પહેલી નવરાત્રિએ અમદાવાદમાં ટી સ્ટોલ ઉપર ચા પી રહેલા એક યુવાનની સાથે
ભીડમાં એક માણસ ટકરાયો. યુવાને કદાચ ઉશ્કેરાટમાં કોઈ કોમેન્ટ કરી, શાબ્દિક બોલાચાલી થઈ
અને જેની સાથે ટકરાયો હતો એ માણસના મિત્રો આવી પહોંચ્યા. હાથોહાથની મારામારી થઈ,
જેમાંથી એક માણસે પોતાના જુતામાંથી છરી કાઢીને યુવકના હાથ અને છાતીમાં અનેક ઘા
માર્યા…
11મી નવેમ્બરે 23 વર્ષનો વિદ્યાર્થી પ્રિયાંશુએ એક ઝડપભેર જતી ગાડી વિશે કોમેન્ટ
કરી, ડ્રાઈવર આગળ જઈને પાછો આવ્યો. મોટર સાયકલ પર ત્યાંથી નીકળી ગયેલા
વિદ્યાર્થીઓનો પીછો કર્યો. ગાડીમાંથી બે છરીઓ કાઢીને પ્રિયાંશુ ઉપર હુમલો કરવામાં આવ્યો.
ત્યાંથી પસાર થતાં અનેક લોકોને રોકવાનો પ્રયત્ન કરવા છતાં, કોઈ રોકાયું નહીં! અંતે, 13 વર્ષના
પુત્ર સાથે ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલાએ હોસ્પિટલ લઈ જવાની હિંમત બતાવી, પરંતુ
હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રિયાંશુનું મૃત્યુ થયું…
થોડા સમય પહેલાં આવી જ રીતે સ્પિડિંગ કરીને મોટર સાયકલ પર જઈ રહેલા-હેલ્મેટ
પહેરેલા બે યુવાનોને રોકવાનો મેં જાતે પ્રયાસ કર્યો, થોડે આગળ જઈને યુવાનો પાછા ફર્યા,
ગાડીની આગળ મોટર સાયકલ ઊભું રાખીને કાચ ઉતારવાનું કહ્યું. કાચ ઉતાર્યો ત્યારે એમાંના એક
યુવાને હેલ્મેટ ઉતાર્યા વગર કહ્યું, ‘આન્ટીજી, નીકલ લીજીએ, વરના જ્ઞાન ભારી પડ જાયેગા.’
એમણે હથિયાર તો નહોતું કાઢ્યું, પરંતુ એમના સ્વરમાં જે ધમકી હતી એ ખીસ્સામાં કે જુતામાં
પડેલા હથિયારની ગરમીને કારણે જ હોઈ શકે-એ સમજી શકાય એવી વાત છે.
આ ઘટનાઓ તો તાજી છે, પરંતુ આ સિવાય છેલ્લા થોડા સમયથી હાથોહાથની
મારામારી, અને હથિયાર કાઢીને હુમલો કરવાના અનેક કિસ્સા આપણે અખબારમાં વાંચીએ
છીએ. અત્યાર સુધી આપણે ગુજરાતને એક શાંત અને સલામત રાજ્ય તરીકે વખાણતા હતા,
પરંતુ છેલ્લા 10 વર્ષમાં ઉગ્રતા અને હિંસાનું વાતાવરણ વધતું જાય છે. પોલીસની કામગીરી વિશે
કોઈ પ્રશ્ન ના જ હોઈ શકે, પરંતુ આ કયા લોકો છે-જે ગુજરાતમાં આવીને અરાજકતા અને ભય
ફેલાવી રહ્યા છે? એક વાત નક્કી છે, આ એવા લોકો છે, જેમને કોઈ કારણ વગર ઝઘડો ઊભો
કરીને સામેની વ્યક્તિને શારીરિક નુકસાન પહોંચાડવામાં રસ છે. નાની વાતને મોટી કરીને
જનસામાન્યમાં આતંક-ભયનું વાતાવરણ ઊભું કરવું એ જ આવા લોકોનું ધ્યેય છે. જ્યાં સુધી બે-
ચાર કિસ્સા સાંભળ્યા કે જાણ્યા છે ત્યાં સુધી આ લોકો હિન્દીભાષી છે, એટલે ગુજરાતના ન
હોવાની સંભાવના વધુ છે. મોડી સાંજે કે રાત્રે ગાડી ચલાવનારને અનુભવ હશે કે મોટર સાયકલ
પર-ટુવ્હિલર પર જોખમી સ્ટંટ કરતા ટોળાં આપણને ડરાવવાનો ઈરાદાપૂર્વકનો પ્રયાસ કરે છે.
બીજી તરફ, મોટેમોટેથી બોલનારા-ઈવ ટીઝિંગ કરનારા 19થી 24ની ઉંમરના છોકરાઓ
જાહેરસ્થળોએ શરમજનક પરિસ્થિતિ ઊભી કરે છે. કેટલીકવાર ત્યાં ઊભેલા કોન્સ્ટેબલનું પણ
અપમાન થાય છે, અથવા એને પણ ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ થાય છે-જેની હું પોતે સાક્ષી
છું. આનો અર્થ એવો થાય કે, હવે પછી કોઈને પણ ટોકવા કે રોકવાનો અધિકાર એક સામાન્ય
સીધાસાદા નાગરિક પાસેથી ઝૂંટવાઈ રહ્યો છે? કોઈ અથડાય, સ્પિડિંગ કરે, ગેરવર્તન કરે કે
જાહેરમાં છોકરીની છેડતી થાય તો પણ-આપણે કંઈ બોલવાનું નહીં, ચૂપચાપ જોયા કરવાનું-જો
હિંમત કરીએ કે કોઈને કંઈ કહેવાનો, રોકવાનો કે ટોકવાનો પ્રયાસ કરીએ તો જાનનું જોખમ થઈ
જાય!
‘એનિમલ’, ‘કબીર સિંઘ’ જેવી ફિલ્મો જોઈને આજનું યુથ લઘરવઘર રહેતાં-દાદાગીરી
કરતાં અને ખોટી વાતને સાચી સાબિત કરવાનો બિનજરૂરી રીતે લોકોને ડરાવતાં શીખી રહ્યું છે.
શરાબ અને ડ્રગ્સના રવાડે ચડેલા કેટલાક સંપન્ન, સંભ્રાંત પરિવારના સંતાનો-તથ્ય કે વિસ્મય
જેવા બગડેલા છોકરાઓ અન્ય લોકો માટે જીવનું જોખમ બની જાય છે તો બીજી તરફ, મધ્યમ
અને નીચલા મધ્યમ વર્ગના કેટલાંક છોકરાઓ બહારથી ગુજરાતમાં કામ શોધવા આવે છે. કાર
મિકેનિક કે સામાન્ય મજૂર, વેઈટર જેવી નાની જોબ્સ કરતાં આ છોકરાઓ પીજીમાં-ટોળામાં રહે
છે. રિપેર કરવા આવેલું બાઈક કે ગાડી લઈને આવા લોકો મજા માણે છે. સ્પિડિંગ કે બીજા
ગેરવર્તન સામે જો કોઈ અવાજ ઉઠાવે તો આવા લોકોનું ટોળું હથિયારનો ઉપયોગ કરે છે.
આજથી થોડા સમય પહેલાં આવેલી ફિલ્મ, ‘મોમ’માં એક છોકરી આવી જ એક પરિસ્થિતિમાં
રેપનો ભોગ બને છે. અમિતાભ બચ્ચન-જોન અબ્રાહમની એક ફિલ્મ, ‘વિરુધ્ધ’માં એક અજાણ્યા
માણસની મદદ કરવા જતા જોન મૃત્યુ પામે છે! આ ફક્ત વાર્તાઓ નથી, આપણા સૌ માટે એક
ચેતવણી છે.
‘માઈકા’માં ભણવા આવેલો પ્રિયાંશુ તો પેસ્ટ્રી ખરીદવા ઊભો હતો કદાચ, એણે
અપશબ્દ વાપર્યો હોય-તો પણ, કોઈને બીજી વ્યક્તિનું ખૂન કરવાનો અધિકાર નથી. હથિયાર
રાખવું એ કાયદેસર ગુનો છે તેમ છતાં, આપણા આ સલામત અને શાંત રાજ્યમાં અનેક લોકો
પાસે હથિયાર જોવા મળે છે. તલવારથી કપાતી કેક અને લગ્નોમાં બંદુકના ધડાકા હવે કોઈ મોટા
સમાચાર નથી રહ્યા! જનસામાન્યનું જીવન ભયગ્રસ્ત થવા લાગે ત્યારે પોલીસ તો પોતાનું કામ
કરશે જ, પરંતુ પ્રિયાંશુ ઉપર હુમલો થતો હોય ત્યારે ત્યાં ઊભા રહીને જોઈ રહેલા ‘ભડના
દીકરાઓ’ પણ હવે જાગે, એ જરૂરી છે. આવી ઘટનાઓ વખતે સામાન્ય રીતે લોકોને વીડિયો
બનાવવામાં કે તમાશો જોવામાં રસ હોય છે, પરંતુ આપણે બધાએ એક વાત સમજી લેવી પડશે
કે આજે પ્રિયાંશુનો વારો છે, આવતીકાલે આ આપણો દીકરો કે દીકરી પણ હોઈ શકે! આપણે
જાતે પણ હોઈ શકીએ…
‘ગાંધીનું ગુજરાત’ કહેવાતું આ રાજ્ય અને આ રાજ્યની પ્રજા શાંતિપ્રિય અને એકમેક
સાથે સમજદારીથી જીવતી પ્રજા છે. મૂળે વ્યાપારી હોવાને કારણે ગુજરાતીઓમાં કારણ વગરનું
ઝનૂન કે ઝઘડો કરવાની ફિતરત નથી, પરંતુ હવે પછીની-મિલેનિયમ પછીની પેઢી જે કંઈ જોઈ
રહી છે, જે શીખી રહી છે અને જે પ્રકારના નશામાં ઢસડાઈ રહી છે એમાંથી જો એમને
બચાવવામાં નહીં આવે તો ગુજરાતને પણ ઉત્તર પ્રદેશ અને બિહાર બનતાં બહુ લાંબો સમય
નહીં લાગે.