2012, 24 એપ્રિલ… શીના બોરા નામની એક છોકરી, ગૂમ થાય છે! એના
સાવકા પિતાનો પુત્ર રાહુલ મુખર્જી વરલી પોલીસ સ્ટેશનમાં શીનાના ગૂમ હોવાની
ફરિયાદ લખાવા જાય છે. ફરિયાદ લેવામાં આવતી નથી. એખ યા બીજા કારણસર
શીના બોરાના ગૂમ થવાની ફરિયાદ કોઈપણ પોલીસ સ્ટેશનમાં લખવામાં આવતી
નથી. રાહુલ મુખર્જી, ગૂમ થયેલી છોકરી શીનાના સાવકા પિતાનો પુત્ર છે, પરંતુ
2009થી 2012 સુધી શીના અને રાહુલ ‘લિવ ઈન રિલેશનશિપ’માં રહે છે! શીના
બોરાની મા ઈન્દ્રાણી મુખર્જી જેણે પહેલાં લગ્ન ગૌહાતીમાં કર્યાં-પોતાના બાળકોને
નાના-નાનીના ભરોસે મૂકી એણે સંજીવ ખન્ના નામની વ્યક્તિ સાથે બીજાં લગ્ન કર્યાં,
એ લગ્નમાં એક દીકરી થઈ. સંજીવ સાથે છૂટાછેડા લઈને એણે મુંબઈમાં મીડિયા
ટાઈકુન પીટર મુખર્જી સાથે લગ્ન કર્યાં… પોતાની દીકરી શીનાને એણે પોતાની બહેન
તરીકે ઓળખાવી અને પોતાની સાથે રહેવા લઈ આવી, એ પછી શીના ગૂમ થઈ.
શીનાનો લખેલો એક પત્ર, એના ફોન પરથી રિલેશનશિપ તોડવાનો મેસેજ જેવા
પૂરાવા ઈન્દ્રાણી ઊભા કરે છે, રાહુલને એવું સમજાવે છે કે, શીના અમેરિકા ચાલી
ગઈ છે, પરંતુ શીનાનો પાસપોર્ટ રાહુલ પાસે છે… રાહુલના સવાલોના કોઈ જવાબ
નથી મળતા… અંતે, શીનાની મા ઈન્દ્રાણી, એના બીજા પતિ (શીનાના સાવકા પિતા)
સંજીવ ખન્ના અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવે છે! શીનાનો ભાઈ મિખાઈલ
બોરા પણ આ કેસમાં સંશોધન અને ન્યાયની માંગ કરે છે… રાહુલ મુખર્જી આ કેસનું
મુખ્ય વિટનેસ છે, જે પોતાની મા અને સાવકા પિતા વિરુધ્ધ સરકારી સાક્ષી થવા
તૈયાર છે તેમ છતાં, શીના બોરાને જામીન મળે છે. એ જેલની બહાર છે, એટલું જ
નહીં, એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ધ બરીડ ટ્રુથ’ બની, સાથે જ એક ફિચર ફિલ્મ ‘ડાર્ક
ચોકલેટ’ પણ બની… દિવસો-મહિનાઓ સુધી એ કેસ મીડિયા માટે ગરમ ગરમ
ભજિયાંની જેમ વેચાતો રહ્યો, પરંતુ થોડા સમય પછી નવો કેસ, નવી વિગતો અને
નવી ચકચારને કારણે હવે એ કેસ વિસારે પડી ગયો છે!
એક મા પોતાના સંતાનની હત્યા કરે? પૈસા માટે, પ્રસિધ્ધિ માટે, પોતાના ઈગો
કે અહંકારને સાચવી રાખવા માટે? આરૂષિ હત્યાકાંડમાં પણ આવો જ આક્ષેપ
કરવામાં આવ્યો હતો… પ્રશ્ન એ છે કે, હિન્દી ફિલ્મો, વાર્તાઓ, નવલકથામાં ‘મા’નું જે
ચિત્ર આપણી સામે ઊભું કરવામાં આવે છે એ કોઈ સમર્પિત, ત્યાગ, બલિદાન કરતી
કોઈ ‘દેવી’ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. ગુજરાતી કહેવતોથી શરૂ કરીને ગીતો,
કવિતાઓ દરેક જગ્યાએ ‘મા’નું સ્વરૂપ આપણા હૃદયને સ્પર્શી જાય એવું, ઋજુ અને
કોમળ છે, પરંતુ શીના અને આરૂષિની મા પણ આ જગતમાં અસ્તિત્વ ધરાવે છે.
દક્ષિણ ભારતમાં, આસામમાં, બિહાર અને ઉત્તર પ્રદેશના કેટલાક રાજ્યોમાં મા જ
પોતાના સંતાનને વેચી નાખે એવા કિસ્સા આપણે સાંભળ્યા છે-વાંચ્યા છે. પોતાના
પ્રેમી માટે થઈને સંતાનોની હત્યા કરી નાખતી મા, ઓનરકિલિંગ વખતે પતિ અને
પરિવારને સાથ આપતી મા કે માર ખાતી, ડોમેસ્ટિક વાયોલેન્સનો ભોગ બનતી
દીકરીને જબરજસ્તી સાસરે મોકલતી, સામાજિક પ્રતિષ્ઠાને દીકરીના જીવન કરતાં
પણ વધુ મહત્વનું માનતી મા… આ બધું સત્ય નથી?
દીકરો ઝંખતી સ્ત્રીને જ્યારે એક-બે કે ત્રણ દીકરીઓ જન્મે ત્યારે ત્રીજી દીકરીને
કેટલીકવાર જે ઉછેર મળે છે એની માટે દરેક વખતે માત્ર પરિવાર કે સમાજ
જવાબદાર નથી હોતો, ક્યારેક મા પણ એટલી જ જવાબદાર હોય છે. દીકરા અને
દીકરી વચ્ચે, ને ક્યારેક તો બે દીકરા વચ્ચે-બે સંતાનો વચ્ચે ભેદભાવ રાખનારી મા,
આ સમાજમાં કોઈ અજાણી ફરિયાદ નથી. આપણે બધા વાર્તાઓ, કવિતાઓ અને
ઈમોશન્સમાં એવા વહી જઈએ છીએ કે કેટલાંક કડવાં સત્યો પરત્વે આપણે આંખ
મીંચીને-‘એવી કોઈ સમસ્યા છે જ નહીં’ કહીને-ઊંધું ઘાલીને ચાલતાં શીખી ગયાં
છીએ. ભ્રમમાં રહેવું ગમે છે આપણને બાકી આપણે પણ સત્ય જોયાં છે, જાણીએ
છીએ. બસ! જ્યારે આ સત્ય સમાજની સામે આવે ત્યારે આપણે ચોંકી ગયાનો
અભિનય કરીને ‘આવું તે કંઈ હોય?’ પૂછીને એકબીજાની સામે અજાણ્યા થવાનો દંભ
કરતાં રહીએ છીએ.
આ સમાજનું સત્ય એ છે કે જેમ અજવાળું છે એમ અંધારું છે જ! બધી મા
આદર્શ માતૃત્વનો દાખલો નથી જ હોતી, પરંતુ જ્યારે કોઈ સંતાન કે ખાસ કરીને,
દીકરી પોતાની માના વર્તન વિશે ફરિયાદ કરે ત્યારે સમાજના મોટાભાગના લોકોનો
પહેલો પ્રતિભાવ એ હોય છે કે, ‘મા ક્યારેય પોતાના સંતાનનું અહિત ન કરી શકે…’
સંસ્કૃતનો શ્લોક કહે છે કે, પુત્ર ક્યારેક કુપુત્ર થઈ શકે, માતા કદી કુમાતા ન થઈ શકે!
પરંતુ, હવેના સમયમાં આ ઉક્તિ સત્ય નથી રહી! હવેના સમયમાં સ્નેહની જગ્યા
સ્વાર્થે લઈ લીધી છે. દરેક વ્યક્તિ પહેલાં પોતાના-અંગત સુખનો વિચાર કરે છે. એક
સમય હતો જ્યારે મા બનતા જ સ્ત્રીની તમામ અંગત જરૂરિયાતો કે ઝંખનાઓ પાછળ
ધકેલાઈ જતી અને માતૃત્વ જ એના જીવનની ડ્રાઈવિંગ સીટમાં ગોઠવાઈ જતું, પરંતુ
હવેની કેટલીક સ્ત્રીઓ માતૃત્વ ઝંખતી જ નથી. એક આખી પેઢીની મોટાભાગની
યુવતિઓને માતૃત્વ એક જવાબદારી, બોજ લાગે છે! 2000 પછી જન્મેલા ઘણા બધા
મિલેનિયલ યુગલો હવે, સંતાન નથી ઈચ્છતા. આવા યુગલોને સીએલબીસી (ચાઈલ્ડ
લેસ બાય ચોઈસ) કહેવાય છે. એમને હરવું છે, ફરવું છે, જીવનના સુખ માણવા છે,
દુનિયા જોવી છે, પૈસા કમાવા છે, પરંતુ સંતાન નથી જોઈતું… એમના માતા-પિતા,
જે આજે જિંદગીના છ દાયકા વટાવી ચૂક્યા છે, એમની ગ્રાન્ડ ચાઈલ્ડ-પૌત્ર કે
પૌત્રીની ઝંખના આ યુગલ માટે ‘જૂનવાણી’ અને ‘ઈમોશનલ’ વિચાર છે! જેમ, બધા
વૃક્ષો ફળ નથી આપતા, જેમ તમામ નદીમાં પાણી નથી હોતું, જેમ બધા ફૂલમાં
સુગંધ નથી હોતી અને ભગવાં પહેરેલો દરેક માણસ સંત નથી હોતો, ડિગ્રી લીધેલો
દરેક માણસ ડૉક્ટર તરીકે સેવાભાવી નથી હોતો, દરેક ન્યાયાધિશ સાચો જ ન્યાય
તોળે એવું ખાતરીથી ન જ કહી શકાય… એમ જ, માત્ર જન્મ આપવાથી દરેક સ્ત્રી
સારી અને સાચી મા નથી બની શકતી. મા બનવા માટે ગર્ભમાં સંતાનને રાખવું
જરૂરી નથી, એના ઉછેરમાં પોતાની તમામ શક્તિ, સમજણ, સ્નેહ અને સુખ ખર્ચી
નાખવા પડે છે.