‘બેટા નહીં હૈ વો, બાગી હૈ… ઉસે પકડના ઔર ખત્મ કરના અબ મુઘલિયા સલ્તનત કે લિયે
જરૂરી હો ગયા હૈ’ બાદશાહ અકબર પોતાના દીકરા સલીમ વિશે આ વાત કહે છે. શેખ સલીમ
ચિશ્તી પાસે ઉઘાડા પગે રેતીમાં ચાલતા જઈને માંગ્યો હતો એ પુત્ર જ્યારે એક કનીઝ-એની પ્રિયતમા
માટે પિતાની વિરુધ્ધ થઈ ગયો ત્યારે ભારતીય સિનેમાને ‘મુઘલ-એ-આઝમ’ જેવી ફિલ્મ મળી!
સલીમ અનારકલીની પ્રેમકથા ગમે તેટલી રોમેન્ટિક હોય, પરંતુ મુઘલ સલ્તનતના ઈતિહાસને
રક્તરંજિત કરનારી આ કથામાં દરેકે પોતપોતાની રીતે નવા નવા પરિમાણો ઉમેર્યા છે.
ઓટીટી પર રજૂ થયેલી વેબ સીરિઝ ‘તાજ-ડિવાઈડેડ બાય બ્લડ’માં અનારકલીને બાદશાહ
અકબરની કનીઝ તરીકે રજૂ કરવામાં આવી છે. પિતા જેનો કેદ કરીને ઉપભોગ કરે છે એવી સ્ત્રી માટે
પુત્રને પ્રમ થઈ જાય છે… એ જ કનીઝનો દીકરો દાનિયાલ, મુઘલ સલ્તનતના તખ્તનો વારસ
હોવાનો દાવો કરે છે… આખીયે કથાને જે રીતે કહેવામાં આવી છે એ રસપ્રદ ચોક્કસ છે, પરંતુ એમાં
કેટલું સત્ય છે એ આપણે જાણવું હોય તો મુઘલોનો ઈતિહાસ તપાસવો પડે.
મૂળ લૂંટારા, અને રખડતી પ્રજા એવા મોગલો સૌથી પહેલાં બાબર સાથે સમરકંદથી ભારતમાં
આવેલા. મંગોલિયામાં વસતા મંગોલો સૂકા રણમાં વસતા. લૂંટારા બનીને આજીવિકા ચલાવતા.
પોતાના દેશમાં કંઈ ન મળે ત્યારે બીજા દેશો પર આક્રમણ કરવાનો ખ્યાલ આવતો હોય છે.
મોંગોલોનો મૂળ વંશ એટલે ચંગીઝખાન. લૂંટ અને કત્લેઆમ કરતાં કરતાં એ ટર્કી પહોંચ્યો. ટર્કીની
સ્ત્રીઓ સાથે લગ્ન કરીને એને મંગોલિયા લઈ આવ્યા અને એમાંથી જે સંતાન ઉત્પન્ન થયા તે મુઘલ
કહેવાયા. આ મંગોલોમાંથી મુઘલ બનેલા સમરકંદના વિસ્તારની આજુબાજુ વસતા બાબરના પૂર્વજ
અહેમદ મિર્ઝા અને મામા મોહંમદ ખાંના દગાથી બાબર ભીખારી થઈ ગયો હતો. પોતાના પુત્ર હુમાયુ
સાથે સંતાતો ફરતો હતો. અંતે એણે નાનકડી સેના ભેગી કરી જેમાં પોતાના જેવા જ રખડુ, બેકાર
અને ક્રૂર યુવાનો હતા. એણે ભારત તરફ કૂચ કરી, જે રજવાડાં જીતતો એની સેનાને પોતાના સૈન્યમાં
ભેળવીને એક વિશાળ સેના બનાવી. દિલ્હીમાં ઈબ્રાહીમ લોદી પર હુમલો કરીને એને લૂંટ્યો. ત્યારે
સીરિદુર્ગ નામનો કિલ્લો હતો. આ સીરિદુર્ગ કદાચ પાંડવોના સમયના ઈન્દ્રપ્રસ્થ નગરનો બચેલો ભાગ
હતો, એમ માનવામાં આવે છે. સીરિદુર્ગ કિલ્લાને સમારકામ કરાવીને બાબરે ત્યાં રહેવા માંડ્યું અને
કિલ્લાને ‘દીનપનાહ’ નામ આપ્યું. ભારતમાં આવીને બાબર ચાર જ વર્ષ જીવ્યો. 1530માં એનું મૃત્યુ
થઈ ગયું. એ પછી હુમાયુ ગાદીએ બેઠો પણ દસ જ વર્ષમાં રાજ્ય ખોઈ બેઠો. શેરશાહ સૂરિ ચઢી
આવ્યો અને એનો પુત્ર સલીમ દિલ્હીની ગાદીએ બેઠો. હુમાયુ ઈરાન ભાગી ગયો અને ત્યાંથી
1555માં ફરી હુમલો કર્યો. હુમાયુનું મૃત્યુ થયું અને અકબર બાદશાહ બન્યો. અકબર ગાદીએ બેઠો
ત્યારે તેર વર્ષનો હતો. હુમાયુને બે પુત્રો હતા. એક અકબર અને બીજો હકીમ ખાં. અકબરે યુધ્ધ કરીને
હકીમ ખાંને હરાવી દીધો. અકબરે એને કાબૂલનો સુલ્તાન બનાવ્યો અને દિલ્હીથી દૂર કરી દીધો.
અકબરને ચાર પુત્રો થયા. સલીમ, મુરાદ, દાનિયાલ અને હુસૈન. અકબરનો સૌથી ક્રૂર અને
તેજસ્વી છતાં નકામો પુત્ર એટલે સલીમ. એની હિન્દુ રાણી જોધાબાઈથી જન્મેલો, જે પોતાના જ
ભાઈઓની હત્યા કરીને ગાદીએ આવ્યો. સત્ય તો એ હતું કે, પોતાના ત્રણેય ભાઈઓને મારી નાખ્યા
પછી સલીમને બાદશાહ બનતા કોઈ રોકી શકે એમ નહોતું તેમ છતાં, અકબરનું મૃત્યુ થાય ત્યાં સુધી
પ્રતીક્ષા કરવી એને મંજૂર નહોતી. ઈતિહાસ કહે છે કે, એ કેટલાંય વર્ષો સુધી જંગલોમાં ભટકતો રહ્યો,
અકબરનો ખજાનો લૂંટતો રહ્યો અને એને હેરાન-પરેશાન કરતો રહ્યો.
અકબરે સલીમના લક્ષણ જોઈને સલીમના જ પુત્ર ખુશરોને (સલીમની હિન્દુ પત્ની
માનબાઈથી જન્મેલા) ગાદીવારસ ઘોષિત કર્યો, પરંતુ જ્યારે સલીમને આ વાતની ખબર પડી ત્યારે
અકબરની તલવારને એણે પોતાના હાથમાં લઈ, ત્યાં હાજર તમામ લોકોની સામે અકબરની પાઘડી
જાતે પહેરીને પોતે જ પોતાની જાતને ‘બાદશાહ’ ઘોષિત કર્યો. બાદશાહ બનતા જ એણે પોતાનું નામ
‘જહાંગીર’ કરી નાખ્યું. પોતાના જ પુત્ર ખુશરોના મિત્રોને ચામડાના કોથળામાં સીવીને મારી નાખ્યા,
ખુશરોને આંધળો કરી નાખ્યો. ખુશરોના નાના ભાઈ ખુર્રમે પહેલાં તો પિતાની બાદશાહત સ્વીકારી
લીધી અને પછી પિતા સામે વિદ્રોહ કર્યો. ફરી એકવાલ મુઘલ સલ્તનતનો ઈતિહાસ દોહરાવવામાં
આવ્યો અને ખુર્રમ અઢાર ભાઈઓ અને કાકાઓની હત્યા કરીને ગાદીએ બેઠો. એણે પણ ગાદીએ
બેસીને પોતાનું નામ ‘શાહજહાં’ કરી નાખ્યું… શાહજહાંને નવ બેગમો હતી. જેમાંથી મુમતાઝમહેલ
(અરજુમંદબાનુ) એની પ્રિય બેગમ હતી. એને ચૌદ સંતાનો થયા જેમાંથી આઠ જ જીવતા રહ્યા. 1.
દારાસિકોહ, 2. શાહ સૂજા, 3. ઔરંગઝેબ, 4. મુરાદબક્ષ. ચાર શાહજાદીઓ, 1. પરવુનારબેગમ, 2.
જહાંઆરાબેગમ, 3. રોશનઆરાબેગમ, 4. ગૌહરબેગમ. મુઘલ સલ્તનતનો ઈતિહાસ ફરી એકવાર
દોહરાવવામાં આવ્યો અને ઔરંગઝેબ ગાદીએ બેઠો અને એણે પણ પિતાને કેદ કર્યા અને ત્રણ
ભાઈઓને મારી નાખીને એમના માથાં કિલ્લાના દરવાજા પર લટકાવ્યાં.
ઓટીટી પર એક બીજી સીરિઝ ‘એમ્પાયર’ના નામે પણ બનાવવામાં આવી છે જેમાં બાબર
અને હુમાયુની કથા છે, ‘તાજ’ અકબર અને એના પછીની કથા કહે છે… સવાલ એ છે કે, આ મુઘલ
ઈતિહાસને આપણે આટલો બધો ગ્લોરિફાય શું કામ કરીએ છીએ? રક્તરંજિત અને એકમેકના
લોહીના પ્યાસા એવા આ મોગલોએ ભારતને અંગ્રેજોના હાથમાં સોંપી દીધું. સો વર્ષ સુધી આપણો
દેશ ગુલામ રહ્યો એનું કારણ મુગલોની બેપરવાહી અને કંઈક અંશે મૂર્ખતા.
ભારતના ઈતિહાસમાં એવા અનેક જાંબાઝ રાજવીઓ છે જેમનો ઈતિહાસ આપણી નવી
પેઢીને પ્રેરણા આપી શકે, ભારત માટે એમના મનમાં આદર અને સન્માન જગાડી શકે. સૌરાષ્ટ્રના
ઈતિહાસમાં એવા કેટલાય શૂરા અને સંત છે જેની કથા નવી પેઢીમાં આત્મસન્માન જગાડી શકે.
દક્ષિણમાં પણ એવા અદભૂત રાજાઓ થયા જેમણે સુંદર સ્થાપત્ય અને કલાથી આપણા દેશને સમૃધ્ધ
કર્યો. એના વિશે પણ ફિલ્મ બની છે, ‘પીએસ વન અને ટુ’ (ચૌલ રાજાઓના વંશની આ કથા છે).
એક તરફથી આપણે આતંકવાદનો વિરોધ કરી રહ્યા છીએ. વિશ્વભરમાં શાંતિની અપીલ કરી
રહ્યા છીએ અને બીજી તરફ આવા લોહિયાળ ઈતિહાસને ફરી ફરીને આપણી નવી પેઢીને યાદ કરાવી
રહ્યા છીએ.
આપણે ખરેખર વારસામાં શું આપી જવું છે? શાંતિ કે સત્તાલાલસા…