સારાભાઈ અને સ્વતંત્ર વિચારો… એકબીજાના પર્યાય હતા

1912માં મારા ભાઈએ મને શિક્ષણ માટે ઈંગ્લેન્ડ મોકલી. એમની ઈચ્છા તો મને ડોક્ટર બનાવવાની હતી
કારણ કે, હું ભણવામાં ખૂબ હોશિયાર હતી, પરંતુ ત્યાં પ્રાણીઓ ચીરવાં પડતાં અને મડદાની વાસને કારણે હું બેભાન
થઈ ગઈ. અમે જૈન પરિવારમાં ઉછર્યા હતા. અમારા ઘરમાં શુદ્ધ શાકાહારી ભોજન બનતું એટલું જ નહીં, મારા
કાકા-કાકી તો કાંદા-લસણ અને કંદમૂળ પણ ન ખાતા. એવા સંસ્કારમાંથી સીધા મેડિકલ કોલેજમાં દાખલ થવું મને
અઘરું લાગ્યું, મેં ભાઈની રજા માગી અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એડમિશન લીધું.
નામ : અનસુયા સારાભાઈ
સ્થળ : અમદાવાદ
સમય : 1971
ઉંમર : 86 વર્ષ

અમારા પરિવારમાં સ્વતંત્રતા એ કોઈ ‘આપવા’ કે ‘લેવા’ની વસ્તુ નહોતી. ભાઈએ રેવાને પસંદ કરીને મેં ફરી
લગ્ન ન કરવાનો નિર્ણય લીધો.

13 વર્ષની ઉંમરે મળી ગયેલો ‘લગ્ન’નો અનુભવ મારે માટે પૂરતો હતો. મને સમજાઈ ગયું હતું કે મારો જન્મ
બાળકો ઉછેરવા કે સજી-ધજીને સામાજિક મેળાવડામાં આગળની ખુરશીમાં બેસવા માટે નહોતો થયો. મારે કશું મોટું
કામ કરવાનું હતું.

અંબાલાલભાઈની ઉંમર લગ્ન કરવાની હતી, પરંતુ મિલની ખટપટ અને બીજી બાબતોમાં એ રેવા સાથેની
મુલાકાત લગભગ ભૂલી ગયેલા અંબાલાલભાઈને એનો પત્ર મળતાં જ લગ્નની વાત યાદ આવી. એમણે તરત જ લગ્ન
નક્કી કર્યા. મુંબઈથી દરજીઓ આવ્યા. રેવા અને એની બહેનોએ જીવનમાં વિચાર્યા પણ ન હોય એવા કપડાં બન્યા
અને જબરજસ્ત ધામધૂમ સાથે વરઘોડો કાઢીને અદ્ભૂત લગ્ન થયા.

રેવાના પિતા પાસે એવા પૈસા નહોતા. એમની પાસે જે હતું તે આપીને એમણે દીકરીને વિદાય કરી. રેવાનું
નામ, બદલીને સરલાદેવી કરવામાં આવ્યું. 18 વર્ષના અંબાલાલ ‘શેઠ સાહેબ’ અને 15 વર્ષનાં સરલાદેવી ‘બાઈ
સાહેબ’ તરીકે ઓળખાવા લાગ્યા… એમણે 15 વર્ષની ઉંમરે આવડો મોટો સંસાર સંભાળી લીધો. નોકરચાકર અને બે
નણંદો સાથે ઘરમાં તમામ વ્યવસ્થા સરલાદેવીએ એવી રીતે ગોઠવી કે અંબાલાલભાઈને ચિંતા કરવા યોગ્ય કશું રહ્યું
નહીં. એમને સૌની પસંદ યાદ રહેતી. એમણે મહારાજને સૂચના આપવાથી શરૂ કરીને ઘરમાં આવનારા મહેમાન
માટેની સગવડો સાચવવા સુધીનું બધું જ જે રીતે સંભાળ્યું એ જોતાં અંબાલાલભાઈને પોતાની પસંદગી ઉપર ગૌરવ
થયું.

એમણે પત્નીને મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજમાં ભણવા મૂક્યા. અંગ્રેજી લખવા, વાંચવા, બોલવાનું શીખવા માટે
યુરોપિયન બહેન રાખ્યા અને સાહિત્ય ભણાવવા માટે વિદ્વાન પ્રોફેસરોને ઘરે આમંત્રિત કર્યા. એ સમય એવો હતો
જ્યારે, ફક્ત પુરૂષો જ પાર્ટી કે જાહેર સમારંભોમાં જતા. સ્ત્રીઓને આમંત્રિત કરવામાં આવતી નહીં.
અંબાલાલભાઈએ આ નિયમ બદલ્યો અને એવું જાહેર કર્યું કે, અંબાલાલભાઈને જો આમંત્રિત કરવા હોય તો સાથે
સરલાદેવીને પણ આમંત્રિત કરવા પડશે. એ એવો સમય હતો જ્યારે, રમણભાઈ નિલકંઠ અને વિદ્યાગૌરી નિલકંઠ
સિવાય અંબાલાલ સારાભાઈ અને સરલાદેવી એમ બે જ યુગલ સાથે દેખાતા. સરલાદેવીની રહેણીકરણી અને પહેરવેશ
પણ બદલાઈ ગયો. એ લેશની જુલોવાળી શિફોનની સાડીઓ પહેરતા. ઊંચી એડીના બુટ પહેરતા. અંબાલાલ
સારાભાઈ મખમલના લોન્ગ કોટ અને જરી ભરતની મખમલની ટોપી પહેરતા. અંગ્રેજો સાથે એમના સંબંધો વધ્યા
પછી એમણે કોટ પાટલુન અને કાળી ટોપી પહેરવાની ટેવ પાડી.

મારા ભાભી સરલાદેવી સરળ સ્વભાવનાં અને પ્રેમાળ વ્યક્તિ હતાં. 1911માં એમને ત્યાં મૃદુલાનો જન્મ
થયો. 1912માં ભારતી જન્મી. બે દીકરીઓને ઉછેરવામાં સરલાદેવી વ્યસ્ત હતાં ત્યારે અંબાલાલભાઈએ કરમચંદ
પ્રેમચંદની પેઢીના ડિરેક્ટર તરીકે જવાબદારી સ્વીકારી એટલું જ નહીં, 21 વર્ષની ઉંમરે 1911માં એમને અમદાવાદ
મ્યુનિસિપાલિટીમાં મેમ્બર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. બ્રિટીશ રાજમાં એક ભારતીય, ગુજરાતી વ્યક્તિને મળેલું
આ મોટું સન્માન હતું. અંબાલાલભાઈએ આ સન્માનનો સાચો અને સારો ઉપયોગ કર્યો. અમદાવાદમાં શિક્ષણ
સંસ્થાઓ વધવી જોઈએ, ખાસ કરીને કન્યા શિક્ષણ ઉપર ગુજરાતમાં ભાર મૂકાવો જોઈએ એ વાતનો એમણે દૃઢતાથી
પ્રચાર કર્યો.

1912માં મારા ભાઈએ મને શિક્ષણ માટે ઈંગ્લેન્ડ મોકલી. એમની ઈચ્છા તો મને ડોક્ટર બનાવવાની હતી
કારણ કે, હું ભણવામાં ખૂબ હોશિયાર હતી, પરંતુ ત્યાં પ્રાણીઓ ચીરવાં પડતાં અને મડદાની વાસને કારણે હું બેભાન
થઈ ગઈ. અમે જૈન પરિવારમાં ઉછર્યા હતા. અમારા ઘરમાં શુદ્ધ શાકાહારી ભોજન બનતું એટલું જ નહીં, મારા
કાકા-કાકી તો કાંદા-લસણ અને કંદમૂળ પણ ન ખાતા. એવા સંસ્કારમાંથી સીધા મેડિકલ કોલેજમાં દાખલ થવું મને
અઘરું લાગ્યું, મેં ભાઈની રજા માગી અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એડમિશન લીધું. બે વર્ષનું શિક્ષણ પૂરું
કરીને હું જ્યારે પાછી ફરી ત્યારે કેલિકો મિલ ધમધમાટ ચાલતી હતી. મારા કાકા ચીમનભાઈએ ઊભી કરેલી મિલ
મજૂરોની કાળજી લેવાની પરંપરા મારા ભાઈ અંબાલાલે આગળ ધપાવી હતી.

મારી બહેન કાન્તાનું અવસાન થયું. હું મારી પરીક્ષા અધૂરી મૂકીને પાછી આવી, પરંતુ ત્યાં સુધીમાં મારા ઉપર
પશ્ચિમની પૂરી અસર થઈ ચૂકી હતી. મેં માથે ઓઢવાનું છોડી દીધું. ખુલ્લી બગીમાં ફરતી અને પુરૂષોની સભામાં
એમની સાથે બેસીને ચર્ચા કરતી. હું પાછી ફરી ત્યારે એમના દીકરા સુહ્યદનો જન્મ થયો હતો. 1915માં લીના જન્મી
પછી એમણે પોતે પણ ઈંગ્લેન્ડ જવાની તૈયારી શરૂ કરી હતી. નવી ટેકનોલોજી અને મિલોને વધુ સારી રીતે ચલાવવા
માટે ઈંગ્લેન્ડ જવું જરૂરી હતું. મિલોનો વહીવટ કોને સોંપીને જવું એ એક મોટો પ્રશ્ન હતો. એમણે પોતાની નીચે એક
આખી મેનેજરિયલ લાઈન તૈયાર કરી. સૌને પોતાનું કામ બરાબર સમજાવીને એ ઈંગ્લેન્ડ ગયા. એ પાછા આવ્યા ત્યારે
એક નવી ટેકનોલોજી લઈને આવ્યા હતા. એમને માનચેસ્ટરની મિલોની ટેકનોલોજીમાં ભારત અને ગુજરાતના
વિકાસનું ભવિષ્ય દેખાતું હતું. એમણે ફરીવાર ઈંગ્લેન્ડ જવાની તૈયારી શરૂ કરી ત્યારે 1917માં ગૌતમનો જન્મ થયો.
એ ઈંગ્લેન્ડ ગયા અને મશીનોના ઈમ્પોર્ટના ઓર્ડર કરીને પાછા ફર્યા ત્યારે એમને માટે કેલિકો મિલ સર્વસ્વ બની ચૂકી
હતી. જોકે, એમણે ગુજરાતના વિકાસ માટેના પ્રયત્નો પૂરા દિલથી શરૂ કર્યા હતા.

અંબાલાલ સારાભાઈએ અમદાવાદમાં સૌથી પહેલી મોટર ખરીદી. એમણે એક મુંબઈથી ડ્રાઈવર બોલાવ્યો.
એ જમાનામાં ગુજરાતમાં પુરૂષો મૂંછો રાખતા. અંબાલાલે મૂંછો કઢાવી અને પછી ટોપી પહેરવાની પણ છોડી દીધી.
એમને કપડાનો ખૂબ શોખ હતો.

1917માં ગૌતમના જન્મ પછી 1919માં વિક્રમનો જન્મ થયો. ભાઈ ત્યારે ફરી એકવાર ઈંગ્લેન્ડ ગયા અને
જ્યારે પાછા ફર્યા ત્યારે કેલિકો મિલને ભારતની સૌથી મોર્ડન મિલ બનાવવાની તૈયારી શરૂ થઈ ચૂકી હતી. 1921માં
ગીતા અને 1923માં ગીરાનો જન્મ થયો… સરલાભાભીની પાંચ દીકરીઓ અને ત્રણ દીકરાઓ હવે એમને વ્યસ્ત
રાખતા હતા. ગુજરાતમાં એમને એવી કોઈ શાળા દેખાતી નહોતી જે સારાભાઈ પરિવારના સંતાનોને વિદેશ જેવું
શિક્ષણ ગુજરાતમાં આપી શકે. સરલાભાભીએ ઘરમાં જ સંતાનોનું શિક્ષણ શરૂ કરાવ્યું. આખા દેશમાંથી ઉત્તમ
કલાકારો, સાહિત્યકારો અને શિક્ષણવિદોને આમંત્રિત કરીને એમનાં આઠ સંતાનોને એમણે હોમ સ્કૂલિંગ દ્વારા
શિક્ષિત કર્યા.

એ જમાનામાં માતા-પિતાને મોટા ભાઈ કે મોટી બહેન કહીને બોલાવવાનો રિવાજ હતો. અંબાલાલ
સારાભાઈના ઘરમાં સંતાનો એમના માતા-પિતાને ‘મમ્મી-પપ્પા’ કહેતા એટલું જ નહીં, સરલાદેવી અને
અંબાલાલભાઈ પણ એકબીજાને નામથી બોલાવતા. ક્યારેક ડાર્લિંગ કે ડિયર પણ કહી દેતા. આઠ બાળકોને ભણાવવા
સરળ નહોતા, પરંતુ સરલાદેવીએ કોઈ દિવસ પોતાના બાળકો પર બૂમો પાડી હોય કે હાથ ઉપાડ્યો હોય એવું મને યાદ
નથી. એ ક્યારેક ‘ભાઈ’ને ફરિયાદ કરે તો ભાઈ જમવાના ટેબલ પર સૌની સામે પોતાના સંતાન સાથે કોઈ વયસ્ક
વ્યક્તિની જેમ વાત કરતા. ‘એ તોફાન શા માટે કર્યું’ અને ‘એમાંથી શું મળ્યું’ એવા પ્રશ્નો પૂછીને એ બાળકોને
સમજાવતા.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *