‘સંવાદ… જે નથી થયા’

ભાનુમતિઃ એક ક્ષણ માટે આપણે ધારી લઈએ કે શકુનિના પિતા ગાંધારરાજ સુબલના
હાડકાંમાંથી બનેલા એ પાસાંએ પોતાનું કામ ન કર્યું હોત… અને કૌરવો હાર્યા હોત. તો?
દુર્યોધનઃ (હસે છે) આ કલ્પના પણ અર્થહીન છે, છતાં તમારા મનોરંજન માટે ધારી લઉ, તો
શું?
ભાનુમતિઃ તો તમે મને દાવમાં મૂકી હોત?
દુર્યોધનઃ હું મૂર્ખ નથી. પોતે હારી ગયા પછી પત્નીને દાવમાં મૂકવાનો અધિકાર નથી. પત્ની
સહધર્મચારિણી છે. દાસી કે સેવિકા નથી.

*

સિધ્ધાર્થઃ આવતીકાલે આ બધું નહીં રહે.
યશોધરાઃ જાણું છું, તેથી આજને માણવાનો અવસર કેમ ગૂમાવું? મારો પરિત્યાગ કરીને સમયના
ચક્રને અટકાવી શકશો? ભાવિના નિશ્ચિત નિર્માણને પલટી શકશો? આવતીકાલના ભયમાં આજની
ક્ષણોને ત્યાગીને ક્યાં જશો? જ્યાં જશો ત્યાં ભાવિ અને ભય તમારી સાથે જ જશે.
સિધ્ધાર્થઃ ભયથી નથી જતો, ભયમુક્ત થવા જઈ રહ્યો છું. અહીંથી જવા માટે અનુમતિ નહીં, મુક્તિ
માગું છું યશોધરા.
યશોધરાઃ અને એ મુક્તિ, કદાચિત્ મેં માગી હોત તો આપી હોત તમે? આજ રીતે સંતાન અને એના
પિતાનો પરિત્યાગ કરીને શાશ્વત સુખની શોધમાં મેં સંસાર છોડવાનો નિર્ણય કર્યો હોત તો તમે મને
અનુમતિ આપી હોત?
આ બે સંવાદો એક એવા ‘સ્નેપશોટ્સ’નો હિસ્સો છે જે અમદાવાદમાં ચાલી રહેલા
‘અભિવ્યક્તિ’ (એડિશન 5)ના ફેસ્ટિવલમાં ભજવાયા. આ એવા સંવાદો છે જે કદી થયા નથી, કદાચ
થયા હોય તો ક્યાંય નોંધાયા નથી. ભારતીય સાહિત્ય ઈતિહાસ અને પુરાણના અતિ મહત્વના પ્રસંગો
જો કદાચ થોડાક જુદી રીતે બન્યા હોત-એ ઘટનાને કદાચ કોઈ જુદો જ સંવાદ સાંપડ્યો હોત તો શું
થયું હોત? ઈતિહાસ, પુરાણ અને સાહિત્યના કેટલાક એવા પ્રસંગો જે ખરેખર બન્યા હોત તો
આપણી પાસે પહોંચેલી કથાઓ કોઈ જુદા જ સ્વરૂપે પહોંચી હોત…

ચાર ભાગમાં ભજવાતા આ સંવાદો માત્ર એક પ્રસંગ છે. આપણે સાંભળેલી કથાઓમાં,
જીવન ચરિત્રોમાં જે પ્રસંગ આપણે નથી જાણ્યો એવો કલ્પનાથી રચાયેલો એક પ્રસંગ. એક અનંત
રેખાની વચ્ચેથી ઊઠાવેલો એવો રેખાખંડ છે. રવીન્દ્રનાથ ટાગોરનાં પત્ની મૃણાલિની ટાગોર 29 વર્ષે
મૃત્યુ પામ્યાં. એ વખતે ટાગોર 44 વર્ષના હતા. મૃણાલિનીના મૃત્યુ પછી 63 વર્ષની ઉંમરે ટાગોર એક
સ્પેનિશ કવયિત્રી વિક્ટોરિયા ઓકામ્પો સાથે સ્નેહ સંબંધે જોડાયાં. એમની વચ્ચે આત્મીય પત્ર
વ્યવહાર થયો… મૃણાલિની ટાગોર અને વિક્ટોરિયા ઓકામ્પો જો મળ્યાં હોત તો? એમની વચ્ચે શું
સંવાદ થયો હોત?

રાજવી કવિ ‘કલાપી’ 26 વર્ષની ઉંમરે દેવ થયા. એમને રાત્રે પુષ્કળ ઝાડા-ઉલ્ટી થયા અને
સવારે સંપૂર્ણ સભાન અવસ્થામાં એમણે પોતાના વીલમાં એમની ત્રીજી પત્ની શોભનાને જીવનભર
રાજ્ય ખર્ચમાંથી ‘જીવાઈ’ મળે અને એ જીવે ત્યાં સુધી ફૂલવાડી બંગલામાંથી એમને કોઈ ખસેડે નહીં
એવી જોગવાઈ કરી. એમના પ્રથમ અને રાજવી પત્ની રમા ખૂબ મહત્વકાંક્ષી અને પ્રમાણમાં થોડા
પઝેસિવ હતાં. રમાની સાથે આવેલી દાસી મોંઘી, અંતે કલાપીની પ્રેમિકા બની-કલાપીએ એને
‘શોભના’ નામ આપ્યું અને લગ્ન કર્યાં. કલાપીના મૃત્યુ પછી જો રમા અને શોભના મળ્યાં હોત તો શું
થયું હોત? એ મળ્યાં હતા કે નહીં-એમની વચ્ચે કયા પ્રકારનો સંબંધ હતો એ વિશે બહુ વિગતો પ્રાપ્ત
નથી થતી, પરંતુ એક કલ્પના તરીકે રાજવી પત્ની અને દાસીમાંથી પત્ની બનેલી એમની પ્રિયતમા જો
એકમેક સાથે વાત કરે તો શું કરે?

મહાભિનિષ્ક્રમણની પળે યશોધરા અને રાહુલ ઊંઘમાં હતા. રાજકુમાર સિધ્ધાર્થે જ્યારે
ગૃહત્યાગ કર્યો ત્યારે પત્નીની અનુમતિ લેવાની ક્ષણ આવી જ નહીં, પરંતુ જો એ ક્ષણ આવી હોત
તો? પત્નીએ અનુમતિ આપી હોત કે આપણને ગૌતમ બુધ્ધ-તથાગત ન મળ્યા હોત. આ સંવાદ
સંપૂર્ણપણે લેખકની કલ્પના છે, પરંતુ યશોધરાના પ્રશ્નો સમજવા અને સાંભળવા યોગ્ય છે.

ચોથો અને અંતિમ સંવાદ દ્યુતસભા-ચીરહરણ પછી દુર્યોધન અને એમનાં પત્ની ભાનુમતિ
વચ્ચે થાય છે. અન્ય સ્ત્રીનું-ભાભીનું અપમાન કરીને પોતાના કક્ષમાં પાછા ફરેલા દુર્યોધનને ભાનુમતિ
કેટલાક પ્રશ્નો પૂછે છે જેમાં ભાનુમતિનો ભય છે, એમની સમજણ છે અને સાથે જ એક પત્નીનું
કર્તવ્ય. આ સંવાદ જો મહાભારતમાં લખાયો હોત તો કદાચ વેદ વ્યાસ પોતે પણ એક પત્નીને ન્યાય
કરી શક્યા હોત, પરંતુ આ સંવાદ મહાભારતમાં નથી!

છેલ્લા કેટલાય સમયથી પુરાણો અને ઈતિહાસના પાત્રોને નવી નજરે જોવાનો અનેક લેખકો
પ્રયાસ કરી રહ્યા છે. ઈરાવતી કર્વે, ધર્મવીર ભારતી, રામધારી સિંહ ‘દિનકર’, પ્રતિભા રાયથી શરૂ કરીને
અમીષ ત્રિપાઠી, આનંદ નિલકંઠન, ચિત્રા બેનર્જી દેવકરુણી અને ગુજરાતીમાં વિનોદ જોશી, જિગ્નેશ
અધ્યારુ, અંકિત દેસાઈ જેવા અનેક લેખકોએ એક નવા પરિપ્રેક્ષ્યથી પુરાણના પાત્રોને પોતાની
કલમથી નવો રંગ આપ્યો છે. આ કોઈ ‘ભૂલ સુધારવાની પ્રક્રિયા’ નથી, બલ્કે 21મી સદીની દ્રષ્ટિએ
પુરાણના આ પાત્રોને નવેસરથી સમજવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે. આજે આપણે જે જોઈએ
છીએ કે વિચારીએ છીએ એ ત્યારે નહીં વિચાર્યું હોય, સ્વાભાવિક છે! આપણા બદલાયેલા વિચારો,
માનસિકતા અને પરિસ્થિતિમાં ઊભા રહીને જો આપણે આ પાત્રોને જોઈએ તો એમની કેફિયત શું
હોઈ શકે, એ સમજવાનો એક નવેસરથી કરવામાં આવતો પ્રયાસ સાચે જ પ્રશંસાને પાત્ર હોવો
જોઈએ. કોઈની ધાર્મિક લાગણી દુભવવાનો ઈરાદો ન જ હોઈ શકે-પરંતુ, નવી પેઢી સુધી, એમને
સમજાય એ રીતે આ પાત્રો પહોંચે તો આપણે આપણા પુરાણોની કથાઓને આપણી નવી પેઢીના
માનસ અને સંસ્કારમાં ઉમેરવાનો પ્રયાસ કરી શકીએ.

આ ‘સંવાદ… જે નથી થયા’નો એક વધુ પ્રયોગ 10મી ડિસેમ્બરે ગુજરાત યુનિવર્સિટીના
કેમ્પસમાં ભજવાશે. ‘અભિવ્યક્તિ’ ફેસ્ટિવલમાં કોઈ ટિકિટ કે એન્ટ્રી ફી નથી. સહુ આમંત્રિત છે, સહુ
આવકાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *