સમય ક્યારેય ખોટો કે સાચો નથી હોતો, નિર્ણય હોય છે

આપણે ઘણા લોકોને ઘણીવાર એવું કહેતા સાંભળ્યા છે કે, ‘મારો સમય સાચો નહોતો’ અથવા ‘એ
સમય જ ખોટો હતો માટે મારી પડતી થઈ…’ સત્ય તો એ છે કે જીવનમાં ક્યારેય સમય સાચો કે ખોટો હોતો
જ નથી. એ સમયે કરેલા નિર્ણયો સાચા કે ખોટા હોય છે. આપણે બધા જિંદગીમાં ક્યારેક ને ક્યારેક તો
એવી જગ્યાએ પહોંચ્યા જ છીએ જ્યાં આપણે નિર્ણય કરવાનો હોય છે અને એ નિર્ણય આપણે જ કરવો
પડે છે.

લગ્ન, વ્યવસાય, કારકિર્દી, મિત્રતા, શહેર છોડવું કે શિક્ષણમાં કઈ દિશા પકડવી, સંતાનને કઈ રીતે
ઉછેરવી, માતા-પિતા સાથે કઈ રીતે વર્તવુ, કયા મિત્રો સાથે સંબંધ રાખવો વગેરે અનેક સવાલો આપણી
સામે અવારનવાર આવતા જ હોય છે અને આપણે બધા આપણી સમજણ અને અનુભવ મુજબ એના
નિર્ણય કરતા હોઈએ છીએ. નિર્ણય કરતી વખતે આપણને પરિણામની આછીપાતળી કલ્પના હોય છે,
હોવી જોઈએ, પરંતુ ક્યારેક એવું બને છે કે આપણે એ નિર્ણયના પરિણામની જે કલ્પના કરી હોય અથવા
જે વિચારીને કે અપેક્ષા સાથે એ નિર્ણય કર્યો હોય એ ક્યારેક તદ્દન ખોટું પડે, ઉથલી પડે. એવા સમયે
આપણે આપણા નિર્ણયની જવાબદારી લેવાને બદલે ગ્રહો, નક્ષત્રો, કુંડળી અને ક્યારેક સમયને જવાબદાર
ઠેરવીને આપણી ‘કમનસીબી’ને દોષ દઈએ છીએ. આપણી એક કહેવત, ‘વિનાશકાળે વિપરીત બુધ્ધિ’
અહીં સમજવા જેવી છે. આ કહેવત મુજબ જ્યારે ખોટો નિર્ણય કરવામાં આવે ત્યારે એનું પરિણામ
ખોટું જ આવે છે. આપણને સમય તો સતત ચેતવતો જ હોય છે બલ્કે જો આપણને સત્યમાં અને
પ્રામાણિકતામાં, ઈશ્વરમાં અને શુભમાં શ્રધ્ધા હોય તો આપણને અવારનવાર એવા અનુભવ થાય જેમાં
આપણા સુધી સમસ્યા પહોંચે તે પહેલાં સમયે એનો ઉકેલ મોકલી જ આપ્યો હોય છે. હા, એવું બને કે
આપણે એ ઉકેલ સુધી પહોંચીએ ત્યાં સુધી આપણી ધીરજ ન ટકે-આપણી દિશા ખોટી હોય અથવા
આપણી અપેક્ષા કે સ્વાર્થ આપણને ખોટો નિર્ણય કરવા તરફ લઈ જાય, પરંતુ જો પ્રામાણિકતાથી અને
હૃદય પર હાથ રાખીએ તો ચોક્કસ સમજાય કે, આપણી સાથે જ્યારે પણ કઈ ખોટું થાય છે ત્યારે એની
માટે બીજું કોઈ કે બીજું કશું એટલું જવાબદાર નથી હોતું જેટલા આપણે પોતે હોઈએ છીએ.

કર્ણ જેવા દાનવીરને કૃષ્ણ સ્વયં બોલાવવા ગયા હતા, ધર્મના પક્ષે જોડાવા એમણે કર્ણને
સમજાવ્યો હતો, પરંતુ કર્ણએ દુર્યોધનના પક્ષમાં રહેવાનો નિર્ણય કર્યો-પરિણામ એની સાથે જોડાયેલું જ
હતું. સમયે દુર્યોધનને પહેલી માગણી કરવાનો અધિકાર આપ્યો, પરંતુ દુર્યોધને કૃષ્ણને બદલે અક્ષૌહણી
સેના માગી, એ નિર્ણય એનો પોતાનો હતો-પરિણામ પણ એણે જ ભોગવવું પડે. આપણે જ્યારે કોઈની
સાથે જોડાઈએ છીએ કે કશું તોડીએ છીએ ત્યારે એ ઘટનાના ઊંડાણમાં જઈને તપાસ કરીએ તો સમજાય
કે એ ઘટના સાથે ક્યાંક આપણો અહંકાર, ઈગો, આપણી ભૂલ, આપણું જુઠ્ઠાણું કે આપણો સ્વાર્થ પણ
જવાબદાર હતો જ. તકલીફ એ છે કે આપણે જ્યારે આપણા વિશે વિચારીએ છીએ ત્યારે પ્રામાણિક
થઈને વિચારી શકતા નથી. મોટાભાગના લોકો એમની સાથે જે કઈ ખોટું થાય છે એની માટે હંમેશાં
બીજાને જવાબદાર ઠેરવે છે. એનાથી એમનું ગિલ્ટ-અપરાધભાવ ઓછો થઈ જાય છે અને
જવાબદારીમાંથી છૂટીને એમને લાગે છે કે, સામેની વ્યક્તિ પોતાને લાયક નહોતી અથવા એ વ્યક્તિની
ભૂલને કારણે આટલો મોટો અને મહત્વનો સંબંધ તૂટી ગયો તો નુકસાન સામેની વ્યક્તિનું છે, પરંતુ
દુનિયામાં જ્યારે પણ એક સંબંધ તૂટે છે, નુકસાન થાય છે ત્યારે એ કોઈ દિવસ એક વ્યક્તિનું હોઈ શકતું
નથી. સંબંધનું તૂટવું એ રશિયા અને યુક્રેનની લડાઈ જેવું છે. જેમાં નુકસાન બંને પક્ષે થાય છે. કોઈને
વધારે તો કોઈને ઓછું…

જે પક્ષ બળવાન છે, મજબૂત છે, ખમતીધર છે એ કદાચ પોતાનું નુકસાન સ્વીકારે નહીં, એનો
ઈગો કે અહંકાર એને નુકસાન સ્વીકારવા ન દે. તમાચો મારીને મોઢું લાલ રાખે અને એ વ્યક્તિ એવું કહી
દે કે એને કોઈ તકલીફ પડી નથી, પરંતુ સત્ય એ છે કે, તકલીફ ન સ્વીકારવાથી તો વધુ તકલીફ પડે છે.
આપણે બધા પ્રોબ્લેમને નકારી દેતા લોકો છીએ ને કદાચ એટલે જ આપણને એના ઉકેલ પણ સરળતાથી
નથી મળતા. ભૂલ થઈ છે, ખોટો નિર્ણય થયો છે કે, ક્યાંક કાચું કપાયું છે એવું સ્વીકારી લઈએ તો કદાચ
પણ એને સુધારવાની શક્યતા બાકી રહે છે. જો, ભૂલ છે જ નહીં, ખોટું થયું જ નથી, તકલીફ પડી જ
નથી એવા ઈગો કે અહંકારમાં આપણે સમય, નસીબ, ગ્રહો, કુંડળી કે અંતે સામેની વ્યક્તિને જવાબદાર
ઠેરવી દઈએ તો ભલે આપણે આપણા મનથી આપણા નુકસાનની જવાબદારી નથી સ્વીકારતા અને
શાહમૃગની જેમ જમીનમાં માથું ખોસીને સમસ્યાની ગેરહાજરી વિશે ભ્રમમાં રહીએ છીએ. એથી
સમસ્યા કે તકલીફનું અસ્તિત્વ ભૂંસાઈ નથી જતું.

આ બધામાંથી જો ખરેખર સ્વયંને બચાવવા હોય તો નિર્ણય કરતાં પહેલાં વિચારવું, એકથી વધુ
વાર વિચારીને નિર્ણયના પરિણામોને નજર સામે રાખવા. ‘ખરાબમાં ખરાબ શું થઈ શકે’ એનો પણ એક
અંદાજ લઈ જ લેવો. આપણો નિર્ણય સાચો જ છે એવા અહંકારમાં ન રહેવું બલ્કે તટસ્થ થઈને ‘સાચો
નિર્ણય શું હોઈ શકે’ એ વિશે સ્વયં સાથે ખુલ્લા દિલે વિચાર અને વાતચીત કરવા. કોઈ હિતેચ્છુ સાચી
અને છતાં કડવી સલાહ આપે તો એકવાર એ સલાહ પર વિચારવું જોવું. માત્ર આપણા ઈગોને
પંપાળનારા લોકોની વાત જ સાંભળવા અને માનવાની ભૂલ તો ન જ કરવી.

સમય તો પોતાની ગતિએ જ વહે છે. કોઈ કલાક સાંઈઠ મિનિટથી લાંબો નથી હોતો. કરોડપતિને
25 અને ગરીબને 23 કલાક નથી મળતા. સમયે તો સરખી વહેંચણી કરી છે, પૂરી પ્રામાણિકતાથી. સમય
ખોટો કે સાચો નથી હોતો, એ ક્ષણે કરાયેલો નિર્ણય ખોટો કે સાચો હોય છે-જેના પરિણામો આવનારા
સમયમાં ભોગવવા પડે છે. જે ક્ષણ સાચવી જાય છે એ જીવન સાચવી શકે છે. જે ક્ષણ ચૂકી જાય છે એણે
કેટલીકવાર જીવનભર એ ચૂકાઈ ગયેલા સમયના હપ્તા ભરવા પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *