કોરોના શરૂ થયો ત્યારે, સહુ માનતા હતા કે આ થોડા વખતની રમત છે. ત્રણ મહિનાના લોકડાઉન પછી સહુને સમજાયું કે આ
સહેલાઈથી પીછો છોડે એવી બીમારી નથી. લગભગ 11 મહિના સુધી ડરીને, સહેમીને, સાવધાની રાખીને જીવ્યા પછી, ઉત્સવો
ઊજવવાનું ટાળ્યા પછી અચાનક જ ચૂંટણી જાહેર થઈ. ટોળેટોળા જાહેર સભાઓમાં ભેગાં થયા અને કોરોનાનો એક નવો સ્ટ્રેઈન
શરૂ થયો. હજારોની સંખ્યામાં વધી રહેલા કેસીસ ગયા વર્ષના રેકોર્ડ તોડી રહ્યા છે. માંડ ખુલેલાં થિયેટર્સ અને મૉલ્સ ફરી બંધ થઈ
ગયા છે. હાઈકોર્ટે વીકેન્ડ લોકડાઉનનો ઉપાય સૂચવ્યો પરંતુ સરકારે નાઈટ કર્ફ્યુથી સંતોષ માન્યો છે. રેસ્ટોરાંઝ વહેલી બંધ થશે,
લારી-ગલ્લા સમેટી લેવા પડશે. જે લોકો પાસે પોતાની સલામત નોકરી કે બચત છે એને માટે બહુ અઘરું નહીં પડે, કદાચ! ફરી
એકવાર લોકડાઉન થશે એ ભય હેઠળ જનસામાન્ય વસ્તુઓનો સંગ્રહ કરવા દોડાદોડી કરી રહ્યાં છે. રોજ આપઘાતના અને
અપમૃત્યુના સમાચાર આવ્યાજ કરે છે ત્યારે, ખાવાના પણ પૈસા ન હોય એવી સ્થિતિમાં દેશના 70 ટકા લોકો જીવી રહ્યા છે.
આ આંકડો વધવાનો ભય આપણા સહુ પર તોળાઈ રહ્યો છે. આવા સમયમાં મનોરંજન તો સૌથી છેલ્લે, અથવા કદાચ
પ્રાયોરિટીના લિસ્ટમાં જ નથી.
એક એવી ઈન્ડસ્ટ્રી જે છેલ્લા 200 વર્ષથી ભારતના અર્થતંત્રના પૈડા ઘુમાવવાનું કામ કરી રહી છે, એક એવી ઈન્ડસ્ટ્રી જે ગરીબ
લારી ખેંચતા મજૂરથી શરૂ કરીને ઉચ્ચ-ઉચ્ચતર કે શ્રીમંત વર્ગના સહુને કામ આપે છે. એ ઈન્ડસ્ટ્રી છેલ્લા દોઢ વર્ષથી તદ્દન બંધ
છે. નાટક અને સિનેમાની દુનિયા જેને આપણે મનોરંજનનું જગત કહીએ છીએ, એ ઈન્ડસ્ટ્રી આખા દેશમાં લગભગ 10 લાખ
લોકોને કામ આપે છે. સ્પોટબોય, લાઈટ ઊંચકનારા મજૂરોથી શરૂ કરીને, સેટ લગાડનારા મિસ્ત્રી કે મેકઅપ આસિસ્ટન્ટ અને છેક
સ્ટાર સુધીનું એક પિરામિડ આ ઈન્ડસ્ટ્રીમાંથી કમાય છે. સાથે કેટરિંગ, ટ્રાન્સપોર્ટ, હોટેલ, પ્રવાસ જેવી બીજી કેટલીયે સમાંતર
ઈન્ડસ્ટ્રીઝ પણ આ મનોરંજનની ઈન્ડસ્ટ્રીમાંથી પોતાની રોજી રળે છે. બેન્ક, એકાઉન્ટિંગથી શરૂ કરીને ડબિંગ સ્ટુડિયો, એડિટિંગ
સ્ટુડિયો અને સિનેલેબ્સ/VFX જેવી પણ બીજી ટેકનિકલ પાંખ છે. જેમનો આધાર મુખ્યત્વે સિનેમા અને જાહેરાતની દુનિયા પર
છે. દર વર્ષે ભારતમાં જુદી જુદી ભાષાની 500થી વધુ ફિલ્મો રિલીઝ થાય છે. એની સાથે જોડાયેલા થિયેટરનો એક અલગ
વ્યવસાય છે. એ તોતિંગ તાજેમહેલને મેઈનટેઈન કરવાવાળા પણ પોતાની રોજી થિયેટરમાંથી જ કમાય છે. ક્લિનર, ડોરકીપર
અથવા મેઈન્ટેનન્સ અને સિક્યોરિટી એજન્સી સહિત કેટલા લોકો પોતાની નોકરી ગુમાવી બેઠા છે એનો અંદાજ લગાવવો
અશક્ય છે. એક અંદાજિત આંકડા પ્રમાણે મનોરંજન અને એની સાથે જોડાયેલા બધા સમાંતર વ્યાપારોનો વિચાર કરીએ તો
અત્યારે આખા દેશમાં એક કરોડથી વધુ લોકો પોતાનું કામ શરૂ થવાની પ્રતિક્ષા કરી રહ્યા છે. એમાં ફિલ્મસ્ટાર પણ છે અને સેટ
પર ઈસ્ત્રી કરતો ધોબી પણ છે… વેનિટી વેન ભાડે આપતી એજન્સી પણ છે. સેટ પર ઈક્વિપમેન્ટ સપ્લાય કરતી કંપની પણ
છે… આપણે તો માત્ર 300-400 રૂ.ની ટીકિટ લઈને એક સાંજ પૂરતુ ત્રણ કલાકનું મનોરંજન માણીતા રહ્યા છીએ પરંતુ, એની
પાછળ કેટલાં મગજ, કેટલી મહેનત, કેટલા માનવીય કલાકો અને કેટલી મજૂરી હોય છે એનો વિચાર કરવાની હજુ સુધી જરૂર
પડી નથી. પરંતુ હવે, પરિસ્થિતિ બદલાઈ છે. કલાકારોના આપઘાતના સમાચાર તો મીડિયા સુધી પહોંચે છે પરંતુ, ઈન્ડસ્ટ્રીના
આ તોતિંગ પિરામિડના પાયામાં જે લોકો સાવ નીચે અથવા ગ્રાસરૂટમાં છે, જેમના વગર આ ઈન્ડસ્ટ્રી ક્યારેય ઊભી ના રહી શકે
એ લોકોની સાથે શું થઈ રહ્યું છે, એ વિશે જાણવા કે જણાવવામાં મીડિયાને કોઈ રસ પડતો નથી.
કઈ અભિનેત્રી ક્યાં સ્પોટ થઈ અથવા કઈ ગાડીની ટેસ્ટડ્રાઈવ લીધી, કોણ કઈ રેસ્ટોરાંમાં જમવા ગયા એ વિશેના સમાચાર તો
મીડિયામાં ચાટ મસાલો ભભરાવીને છપાય છે પરંતુ, મનોરંજનના જગતમાં જે લોકો ક્યારેય પડદા પર દેખાતા નથી, પરંતુ
જેમના અસ્તિત્વ વગર આખી ઈન્ડસ્ટ્રી પાંગળી થઈ જાય એવા લોકોની ચિંતા ભાગ્યે જ કોઈ કરે છે. ભારતીય મનોરંજનના આ
જગતમાં નાટ્ય જગત પણ સામેલ છે. બેકસ્ટેજથી શરૂ કરીને એક્ટર સુધીના બધા જ ફરી એકવાર ઓડિટોરિયમ ઉઘડવાની
પ્રતિક્ષા કરી રહ્યા છે. વચમાં થોડો વખત મુંબઈમાં અને અમદાવાદમાં થિયેટર ખુલ્યાં, પરંતુ કોરોનાનો કહેર એવો હતો કે લોકો
થિયેટર સુધી પહોંચ્યા જ નહીં. દસ અને બાર લોકો સાથે એસી, પ્રોજેક્ટર અને મેઈન્ટેનન્સ સાથે થિયેટરને ટકાવી રાખવું
અસંભવ છે. ખાસ કરીને, એવા સમયમાં લગભગ એક વર્ષથી આવક ઝીરો છે. મોટી મોટી ફિલ્મો ઓટીટી પર રિલીઝ કરી દેવા
હવે નિર્માતાઓ બેબાકળા થયા છે. જે ફિલ્મો વિશે સતત આપણને સંભળાયા કરે છે એવી દસ મોટી ફિલ્મો, જેના નિર્માણમાં
સેંકડો કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે એવી ‘બ્રહ્માસ્ત્ર’, ‘રાધે’, ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘સરદાર ઉધમ સિંહ’, ‘અતરંગી રે’, ‘પઠાન’,
‘જર્સી’, ‘83’, ‘લાલ સિંહ ચઢ્ઢા’, ‘સૂર્યવંશી’ જેવી કેટલીયે ફિલ્મો હિન્દી ઈન્ડસ્ટ્રીમાં રિલીઝની પ્રતિક્ષા કરી રહી છે તો બીજી
તરફ તમિલ, તેલુગુ, કન્નડ મલયાલમ, બંગાળી અને મરાઠી સહિત અનેક ભાષાની ફિલ્મો અત્યારે રિલીઝની પ્રતિક્ષામાં ચૂપચાપ
વ્યાજ ચૂકવી રહી છે.
કેટલીયે ફિલ્મસના શુટિંગ શરૂ થઈને અટકી પડ્યા છે. ‘મૈદાન’ના સેટ પર 43 લોકોને કોરોના પોઝિટીવ આવતાં શુટિંગ અટકાવી
દેવું પડ્યું. એ સિવાય પણ પ્રાદેશિક ભાષાની અને હિન્દી ફિલ્મોના શરૂ થયેલા શુટિંગ ખોરંભે ચડ્યા છે. લખેલી સ્ક્રિપ્ટ્સ ધૂળ
ખાય છે, લગભગ દરેક એક્ટરની ડેટ્સ અને ડાયરી ગુંચવાય છે. આ વર્ષે જે ફિલ્મો પુરી થવાની આશા હતી એમાની કેટલીક શરૂ
જ નથી થઈ. લગાવેલા સેટ થોડા દિવસ રાખીને ઉતારી લેવા પડ્યા છે… આપણે જાણતા નથી પરંતુ ફિલ્મનું અર્થશાસ્ત્ર સાવ
જૂદું છે. શોર્ટટર્મના ઉંચા વ્યાજે ફરતા પૈસા, કેશ અને ચેકના વ્યવહારો, ચૂકવાઈ ગયેલા સાઈનિંગ અમાઉન્ટ અને શિફ્ટના
ભાડાંના ગણિત અજબ હોય છે. દર શુક્રવારે બદલાઈ જતી સ્ટારડમની વ્યાખ્યા અત્યારે જાણે કે એક વર્ષથી કોઈ
હાઈબરનેશનમાં-સુષુપ્ત અવસ્થામાં પડી છે.
મોટાભાગના નિર્માતાઓએ હવે ધીરજ ખોઈને થિયેટર રિલીઝના આશા છોડી દીધી છે. જેમની પાસે હોલ્ડિંગ કેપેસિટી નથી
એવા લોકોએ પોતાનું ઈન્વેસ્ટમેન્ટ બહાર કાઢવા માટે જે મળ્યા તે ભાવે પોતાની ફિલ્મો કે એને વેબસીરિઝમાં તબદીલ કરીને
ઓટીટીને વેચી દીધી છે. નવાઈની વાત એ છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરોડોનું નુકસાન છે જ્યારે બીજી તરફ ઓટીટીના પ્લેટફોર્મ
ધૂમ કમાણી કરી રહ્યા છે. વિશ્વભરમાં દેખાતુ ઓટીટીનું પ્લેટફોર્મ એક તરફ સસ્તા ભાવે કન્ટેન્ટ ખરીદી રહ્યું છ અને બીજી તરફ
મન્થલી સબસ્ક્રિપ્શનના નામે કરોડો કમાઈ રહ્યું છે. થિયેટર નહીં ખોલવા કે ખુલવા દેવાના આ નિર્ણય પાછળ પણ ઓટીટી
પ્લેટફોર્મનું મોટુ રાજકારણ છેક અમેરિકા અને સિંગાપોર બેઠેલા માંધાતાઓના નિર્ણય સામેલ છે. ભારતીય ઓટીટી પ્લેટફોર્મ્સ
પણ આ રમતમાં પાછળ નથી.
જે ઈન્ડસ્ટ્રીમાં દર વર્ષે હજારો કરોડના ટર્નઓવર થતા હોય એ ઈન્ડસ્ટ્રી અચાનક ઠપ થઈને બેસી જાય તો એની સાથે જોડાયેલા
લોકોને પણ નુકસાન થાય જ. થિયેટર ક્યારે ખુલશે એ વિશે હજી આપણી પાસે કોઈ નક્કી દિવસ, તારીખ કે વચન નથી.
કોરોનાના નવા સ્ટ્રેને દરેકના અર્થશાસ્ત્રને ઉથલાવી પાડ્યું છે. સાચુ પૂછો તો આ યુદ્ધની પરિસ્થિતિ છે. આપણે બધા જ, આખું
વિશ્વ યુદ્ધે ચડ્યું છે. આ યુદ્ધના નિયમો અને ધોરણો જુદા છે. અહીં જાનહાનિ પુષ્કળ પ્રમાણમાં છે પરંતુ, કોઈ હથિયાર નથી.
અહીં કોઈ, અન્ય વ્યક્તિ સામે નથી લડી રહ્યું. આપણે સહુ પરિસ્થિતિ સામે લડી રહ્યા છીએ. આપણી નાનામાં નાની મૂર્ખાઈની
મોટામાં મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ.
અત્યાર સુધી જે સામૂહિક અથવા સામાજિક અનુભવ હતો, એક આખો પરિવાર સાથે ફિલ્મ જોવા જાય… એક ફેમિલી
ઈવનિંગનું પ્લાનિંગ થાય અને બદલે હવે મનોરંજન હવે અંગત અનુભવ બનતો જાય છે. કદાચ એને જ કારણે હવે સેક્સ, હિંસા,
ગાળાગાળીનો ઉપયોગ કરવામાં ઝાઝો છોછ રહ્યો નથી કારણ કે, મોટાભાગના મેકર્સ જાણે છે કે આ કન્ટેન્ટ એક વ્યક્તિ બેસીને,
એકલી જ નિહાળવાની છે. આમ પણ, 80 પછીની પેઢી માટે એમનું મનોરંજન એમના આઈપેડ કે લેપટોપ પૂરતું જ સીમિત
થઈ ગયું છે. કોઈ એક જમાનામાં એક મેસેજ આપતી ફિલ્મ, કે પારિવારિક અનુભવમાંથી તો આપણે નીકળી જ ગયા છીએ
પરંતુ, હવે ફિલ્મની ભાષા પણ શુદ્ધ હિન્દી કે સાચા ઉચ્ચારો સાથેની યાદ રહી જાય તેવા ડાયલોગ કે દ્રશ્યો સાથેની કોઈ અદભુત
ભાષાને બદલે સામાન્યત: ગલીચ અને ઉબાઈ જવાય તેટલી ગાળો સાથેની ભાષા બનતી જાય છે.
આજે જે નુકસાન આપણે વહોરી રહ્યા છીએ એનું મૂલ્ય આવનારી અનેક પેઢીઓએ ચૂકવતા રહેવું પડશે એની આપણને કલ્પના
સુધ્ધા નથી. જો હજી એક સીઝન થિયેટર રિલીઝ નહીં થાય કે ઓડિટોરિયમ નહીં ખુલે તો મનોરંજનની વ્યાખ્યા બદલાઈ જશે.