સમયથી પહેલાં લખાયેલું સાહિત્ય, સમયથી વહેલા જીવેલા સર્જક

“ આપણે બુદ્ધિશાળીઓ’ એમ કહીને કોઈ વાતની શરૂઆત કરે છે ત્યારે મને હસવું જ આવે છે. હું
જાણું છું કે બુદ્ધિનો આધાર સંપૂર્ણતયા સ્વીકારવાનું આપણું ગજું હોતું નથી. પરંપરાનો, રૂઢ રીતિનીતિનો
આશ્રય લીધા વિના આપણે ઝાઝાં ડગલાં ભરી શકતાં નથી. બુદ્ધિને પ્રાપ્તિમાં રસ નથી, શોધમાં રસ છે.
આપણે તો અમુકતમુક પામવા માટે બુદ્ધિનો છળ તરીકે ઉપયોગ કરવા તરત તૈયાર થઈ જઈએ છીએ.
સાહસ કરતાં સલામતી આપણને પરવડે છે, તેમ છતાં, સલામતી શોધતાં હોઈએ ત્યારે બુદ્ધિની મદદથી
આપણે સાહસ કરતા હોઈએ એવો દેખાડો કરીએ છીએ. એથી જ તો મને લાગે છે કે કેવળ બુદ્ધિથી આપણું
શ્રેય નહીં થાય, સાથે પાયાની પ્રામાણિકતા જોઈએ. આવું નથી હોતું ત્યાં બુદ્ધિ જ ધૂર્તતાનો પર્યાય બની રહે
છે. પ્રજાજીવન મોટેભાગે આજકાલ વિક્ષુબ્ધ રહેતું હોય છે. કોઈને કોઈ પ્રકારનાં આંદોલનો, સંઘર્ષો ચાલ્યા જ
કરતાં હોય છે. વાતાવરણમાં ઉત્તેજના અનુભવાય છે. આપણે ન ઈચ્છીએ તોય પક્ષકાર બનવું જ પડે છે.
તટસ્થ હોવાનો દાવો ભલે કરીએ પણ આજકાલ સમાજમાં તટસ્થનું માન નથી. તટસ્થ ભીરુ અને નિષ્ક્રિય
લેખાય છે. પક્ષકાર બનીને સાચા-ખોટા સમજ્યા વગર ક્યાંક ટોળામાં ઊભા રહેવાથી તમે કોઈને કોઈ રીતે
સક્રિય છો એવું લાગે છે.”

13.7.1978ના દિવસે ગુજરાતી સાહિત્યના એક અવિસ્મરણિય સર્જક સુરેશ જોશીએ આ લખ્યું
હતું. નવાઈની વાત એ છે કે, આજે 30 મે, 2021ના દિવસે પણ પરિસ્થિતિ જરાય બદલાઈ નથી. આજે
એમને સો વર્ષ પૂરાં થાય છે. સમયથી ઘણાં વહેલા જન્મેલા આ સર્જકનો જન્મ દક્ષિણ ગુજરાતના બારડોલી
નજીક વાડોલ ગામમાં થયો હતો. સોનગઢ અને ગંગાધારામાં ભણીને એમણે નવસારીમાંથી મેટ્રિક અને
એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. અને એમ.એ. કર્યું. પહેલાં કરાંચીની કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા
અને પછી વિદ્યાનગર થઈને તેઓ મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયમાં છેલ્લે ગુજરાતી વિભાગના
અધ્યક્ષ તરીકે આજીવન કાર્ય કર્યું.

એમણે આઠ વર્ષની ઉંમરે ‘છુપા’ નામે કવિતા મોકલી હતી ! કેટલાક લોકો પોતાના સમયની પહેલાં
જન્મે છે… એટલે કદાચ, એમનો સમય એમને સમજી શકતો નથી. “સુરેશ જોશીનું સાહિત્ય સમજનારા
જન્મ્યા તે પહેલાં રચાયેલું સાહિત્ય” લાગે છે. ક્યારેક આપણને આશ્ચર્ય થાય એ રીતે એમણે પોતાના
સમયથી ઘણું વહેલું, એવું સાહિત્ય રચ્યું છે જે આપણને આજે પણ સમકાલીન અથવા કોન્ટેમ્પરરી લાગે છે.

“કોઈ વાર મારું મન નરી કડવાશથી ભરાઈ જાય છે. સમજાયું તેટલું વાંચ્યું ને આવડ્યું તેવું લખ્યું –
આમ તો સાદી વાત છે ! પણ જોતજોતાંમાં એની આજુબાજુ કેટલો મોટો પ્રપંચ ઊભો થઈ ગયો છે !
એમાંથી કેટલા પ્રશ્નો, કેટલી ગૂંચો, કેટલી કેફિયતો, કેટલા આરોપો-સર્જનચિંતનનો આનંદ તો બિચારો
દયામણો બની જાય છે. આવું કાર્ય તો પણ જાણે અપરાધ હોય એમ જમાનો મનાવવાનો પ્રયત્ન કરે છે.
આથી કેટલીક વાર આ શબ્દોની જટાજાળને છેદીને નરી નિઃશબ્દતામાં ચાલી જવાનું મન થાય છે.”

માનવસંબંધોની વાત પણ કેવી અટપટી છે ! આપણે દિલચોરી રાખ્યા વગર સંબંધ રાખીએ, નરી
પારદર્શકતાનો આગ્રહ રાખીએ તોય કશું સરળ રહેતું નથી. જેમની પ્રત્યે નર્યો સદ્ભાવ રાખ્યો હોય, જેમની
પાસેથી કશી પ્રાપ્તિની લાલત જ રાખી ન હોય તેઓ પણ અકારણ રોષથી, શંકાથી જોતા થાય, ઉચ્ચાસને
બેસીને આપણી પ્રત્યેનો પુણ્યપ્રકોપ બીજા આગળ પ્રગટ કરે અને આપણો અપરાધ ઉદારભાવે ક્ષમા કરી
દીધાનું કહેતા રહે. પ્રેમની આજુબાજુ ગેરસમજ-શંકાનું જાળું છવાઈ જતું હોય, પછી એમાંથી છૂટવાનો
તરફડાટ માત્ર રહે. આ એમણે 2.10.1981ના દિવસે લખ્યું છે. ત્યારે તો કોઈને કલ્પના પણ નહોતી કે,
ઈન્ટરનેટનો વ્યાપ આવો વધશે અને સોશિયલ મીડિયા આવી રીતે માણસોના જીવન પર હાવિ થઈ જશે.
એક તરફથી પોતાની અંગત જીવવા માગતા, ‘પ્રાઈવસી’ને સૌથી વધુ મહત્વ આપતા માણસો પોતાની દરેક
વાત વ્હોટ્સએપ અને ફેસબુક, ઈન્સ્ટા પર મૂકતા થઈ ગયા છે. અભિપ્રાયોને સમજવા કે સ્વીકારવાને બદલે
હવે એકબીજા પર એટલો બધો આક્રોશ ઠાલવતા થઈ ગયા છીએ કે, શબ્દોને છોડીને જાણે કે કોઈ
નિઃશબ્દતામાં, ચૂપકીદીમાં ચાલ્યા જવાનું જ દરેક વિચારતા અને અંગત અભિપ્રાય ધરાવતા માણસને હવે
યોગ્ય લાગે છે.

આપણે બુધ્ધિશાળી, બુધ્ધિજીવો જેવા શબ્દો વાપરીએ છીએ… સુરેશ જોશીએ 13.7.1978ના
દિવસે, આજથી સાડા પાંચ દાયકા કરતાં વધુ સમય પહેલાં લખ્યું છે, “ઈન્ટેલેક્ચુઅલ શબ્દ જ ઓગણીસમી
સદીના છેલ્લા દાયકામાં પ્રચારમાં આવ્યો. એમ કહેવાય છે કે ક્લેમેન્સોએ એનો પહેલી વાર, આજના અર્થમાં
પ્રયોગ કર્યો.

બુધ્ધિશીલો ઘમંડી, મિથ્યાભિમાની અને તોછડા હોય છે એવું પણ કહેવામાં આવે છે પણ
સોક્રેટિસને એના સમકાલીન અસહિષ્ણુ સમાજે ઝેર પાયું તે તો જાણીતું છે. બુધ્ધિશીલો પોતાનું જુદું જૂથ
બનાવીને સમાજને ખતરનાક એવી પ્રવૃત્તિને પોષે છે એવું કહેવામાં આવે છે. બુધ્ધિશીલો કદી ટોળામાં રહેતા
નથી. તેઓ મૌલિક મતભેદને સ્વીકારવા જેટલા પ્રામાણિક અને તેથી જ સહિષ્ણુ હોય છે. અસહિષ્ણુ તો
હોય છે સમાજ. તેઓ ગેલિલિયો પાસે અસત્ય ઉચ્ચારાવે છે. બુધ્ધિશીલોનું સાંસ્કૃતિક આભિજાત્ય પાશવી
આચારને જોરે પોતાને સમાજના નેતા માની બેઠેલા લોકોને ખૂંચે તે સમજાય તેવું છે. એમિલ ઝોલાએ અને
બીજા અનેકે બતાવી આપ્યું છે કે બુધ્ધિશીલો હંમેશાં કાયર નથી હોતા. ઝોલા પર અદાલતમાં મુકદ્દમો ચાલતો
હતો ત્યારે એણે ન્યાયપંચને ઉદ્દેશીને કહ્યું હતું, ‘હું તમારા કાયદાકાનૂન જાણતો નથી અને જાણવા પણ
ઈચ્છતો નથી. કાયદાકાનૂન ઘડનારા મને અણઘડ લાગે છે. તમે કાયદાકાનૂન ઘડવાનું નીતિજ્ઞોને, સર્જકોને
અને કવિઓને સોંપો એવું જ હું તો ઈચ્છું છું.’ બુધ્ધિશીલ હોવાનો ડોળ કરીને પાંચમી કતારિયાની જેમ
બુધ્ધિશીલોના વર્ગમાં ઘૂસી જઈને એને અંદરથી તોડનારો એક નવો વર્ગ ઊભો થયો છે. એનાથી સાવધ
રહેવાની ખાસ જરૂર છે.”

સર્જક અથવા ચિંતકને કદાચ આવનારો સમય પોતાના સમયથી વહેલો સમજાતો હશે… એ
પોતાના સમયથી વહેલા જન્મ્યા અને જીવ્યા હોય એટલે પણ કદાચ એમને સમકાલીન કરતાં ભાવિ વધુ
સ્પષ્ટ દેખાતું હશે. આજે, સુરેશ જોશીનો જન્મદિવસ છે, એમના શતાબ્દિ દિવસે એમની સર્જકતાને યાદ
કરીને એક અંજલિ આપવા જેટલું તો આપણે કરી જ શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *