રાજ્યસભાની વચ્ચે જે દ્રૌપદીએ કુરુવંશના અનેક વડીલો અને દુર્યોધનને સવાલ પૂછ્યો હતો કે,
‘મારા પતિ પહેલાં મને હાર્યા કે પોતાની જાતને?’ ત્યારે એનું અપમાન કરવામાં આવ્યું હતું. એ જ દ્રૌપદીએ
વર્ષો સુધી એક પણ સવાલ પૂછ્યા વિના સતત એ જ પાંચ પતિઓની સેવા કરી હતી એ વિશે કોઈએ
ઉલ્લેખ સુધ્ધાં કર્યો નહીં.
એક સ્ત્રીએ જ એની સાસુ કુંતીએ જ એને પાંચ પુરુષો વચ્ચે વહેંચવાનો આદેશ આપ્યો હતો તેમ
છતાં એણે કર્ણના મોઢે ‘વેશ્યા’ શબ્દ સાંભળવો પડ્યો અને ત્યારે કોઈએ ઊભા થઈને એનો પક્ષ ન લીધો!
સમાજની આ આખીયે વ્યવસ્થા સ્ત્રીની વિરોધી શા માટે છે એ સવાલ હવે ખરેખર મહત્વનો
બનતો જાય છે કારણ કે, સ્ત્રી સમાજ વ્યવસ્થાના પાયામાં છે. દરેક વખતે કોઈપણ સમાજ જ્યારે
હચમચી ઊઠે ત્યારે એના પાયા-એના પાયામાં રહેલી સ્ત્રી હચમચી ઊઠી છે એમ ચોક્કસ માની લેવું.
સ્ત્રી બદલાતા સમાજની સાક્ષી અને સાધન બંને છે, કારણ કે નવા સમાજને પોતાના શરીરમાંથી
અને પોતાના મનમાંથી એણે જ જન્મ આપ્યો છે. સ્ત્રી ત્યાં સુધી જ સમાજ વ્યવસ્થાને આધીન રહે છે
જ્યાં સુધી એ ઈચ્છે છે. સમાજ વ્યવસ્થા તોડી નાખવાનું સ્ત્રી માટે અત્યંત સરળ છે, કારણ કે સ્ત્રીના
ચારિત્ર્ય પર આ સમાજ વ્યવસ્થાના પાયા ગોઠવાયેલા છે. કોઈપણ સમાજ જ્યારે પણ સ્ત્રીને
અવગણીને આગળ વધે છે ત્યારે એ સમાજ બહુ પ્રગતિ સાધી શકતો નથી. જેમને વેદો-પુરાણોમાં જેને
ચોથા વરણ તરીકે ઓળખાવાય છે તેવા લોકોના સમાજ બહુ પ્રગતિ સાધી શકતા નથી, કારણ કે ત્યાં
મોટેભાગે સ્ત્રી સન્માનની પ્રથા નથી. સ્ત્રીની નિરક્ષરતા આખાય સમાજની નિરક્ષરતા છે, કારણ કે
નિરક્ષર માતા ભાગ્યે જ સાક્ષર કે વિદ્વાન બાળક ઉછેરી શકે છે.
સ્ત્રીનો સ્વભાવ એક જ પુરુષ સાથે બંધાઈને રહેવાનો અને સલામતી ઝંખવાનો છે, પરંતુ એના
ઉપર એ સહી શકે એનાથી વધારે અત્યાચાર ગુજારવામાં આવે ત્યારે એમાંથી જન્મેલો વિદ્રોહ સર્વનાશ
સર્જે છે. સ્ત્રી વિદ્રોહ સમાજને બદલે છે-બદલવાની ફરજ પાડે છે.
બહુ શાંતિથી વિચારીએ તો સમજાશે કે, પુરુષ ભાગ્યે જ બદલાયો છે. આજથી 20 વર્ષ પહેલાંના
પુરુષમાં અને આજના પુરુષમાં ઝાઝો ફરક નથી પડ્યો. એની જરૂરિયાત, માનસિકતા અને માન્યતા
આજે પણ એ જ છે જે આજથી 20 વર્ષ પહેલાં હતા. મા-બહેન-પત્ની કે દીકરીને અમુક રીતે સુરક્ષિત
રાખવી અને બહારની સ્ત્રીને ઉપભોગની દ્રષ્ટિએ જોવી એ પુરુષની માનસિકતા ત્યારે પણ હતી અને
આજે પણ છે.
આજની સ્ત્રી સામે માત્ર પોતાની સુરક્ષાનો પ્રશ્ન નથી, આજની સ્ત્રી સામે સવાલ એ છે કે,
સમાજ એને ‘સીતા’ના સ્વરૂપે જોવા માગે છે, પરંતુ એની પાસેથી ‘દ્રૌપદી’ની જેમ દરેકને સંભાળવાની
અને સાચવવાની અપેક્ષા રાખવામાં આવે છે. ગૃહિણી તરીકે જન્મેલી ‘મમ્મી’ મોટેભાગે દીકરીને કારકિર્દી
માટે પ્રેરિત કરે છે, પૈસા કમાશે તો જ દીકરી સ્વતંત્ર રહી શકશે એવું માનતી આ મમ્મી, પાપાની પરીને
પાંખો આપે છે, પરંતુ એ જ દીકરી જ્યારે પુત્રવધૂ બનીને જાય છે ત્યારે એની ‘સાસુ’ એ પાંખો ઉતારીને
મૂકી દેવાનું કહે છે. સંતાનનું શિક્ષણ અને એની કારકિર્દી એટલા મોંઘા છે કે મધ્યમ વર્ગના પરિવારમાં બે
જણાંને કમાયા વગર છુટકો નથી-કમાતી સ્ત્રી થોડીક મહત્વકાંક્ષી બને કે સહેજ વિરોધનો અવાજ ઉઠાવે
તો એને તરત જ કચડી નાખવા પરિવાર અને સમાજ ઉશ્કેરાઈ જાય છે. આજની સ્ત્રી ‘સીતા’ બનીને
પતિની પાછળ ચાલી શકે એમ નથી કારણ કે, કેટલાક પરિવારોમાં પતિ પાસે જ પોતાની દિશા નથી.
આપણે જ્યારે સીતાની અપેક્ષા રાખતા હોઈએ ત્યારે એની સુરક્ષા કે સન્માન માટે લંકા સુધી જઈને એને
પાછી લાવી શકે એવા ‘રામ’ પણ આ સમાજે પેદા કરવા પડશે. સોનાની મૂર્તિ મૂકીને અશ્વમેધ કરનાર,
એક પત્નીવ્રત પાળતા પતિને જ ‘સીતા’ મળે… એવો કોઈ ખ્યાલ આ સમાજને નથી. સ્ત્રી પાસેથી શ્રેષ્ઠ
ચારિત્ર્ય, સમર્પણ, સમજદારી અને સંબંધમાં પોતાના સો ટકા આપવાની અપેક્ષા પુરુષ અને સમાજ
બંને રાખે છે, પરંતુ સામે સ્ત્રીને એ જ અપેક્ષા છે એ વિશે સમાજ બેધ્યાન અને બેપરવાહ છે. સંતાનની
જવાબદારી મોટેભાગે માના ખભે આવે છે, એનો વિરોધ ન જ હોઈ શકે, પરંતુ સંતાનની સફળતાની
ક્રેડિટ સૌને લેવી છે-જ્યારે બાળક બગડે, ખોટા રસ્તે ચડે કે નિષ્ફળ જાય, નાપાસ જાય, ત્યારે એની
જવાબદારી સ્ત્રીનાં ખભે સહજતાથી મૂકી દેવામાં આવે છે. પરણીને આવેલી દીકરીને કંઈ ન આવડે તો
‘તારી માએ કંઈ નથી શીખવ્યું’ એવું એની સાસુ સંભળાવી દે છે, પરંતુ રૂમ ગંદો રાખતો, વોર્ડરોબ ન
ગોઠવતો, જાતે ચા પણ બનાવી શકતો, બેદરકાર અને અસ્તવ્યસ્ત પુરુષ કે પતિને સ્ત્રી એમ ન કહી શકે
‘તારી માએ કંઈ નથી શીખવ્યું’.
સ્ત્રી પોતાના શરીર વિશે સજાગ અને સભાન થઈ છે. યુવા અને સુંદર દેખાવાના તમામ પ્રયાસ
એ એટલા માટે કરે છે કારણ કે, એનું આકર્ષણ ટકી રહે. હજી ગયા દાયકા સુધી આ આકર્ષણ ફક્ત એના
પતિ પૂરતું હતું, હવે એ સ્ત્રી અન્ય પુરુષ-અન્ય સ્ત્રીનું ધ્યાન આકર્ષવા પણ પ્રયાસ કરે છે. અર્થ, લગ્નેતર
સંબંધનો કે અફેરનો નથી, અપ્રુવલનો છે. સોશિયલ મીડિયાએ સ્ત્રીને પોતાના દેખાવ વિશે અતિશય
સભાન કરી છે. આ સભાનતાએ એની શારીરિક જરૂરિયાતોને પણ આગવું મહત્વ આપવાની સ્ત્રીને
સમજણ આપી છે. એણે પતિને સંતોષ આપવાનો છે-નહીં તો પતિને આકર્ષવા અન્ય સ્ત્રીઓ તૈયાર છે!
પોતાને સંતોષ મળે કે નહીં, સ્ત્રીનું ચારિત્ર્ય સ્વચ્છ અને બેદાગ હોવું જોઈએ, જો પતિ અન્યત્ર જાય તો
એને માટે પણ સ્ત્રી જવાબદાર-પતિ પોતાની પત્નીમાં રસ ન લે તો એને માટે પણ જવાબદાર તો સ્ત્રી
જ! બીજી તરફ, ઓટીટી અને સિનેમામાં બદલાયેલી સ્ત્રીની વ્યાખ્યાએ સ્ત્રીને સીતાની શરમ અને
સંકોચ છોડીને દ્રૌપદીની ‘ફાયર’ અને વિદ્રોહ માટે તૈયાર કરી છે.
આજની સ્ત્રી પાસે એક સાથે ખૂલી ગયેલા અનેક ફ્રન્ટ છે. એણે દરેક યુધ્ધના મોરચે લડવાનું છે,
જીતવાનું છે. સાસુની સાથે સવારે બેસણામાં અને પતિની સાથે સાંજે કોકટેલ પાર્ટીમાં એણે શ્રેષ્ઠ ‘રોલ’
પ્લે કરવાનો છે… આજની સ્ત્રી ઈચ્છે તો પણ ‘સીતા’ બનીને જીવી શકે એમ નથી. લક્ષ્મણ રેખા ક્યારની
ઓળંગાઈ ચૂકી છે અને ગલીએ ગલીએ અપેક્ષા, અપમાન અને અસહિષ્ણુતા, અસ્વીકારના રાવણ ફરી
રહ્યા છે.
આજની સ્ત્રીએ રાજ્યસભામાં અપમાન થયા પછી પ્રશ્ન પૂછવાની તાકાત રાખવી જ પડશે.
‘પહેલાં પોતાને હાર્યા કે મને?’ પૂછી શકતી સ્ત્રી જ કદાચ આજના સમયનો આદર્શ પૂરવાર થશે.