સજના હૈ મુજે, ‘સજના’ કે લિયે…

1973માં રીલીઝ થયેલી, નૂતન, અમિતાભ બચ્ચન અને પદ્મા ખન્નાની કાસ્ટ સાથે બનેલી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ, સુધેન્દુ
રોય દિગદર્શિત ‘સૌદાગર’માં રવિન્દ્ર જૈનના શબ્દો અને સંગીત સાથેનું એ ગીત ખૂબ લોકપ્રિય થયેલું. આશા ભોંસલેના અવાજમાં
ગવાયેલું આ ગીત, ‘પાની પડે તન પે તો સોલા નિકલે, જાને કૈસી અગન મેં બદલ જલે… દિનભર કી થકન ઉતાર લૂં, હર અંગ કા
રંગ નિખાર લૂં…’ જેવા સુંદર શબ્દો સાથે પદ્મા ખન્નાને બંગાળી મર્યાદામાં રહીને ખૂબજ સુંદર રીતે પ્રસ્તુત કરાયા છે… વાત
ગીતની નથી, વાત રવિન્દ્ર જૈનનીએ નથી કે નથી વાત રાજશ્રી પ્રોડક્શન અથવા તારાચંદ બડજાત્યાની…

વાત છે પોતાના પ્રિયતમ કે પતિ માટે શ્રૃંગાર કરવાની. છોકરી સાવ નાનકડી હોય, પોતાના શરીર વિશે સભાન પણ ન થઈ હોય
ત્યારથી ભારતીય સંસ્કૃતિમાં એને એવું શીખવવામાં આવે છે કે એનું સૌંદર્ય જ એનું ‘સ્ત્રીત્વ’ છે અથવા સ્ત્રી હોવું એટલે રૂપાળા
હોવું… રૂપને હવે સીધું ગોરી ત્વચા સાથે જોડવામાં આવે છે. ટીવી પર કે સોશિયલ મીડિયામાં બ્યૂટી ક્રીમની જાહેરાત સ્પોર્ટલેસ
ત્વચા, ગોરી ત્વચા જગારા મારતી કે નિખાર મારતી ત્વચાની સાથે સાથે લીસી અને ઉંમર છૂપાવતી ત્વચાની પણ વાત કરે છે.
કાળી કે પોતાની ત્વચા પર દાગ-ધબ્બા ધરાવતી છોકરી પાસે આત્મવિશ્વાસની કમી હોય એવું કેટલીક જાહેરાતો પણ કહે છે. શું
આ સત્ય છે? સ્ત્રીનું અસ્તિત્વ માત્ર એના સૌંદર્ય પૂરતું જ છે? આ વાત સ્ત્રીએ સ્વીકારી છે?

આ સવાલોના જવાબ જો ખરેખર આપણી યુવાન દીકરી કે પુત્રવધુ પાસેથી મેળવીએ અથવા આપણે પોતે જ પોતાની જાતને
સવાલ પૂછીએ તો એક સ્ત્રી તરીકે આપણને સમજાશે કે વધતી ઉંમર, ધોળા વાળ અથવા ચહેરા પર આવતી કરચલીઓ આપણને
ક્યાંક ભીતરથી હચમચાવે છે, આનું કારણ બીજું કંઈ નથી પરંતુ આપણી પોતાની માનસિકતા છે જે આપણને સતત પેઢીઓથી
અને બાળપણથી શીખવતી રહી છે કે સ્ત્રી પાસે પ્રશંસક (પુરુષ, પતિ, પ્રેમી) નહીં હોય તો એના અસ્તિત્વનો કોઈ અર્થ જ નહીં
રહે. આ વાત સ્ત્રીમાનસમાં અને પેઢીઓથી ડીએનએમાં એટલી ઊંડી ઊતરી ગઈ છે કે ભારતીય છોકરીઓ લગ્ન પહેલાં પોતાનું
ખૂબ ધ્યાન રાખે છે. વજન ઊતારવાથી શરૂ કરીને વાળ, સ્કીન સારા રહે, પોતે કાયમ સ્વચ્છ અને સ્ટાઈલિશ દેખાય એવો પ્રયત્ન
લગભગ યુવતી કે છોકરી કરતી રહે છે. પરંતુ એકવાર લગ્ન થાય કે સ્ત્રી પોતાના સૌંદર્ય પ્રત્યે અને સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર થવા
લાગે છે. આ પ્રશ્ન કદાચ અનેક ઘરોમાં અનેક દંપતી વચ્ચે ચર્ચાયો હશે!

પ્રેમિકા તરીકે અદ્ભૂત દેખાતી કે પોતાના ફીગરનું સખત ધ્યાન રાખતી છોકરીઓ એકવાર લગ્ન થાય, મા બને પછી પોતાના વિશે
આળસુ અને બેદરકાર થઈ જતી હોય છે, ઘણા પતિને આ વિશે વાંધો કે ચીડ, અણગમો કે ક્યારેક તો અભાવ પણ હોય છે. પરંતુ
પતિના વારંવાર ટોકવા કે કહેવા છતાં પણ કેટલીક સ્ત્રીઓ પોતાના શરીરમાં રસ લેતી નથી. ‘હવે શું, કોના માટે કરવાનું? લગ્ન
તો થઈ ગયા’ જેવા અર્થ વગરના વાક્યો કે, ‘ટાઈમ નથી મળતો, પહોંચી નથી વળાતું’ જેવા પાયા વગરના બહાના આપણને
ઘણીવાર સાંભળવા મળે છે.

દરેક વખતે એવું ન બને પણ છતાં પુરુષ સહજ આકર્ષણ બહુ જ સ્વાભાવિક છે. સંસ્કૃત સાહિત્યના કેટલાક શ્લોકોમાં પુરુષને
ભ્રમર સાથે સરખાવવામાં આવ્યો છે. જ્યાં સૌંદર્ય દેખાય ત્યાં પહોંચી જવું એ ભ્રમરનો સ્વભાવ છે, ક્યારેક-કેટલાક પુરુષો સાથે
પણ આવું થાય છે. લગ્ન પછી પતિનો રસ ટકાવી રાખવા માટે કે એને પત્ની (સ્ત્રી અને પ્રેમિકા તરીકે) ગમતી રહે એ માટે પણ
પત્નીએ પોતાના શરીર અને સુંદરતાની થોડી કાળજી લેવી જોઈએ. સાંજે પતિ ઘરે આવે ત્યારે વિખરાયેલા વાળ, પરસેવા વાળું
શરીર, મસાલાની દુર્ગંધવાળા કપડા અને ફૂંગરાયેલું મોઢું, ચીડાયેલા-ધૂંધવાયેલા મગજ સાથે પતિનું સ્વાગત કરતી સ્ત્રીઓ ક્યારેક
પોતાના પતિને સ્વહસ્તે બીજી સ્ત્રીના આકર્ષણમાં ધકેલે છે.

સ્ત્રી-પુરુષના સંબંધમાં અને ખાસ કરીને દાંપત્યમાં શારીરિક સંબંધ કે સેક્સનું મહત્ત્વ નકારી શકાય એમ નથી. ભારતીય
સંસ્કૃતિમાં સ્ત્રીને ચાર પ્રકારના રૂપ લેતા આવડવું જોઈએ એવું કહેવાયું છે. ભોજન બનાવતી વખતે એ માતા હોવી જોઈએ.
પતિ સાથે બૌદ્ધિક ચર્ચા કરતી વખતે એ મંત્રી જેવી (સહકાર્યકર અથવા ઈક્વલ બુદ્ધિ ધરાવતી) હોવી જોઈએ. ઘરનું કામ કરતી
વખતે દાસી (શબ્દના સાચા અર્થમાં નહીં પણ મહેનતુ અને ઘરરખ્ખુ, ચોખ્ખી અને કોઈપણ કામમાં નાનમ ન ધરાવતી હોય
એવી) હોવી જોઈએ અને છેલ્લે, પથારીમાં રંભા (અપ્સરા જેવી- પતિને રીઝાવનારી અને પૂર્ણ શારીરિક સંતોષ આપનારી) હોવી
જોઈએ. એનો અર્થ એ થયો કે સ્ત્રીનું શરીર માત્ર ધરી દેવા પૂરતું કે પુરુષને શારીરિક સંતોષ મળે એટલાથી અટકી જવા માટે
રચવામાં નથી આવ્યું. એ અન્નપૂર્ણા છે, લક્ષ્મી છે, સરસ્વતી છે અને સાથે જ અપ્સરા અથવા મોહિની છે… ક્યારેક કેટલીક
સ્ત્રીઓ પૂછે છે, ‘સ્ત્રીએ જ આ બધા રૂપ શા માટે લેવાના? પુરુષ માટે આવો શ્લોક કેમ નથી?’ એનો જવાબ એ છે કે પુરુષ પાસે
કદાચ આટલી બધી મલ્ટિફેસેડ પર્સનાલિટી, અનેકવિધ રૂપ લેવાની આટલી તાકાત નથી હોતી.

જે સ્ત્રીઓ લગ્ન પછી શારીરિક સંબંધમાં, કે પોતાના શરીરમાંથી રસ ખોઈ બેસે છે એ સ્ત્રીઓ માટે પોતાના પુરુષને, પતિને
ગુમાવી બેસવાનું જોખમ ઊભુ થાય છે. માત્ર સેક્સ જ નહીં આપણે આગળના શ્લોકમાં કહ્યું તેમ, આનંદથી રાંધનારી, પતિના
કામમાં રસ લેનારી, એની સાથે વાતો કરી શકે કે મિત્રની જેમ વર્તી શકે એવી પત્ની કદાચ શારીરિક રીતે થોડી બેદરકાર કે ‘રંભા’ ન
હોય તો પણ એના બીજા ગુણો એના શારીરિક સૌંદર્ય પ્રત્યેની બેદરકારીની પૂર્તિ કરી આપે છે. આપણે રૂપાળા ન હોઈએ તો કદાચ
આપણો હાથ નથી. ગોરી કે ‘બેદાગ’ ત્વચા ન હોય, નમણું નાક કે દાડમની કળી જેવા દાંત ન હોય, સંતરાની ફાડ જેવા હોઠ ન
હોય, તો એમાં આપણે કંઈ ન કરી શકીએ. પરંતુ સાંજ પડે ચોખ્ખા થઈને સ્વચ્છ વસ્ત્રો પહેરીને હસતા ચહેરે આપણા
જીવનસાથીને આવકારી તો શકીએ જ. આપણે નોકરી કરતા હોઈએ, ઘરના આર્થિક બજેટમાં આપણું પ્રદાન હોય તેથી આપણી
માનસિકતા કે મનોવૃત્તિ પુરુષ જેવી ન હોઈ શકે. આપણું સ્ત્રીત્વ, સ્મિત, સારો સ્વભાવ અને સ્નેહ આપણા અસ્તિત્વનો અંશ
છે. આખા દિવસના કામ પછી કદાચ જાતે રસોઈ કરવાની હોય તો પણ, ઘરે પહોંચીને હાથ-પગ, મોઢું ધોઈ સ્વચ્છ અને સ્વસ્થ
થઈને રસોડામાં પ્રવેશીએ તો આપણને સારું જ લાગે- ને બીજાને પણ! ઘરના કામ કરતી વખતે કે રાંધતી વખતે ફોન પર, રેડિયો
પર હળવું સંગીત કે ગમતા ગીતો સાંભળી શકાય, 10 મિનિટ ખુલ્લી હવામાં ચાલવાથી સ્વંય સાથે સંવાદ કરી શકાય અને
ભોજન પચે તો વધતા વજન પર નિયંત્રણ રાખી શકાય. રવિવારે કદાચ ઘરના કામ હોય તો પણ કલાક- બે કલાક પતિ અને
પરિવાર સાથે કોઈ ફિલ્મ જોઈ શકાય, કોઈ ઈન્ડોર ગેમ રમી શકાય કે માત્ર આખા અઠવાડિયાની વાતો કરી શકાય…

આપણે છેલ્લા થોડા વખતથી પુરુષ સમોવડી સ્ત્રીની ઘણી વાતો કરવા લાગ્યા છીએ. સ્ત્રી સશક્તીકરણ અને વુમનપાવરની વાતો
મજેદાર છે, પરંતુ એક સૌથી મહત્ત્વની વાત સ્ત્રીએ ક્યારેય ન ભૂલવી જોઈએ… એ સ્ત્રી છે, મા છે, પત્ની છે, પુત્રવધુ છે, એના
અનેક સ્વરૂપો છે જેમાં એક એનું પોતાનું આગવું અંગત સ્વરૂપ પણ છે. આપણે પોતે ખુશ રહીશું, સ્વચ્છ અને સ્વસ્થ રહીશું,
હસતા રહીશું અને આપણા શરીરમાં આપણો રસ ટકી રહેશે તો જ આપણે પ્રસન્ન દાંપત્યની કે આનંદિત પરિવારની રચના કરી
શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *