દિવાળી પૂરી થઈ, દેવદિવાળી પણ વિતી ગઈ, 11 નવેમ્બર, 11 વાગ્યે ઘણા લોકોએ
જાતભાતના પ્રયોગો કર્યા. દિવાળીની પૂજા વિશે અચાનક અવનવી માહિતી ઈન્ટરનેટ પર ફરવા
લાગી. ધનતેરસના દિવસે જાડું ખરીદવું, એલચી, લવિંગ, ખારેક, પૈસા, ચોખા, હળદર જેવી
વસ્તુઓની પોટલી બનાવવી… લગભગ દરેક પ્રયોગ પૈસા કમાવા માટે-ધન વર્ષા માટે અને ધાર્યાં
કામ પાર પાડવા માટેના વચન સાથે જે આત્મવિશ્વાસથી ઈન્ટરનેટ પર રજૂ થયા એ હાસ્યાસ્પદ
હતા. જે લોકોએ સોશિયલ મીડિયા ઉપર જોયું હશે, એ બધાને ખબર હશે કે આ વર્ષે અચાનક
લક્ષ્મીની પોટલી, યમનો દીવો, નેગેટિવિટી ભગાડવાના રસ્તાથી શરૂ કરીને કોઈએ આપણા ઉપર
કોઈ મેલીવિદ્યાનો પ્રયોગ કર્યો હોય એને કેવી રીતે જાણી શકાય, શોધી શકાય એ વિશેના
જાતભાતના રીલ્સ આ વર્ષે ફરતાં રહ્યાં છે. સોશિયલ મીડિયા ઉપર કેટલાંય લોકો નેગેટિવિટી
નાબૂદ કરી શકવાનો, ધન વર્ષા કરાવી શકવાનો દાવો કરતા રહ્યા! અમુક આંકડા લખીને
તમાલપત્ર બાળવું, માથા નીચે અમુક ચીજ રાખવી, અમુક વસ્તુઓને કોડિયામાં સળગાવવી…
આવી સલાહોનો આ વર્ષે અચાનક જાણે રાફડો ફાટ્યો. નવાઈની વાત એ છે કે, આવા રીલ્સને ન
માની શકાય તેવી લાઈક્સ અને ફોરવર્ડ મળ્યા! એક તરફથી આપણે વિકાસની વાતો કરીએ છીએ,
એઆઈ અને વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યા છે તો બીજી તરફ, આવા ટુચકા વધુને વધુ લોકપ્રિય
થઈ રહ્યા છે.
ગયા વર્ષે સફળ થયેલી ફિલ્મોનું લિસ્ટ થોડું વિચિત્ર છે. આ વર્ષની સફળ ફિલ્મોમાં
‘શૈતાન’, ‘સ્ત્રી 2’ની સાથે ‘મૂંજ્યા’ અને ‘તુમ્બાડ’ પણ છે! હોરર-અથવા હોરર કોમેડીનો એક
નવો જ વિષય છેલ્લા બે-ચાર વર્ષથી પ્રેક્ષકોને ગમવા લાગ્યો છે. ગુજરાતીમાં બનેલી ‘વશ’ના રાઈટ્સ
હિન્દીમાં વેચાયા, અને વિરાજ ઘેલાણી અને માનસી પરીખની ‘ઝમકુડી’એ ગુજરાતીની બોક્સ
ઓફિસમાં સંજીવની રેડીને ફરી એક વાર નાનકડો આર્થિક ધક્કો મારી આપ્યો, તો ‘કારખાનું’ નામની
ગુજરાતી ફિલ્મને ગોઆ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશિયલ એન્ટ્રી મળી. આ ત્રણેય ફિલ્મો હોરર
અથવા હોરર કોમેડીના ઝોનરમાં છે.
હવે સવાલ એ છે કે, હોરર-સુપર નેચરલ-ભૂતપ્રેત-જિન-પિશાચ-ડાકણની કથાઓ આપણને કેમ
આકર્ષે છે? ઘણા લોકો કહે છે કે, એ આવા કોઈ સુપર નેચરલ પાવરમાં માનતા નથી-
પેરાસાયકોલોજી, પેરાનોર્મલ એક્ટિવિટી જેવી બાબતોમાં એમને શ્રધ્ધા નથી. એવા લોકો માટે
આવી બાબતો ‘અંધશ્રધ્ધા’ છે. કેટલાક લોકો કાળી ચૌદશે સ્મશાનમાં જાય, તો કેટલાક આવા
હોન્ટેડ કહેવાતા મકાનોમાં રહીને એમનું વિજ્ઞાન અને તર્ક પૂરવાર કરવાનો પ્રયત્ન કરે છે. કેટલાક
લોકો પોતાને થયેલા અનુભવની વાત કહે છે-એમાં ક્યારેક ‘વા વાયાથી નળિયું ખસ્યું, તે દેખીને
કૂતરું ભસ્યું’ જેવી વાત પણ હોય, ને ક્યારેક એમને થયેલી અનુભૂતિનું સત્ય ફક્ત એ જ સમજી કે
અનુભવી શકે એવું પણ હોય.
માણસ તરીકે આપણે વિચારીએ તો સમજાય કે, જે વસ્તુ આપણે જોઈ નથી, જેની
આપણને અનુભૂતિ નથી થઈ, એનું અસ્તિત્વ જ નથી-એવું કહી શકાય ખરું? જેમ આપણી
પાસે આપણું એક જગત છે-પૃથ્વી નામનો જીવતો ગ્રહ છે એમ અનેક સૂર્યમાળાઓ છે, વિશાળ
બ્રહ્માંડ છે એવું આપણને વિજ્ઞાને શોધી આપ્યું, ત્યારે આપણને જાણ થઈ… ગેલિલિયોએ
પહેલીવાર કહ્યું કે, પૃથ્વી ગોળ છે, ત્યારે એને મૃત્યુદંડ મળ્યો… આપણને નરી આંખે ન દેખાય
એવા કેટલાંય જીવો, બેક્ટેરિયા આપણી આસપાસ શ્વાસ લે છે. નજરે ન દેખાય છતાં, અનેક
વાયુઓ વાતાવરણમાં છે, એમાંથી આપમેળે ઓક્સિજન છુટો પડે છે, પ્રાણ બનીને આપણા
શ્વાસમાં પ્રવેશે છે. કાર્બન ડાયોક્સાઈડ બનીને બહાર નીકળી જાય છે-ફરી વાતાવરણમાં ભળી
જાય છે. આ બધું કેટલું ઝડપથી અને કુદરતી રીતે થયા કરે છે. વનસ્પતિ શ્વાસ લે છે, સૂર્ય
પ્રકાશની મદદથી હરિતકણો પોતાનો ખોરાક બનાવે છે એવું જ્યાં સુધી જગદીશચંદ્ર બોઝ દ્વારા
પ્રસ્થાપિત ન થયું ત્યાં સુધી આપણે ક્યાં જાણતા હતા?
એવી જ રીતે, જે જોઈ શકે છે-જે અનુભવી શકે છે એને માટે એક અગોચર વિશ્વનું
અસ્તિત્વ છે. સામાન્ય માણસને કદાચ, પોતાના રોજિંદા જીવનમાં આવો કોઈ અનુભવ થતો
નથી-કદાચ થાય, તો એ અનુભવને ઝીલી શકવા કે સમજી શકવા જેટલી સંવેદનશીલતા ન હોય
એવું પણ બને! જેમ અજવાળાનું અસ્તિત્વ છે, એમ અંધારાનું અસ્તિત્વ નકારી તો ન જ શકાય!
જેમ ઈશ્વરના અસ્તિત્વ વિશે પ્રશ્ન છે, એવી જ રીતે ઈશ્વર સિવાયના અન્ય અસ્તિત્વો વિશે
પણ આપણી પાસે કોઈ સાબિતી નથી. વિષય શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની વચ્ચે ક્યાંક અટવાય છે.
માણસ માત્ર પ્રકૃતિએ જ ડરપોક છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન-જીવ માત્રના
અસ્તિત્વનો અંશ છે. આપણને સૌને ભયથી રોમાંચ થાય છે. કશુંક એવું જેના વિશે આપણે
જાણતા નથી-જે નરી આંખે દેખાતું નથી, પરંતુ એની પાસે અપાર શક્તિ છે. એ શક્તિનો
સદઉપયોગ કે દુરુપયોગ કરીને આવું કોઈ અસ્તિત્વ આપણું નુકસાન કે ફાયદો કરાવી શકે છે
એવી માન્યતા જ આ ‘હોરર’ અથવા ‘પેરાનોર્મલ’ અસ્તિત્વને બળ આપે છે.
કોણે શું માનવું જોઈએ, અને કોણે શું નકારવું જોઈએ-એ વિશે આપણી પાસે અંગત
અભિપ્રાય હોઈ શકે, પરંતુ એનો કોઈ નિશ્ચિત નિયમ નથી! મહત્વની વાત એ છે કે, કોઈપણ
શક્તિ-જે, આપણી સમજ અને પહોંચની બહાર હોય એના વિશે ભય અને કુતૂહલ બંને
સ્વાભાવિક છે. આમ તો આપણે ઈશ્વરથી પણ ડરીએ જ છીએ ને? જગતની કોઈપણ શક્તિ,
ભૂતપ્રેત હોય કે અણુબોમ્બ, ઈશ્વર હોય કે પ્રકૃતિ-એનો સારો અને ખરાબ બંને ઉપયોગ થઈ શકે
છે. જેમ ઈશ્વર તેજનો અંશ છે, એવી જ રીતે અંધકારનો અંશ પણ અસ્તિત્વ ધરાવતો હોવો
જોઈએ. ઈશ્વરના અસ્તિત્વની અનુભૂતિને ચમત્કાર કે સાક્ષાત્કાર તરીકે ઓળખવામાં આવે છે.
એ પોઝિટિવિટી છે, શ્રધ્ધા છે, આશા છે, શુભ છે એવી જ રીતે કોઈ નેગેટિવિટી, નિરાશા અને
અશુભ પણ આ જગતનો જ હિસ્સો છે.
સાચું પૂછો તો માણસની ભીતર જ આ તેજ અને અંધકાર-આશા અને નિરાશા, શ્રધ્ધા
અને અંધશ્રધ્ધા વસે છે. આપણે જેનાથી ભય પામવો જોઈએ એ આપણી ભીતરનો અંધકાર છે.
જે લોકો આવા અંધકારની મદદ લઈને પૈસા કે પ્રસિધ્ધિ, સત્તા કે સંપત્તિ મેળવવાના ધમપછાડા
કરે છે એ સૌ જાણે-અજાણે નેગેટિવિટીને પ્રોત્સાહન આપે છે. જેમ રાવણ સોનાની લંકામાં વસે
તેથી એ અસૂર મટી નથી જતો અને રામ વનમાં વસે તેથી એમનું ઐશ્વર્ય ઓછું નથી થતું.
ટુચકા બતાવનારાને તો લાઈક્સ જોઈએ છે. એમને એમના સોશિયલ મીડિયાને બુસ્ટ
કરવું છે-બાકી લક્ષ્મીની પોટલી બનાવવાથી જો ધન વર્ષા થતી હોય તો નોકરી છોડીને ઘેર બેસી
જવું જોઈએ એવું નથી લાગતું?