‘યા તો તિરંગા લહેરા કે આઉંગા, યા તિરંગે મેં લિપટ કે આઉંગા…’ ગયા અઠવાડિયે રજૂ થયેલી ભારતીય લશ્કર
સાથે જોડાયેલી બે કથાઓ પર આધારિત ફિલ્મોમાં બંને હીરો આ ડાયલોગ બોલે છે. ‘ભૂજ’ અને ‘શેરશાહ’ નામની આ બે
ફિલ્મોમાં ભારતીય લશ્કરની બે ગૌરવવંતી કથાઓ આપણી સામે રજૂ કરવામાં આવી છે. ફિલ્મો કેવી છે એ વિશે ચર્ચા
કરવાને બદલે એક કિસ્સો મારા વાચકો માટે અહીં મૂકું છું.
15 ઓગસ્ટ, 2021. એરપોર્ટ ઉપર ભયાનક ભીડ છે, રક્ષાબંધનનો ટ્રાફિક, રવિવારે સવારે સાડા છ વાગ્યે પણ
ચેકઈન માટે લાંબી લાંબી લાઈન જોઈને આપણને અકળામણ થઈ જાય… એવા સમયે લગભગ 15 સેનાના જવાનો
લાઈનમાં ઊભા રહીને પોતાના ચેકઈન માટે પ્રતીક્ષા કરતા હતા. એમના કેમોફ્લાજના પેન્ટ, ‘ઈન્ડિયન આર્મી’ લખેલું બે
તલવાર સાથેનું નિશાન એમના સફેદ ટી-શર્ટ ઉપર લગાવેલું હતું. એમને લાઈનમાં ઊભેલા જોઈને મને સહેજ અણગમો
થયો. જે લોકો આપણા દેશ માટે પોતાનો જીવ આપવા તૈયાર છે. એમને સામાન્ય નાગરિક કરતા સહેજ વધુ સારી અને
સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળવી જોઈએ એવું મને લાગ્યું. એરલાઈનની એક ઓફિસર પાસે જઈને મેં ‘ડહાપણ’ કર્યું. મેં સેનાના
જવાનને લાઈનમાં ઊભા નહીં રાખીને એમનું ચેકઈન વહેલું પતાવવાની વિનંતી કરી ત્યારે, એમણે મને જવાબ આપ્યો,
“બાકી બધા વિરોધ કરશે.” આ સાંભળીને આશ્ચર્ય પણ થયું અને આઘાત પણ લાગ્યો. આ દેશની સલામતીની
જવાબદારી જેમણે પોતાના માથે ઉપાડી છે એવા આર્મીના જવાનોને નાનકડી સગવડ આપવાનો વિરોધ આ દેશનો કોઈ
પણ નાગરિક કેવી રીતે કરી શકે ? લાઈનમાં ઊભેલા સૌને મેં મોટા અવાજે પૂછ્યું, “આ લશ્કરના જવાનો પહેલાં ચેકઈન
કરે તો કોઈને વાંધો છે ?” જવાબ તો કોઈએ ના આપ્યો, પણ એમના ચહેરા પર મારા ‘ડહાપણ’ વિશેનો અણગમો સ્પષ્ટ
વર્તાય એવો હતો. એક-બે જણાંએ ધીમા અવાજે ગણગણાટ કર્યો, જે સાંભળીને એ જવાનોએ નમ્રતાથી ના પાડી. તેમ
છતાં આગ્રહ કરીને એમને આગળ મોકલ્યા પછી એ નીકળ્યા ત્યારે સૌની આંખોમાં હું જે વાંચી શકી એ, આ દેશના એક
નાગરિકનું એમના પરત્વેનું સન્માન હતું. એમને આ સન્માનથી ગૌરવ અને સંતોષની લાગણી થઈ જે એમની આંખોમાં
વંચાતું હતું.
માત્ર ‘શેરશાહ’ કે ‘ઉરી’ જેવી ફિલ્મો બનાવીને આપણે એમના તરફનો આપણો આદર કે આભાર પ્રગટ નહીં કરી
શકીએ. જે લોકો માઈનસ ડિગ્રીમાં કે પચાસ ડિગ્રીની ગરમીમાં ખડેપગે ઊભા રહીને આપણને આપણા ઘરોમાં નિરાંતે
સૂવાની સગવડ કરી આપે છે એવા લોકો માટે આ દેશે થોડીક સ્પેશ્યલ સવલતો ઊભી કરવી જોઈએ. ટ્રેનમાં કે
એરલાઈનમાં એમણે લાઈનમાં ન ઊભા રહેવું પડે, એમના બાળકોને શાળામાં એડમિશન માટે સ્પેશ્યલ પ્રિવિલેજ મળે કે
એમના પરિવારને થોડો વધુ આદર, થોડા વધુ સન્માનથી ટ્રીટ કરવામાં આવે તો આપણે આ દેશના નાગરિક તરીકે એમને
માટે ‘કંઈ કર્યું’ એવું કહી શકીએ… અમેરિકા અને યુરોપના દેશોમાં સેનાના જવાનો માટે અનેક પ્રિવિલેજિસ જોવા મળે છે.
આવી નાની બાબતો તો ઠીક, પરંતુ વિમાનમાં દાખલ થાય ત્યારે સહુ નાગરિકો ઊભા થઈને એમનું અભિવાદન કરે અથવા
નાના બાળકો જઈને એમને અમેરિકન આર્મી કે બોર્ડર સિક્યોરિટીનો ફ્લેગ અર્પણ કરે એવા દૃશ્યો મેં નજરે જોયા છે.
કેટલીકવાર આવા નાના પણ સન્માનનીય વર્તાવથી લશ્કરના જવાનને દેશ માટેના પોતાના પ્રદાન વિશે ગૌરવ થાય છે.
આપણા એમના પરત્વેના આદરથી આપણા આભારની લાગણી અભિવ્યક્ત થાય છે.
ભારતીય લશ્કર, નેવી, એરફોર્સ અને આર્મી, ના ત્રણેય વિભાગોમાં પગારના ધોરણ આપણને આશ્ચર્ય થાય
એટલા જ નીચા છે. દૂરદરાજના ઉત્તર પ્રદેશ કે રાજસ્થાનના ગામોમાં વસતા એમના પરિવારો વર્ષમાં એકવાર ભાગ્યે જ
પતિ, પિતા કે પુત્રનું મોઢું જોવા પામે છે. આપણે ફિલ્મોમાં જે પ્રકારનું વાતાવરણ કે આર્મીમાં જે પ્રકારની ટ્રીટમેન્ટ
જોઈએ છે એ અત્યંત ફિલ્મી અને અનરિયાલિસ્ટિક છે. જે વાતાવરણમાં અને જે ઓછી સગવડો સાથે આ સૈનિકો ટકે છે
અને એકબીજાને ટકાવે છે એ વિશે આપણે કશું જાણતા નથી અને જાણવા માગતા પણ નથી, એ કેવી નવાઈની વાત છે !
રવિવાર, 15 ઓગસ્ટના આ કિસ્સા પછી એક વિચાર આવ્યો કે, જેમ એક દિવસનો જેલનો અનુભવ શરુ
કરવાનો વિચાર ગુજરાત સરકાર કરી રહી છે એમ એક અઠવાડિયું 16થી 22ના યુવાનોને (છોકરો હોય કે છોકરી) લશ્કરનો
અનુભવ લેવા કમ્પલસરી મોકલવાનું શાળાઓમાં શરૂ થવું જોઈએ. આપણને આપણી સલામતીનું મૂલ્ય કદાચ ત્યારે જ
સમજાશે જ્યારે આપણી નવી પેઢી લશ્કરના જીવનના અનુભવને નજીકથી જોશે, જાતે એક અઠવાડિયું એ અગવડ અને
સંસાધનોની ગેરહાજરીમાં જીવશે.
દીકરાને બે મિનિટ તડકામાં ઊભા રહેવું પડે તો ડ્રાઈવરને ઝાટકી નાખતી ગુજરાતી ‘મોમ’ કે દીકરીને છેક એરપોર્ટ
સુધી મૂકીને, ‘ચેકઈન થઈ જાય પછી ફોન કરજે, હું પછી જ જઈશ’ કહેતા પપ્પાઓને એટલું ચોક્કસ સમજાવું જોઈએ કે
આપણા બાળકો આપણને વહાલા હોય, એ સ્વાભાવિક છે, પણ જે લોકો આપણી અને આપણા પરિવારની સલામતી
માટે પોતાના પરિવારને મૂકીને ઝઝૂમે છે એમને સન્માન અને ગૌરવ આપવાની આપણી જવાબદારી છે.