નાના નાના બાળકો છે, યુવાન સ્ત્રીઓ છે, કેટલાક 19-20, 24-25 વર્ષના કેદીઓ છે. એમની જિંદગીના
આવનારા વર્ષો એ જાનવર નહીં, પણ માણસ બનીને જીવે એવું અને એ માટે કામ કરવું છે મારે… શામ્ભવી
એક શ્વાસે બોલી ગઈ.
‘બેટા…’ કમલનાથને તરત કોઈ દલીલ સૂઝી નહીં, એટલે એમણે ચૂપ રહેવાનું પસંદ કર્યું.
‘મને ખાતરી છે કે, તમે મને ના નહીં પાડો. હું સમાજ સુધારની, માણસોની જિંદગી બહેતર
બનાવવાનું કામ કરવા માગું છું. એક પિતા તરીકે તમને ગૌરવ થવું જોઈએ અને તમારા કનેક્શન્સ એટલા છે કે,
મારી સલામતી માટે તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, રાઈટ?’ એણે પૂછ્યું. કમલનાથ અવાક્ હતા.
એમણે ધાર્યું નહોતું કે, શામ્ભવી આવી તર્કબધ્ધ દલીલો સાથે જેલમાં કામ કરવાની પરવાનગી માગશે. એમની
પાસે ના પાડવાનું કોઈ કારણ જ નહોતું છોડ્યું આ છોકરીએ!
‘આપણે કાલે વાત કરીએ?’ કમલનાથે આજે અને અત્યારે તો આ ઘાત ટાળી દીધી.
‘ઓકે.’ શામ્ભવીએ ડાહી કહ્યાગરી છોકરીની જેમ કહ્યું, ‘પણ, આઈ એમ શ્યોર કે તમે ના નહીં પાડો.’
એણે જતાં જતાં ઉમેર્યું, ‘હું તમારી પાસે જ શીખી છું કે, ઈશ્વર આપણને કોઈ લક્ષ્ય, કોઈ હેતુ સાથે મોકલે
છે. મને મારો હેતુ જડી ગયો છે.’ એણે છેલ્લું વાક્ય કહી નાખ્યું, ‘તમે મારી બધી ઈચ્છા પૂરી કરી છે, પણ આ
ઈચ્છા નથી, ધ્યેય છે, લક્ષ્ય છે… અને એમાં તમે મને વધુ મદદ કરશો એ મને ખબર છે.’ એણે રૂમની બહાર
નીકળતા કહ્યું, ‘લવ યૂ બાપુ, ગુડ નાઈટ.’
જોકે, કમલનાથની નાઈટ હવે ગુડ નહોતી રહી. આ છોકરીની જીદ સામે પોતે કઈ રીતે ટકી શકશે એ
વિચારે એમની ઊંઘ ઉડી ગઈ હતી.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *