સજાતિય લગ્નઃ સમસ્યા કે શરમ

થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એક ચૂકાદો આપ્યો જેમાં સજાતિય લગ્નોને મંજૂરી આપવાની
સ્પષ્ટ ના પાડી. જેમાં પાંચ ન્યાયમૂર્તિનો સમાવેશ થતો હતો. એવી બંધારણીય ખંડપીઠે 366 પાનાંના
નિર્ણયમાં કહ્યું હતું કે, સજાતીય લગ્નને કાયદેસરતા આપવાનું કામ સંસદનું છે. કેન્દ્રીય કાયદો ન હોય
તો રાજ્ય પણ પોતાનો કાયદો ઘડી શકે છે. આ માટે એક પેનલ બનાવી શકાય છે એવું સૂચન પણ
સુપ્રીમ કોર્ટે કર્યું, પરંતુ સાથે જ સજાતિય યુગલ બાળક દત્તક ન લઈ શકે એ નિર્ણય પાંચ
ન્યાયમૂર્તિમાંથી ત્રણના વિરોધ સાથે લેવાયો. મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે, ‘સજાતિયતા માત્ર શહેરો
પૂરતી મર્યાદિત નથી. ગામડાંમાં પણ સજાતિયતા છે જ. લગ્ન સંસ્થામાં પરિવર્તન લાવનાર કેટલાક
કાયદા 245 અને 246ની સાથે સાથે લગ્ન મૌલિક અધિકાર નથી એવું જાહેર કરીને સ્પેશિયલ મેરેજ
એક્ટની કલમ નંબર 4ને ગેરબંધારણીય ઠેરવતા એમણે કહ્યું હતું કે, એલજીબીટીક્યૂને જાતિની
ઓળખ, જાતિ અભિગમ અને સહવાસનો અધિકાર છે, પરંતુ એમના લગ્ન વિશે કોઈ ચૂકાદો
આપવાનો ઈનકાર કર્યો હતો.

આજથી ઘણા વર્ષો પહેલાં રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્ર ગોહિલે હોમોસેક્સ્યુઅલ હોવાની
કબૂલાત કરી ત્યારે ગુજરાતીઓએ હોબાળો મચાવ્યો હતો એ વખતે ભારતના આઈપીસીના સેક્શન
377 મુજબ સજાતિયતા ગુનો હતો, પરંતુ એ પછી સજાતિય સંબંધોને માન્યતા આપવામાં આવી
એટલું જ નહીં, એમને રેશન કાર્ડમાં ઓળખ, સંયુક્ત બિલ ખાતા, વિમા અને પેન્શનનો લાભ
આપવા માટે સરકારને પગલા લેવાની હિમાયત કરવામાં આવી. સજાતિયોના મિલન પર પ્રતિબંધ
મૂકવો એ ગુનો જાહેર કરવામાં આવ્યો અને એમની કનડગત ન થાય એ માટે પોલીસ અને સમાજના
લોકોને જાગૃત કરવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો.

સજાતિય સંબંધો ખાસ કરીને પુરુષોના હોમોસેક્સ્યુઅલ સંબંધો કોઈ નવી વાત નથી. છેક
1624થી શરૂ કરીને 1811 અને તેથી પણ પછીના સમયમાં હોમોસેક્સ્યુઅલ સંબંધો વિશે અનેક
પુસ્તકો અને લેખો પ્રગટ થયા છે. ભારતના જ નહીં, પરંતુ સામાન્ય રીતે નાકનું ટીચકું ચડાવીને
વર્તતા બ્રિટિશશાસનના પ્રદેશોમાં અને અંગ્રેજી ભાષામાં પણ હોમોસેક્સ્યુઆલિટી અને લેસ્બિયન
સંબંધો વિશે અનેક પુસ્તકો અને લેખો લખાયા છે. ‘હોમોસેક્સ્યુઆલિટી ઈન એઈટિન્થ સેન્ચુરી
ઈંગ્લેન્ડ’ (એ સોર્સ બુક) નામના પુસ્તકમાં લેખક રિક્ચર નોર્ટને ઈંગ્લેન્ડમાં 18મી સદીમાં ચાલતા
સજાતિય સંબંધોનો ઉલ્લેખ કર્યો છે. એ વિશેની ઘણી માહિતી એમણે પોતાના પુસ્તકમાં પૂરી પાડી
છે.

ઘણીવાર નવાઈ લાગે, પરંતુ એ સદીના જાણીતા લેખકો ને કવિઓ પણ હોમોસેક્સ્યુઅલ
સંબંધોમાં સંડોવાયેલા હતા. 1709માં લખાયેલા એક પુસ્તક ‘મોલિઝ ક્લબ’ અને 1729માં
લખાયેલા એક પુસ્તક ‘લાઈફ ઓફ થોમસ નીવ્ઝ’માં હોમોસેક્સ્યુઅલ સંબંધો વિશે મરી-મીઠું નાખીને
લખવામાં આવ્યું છે.

ઈસ્લામના એક હદીસમાં મહોમ્મદ પયંગબરે કહ્યું છે, ‘કોઈ પુરુષે બીજા પુરુષના કે કોઈ
સ્ત્રીએ બીજી સ્ત્રીના અંગત ભાગો તરફ જોવું નહીં અને બે પુરુષોએ ક્યારેય એક ચાદર ઓઢીને સૂવું
નહીં.’

ઈસ્લામ પાળતા કેટલાય દેશોમાં હોમોસેક્સ્યુઆલિટી માટે મૃત્યુદંડની સજા છે, જ્યારે
બહારીન, બાંગ્લાદેશ, મલેશિયા, માલદીવ્સ, નાઈજિરીયા જેવા દેશોમાં 10થી 20 વર્ષની સજા અને
દંડની જોગવાઈ છે. પાકિસ્તાન, સુદાન, મોરક્કો, યુ.એ.ઈ., ઉઝબેકિસ્તાન, અલ્જિરિયા જેવા
દેશોમાં 3થી 5 વર્ષની સજા છે. ઈરાન, અફઘાનિસ્તાન, યુ.એ.ઈ., ઉઝબેકિસ્તાન, માલદીવ્સ,
ઓમાન જેવા દેશોમાં સજાતીય સંબંધોની વ્યાખ્યામાં ફક્ત પુરુષોની જ વાત કરવામાં આવી છે.
લેસ્બિયન સંબંધોનો ઉલ્લેખ પણ એમના કાયદામાં કરવામાં આવ્યો નથી.

સજાતીય લગ્નને 1989માં કાયદેસરની માન્યતા આપનારો પ્રથમ દેશ ડેનમાર્ક હતો. વિશ્વના
34 દેશમાં સજાતિય લગ્ન કાયદેસર છે. તેમાં અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મની, મેક્સિકો,
સ્કોટલેન્ડ વગેરે દેશો છે. જાપાનનાં કેટલાંક શહેરોમાં માન્યતા મળી છે.

1980માં સી.ડી.એસ. ટીવી પર એક ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવી હતી. ‘ગે પાવર એન્ડ ગે
પોલિટિક્સ’ નામની આ ડોક્યુમેન્ટરીમાં એવો દાવો કરાયો હતો કે 10 ટકાથી વધુ યુવા પુરુષોનાં મૃત્યુ
આવી પીડાદાયક સેક્સ પ્રવૃત્તિ દરમિયાન નીપજ્યાં હતાં.

1993માં લંડનમાં એક લાખથી વધુ લોકોએ સહી કરીને એક અપીલ ઊભી કરી હતી. જેમાં
એમણે લખ્યું હતું કે, હિંસા માટે સેક્સ એ કોઈ બહાનું ન હોઈ શકે. આમાંથી મજા લેવાનો પ્રયાસ
કરતા લોકોને મોટામાં મોટી સજા થવી જોઈએ. આ અપીલના જવાબમાં લંડનની કોર્ટે કેટલાંક
વિધાન બહાર પાડ્યાં હતાં. જેમાંનું એક હતું, ‘શારીરિક રીતે અત્યાચાર કરીને સેક્સ ભોગવનાર જો
સ્ત્રીનો પતિ હોય તો પણ તે સજાને પાત્ર છે.’ આ વિધાનના આધારે 1993થી આજ સુધીમાં લંડન
કોર્ટમાં કેટલીયે અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં માત્ર પરિણીત પુરુષો સજાતીય સંબંધ
ધરાવનારા એવા લોકોની અરજીઓ છે. જેમને આવા પીડાદાયક શારીરિક સંબંધ દરમિયાન કાયમી
નુકસાન પહોંચ્યું છે અને હવે એનું કશું જ થઈ શકે એમ નથી. સપ્ટેમ્બર 6, 2018માં કાયદાની
દ્રષ્ટિએ હવે સજાતિય સંબંધ ગુનો નથી એ વાત સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે જાહેર
કરી, તેમ છતાં આજે આપણા સમાજમાં અને મોરલ પોલીસ બની બેઠેલા કેટલાક લોકોએ સજાતિય
સંબંધ ધરાવતા યુગલોને હેરાન-પરેશાન કરવામાં કશું બાકી નથી રાખ્યું.

આપણે એ સમજવાનું છે કે, કોઈ એક વ્યક્તિ ખાસ કરીને યુવા અથવા કિશોર જ્યારે આવા
કોઈ સંબંધમાં ધસડાય છે ત્યારે એને એ વિશે અપમાનિત કરવા, મારવા કે ઘરમાંથી કાઢી મૂકવા,
ડૉક્ટર પાસે લઈ જવા જેવી પ્રવૃત્તિઓ કરવાને બદલે એની સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ. કેટલીક
વખત સજાતિય સંબંધ તરફ ઘસડાવામાં માત્ર કુતૂહલવૃત્તિ જ હોય છે. જો એ કુતૂહલવૃત્તિને
સંતોષવામાં આવે તો માતા-પિતા જ મનોચિકિત્સક બનીને સંતાન સાથે ખુલ્લા દિલે, શાંતિથી વાત
કરે તો સમાજમાં વધતી જતી સજાતિય ફરિયાદને ઘણા-ખરા અંશે ઘટાડી શકાય. બીજી મહત્વની
વાત એ છે કે, આ કોઈ રોગ નથી. કોઈ માનસિક બીમારી પણ નથી. આ એક પ્રકારનો શારીરિક
પ્રેફરન્સ અથવા પસંદગી છે જે ક્યારેક સાચે જ વ્યક્તિની જરૂરિયાત હોય છે તો ક્યારેક સમજ્યા
વગર લઈ લીધેલો નિર્ણય. બંને પરિસ્થિતિમાં સૌથી વધુ જરૂરિયાત સહાનુભૂતિ અને સમજણની હોય
છે.

આપણે બધાએ સ્વીકારવું પડશે કે, સમય બદલાઈ રહ્યો છે. ખાસ કરીને, આપણા ઘરમાં ઘૂસી
આવેલા ઓટીટી અને વિદેશી ફિલ્મો ટેલિવિઝન સીરિઝના આક્રમણ સામે જો ખરેખર આપણે
સંતાનના માનસિક સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈએ તો સૌથી પહેલાં કારણ વગરની સંકુચિતતા છોડીને
આપણા સંતાનને સમજવાની અને સમજાવવાની ધીરજ કેળવવી પડશે. એ પછી પણ જો પરિસ્થિતિ
ન બદલાય તો સ્વીકારવાની ઉદારતા પણ, આવનારા સમયમાં જરૂરી બની રહેવાની છે.

સજાતિય સંબંધમાં લગ્નને માન્યતા અપાય કે ન અપાય, પરંતુ સહવાસ અને સહનિવાસને તો
માન્યતા મળી જ ચૂકી છે એથી શરમ કે ક્રોધ અનુભવવાને બદલે જો સમજણ કે સહાનુભૂતિપૂર્વક
આપણે માણસ સાથે માણસની જેમ વર્તી શકીએ તો કદાચ, સમાજમાં આવી રહેલું આ
એલજીબીટીનું તોફાન વધુ નુકસાન કર્યા વગર શમી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *