સંદેહ, સંશય અને શ્રધ્ધા

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, ‘સંશયાત્મા વિનશ્યતિ’ (સંશય રાખનારનો નાશ થાય છે).
જે લોકોને પોતાનામાં, પરિસ્થિતિમાં, પ્રવૃતિમાં કે પરમતત્વોમાં શ્રધ્ધા નથી હોતી એવા લોકો પોતાના
સંશયમાં પોતે જ પીડાય છે. જેમને શ્રધ્ધા હોય છે, કોઈ એક વસ્તુ એમને માટે જીવન અને એની સાથે
જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો સરળ બની જાય છે. આપણે નરસિંહ મહેતા, મીરાં કે કબીરજી
જેવા સંતોની વાતો સાંભળીએ છીએ. હનુમાનજી કે પ્રહલાદની કથાઓ ઈશ્વરના અવતાર સમયના
ચમત્કારોની કથા છે… આ બધી કથાઓ આપણે સાંભળીએ ત્યારે અદભૂત રસનો અનુભવ થાય છે.
ભરત નાટ્ય શાસ્ત્રમાં આ ‘અદભૂત રસ’નો ઉલ્લેખ છે. નાટ્ય શાસ્ત્રના નવમાંથી એક રસ ચમત્કારોનો,
અનબિલિવેલબલ વાતોનો, આશ્ચર્યો અને વિસ્મયનો રસ છે. આ રસ સામાન્ય રીતે શ્રધ્ધા અને
કલ્પનાનું મિશ્રણ છે એમ કહીએ તો ખોટું નથી.

ચમત્કારોની કથા માનવા માટે ભીતર ક્યાંક શ્રધ્ધાનું તત્વ અનિવાર્ય છે. શું છે આ શ્રધ્ધા ? અને
એ શ્રધ્ધા સાથે જોડાયેલો સંશય, શંકા કે પ્રતીતિ વગરના વિચારનો અસ્વીકાર આપણી શ્રધ્ધાને ડગાવે છે.
આમ જોવા જઈએ તો માણસનો સ્વભાવ જ શ્રધ્ધા રાખવાનો છે. બાળક માના ઉદરમાં હોય ત્યારથી
જ જે નથી દેખાતું, એનું અસ્તિત્વ છે… એ લાગણી માણસના મૂળમાં રોપાયેલી છે. જેને શ્રધ્ધા છે એ
સંદેહ, વિચાર, તર્ક કે પ્રતીતિના આગ્રહથી બહારના વર્તુળમાં જીવે છે. શ્રધ્ધા એટલે કોઈ સ્વરૂપમાં કે કોઈ
ધર્મમાં (ક્રિયાકાંડ, રીતિરિવાજ કે મંદિર, મૂર્તિ નહીં, પરંતુ અધ્યાત્મની વાત છે) પોતાની માન્યતા હોવી
એવું નહીં, પરંતુ શ્રધ્ધા એટલે આપણા પોતાના અસ્તિત્વ સાથે જોડાયેલા કોઈ ચૈતન્યમાં સ્વયંને સમર્પિત
અનુભવવાની એક શંકારહિત અનુભૂતિ. ઘણા લોકો સવાલ પૂછે છે, ‘ઈશ્વરનું અસ્તિત્વ છે એ સાબિત
કરો…’ ત્યારે હાસ્યાસ્પદ લાગે છે કારણ કે, જેનું અસ્તિત્વ સાબિત કરવું પડે એને અસ્તિત્વ જ ન કહેવાય
એવું અધ્યાત્મ આપણને સમજાવે છે.

શ્રધ્ધાનો અર્થ જ નિઃશંક બનીને સમર્પિત થવું… જોકે આ સ્થિતિ સીધે સીધી પ્રાપ્ત થતી નથી.
લગભગ દરેક જ્ઞાનીને સૌથી પહેલાં સવાલ થાય, જિજ્ઞાસા જાગે, શંકા થાય એ સહજ છે. બુધ્ધથી શરૂ
કરીને જેને જેને સાચા સંત કહી શકાય ત્યાં સુધીના લગભગ બધા જ પહેલાં એક પ્રશ્ન કે સંદેહમાંથી
પસાર થયા છે. ‘જો દુઃખ જ જીવનની ઉપલબ્ધિ છે તો જીવનનો અર્થ શું છે’, બુધ્ધ પૂછે છે. મીરાં,
કબીર, સહજોબાઈ, ગંગાસતી કે સૂરદાસ કે તોરલ… સામાન્ય શરીર અને માનસિકતા લઈને જન્મેલા
એક મનુષ્ય હોવા છતાં એમના સંદેહ કે શંકામાંથી જન્મેલી શ્રધ્ધા એમને માટે એક એવો દીપક બની ગઈ
જેને લીધે એમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પથરાયો.

આપણે બધા આપણા સંતાનોને પ્રશ્ન પૂછ્યા વગરની શ્રધ્ધા રાખવાનું કહીએ છીએ, પરંતુ પ્રશ્ન
જ આપણા ઉપનિષદોના મૂળમાં છે. પ્રશ્ન પૂછાય તો એનો ઉત્તર મળે, ઉત્તર મળે તો સમાધાન થાય,
સમાધાન થાય તો સંદેહ મટે, સંદેહ મટે તો શ્રધ્ધા જન્મે… આપણે જો ઈચ્છતા હોઈએ કે, આપણું
સંતાન ભક્તિ, ધર્મ કે જ્ઞાન તરફ વળે તો એના પ્રશ્નોને ‘બોરિંગ’ કે ‘માથાનો દુઃખાવો’ માનવાને બદલે,
એના તર્કને ‘દલીલ’ કે ‘ધૃષ્ટતા’નું લેબલ ચોંટાડવાને બદલે, એના સંદેહને ‘નાસ્તિકતા’, ‘નવી પેઢીની
તોછડાઈ’ કે ‘અધાર્મિક’ કહેવાને બદલે એમના પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરીને એમના મનનું
સમાધાન કરવું જોઈએ.

શ્રધ્ધા કદી અડધી કે કાચી ન હોઈ શકે. એવી જ રીતે સંદેહ પણ અધૂરો, કાચો કે અણસમજુ ન
હોઈ શકે. ઉપર શ્રધ્ધાની રાખ વળી ગઈ હોય, પણ નીચે સંદેહના અંગારા ધગધગતા હોય તો ક્યારેય
શાંતિની ઠંડક નહીં મળે. દૂધનું વાસણ ગમે તેટલું મોટું હોય, પણ એમાં બે ચમચી દહીં કે લીંબુના ચાર
ટીંપાનો સંશય ભળી જાય તો શ્રધ્ધાનું એ આખુંય વાસણ નકામું થઈ જાય… મૂળ સવાલ સંદેહને
સમજવાનો, સ્વીકારવાનો અને એના સમાધાનનો છે.

દરેક વખતે સંત કે ગુરૂની શોધ જરૂરી નથી. ક્યારેક માતા-પિતા પણ પોતાનાથી શરૂઆત કરી શકે
છે. ધાર્મિક પુસ્તકો, શાસ્ત્રો, કથા, વાર્તા કે સત્સંગ તો માત્ર સાધન છે. આ બધું નશ્વર છે. એ
સાધનમાંથી શ્રધ્ધા નથી ઉપજતી એટલું આપણે બધાએ યાદ રાખવું પડશે. શ્રધ્ધા તો વિચારમાંથી,
અનુભૂતિમાંથી જન્મે છે. જે આખેઆખો સંદેહ કરે, પૂરી પ્રામાણિકતાથી પ્રશ્ન કરે, જીવનમાંથી
જિજ્ઞાસા જન્મે એ બુધ્ધ બની શકે… એ કબીર કે મીરાં બની શકે. મોટાભાગના માતા-પિતા પોતાના
સંતાનને લાગણી કે પ્રેમથી ‘બ્લેકમેઈલ’ કરીને મંદિર જવા, પૂજા કરવા, સંતને નમવા કે ધર્મનું પાલન કરવા
મજબૂર કરે છે. આ પ્રવૃત્તિ છે, અનુભૂતિ નથી ! આવાં સંતાનો માતા-પિતાના પ્રેમને કારણે, આદર
આપવા કે એમની ઈચ્છાને નહીં નકારવા માટે ‘પ્રવૃત્તિ’ કરે છે, પરંતુ એ પ્રવૃત્તિ ક્યારેય એમની ‘પ્રકૃતિ’
બની શકતી નથી. આચારનું પાલન કરવાથી વિચાર બદલાતા નથી. વિચાર બદલાય નહીં, ત્યાં સુધી
શ્રધ્ધા પ્રવેશતી નથી.

આવા લોકો સંદેહ અને શ્રધ્ધાની વચ્ચે ઝૂલે છે. ક્યારેક શ્રધ્ધા તરફ એમનો હિંચકો ફંગોળાય છે તો
ક્યારેક સંદેહ એમને પકડી લે છે… ઘરની બહાર શરાબ પીવી, સિગરેટ, તમાકુ કે નોનવેજિટેરિયન ખાવું.
માતા-પિતાને સારું લગાડવા મંદિર જવું… એમની જીવનશૈલી છે, શ્રધ્ધા નથી ! એ ભલે માતા-પિતાને,
જીવનસાથીને કે સમાજને રાજી રાખવા ‘હા’ પાડે, પરંતુ એની હામાં ‘ના’ પણ એટલી જ સમાયેલી છે.

શ્રધ્ધાવાન તો સમ્યક્ છે, એની શ્રધ્ધામાં સમતા છે, સમર્પણ છે, શાંતિ છે, સ્વીકાર છે. આપણને
કયા ધર્મમાં કે કોનામાં શ્રધ્ધા છે એ મહત્વનું નથી, આપણી શ્રધ્ધા સાચી છે કે નહીં, એ મહત્વનું છે.
પોતાના વિચારમાંથી જાગેલી અને જીવનના રોજિંદા વ્યવહારમાં ધબકી શકે, પરોવાઈ જાય એ સાચી
શ્રધ્ધા. જે શુધ્ધ ન કરે તે શ્રધ્ધા નથી. જે સત્ય સુધી ન લઈ જાય તે પણ શ્રધ્ધા નથી. સમજ્યા વગર
શરણ સ્વીકારવું એ પણ શ્રધ્ધા નથી. ફક્ત પ્રેમને કારણે ઊંચા માળથી કૂદી જતી કોઈ વ્યક્તિ શ્રધ્ધાવાન
નહીં, અણસમજુ છે… વિચાર અને સમજણપૂર્વકની શ્રધ્ધા એટલે આપણી સ્વતંત્રતા, પસંદગી અને
પરીક્ષામાંથી પસાર થયેલી શ્રધ્ધા. અન્યને સંમત કરવા માટે નહીં, સ્વયંને સંયત કરી શકે એ જ સાચી
શ્રધ્ધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *