સંયમ એટલે ભીતરનું બેલેન્સ

કોવિડ પછી એટલે કે છેલ્લા ત્રણ વર્ષમાં વિશ્વભરમાં માનસિક રોગીઓની સંખ્યામાં
વધારો થયો છે. એન્ઝાઈટી, ડિપ્રેશનની સાથે સાથે ફ્ર્સ્ટ્રેશન અને ઘરેલું હિંસાના કેસ પણ વધવા
લાગ્યા છે. હજી હમણા જ વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડેના દિવસે બહાર પડેલા આંકડામાંથી જે માહિતી
મળી એમાં ગુસ્સામાં પતિ-પત્નીએ એકબીજાના નાક-કાન કાપી લીધા હોય એવા કિસ્સાની સંખ્યા
આઘાતજનક છે. માત્ર પતિ-પત્ની જ નહીં, પોતાના સગા સંતાન પર ક્રોધમાં આવીને એને
દઝાડવાના અને બેરહેમીથી મારવાના કિસ્સા પણ પ્લાસ્ટિક સર્જન પાસે આવતા હોય, એમાં પણ
નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

એકબીજાને શારીરિક ઈજા પહોંચાડવાની આ માનસિક વૃત્તિ રાક્ષસી મનોવૃત્તિનું
પ્રતિબિંબ છે. ગમે તેટલો ગુસ્સો આવે, પરંતુ સામેની વ્યક્તિ પર હાથ ઉપાડવાનો, એને મારવાનો કે
એને શારીરિક રીતે ઈજા પહોંચાડવાનો અધિકાર કાયદો કે ધર્મ કોઈ માણસને આપતા નથી. શ્રીમદ્
ભગવદ્ ગીતાનો સંદેશ સમજવાનો પ્રયાસ કરીએ તો પણ જ્યાં સુધી કોઈ આપણને નુકસાન ન કરે
ત્યાં સુધી પહેલો હુમલો કરનાર ગુનેગાર છે. છેલ્લા થોડા સમયથી જોવા મળે છે કે રસ્તા પર થતો
નાનકડો ઝઘડો પણ સહજતાથી હાથોહાથની મારામારીમાં પલટાઈ જાય છે! વડીલ હોય કે બાળક,
ઉંમર કે પરિસ્થિતિની ગંભીરતા જોયા વગર જ પહેલાં ગાળો અને પછી હાથોહાથની મારામારીના
કિસ્સા આપણી આસપાસના જગતમાં વધવા લાગ્યા છે. આપણી અંદર ચાલતી માનસિક અશાંતિ
અને ઉથલપાથલને બીજી વ્યક્તિ પર ઠાલવી દેવાની આ સૌથી સરળ અને હાથવગી રીત હશે, પરંતુ
શું ખરેખર કોઈને ગાળો દેવાથી, મારવાથી કે બૂમો પાડવાથી આપણે આપણી ભીતરની અશાંતિને
શાંત કરી શકીએ છીએ? ગુસ્સો ‘ઉતારી નાખવા’થી બધું આપોઆપ મેળે થાળે પડે છે ખરું? પડોશી
હોય કે જીવનસાથી, બોસ હોય કે ભાઈ-બહેન, સંતાન હોય કે માતા-પિતા, દરેકનું વર્તન આપણને
જોઈએ તેવું અને વિચારો આપણી સાથે સહમતિ ધરાવતા હોય એવું જરૂરી નથી જ. મતભેદ હોય એ
સહજ બાબત છે, પરંતુ બધા આપણી વાત માને જ, અથવા આપણે ઈચ્છીએ તેવી જ પરિસ્થિતિ
આપણને સતત મળે એ હઠાગ્રહ છે, જે તદ્દન નકામો છે. આવા સમયમાં જ્યારે આપણી
આસપાસની પરિસ્થિતિ અનુકુળ ન હોય અથવા આપણા સ્વજન કે સગા, જીવનસાથી કે સંતાન
સાથે મતભેદ થાય ત્યારે ઉશ્કેરાઈ જવાને બદલે સૌથી પહેલાં સ્વયં સાથે સંવાદ કરવો જોઈએ.
આપણો આગ્રહ કેટલો વ્યાજબી છે અથવા વાત કેટલી યોગ્ય અને સાચી છે એ વિશે ફરી એકવાર
વિચારી જોવું જોઈએ. આપણે કદાચ આપણી જાતને, સાચા, યોગ્ય, ન્યાયી અને પરફેક્ટ લાગતા
હોઈએ, પરંતુ સામેની વ્યક્તિને એમ ન પણ લાગતું હોય એ શક્યતા નકારી તો ન જ શકાય!

આપણને કોઈ માટે પ્રેમ હોય એની અભિવ્યક્તિ કરવાનો અધિકાર આપણી પાસે છે,
પરંતુ એ વ્યક્તિ આપણને પ્રેમ ન કરતી હોય તો સ્વયંને કે એને નુકસાન પહોંચાડવું એ યોગ્ય રસ્તો
છે? એનાથી આપણને પ્રેમ કે ઈચ્છીત વ્યક્તિ મળી જશે? લગ્નજીવનમાં ખટરાગ સામાન્ય બાબત
છે, પરંતુ એવા નાનામોટા ઝઘડા વખતે ઉશ્કેરાઈને મારપીટ કરવાથી ઝઘડાનું પરિણામ આપણે જે
ઈચ્છીએ છીએ તે આવશે? આપણું સંતાન નાનું છે, આપણા પર આધારિત છે એથી ગુસ્સો
ઉતારવાનો સૌથી સોફ્ટ ટાર્ગેટ બાળક હોય છે. પતિથી કંટાળેલી કે સાસરિયા ઉપર ચિડાયેલી મા
નાનકડા બાળકને ધીબેડતા પહેલાં એકાદવાર પોતાની જાતને પૂછી જુએ કે કોઈ પોતાને આવી રીતે
મારે તો કેવું લાગે…

આપણે અજાણતાં જ ગુસ્સાને બહાર કાઢી નાખતા શીખ્યા છીએ, પરંતુ ગુસ્સાના
કારણમાં ઉતરતા આપણને ક્યારેય શીખવવામાં આવતું નથી. પેટમાં કે માથું દુઃખે, તો એને સિમ્પટોમ
(લક્ષણ) કહેવાય, પરંતુ એનું કારણ આપણા અપચામાં, ઉજાગરામાં કે બીજી કોઈ શારીરિક સમસ્યામાં
રહેલું છે એવી જ રીતે, આપણા ક્રોધનું કારણ હમણા અત્યારે બનેલી ઘટના નથી બલ્કે, એ ઘટના
સાથે જોડાયેલી કોઈક એવી બાબત છે, જે આપણા અજાગ્રત મનમાં ઘર કરી બેઠી છે. આપણે એ
બાબત વિશે જાણતા નથી, અથવા કદાચ જાણીએ છીએ, પણ એના પર ધ્યાન આપવાનું સૂઝ્યું નથી.
એ બાબત સાથે જોડાયેલી કોઈપણ બીજી ઘટના ‘ટ્રીગર’નું કામ કરે છે. નહીં ગમતી ઘટનાઓ કે
અણગમતા પ્રસંગોની એક પછી એક ઊભી થતી કડી અંતે એક એવી જગ્યાએ લાવા બનીને ફૂટે છે જે
ખરેખર યોગ્ય કે જરૂરી નથી હોતું.

હવે સવાલ એ થાય છે કે, આવી પરિસ્થિતિનો ઉકેલ શું? સંજોગો સતત ગમતા કે
અનુકુળ નહીં જ હોય, બધા આપણા ધાર્યા પ્રમાણે નહીં જ વર્તે, સૌ આપણી સાથે સહમત નહીં જ
થાય, બધા આપણી સલાહ નહીં જ માને, આપણને જે જોઈએ છે તે બધું નહીં જ મળે. બહારના
સંજોગો અને એનું દબાણ સતત વધવાનું જ છે એ પણ નક્કી છે ત્યારે આ સત્યો સાથે આપણે
આપણી જાતને શાંત કેવી રીતે રાખી શકીએ અને માનસિક રીતે સ્વસ્થ કેવી રીતે રહી શકીએ? સૌથી
પહેલી અને મુખ્ય શરત એ છે કે આપણે આપણી જાતને કહેવું પડશે, સમજાવવું પડશે અને વચન
આપવું પડશે કે આપણે શાંત રહેવું છે.

બહારની કોઈપણ પરિસ્થિતિ જો આપણા મન અને મગજનો કાબૂ લઈ લેશે તો
આપણે આપણા મન અને મગજ પર સંયમ નહીં રાખી શકીએ. ‘ગુસ્સો ન જ આવવો જોઈએ’ એવી
શરત નથી. આપણે માણસ છીએ અને દરેક માનવીય નબળાઈ આપણામાં પણ હોય જ એ સહજ
અને સ્વાભાવિક બાબત છે. અણગમતી પરિસ્થિતિ અને અણગમતું વર્તન તો આવતું જ રહેશે,
ગુસ્સો પણ એની સાથે જોડાયેલી સહજ લાગણી છે, પરંતુ એની અભિવ્યક્તિ પર આપણે કંટ્રોલ
રાખી શકીએ. આપણી ભાષા અને આપણા ગુસ્સાને બહાર કાઢવાની આપણી દિશા ઉપર આપણે
ચોક્કસ કંટ્રોલ રાખી શકીએ. માણસ તરીકે કોઈને પણ સામેની વ્યક્તિને ઈજા કે પીડા આપીને મજા
આવતી નથી સિવાય કે, એ વ્યક્તિ વિકૃત હોય! સાચું પૂછો તો ગુસ્સો કર્યા પછી, બોલી નાખ્યા પછી
કે હાથ ઉપાડ્યા પછી મોટાભાગના લોકોને અપરાધ અને અફસોસની લાગણી થતી જ હોય છે.
આપણે બધા વ્યક્તિ તરીકે ભીતરથી ઋજુ અને સંવેદનશીલ છીએ જ. ક્રોધની કે ફ્રસ્ટ્રેશનની એ પળે
આપણી સમજ થોડીવાર માટે આપણો હાથ અને સાથ છોડી જાય છે… ત્યારે કરવામાં આવેલું વર્તન
કે બોલવામાં આવેલા શબ્દો આપણા માટે કદાચ ‘ભૂલ’ અથવા ‘ક્ષણિક ઉશ્કેરાટ’ હોઈ શકે અને આપણે
એને જસ્ટીફાઈ પણ કરી શકીએ, પરંતુ સામેની વ્યક્તિ ઉપર એની શી અસર થઈ છે એ વિશે
આપણને અંદાજ નથી હોતો! આવી ક્ષણોમાં બનેલી કેટલીક ઘટનાઓ જીવનભરનો એવો ઊંડો ઘા
આપી જાય છે જે ક્યારેક શરીર પર તો ક્યારેક મન પરથી કદી રૂઝાતો નથી.

ક્રોધની, ફ્રસ્ટ્રેશનની, અકળામણની કે ઉશ્કેરાટની આવી પળે સૌથી પહેલાં આંખો
મીચીને ઊંડો શ્વાસ લેવો. સામેની વ્યક્તિ ઉપર કે પરિસ્થિતિ ઉપર ગમે એટલો ગુસ્સો આવ્યો હોય
તરત રિએક્ટ થવાને બદલે ત્રણ સેકન્ડનો પોઝ લઈ પછી જ એ વિશે કંઈ બોલવું કે વર્તવું… આ
વાંચીને જેટલું સરળ લાગે છે એટલું નથી, પરંતુ અશક્ય પણ નથી જ. વ્યક્તિ તરીકે સંબંધ, સ્વાસ્થ્ય
અને શાંતિ ખોઈ બેસવા કરતાં, સંતાનને, માતા-પિતાને કે જીવનસાથીને શારીરિક કે માનસિક ઈજા
પહોંચાડવા કરતાં થોડીક ક્ષણો સ્વયં પર સંયમ કેળવવાની પ્રેક્ટીસ ધીમે ધીમે આપણને કોઈને પણ
માફક આવી શકે. સાઈકલ ચલાવવા, તરવા કે સ્કેટિંગની જેમ આ બેલેન્સ પણ આપણને આવડી જ
જાય. એ બધી પ્રવૃત્તિની જેમ આવો સંયમ કેળવવા જતા ક્યારેક બેલેન્સ જાય, પડી જવાય. આપણને
જ વાગે, પરંતુ ધીમે ધીમે બેલેન્સ આવી જાય પછી તરવું, સાઈકલ ચલાવવી કે સ્કેટિંગની જેમ
બેલેન્સની એક કળા કે આવડત હસ્તગત કર્યાનો સંતોષ પણ થશે અને સંબંધ-સ્વાસ્થ્ય તથા માનસિક
શાંતિ પણ સરળતાથી જાળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *